અશ્રુઘર/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સર્જક-પરિચય
Ravji Patel.jpg
સર્જન કરવાની શક્તિ કેવી તો જન્મજાત હોય છે એનો એક દાખલો આપણા નવલકથાકાર પન્નાલાલ પટેલ છે તો બીજો એક દાખલો કવિ રાવજી છે – રાવજી છોટાલાલ પટેલ. જન્મ ૧૫ નવેમ્બર ૧૯૩૯ અને, નાની વયે જ આ ઉત્તમ સર્જકનું અવસાન : ૧૦ ઑગસ્ટ ૧૯૬૮.

ડાકોર પાસેના નાનકડા ગામ વલ્લવપુરામાં જન્મેલો આ સામાન્ય સ્થિતિનો ખેડૂત-પુત્ર અમદાવાદ આવ્યો, સ્કૂલમાં ભણ્યો, કૉલેજમાં બે વર્ષ ર્ક્યાં; નિર્વાહ માટે મીલમાં, પુસ્તકાલયમાં નાની-સરખી નોકરીઓ કરી. આ એક સંઘર્ષ, ને શહેરમાં ગામ-ખેતર તીવ્રતાથી યાદ આવ્યા કરે એ બીજો મનોસંઘર્ષ. રાવજીનાં સંવેદના ને ચેતના એટલાં તો વેગવાળાં કે ગુજરાતીના કવિઓની કવિતા વાંચતાં વાંચતાં જ કવિતાનું ઝરણું ફૂટયું – ને જોતજોતામાં રાવજી પટેલ તે સમયની આધુનિક કવિતાનો એક મહત્ત્વનો કવિ બની ગયો – અદમ્ય સર્જકશક્તિનો જાણે ચમત્કાર! ભણ્યો, વાંચ્યું, લખ્યું તે બધું જ તરવરાટથી ને વલવલાટથી – ઊંડે ડૂબકી મારીને. નાનપણના અપોષણને કારણે ક્ષય થયો, લાગણીની તીવ્રતાવાળા આ કવિએ એ ગણકાર્યું નહીં, રોગ વકરતો ગયો, એને હોસ્પિટલમાં દાખલ કરાયો – પણ એ બચ્યો નહીં. 30 વર્ષની નાની વયે આપણી વચ્ચેથી એ વિદાય થયો…

જીવ્યો એ દરમ્યાનમાં, કૃષિ-ચેતના તેમજ આધુનિક ચેતનાનાં ખેંચાણવાળી – લાગણી અને સમજના અદ્ભુત સમન્વયવાળી કવિતા લખી. અવસાન પછી એનો, કવિમિત્રોએ, સંગ્રહ કર્યો : ‘અંગત’ (૧૯૭૦). એ ઉપરાંત બે નવલકથા લખી ‘અશ્રુઘર’(૧૯૬૬) અને ‘ઝંઝા’ (૧૯૬૭). વાર્તાઓ લખી – ‘વૃત્તિ અને વાર્તા’ (૧૯૭૭). એક રોગગ્રસ્ત અશક્ત વ્યક્તિ, એક સશક્ત સર્જક.