અવલોકન-વિશ્વ/મીરાં-જીવન વિશે થોડાક નવા મુદ્દા – નરોત્તમ પલાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મીરાં-જીવન વિશે થોડાક નવા મુદ્દા – નરોત્તમ પલાણ


61--196x300.jpg


મીરાંબાઈ કા ઐતિહાસિક એવં પ્રામાણિક જીવનવૃત્ત –કલ્યાણસિંહ શેખાવત
આનંદ પ્રકાશન, જોધપુર, 2013
પ્રા. કલ્યાણસિંહ શેખાવત (જ. 1942) મીરાંબાઈના જીવન-કવનના એક અધિકારી વિદ્વાન તરીકેની ખ્યાતિ ધરાવે છે. તેમણે ‘મીરાં બૃહત્ પદાવલી’ (1975) ઉપરાંત મીરાંવિષયક એકથી વિશેષ પ્રકાશનો હિન્દી અને રાજસ્થાનમાં આપ્યાં છે. 2013માં તેમના તરફથી નિર્ણયાત્મક મનાતું ‘મીરાંબાઈનું ઐતિહાસિક જીવનવૃત્ત’ પ્રસિદ્ધ થયેલું છે.

‘લેખકીય’માં લેખક જણાવે છે કે મીરાંબાઈનું જીવનવૃત્ત છેલ્લાં પાંચસો વર્ષથી લોકઆસ્થાનું કેન્દ્ર રહેલું છે. એક બાજુ અધૂરો ઇતિહાસ અને બીજી બાજુ સંતોભક્તોની વાણીમાં ગવાતું રહેલું જીવનવૃત્ત – આ બન્નેની વચ્ચે પ્રામાણિક જીવનવૃત્ત અને પ્રામાણિક પદાવલીનો અભાવ પૂર્ણ કરવા માટે પોતે આ પુસ્તક પાઠકોને અર્પણ કરે છે. લેખક જણાવે છે કે છેલ્લાં પાંત્રીશ વર્ષોથી પોતે મીરાંવિષયક અધ્યયનમાં રત છે. દેશ-વિદેશના બહોળા પ્રવાસ પછી લેખક આશ્ચર્ય અનુભવે છે કે દુનિયાના કોઈ સાહિત્યમાં મીરાં જેવી ભક્ત-કવયિત્રી અને ક્રાન્તિકારી મહિલા જાણવામાં આવી નથી. મધ્યયુગમાં પ્રચલિત પ્રત્યેક રૂઢિને તોડીને મીરાં નિર્ભય બનીને મુક્ત મને નાચી છે! મીરાં નારીમુક્તિનું પ્રતીક છે.

રાજસ્થાની રાજપૂતોમાં ચુસ્તપણે જોવા મળતી પરદાપ્રથા તથા સતી થવાનો રિવાજ મીરાંએ સ્વીકારેલાં નથી. ઘર-સમાજમાં તે હડધૂત થઈ છે તેમજ કોઈ પણ ધર્મસંપ્રદાયમાં તે દીક્ષિત થઈ નથી. આમ રાજસત્તા અને ધર્મસત્તા – બન્નેથી મીરાં અલગ રહી છે અને પોતાની ઇચ્છા મુજબ પોતાનું જીવન જીવી છે તથા કાવ્યસર્જન કર્યું છે. આ બધી દૃષ્ટિએ મીરાં મધ્યયુગની એક ક્રાન્તિકારી મહિલા છે. (અભ્યાસીઓને અહીં દર્શકના વિવેચનગ્રંથ ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’(1963)ની કાકાસાહેબે લખેલી પ્રસ્તાવના યાદ આવી જશે: ‘સ્ત્રીસ્વાતંત્ર્યનો સત્યાગ્રહ મીરાંમાં જેટલો પ્રગટ થયો છે તેટલો આપણા દેશમાં તો શું, દુનિયાના કોઈ પણ દેશમાં આટલી ઉત્કટતાથી અને બેપરવાઈથી પ્રગટ નહીં થયો હોય.’)

લેખક જણાવે છે કે સાહિત્યસૃષ્ટિમાં મીરાં વિશે બે મતો, એનાં આત્યંતિક સ્વરૂપો સાથે આજે પણ પ્રચલિત છે. એક મત એવું માને છે કે મીરાં નામની કોઈ વ્યક્તિ થઈ જ નથી, જ્યારે બીજો મત મીરાંને સ્વીકારે છે, પણ તેના જીવનવૃત્તને ભ્રામક માને છે. દેશી-વિદેશી અમુક વિદ્વાનો તો મીરાંને ગણિકા ગણાવે છે! (પૃ. 5)

મધ્યકાલીન ઇતિહાસ (સાહિત્ય) માટે રાજસ્થાનમાં મુખ્ય ત્રણ સ્રોત છે: ‘ખ્યાત’ તરીકે ઓળખાતી સાહિત્યિક રચનાઓ, ‘રાણીમગા’ બારોટની વહીઓ અને ધર્મસ્થાનોના પંડાઓના ચોપડા – આ ઉપરાંત શિલાલેખો અને તામ્રપત્રો પણ પૂરક માહિતી આપે છે. રાજસ્થાની રાજપૂત વંશોને પોતપોતાના કુલગુરુઓ હતા, જે વંશાવળી સાથે વિશેષ વ્યક્તિઓનાં વિવરણો પણ રાખતા. જન્મ-મરણ સાથે અસ્થિ-વિસર્જનની તિથિઓ પણ તેમાંથી મળે છે. લેખક કહે છે કે આ બધી જ સામગ્રીનો વિનિયોગ કરીને આ ગ્રંથ પોતે લખ્યો છે. આના પછી પોતે મીરાંબાઈની પ્રામાણિક પદાવલી પ્રકાશિત કરશે. લેખકનાં પત્ની શ્રીમતી આનંદકઁવરબા સૌરાષ્ટ્રના ઝાલાવાડ પરગણાનાં છે અને તેમણે ગુજરાતીમાં મળતી મીરાંબાઈની રચનાઓનું હિન્દી કરેલું છે. (શેખાવતને ‘કાગ અવોર્ડ’(મહુવા) અર્પણ થયો છે.)

*

અસ્તુ, પુસ્તકમાં બે વિભાગ છે: ‘મીરાંબાઈનું પ્રામાણિક જીવનવૃત્ત’ અને ‘મીરાંબાઈનું જન્મસ્થળ બાજોલી.’ પહેલા વિભાગમાં લેખક જણાવે છે કે મીરાંનું ઐતિહાસિક જીવનવૃત્ત આપવાનો આરંભ જેમ્સ ટોડ દ્વારા 1832માં થયો છે. આ વૃત્ત આજે અપ્રામાણિક સિદ્ધ થયું છે. આ પછી લેખક એક લાંબી સૂચિ આપીને બધા તરફ અસંતોષ વ્યક્ત કરે છે. (આ સૂચિમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા પ્રકાશિત ‘મીરાંબાઈ: હર લાઇફ એન્ડ ટાઇમ્સ’ (હરમાન ગ્યોત્સ 1966) પણ છે જેને સુસંગત અને સુસંવાદી માનીને નિરંજન ભગતે ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ–2, ખંડ–1 શોધિતવધિર્ત આવૃત્તિ રમણ સોની (2003)-માં ‘મીરાં’ નામનું પ્રકરણ આપ્યું છે.

આ પછી મીરાંના પિયર(મારવાડ)ની અને મીરાંના સાસરા(મેવાડ)ની રિયાસતોના ટૂંકા ઇતિહાસ સાથે મીરાંનો જીવનક્રમ આ પ્રમાણે આપ્યો છે:

વિ.સં. 1555 (ઈ.સ. 1499) મીરાં-જન્મ; વિ.સં. 1573 (ઈ.સ. 1517) મીરાં લગ્ન; વિ.સં. 1579 (ઈ.સ. 1523) વૈધવ્ય; વિ.સં. 1591 (ઈ.સ. 1535) ચિતોડત્યાગ; વિ.સં. 1592/93 (ઈ.સ. 1536/37) અજમેર-મેડતા; વિ.સં. 1595–97 (ઈ.સ. 1539–41) વૃંદાવન; વિ.સં. 1597–1604 (ઈ.સ. 1541–1548) દ્વારકા; (અધિકૃત-અનધિકૃત1499થી 1548 = 49 વર્ષ મીરાંનો આયુ-કાળ) *(ઈ.સ. સમીક્ષકે મૂક્યા છે.)

અદ્યાપિ મીરાંજીવનવૃત્તનો વિસ્તાર નહિ પામેલો મુદ્દો મીરાંના શિક્ષણ વિશેનો છે. સામાન્યત: મીરાંના દાદા રાવ દુદાએ મીરાંના શિક્ષણની ‘ઉત્તમ વ્યવસ્થા’ કરી હતી, એટલું જ નોંધાતું આવ્યું છે. અહીં મીરાંના વિદ્યાગુરુનું નામ અને તેના મીરાં સાથેના સંબંધ ઉપર થોડો વિશેષ પ્રકાશ છે. રાવ દુદાએ ગજાધર પંડિત નામના એક ગુર્જર ગૌડ બ્રાહ્મણની નિયુક્તિ કરી હતી, જેણે સંસ્કૃત ધર્મગ્રંથો ઉપરાંત સંગીત અને નૃત્યની તાલીમ પણ મીરાંને આપી હતી. લગ્ન બાદ મીરાં ચિતોડ આવી પછી તેણે પોતાના વિદ્યાગુરુને ચિતોડ બોલાવી લીધા હતા અને પોતાના મંદિરની સેવાપૂજા સોંપી હતી. તથા આજીવિકાર્થ થોડીક જમીન પણ દાનમાં આપી હતી. લેખક નોંધે છે કે આ જમીન આજે પણ ગજાધર પંડિતના વંશજ ધરાવે છે અને તેમની પાસે જમીનનાં દાનપત્રો પણ છે. (પૃ. 24, 27)

આ અગત્યનો મુદ્દો છે, પરંતુ જમીનનાં દાનપત્રો જો પ્રસિદ્ધિ પામ્યાં હોત તો મીરાંના ચિતોડનિવાસનાં નિશ્ચિત વર્ષો, ચિતોડમાં મીરાંએ બંધાવેલા મનાતા મંદિરનું પ્રમાણ, તેનું વર્ષ તેમજ ગુર્જર ગૌડ બ્રાહ્મણની અમુક ઐતિહાસિક તવારિખ જાણવા મળત.

બીજા વિભાગમાં જે તાજી માહિતી છે તે જન્મસ્થળ બાજોલી અને મીરાંના ઉપાસ્ય સ્વરૂપ અંગેની છે. મીરાંનાં પદો વિશેની એક નાનકડી પાઠચર્ચા ‘જૂના જોગી’ નહિ, પણ ‘જૂના જોશી’ હોવા વિશે છે.

મીરાંના જન્મસ્થળ વિશે મેડતા, ચૌકડી, બાજોલી, અને કુડકી ગામનામો ચર્ચાતાં રહ્યા છે. આમાંથી કુડકી લગભગ સર્વસ્વીકૃત છે, ત્યાં લેખક એક નવો મુદ્દો ઊભો કરે છે અને મીરાંના જન્મસ્થળ તરીકે બાજોલીને પુન:સ્થાપિત કરે છે. લેખકનો મુદ્દો કુડકી ગામમાં હાલ હયાત કિલ્લાના અવશેષો ઉપર આધારિત છે. લેખક આ કિલ્લાની સ્થળતપાસમાં ગયા અને તેનો ફોટો પણ અહીં મુકાયો છે. લેખક જણાવે છે કે કિલ્લાનું નિર્માણવર્ષ, મીરાંના જન્મવર્ષ પછીનું છે, અર્થાત્ મીરાંના જન્મ પછી કુડકી રાજધાની બની છે. મેડતિયા રાઠોડના કુલગુરુની વહીનો આધાર પણ લેખક ટાંકે છે. (પૃ. 55) કુડકી પૂર્વે રાજકુટુંબનો નિવાસ બાજોલીમાં છે એટલે મીરાંના જન્મસ્થળ તરીકે બાજોલી યોગ્ય છે.

મીરાંના સેવ્ય સ્વરૂપની ચર્ચા મીરાંના ‘ગૂઢ અનુભવ’ સાથે સંકળાયેલી એક મહત્ત્વની ચર્ચા છે. આ ચર્ચાના અનુસંગે મીરાં સગુણ ઉપાસક કે નિર્ગુણ ઉપાસક – એની ચર્ચા પણ ચાલેલી છે. પંડિત હરિનારાયણ પુરોહિતને અનુસરીને લેખક અહીં મીરાંના ઉપાસ્ય દેવની ચાર મૂતિર્ઓ ગણાવે છે. નાનપણમાં કોઈ સાધુએ આપેલી મૂતિર્, રાવ દુદાએ મેડતામાં બંધાવેલા મંદિરની ચારભુજાનાથની મૂતિર્, મીરાંએ ચિતોડમાં બંધાવેલા મનાતા મંદિરની મૂતિર્ અને સાલિગ્રામ. આ મૂતિર્ઓ હાલ ક્યાં ક્યાં છે તેની માહિતી પણ લેખક આપે છે. (પૃ. 61–63)

સમજી શકાય છે કે મીરાં કૃષ્ણ(વિષ્ણુ)ભક્ત અને સગુણ-સાકારની ઉપાસક છે. પ્રસ્તુત પ્રકાશનમાં મૂતિર્ઓનાં જે સાત ચિત્રો-ફોટા મુકાયાં છે, તેમાંથી ચાર મૂતિર્ઓ શ્રીકૃષ્ણની અને ત્રણ મૂતિર્ઓ વિષ્ણુની છે. આ વિષ્ણુમૂતિર્ઓમાંથી બે મેડતામાં બિરાજતા ચારભુજાનાથની અને એક દ્વારકામાં બિરાજતા ત્રિવિક્રમ વિષ્ણુની છે. ચાર કૃષ્ણમૂતિર્ઓમાંથી ત્રણ મુરલીધર અને એક ગોવર્ધનધર સ્વરૂપની છે. સ્પષ્ટ છે કે ‘મોહન મોરલીવાળો’ મીરાંનો ઉપાસ્ય છે. મીરાંનાં પદોમાં પણ ‘મોર મુગટ ને કાને કુંડળ, મુખ પર મોરલી ધરી’-સ્વરૂપની પ્રધાનતા જોવા મળે છે.

લેખક આ ચર્ચાના ઊંડાણમાં ઊતરતા નથી પણ રાજસ્થાની, હિન્દી અને ગુજરાતી સાહિત્યમાં આની ચર્ચા થયેલી છે. લેખકની રજૂઆત પણ સરળ નથી.

મીરાંની રચનાઓમાં આદરપૂર્વક મળતા ‘જોગી’ના ઉલ્લેખ વિશે કોઈ નાથસાધુની કલ્પના થઈ છે, પરંતુ અહીં લેખક ‘જોશી’ શબ્દ હોવાનું જણાવે છે. – ‘મ્હારા જૂના જોસી હરજી મિલણ કદ હોસી’ વગેરેમાં ‘જોસી’ શબ્દ, રાવ દુદાના દરબારમાં રહેલા પંડિત જમના આસોદા નામના ‘રાજજ્યોતિષ’ સંદર્ભે હોવાની માહિતી આપે છે. આ જ્યોતિષી પરમ વૈષ્ણવ હતા, તેમણે દુદા-પરિવારને વિષ્ણુભક્તિ તરફ વાળેલો છે. (પૃ. 25, વગેરે)

અહીં મુકાયેલી સોળ આર્ટ પ્લેટોમાં જે જૂનાં ચિત્રો છે, તેના વિશે કોઈ સ્પષ્ટતા નથી. જૂનાગઢ ગિરનાર ઉપરનાં જૈન મંદિરોના ફોટા નીચે ‘અહીં મીરાંબાઈની મૂતિર્ પ્રતિષ્ઠાપિત છે’ તે ભળતી જ માહિતી છે અને છેલ્લે નરસિંહ મહેતાના ચિત્ર સાથે ‘સુપ્રસિદ્ધ વૈષ્ણવ ભક્ત નરસી મહેતા (જૂનાગઢ-ગુજરાત) જિસકા સાન્નિધ્ય મીરાંબાઈ કો દ્વારિકામેં મિલા’ – એવી લેખકની નોંધ, લેખકની ઇતિહાસદૃષ્ટિનો છેદ ઉડાડી દે છે.

*

ગુજરાતીમાં છેક 1865થી મીરાંવૃત્ત લખાતું અને ચર્ચાતું આવ્યું છે. 1911માં તનસુખરામ ત્રિપાઠી તરફથી ‘મીરાંબાઈનું સંપૂર્ણજીવનવૃત્ત’ પ્રસિદ્ધ થયું પછી 1916માં આનંદશંકર, 1918માં ભાનુસુખરામ, 1922માં મુનશી, 1928માં બળવંતરાય પછી ગોવર્ધનરામ, રા. વિ. પાઠક, મંજુલાલ મજમુદાર, દર્શક અને છેલ્લે નિરંજન ભગત. ગુજરાતીમાં વિસ્તૃત મીરાંવૃત્ત ભગતસાહેબ તરફથી સ્વતંત્ર પુસ્તક રૂપે 1982માં પ્રગટ થયું, એમાં મીરાંની જે દક્ષિણ ભારતની યાત્રાનો નિર્દેશ છે તે અહીં નથી, તેમજ મીરાંની આયુ 65–67 વર્ષની ગણાવે છે, તે અહીં માત્ર 49 વર્ષની છે!

હવે પછીનાં મીરાં-અધ્યયનો માટે અહીં થોડા નવા મુદ્દા છે એટલે સ્વાગતમ્!

*

નરોત્તમ પલાણ
સંશોધક, વિવેચક.
ગુજરાતીના પૂર્વ-અધ્યાપક, પોરબંદર.
દર્શન, 3 વાડી પ્લોટ, પોરબંદર.
92278 18900

*