અવલોકન-વિશ્વ/પાત્ર-જીવનના વળાંકોનું નિરૂપણ – કિરીટ દૂધાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાત્ર-જીવનના વળાંકોનું નિરૂપણ – કિરીટ દૂધાત


45-Too-Much-Happiness-195x300.jpg


Too Much Happiness – Alis Munero
Vintage Books, London, 2009
એલીસ લીડલો કેનેડામાં 1931માં જન્મેલાં વાર્તાકાર છે. ઈ.સ. 1951માં એમનાં લગ્ન જેમ્સ મુનરો સાથે થયેલાં, તેથી તેઓ એલિસ મુનરોના નામે લખે છે. 1968માં એમનો પહેલો વાર્તાસંગ્રહ Dance of The Happy Shades (આનંદી અંધકારનું નૃત્ય)ના નામે પ્રસિદ્ધ થયો. ત્યારથી આજ સુધી એમના કુલ 14 વાર્તાસંગ્રહ અને ઉત્તમ વાર્તાઓનાં 7 સંપાદનો બહાર પડ્યાં છે. એમને અનેક ઇનામો મળ્યાં છે જે પૈકી 2013માં સાહિત્યસર્જન માટે મળેલું નોબેલ ઇનામ સૌથી નોંધપાત્ર છે.

Too Much Happines (અઢળક આનંદ) સંગ્રહમાં કુલ 11 વાર્તાઓ છે. મુનરો લાંબી લેખણે વાર્તા લખે છે એટલે એમની દરેક વાર્તા 20-25 પાનાંની તો હોવાની જ. આ સંગ્રહની નામધારી વાર્તા તો 56 પાનાંની છે. એમની વાર્તાનો વિષય સ્ત્રી-પુરુષના દામ્પત્યનો કે કુટુંબજીવનનો હોય છે. એમનાં પાત્રો મધ્યમ કે નિમ્ન મધ્યમ વર્ગનાં હોય છે. એમનાં જીવનમાં બનતી એકાદ ચોંકાવનારી ઘટના લઈને મુનરો વાર્તાની માંડણી કરે છે. પછી એ ઘટનાની પડખે એક બીજી સામાન્ય ઘટના મૂકે છે અને પહેલી ઘટનાનું બીજી ઘટના દ્વારા વિશ્લેષણ કરી પોતાનું સર્જકીય અર્થઘટન રજૂ કરે છે. વાર્તાકાર મુનરો જીવનનું તત્ત્વજ્ઞાન તારવી આપતાં કે વાચકને લાગણીમાં તરબોળ કરી દેનારાં વિધાનો કરવાને બદલે નિરપેક્ષ ભાવે, કહો કે સાવ કોરી આંખે વાર્તા લખે છે જે એમની નિજી શૈલી છે. આથી બીજી ઘટના વાર્તામાં નગણ્ય હોવા છતાં ઘણી મહત્ત્વની બની રહે છે. આ બંને ઘટનાને જોડવામાં વાચક નિષ્ફળ જાય તો કલાકાર મુનરો શું કહેવા માગે છે તે ધ્યાનબહાર રહી જવાનો પૂરો સંભવ છે. વાર્તાકારની વિશેષતાઓ બતાવતાં પહેલાં કેટલીક વાર્તાઓના કથાઅંશો જોઈ લઈએ.

Dimensions (વિવિધ પરિમાણ): વાર્તાની નાયિકા ડોરી 23 વરસની છે. વાર્તા શરૂ થાય છે ત્યારે એ ક્યાંક જવા નીકળી છે. એ ત્રણ બસ બદલીને મંઝીલે પહોંચે છે. અગાઉ એને બંને પ્રયત્ને નિષ્ફળતા મળી છે. તેની મનોચિકિત્સક સેન્ડને આ વારંવારની મુસાફરીઓની ખબર નથી. અહીં વાચકને ખ્યાલ આવે છે કે ડોરી એના પતિ લોઈડને મળવા જાય છે, જેલમાં. ડોરી અને લોઇડના લગ્નજીવનમાં ત્રણ બાળકો થયેલાં. ત્યાર બાદ બન્ને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થાય છે. જ્યારે બાળકો શાળાએ મૂકવા જેવડાં થાય છે ત્યારે લોઈડ ના પાડે છે. કહે છે કે એમ કરવાથી બાળકો શિક્ષણવિભાગનાં સંતાનો થઈ જશે. આપણાં નહિ રહે. દરમ્યાનમાં બંનેને જાણ થાય છે કે શાળાએ ન જતાં બાળકો માટે સ્થાનિક શાળામાંથી અભ્યાસનું સાહિત્ય નિયમિત આપવામાં આવે છે. ડોરી એ લેવા જાય છે. ત્યાં તેને તેવી બીજી એક માતાનો પરિચય થાય છે જેનું નામ મેગી છે. બંને વચ્ચે મૈત્રી થાય છે ધીમે ધીમે લોઈડને મેગી પ્રત્યે ધિક્કાર જન્મે છે. એને શંકા છે કે મેગી બંને વચ્ચે ફૂટ પડાવવા માગે છે પરંતુ ડોરી માનતી નથી. એક રાત્રે ઝઘડો વધી જતાં ડોરી ઘર છોડીને એક રાત માટે આશરો લેવા મેગીને ઘેર પહોંચી જાય છે. સવારે મેગી પોતાની કારમાં ડોરીને એના ઘેર મૂકવા આવે છે. બંનેને ખાતરી છે કે હવે લોઈડનો ગુસ્સો શાંત થયો હશે. લોઈડ એવી કડકડતી ઠંડીમાં પણ ઘરનાં પગથિયે અદબ વાળીને ચહેરા પર રહસ્મય સ્મિત સાથે બેઠો હોય છે. પહેલાં તો એ ડોરીને અંદર જતી રોકે છે પણ ડોરી એને વટીને અંદર જાય છે ત્યારે જુએ છે કે રાતે એની ગેરહાજરીમાં લોઈડે ત્રણેય બાળકોને ગળું દબાવીને મારી નાખ્યાં છે.

પોલીસ લોઈડની ધરપકડ કરે છે. પૂછપરછ દરમ્યાન એ કહે છે કે એની માતા એમને છોડીને નાસી ગઈ હતી એ જાણીને એમને ભવિષ્યમાં થનારા પરિતાપમાંથી ઉગારવા એણે આ પગલું લીધું હતું. અદાલત લોઈડને ગુનાહિત ગાંડપણ માટે જેલમાં મોકલી આપે છે. ડોરી પોતાનું શહેર છોડી દે છે, પણ ડોરી સમયાંતરે લોઈડને જેલમાં મળવા જાય છે. એને લોઈડને કબૂલ કરાવવું છે કે એ નાસી નહોતી ગઈ. પણ લોઈડ આવો તફાવત સમજવા માનસિક રીતે સક્ષમ રહ્યો નથી. એકવાર એ ડોરીને જેલમાંથી લાંબો પત્ર લખે છે કે, એ હમણાં જ પોતાનાં બાળકોને મળ્યો હતો અને એમની સાથે વાતો કરી હતી. એનો અર્થ એમ નથી કે એ બધાં જીવતાં છે પણ આ વિશ્વમાં એમનું અસ્તિત્વ છે એવું પોતાની પ્રજ્ઞાથી એ અનુભવી શક્યો છે. બાળકોનાં મૃત્યુના આઘાતમાં ડોરીનો જીવનરસ સુકાઈ ગયો છે. એક વાર લોઈડ જેલમાં મુલાકાત દરમ્યાન પૂછે છે કે બહારની દુનિયામાં ડોરીની જંદિંગી કેવી છે ત્યારે ડોરીને મનમાં પ્રશ્ન થાય છે કે જંદિંગી? કઈ જિંદગી? એ નિયમિત માનસિક સારવાર લે છે પણ એનામાં જિંદગીનો કોઈ ઉત્સાહ નથી. પણ લોઈડના પેલા પત્રમાં હતી એ વાત ‘બાળકો કોઈ જુદાં જ પરિમાણમાં વસે છે’ ડોરી માટે સંજીવનીનું કામ કરે છે. એકવાર એ લોઈડને મળવા બસમાં જતી હોય છે. અચાનક એની નજર સામે એક ગંજાવર પીકઅપ વાન બાજુમાંથી ઝડપથી આવીને ડ્રાઈવરની ભૂલને કારણે ખાડામાં ગબડી પડે છે. ડ્રાઈવર ઊછળીને હવામાં તરતો હોય એમ રસ્તા પર પછડાઈને મરણતોલ થઈ જાય છે. ડોરીની બસનો ડ્રાઈવર મુસાફરોને બસમાં બેસી રહેવાનું કહી નીચે ઊતરે છે. જાણે પોતાના હાથે કશું નિર્માણ પામવાનું હોય એમ ડોરી પણ નીચે ઊતરે છે. બેભાન ડ્રાઈવર છોકરડો છે. એના માથા અને કાન વચ્ચે ગુલાબી ફીણ ઉભરીને જામી ગયાં છે એ ડોરી જુએ છે. એ જાણી જાય છે કે આ આવી રહેલા મોતની નિશાની છે. ડોરી એ છોકરાની છાતી પર હાથ મૂકે છે. એનું હૃદય બંધ છે પણ ગરદનની નસો ધબકે છે. એ પોતાના મોંથી એ છોકરાને શ્વાસ આપીને એના શ્વાસોશ્વાસ ચાલુ કરવાના પ્રયત્નો કરે છે અને થોડા સમય બાદ એ છોકરો ધીમેથી શ્વસન શરૂ કરે છે ડોરી પોતાના ધ્રૂજતા હાથ એની છાતી પર મૂકે છે. ત્યાં પણ ધબકાર અનુભવે છે. બસનો ડ્રાઈવર કહે છે હવે એમ્બ્યુલન્સ આવતી જ હશે. હવે ત્યાં રોકાઈને સમય બગાડવાની જરૂર નથી. પણ ડોરીને લાગે છે કે અત્યારે એ બાળકના શ્વાસોશ્વાસ ચાલુ રહે એ માટે કોઈની નિ:શબ્દ શાંત હાજરીની જરૂર છે. એ રોકાઈ જશે. એમ્બ્યુલસ આવશે એ પછી પણ એ હોસ્પિટલ સુધી એ છોકરાની સાથે જશે. અહીં વાર્તા પૂરી થાય છે.

અહીં ડોરી પ્રેમમાં પડીને વિચિત્ર સ્વભાવના લોઈડ સાથે લગ્ન કરે અને ત્રણ બાળકો થયાં બાદ એની વિચિત્રતા ગાંડપણમાં પરિણમે અને બાળકોની હત્યા કરી બેસે એ એક ઘટના છે. બીજી ઘટના અકસ્માતમાં મરવાની અણી પર આવેલા અજાણ્યા છોકરડા ડ્રાઈવરને પોતાની શ્વાસોશ્વાસની ક્રિયાથી નવજીવન આપે એ છે. આ બંનેને જોડતી કડી છે લોઈડનો પત્ર કે, એમનાં બાળકો જીવતાં નથી પણ અનેક પરિમાણોમાં અસ્તિત્વ ધરાવે છે. જે કામ ધાર્મિક પતાકડાં કે મનોચિકિત્સક નહોતાં કરી શક્યાં એ કામ ચિતભ્રમિત પતિનો પત્ર કરે છે અને પોતાના બાળકોનું એક પરિમાણ રોડ પર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા છોકરડા જેવા ડ્રાઈવરમાં જીવંત કરી શકાય એવું વીજળીના ચમકારામાં વિચારી લઈને અને મૂર્તિમંત કરે છે.

Free radicals (ઉન્મૂલક): આ વાર્તા તો એક રહસ્યકથા છે. વાર્તાની નાયિકા નીતા વિધવા છે. એને કૅન્સર હોય છે. એક રાત્રે એના ઘરમાં એક અજાણ્યો યુવક ઘૂસી આવે છે. વાતવાતમાં ઠંડા કલેજે જણાવે છે કે બે દિવસ પહેલાં માતા-પિતા સાથે ઝઘડો થતાં એમની અને માનસિક વિકલાંગ બહેનની હત્યા કરીને એ ભાગ્યો છે અને રેલવેના પાટેપાટે ચાલતાં આ ઘરમાં લાઇટ જોતાં ત્યાં ઘૂસ્યો છે – હવે નીતાની કાર લઈ જવાનો છે. નીતા ડરની મારી ફફડી ઊઠે છે. પેલો યુવાન ભૂખ્યો છે એટલે ખાવા માગે છે. પછી એ યુવક ઘરમાં વાઇન હોય તો માગે છે. નીતા એ પણ આપે છે અને યુવક બંનેના કપમાં વાઇન ભરે છે નીતા એ ચાખે છે પણ પૂરો કપ પીતી નથી. યુવક આખો કપ ગટગટાવી જાય છે અને કાર પડાવી લઈ નાસી જાય છે. એ ફોનનું જોડાણ કાપતો જાય છે એથી નીતા રાતે પોલીસનો સંપર્ક કરી શકતી નથી. બીજી સવારે પોલીસ આવીને એને જગાડે છે અને પૂછે છે કે એની કાર ક્યાં છે ત્યારે એ અજાણી હોવાનો ડોળ કરે છે. અને કહે છે કે ચાવી કારમાં જ હતી એટલે કોઈ ચોરી ગયું હશે. પોલીસ એને બેદરકારી બદલ ઠપકો આપે છે અને કહે છે કે ત્રણ-ત્રણ ખૂન માટે ભાગેડુ જાહેર થયેલો એક ચોર એની કાર ચોરી ગયેલો અને આગળ જતાં કાબૂ ગુમાવતાં એની કાર ખાડામાં ઊંધી વળી જતાં એ સ્થળ પર જ મૃત્યુ પામ્યો છે. અને ભલમનસાઈથી નીતાને સલાહ આપે છે કે એણે ભવિષ્યમાં ધ્યાન રાખવું. અહીં વાર્તા પૂરી થાય છે.

હકીકતમાં કાર લૂંટાઈ હોવા છતાં નીતા અજાણી થઈને પોલીસને ઠસાવે છે કે એ ચોરાઈ ગઈ છે. તો વળી, અચાનક ખાડામાં પડી જાય એવી બેકાળજી એક રીઢા ખૂની માટે અજુગતી લાગે છે. શંકા જાય છે કે નીતાએ વાઇનમાં પહેલાંથી જ તીવ્ર ઘેન ચડે એવું કંઈક ભેળવેલું હશે એથી કાર લઈને ભાગતી વેળા એ ઘેનની અસરમાં જ એ ખૂની કાર પરથી કાબૂ ગુમાવી બેઠો હશે. કાયદો સજા કરે એ પહેલાં નીતાએ એનો ન્યાય તોળી નાખ્યો! ધ્યાનથી વાર્તા વાંચતાં નીતાનું પાત્ર પહેલી નજરે દેખાય છે એટલું સીધું સાદું નહિ પણ ઠંડા કલેજે વર્તન કરતું હોય એમ લાગે.

Face (ચહેરો): આ એક હૃદયસ્પર્શી પ્રેમકથા છે. વાર્તા નાયકને જન્મથી જ ચહેરાનો એક તરફનો ભાગ આખો આવરી લે એવું લાલ લાખું છે. એને લીધે પહેલી નજરે જ એના પિતા નફરત કરે છે અને પિતાના આ વલણને લીધે માતા-પિતા એક જ ઘરમાં રહેતાં હોવા છતાં એમનું લગ્નજીવન ભાંગી પડે છે અને પિતા દારૂના રવાડે ચડી જાય છે. દીકરો પોતાની કુરૂપતા જોઈને છળી ન જાય માટે મા ઘરમાંથી બધા અરીસા કાઢી નાખે છે. દરમ્યાનમાં શ્રીમતી સુટેલ્સ નામની એક સ્ત્રી નાયકના પિતાની ઓફિસમાં નોકરીએ રહે છે અને એ વિધવા હોવાથી પિતા એને ઘરનો એક ભાગ રહેવા માટે કાઢી આપે છે. એ સ્ત્રીને નાયકની ઉંમરની એક પુત્રી છે – નાન્સી. એ નાયકની સાથે ધીંગામસ્તી કરે છે. એકવાર બંને રમતાં રમતાં ઘરના ભોંયરામાં જઈ ચડે છે. ત્યાં રંગનાં ડબલાં પડ્યાં હોય છે. એમાંથી નાન્સી પોતાના એક ગાલ પર લાલ રંગ લગાવીને નાયકને કહે છે જો, હું તારા જેવી થઈ ગઈ. નાયકને પહેલી વાર પોતાની કુરૂપતાનું ભાન થાય છે અને એ છળી ઊઠે છે અને ભાગતો જઈ પોતાની માતાને નાન્સીની ફરિયાદ કરે છે. માતા નાન્સીની આ હરકતને ક્રૂરતા ગણીને નાન્સીની માતાને તાત્કાલિક ઘર ખાલી કરવા કહે છે.

યુવાન થઈને યુનિવર્સિટીમાં ભણવા જતો રહેલો નાયક પિતાનું અવસાન થતાં ઘેર આવે છે. ત્યારે એની માતા એને એક વિચિત્ર વાત કરે છે. શ્રીમતી સુટેલ્સ અને નાન્સી બીજે રહેવા ગયાં પછી એક સવારે નાન્સીએ લાલ રંગ લગાવેલો એ ગાલ પર બ્લેડ ચલાવીને ગાલ કાપવા કોશિશ કરેલી પણ સમયસર સારવાર મળતા મોટું નુકસાન થતું બચેલું.

થોડાં વરસો બાદ નાયકની માતાનું પણ અવસાન થાય છે અને પૈતૃક ઘર વેચવા નાયક પોતાના મૂળ શહેરમાં પાછો આવે છે અને ઘરના આંગણામાં આડેધડ ઊગેલાં ઝાડી-ઝાંખરાં દૂર કરવા જતાં એને મધમાખી કરડે છે. હોસ્પિટલમાં ડોક્ટર એની આંખો પર પટ્ટી લગાવે છે ત્યારે એક યુવાન સ્ત્રી આવે છે અને કહે છે કે બંને આંખ બંધ કરાઈ હોય તેવા દરદીને છાપાં વગેરે વાંચી સંભળાવવા હોસ્પિટલે એને નોકરીએ રાખી છે. નાયક કહે છે કે એને સમાચાર સાંભળવાની ઇચ્છા નથી તો એ સ્ત્રી કહે છે કે આપણે એક રમત રમીએ કે જેમાં હું એક કાવ્યની પંક્તિ બોલીશ અને તારે બીજી પંક્તિ બોલવાની. આ રીતે પેલી સ્ત્રી પંક્તિઓ બોલે છે અને નાયક પૂર્તિ કરતો જાય છે. પેલી સ્ત્રી એક એવી પંક્તિ બોલે છે જેની પૂર્તિ નાયક કરી શકતો નથી. એ પૂછે છે કે એ કાવ્ય કોનું છે. જવાબ મળે છે કે એ વોલ્ટર દ લા મેર નામના અંગ્રેજ કવિનું છે. પછી પેલી સ્ત્રી એની નજીક આવી એના ચહેરાના કુરૂપ ભાગ પર પોતાના ગાલનો સ્પર્શ કરીને જતી રહે છે.

થોડા સમય બાદ નાયક ઘેર જૂના કાગળો ફેંદતો હોય ત્યારે એને વોલ્ટર દ લા મેરની પેલી કવિતા કોઈના અજાણ્યા હસ્તાક્ષરમાં લખાયેલી મળે છે. (કદાચ નાન્સીના હાથે વરસો પહેલાં લખાઈ હશે.) કવિતાનો ભાવાર્થ એવો છે કે એક વાર કોઈ ગમતી વ્યક્તિ જીવનમાંથી ચાલી જાય પછી એને આપણે ભૂલી જઈએ તો પણ એણે છોડેલી ખાલી જગ્યા હંમેશા ખાલી જ રહે છે. (અહીં મુનરોએ AWAY નામનું જે કાવ્ય ઉદ્ધૃત કર્યું છે એની છેલ્લેથી બીજી પંક્તિ છે: your place forgotten પણ મૂળ પાઠ છે your place left vacant જે આ વાર્તાના ભાવ સાથે બંધ બેસે છે. નાયકને થાય છે કે આ કવિતા તેના અચેતન મનમાં ક્યાંક સચવાયેલી પડી હતી અને હોસ્પિટલમાં પેલી સ્ત્રીવાળો બનાવ એને થયેલો ભ્રમ હતો પણ એ બહાને એનું અચેતન મન બે ઘટનાની સ્પષ્ટતા કરવા માંગતું હતું કે નાન્સીએ ભોંયરામાં એ દિવસે પોતાનો ગાલ રંગેલો અને પછી થોડા દિવસો બાદ એ જ ગાલ છેદવા પ્રયત્ન કરેલો એમાં એની મનીષા એની ક્રૂર મજાક ઉડાવવાની નહીં પણ એની કુરૂપતા લઈ લેવાની હતી. નાયક વિચારે છે કે એ બંને યુવાન થઈને મળ્યાં હોત તો પણ કદાચ ઉપરછલ્લી વાત કરીને છૂટાં પડી ગયાં હોત છતાં બંનેનાં અચેતન મનમાં જે વાત છે એ તો એમ જ રહી હોત.નાયક છેલ્લે નિર્ણય કરે છે કે પોતાના પૂર્વજોનું એ મકાન વેચવું નથી કે જ્યાં એ અને નાન્સી બાળપણમાં સાથે રહ્યાં હતાં.

Too much happiness (અઢળક આનંદ): સંગ્રહનું નામ જેના પરથી પડ્યું છે એવી આ વાર્તા 19મી સદીમાં થઈ ગયેલી રશિયન ગણિતશાસ્ત્રી અને નવલકથાકાર સોફિયા કોવાલેસ્કી (ઈ.સ.1850–1891)નાં જીવન પર આધારિત છે. સોફિયાને એ સમયમાં સ્ત્રી હોવાને લીધે કેવા સંઘર્ષ કરવા પડેલા અને આખી જિંદગી સાચા પ્રેમની અનુભૂતિ પામવામાં કેવી નિષ્ફળતાઓ મળી અને એકાકી હોવાની લાગણી કેવી રીતે એની જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગઈ એની વાર્તા મુનરોએ માંડીને (56 પાનાંમાં) લખી છે. વાચકને એનાં સંઘર્ષ, પ્રેમની પિપાસા કે એકલતાનો તીવ્ર અનુભવ થતો નથી. એ રીતે મુનરોનો બહુ પ્રિય એવો આ પ્રકલ્પ વાચકને આ સંગ્રહની બીજી વાર્તાઓ જેવો કોઈ વિશિષ્ટ અનુભવ કરાવતો નથી. અહીં સીધી સાદી કથનશૈલીમાં સોફિયાના જીવનની કેટલીક દસ્તાવેજી હકીકત મળે છે પણ ‘વાર્તા’ મળતી નથી.

*

છેલ્લે Too much happiness વાર્તાનો એક સંવાદ જોઈએ. અહીં મુનરોની સંવાદકળા પરની હથોટીનો પરિચય થાય છે. સોફિયાનો ભાણેજ પોતાની સાવકી મા વિષે હલકાં વેણ ઉચ્ચારે છે ત્યારે બંનેની વચ્ચે નીચે મુજબ સંવાદ થાય છે. એક પાકટ બિનનિવાસી રશિયન સ્ત્રી અને ફ્રાન્સમાં ઊછરેલા મૂળ રશિયન યુવાન વચ્ચેની વાતોમાં બંનેનાં વયસહજ દૃષ્ટિબિંદુ આબાદ વ્યક્ત થાય છે:

‘You shouldn’t talk that way about women.’

‘Why not if they want to be equal?’

‘I suppose I should say ‘about people’. But I don’t want to talk about her or your father. I want to talk about you. How are you doing with your studies?’

‘I hate them.’

‘You cannot hate all of them.’

‘Why can’t I? It isn’t at all difficult to hate all of them.’

‘Can you speak Russian to me?’

‘It’s a barbaric language. Why can’t you speak better French? He says your accent is barbaric. He says my mother’s accent was barbaric too. Russians are barbaric.’

‘Does he say that too?’

‘I make my own mind.’

‘તારે સ્ત્રીઓ વિષે આવી ભાષામાં વાત ન કરવી જોઈએ.’

‘એમને પુરુષ સમોવડી ગણાવું હોય તો કેમ ન કરાય?’

‘એટલે કે મારો મતલબ હતો ‘લોકો વિષે’ તારાથી આવું ન બોલાય. ખેર, મને એ સ્ત્રી વિષે કે તારા પિતા વિષે વાત કરવામાં રસ નથી. મારે તો તારા વિષે જાણવું છે. તારો અભ્યાસ કેમ ચાલે છે?’

‘હું એને ધિક્કારું છું.’

‘બધા વિષયને ધિક્કારે એવું તો ન બને.’

‘કેમ? બધાને ધિક્કારવાનું એવું અઘરું તો નથી જ.’

‘તને રશિયન ભાષામાં વાત કરતાં આવડે છે?’

‘એ તો જંગલી ભાષા છે. તમે ફ્રેન્ચ ભાષા સારી રીતે કેમ બોલી શકતાં નથી? મારા પપ્પા કહે છે કે તમારા ઉચ્ચારો જંગલી જેવા છે. એમણે એમ પણ કહેલું કે મારી માના ઉચ્ચારો પણ જંગલી જેવા હતા. બધાં રશિયનો જંગલી છે.’

‘એ પણ તારા પપ્પાએ કહ્યું છે?’

‘આ તો મારો સ્વતંત્ર અભિપ્રાય છે.’

*

એક મોટા ગજાનાં વાર્તાકારની થોડીક વાર્તાઓનો આ એક આછો પરિચય છે. મુનરો જે રીતે અંગ્રેજી ભાષાનો સર્જનાત્મક વિનિયોગ કરે છે, જે રીતે થિમને ખોલતાં જઈને વાર્તા રચે છે, કે તેઓ જે રીતે લાંબી લેખણે લખે છે – એ કેટલું યોગ્ય છે એનું એક-એક વાર્તા લઈને વિશ્લેષણ કરી શકાય. પરંતુ વિસ્તારભયે એ ન કરતાં એટલું કહીને વિરામ લઈએ કે પ્રખર બુદ્ધિમત્તા નથી ધરાવતાં એવાં સ્ત્રી-પુરુષોને પણ કોઈક ક્ષણે વિશિષ્ટ અનુભવો થતા હોય છે. એનું પૃથક્કરણ કરવા એ બધાં સક્ષમ ન હોય તો પણ એમની જિંદગીને ચોક્કસ વળાંક મળતો હોય છે. એ ક્ષણ પહેલાંનાં એ બધાં એ ક્ષણ પછી એવાં ને એવાં રહી શકતાં નથી. આ ક્ષણો કઈ છે અને એમની જિંદગીમાં શું પરિવર્તન આવ્યું એનાં પર પર આંગળી મૂકીને એક સર્જક જ કરી શકે એવું નાડીપરીક્ષણ કરવાનો મુનરોનો આ વાર્તાઓમાં પ્રયાસ છે તેમાં એ મહદ્અંશે સફળ રહ્યાં છે એનો આનંદ અઢળક જ હોય.

*

કિરીટ દૂધાત
વાર્તાકાર
પૂર્વ-કલેક્ટર, ગુજરાત.
અમદાવાદ
kiritdudhat@gmail.com
9427306507

*