અવલોકન-વિશ્વ/ભારતીય રામકથાઓમાં એક વિશેષ પાઠ – શિરીષ પંચાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભારતીય રામકથાઓમાં એક વિશેષ પાઠ – શિરીષ પંચાલ


63-SHIRISH-202x300.jpg


કશ્મીરી રામાયણ – પ્રકાશરામ કુરીગામી હિંદી અનુ. કશ્મીરી રામાયણ – રત્તનલાલ તલાશી
ભારતીય સંસ્કૃતિને ઘડવામાં રામાયણે અને મહાભારતે જેટલો ભાગ ભજવ્યો છે તેટલો કદાચ બીજા કશાએ ભજવ્યો નથી. એકવીસમી સદીમાં પણ આ બંને મહાકાવ્યોનાં વિષયવસ્તુ, પાત્રો ભારતીય પ્રજાને એટલાં જ સ્પર્શતાં રહ્યા છે. સ્વાભાવિક રીતે આ પ્રકારની રચનાઓના મૂળમાં લોકકથાઓ હોવી જોઈએ. વાલ્મીકિ, વ્યાસ (અને હોમર પણ) જેવા મહાકવિઓએ પોતાના સમય સુધીની પ્રચલિત લોકકથાઓને એક સુવાંગ ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછીના કવિઓ એમાં પરિવર્તન પામતા સમાજ, ઇતિહાસ, સ્થળ સમય અનુસાર ઉમેરા કરતા રહ્યા, એને પરિણામે મૂળમાં શું હતું એ જોવું અઘરું થઈ પડ્યું. પૂણેની ભાંડારકર ઇન્સ્ટિટ્યુટે તથા વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિરે મહાભારત અને રામાયણની સમીક્ષિત વાચના તૈયાર કરી. આપણને પરિચિત એવી રામકથા–મહાભારતકથા અનેક પ્રકારના ઉમેરાવાળી છે એ તો સમીક્ષિત વાચના સાથે આ કથાઓને સરખાવવાથી સમજાઈ જશે. ભારતીય પ્રજાએ જે ઉમેરા કર્યા તે સાંસ્કૃતિક ઇતિહાસની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના છે અને એનો અભ્યાસ સમાજવિજ્ઞાનીઓ કરી જ રહ્યા છે.

પ્રકાશરામ કુરીગામી કૃત ‘કશ્મીરી રામાયણ’ એ ‘કૃત્તિવાસ રામાયણ’, ‘કમ્બ રામાયણ’, ‘આનંદ રામાયણ’ કે ‘યોગવસિષ્ઠ રામાયણ’ની તુલનામાં ઘણું અર્વાચીન છે. ઓગણીસમી સદીના આ કવિની રચના અધ્યાત્મ રામાયણ પર આધારિત છે, એમાં સાથે સાથે પ્રચલિત લોકકથાઓને પણ ગૂંથી લેવામાં આવી છે. અનુવાદકે કહ્યું છે કે આ લોકકથાઓને કારણે કાશ્મીરમાં આ રચના ખૂબ જ ઉપયોગી થઈ છે. અહીં આ અનુવાદકે અભ્યાસલેખ આપ્યો નથી પરંતુ ‘કશ્મીરી રામાયણ’ના મૂળ સંપાદનમાં મૂકેલા બલજીનાથ પંડિતના ‘પ્રાસ્તાવિક’નો અનુવાદ મૂક્યો છે, એ અનુવાદમાં પ્રકાશરામ કુરીગામીનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. આ રામાયણ ફારસી લિપિમાં રચાયું છે અને પાછળથી ગ્રિયર્સને પણ આ કૃતિનું સંપાદન કર્યું છે. બલજીનાથ પંડિત માને છે કે ગ્રિયર્સનની રચના મૂળ કૃતિનું સંક્ષિપ્ત રૂપ છે.

પૈશાચી ભાષામાં રચાયેલી ગુણાઢ્યકૃત ‘બૃહત્કથા’નો સંસ્કૃત અનુવાદ સોમદેવ ભટ્ટે ‘કથાસરિત્સાગર’ નામે કર્યો હતો. આજે તો બૃહત્કથા ગ્રંથ લુપ્ત થઈ ગયો છે, પણ આ બધી વાર્તાઓ શંકર ભગવાન દેવી પાર્વતીને કહે છે

એ રીતે આલેખાઈ છે. ‘કશ્મીરી રામાયણ’ પણ આ જ પરિપાટીને અનુસરે છે, શંકર ભગવાન પાર્વતીને આ આખી રામકથા કહી સંભળાવે છે, કારણ કે કળિયુગમાં માનવીનો ઉદ્ધાર કેવી રીતે થાય તેની જિજ્ઞાસા પાર્વતીને હતી. અને આ રીતે આ રામાયણ રચાયું છે. અહીં પ્રકરણરચના એટલે કે કાંડરચના મૂળ વાલ્મીકિ રામાયણને અનુસરે છે, આ રામાયણમાં લવકુશકાંડ છેલ્લે મૂકવામાં આવ્યો છે.

મૂળ રામાયણની જેમ અહીં આખ્યાનો-ઉપાખ્યાનોની એવી કશી ભરમાર નથી. કવિનો ઉદ્દેશ રામકથાને સીધી સરળ રીતે, સંક્ષેપમાં આલેખવાનો છે – એટલે આરંભ આ રીતે કરવામાં આવ્યો છે:

દશરથ નામ કે રાજા થે । પતિતોં કે હિતકારી થે ।
અયોધ્યા કે વે વાસી થે । શિવ કે ઘોર પુજારી થે ॥

અને તરત જ દશરથને યજ્ઞને કારણે થતી પુત્રપ્રાપ્તિ, વિશ્વામિત્રનું આગમન અને રામલક્ષ્મણનું વિશ્વામિત્ર સાથે પ્રયાણ-ની કથા આવે છે. મૂળ રામાયણમાં વિશ્વામિત્રને અનેક કથાઓ કહેતા બતાવ્યા છે, અહીં અહલ્યાકથા સિવાય કશું આવતું નથી. પછી તો સીતા સાથેના લગ્નનું વર્ણન છે. આ કથામાં કૈકેયી દશરથ પાસે જે બે વરદાન માગે છે તેના મૂળમાં ઇન્દ્રને જવાબદાર ગણ્યો છે. રાજ્યાભિષેકની વાત ઇન્દ્ર સુધી પહોંચી એટલે તેમણે સરસ્વતીને કૈકેયી પાસે મોકલી અને એની પાસે આ વરદાન મંગાવ્યાં. આમ અહીં તેઓ વાલ્મીકિ રામાયણથી જુદા પડ્યા. અને આમ સીતા અને લક્ષ્મણની સાથે રામ વનમાં ચાલ્યા. મૂળ કથામાં એકલો ભરત રામને મળવા જાય છે, અહીં કૈકેયી પણ જાય છે અને ભારે પશ્ચાત્તાપ કરે છે. પછી આવે છે સીતાહરણની ઘટના. સીતાના આક્ષેપો સાંભળીને છેવટે લક્ષ્મણ રામને સહાય કરવા જાય છે. વાલ્મીકિ રામાયણ કે તુલસી રામાયણની જેમ આ રામાયણમાં પણ બહુ પ્રચલિત બનેલી લક્ષ્મણરેખા નથી આવતી. હવે રામ-લક્ષ્મણ સીતાની શોધ કરતા કરતા સુગ્રીવ પાસે આવે છે. અને પછી બધા વાનરો સીતાની શોધ માટે નીકળી પડે છે. રામાયણની એક વાચનામાં લક્ષ્મણ સીતાનાં આભૂષણ જોઈને ‘નાહં જાનામિ કેયૂરમ્’નો શ્લોક બોલે છે. સમીક્ષિત વાચનામાં સુગ્રીવ રામને સીતાનાં આભૂષણો બતાવે છે એની વાત છે ખરી પણ કશ્મીરી રામાયણમાં આવો કોઈ પ્રસંગ આવતો નથી. લંકાપ્રવેશ કરતી વખતે હનુમાનને સુરસા રાક્ષસીનો ભેટો થાય છે, આ રામાયણમાં સાથા દેવી અજગરનું રૂપ લઈને હનુમાનને રોકે છે.

પરંતુ આ બધી કથા પૂર્વે એક પ્રસંગનો ઉલ્લેખ કરવો રહી ગયો. રાવણ જ્યારે સીતાને લઈને લંકામાં આવે છે ત્યારે મંદોદરી સીતાને જુએ છે. એક કથા- અનુસાર સીતા રાવણ-મંદોદરીની પુત્રી હતી. જન્મી ત્યારે જોષીઓએ ભવિષ્ય ભાખ્યું કે આ કન્યા રાવણના મૃત્યુનું કારણ બનશે. એટલે રાવણ તેને તરત નદીમાં વહેવડાવી દે છે અને એ સીતા જનકને સાંપડે છે. આમ તો સીતાના જન્મને લગતી બીજી પણ ઘણી બધી કથાઓ પ્રચલિત થઈ છે. અહીં કશ્મીરી રામાયણમાં કોઈક કથાને આધારે આ પ્રસંગ ગૂંથી લીધો છે. આ રીતે જોઈએ તો સીતા રાવણની પુત્રી થઈ, એકલોહિયાં સ્વજનોને લગતી વ્યભિચાર- કથાઓ ભારતીય કથાવિશ્વમાં ખૂબ જ જાણીતી છે.

જટાયુ અને રાવણના સંગ્રામની વાત અહીં છે ખરી પરંતુ આ કથા થોડી ફંટાય છે, જટાયુ મૃત્યુ પામતો નથી એટલે રાવણ સીતાને મારી નાખવાની ધમકી આપી જટાયુ કેવી રીતે મરશે તે જણાવવા કહે છે. આપણી કેટલી બધી લોકકથાઓમાં પ્રતિસ્પર્ધીના મૃત્યુનું રહસ્ય કેવી રીતે પામી શકાય તેનાં કથાઘટકો આવશે. અહીં સીતા જટાયુના મૃત્યુનું રહસ્ય જણાવે છે.

ઐસા પત્થર ઇસ પર ફેંકો । જિસ પર ખૂન કે દાગ લગે હોં ॥
ખાદ્ય પદાર્થ જાન કે નિગલેગા । ભારી હોકર ના દૌડ પાયેગા ॥

બીજી બાજુ સીતાની શોધમાં રામ-લક્ષ્મણ નીકળે છે અને તેમને સુગ્રીવનો ભેટો થાય છે. કથાકાર કશું વિગતે વર્ણન કરતા નથી – એટલે વાલ્મીકિમાં કથનની સાથે વર્ણનનો જે સમન્વય થાય છે તે અહીં જોવા મળતો નથી, કાદમ્બરી-કથાથી અહીં ઊલટી ગતિ છે. બાણભટ્ટને વાર્તા કહેવાની ઉતાવળ જરાય નથી – અને અહીં માત્ર કથામાં જ કવિ રાચે છે. રામ પોતાના બળની પ્રતીતિ કરાવીને સુગ્રીવને કહે છે – હવે વાલીને બોલાવો.

વાલી સુગ્રીવને પરાજિત કરે છે ત્યારે એકસરખા દેખાતા આ ભાઈઓની ઓળખ માટે પુષ્પહારની સહાય લેવામાં આવે છે. તારા વાલીને રોકવા મથે છે પણ વાલી રોક્યો રોકાતો નથી, છેવટે તે મૃત્યુ પામે છે.

હવે વાનરો સીતાની શોધમાં નીકળે છે, રસ્તામાં જટાયુનો ભાઈ સંપાતિ મળે છે, મૂળ રામાયણમાં સંપાતિની વાત વિગતે આવશે, તેની પૂર્વકથા કહેવા માટે પણ વાલ્મીકિ કવિ પાસે અવકાશ છે, કશ્મીરી રામાયણના કર્તા પાસે એ અવકાશ નથી. એટલે એ હનુમાનના પૂછવાથી તરત જ તે સીતાની ભાળ આપે છે, અને હનુમાન સમુદ્ર ઓળંગી લંકાપ્રવેશ કરે છે. લંકામાં નગરનું રક્ષણ કરનાર સાથેના મુકાબલામાં હનુમાન વિજયી થાય છે, મૂળ રામાયણ લંકાનગરીનું, રાવણના મહેલનું વિગતે વર્ણન કરે છે. પણ આ રામાયણમાં સીતા-રાવણ સંવાદ વચ્ચે ઉમેર્યા છે, મંદોદરી પણ ફફડતા હૈયે ત્યાં આવે છે અને સીતા અર્વાચીન શૈલીમાં ગીત ગાય છે:

બુલબુલ આયો, બહાર આઈ । ખુશિયાં છાઈ હર મનમેં ॥
ઠંડ ભાગી, નદિયાઁ ઉઘલી । દિલકી હૂક છૂમંતર હુઈ ॥
જાગોં નીંધ સે લો અંગડાઈ । ખુશિયાં છાઈ હર વન મેં ॥

બહુ પાછળથી આ પ્રકારનાં ગીત મનોરંજક ફિલ્મોમાં પણ જોવા મળ્યાં.

મૂળ રામાયણમાં તો અનેક સર્ગો સુધી હનુમાનકથા આગળ ચાલે છે, લંકાદહન કરીને રામ પાસે પહોંચેલા હનુમાનની રોચક કહાણી તેમના જ મોઢે કવિ રજૂ કરે છે. કેટલીક કથાઓ મૂળ રામાયણમાં નથી, દા.ત., રાવણ મદદ માટે મહિરાવણ પાસે જાય છે અને મહિરાવણ નિદ્રાધીન રામલક્ષ્મણને ઉપાડી જાય છે – આ કથા ભારતમાં ઘણે બધે સ્થાને જાણીતી છે. રાક્ષસોના યજ્ઞમાં વિઘ્ન ઊભાં કરવાં પડે. લોકપ્રચલિત ચિત્રોમાં પણ, આવા યજ્ઞમાં કેવી રીતે વિઘ્ન ઊભાં કરવાં તેની વાત વિગતે આવશે. ત્રીજી સદીમાં રચાયેલા ‘પઉમચરિય’માં પણ રાવણનો યજ્ઞભંગ કરવા માટે અંગદ જાય છે અને એનું વિગતે વર્ણન છે.

મહિરાવણની શોધમાં નીકળેલા હનુમાનને એક બાળક અટકાવે છે, હનુમાન જ્યારે તેને મારી નાખવા જાય છે ત્યારે બાળક કહે છે, ‘મત ભૂલ હૈં તાત મેરે હનુમાન/વહી મેરી હત્યા કા બદલા લેંગે!’ અને ત્યાં બાળકના મોઢે જાણવા મળે છે કે લંકાદહન કરીને પાછા ફરી રહેલા હનુમાનનું વીર્ય સમુદ્રમાં એક માછલીના ઉઘાડા મોંમાં પડે છે અને એ રીતે બાળજન્મ થાય છે. દાયકાઓ પહેલાં આવેલી ફિલ્મ ‘હનુમાનપાતાલવિજય’માં આ કથા ગૂંથી લીધેલી છે. વાલ્મીકિ રામાયણમાં આ વાત જોવા નહિ મળે. એટલું જ નહીં – મરણપથારીએ પડેલા રાવણ પાસે રામ લક્ષ્મણને મોકલી તેની અંતિમ ઇચ્છાઓ જાણી લાવવા કહે છે. રાવણની ત્રણ ઇચ્છા છે – અગ્નિને ધુમાડા વગરનો કરવો, આકાશ સુધી પહોંચવા એક નિસરણી બનાવવી, સોનાને સુગંધિત કરવું. આવું કશું કદાચ ભારતીય રામાયણોમાં પણ નથી.

અહીં રામના રાજ્યાભિષેક પછી સીતા ઉપર જે આળ આવે છે તેના મૂળમાં રામની એક બહેન જવાબદાર છે. મધ્યકાલીન ભારતીય સમાજમાં નણંદ-ભોજાઈ વચ્ચેના અણબનાવ જોવા મળશે. અહીં પણ નણંદ રામ આગળ ભંભેરણી કરે છે અને સીતાને વનવાસ મળે છે. વાલ્મીકિના આશ્રમમાં સીતા લવને જન્મ આપે છે. મૂળ રામાયણમાં લવ અને કુશ બે બાળકોને જન્મ આપે છે, પણ કશ્મીરી રામાયણમાં બીજી કથાઓના પ્રભાવે વાલ્મીકિ લવના જેવો બીજો એક કુમાર ઘાસ-કુશમાંથી ઘડે છે, આવું જ કથાનક કથાસરિત્સાગરમાં પણ જોવા મળશે.

મૂળ રામાયણમાં સીતાને ધરતીમાતા પોતાના અંકમાં સમાવી લે છે, કાલિદાસના રઘુવંશમાં પણ સીતાને વસુન્ધરા પોતાનામાં સમાવી લે છે. તુલસીદાસના રામાયણમાં શેષનારાયણ સીતાને પાતાળમાં લઈ જાય છે. જોકે ભવભૂતિના ઉત્તરરામચરિતમાં સુખાંત છે.

કશ્મીરી રામાયણમાં ભાવુકતાનું તત્ત્વ વિશેષ છે. અહીં લવકુશ રામની સેના સામે યુદ્ધ કરે છે, બધાને મોતને ઘાટ ઉતારી દે છે, સીતા પાસે જ્યારે બંને ભાઈઓ મુકુટ-આભૂષણો લઈને જાય છે ત્યારે સીતાને પરિસ્થિતિ સમજાય છે, તે સતી થવા તૈયાર થાય છે – પણ વાલ્મીકિ અમૃતવર્ષા કરાવે છે અને બધાને જીવનદાન મળે છે. રામ સીતાને લેવા આવે છે પણ સીતા મક્કમ છે, તે દરવાજો ખોલતી જ નથી. ‘સંસારમેં જબ સે હું આઈ, દુ:ખ હી દુ:ખ હૂં સહતી રહી.’ વાલ્મીકિ સમજાવે છે પણ સીતા માનતી નથી.

વહ વિષ જો એક બાર પિયા મૈંને ।
પુન: પિલાને પર ક્યોં હો તુલે ।
સાથ વે લેંગે ફિર ત્યાગેંગે ।
ફિર ઉનકો ઢૂઢૂંગી મૈં કહાં સે!

છેવટે સીતા ઋષિ સાથે જાય છે ત્યારે પણ રામ તેને ‘નિર્મલ’ થઈને આવવા કહે છે – પરિણામે સીતા ધરતીને પ્રાર્થે છે અને છેવટે પ્રગટ થયેલી ધરતીમાતામાં સમાઈ જાય છે.

આમ કશ્મીરી રામાયણ સમાપ્ત થાય છે.

અહીં અનેક લોકકથાઓ, અન્ય રામકથાનકોની સહાય લેવામાં આવી છે. આમાંનાં કેટલાંય કથાનકોથી આપણે ખૂબ જ દૂર ચાલ્યા ગયા છીએ, અને એટલે જ કેટલાંય વસ્તુઓ સ્વીકારતાં મોટા ભાગની પ્રજા અચકાશે. દા.ત., ત્રીજી સદીમાં રચાયેલ ‘પઉમચરિય’ (પદ્મચરિત્ર)માં હનુમાન અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે એવું વર્ણન પણ આવે છે!

‘કશ્મીરી રામાયણ’ આપણી રામવિષયક કથાઓમાં કદાચ છેલ્લો મણકો હશે. અહીં ડો. રત્તન તલાશીનો અનુવાદ મૂળ સાથે સરખાવ્યા વિના પણ આસ્વાદ્ય લાગે એવો છે. પ્રસ્તાવનામાં ડો. હસુ યાજ્ઞિકે આ રામાયણની કથા કેટકેટલી રીતે જુદી પડે છે તેની ચર્ચા સારી રીતે કરી છે. એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ (આણંદ) આ પ્રકારની પ્રકાશનપ્રવૃત્તિ કરીને બીજી શૈક્ષણિક સંસ્થાઓને પ્રેરણારૂપ બની છે એનો ખૂબ ખૂબ આનંદ છે.

*

શિરીષ પંચાલ
વિવેચક, સંપાદક.
ગુજરાતીના પૂર્વ-અધ્યાપક,
મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
વડોદરા.
shirishchandrika@yahoo.com
0265 2312747

*