અશ્રુઘર/૫
બે દિવસ પછી સત્યને ઘેર જવાની રજા મળી ગઈ. દવાઓનું પ્રિસ્ક્રિપશન અને હમણાં બે વર્ષ લગી સ્રીસ્પર્શ ન કરવાની સલાહ વગેરે ડૉક્ટર પાસેથી લઈ લીધું. કારાગારમાંથી આજે મુક્તિ મળવાની હોય એ રીતે તે તૈયાર થતો હતો. બેચાર કપડાં, બાકીનાં પુસ્તકો બેધ્યાનપણે ઘેર જવાની હોંશમાં ને હોંશમાં થેલીમાં ભરતો હતો. સાજો થઈને ઘેર પાછો જતો હતો. દશ વર્ષે પોતાના વતનમાં જવાનો હતો. આનંદ કેમ ન થાય? દશ વર્ષ માં તો પોતાનું ગામ કેવુંય થઈ ગયું હશે? પાછળના દરવાજામાંથી પ્રવેશી આગળનાં દરવાજામાંથી નીકળતો હોય એમ એ સડસડાટ બહાર નીકળી ગયો. કોઈને આવજો-જજો કરવાનુંય ભાન એને ન રહ્યું. ખેતરમાં એની પાછળ નલિની દોડતી દોડતી આવી. ‘ઊભા રો’ સત્યભાઈ, ગાંડાની જેમ શું દોડયા જાવ છો? ‘ સત્ય ઊભો.
‘નલિની, તબિયત સાચવજે. તેં તારા વિરોધીઓ અહીં બહુ ઊંભા કર્યા છે, કળીઓ બહુ ન તોડતી, અમથું કોઈને મનદુ:ખ થાય.’
‘થયા થયા હવે. એનાથી તો મારો વટ પડે છે, છેને મારે જનકને પ્રેમપત્ર લખવો છે. તમે આણંદથી દસબાર પરબીડિયાં લેતા આવજો.’
‘સારું. તું આમ રખડરખડ ન કર. જા, અંદર આરામ કર.’
‘પેલાં લલિતાબેન તમારી વાટ જુએ!’ કહીને એ વૉર્ડમાં જતી રહી.
સડક પર લલિતા ઊભી હતી. સર્વદમન બાંકડા નીચે કંઈક સૂંઘતું હતું. સત્ય આવ્યો. એટલે એણે તે ઊંચકી લીધું.
‘તમને એ બચકું ભરશે.’ સત્યે કહ્યું.
‘આપણા કરતાં આ વધારે સમજદાર છે. મને રંજાડવામાં આ બિચારાને કશો રસ નથી. એવી કશી ગતાગમ પણ એને નથી. એટલે તો આ મને ગમે છે. આજ તો મનમાં નક્કી કર્યું છે. બને તો એને ઘેર જતાં સાથે લઈ જવું.’
સત્યને ‘નક્કી કર્યું છે’ અને ‘બને તો’ અંગે કંઈ બોલવાનું મન થયું પણ જતાં જતાં એવું શું વળી કહેવું!
‘પણ એ લુચ્ચું આવશે? જુઓને એના પગે હજી મટયું નથી. એનો પગ પેલા તિવારીએ કચરી નાખ્યો છે. આને પાટો બાંધજો, બિચારાને કળતર ન થાય!
‘સારું.’
‘હું જાઉં છું.’
‘જાવ ને. તમે રોકાવ-ન રોકાવ એમ હું ક્યાં કહું છું? આપણે તો ટ્રેઈનના કમ્પાર્ટમેન્ટમાં ભેળાં થઈ ગયાં હોય એવું…’ એમ કહ્યે સત્યના મોં પર શો પ્રતિભાવ પડે છે તે જોવા લાગી.
‘લલિતાબેન, મારાથી તમારી સાથે કોઈ વાર વિચિત્ર વર્તન થઈ ગયું હોય તો ક્ષમા—’
‘તમે ખૂબ વિવેકી છો.’ સર્વદમન લલિતાના અંગૂઠાને ચાટતું હતું. અંગૂઠો ખેંચી લેતાં તે કૂણું કૂણું ભસવા મંડયું.
‘તમે સાંજે ઘેર પહોંચીને જમશો ત્યારે તમને શું થશે? જમ્યા પછી એકલા પડશો ત્યારે શું કરશો?’
‘પણ મુદ્દાની વાત એ કે હું એકલો પડું જ નહીં. મા છે, ભાભી છે, મોટાભાઈ, સુરભિ —’
‘સુરભિ કોણ?’
‘આ સર્વદમન જેવી ભત્રીજી.’
‘સર્વદમન જેવી? સર્વદમનને યાદ કરશો ને?’પણ ઉત્તર સાંભળવાની ઇચ્છા વગર એ હવે બોલ્યે ગઈ, ‘શેનું આ યાદ આવે બાપડું.’ તમારે તો ખૂબ માણસો છે.’ સડક જેવડો લાંબો નિસાસો એના મોંમાંથી બહાર નીકળી ગયો, ‘માણસોથી જે માણસ આખો દિવસ ઘેરાયેલું હોય એને “માણસ” બહુ યાદ ન આવે. અરે, આવું ગરીબ સર્વદમન યાદ ન આવે.’
કેમ કરીને આ બાલપુરુષને સમજાવવો કે પોતાને હવે સત્ય-હીન સેનેટોરિયમ અકારું થઈ પડશે.
‘હું તમને કશુંક આપું તે સ્વીકારશો?’
‘જોયા વગર?’
‘આ…’ એણે કબજાના ગોળાકાર ઉપરથી ચકચકિત ખોખાવાળી પેન કાઢી, ‘લેશો?’ તમને કામ લાગશે; બીજા પાસે માગવી પણ નહીં પડે.’
સત્યને આનંદ થયો. તે લેતાં તેને પ્રકટ પણ કર્યો. ‘સરસ છે! પાયલોટ’ ને એને જોવા લાગ્યો, ‘ને પાછું તમારું નામ પણ કોતરેલું છે.’
‘લલિતા.’
‘હંઅ બોલો.’ નામવાચનના અનુસંધાનમાં લલિતાએ હુંકારો કર્યો.
‘હું તો નામ વાંચતો’તો. તમને મેં….ને લલિતાના કરમાતા ફૂલ જેવા મોંને તે જોઈ રહ્યો.
‘તબિયત સાચવજો.’ લલિતાએ બોલવાનો પ્રયત્ન કયો.
બસ આવી પડી.
‘આવજો!’ કહીને સત્ય બેસી ગયો. લલિતા બેસી જ રહી.
‘ક્યાં આવું?’ આમ પરવશ બની જવું એ એને ન ગમ્યું. વ્યર્થ વહી જતી લાગણીઓનાં પૂરમાં પોતાની તણાયે જતી જાતને એણે સ્વસ્થતાપૂર્વક રોકી.
‘સારું થયું એ જતા રહ્યા.’
એ વૉડમાં ગઈ ત્યારે પીરસણ શરૂ થઈ ચૂક્યું હતું. પતિને મીઠા વગરની ખીચડી ને મૂળાની ભાજી ખાતા જોઈ તે મોસંબી છોલવા બેઠી. મોસંબી છોલતાં છોલતાં તે ‘આ રોગ કંઈ હવે ભયંકર ની… તમે આ રીતે ઊંઘ લીધા કરો. બહુ બોલશો નહિ’ એવું તેવું કહેવા લાગી. પતિને ખોરાકનો કોળિયો ચાવતા જોઈ એ સજલ દૃષ્ટિથી જોઈ રહી. ‘તમે ખાતાંખાતાં હાંફો છો?’
મોસંબીની ચીરીઓ એમની થાળીમાં મૂકતાં બોલી. એમાંથી બે ચીરીઓ લઈ નંબર 10ના ખાટલા પર જુએ છે તો એમાં સેતાની આંખમાંથી નીકળતી સત્યની અનુપસ્થિતિ આળોટવા લાગી. કોઈનું ધ્યાન જાય નહિ એમ આંખો લૂછી પતિની થાળીમાં ચીરીને પાછી મૂકી દીધી.
‘કેમ પાછી મૂકી દીધી? ખાને તું.’
‘ના. તમે ખાવ. જે છે તે તબિયતમાં જ છે. તમારું શરીર સારું થઈ જાય એટલે —’એ સહેજ અટકી. પોતાનો આ રીતનો વ્યથાવિરામ બોલતાં બોલતાં થઈ ગયો એ ગેરસમજ ન ઊભી કરે એટલા માટે તે ઊભી થઈ.
‘તમે ખાવ ત્યાં લગી હું બહાર બેસું છું.’ ને એ બહાર ગઈ. વોર્ડમાંથી માત્ર દર્દીઓના જમવાના બચકારાઓનો સ્વાદહીન અવાજ આવતો હતો. સ્રી-વૉર્ડમાં ક્ષુધિત શ્વાન ભસતાં હતાં. લલિતાના માથા પરના બાંધેલા તાર પર સત્યનું રહી ગયેલું ખમીસ સુકાતું હતું…