અહો બત કિમ્ આશ્ચર્યમ્/નવો શૂન્યાવકાશ
સુરેશ જોષી
કોઈ વાર જોઉં છું કે આકાશમાંથી લોહીનાં ટીપાં વરસે છે. ચારે બાજુ મૃત માનવીઓ રોપાઈ જાય છે અને એનાં વન વિસ્તરે છે. ઘરનાં છાપરાં કોઈ રાક્ષસી પંખીની પાંખ પ્રસારીને ઊડવા માંડે છે. પવન ફાંસો ખાઈને ઝૂલ્યા કરે છે. ઘરના ગોખલામાંના દેવો ગુપચુપ કોઈની નજર ન પડે તેમ, કોઈ નવા માયાલોકમાં સરકી જાય છે. જીવનભર ભદ્રની જ ઉપાસના કરનારને તો આવી ‘અશુચિ’ કલ્પના કદી પજવતી જ નહીં હોય; હું પણ ઘણું મથું છે ને વિચારું છું કે વરેણ્યભર્ગ સૂર્યને જ જોઉં, અન્ધકારનું અસ્તિત્વ જ ન સ્વીકારું. બધે કેવળ સત્ય છે એમ જ માનું ને અસત્યને તો પાપીઓએ ઉપજાવેલી ભ્રાન્તિ જ માનું. ક્યાંય દુ:ખ નથી. વેદનાનો ચિત્કાર નથી. છે કેવળ મુદા – એમ જ મારાં હઠીલા હૃદયને સમજાવું છું. પણ આ સૂર્ય જ ભ્રાન્તિને ટકવા દેતો નથી. મારી આંખો એની પ્રામાણિકતા છોડવા ઇચ્છતી નથી. દુ:ખના મુખ પર પહેરાવેલું સુખનું મહોરું સરી પડે છે. સૌન્દર્યની પાછળથી વિષનો ફુત્કાર સંભળાય છે.
મને કોઈક વાર લાગે છે કે જે લોકો ઇન્દ્રિયનિરોધ કરી શકે છે તે લોકો કેટલાક ન લેવા જેવા અનુભવોનો નિષેધ કરી શકે છે. પણ મને તો એમ લાગે છે કે ઈશ્વરે મને કેવળ છઠ્ઠી સાતમી જ નહીં પણ દસમી ઇન્દ્રિય આપી છે. આથી એકલો સૂર્ય જ એમાં થઈને પ્રવેશતો નથી પણ મને અનનૂભુત ભયથી અભિભૂત કરી નાખનાર અન્તરીક્ષનો કોઈ નવો જ શૂન્યાવકાશ એની પ્રચણ્ડ નિ:શબ્દતા સાથે મારામાં પ્રવેશે છે. મારા નાનકડા ઘરના નાનકડા ઉંબર પર પ્રગટાવેલા દીપથી અજવાળાનું નાનું શું અનુકૂળ જગત આ ઇન્દ્રિયોના દ્વારેથી ધસી આવતા પ્રચણ્ડ હાહાકારથી હતું ન હતું થઈ જાય છે. છતાં શ્રદ્ધાળુ મુરબ્બીઓના કરસંપુટમાંથી જો એક બે બિન્દુ શ્રદ્ધાનાં ટપકે તો હું ઝીલી લેવા આતુર છું. મારી આંખને હું અદૃષ્ટથી આકર્ષાઈ જતાં વારું છું. કોઈ અશ્રુત ધ્વનિથી હું ઉત્કર્ણ થવા ઇચ્છતો નથી. ચાર દીવાલની અંદર બંધ બારીબારણાંથી સુરક્ષિત રહીને મારાથી જીરવી શકાય એટલો જ નાનકડો ઈશ્વર નિપજાવી લેવા ચાહું છું. આ બાવન અક્ષરની બારાખડીનો પણ મને લોભ નથી. અતલ ઊંડાણવાળા કે ખંધા ધૂર્ત શબ્દોની સોબત મનેય ગમતી નથી. છતાં એકાએક આ બધું પાનાંના મહેલની જેમ કડડભૂસ તૂટી પડે છે. હું ચીંદરડાની જેમ ઊડતી શ્રદ્ધાને ઝાલી રાખીને મને ઢાંકવા મથું છું.
વૃક્ષો જટાવાળા ઋષિમુનિ થઈને શાન્તિપાઠ કરે, નદીઓ કોઈ પુણ્યશાળી સંત પુરુષની વાણીની સ્રોતસ્વિની બની રહે, દરેક પાષાણને મુખેથી સ્વસ્તિવચન સાંભળું. દરેક તૃણાંકુર આશાની વિજયપતાકા લહેરાવે. આવું બધું મને નથી થતું એમ નહીં, પણ મારી દશમી ઇન્દ્રિયમાંથી કોઈ નવું જ તત્ત્વ પ્રવેશે છે. એ શ્રદ્ધાથી વધારે વિશાળ છે. આશાથી વધારે ઉજ્જ્વળ છે. મારા ઘરના નાના નાના અંધારિયા ખૂણામાં લપાયેલા તુચ્છ ભયથી વધારે ભયાનક છે. મારા ગોખલામાં બેઠેલા બટુકડા ઈશ્વરથી કેટલાય ગણું વિરાટ છે – એ મારાથી જિરવાતું નથી.
આથી થોડી ઉછીની લીધેલી શ્રદ્ધા મારી આંગળીઓ વચ્ચેથી સરી પડે છે. આવડી સરખી સિગરેટના ખોખાની અંદરના ચાંદીના કાગળ જેવી ચળકતી આશા ભડકો થઈને ખાખ થઈ જાય છે. મારો નાનકડો ઈશ્વર ઘીના દીવાની જ્યોતની ઓથે ધ્રૂજતો ધ્રૂજતો લપાઈ જાય છે. મેં સમજાવીપટાવીને ઢબુરી રાખેલા શબ્દો નવી જ અહાલેક જગાવીને આસુરી નૃત્ય કરવા માંડે છે.
મારી આજુબાજુ પુસ્તકોની થપ્પી છે. મારા ઘરની દીવાલ પર એકાદ ગણપતિ કેલેંડરના વાહન પર બેસીને ઝૂલે છે. એક સહીસલામત ચકલો ચકલી ભાવિ સંસારનાં સ્વપ્નો અધબીડી આંખે જોતાં બેઠાં છે. ક્યાંક કીડીઓની હાર શિસ્તબદ્ધ રીતે, સ્વસ્થતાથી ચાલી જાય છે. આ બધું જોઈને હું શ્રદ્ધાળુ થવા મથું છું. આ પુસ્તકો એમની સહસ્રજિહ્વાએ મને આશીર્વાદ આપશે એવી આશા રાખું છું. પણ કબાટના ચોરખાનામાં સંતાડેલી મારી છબિમાંથી જાણે વિષાદના ફુવારા ઊડે છે. આથી હું શ્રદ્ધાવાન થઈ શકતો નથી. આશાવાદી થઈ શકતો નથી. મારા ઉદ્દણ્ડ શબ્દો બધે જઈ જઈને શ્રદ્ધાની હાંસી ઉડાવે છે. ઈશ્વર દયામણે મુખે મારા તરફ જોઈને ઉદ્ગાર કાઢે છે. ‘અલ્યા તું!’
એથી તો કહું છું મારા શબ્દોને તમે બહુ ચગાવશો નહીં. મારા પડછાયાને સુધ્ધાં તમારો ઉંબર ચઢવા દેશો નહીં, અરે, મારા ઘરનો ભ્રષ્ટ પવન પણ ચોરીછૂપીથી તમારા ચન્દનઅચિર્ત ગ્રંથનાં પૃષ્ઠ વચ્ચે લપાઈ જાય નહીં તેની તકેદારી રાખજો.
20-10-74