અશ્વિન મહેતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અશ્વિન મહેતા

અશ્વિન મહેતા (જ. 1931) : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા ગુજરાતના તસવીરકાર. ભારતના આજના ટોચના તસવીરકારોમાં તેમની ગણના થાય છે. તેમનો ઉછેર અને અભ્યાસ મુંબઈમાં થયો. નાનપણથી તેમને અધ્યાત્મ તરફ આકર્ષણ હતું. તેઓ જે. કૃષ્ણમૂર્તિ, વિનોબા ભાવે, ઉમાશંકર જોશી અને સ્વામી આનંદના પરિચયમાં આવ્યા. સ્વામી આનંદ સાથે તેમને ઘનિષ્ઠ સંબંધ સ્થપાયો અને તેમના સાંનિધ્યમાં તેઓ હિમાલયમાં પણ રહ્યા ને રખડ્યા. બાળપણમાં તેઓ સમવયસ્કો સાથે અતડા અને શરમાળ રહેતા હતા; પરંતુ પ્રકૃતિ સાથે આત્મીયતા અનુભવતા હતા. તેથી પ્રકૃતિમાં અને તેની ફોટોગ્રાફીમાં પહેલેથી જ રસ ધરાવતા થયા હતા.

1952માં તેમણે મુંબઈની જી. એસ. મેડિકલ કૉલેજમાંથી બાયોટૅકનૉલૉજીમાં એમ.એસસી.ની ડિગ્રી મેળવી. અભ્યાસ પછી મુંબઈમાં કૉર્પોરેટ ફોટોગ્રાફી અને ઍડ્વર્ટાઇઝિંગ ફોટોગ્રાફી-ક્ષેત્રે કારકિર્દી અપનાવી. આ દરમિયાન નિજાનંદ ખાતર કુદરતની ફોટોગ્રાફી પણ તેઓ કરતા રહ્યા. તેમની ફોટોગ્રાફીની લાક્ષણિકતા એ છે કે તેઓ દેખીતા દુન્યવી પદાર્થોની ફોટોગ્રાફીને અમૂર્ત અધ્યાત્મની કક્ષાએ પહોંચાડે છે.

1973માં તેમણે વ્યાવસાયિક (કૉર્પોરેટ અને ઍડ્વર્ટાઇઝિંગ) ફોટોગ્રાફીને તિલાંજલિ આપી, નિજાનંદ ખાતર ફોટોગ્રાફી ચાલુ રાખી અને મુંબઈ છોડી વલસાડ નજીક તીથલ ખાતે સ્થાયી થયા.

તેમણે યોજેલાં વૈયક્તિક પ્રદર્શનોની વિગતો નીચે પ્રમાણે છે :

સ્થળ સાલ
શેમુલ્ડ આર્ટ ગૅલરી, મુંબઈ 1966, 1980
જહાંગીર આર્ટ ગૅલરી, મુંબઈ 1968, ’71, ’72, ’73, ’75, ’77, ’78
ગાર્ડનર સેન્ટર ઑવ્ આર્ટ્સ, ઇંગ્લૅંડ 1986
નૅશનલ સેન્ટર ફૉર પફૉર્મિંગ આર્ટ્સ, સેન્ટર ફૉર ફોટોગ્રાફી ઍઝ આર્ટ ફૉર્મ, મુંબઈ 1988, ’93, ’95, ’97, ’99
પિરામલ આર્ટ ગૅલરી, મુંબઈ 1986
મૅક્સમૂલર ભવન, દિલ્હી 1994
ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ, દિલ્હી 1995

તેમણે નીચે મુજબ સમૂહ પ્રદર્શનોમાં ભાગ લીધો છે :

સ્થળ સાલ
રઘુરાય આયોજિત ક્રિયેટિવ આઇ, નવી દિલ્હી 1972
કૉડાક ગૅલેરી આયોજિત ‘ટૂડેઝ ઇન્ડિયા’, ન્યૂયૉર્ક 1973
મિત્તર બેદી આયોજિત ફોટોગ્રાફી (1844-1984) ડર્મ્સ્ટાટ, જર્મની 1984
અનધર વે ઑવ્ સીઇંગ, નેધરર્લૅન્ડ્ઝ 1992
ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, લંડન 1982
ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા, રશિયા 1990
ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’, જર્મની 1991

કાયમી સ્થાન : કૅબિનેટ દ ઍસ્તાશ્પે, બિબ્લિયૉથેક નૅશનાલે, પૅરિસ; મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ આર્ટ, ન્યૂયૉર્ક; સેન્ટર ફૉર ફોટોગ્રાફી ઍઝ આર્ટ ફૉર્મ, મુંબઈ; તથા ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ, નવી દિલ્હી ખાતે તેમની કૃતિઓ કાયમી સ્થાન પામી છે. તેમની ફોટોગ્રાફીનાં આલબમ-પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે : ‘હિમાલય-એન્કાઉન્ટર્સ વિથ ઇટરનિટી’ (1985, ’91), ‘કોસ્ટ્સ ઑવ્ ઇન્ડિયા’ (1987), ‘ગિફ્ટસ ઑવ્ સૉલિટ્યૂટ’ (1991) તથા ‘હન્ડ્રેડ હિમાલયન ફ્લાવર્સ’ (1992).

દેશવિદેશનાં અનેક નામી સામયિકોમાં તેમની ફોટોગ્રાફીની કૃતિઓ પ્રકાશિત થઈ છે. તેમાંનાં કેટલાંક સામયિકો : ‘કૅમેરા’ (સ્વિટ્ઝર્લૅન્ડ) ‘આર્કિટેક્ચરલ ડાયજેસ્ટ’, ‘કોડાક ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી’, ‘આસાહી ગ્રાફિક્સ’ (ટોક્યો), ‘ગેબ્રોશ્ગ્રેફિક’ (મ્યૂનિક), ‘ફોટોગ્રેફીક ઍન્યુઅલ (ઝ્યુરિક), ‘કૅમેરા માઇનિચી’ (ટોક્યો), ‘ડિસ્કવરી’, ‘જિયો’ (ફ્રાંસ), ‘સિગ્નેચર’, ‘ઇલસ્ટ્રેટેડ વીક્લી ઑવ્ ઇન્ડિયા’, ‘પેન્ટૅક્સ ફૅમિલી’, ‘ઓગી નેચુરા’ (ઇટાલી), ‘ફોટોગ્રાફી’ (ઇંગ્લૅન્ડ), ‘કૅમેરાર્ટ’ (ટોક્યો), ‘પેસિફિક’ (ટોક્યો), ‘ફોટોજાહર્બુખ’ (જર્મની), ‘ઇમ્પ્રિન્ટ’, ‘ઇન્સાઇડ આઉટ સાઇડ’, ‘જેન્ટલમૅન’, ‘ડેબોનેર’, ‘સારિકા’, ‘ધર્મયુગ’, ‘કુમાર’, ‘કવિતા’, ‘સમર્પણ’ અને ‘સાધના’. વળી અનેક કૉર્પોરેટ સંસ્થાઓએ તેમની ફોટોગ્રાફીને પોતાના કૅલેન્ડર પર સ્થાન આપ્યું છે.

લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા, ઍર ઇન્ડિયા, રૉયલ નેપાલ એરલાઇન્સ, કર્ણાટક ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, ઇન્ડિયા ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, સિંગાપુર ઇન્ટરનૅશલન ઍરલાઇન્સ, કાર્બોરેન્ડમ યુનિવર્સલ, ભોર ઇન્ડસ્ટ્રીઝ, કૉલર્ચેમ, એક્સેલ, બોહરીન્ગર-નોલ, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ-ઇંડિયા, ફિલિપ્સ, જર્મન રિમેડિઝ, વૉલ્ટાઝ, કેબલ કૉર્પોરેશન ઑવ્ ઇંડિયા, ખાન્ડેલ્વાલ લૅબોરેટરિઝ.

યુનિસેફ અને વકીલ્સે મહેતાની ફોટોગ્રાફીને પોતાનાં વિવિધ અભિનંદનપત્રો પર સ્થાન આપ્યું છે. ભારત સરકારે મહેતાની ફોટોગ્રાફીમાંથી હિમાલયનાં ફૂલોને ટપાલ ટિકિટ પર છાપ્યાં છે. (1982 અને ’87).

ફોટોગ્રાફી કરવા માટે મહેતા ભારતના લડાખ, આંદામાન, નિકોબાર, લક્ષદ્વીપ જેવા અંતરિયાળ વિસ્તારો તેમજ વિદેશમાં બ્રિટન, સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, સ્કૉટલૅન્ડ, અમેરિકા, થાઇલૅન્ડ, કૅનેડા, ઉત્તર ધ્રુવ, ઇત્યાદિ પ્રદેશો ખૂંદી વળ્યા છે.