અવલોકન-વિશ્વ/BECOMING STILL ONE MUST BE ALERT... – SASQUATCH – દિલીપ ઝવેરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
BECOMING STILL ONE MUST BE ALERT… –
SASQUATCH – દિલીપ ઝવેરી


3-Sasquatch–Gabriel-Rosenstock-Cover.jpg


Sasquatch – Gabriel Rosenstock
Arlen House, Dublin, Ireland, 2013

કોણ છે Sasquatch?

Sasquatch તો દંતકથાનો જીવ. પ્રશાંત મહાસાગરે વાયવ્યમાં ઘેરેલી ભોંયનાં જંગલોમાં ભટકનાર. અતિકાય, કેશાળ અને સંતાઈને રહેનારો વાનર. બરફ-કાદવમાં એનાં પહોળાં પગલાં દેખીને વેગવેગળા પગીઓએ આપણા કોઈ પૂર્વજની કલ્પના કરી રાખેલી. બરફનાં ચોસલાંને બાંધી વસનારી કે વાંસ-ચામડાના તંબૂમાં રહેનારી પ્રજાઓએ રોતાં છોકરાંને મૂંગાં કરવા કે ડામીજ છોરાંને બિવડાવવા ઉમેરેલી એની અનેક કથાઓ.

કોણ છે Gabriel Rosenstock?

આયર્લેન્ડમાં જન્મેલો કવિ. એનાં બસોએક પુસ્તક છપાઈ ચૂક્યાં હશે. દુનિયાના મુલક પછી મુલક જોયા છે. અનેક લોકો સાથે એની દોસ્તી. કંઈ કેટલી સંસ્કૃતિઓને જાણે. ભારત, ચીન, જાપાન માટે અદકું વહાલ. તો ભટકતાં ભટકતાં એણે નક્કી જ Sasquatch સાથે ઓળખ કરી હશે. દોસ્તી પણ બંધાઈ હશે. દોસ્તોની મંડળીમાં અઢી દાયકાથી માત્ર આસવ પીનાર Gabriel એક કાળે પાકો આઇરીશ. શીશા ભરીને વ્હિસ્કી પીતો. બાટલી ખોલી Sasquatchને મદમસ્ત કરી એની કવિતાઓ એને જ મોઢે સાંભળી હશે. પછી પચાસથી ય ઝાઝી આઇરીશમાં નોંધી સાથોસાથ અંગ્રેજી અનુવાદ જોડી સન 2013માં ચોપડી કરી. છેલ્લે પૂંઠાપાને છ દેશના મિત્રોની ટિપ્પણી ટાંકી (જેમાંનો એક હું) છપાવી. આજે આ લખતાં નક્કી નથી કે આ કવિતાઓ પેલા જીવે કરેલી, ગેબ્રિએલની કે તમે જ કહેલી!

કવિતા એટલે શું?

કવિતા શી રીતે ઓળખાય? કવિતા અને ન-કવિતાનો ભેદ કેમ પરખાય? આવા અનેક મૂળભૂત મનાતા પ્રશ્નોને વિસારે મૂકી આંશિકતાઓમાં, એકમેકમાં જોડાતાં જોડાતાં કે સમગ્રતામાં ભાવકને કવિતા એક આશ્ચર્યરૂપે પ્રતીત થતી હોય છે. પછી અંશ અને સમગ્ર વચ્ચે ભેદ નથી રહેતો. ગ્રેબિએલ આવું કંઈ કરે છે. Sasquatchનો પરિચય આપે છે. એક પછી એક ચોંટાડેલા અંશોમાં. જેનો અભાવ છે તેના સ્વભાવને કલ્પનથી વર્ણવી એને સાચોસાચ સરજે છે આ કવિતા.

કાલે રાતે એક Sasquatchબૂડી ગયો અને એને રોનારું એની જાતનું કોઈ ન હતું. એણે પાણીમાં જોયું પણ શું દેખાયું કે પોતે કોણ એની જાણ ન પડી. પોતાની જાતને કશી વિશેષ એવી ન દેખી. ઊડતું પંખી અદૃશ્ય થતાં જોયું હતું.

ત્યારથી એને જાણ હતી કે ક્યારેક પોતે ય ઓસરી જશે પણ કેમ, ક્યારે અને શું કામ તે ખબર ન હતી. જ્યારે ધરતીના સઘળા રંગ આસમાનમાં ફેલાઈ જાય ત્યારે Sasquatch નજરે ન પડે તેમ ભટકે છે.

દેખાઈને કવિતા! આ તો આરંભનાં ચાર કાવ્યોનું સંધાણ છે. દરેકની ધાતુ વેગળી અને સંવિતમાં સતત પ્રજ્જ્વલિત પ્રજ્ઞાના દાહમાં એકમેકમાં મિશ્ર થઈ ભળી જતી. Narcissus – Echo…ના અણસારાની સાથોસાથ ઓડિસિયસનાં પરિભ્રમણ પણ સાંભરી આવે.

ધીમે ધીમે જેનો અવિકલ્પ અભાવ છે તે Sasquatchના અસ્ખલિત ચંચલ સ્વભાવનો મંચ ઊઘડે છે. મંજૂષામાંથી એક પછી એક મુદ્રા કાઢી કવિ વેરી દે છે અથવા વળી ફરી કોશમાં સરકાવે છે. ક્યારેક જો પાછી મળી આવે ત્યારે એનાં નવેસરથી મોલ થશે. આમ તો Sasquatchનાં જ અનેક ચિત્ર છે. પણ ક્યાંક તે પોતે જ પોતાનું ચિત્ર જુએ છે. તેને કવિનું કથન અનુરૂપ ન હોય ત્યારે તે આપણને આશ્ચર્યચકિત કરતું કશુંક વ્યક્ત કરે છે. પોતે જ પોતાને આંગળી ચીંધી અપરિચિતને ઓળખે છે અને એમાં અચાનક આપણે આપણી જાતને ઓળખીએ છીએ. જુઓ.

Sasquatch ખુરશી પર ઊંચા પગ કરી છાપું વાંચતા કોઈ જનાવરને મોંમાંથી બીડીનો ધુમાડો કાઢતાં જુએ છે જેની પડખે એક લોહીનો પ્યાલો છે.

રાજકીય, સામાજિક, મનુષ્યવર્તનનું વર્ણનવિશ્લેષણ કરતાં થોથાંનાં થોથાં લખાણોની સામે આ સાવ સરળ માત્ર છ લીટીની કવિતા. પણ કવિના સંવિતમાં ‘ન્યાય’ એક બહુપરિમાણી સંજ્ઞા છે. લોહીનું જે થવાનું હોય તે થાય. સંદર્ભ બદલાતાં ન્યાય નવી ઓળખ પામે છે. પાંચસો વાર અંતરના છેટેથી Sasquatchને વાસ આવે છે જે એની ગંધ લઈ રહ્યું છે તેની. વળી ચાર જ લીટીમાં નવ શબ્દની રચના. પણ બંનેને જોડીને વાંચો. નવ્વાણું ટચની થઈ જશે. એકસોમો ટકોરો તમારો.

Sasquatch ફૂલ ચૂંટીને બસ, કોઈને દઈ દેવા ઇચ્છે છે. પણ કોને? જો આ Sasquatch આદિમ ન હોત તો જાત જાતના રાગડા તાણીને પેલી ફૂલ દેવાની વાત તાળીઓના તાલે મહેફિલમાં કરત. એક પછી એક પ્રાસની ભુલભુલૈયામાં ભટકતી રહી હોત એ વાત. પણ અનાસક્ત કવિ, પ્રલોભનોથી મુક્ત પોતે જ એક વિતથ ચૂંટાયેલું ફૂલ હોય છે. આમ Gabriel કવિનાં અને કવિતાનાં લક્ષણ સ્પષ્ટ કરતો જાય છે.

Sasquatch ચત્તોપાટ લંબાઈ પડ્યો છે, દિવસ પર એનું મન ચીતરી દેવા માટે, કોઈ દિવસ બીજા દિવસ જેવો નથી હોતો. વળી પાછું ચાર લીટીમાં રંગનું તાજું પોતું!

આમ, તારા ગણતો Sasquatch તારાઓથી ગણાતો, દેખતાં-સાંભળતાં-ગંધ લેતાં જંગલો-મેદાનોમાં ભટકતો, વાદળાંનો પીછો કરતા વાદળને વાદળમાં ભળી જતાં જોઈ પાછાં પગલાં ભરે છે. અને વળી ફૂલ દેખી, કોણે મોકલ્યાં કોણે મોકલ્યાં પૂછતો પર્વતોના મૌન સામે ઊભો રહી જાય છે.

વાચકો, આ એક નહીં પાંચ કવિતા છે. મુક્તકોમાં મૌક્તિકોનો હાર બનતો જાય છે એવું વિધાન પંડિતયુગમાં સહેલાઈથી કરી શકાય. પણ ડાબેજમણે ફંટાતા રસ્તાને દેખી Sasquatchપાછો વળી જાય છે કારણ કે એને તો એક જ રસ્તાની જાણ છે.

ગઝલના વેગવેગળા બેત જેવી આ રચનાઓને સાથે જોડી દઈએ તો કદાચ મુસલસલ માલ મળી આવે. પણ જ્યારે એક એક બેત પોતે જ શેર હોય ત્યારે એક એક શેર પણ દીવાન બની જાય. છેતરામણથી છટકવું કે ફસાઈ જવું બેઉ એકી સાથે શક્ય હોય ત્યારે કવિની જવાબદારી ભારે. માથેથી ભાર ઉતારીને મોકળો ફરે તે કવિ. Gabriel અનેક વર્ષોથી હાઇકુ લખે છે. જાપાનમાં તો એની જબરી વાહવા. પણ વાત વાહવાની નહીં વ્યાયામની છે. Gabrielપાર વિનાની કસરતો કરી ચૂક્યો છે. એની અટકનો ભાગીદાર Ron Rosenstock અમેરિકાનો અફલાતૂન ફોટોગ્રાફર. આ જમાનામાં હજી ય, હજી ય કાળાધોળા ફોટા લે. એના ફોટા આ જીવતી ધરતીના, સમદરોના, આસમાનના, જંગલોના, પહાડોના, ઋતુઓના, ખંડેરોના. એમાં માણસને ય જગા ખરી, પણ જોનાર તરીકે. એના એક એક શબ્દાતીત, પ્રાગ્ભાષિક, અનંતવ્યાપી, ફોટાની હેઠળ કવિ Gabriel ટૂંકી ટંૂકી કવિતા લખે – Haiga. મિત્રોને એ ચિત્રો અને અક્ષર મોકલતો રહે. એનું મોંઘામૂલું વજનદાર પુસ્તક Hymn to the Earth પાંચેક વર્ષ પહેલાં છપાયું. ત્યાં સુધી અમેરિકાના ફોટોગ્રાફરની અને આયર્લેન્ડના કવિની પ્રત્યક્ષ મુલાકાત પણ થઈ ન હતી. છતાં આંખ સાથે સંવાદ સાધનાર બેઉ, ચિત્ર-શબ્દમાં એકમેકને મળી ભળી ગયા હતા. આમ અંગૂઠાથી જ રાવણ ચીતરીને દેખાડનાર Gabriel આપણનેSasquatchઆબેહૂબ દેખાડે છે. કારણ કે સપનાં થયાં પહેલાંની ય એને જાણ છે.

He knew places
they could never dream of
Saw their dreams before they were formed

Sasquatch સ્વપ્ન બની સંતાઈ જાય ત્યારે એની પાછળ બરાડતાં અને બંડ કરતાં ઝાડ ઝડપથી કતારબંધ થઈ જાય છે, એને બચાવવાને. તો કોઈ વાર કોઈ ઝાડ પડું-પડું થતાના અણસારે Sasquatchએને હળવે સાદે કહે છે, ટેકાઈ જા મારા ખભે.

ક્ષણ વાર માટે Sasquatchને લાગ્યું કે પોતે બદલાઈ જશે પંખીમાં, માણસમાં, દેવતામાં. નીચે નજર કરી જુએ છે પોતાના ભારેખમ પગ.

આમ, ચાર લીટીમાં પણ Gabriel ધરમૂળનાં પરિવર્તન કરી જાણે અને કવિતા થઈ જાય. એક ચિત્ર દોરી,માથે પડદો પાડી દે. છેવટે રહી જાય કોઈ સવાલ. ભાવકને આ અવકાશમાં શોધતાં શોધતાં મળી જાય તે કવિતા. કવિ પ્રાસની યોજના કરે અને છેલ્લી કડીમાં છોડે-તોડે. શું કામ? એને જવાબ ગોતતાં જડી જાય તે કવિતા. ઉપમા માટે કે સંકેત માટે અગાઉથી પરિચિત અપરૂપ-બહુરૂપી કલ્પન જેવાં કે વાદળ અથવા વહેતાં જળ યોજી રાખે અને Sasquatchને પ્રગટવા, ઓસરી જવા, વળી નવેસરથી પ્રવેશ કરવા માટે અવકાશ રચી દે.

આ કવિતાઓમાં સંસ્કૃતિઓના આરંભ છે અને પર્યાવરણના વિનાશ પણ છે. જૈવિક સંબંધોની હળવાશ અને કરુણાની સાથોસાથ પ્રકૃતિ સાથેનો અતૂટ નાતો પણ છે. અસ્તિત્વ એટલે શું અને મૃત્યુ એટલે શું એવા ભારેખમ સવાલોના જે કવિ જ આપે તે તે જવાબ પણ છે. તો વાતની છેવટે Gabrielકહે છે તે Sasquatchની છેવટ –

BLUE SILENCES
Clouds moving across clear blue waters
drawing him away
out of this world
out of himself
a way
into blue silences
silences stretching over silences bluer still
stretching to breaking point
his spirit’s blue flame dancing in the waters
in the sky
(ભૂરાં મૌન
એને તાણી જાય છે
ભૂરાં નીતરેલાં પાણીમાં વહેતાં વાદળ
આ દુનિયાથી આઘે
જાતથી ય દૂર
ભૂરાં મૌનમાં
ભૂરાં મૌન ઉપર છવાયલાં
તણાઈને તૂટું તૂટું થતાં
એથી ય અદકાં ભૂરાં મૌનમાં
એની ચેતનાની ભૂરી શગ
આસમાનનાં ભૂરાં પાણી પર નાચે છે.)


*

દિલીપ ઝવેરી
કવિ, કાવ્યાનુવાદક.
વ્યવસાયે તબીબ,થાણે.
થાણે, મુંબઈ.
jhaveridileep@gmail.com
99692 76911

*