અહો બત કિમ્ આશ્ચર્યમ્/બાળવાર્તાની દુનિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાળવાર્તાની દુનિયા

સુરેશ જોષી

ઘરના ઉંબર પર પગ મૂકતાં કોઈક વાર અજાણ્યો ભય લાગે છે. ઘરમાંની વ્યક્તિઓ, અસબાબ બધું જ પરિચિત છે. ઘરમાં સૌથી મોટી વયનું વડીલ તે દીવાલ પરનું ઘડિયાળ છે. ઇયોનેસ્કોના પેલા નાટકમાંના ઘડિયાળની જેમ એ સ્વેચ્છાએ વર્તે છે. સાંજે સાત વાગે એ બારના ટકોરા પાડી દે છે. એનો ચિરપરિચિત ટિકટિક અવાજ એ મારા ઘરની નિશ્ચિતતાનો એક પાયો છે.

ચોપડીઓની થપ્પીમાં ઘરમાંનાં બાળકો માટેની બાળવાર્તાની ચોપડીઓ છેક નીચે દબાઈ ગઈ છે. હવે એ દુનિયા છોડીને એ બાળકો ઇજનેરી, સ્થાપત્ય અને અર્થશાસ્ત્રના વિશાળ જગતમાં વિહાર કરવા જતાં રહ્યાં છે. છતાં, કોઈ ન જુએ તેમ હું કોઈક વાર એ ચોપડીઓને બહાર કાઢીને એનાં રંગીન ચિત્રો ને મોટા મોટા અક્ષરોની સૃષ્ટિમાં ચાલ્યો જાઉં છું. સાથે ચંચળ હાથે, નૃત્ય કરવાની અદામાં ઝડપાઈ ગયેલા, કેટલાક બારાખડીના અક્ષરો પણ જોઉં છું. એ ‘એક હતો રાજા’ ને એની ‘સાત રાણી’ હજી ત્યાં રાજ કર્યા કરે છે. કોઈ વાર રાતે મારાં ઘણાં બધાં વર્ષો કોઈ પરી એની નાજુક પાંખ પર મૂકીને ઉપાડી જાય છે ત્યારે ફરી હું પેલી રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર રણકાવતી ચાલનારી, રૂપરૂપના અમ્બાર જેવી, દિવસે ન વધે તેટલી રાતે વધે ને રાતે ન વધે તેટલી દિવસે વધે એવી રાજકુંવરીને શિશુની વિસ્ફારિત આંખે જોઈ રહું છું.

સવાર થતાં વીતેલાં વર્ષોનો ભાર મારે ખભે ચંપાયો છે, મારા જકડાઈ ગયેલા પગને સમજાવતો પટાવતો હું ઊભા થવાનો પ્રયત્ન કરું છું ત્યારે મેદાનમાં પંદરસો મીટરની દોડ દોડનાર જુવાનને જોઈને હું અદેખાઈથી બળી મરું છું.

કોઈ વાર સવારે હું ઘરમાં એકલો જ જાગી જાઉં છું. ત્યારે આરામખુરશી પર કોઈકને બેઠેલું જોઉં છું. એ બદામી રંગનો, બાંયની ચાળ આગળથી ફાટેલો કોટ, એ પમ્પ શુઝ – હું તરત ઓળખી કાઢું છું. એ તો મારા પિતાજી, બેઠા બેઠા, બહાર જવાની તૈયારીમાં, પાન ખાઈ રહ્યા છે. એમના હોઠ પર મેં આપેલા ભાતના અબીલ કંકુરંગ્યા પંડિના દાણા ચોંટેલા છે. એમના પર થઈને મીંઢોળા નદી વહી રહી છે. હું ઊભો થાઉં તે પહેલાં એઓ ઊભા થાય છે, ચાંદીની મૂઠવાળી લાકડી હાથમાં લે છે ને જવા માટે ઊભા થાય છે. જતાં જતાં કેલેંડરનું પાનું ફાડતા જાય છે. એમને છાજે એવા નીરવ પગલે એઓ ચાલી જાય છે ને બારણું ખખડે છે. હું સફાળો ઊભો થઈ જાઉં છું. દૂધવાળો આવ્યો છે. હું ખાલી આરામખુરશી તરફ મૂઢ બનીને તાકી રહું છું.

કોઈ વાર મધરાતે જાગીને જોઉં છું તો ઘરની વચ્ચોવચ છાપરાને ફાડીને એક મહાવૃક્ષને ઊગી નીકળેલું જોઉં છું. એ ઊંચું ને ઊંચું વધ્યે જ જાય છે. એ વૃક્ષનાં પાંદડાં પવનમાં હાલે છે ને એનો અવાજ ઘરની દીવાલો સાથે પટકાઈને મને વાગે છે. ઝાડની દરેક ડાળ પરથી એક એક સાપ લટકે છે. ક્યાંક બેઠેલા ઘુવડની આંખ તગતગે છે, એની બખોલમાં કોઈ અજાણ્યા પંખીનાં ઈંડાં છે. એની ઘટામાંથી કોઈ પશુનો અવાજ સંભળાય છે. હું પડખું ફરીને સૂઈ જઉં છું પણ બીજી સવારે બહારથી આવીને મારી પથારીમાં પડેલાં એકાદ બે પાંદડાં જોઈને હું હબકી જાઉં છું.

કોઈ વાર ઘરમાં એકાએક ભોંયરું છતું થાય છે. હું બધાની નજર ચુકાવીને એનાં પગથિયાં ઊતરી જાઉં છું. ક્યાંક વહેતા જળનો ખળખળ અવાજ સંભળાય છે. અંધારામાં કાંઈ કેટલાય અવાજો ઘુસપુસ કરતા હોય એવું લાગે છે. કોઈક વાર કશુંક ભીનું લાળઝરતું મને સ્પર્શે છે. પણ હવે તો ચારે બાજુ નર્યો અન્ધકાર જ અન્ધકાર છે. એટલે ચાલ્યા ગયા સિવાય બીજો ઉપાય નથી. ત્યાં થોડેક છેટેથી ઘોડાનો હણહણાટ સંભળાય છે, પછી થોડું થોડું અજવાળું દેખાય છે. એ અશ્વ પર કોઈક બેઠું છે એ મને સંકેત કરે છે અને હું અશ્વ પલાણું છું. એડી મારતાંની સાથે ઘોડો પૂરપાટ દોડે છે. કોઈક વાર બીજી વ્યક્તિનું મુખ થોડુંક દેખાય છે. ધીમે ધીમે એના હાથ મને વીંટળાઈ વળે છે પછી તે નાગચૂડની જેમ મને ભીંસે છે. હું સફાળો જાગી ઊઠું છું. મારે શરીરે પરસેવો વળી ગયો છે. એફ્રિડીન લઈને હું શ્વાસના ઉન્મત્ત લયને ઠેકાણે લાવું છું.

બધાં બારીબારણાંની ગણતરી કરી લઉં છું. બહાર મ્યુનિસિપાલિટીની ઘરના નંબરની ભૂરી પટ્ટી તપાસી લઉં છું. બધાં તાળાં અને ચાવી મેળવી લઉં છું. બારણે મેલેરિયાના તાવની નોંધનું કાર્ડ પણ સહીસલામત છે. ઘરની બધી વ્યક્તિઓ હેમખેમ છે. આ બધું નક્કી કરી લીધા પછી હું નિશ્ચિન્ત બનીને તકિયે અઢેલીને બેસું છું. આ વાસ્તવિકતાનો પડદો કેવો જર્જરિત થઈ ગયો છે, એથી જ એનાં છિદ્રોમાંથી તો આ બધું એકાએક મારા પર ધસી આવે છે.

ગોખલામાંના દેવ જાગે છે. અંધારામાં તો એ પણ અલોપ થઈ જાય છે. રાતે સૂતી વેળાએ ચાર દીવાલોને પહેરો ભરવાનું કહું છું, દર્પણને આંખ ખુલ્લી રાખવાનું કહું છું. છતાં દરરોજ રાતે હું ક્યાંક ને ક્યાંક અટવાઈ જાઉં છું.

3-11-74