અવલોકન-વિશ્વ/એક અનોખું સર્જક-સાહસ – હિમાંશી શેલત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક અનોખું સર્જક-સાહસ – હિમાંશી શેલત


1-In-Altre-Parole-Cover.jpg


In Altre Parole – Jhumpa Lahiri – Milan, Italy, 2015
In Other Words – Tr. by Ann Goldstein, Hamish hamilton, Penguin, India, 2016

અમેરિકાસ્થિત ઝુમ્પા લાહીરી એમના પ્રથમ વાર્તાસંગ્રહ Interpreter of Maladiesથી જાણીતાં થયાં. ભારતથી અમેરિકા ગયેલી વ્યક્તિઓ અને પરિવારોનાં ઝીણવટભર્યા નિરીક્ષણમાંથી સર્જાયેલી બેનમૂન વાર્તાઓ એમની પ્રથમ ઓળખ બની. આ પછી એમણે ત્રણ નવલકથાઓ આપી, The Namesake, Unacustomed Earth અને The Lowland. ઝુમ્પાને અનેક એવોર્ડ-ઇનામ પ્રાપ્ત થયાં છે. જેમાં પુલિત્ઝર પ્રાઇઝ,પેન-હેમિંગ્વે એવોર્ડ, ફ્રેન્ક ઓ’કોનોર ઇન્ટરનેશનલ શોર્ટ સ્ટોરી એવોર્ડ ઇત્યાદિનો સમાવેશ થાય છે. પ્રબળ કલ્પનાશક્તિ અને વિગતોનું નક્કર ચિત્રણ એમના કથાસાહિત્યનાં આગવાં લક્ષણો છે, એમનું કથાગુંફન પણ અત્યંત રસપ્રદ છે.

*

ઝુમ્પા લાહીરી વિલક્ષણ અને વિચક્ષણ સર્જક છે. એમનું મૂળ ઇટાલિયનમાં લખેલું પુસ્તક In Altre Parole, (અનુવાદ In Other Words) નોખું અને રસપ્રદ તો ખરું જ,પણ તે સાથે એ સર્જક અને ભાષાના સંબંધનો એક મહત્ત્વપૂર્ણ આલેખ બને છે. પ્રસ્તુત પુસ્તકને Linguistic autobiography – ભાષાકેન્દ્રી આત્મકથન – તરીકે ઓળખાવતાં ઝુમ્પા નવી ભાષામાં વ્યક્ત થવાનો પોતાનો આગ્રહ, અને એની સાથે જોડાયેલાં ભયસ્થાનોનું વિશદ અને રોમાંચક ચિત્ર અહીં આપે છે.

વીસેક વર્ષથી ઇટાલિયન ભાષાનો અભ્યાસ કરી રહેલાં આ લેખકે 2012માં એમની નવલકથા The Lowland પ્રગટ કરી. કથાસાહિત્યમાં આ એમનું ચોથું પુસ્તક. આ પછી એમણે અંગ્રેજીમાં ન લખવાનો નિર્ણય લીધો. આટલો સાહસપૂર્ણ નિર્ણય લેવા પાછળ કોઈ કારણ ખરું? અન્ય ભાષામાં વ્યક્ત થવાની તીવ્ર ઇચ્છા તે એક અગત્યનું પરિબળ. અને ઇચ્છાનું તો શું વિશ્લેષણ હોય!

A desire is nothing but a crazy need. (ઇચ્છા કે ઝંખના પાગલ તરંગે સર્જેલી જરૂરિયાતથી વધુ શું!)

માતૃભાષા બંગાળી ખરી તોયે ઝુમ્પાને બંગાળી સાથે એવો લગાવ નથી. એમનાં મા અમેરિકામાં રહ્યે રહ્યે કલકત્તાને સાચવી શકેલાં. બંગાળી વાંચવાની આદત દેશમાંથી આવતા પત્રોને કારણે ટકી રહેલી, અને એ પત્રોનું ફરી ફરીને વાચન થતું. પણ ઘરમાં બંગાળી બોલવાની ટેવ ઝુમ્પાથી નથી સચવાતી. એ તો અંગ્રેજી જ બોલે છે – શાળામાં, મિત્રો સાથે,અને છેવટેઘરમાં સુધ્ધાં.આમ માતૃભાષા પારકી રહે છે, અને અંગ્રેજી સરસ લખાવા, બોલાવા અને વંચાવા છતાં સાવકી મા જેવું પારકું જ રહી જાય છે.

પોતીકી ભાષાની સશક્ત હાજરી વિના ઝુમ્પા સતત અપૂર્ણતાના અજંપામાં રહે છે. જાતને ઓળખવા માટે પોતાનો દેશ અને પોતીકી સંસ્કૃતિની તીવ્ર આવશ્યકતા, અને એની ગેરહાજરી વિષયક સભાનતા, ઝુમ્પાને નવી ભાષાકીય દિશાની શોધ માટે પ્રેરે છે. માતૃભાષા સાથેનો નાતો સચવાયો નથી, અંગ્રેજી સાથે જે નાતો છે તે કેવળ પરિસ્થિતિજન્ય છે, એટલે જે ત્રીજી યાત્રા આરંભાય છે એ લેખકની ઇચ્છાના પરિણામરૂપ છે. આ એક સ્વતંત્ર માર્ગ છે, મનને રુચેલો અને શ્રમપૂર્વક ખેડેલો.

લેટિનની જાણકારી ઝુમ્પા માટે લાભદાયી છે. પોતાના શોધનિબંધ માટે એ ‘સત્તરમી સદીના અંગ્રેજી નાટ્યલેખકો પર ઇટાલિયન સ્થાપત્યનો પ્રભાવ’ વિષય પસંદ કરે છે. ઇટાલિયન ભાષાના પરિચય માટે શબ્દકોશ ખરીદીને લેખક વ્યવસ્થિત અભ્યાસ આદરે છે. 2014માં એ રોમ આવે છે. હવે અહીં લાંબો સમય રહેવાનું છે અને એ અંગે એમણે બરાબર તૈયારી કરી લીધી છે. નવા શબ્દો જાણીને એનો ઉપયોગકરવાની તાલીમ મળે તે માટે ઝુમ્પા ડાયરી લખવાની શરૂઆત કરે છે. આ લેખન કષ્ટદાયક છે, વાક્યરચના અને શબ્દપસંદગી મથાવે છે, એમને માર્ગદર્શન આપનારાં તજ્જ્ઞો ઝુમ્પાનાં લખાણ ચકાસતાં રહે છે. લખવામાં જે ભૂલો થાય છે તે ભયંકર છે, તોયે અર્ધશિક્ષિતની જેમ એ આગળ વધે છે. શૈલીનું ઘડતર તો હજી દૂરની વાત છે, આ તબક્કે તો એમને શબ્દના ઔચિત્ય અંગે પણ ખાતરી નથી. વ્યાકરણમાં કાળના ઉપયોગ સંદર્ભે અનેક ગોટાળા થતા રહે છે. નવી ભાષા જોડે મેળ પાડવા તત્પર ઝુમ્પા લેશ પણ નાનમ અનુભવ્યા વગર પોતાની ભૂલો સુધારતાં જાય છે. એક સિદ્ધહસ્ત સર્જકની જેમ નહીં, નવું શીખતાં ઉત્સાહી વિદ્યાર્થીની પેઠે એ ઇટાલિયન ભાષા પર પ્રભુત્વ મેળવવા ઝંખે છે. નવી ભાષાના સત્ત્વને પામવા, એના ઊંડાણમાં પહોંચવા ટૅક્નોલોજી મદદરૂપ નથી થતી. આ પ્રક્રિયા જ એવી છે જે ધીરજ અને સમય માગે, એમાં કોઈ ટૂંકા અને સરળ રસ્તાઓ ખપ લાગતા નથી.

ઝુમ્પા માટે ઇટાલિયન ભાષા પરિશ્રમ અને સ્વાધ્યાયને અંતે પ્રાપ્ત થયેલું ફળ છે, ઇપ્સિત ખરું, પરંતુ સહજપ્રાપ્ય નહીં. પરભાષાને આત્મસાત્ કરવાની તાલાવેલીને આ સર્જક બારીકાઈથી આલેખે છે. સતત પ્રભાવ પાથરતી અંગ્રેજી ભાષા અને નવી નવી પમાયેલી ઇટાલિયન ભાષા ઝુમ્પાના લેખન દરમિયાન વારંવાર સામસામે થઈ જાય છે. બે બાળકોની મા હોવા જેવો આ અનુભવ છે. એક નવજાત છે જેને માવજત અને રક્ષણની જરૂર છે, જ્યારે બીજું તરુણાવસ્થામાં પ્રવેશેલું ઉદ્દંડ અને આત્મવિશ્વાસથી ભર્યું ભર્યું છે. બંનેને પોતાની નજીક રાખવાનાં છે એ બાબતે ઝુમ્પાને શંકા નથી.

કેવો છે ઝુમ્પાનો ઇટાલિયન-ભાષા માટેનો પ્રેમ?

‘When you are in love, you want to live forever. You want the emotion, the excitement you feel to last. Reading in Italian arouses a similar longing in me. I don’t want to die, because my death would mean the end of my discovery of the language. Because everyday there will be a new word to learn. Thus true love can represent eternity. (p. 45)

(પ્રેમમાં હોઈએ ત્યારે અનંતકાળ માટે જીવવાની ઇચ્છા જાગે. જે લાગણી અને ભાવોદ્રેક અનુભવતાં હોઈએ એ હરહંમેશ ટકી રહે એમ મન ઝંખે. ઇટાલિયન વાંચતી વખતે મને આવી જ ઝંખનાનો અનુભવ થાય છે. મારે મરવું નથી કારણ કે મારું મૃત્યુ એટલે ભાષા માટેની મારી શોધનો યે અંત. રોજે રોજ એક નવો શબ્દ શીખવાનો છે. આમ સાચો પ્રેમ અનંતતાને સૂચવે.)

અને શબ્દો એકઠા કરવાનો, એને યાદ રાખવાનો અને એનો ઉપયોગ કરવાનો ઝુમ્પાનો ઉત્સાહ આમ છલકાય છે:

‘I’m constantly hunting for words… I gather as many as possible. But it’s never enough, I have an insatible appetite.’ (p. 49)

(હું તો સતત શબ્દો પાછળ… જેટલા વીણાય એટલે વીણતી જાઉં પણ એનો ધરવ ક્યાંય નહીં, મારી શબ્દ-ભૂખ સંતોષી શકાતી નથી.)

*

ઝુમ્પા વેનિસમાં છે, અસંખ્ય પુલો અને જલપ્રવાહોની સ્વપ્નનગરી. અહીં ઇટાલિયન ભાષા સાથેના જોડાણને નવું પરિમાણ પ્રાપ્ત થયું હોય એમ ઝુમ્પાને સમજાય છે. અહીંની અટપટી શેરીઓની ગૂંચ અને જ્યાં પહોંચવાનું હોય તેનાથી અલગ સ્થળે પહોંચવાની ગફલત ઝુમ્પા માટે ઇટાલિયન ભાષા પ્રયોજવાની મથામણ જેવાં જ દેખાય છે. પોતે લખેલું પ્રત્યેક વાક્ય એમને પુલ જેવું વરતાય છે, એક બિંદુ પરથી બીજા બિંદુ તરફની ગતિ અને પુલની બરાબર વચ્ચે અધ્ધર હોવાનો અનુભવ. આ સમય દરમિયાન લેખક જાહેરાતોનાં પાટિયાં વાંચે છે, સમાનાર્થી શબ્દોની અર્થછાયાઓ પકડવાના પ્રયાસ કરે છે, ક્રિયાપદો નીચે લીટીઓ દોરતાં રહે છે. આવો અભ્યાસ સર્જકને એમની ભાષાસંદર્ભે છતી થતી મર્યાદાઓનું ભાન કરાવે છે. લેખન એટલે અપૂર્ણતાનું સન્માન અને શક્યતાઓનો સ્વીકાર.

‘In a certain sense writing is an extended homage to imperfection. A book, like a person, remains imperfect, incomplete, during its entire creation. At the end of the gestation the person is born, then grows but I consider a book alive only during the writing. Afterwords, at least for me, it dies.’ (p. 108)

(એક ખાસ અર્થમાં લેખન અપૂર્ણતાને અપાયેલો અર્ઘ્ય છે. વ્યક્તિ પેઠે પુસ્તક પણ એના સર્જનગાળામાં ખામીભરેલું અને અપૂર્ણ હોય છે. અંતે વ્યક્તિ જન્મે છે,અને વિકસે છે પણ મારે માટે તો લખવાની પ્રક્રિયા દરમિયાન જ પુસ્તક જીવે છે, પછી મારાપૂરતું તો એ મૃત્યુ પામે છે.)

આમ કહ્યા પછી ઝુમ્પા કહે છે કે અપૂર્ણતા જ શોધ, સર્જકતા અને તીવ્ર કલ્પનાના પાયામાં છે. અપૂર્ણતા એક વિશેષ પ્રકારની ઉત્તેજનાને જન્મ આપે છે. અપૂર્ણતાની જેટલા પ્રમાણમાં ખાતરી, એટલા પ્રમાણમાં વ્યક્તિની જીવિત હોવાની અને એની સર્જકતાની સાબિતી. અહીં એક નિર્દેશ અનુકૂળ પ્રદેશ (comfort zone) છોડવા અંગે છે. જે ભાષામાં વ્યક્ત થવાનું ફાવે છે એ છોડીને નવી ભાષામાં લખવાનું સાહસ ઝુમ્પા આદરે છે, અને ટૂંકી વાર્તા, ગદ્યખંડો ઇત્યાદિ લખ્યા બાદ પ્રસ્તુત પુસ્તક ઇટાલિયનમાં લખે છે,અને એનો અંગ્રેજી અનુવાદ સ્વયં ન કરતાં અન્ય પાસે કરાવે છે.

*

એક વાર રજાઓ ગાળવા ઝુમ્પા રોમથી અમેરિકા આવે છે. એમની સાથે થોડાં ઇટાલિયન પ્રવાસીઓ પણ છે. રજાઓ પૂરી થતાં રોમ પાછાં આવી રહેલાં સહપ્રવાસીઓનો ઉલ્લાસ ઇટાલિયન ભાષામાં વહે છે,વતન પહોંચવાનો ઉત્સાહ ઢાંકી શકાય એવો નથી. પ્રવાસીઓના સમૂહમાં ઝુમ્પા પોતાનું સ્થાન શોધી નથી શકતાં. ઇટાલી એમનું વતન નથી, તો વળી અમેરિકા પણ વતન તો ક્યાં છે? પોતીકી ભાષા વિનાનું અને પોતીકા વતન વિનાનું આ ભ્રમણ ખરેખર તો ક્યાંયે પહોંચાડતું નથી. એ લખે છે :

‘I am exiled even from the definition of exile.’ (p. 124) (મારો તો દેશવટાની વ્યાખ્યામાંથી યે દેશનિકાલ થઈ ગયો છે.)

રોમ છોડીને પુન: અમેરિકાવાસી થવાનો સમય આવે છે ત્યારે પસંદગીનો સવાલ ઊભો થાય છે. ત્રણ વર્ષથી અંગ્રેજી ભાષામાં ખાસ વાંચ્યું-લખ્યું નથી એ હકીકતથી સભાન લેખક હવે કઈ દિશામાં આગળ વધવું એ વિશે દ્વિધામાં છે. અંગ્રેજી સદંતર છોડી દેવું, કે પછી અમેરિકામાં અંગ્રેજીને જ ઉચિત અભિવ્યક્તિ ગણવી? જો ઇટાલિયન ભાષા છૂટી જશે તો ફરી એની પાસે જવાનું ઘણું અઘરું બની જશે. આ એક પુસ્તક ઇટાલિયનમાં લખાયું એનો એમને ઘણો આનંદ છે, એનાં સર્જક ભલે ઇટાલીમાં નથી જન્મ્યાં, પુસ્તક તો ઇટાલીમાં જ જન્મ્યું છે. એનું અસ્તિત્વ સ્વતંત્ર છે,એના પ્રથમ ભાવકો આ પ્રદેશના હશે. એનો અનુવાદ અંગ્રેજીમાં થશે ત્યારેય એનાં મૂળિયાં અહીંનાં હશે. પુસ્તકને કારણે લેખકનો એક અંશ ઇટાલીમાં સચવાઈ રહેશે અને આ કોઈ નાનું આશ્વાસન નથી.

ઝુમ્પાનું આ પુસ્તક સર્જકનો એની ભાષા જોડેનો સંબંધ ઊંડાણપૂર્વક ચકાસે છે. એમને માટે ભાષા એ જ એમની ઓળખ છે કારણ કે બાહ્ય દેખાવ કે નામ ઉપરાંત એમને જે જાણે છે એ ભાષાથી જાણે છે. એ અદૃશ્ય રહે છે છતાં એમને સાંભળનારાં અનેક છે, અને એ રીતે એ શબ્દ થકી હયાત છે, શબ્દ એ જ એમનો અવતાર. ભાષામાં જાતને શોધવાની અને ભાષા દ્વારા જાતને પામવાની આ યાત્રા અત્યંત વિશિષ્ટ અને રોમાંચક છે, અને દેશવટો ભોગવતા સર્જકોમાં પણ ભાગ્યે જ જોવા મળે એવાં અનોખાં એનાં ઘાટપોત છે. આ સર્જકનું છઠ્ઠું પુસ્તક અંગ્રેજીમાં હશે કે ઇટાલિયનમાં, એની પ્રતીક્ષા રહેવાની. એ ત્રિભેટે ઊભાં છે, ભાષા સાથેના સંબંધમાં ભારે ઊથલપાથલ થઈ ચૂકી છે, કૂટ પ્રશ્ન છે, આગળ કયો રસ્તો લેવો? એમના લેખનનું ભાવિ અસ્પષ્ટ છે, પણ આ ક્ષણે, જ્યારે ઇટાલિયન ભાષાનું પુસ્તક થયું છે ત્યારે, એમને પારાવાર આનંદ છે.

*

હિમાંશી શેલત
વાર્તાકાર, સંપાદક.
અંગ્રેજીનાં પૂર્વ-અધ્યાપક, સુરત.
અબ્રામા, વલસાડ.
hishelat@gmail.com

93758 24957
*