અહો બત કિમ્ આશ્ચર્યમ્/રુચિની કૃપણતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રુચિની કૃપણતા

સુરેશ જોષી

હવે સવારના તડકામાં એક જુદા જ પ્રકારની ઉજ્જ્વળતા છે. પવનમાં કોઈ અજાણ્યા શીતળ પ્રદેશનો સ્પર્શ છે. આપણે આવડી સરખી કાયાના કારાગારમાં પુરાઈને જીવીએ છીએ એમ વૈરાગી કવિઓ કહે છે. પણ પવનનો સ્પર્શ થતાં જ એક વિશાળ વિસ્તારમાં આપણે પ્રસરી નથી જતા? આકાશને જોતાં જ આપણી આંખ આકાશ બની જતી નથી? આ નાનકડા કરેણના પુષ્પે પોતાની પાંખડીના પાત્રમાં કેટલા સૂર્યને સારવી લીધા છે?

ના, હું ફિલસૂફી હાંકવા નથી બેઠો. જે તડકાની ઉજ્જ્વળતાની હું વાત કરું છું તેની ઉજ્જ્વળતા હું પોતે જ જોઈ શકતો નથી, કારણ કે મારી આંખો બળે છે. પવનનો સ્પર્શ થતાં જ મારા દેહમાં કોઈ અસુર વકરી ઊઠે છે. છતાં મારી આવી નિર્બળતાઓ અને મર્યાદાઓને કારણે હું એમ નહીં કહી દઉં કે પવન દુષ્ટ છે, સૂર્ય નિષ્ઠુર છે.

આ જગતને જોવા જાણવામાં એક એવી અવસ્થા આવે છે જ્યારે જે આપણે માટે પ્રતિકૂળ અને સુખસંવેદ્ય ન હોય તેને આપણી મર્યાદાઓથી પર રહીને આપણે એવી રીતે આલેખી શકીએ છીએ કે જેથી બીજાઓ એનો આસ્વાદ કરી શકે. કોઈ કવિતા, મારી અંગત રુચિને અનુકૂળ નહીં લાગતી હોય તેમ છતાં એની વિશિષ્ટતાઓ તથા ગુણવત્તાનો હું પરિચય કરાવી શકું. આ કેવળ તટસ્થતાનો પ્રશ્ન નથી. જેણે કળાનું સેવન દીર્ઘ કાળથી કર્યું હોય છે તે આવી સમુદાર વૃત્તિ કેળવી શકે છે.

આથી કોઈ પણ ક્ષેત્રમાં ચડસાચડસી કે હોંસાતૂંસી જોઉં છું ત્યારે દુ:ખ એ વાતનું થાય છે કે ઉત્તમ વસ્તુને આપણે શા માટે આવી અનુદાર અસહિષ્ણુ વૃત્તિના પ્રદર્શનનું નિમિત્ત બનાવીએ છીએ? એનો અર્થ એવો નથી કે બધું જ મુગ્ધ દૃષ્ટિથી, કશા વિવેક વિના જોવું. કળાનો પ્રત્યક્ષ સમ્પર્ક જ આપણને ઉચ્ચાવચતાનો આ વિવેક શીખવે છે. જે સમાજમાં આવી વિવેકશક્તિ કેળવી શકનારા વિશેષ તેની સંસ્કારિતા ઊંચી કોટિની ગણાય.

જેમણે ભદ્રતા અને શિષ્ટતાની જ હંમેશાં હિમાયત કરી હોય છે તેમનામાં જ કેમ વધુ અસહિષ્ણુતા જોવામાં આવે છે? કેટલીક વાર તો સહેજસહેજમાં નાકનું ટેરવું ઊંચું ચઢે કે ભ્રમર ઊંચી ચઢે તેને સંસ્કારિતાનું લક્ષણ ગણવામાં આવે છે. તમને શું ગમે તે નહીં પણ તમને શું નથી ગમતું એને આધારે પણ તમારી સંસ્કારિતા નક્કી થાય છે. ઘણાંને ગૌરવપૂર્વક (કે સાચી રીતે કહીએ તો તોછડાઈથી) એવું કહેતા સાંભળીએ છીએ ‘એવું તેવું તો અમે નજરમાં લઈએ જ નહીં.’

એન્ટિસૅપ્ટિક છાંટીને શુદ્ધ રાખેલી આ રુચિનો જીવન સાથેનો પ્રબળ પ્રત્યક્ષ સંસ્પર્શ હોતો નથી. આથી એમાં પ્રાણની નૈસગિર્ક કાન્તિ હોતી નથી. એ જે કાંઈ પ્રબળ કે પ્રચણ્ડ હોય છે તેનાથી ચેતીને ચાલે છે. કલુષિત થવાના ભયે આ આખી જિન્દગી એક પ્રકારના ક્વોરેન્ટાઇનમાં જ કાઢે છે. જો બહારના ‘અશુદ્ધ’ વાતાવરણની એકાદ લહરી પણ જો એમને સ્પર્શી જાય તો પ્રાણાંતક ભયથી એઓ ધ્રૂજી ઊઠે છે. જેણે અરાજકતાનો સામનો જ નથી કર્યો તેઓ કેવળ વ્યવસ્થાના ગણિતનાં ચોકઠાંમાં જ પુરાઈ રહે છે.

આમ છતાં, સમાજમાં, આવો વર્ગ જ ઊંચા આસને બિરાજતો હોય છે. જેને આવા શિષ્ટ લોકો માન્યતા અર્પે છે તે જ પ્રતિષ્ઠા પામે છે. પણ એવું જોવામાં આવ્યું છે કે જ્યારે સર્જનશક્તિની ઓટ આવી હોય છે ત્યારે જ શિષ્ટ લોકોનું નિયન્ત્રણ વધુ આકરું બનતું હોય છે. સર્જનશક્તિનો જુવાળ આવ્યો હોય છે ત્યારે તો આવી છોછને કોઈ યાદ કરવાય રહેતું નથી. એની અજસ્રતા, એનું ઐશ્વર્ય, એનું કૌૈવત, એની વિપુલતા આપણને અભિભૂત કરી નાખે છે. ભરતી આવી ગયા પછી ફીણ સાથે ઘસડાઈ આવેલા કચરાની ગણતરી કરવાનો ઉદ્યમ શરૂ થઈ જાય છે.

બૃહત્ જીવનના સન્દર્ભથી જેઓ વેગળે જઈ પડ્યા છે, જેમણે જીવનના તેમ જ સાહિત્યના, એકાદ અનુકૂળ ખણ્ડ પર પડાવ નાખીને સન્તોષ કેળવ્યો છે, પણ સમુદાર રુચિ નથી કેળવી તેઓ સર્જનપ્રવૃત્તિને સાચા પરિપ્રેક્ષ્યમાં જોવાની પ્રામાણિકતા બતાવતા નથી. આમ છતાં આધ્યાત્મિકતાની પરિભાષા વાપરવાથી જ બીજાને ડુબાડી દઈને પોતે મોક્ષ પામતા હોય એવું માનવાનું એમનામાં ભોળપણ હોય છે.

જીવનમાં તો આપણી અંગત મર્યાદાને અનુસરીને જ આપણે તિરસ્કારપુરસ્કાર કરતા હોઈએ છીએ, પણ કળા આપણને અનીતિમાં રાચવા માટે કે કુત્સિતનું કામણ કરવા માટે જ શિષ્ટ સમાજે નિષિદ્ધ ગણેલા ક્ષેત્રમાં લઈ જાય છે? જો એમ કહીએ તો રસાસ્વાદની પ્રક્રિયા જ આપણે સમજ્યા નથી એમ જ કહેવું પડે. એમાં વ્યક્તિ તરીકેનાં આપણાં દૂષણભૂષણને પંપાળવાના હોતા નથી. જે કાલિદાસ વાંચીને ‘સેક્સ’ની ફરિયાદ કરે, ભવભૂતિ વાંચીને ‘ગ્રોટેસ્ક’ની ફરિયાદ કરે, બોદલેર વાંચીને ‘કુત્સિત’ની ફરિયાદ કરે તેને કળાનો સ્પર્શ જ થયો નથી એમ કહેવાનું રહે. જીવનની પ્રાકૃતતાને ઢાંકવા માટે ચોંટાડવાનું સોનેરી વરખ તે કળા નથી. આ અદમ્ય અસીમ જીવના વેગને સામી છાતીએ ભેટનારા, એમ કરવા જતાં વિશીર્ણ થઈ જનારા, સર્જકોની આપણે આપણી કહેવાતી ‘શિષ્ટતા’ની કોટડીમાં બેસીને હાંસી ઉડાવીશું? ભણેલા છતાં કળાના ક્ષેત્રમાં નિરક્ષર એવા સમાજના મોટા ભાગના લોકો એમના અજ્ઞાનમૂલક આદરના ઉચ્ચાસને આપણને બેસાડે તે અસહિષ્ણુતાનો ધજાગરો ફરકાવવા? શિષ્ટ સમાજની શિષ્ટ ગાળ પુણ્યપ્રકોપને નામે ઓળખાય છે. દરેક પોતાનાં થોડાં દેવલાંની પોટલી સાચવતું બેઠું હોય છે. પણ એ દેવલાં સામી વ્યક્તિના પર ઘા કરવાનું સાધન હોય એવી રીતે એને વાપરવામાં શિષ્ટતા રહી છે ખરી? એ દેવલાંમાંથી સાચો દેવ પ્રકટ કરવાનો પુરુષાર્થ એથી વધુ સમુચિત નહીં લેખાય? આપણે આપણું પૂરું મન લઈને જીવતા નથી, આપણે આપણી ચેતનાના સર્વ ખણ્ડોમાં વસતા નથી. જે ઓરડા બંધ રાખ્યા હોય છે તે ભૂતિયા ઓરડા થઈ જાય છે. ત્યાં પ્રવેશવાનું ભયાવહ બની જાય છે. કળા પોતાના વિષય તરીકે કુત્સિતને સ્વીકારે છે કે સુન્દરને તે મહત્ત્વનું નથી, એ તો કાચી ધાતુ છે એનું કળાકાર શું કરે છે તે મહત્ત્વનું છે, નહીં તો ઈશ્વર કરતાં સેતાનનું પાણી વધારે પ્રભાવશાળી આલેખનાર મિલ્ટનને આપણે શું ફાંસીએ ચઢાવીશું? ઇયાગોના પાત્રને રચવામાં પોતાની શ્રેષ્ઠ શક્તિ ખરચનાર શૅક્સપિયરને આપણે મૂરખ કહીશું?

આપણે આપણા પૂર્વગ્રહો આપણા ઘરની ચાર દીવાલ વચ્ચે ઊછેરીએ તો તેનો વાંધો નહીં, પણ એને ત્રિકાલાબાધિત સત્યના વાઘા પહેરાવીને સમાજ પર વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કરીએ તો તે એટલું જ અશિષ્ટ ગણાય. નીતિ આચરવામાં ભયસ્થાન નથી, પણ નીતિનો દુરાગ્રહ આપણને અનીતિ તરફ ખેંચી જાય.

કળા જે અખણ્ડતાનું પ્રત્યક્ષ આકલન કરાવે તેને આપણે આપણને સદી ગયેલી નીતિની કાતર ફેરવીને આપણા માપની વેતરી લઈએ તો એમાં કેવળ આપણને જ ખોટ જાય. એ પણ યોગ્ય તો ન જ કહેવાય. પણ એથી આગળ જઈને જો આપણે સમાજને આપણા જ માપદણ્ડ સ્વીકારવાનો દુરાગ્રહ રાખીએ તો એમાં કળા કે નીતિનું ગૌરવ થતું નથી.

જો આ વલણ વધુ બળવાન થતું જશે તો વાલ્મીકિ, કાલિદાસ શૅક્સપિયરની જ નહીં પણ આપણા ઘણા બધા ધર્મગ્રન્થોની પણ સુધારેલી કાટછાંટ કરેલી આવૃત્તિઓ જ વાંચવાની મળશે. આપણા ઘરનો બગીચો તે શિષ્ટ અને વન તે અશિષ્ટ એમ કહીશું?

ગ્રીસમાં પણ એક વિવેચકે પ્લેટોએરિસ્ટોટલના જમાનામાં ‘હોમરને ચાબખા મારો’ એવી કૃતિ લખી હતી. આ વલણ જૂનું છે, એણે પણ ઊંડી જડ નાંખી છે. બોદલેરની કવિતામાં અર્વાચીન માનવસન્દર્ભ પહેલી વાર સમર્થ રીતે પ્રગટ થયો હતો, તેમ છતાં ફ્રાન્સની એકેડેમીના સભ્ય એક અધ્યાપક મહાશયે બોદલેરની ભર્ત્સના કરી હતી. હેન્રી મિલરે આવા સોગિયા લોકોની મશ્કરી કરતાં કહ્યું છે : ‘એવા સજ્જન વરસાદ પડવાના પછી ઘાસના મેદાનમાં ફરવા નીકળે ને કૂણા ઘાસને વરસાદ પડ્યાને કારણે ભીની ધૂળથી ખરડાયેલું જુએ તો અવશ્ય ઠપકો આપીને કહે : ‘મૂરખ, જોને, મોઢું કેવું ગંદું કર્યું છે!’

15-10-74