અવલોકન-વિશ્વ/તબીબના માનવીય ધર્મની કથા – રાજીવ રાણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તબીબના માનવીય ધર્મની કથા – રાજીવ રાણે


74-Cutting-For-Stone-184x300.jpg


Cutting For Stone – Abraham Verghese
Vintage Books, New York, 2010

હાલ અમેરિકામાં વસતા ભારતીય મૂળના, ને ઈથોપિયામાં ઊછરેલા ડોક્ટર અબ્રાહમ વર્ગીસે લખેલી આ નવલકથા Cutting For Stone (નિજી સ્વાર્થ માટે કંઈક કરવું…) અમેરિકામાંથી પ્રકાશિત થઈ છે.

એના લેખક પોતે તબીબ હોવાને કારણે તેમણે તે સમયગાળાના ડોક્ટરોની મન:સ્થિતિ ખૂબ જ બારીકાઈથી વર્ણવી છે. તે સમયમાં ટૅક્નોલોજીના સહારા વગર અત્યંત ટાંચાં સાધનો સાથે કામ કરી ડોક્ટરો કઈ રીતે લોકોના જીવ બચાવતા તેનો આશ્ચર્યજનક અને અહોભાવપ્રેરક ચિતાર આ કથામાં મળે છે.

સન 1950 આસપાસના વૈશ્વિક રાજકારણની તથા ઈથોપિયાની આંતરિક રાજકીય ઉથલપાથલ વચ્ચેથી આ કથા પસાર થાય છે, જે તેને રોમાંચક તથા માહિતીપ્રદ આયામ બક્ષે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, તબીબી વિજ્ઞાન અને ઈથોપિયાની રાજકીય-સામાજિક પરિસ્થિતિના પડછાયામાંથી પસાર થતી આ કથા ખરેખર તો માનવમનનાં ઊંડાણ તથા તેની રહસ્યમય સારપને તાગે છે, અને તેની સુખદ અનુભૂતિ ભાવક સુધી પહોંચાડવામાં સફળ થાય છે.

શું એક જ ગર્ભાશયમાં વિકાસ પામી રહેલાં, એક જ ગર્ભનાળથી જોડાયેલાં બે સંતાનોના ભવિષ્યમાં સામ્ય હોઈ શકે? એક જ સમયે એક જ માતા થકી જન્મેલાં જોડિયાં બાળકોના સ્વભાવ અલગ હોઈ શકે? વળી માતાના ગર્ભમાં હોય ત્યારે શરીરના કોઈ એક ભાગ વડે પરસ્પર જોડાયેલાં હોય તેવાં શિશુઓને શું અલગ માનવાં? આવાં શિશુઓ વચ્ચે શું કોઈ અગમ્ય – અકળ અનુબંધ હોઈ શકે? આવા પ્રશ્નોનો જવાબ શોધતી 670 પાનાંની નવલકથાને એબ્રાહમ વગિર્સે સન 1954માં જન્મેલાં જોડિયાં બાળકોમાંથી એક મેરીઓનના મુખે પહેલા પુરુષ એકવચનમાં કહેવડાવી છે.

વાર્તાની શરૂઆત મદ્રાસ મેડિકલ કોલેજથી થાય છે. જ્યાં ભણી, સર્જનની પદવી લઈ ચૂકેલા બ્રિટિશ સર્જન ડો. થોમસ સ્ટોનને ભારતની આઝાદી પછીનું વાતાવરણ અનુકૂળ લાગતું નથી અને તેથી તેઓ ભારત છોડી આફ્રિકા ખંડના ઈથોપિયા દેશની રાજધાની એડિસ અબાબામાં મિશન હોસ્પિટલ ખાતે સર્જન તરીકે જોડાવા જઈ રહ્યા છે.

આફ્રિકા લઈ જતા વહાણ ‘કેલેંગ્યુટ’માં બે યુવાન નર્સ એવી ખ્રિસ્તી સાધ્વી – સિસ્ટર મેરી પ્રેઈઝ અને સિસ્ટર અંજલી તેમની સહયાત્રી છે. દરિયાઈ સફર દરમિયાન ટાયફસ નામક એક વિચિત્ર રોગ ફાટી નીકળે છે. સિસ્ટર અંજલી માટે તે જીવલેણ સાબિત થાય છે. ડો. સ્ટોન પણ આ બીમારીના શિકાર બને છે પરંતુ સિસ્ટર મૅરી કાળજીપૂર્વક સારવાર કરી તેમનો જીવ બચાવે છે. વહાણ એડન બંદરે નાંગરે છે. ડો. સ્ટોન સિસ્ટર મૅરીને અહીં ઊતરવાને બદલે પોતાની સાથે એડિસ અબાબા આવવા વિનવે છે. પરંતુ સિસ્ટર મૅરી ખ્રિસ્તી મઠના આદેશથી બંધાયેલી છે, તેથી એડન બંદરે ઊતરી જાય છે. તે સમયે એડનની રાજકીય પરિસ્થિતિ ખૂબ જ વિષમ અને અસ્થિર હોય છે. ચારે કોર અંધાધૂંધી અને લૂંટફાટ વચ્ચે થોડા દિવસોમાં સિસ્ટર મૅરીને શહેર છોડવાની ફરજ પડે છે. એક નિરાશ્રિત તરીકે ભટકતી સિસ્ટર મૅરી દૈવયોગે એડિસ અબાબાની મિશન હોસ્પિટલે પહોંચે છે. માનસિક તથા શારીરિક રીતે ભાંગી પડેલી સિસ્ટર મૅરીને મિશન હોસ્પિટલની લાગણીશીલ મેટ્ર્ન હર્સ્ટ આશ્રય આપી સ્વસ્થ કરે છે. મૅરી ત્યાં જ નર્સ તરીકે જોડાઈ જાય છે અને ડો. સ્ટોન સાથે રાત-દિવસ ઓપરેશન થિયેટરમાં કામ કરે છે.

એક દિવસ અચાનક સિસ્ટર મૅરીને પેટમાં સખત પીડા સાથે ઇમરજન્સીમાં લાવવામાં આવે છે. ત્યાં તપાસતાં જાણવા મળે છે કે તેના પેટમાં ગર્ભ છે. સર્જન થોમસ સ્ટોનને તરત ખ્યાલ આવી જાય છે કે પાછલાં વર્ષોના તેમના વ્યાવસાયિક સંપર્ક દરમિયાન ક્યારેક બંધાયેલી શારીરિક નિકટતાનું આ લજ્જિત પરિણામ છે. તપાસતાં એ પણ ખબર પડે છે કે મૅરીના પેટમાં બે બાળકો છે અને એ બન્ને માથાના ભાગથી જોડાયેલાં છે. પ્રસૂતિ-નિષ્ણાતની ગેરહાજરીમાં સર્જન ડો. થોમસ સ્ટોન અને ફિઝીશ્યન ડો. અભિ ઘોષ પ્રસૂતિ કરાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.

સિસ્ટર પુષ્કળ લોહી ગુમાવી ચૂકી છે અને તેની હાલત ગંભીર છે.

જોડાયેલાં માથાં એક સાથે જન્મી ન શકે તેને કારણે સિસ્ટરનો જીવ બચાવવા બેમાંથી એક બાળકના માથામાં શારડી મૂકી છિદ્ર પાડી, સંકોચાવી જન્મ કરાવવાનો નિર્ણય લેવાય છે. એક બાળક માટેનો આ જીવલેણ પ્રયાસ શરૂ થાય છે ત્યાં જ સ્ત્રીરોગ- નિષ્ણાત ડો. હેમલતાનું આગમન થાય છે અને તે ઓપરેશનથી બાળકોનો જન્મ કરાવે છે. બાળકો જીવંત જન્મે છે, પરંતુ અથાગ પરિશ્રમ છતાં માતાનું મરણ થાય છે. તે જ ઘડીએ હતપ્રભ થયેલા અને આઘાત પામેલા ડો. સ્ટોન કોઈને જાણ કર્યા વિના, કાંઈ પણ લીધા વિના ઈથોપિયા છોડી જાય છે. તે બાળકો સામે જોતા પણ નથી અને તેની પરવાહ પણ કરતા નથી.

માથાથી જોડાયેલાં બન્ને શિશુઓને ડો. હેમલતા કુશળતાપૂર્વક અલગ કરે છે. તે આ અનાથ શિશુઓનું નામકરણ પણ કરે છે – એકનું નામ મેરીઓન અને બીજાનું નામ શિવા. બન્નેના નામની પાછળ માતાની અટક પ્રેઈઝ અને ત્યાર બાદ પિતાની અટક સ્ટોન લગાડે છે. ડો. હેમલતા અને ડો. ઘોષ એ બન્ને બાળકોને ઉછેરે છે, આ પ્રસંગ થકી નજીક આવે છે અને પરણી જાય છે.

ઈથોપિયાના રમણીય વાતાવરણમાં બન્ને બાળકો ઊછરે છે. હોસ્પિટલનો સ્ટાફ તેમનો પરિવાર છે અને સૌની લાગણીઓ તેમના પર વરસતી રહે છે. પરિણામસ્વરૂપ કથાનાયક ઉદ્ગારે છે –

‘Wasn’t that the definition of home? Not where you are from, but where you are wanted.’ (શું ઘરની વ્યાખ્યા એ જ ન હતી કે તમે મૂળે જ્યાંનાં છો તે નહીં, પણ જ્યાં તમે ઇચ્છિત છો – તમારી જ્યાં જરૂરિયાત છે એ તમારું ઘર.)

બન્ને બંધુઓના દેખાવમાં અલગ પારખી ન શકાય તેટલું સામ્ય છે પરંતુ બન્નેનાં સ્વભાવ તથા ખાસિયતો ભિન્ન છે, તથા રસના વિષયો પણ અલગ છે.

તેમના ઘરે કામ કરતી આયાની પુત્રી જેનેટ તેમની ખાસ મિત્ર છે. મેરિઓનને બાળપણથી જ જેનેટ પ્રત્યે ખૂબ લાગણી છે પણ જેનેટ ગંભીરતાપૂર્વક તેનો પ્રતિભાવ આપતી નથી.

ઈથોપિયાની જાહોજલાલીનો એ સમય હતો. અને રાજા હેઈલ સેલાસીનો દબદબો હતો. ભારત સહિત પૂર્વ એશિયાના અનેક દેશોના નાગરિકો અહીં વ્યવસાય અર્થે આવતા. પરંતુ દેખીતી શાંતિની નીચે કેટલાક અલગતાવાદી અસંતુષ્ટ બળવાખોરો છાનામાના માથું ઊંચકી રહ્યા હતા. મિશન હોસ્પિટલના ડોક્ટરો પાસે આવા એરિટ્રીયન બળવાખોરો સારવાર માટે આવતા ત્યારે રાજાની મનાઈ હોવા છતાં માણસાઈના નાતે ડોક્ટરો તેમનો જીવ બચાવવા સારવાર કરતા.

મૅરિઓન સ્વભાવે સંવેદનશીલ, પ્રામાણિક અને વફાદાર હતો ને ભણવામાં હોશિયાર હતો. જ્યારે શિવાને પ્રયોગોમાં વધુ રસ પડતો અને ડો. હેમાને ઓપરેશનમાં પણ તે મદદ કરતો. કિશોરાવસ્થાના આગમન સાથે શિવાને સ્ત્રીઓમાં રસ પડવા લાગ્યો. અત્યંત નાની વયે તે એડીસના વેશ્યાવાસમાં જતો થયો અને આ જ સમયગાળા દરમિયાન એક દિવસે તેણે જેનેટ સાથે પણ શારીરિક સંબંધ બાંધ્યો. મેરિઓનને આ વાતની જાણ થાય છે ત્યારે તે ભાંગી પડે છે અને સહોદર શિવા માટે એક છૂપી નફરત તથા પૂર્વગ્રહ તેના મનમાં જાગે છે.

મેરિઓન અને જેનેટ મેડિકલ સ્કૂલમાં ભણવા જાય છે. અહીં જેનેટ ક્રાંતિકારી લોકોના સંપર્કમાં આવવા લાગી. તેનું ભણવાનું છૂટતું ગયું અને તે બળવાખોર વિચારધારામાં ખોવાઈ ગઈ. મેરિઓનની તે નિકટની મિત્ર હોવા છતાં હવે અંતર વધવા લાગ્યું હતું. એક દિવસ ક્રાંતિકારીઓએ એર ઈથોપિયાના એક વિમાનનું અપહરણ કર્યું. અપહરણકર્તાની યાદીમાં જેનેટનું નામ હતું! પોલીસતપાસમાં જેનેટના નિકટના સાથી તરીકે મેરિઓનનું નામ આવ્યું. રાજમહેલના ખાસ સંપર્કોથી ડો. હેમાને આ વાતની જાણ થઈ અને રાતોરાત મેરિઓનને પોતાની ભૂમિ છોડી ભાગી જવું પડ્યું. ડો. હેમાએ તેને ઈથોપિયાથી ભગાડી ન્યૂ યોર્ક પહોંચાડ્યો.

‘ન્યૂ યોર્કની એક સામાન્ય હોસ્પિટલમાં તેને સર્જરીમાં ભણવાની તક મળી. ભણતર દરમિયાન એક દિવસ મેરિઓનના રૂમની બેલ વાગે છે. જેનેટ દરવાજા પર ઊભી છે. તેનું શરીર બીમારીથી લેવાઈ ગયું છે. મેરિઓન પોતાની જાતને રોકી શકતો નથી. જેનેટને આશરો આપી તેની સારવાર શરૂ કરે છે. એ જ રાત્રે તેને ખબર પડે છે કે જેનેટને બે-ત્રણ વાર જેલ થઈ ચૂકી છે, તે મા પણ બની ચૂકી છે, અને તેનું બાળક સરકારી આવાસમાં છે. એ રાત્રે પહેલીવાર બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે અને ત્યાર બાદ જેનેટ ફરી તેની જિંદગીમાંથી અદૃશ્ય થઈ જાય છે. પછી ખબર પડે છે કે બીમારીથી તે મરી ગઈ છે.

મેરિઓનનો સર્જરીનો અભ્યાસ સારી રીતે ચાલી રહ્યો હોય છે. તેની સંસ્થા લીવર ટ્રાન્સપ્લાન્ટમાં વિશ્વ-શ્રેષ્ઠ ગણાતી હોય છે અને એ કામમાં સૌથી નિષ્ણાત ગણાતા સર્જન બીજા કોઈ નહીં પણ તેના પિતા થોમસ સ્ટોન હોય છે. ઈથોપિયાથી ભાગતી વખતે તેની પાસે પોતાની માતાની યાદગીરી રૂપે એક ચિત્ર, એક બુકમાર્ક તથા તેણે ડો. સ્ટોન પર લખેલો એક પત્ર હોય છે જે એક દિવસ એ પિતાના રૂમમાં મૂકી આવે છે પણ ડો. સ્ટોનની કોઈ પ્રતિક્રિયા મળતી નથી એટલે તે નિરાશ થાય છે.

જીવન ફરી એક વાર વળાંક લે છે. મેરિઓન ગંભીર રીતે બીમાર પડે છે. તપાસમાં તેને વિષમ પ્રકારનો કમળો જણાય છે, જેને કારણે તેનું લીવર અને કિડની કામ કરતાં બંધ થાય છે. જેનેટ સાથેના શારીરિક સંબંધને કારણે તે હેપાટાઈટીસ-બી નામના કમળાનો ભોગ બન્યો છે. હોસ્પિટલ ઈથોપિયા જાણ કરે છે, અને તેની પાલક માતા તથા ભાઈ શિવા દોડી આવે છે. સારવાર માટે એક જ ઉપાય છે અને તે છે લીવર ટ્રાન્સપ્લાન્ટ. આ પદ્ધતિ પ્રયોગાધીન છે અને સફળતાનો દર અત્યંત ઓછો છે. પંદરેક કલાક ચાલનાર આ સર્જરીમાં લીવર દેનાર તથા લેનાર બંનેનું મૃત્યુ થઈ શકે છે.

શિવા પોતાના લીવરનું દાન કરવા તૈયાર થાય છે. જન્મથી જ ત્યજીને ભાગી જનાર તથા પિતા તરીકેની જવાબદારી તલભર પણ ન સ્વીકારનાર, દુનિયાના શ્રેષ્ઠ તબીબ ડો. થોમસ સ્ટોન ઓપરેશન કરવાના હતા.

બે તબીબોની ટુકડી ઓપરેશન શરૂ કરે છે. સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલું ઓપરેશન રાત્રે નવ સુધી ચાલે છે. અમેરિકાના નૅશનલ ટેલિવિઝન પર ન્યૂઝ આવે છે. ‘Operation successful’. પાંચમા દિવસે મેરિઓન ભાનમાં આવે છે, ત્યારે તેના પિતા ડો. થોમસ સ્ટોન તેની બાજુમાં બેઠા હોય છે પરંતુ એક દુ:ખદ ઘટના બને છે. સાતમા દિવસે શિવા અચાનક બેશુદ્ધ થઈ જાય છે. ખબર પડે છે કે, જન્મથી જ એના માથામાં રહેલી રક્તવાહિનીઓનું જાળું ફાટ્યું છે, જેનાથી તેનું મોત નીપજે છે. વર્ષોથી વિખૂટા પડી ગયેલા પિતા સાથે પુનમિર્લન થાય છે અને પિતા જ બીમારીથી બચાવી, તેને પુનર્જન્મ આપે છે; જ્યારે જન્મથી જ જોડાયેલો લાડલો ભાઈ પોતાનું બલિદાન આપી પ્રેમને દીપાવે છે. કથાનાયકના શબ્દો ‘Life too is like that, You live it forward, but understand backward.’ (જીવન પણ એવું જ છે – તમે જીવો છો તો આગળની દિશામાં, પણ પાછળ ફરીને જોવાથી એ સમજી શકો છો.)

0

અત્યંત પ્રવાહી શૈલીમાં લખાયેલી આ કથા ભાવકને સ્પર્શી જાય છે. લેખકે વિવિધ પાત્રોને એટલી ખૂબીથી ઉપસાવ્યાં છે કે પાત્રો જીવંત લાગે અને કથા મેરિઓનની નહીં લેખકની પોતાની આત્મકથા લાગે. લેખક પોતે તબીબ હોવાને કારણે તબીબી વ્યવસાયનાં સત્યોને ઉજાગર કરતા ઉદ્ગારો કથામાં વણાયેલા જોવા મળે છે જેમકે–

‘A rich man’s faults are covered with money, but a surgeon’s faults are covered with earth.’ (અમીરોની ભૂલ પૈસાથી છાવરાય છે, જ્યારે એક સર્જનની ભૂલ (કબરની) માટીથી જ ઢંકાય છે.)

વિજ્ઞાનના નિયમોની બહારના કોઈ સ્તર પર, સ્વાનુભવ અને નિરીક્ષણશક્તિના આધારે કરાતાં નિદાન અને ઉપચારની પદ્ધતિ (ક્લિનિકલ જજ્મેન્ટ) આજના ટૅક્નોલોજીના યુગમાં ભૂંસાતી જતી કલા છે. લુપ્ત થતી જતી આ કલાનો મહિમા પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

ઈથોપિયાની એ નાનકડી હોસ્પિટલમાં અથાગ પરિશ્રમ કરતા ડોક્ટરો અલગ અલગ ધર્મ પાળતા હતા પરંતુ એ તમામના મનમાં એક અડગ અને સાચી સમજ હતી કે, ઈશ્વરને આપણે કયો ધર્મ પાળીએ છીએ તેમાં રસ નથી, અંતે તો ઈશ્વર એ જ જોશે કે, કોણે કોનું દુ:ખ ઓછું કરવામાં કેટલો પરિશ્રમ કર્યો.

પ્રો. સ્ટોન તબીબી વિદ્યાર્થીઓને પૂછે છે –

‘What treatment in an emergency is administered by ear?’ (ઇમર્જન્સીમાં કઈ સારવાર કાન દ્વારા આપી શકાય છે?) ગુંચવાયેલા વિદ્યાર્થીઓને સમજાવતાં પ્રોફેસર જવાબ આપે છે, ‘Words of comfort’ અર્થાત્ સહાનુભૂતિના બે શબ્દ!

પુસ્તકના શીર્ષક ‘Cutting for Stone’નો સંબંધ તબીબો દ્વારા લેવાતા શપથ Hippocrates Oath – સાથે સંબંધિત છે. આ સોગંદનામામાં એક વાક્ય છે, જે કથાના સમાપનમાં કથાનાયકનો ઉદ્ગાર પણ છે:

‘I swear by Apollo and Asclepius and Hygieia and Panaceia to be true to her. For she is the source of all…. I shall not cut for stone.’ (હું એપોલો અને અસ્કૅલેપિઅસના સોગંદ ખાઈને કહું છું કે, હાયજીઆ અને પૅનસિઆ, જે સર્વની સુખાકારીનો સ્રોત છે, તેમના તરફ સચ્ચાઈપૂર્વક વફાદાર રહીશ… હું ક્યારેય કશું મારા અંગત સ્વાર્થ ખાતર નહીં કરું.)

*

રાજીવ રાણે
પ્રવાસલેખક.
વ્યયસાયે તબીબ, બારડોલી.
બારડોલી.
rara@dzinerholidays.com
02622 220777

*