અવલોકન-વિશ્વ/કવિતા અને ભાવકપ્રતિભા – મધુસૂદન કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિતા અને ભાવકપ્રતિભા – મધુસૂદન કાપડિયા


5-Break-Blow-Burn–Camille-Peglia-Cover.jpg


Break, Blow, Burn – Camille Peglia
Vintage, New York, 2006
પૅગ્લીઆનું આ પુસ્તક શેક્સપિયરથી જોની મિચેલ સુધીના કવિઓનાં કાવ્યોના આસ્વાદનું સંકલન છે. એમાં 28કવિઓ અને 43કાવ્યો છે અને દરેક કાવ્યનો રસદર્શી આસ્વાદ છે. પુસ્તકનો પહેલો ભાગ Renaissance (નવજાગૃતિકાળ)થી રોમેન્ટિક યુગના સર્વસ્વીકૃત સુપ્રસિદ્ધ કવિઓનો છે જેવા કે શેક્સસ્પિયર, વર્ડ્ઝવર્થ, શેલી, વગેરે અને બીજો ભાગ આધુનિક કવિઓનો છે જેમ કે વિલયમ કાર્લોસ વિલિયમ્સ, વોલેસ સ્ટીવન્સ, થિયોડોર રથકી વગેરે. યેટ્સ પછી એક પણ બ્રિટીશ કવિ નથી તે આશ્ચર્યજનક છે. વર્ડ્ઝવર્થ, કોલરિજ અને શેલી છે તો તેમના સમકાલીન કીટ્સ, ટેનિસન, રોબર્ટ બ્રાઉનિંગ, એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ કેમ નથી? તેમજ ફિલિપ લારકીન, એલિઝાબેથ બિશપ અને મેરીએન મૂર પણ નથી. કિટ્સ અને ઓડન જેવા કવિઓની ગેરહાજરી સાલે તેવી છે. પ્રસ્તાવનામાં પૅગ્લીઆ તેમનો ઇરાદો સાફો, બોદલેર અને લોર્કાનો સમાવેશ કરવાનો હતો તેમ જણાવે છે. પણ પછી અનુવાદની મુશ્કેલીને લીધે એ વિચાર પડતો મૂક્યો તેમ કહે છે.

કમિલ પૅગ્લીઆ યુનિવર્સિટી ઓવ આર્ટ્સ, ફિલાડેલ્ફિયામાં હ્યુમેનીટીઝ અને મિડીઆ સ્ટડીઝનાં પ્રોફેસર છે. પૅગ્લીઆ સાહિત્ય, ચિત્ર, શિલ્પ, પોપ સંગીત, મુવી જેવાં અનેક ક્ષેત્રોમાં એકસરખી નિપુણતા ધરાવે છે. તેમના નામે બીજાં ચારેક પુસ્તકો છે. જેમાંનું એક ‘ધ બર્ડ્ઝ’ હિચકોકનો અભ્યાસ છે. તેમનું સુપ્રસિદ્ધ પુસ્તક છે: ‘સેક્સચ્યુઅલ પર્સોને: આર્ટ એન્ડ ડેકેડન્સ ફ્રોમ નેફરટીટી ટુ એમિલી ડિકિન્સન.’ એ જ્યારે પ્રગટ થયું ત્યારે સાહિત્યની દુનિયામાં એણે તરખાટ મચાવેલો.

કાવ્યની આલોચના અને આસ્વાદ માટે તેઓ હાલના વિવેચકોની જેમ માર્ક્સવાદી નથી. તે પૂર્વેના વિવેચકોની જેમ ફ્રોઇડવાદી નથી પણ તેમના વિદ્યાગુરુ હેરોલ્ડ બ્લૂમ (જેના માર્ગદર્શન નીચે તેમનો ‘સેક્સચ્યુઅલ પર્સોને’નો મહાનિબંધ તૈયાર થયો.), ક્લીન્થ બ્રૂક્સ અને એલન ટેટની પ્રણાલીને અનુસરીને રૂપવિધાનવાદી છે.

ગુજરાતી કવિતામાં કાવ્યાસ્વાદનો માનદંડ સુરેશ જોષીની નાનકડી પુસ્તિકા ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ છે. સુ. જો. સમર્થ સર્જક છે – અદ્ભુત નિબંધકાર, ઉત્તમ નવલિકાકાર અને વિવેચનના ક્ષેત્રે નવી કેડી કોરનાર દૃષ્ટા. પૅગ્લીઆની સરખામણી સુ. જો. સાથે ન થઈ શકે. છતાં

પૅગ્લીઆ વિદ્વાન છે, અભ્યાસી છે, સૂક્ષ્મ દૃષ્ટિ અને ઉમદા શૈલી ધરાવે છે. પણ એક બીજી દૃષ્ટિએ તુલના કરી જુઓ. સુ. જો.ની ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ પુસ્તિકાનાં 141પાનાં છે. પૅગ્લીઆના પુસ્તકનાં 247પાનાં છે. સુ. જો.માં કુલ 22કાવ્યોના આસ્વાદો છે, પૅગ્લીઆમાં 43ના. મને આવું બીજું દૃષ્ટાંત આપવાનું મન થાય છે. ઉમાશંકર અને નિરંજન આપણા સમર્થ કવિ-વિવેચકો. ઉ. જો. એ ‘કવિતા વાંચવાની કળા’ ઉપર લેખ કર્યો છે. ‘(શબ્દની શક્તિ’, પૃ. 123-124)અને નિરંજને ‘કવિતા કાનથી વાંચો’ ‘(સ્વાધ્યાયલોક’, પૃ. 148-170.) આની જોડે સરખાવો એડવર્ડ હર્ષનું ‘How to Read a Poem: And Fall in Love with Poetry’, પુસ્તકાકારે પ્રગટ થયું છે, કુલ 258પાનાં. અને ‘Understanding Poetry’ – ક્લીન્થ બ્રુક્સ અને રોબર્ટ પેન વોરનના 600થી વધુ પાનાંના ગ્રંથ સાથે તો તુલના જ કેવી રીતે થઈ શકે? શી ખબર કેમ પણ ગુજરાતી વિદ્વત્તાનું ફલક જ આટલું સાંકડું છે?

કાવ્યોનો વ્યાપ

પૅગ્લીઆ જાણે શેલી પછી આસ્વાદરૂપે ‘In Defense of Poetry’ સર્જે છે. આ કાવ્યોનું અર્થઘટન સ્ત્રીસ્વાતંત્ર્ય કે દલિતોદ્ધાર કે એવા કોઈ હેતુ માટે નથી. પૅગ્લીઆને રાજકારણ, સમાજકારણ, ધર્મ, અધ્યાત્મ એવા કોઈ પણ ક્ષેત્રે કશું જ સ્થાપવું નથી. એ તો રાચે છે ઉપમા, રૂપક, પ્રતીક, લય, સંગીતની સમૃદ્ધિમાં. એને મન કાવ્યો શાબ્દિક કળાકૃતિઓ છે; જીવન અને મૃત્યુ, પ્રેમ અને ધર્મ, રૂપ અને સૌન્દર્યની અભિવ્યક્તિ છે… પૅગ્લીઆના શબ્દોમાં ‘કાવ્યમાત્રનું વાચન અંતે અપૂર્ણ અને અધૂરું રહેવા સર્જાયું છે પણ તેથી તે આપણને અર્થઘટનની જવાબદારીમાંથી મુક્તિ નથી આપતું.’

આ સંકલનમાં અધઝાઝેરાં કાવ્યો સુપ્રતિષ્ઠિત છે: શેક્સપિયરનાં સોનેટ, ડનનાં પ્રણયકાવ્યો, માર્વેલનું ‘To His Coy Mistress’, એમિલી ડિકિન્સનનાં લઘુકાવ્યો, યેટ્સનાં બન્ને ‘The Second Coming’ અને ‘Leda and the Swan’ સૌએ વાંચ્યાં હોય. હવે પૅગ્લીઆના આસ્વાદો સાથે આપણા અર્થઘટનનો તાળો મેળવવાનો આનંદ અનેરો છે. કેટલાંક અજાણ્યાં અને અનપેક્ષિત છે, પણ બધાં જ ઉત્તમ કાવ્યો છે, પૅગ્લીઆના સૂક્ષ્મ સઘન આસ્વાદોથી એ પ્રસન્નકર બને છે. પૅગ્લીઆ કહે છે તેમ, ‘કવિતા એના લઘુક સ્વરૂપે વૈશ્વિક વિભૂતિને વાચા આપે છે. કવિતા કલ્પનાને ઉદ્દીપિત કરે છે અને આત્માને પ્રફુલ્લિત કરે છે.’

સુપ્રસિદ્ધ કાવ્યો

શેક્સપિયરનું સોનેટ ‘Sonnet 73’ સુપ્રસિદ્ધ નથી પણ શેક્સપિયરથી વધુ સુપ્રસિદ્ધ કોણ છે? અંગ્રેજી કવિતાને વાંચવા-સમજવા માટે તમારે બે વસ્તુનું પુરસ્સંધાન જરૂરી છે: બાઇબલ અને શેક્સપિયર. અને બંનેમાં લેખિકા માહેર છે. શેક્સપિયર આ સોનેટમાં મનુષ્યજીવનને દિવસ સાથે સરખાવે છે. પૅગ્લિઆ તરત જ આપણું ધ્યાન દોરે છે આ રૂપક તો ઇડિપસ જેટલું જૂનું છે. સ્ફીન્ક્સ ઇડિપસને પૂછે છે: ‘એ કોણ છે જે સવારે ચાર પગે ચાલે છે, બપોરે બે પગે અને રાત્રે ત્રણ પગે?’ ઇડિપસે કહ્યું: ‘માણસ.’ (બાળપણમાં ઘૂંટણિયાં તાણે છે, માટે ચાર પગે; યુવા-પ્રૌઢાવસ્થામાં બે પગે અને વૃદ્ધાવસ્થામાં લાકડીના ટેકે ચાલે છે માટે ત્રણ પગે.)

જ્હોન ડનનું ‘Holy Sonnet XIV’ સાચે જ સુપ્રસિદ્ધ છે. ડનનાં કાવ્યો બે ભાગમાં વહેંચાઈ જાય છે: સાંસારિક અને ધાર્મિક. દીક્ષા લીધા પછી તેમણે માત્ર ધર્મોપદેશનાં અને ભક્તિનાં કાવ્યો લખ્યાં. નવજાગૃતિકાળમાં કળા, સેક્સ અને ધર્મ એકબીજા સાથે ગૂંથાઈ-ગૂંચાઈ ગયાં હતાં. આ કાવ્યમાં ધર્મ અને પ્રેમનો કાતિલ સંઘર્ષ થાય છે. ત્યારે કાવ્યદૃષ્ટિએ પરિણામ આહ્લાદક આવે છે. છેલ્લી પંક્તિનો આંતરવિરોધ સ્તબ્ધ કરી મૂકે તેવો કઠોર છે: Nor ever chaste, except you ravish me. (હું ક્યારેય પવિત્ર નહીં થાઉં સિવાય કે તું મારા પર બળાત્કાર કરે.) આ કાવ્યનો આસ્વાદ એલિઝાબેથ ડ્ર્યૂએ પણ કરાવ્યો છે – ‘Poetry: A Modern Guide to the Understanding and Enjoyment’ (પૃ. 58-59).આ બન્ને આસ્વાદોની તુલના રસિક થાય પણ એ વૈભવ તો આપણને કેવી રીતે પોષાય!

એન્ડ્ર્યુ માર્વેલનું ‘To His Coy Mistress’ પ્રસિદ્ધ અને અદ્ભુત કાવ્ય છે. શું એની લાજવાબ શરૂઆત છે:

Had we but world enough and Time,
This coyness, Lady were no crime.
(આપણી પાસે પર્યાપ્ત સ્થળ અને કાળ હોત તો આ શરમસંકોચ, પ્રિયે, ગુન્હો ન ગણાત.)

પૅગ્લીઆ કહે છે કે આ જાણે તર્કની ત્રિપદી (Sypogism) છે:

1. જો આપણી પાસે પર્યાપ્ત સ્થળ અને કામ હોત…
2. પણ નથી…
3 તો ચાલો પ્રેમ કરીએ.

હું તો જ્યારે જ્યારે આ કાવ્ય વાંચું છું ત્યારે ત્યારે મને હેમંતકુમાર જ યાદ આવે છે: ‘યે રાત,યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસ્તાં’. કવિ ક્રૂર બનીને પ્રિયતમાને જોવાની ફરજ પાડે છે કે જો આપણી સામે શું પડ્યું છે. આપણે રાહ જોયા જ કરત, વર્ષોનાં વર્ષો નહીં, સદીઓની સદીઓ, અને હજારો વર્ષ, પણ–

But at my back I always hear
Time’s winged chariot hurrying near;
And yonder all before us lie
Deserts of vast eternity.

(પણ મારી પીઠ પાછળ હું હંમેશાં સાંભળું છું/કાળનો પાંખાળો રથ/પાસે ને પાસે આવતો;/અને ત્યાં દૂર આપણી સમક્ષ પથરાયાં છે/અનંત કાળનાં અરણ્યો.)

પૅગ્લીઆ નોંધે છે કે કવિ સ્થળ અને કાળને એક પંક્તિમાં સૂત્રબદ્ધ કરે છે.

Composed upon Westminster Bridge વર્ડ્ઝવર્થનાં તાદૃશ ચિત્રાત્મક કાવ્યોમાંનું એક છે. સામાન્યત: કવિ શહેરની ચહલપહલથી કંટાળે છે પણ અહીં તો એ આનંદાશ્ચર્યથી બોલી ઊઠે છે: આવી ગાઢ શાંતિ મેં ક્યારેય જોઈ નથી કે અનુભવી નથી – ‘Ne’er saw I, never felt, a calm so deep! કાવ્યની પ્રથમ પંક્તિ જ પ્રગાઢ સૌંદર્યને વ્યક્ત કરે છે – ‘પૃથ્વી ઉપર આનાથી વધુ સુંદર બીજું કંઈ નથી.’ ‘પ્રકૃતિ અને સંસ્કૃતિ આ પળે જાદુઈ સુમેળમાં છે.’ – આ શબ્દો કવિના નહિ આસ્વાદકના છે!

યુગબોધ

કવિ જો એના સમયનું ચિત્ર ન આપે તો કોણ આપે? આ પ્રકારનાં પણ થોડાં કાવ્યો આ સંકલનમાં છે. આપણે એક સુપ્રસિદ્ધ કવિનું પસંદ કરીએ અને એક અજાણ્યા કવિનું. વિલિયમ બ્લેકનું ‘The Chimney Sweeper’ જાણીતું કાવ્ય છે તેથી આપણે એમાં એકાદ-બે આસ્વાદબિંદુઓ જ નોંધીશું. કાવ્યમાં કુમળી વયના એક છોકરાને એનો બાપ ચીમની સાફ કરવાના ધંધામાં પડેલા દયાહીન માલિકને વેચી દે છે. છોકરો શેરીએ શેરીએ સાદ પાડે છે – ચીમની સાફ કરાવવા માટે. છોકરો એવડો નાની ઉંમરનો છે કે હજી sweep sweep એવો જોડાક્ષર ઉચ્ચારી શકતો નથી એટલે મોંમાંથી અજાણ્યે weep weep એવો સાદ નીકળે છે. કવિએ સભંગ શ્લેષનો અને ઉચ્ચારશાસ્ત્રનો કેવો કાવ્યાત્મક ઉપયોગ કર્યો છે. પૅગ્લીઆ આપણું ધ્યાન દોરે છે કે બ્લૅક પયગંબરી અભિનિવેશથી કહે છે કે આ લાગણીહીન સમાજ આટલા કુમળી વયના છોકરાઓને ગુલામ બનાવે છે અને તેમનું ખૂન કરે છે તેના પર રડો અને રક્ષણ વિનાના બલિ ઉપર રડો.

જિન ટૂપર અને તેમનું ‘Georgia Dusk’ પ્રમાણમાં અજાણ્યાં ગણાય. કાવ્યની શરૂઆતમાં તો આફ્રિકન-અમેરિકનની ગુલામીનો ઇતિહાસ, જેમાંથી મુક્તિ, એની દુ:ખદ સ્મૃતિ, તેના રહી ગયેલા ઘાવ, આજે પણ રંગભેદ – આ બધું છતાં આવા જુલમ નીચે પણ ગૌરવ તેનું આલેખન છે. થોડુંક લાંબું કાવ્ય છે પણ એનો ઉત્તમાંશ આફ્રિકન-અમેરિકનોનાં ગીતો વિશે છે. સૌ સાથે મળીને ગીત ગાય છે. હવે એમની પાસે વાજિંત્રો તો હોય નહિ તો કવિ પ્રકૃતિ વાદ્યસંગીતનો સાથ આપે છે તેનું જે વર્ણન કરે છે અને પૅગ્લીઆ એનો જે આસ્વાદ આપે છે તે અદ્ભુત છે. એક જ નાનકડું દૃષ્ટાંત: ‘the pine trees are guitars;/strumming,… pine needless fall like sheets of rain.’ (ચીડનાં વૃક્ષો ગીતાર છે, ઝંકારતા… ચીડનાં પાંદડાં વર્ષાની ધારા જેમ વરસે છે.) છેલ્લી કડી વિદાયગીત અથવા વરદાન છે, વર્ડ્ઝવર્થના ‘ટિન્ટર્ન એબી’ની જેમ, ‘Therefore let the moon/ Shine on thee in thy solitary walk (તો તારા એકાંત પ્રવાસને ચંદ્ર ભલે આલોકિત કરે.)

સાદગી

વિલિયમ કાર્લોસ વિલિયમ્સનો મુદ્રામંત્ર જ સાદગી છે, સરળતા નહિ, સાદગી. અહીં પસંદ થયેલાં બે કાવ્યોને જોતાં એમાં કાંઈ કવિતા છે એવો ભાગ્યે જ વહેમ આવે. છતાં પૅગ્લીઆ જ્યારે એનો આસ્વાદ કરાવે છે ત્યારે સાદગીમાં છુપાયેલું સૌન્દર્ય જરૂર પ્રગટ થાય છે. ‘This is Just to Say’ આ કાવ્યનું શીર્ષક જ કેવું અછડતું ટાંચણ હોવાનો ડોળ કરે છે, ઉતાવળે કાગળની ચબરખી પર નોંધ કરી હોય તેમ. છતાં પૅગ્લીઆ કહે છે તેમ આ એક ઉત્કૃષ્ટ મૌલિક પ્રેમકાવ્ય છે. વાત તો આટલી જ છે કે પત્નીએ સવારના નાસ્તા માટે ફ્રીઝમાં સાચવી રાખેલી દ્રાક્ષ મોડી રાતે આવેલો પતિ ખાઈ જાય છે અને ક્ષમાયાચનાની નાનકડી નોંધ રસોડામાં મૂકે છે. છેલ્લી કડીની વ્યંજના – જ્યાં રસાર્દ્ર શીતળ ફળ ચુંબનનો સ્પર્શ આપે છે.

વિલિયમ્સનું બીજું કાવ્ય ‘The Red Wheelbarrow’ આટલું જ સાદું છે. પણ આપણે એ છોડીને વોલેસ સ્ટીવન્સનું ‘Anecdote of the Jar’ જોઈએ. એ પણ આટલું જ સાદું છે. એની પહેલી પંક્તિ જ જુઓ: ‘I placed a Jar in Tenessee’ (મેં એક બરણી ટેનેસીમાં મૂકી). પહેલી પંક્તિમાં કવિ ત્રણ પાત્રોને રજૂ કરે છે: કળાકાર, કળાકૃતિ અને પ્રકૃતિ. કીટ્સના ‘Ode on a Grecian Urn’નું આ પ્રતિકાવ્ય છે. કીટ્સની કીમતી ફૂલદાની કળાના કાળ પરના વિજયનું પ્રતીક છે. કીટ્સના કાવ્યની સુપ્રસિદ્ધ પરાકાષ્ઠા ‘Beauty is truth, truth beauty, – that is all/ Ye know on earth, and all ye need to know.’ (સૌન્દર્ય તે જ સત્ય છે અને સત્ય તે સૌન્દર્ય – બસ આટલું જ તું પૃથ્વીના પટ પર જાણે છે અને આટલું જ તારે જાણવાની જરૂર છે.) સ્ટીવન્સ જેવા આધુનિક કવિ માટે કવિતા સૌન્દર્ય કે સત્ય નથી, તે છે માત્ર વ્યવસ્થા, ભલેને તે ગમે તેટલી ક્ષણભંગુર હોય. પહેલી અને છેલ્લી લીટીનો અંતિમ શબ્દ એક જ છે, Tennessee, જાણે કે સ્વરવ્યંજનો આપમેળે એકબીજાની પ્રતિકૃતિ ન રચતા હોય. તેના છેલ્લા શબ્દાંશ (Syllable)માં સાંકેતિક સંદેશ છે: ‘see’ – કળામાત્રનો ઉદ્દેશ.

સ્ટીવન્સનું બીજું કાવ્ય Disillusionment of 10 O’ Clock લેશમાત્ર સાદું નથી, ખાસ્સું સંકુલ છે. આ કાવ્યના આસ્વાદમાં પૅગ્લીઆનો કવિતા ઉપરાંત અન્ય ક્ષેત્રોનો અભ્યાસ દીપી ઊઠે છે. પૅગ્લીઆ કાવ્યને ચોપેંની નાન્દી કે એરિક સેટીની પિયાનોની સંગીતરચનાના એક ટુકડા કે ગોગાંના સામૂહિક દૃશ્યોની સાથે સરખાવે છે. પૅગ્લીઆના શબ્દોમાં ‘કલ્પનાના કામણથી સ્થળ અને કાળ વિસ્તરે છે, પીગળે છે અને તેમના અસ્તિત્વનો અંત આવે છે. તેથી જ કળા તેના તરલ સર્વાશ્લેષી વાતાવરણને લીધે સ્ટીવન્સ માટે દસ વાગ્યાની જુલમીમાંથી મુક્તિ છે.’

અને છેલ્લે

એમિલી ડિકિન્સન

પહેલું કાવ્ય છે Because I could not stop for death. કાવ્યના અનુવાદ માટે જુઓ, ‘પરબ’, સપ્ટેમ્બર, 2013. તેનાં ટીકાટિપ્પણ માટે ‘પરબ’, જૂન 2014. કાવ્યની પહેલી પંક્તિ તે જ એનું શીર્ષક છે. સાક્ષાત્ મૃત્યુ સજ્જન માણસનો દેખાવ કરીને છેતરપીંડીથી કાવ્યની નાયિકાને લગભગ પરાણે ગાડીમાં બેસાડી દે છે. નાયિકા કહે છે કે ગાડીમાં અમે બે જ જણાં હતાં અને immortality – અમરત્વનું વચન આપીને લલચાવીને એને બેસાડી દીધી છે. વસ્તુત: આ ઘોડાગાડી નથી પણ શબવાહિની છે. ધીમી ગતિએ ગાડી ચાલે છે, સ્મશાનયાત્રા ધીરગંભીર ગતિએ ચાલે તેમ. મૃત્યુના દૂતને કંઈ ઉતાવળ નહોતી અને ‘મેં પણ કોરે મૂકેલાં My labor and my leisure (મારી મજૂરી અને મારાં સુખચેનને’) પૅગ્લીઆ ડિકિન્સનની પ્રતિભા પર પ્રસન્ન થઈને કહે છે કે માત્ર બે જ શબ્દોમાં કવયિત્રી સમગ્ર જીવનના સંતાપ અને સંતોષને વ્યક્ત કરે છે.

પછીની કડીમાં કવયિત્રી એકનું એક ક્રિયાપદ ત્રણ વાર વાપરે છે, કાળની ગતિને મૂર્ત કરવા. ‘We passed the School’ (અમે શાળા પસાર કરી) ‘We passed the Fields of Gazing Grain’ (અમે મીટ માંડી રહેલાં ધાનનાં ખેતરો પસાર કર્યાં) અને We passed the Setting Sun’ (અને અસ્ત થતા સૂર્યને પસાર કર્યો.) આ ત્રણ પંક્તિઓ દ્વારા ત્રણ કાળ રજૂ થયા છે: બાળપણ, પ્રૌઢાવસ્થા અને અંતકાળ.

અમરત્વની વાત તો દૂર રહી, છેલ્લા પડાવે પેલો ધૂર્ત નાયિકાને કબરમાં ઉતારે છે. આ પ્રવાસ ઘરથી કબર સુધીનો છે.

બીજું કાવ્ય છે Safe in Their Alabaster Chambers. આ કાવ્યનો વિષય પણ મરણ અને કબર છે. કબરમાં ‘Lie the meek members of the Resurrection–’ (પુનરુદ્ધાર માટે ગરીબ મૃતાત્માઓ સૂતા છે.) પૅગ્લીઆ ‘meek’નો બાઇબલનો સંદર્ભ આપે છે: ‘Blessed are the meek, for they shall inherit the earth.’ (જે દુર્બળ છે તે ધન્ય છે, કારણ કે તેઓ પૃથ્વીના વારસ થશે.) અને તરત જ ઉમેરે છે કે, ‘ના, એમના માટે ઘોર અંધાર અને મારી સિવાય કશું અવશિષ્ટ નથી. પ્રભુહીન દુનિયામાં શ્રદ્ધાળુઓ વિશ્વાસઘાતથી સનાતન કબરમાં સ્થાન પામે છે.’

બીજી કડીની છેલ્લી બે પંક્તિઓ અને પૅગ્લીઆનો આસ્વાદ બન્ને અદ્ભુત છે:

Diadems – drop – and Doges – surrender – Soundless as dots – on a Disc of Snow – (સામ્રાજ્યો ધૂળમાં મળે છે અને વેનિસની કળાસમૃદ્ધિ બરફની રેકર્ડ પરનાં નીરવ ટપકાંની જેમ અદૃશ્ય થઈ જાય છે.) વેનીસની કળાસમૃદ્ધિ, તેનો ભપકો, દબદબો પગલાનાં એક ચિહ્ન વિના અદૃશ્ય થઈ જાય છે. સભ્યતા અને સંસ્કૃતિ શાશ્વતીમાં વિલીન થઈ જાય છે. નિર્લેપતાથી કઠોર કવયિત્રી જુએ છે કે આપણી હરિયાળી પૃથ્વી બર્ફીલા શૈત્યમાં થીજી જાય છે. એકધારી વર્ણાનુપ્રાસોની હારમાળા અને નવ વાર આવતો ‘d’ (ડ) ટીકટીક સમયને વ્યતીત કરે છે અને નવ વાર આવતો ‘s’ (સ) સ્મશાનની શાંતિને મૂર્ત કરે છે.

સમાપન

તમારે શેક્સપિયરનાં સોનેટની કળાકારીગરી, જ્હોન ડનનો ભક્તિશૃંગાર, જ્યોર્જ હર્બર્ટની ભક્તિ, એન્ડ્ર્યુ માર્વેલનો વિનોદ, વિલિયમ બ્લેકની દલિતસંવેદના, વર્ડ્ઝવર્થનું પ્રકૃતિસૌન્દર્ય, એમિલી ડિકિન્સનની સંક્ષિપ્ત સઘન સમૃદ્ધિ, યેટ્સનું ઐશ્વરી અવતારનું આલેખન, વોલેસ સ્ટીવન્સ અને વિલિયમ કાર્લોસ વિલિયમ્સની સાદગી, જિન ટૂમરનો ગુલામીનો પરિપ્રેક્ષ્ય, લેંગ્સ્ટન હ્યુસ, ફ્રેન્ક ઓહારા અને જોની મિનેલનું સંગીત, થિયોડોર રથકીની જીવનમૃત્યુની ગતિ, વગેરેનો એકસાથે સ્વાદ લેવો હોય તો કમિલ પૅગ્લીઆ તમને નિમંત્રે છે.

*

મધુસૂદન કાપડિયા
વિવેચક.
ગુજરાતીના પૂર્વ-અધ્યાપક, મુંબઈ.
અમેરિકા.
mgkapadia@yahoo.com

973-386-0616
*