અહો બત કિમ્ આશ્ચર્યમ્/પળેપળની તીવ્ર અભિજ્ઞતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પળેપળની તીવ્ર અભિજ્ઞતા

સુરેશ જોષી

બાળવાર્તાઓમાં પણ ધનના ચરુ દાટેલા જ હોય. મણિધર નાગ એનું રક્ષણ કરતો હોય, આયુષ્યનાં મોંઘામૂલાં વર્ષોનો ખજાનો લુંટાવી બેઠેલાં દાદીમા બાળકોને વાર્તા કહેતાં હતાં, આવા જ એક ખજાનાની વાર્તા બાળકો વિસ્ફારિત નેત્રે અચરજથી સાંભળતાં હતાં. દાદીમાએ વાર્તા શરૂ કરી : એક ચક્રવર્તી રાજા હતો. એની આણ ચારે દિશાએ વરતાય પણ ભગવાનનું કરવું તે એના ધનોતપનોત બેઠા. રાજા અકાળે મરણ પામ્યો. પણ મરતી વેળાએ પોતે ખજાનો ક્યાં દાટ્યો હતો તે કોઈને કહી જવા પામ્યો નહીં. મહેલનાં ખંડિયેર થઈ ગયાં. દેવકુંવર જેવો રાજકુમાર ચીંથરેહાલ દશામાં ભટકી ભટકીને ભીખ માગવા લાગ્યો. રાજકુમાર એક દિવસ થાક્યોપાક્યો એક ઝાડ નીચે સૂતો હતો. સ્વપ્નમાં એણે જોયું કે કોઈ દેવી એની સામે મરક મરક હસી રહ્યાં છે. દેવીએ એને પૂછ્યું : ‘તું તારા બાપનો ખજાનો શોધે છે?’ કુંવરે કહ્યું : ‘હા’, દેવીએ કહ્યું : ‘તો ચિન્તા કરીશ નહીં. મને ખજાનો ક્યાં છે તેની ખબર છે. હું કહું તેમ કરજે,’ કુંવરે કહ્યું : ‘વારુ,’ પછી દેવી બોલ્યાં : ‘મહેલમાં ઊગમણી બારી પાસે એક મોટી શિલા છે, એ શિલાને ઉપાડીને આઘી મૂકજે, ત્યાં થોડુંક ખોદશે એટલે તને પગથિયાં દેખાશે. એ પગથિયાં ઊતરીને નીચે જશે એટલે ભોંયરું આવશે, એ ભોંયરાના પ્રવેશદ્વાર આગળ એક રાક્ષસ ઊભો હશે. ભયંકર મસમોટો રાક્ષસ, પણ એ રાક્ષસની એ ખૂબી છે કે એ ઝટ ગુસ્સે થતો નથી. તું એને ગુસ્સે કરી શકશે તો એ તરત તારે તાબે થઈ જશે.’ રાજકુંવરને મનમાં થયું, કોઈને ગુસ્સે કરવામાં તે કેટલી વાર, અને તેમાંય આ તો વળી રાક્ષસ, આથી કુંવરે કહ્યું : ‘વારુ.’ દેવીએ આગળ ચલાવ્યું, ‘પછી એક બીજું દ્વાર આવશે, ત્યાં ઊભી હશે રૂપરૂપના અમ્બાર જેવી કન્યા. એ મધુર સ્મિત કરતી હશે, એ તને ભેટવા આવે કે તરત એના હાથમાં બેડી પહેરાવી દેજે.’ કુંવરને થયું : આ જરા અઘરી વાત તો ખરી. આવી સુન્દર કન્યા ભેટવા આવે ને ભેટવાનું નહીં! કાંઈ નહીં એ તો જોયું જશે, એમ વિચારીને એણે કહ્યું, ‘વારુ.’ પછી દેવીએ કહ્યું, ‘તું આગળ વધશે એટલે ત્રીજું અને છેલ્લું દ્વાર આવશે ત્યાં આગળ એક કિશોર ઊભો હશે. એના મોઢા પર ભારે ઉદાસી હશે, એને તું હસાવી શકશે તો બેડો પાર. તો એ દ્વાર ખૂલી જશે અને ખજાનો તારો થઈ જશે.’ રાજકુંવરની નજર સામે એ કિશોરનો ગમગીન ચહેરો નજરે ચઢ્યો ને એને દુનિયાનાં બધાં દીનદુ:ખિયારાં યાદ આવ્યાં. ઈશ્વરે વેરેલા આ લખલૂટ ઐશ્વર્ય વચ્ચે ઊભા હોવા છતાં એમનાં મુખ પર હાસ્ય નથી. એ વિચારે ચઢ્યો, એને થયું : ‘લાવ ને, દેવીને જ પૂછી લઉં’, એમ વિચારીને એ દેવીને પૂછવા જાય છે, ત્યાં તો દેવી અદૃશ્ય! રાક્ષસને તો ગુસ્સે કરી શકાય, રૂપસુન્દરીને પરવશ કરીને બેડી પહેરાવી શકાય, પણ આ ઊંડી ગમગીનીને દૂર કરીને એ કિશોરને શી રીતે હસતો કરી શકાય? કહે છે કે હજી એ રાજકુંવર હરેક ગમગીન કિશોર આગળ ઊભો રહે છે ને એને હસાવવાનો પ્રયત્ન કરે છે, પણ હજી સુધી તો એ સફળ થયો નથી.

આ બાળકથાનો અન્ત ‘ખાધું, પીધું ને રાજ કર્યું’થી નથી આવતો, કારણ કે આ તો આપણા યુગની બાળવાર્તા છે. બુદ્ધે નિર્વાણને નકાર્યું તે પણ લોકોનાં દુ:ખનો નાશ કરવાનું બની શક્યું નહોતું તેથી. દુ:ખનું જ તેજ એટલું બધું છે કે આપણી સુખને વિશે સેવેલી બધી જ ભ્રાન્તિનાં ધુમ્મસ એનાથી ઓગળી જાય છે. દુ:ખ ગરીબોને જ છે એવું નથી, ધનિકોને પણ એમનાં આગવાં દુ:ખ છે જ. આપણા દરેક સુખને દુ:ખનો પાસ બેઠેલો છે. દોસ્તોએવ્સ્કી પણ નિર્દોષ બાળકોનાં ચીમળાયેલાં મુખ જોઈને એમના દુ:ખથી પીડાઈને ઈશ્વર સામે બળવો પોકારી ઊઠેલો.

ક્રોધીનો નાશ તો એનો ક્રોધ જ કરે છે, આપણને પોતાની મોહિનીથી ભેળવીને આલંગિનમાં જકડી લેવા ઇચ્છનાર તો એ પરવશતાનો પોતે જ ભોગ બનીને બેડીમાં જકડાઈ જાય છે. પણ દુ:ખનું શું? દુ:ખ એટલે જ પળેપળની તીવ્ર અભિજ્ઞા. આ તીવ્ર અભિજ્ઞાનો શાપ લઈને આપણે જીવીએ છીએ. સ્થળ અને સમય વચ્ચે જકડાયેલા, મરણની નિશ્ચિતતાથી કચડાયેલા, માટે જ તો ક્ષણભર જો આ ગ્લાનિનો પડછાયો ખસેડી શકીએ, ક્ષણભર જો કોઈકને સહેજ સ્મિત કરતાં કરી મૂકીએ તો એ સુખદ ક્ષણ તે જ આપણું પરમ ઐશ્વર્ય. અવતારી પુરુષો ને સન્તો હજી શોધી રહ્યા છે એ કીમિયો!

19-5-74