અહો બત કિમ્ આશ્ચર્યમ્/હિંસાનું નવું રસશાસ્ત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હિંસાનું નવું રસશાસ્ત્ર

સુરેશ જોષી

આપણા ઘરની બારીમાંથી નજર કરીએ છીએ તો આકાશ કે ક્ષિતિજરેખા દેખાતી નથી, દેખાય છે માત્ર મકાનો, આપણી ચારે બાજુ બધું યાન્ત્રિક ઢબે એક સરખી રીતે ગોઠવાયેલું લાગે છે, આપણી નજર સામેનું ‘પ્રાકૃતિક દૃશ્ય’ કેવળ એન્ટીસેપ્ટિક છે, અહીં આટલે દૂર બેઠો હોઉં છું તોય કોઈ વાર દૂરના કોઈ રાસાયણિક કારખાનામાંથી છટકી નાઠેલો એમોનિયા ગૅસ મારી આંખમાં ઝળઝળિયાં લાવી દે છે. આજુબાજુ જે જીવે છે તેનો ચેતનવંતો થનગનાટ કે રણકાર સંભળાતો નથી. આપણી સમ્ભવિતતાનું ક્ષેત્ર હવે હ્રસ્વ થતું જાય છે. કેટલીય ભાવિ શક્યતાઓ હવે આપણાથી અણજાણપણે એમાંથી બાદ થઈ ગઈ છે. બહારનાં રૂપોમાં જે ભૌમિતિક એકવિધતા છે તેની પાછળ કેટલાંય વિકસવાની ક્ષમતાવાળાં આન્તરિક રૂપોના વિનાશની કથા લોપાઈ ગઈ છે.

એક બાજુ છે વિરતિ – એ આપણને ઊધઈની જેમ ખોતરી નાખે છે. તો બીજી બાજુ હિંસાનું આખું નવું ઊભું કરેલું રસશાસ્ત્ર છે. હવે આપણા કહેવાતા બૌદ્ધિક સમાજનો મોટો ભાગ અમાનુષીપણાને ઓછેવત્તે અંશે આવકારતો થઈ ગયો છે. વાસ્તવિકતાના ઘટ્ટ વણાટવાળા ટકાઉ પોતમાં હવે અનેક અસંગતિઓનાં અને દુર્ઘટનાઓનાં છિદ્રો પડ્યાં છે. હવે આ વાત કહેવા જતાં જ સાવ ચવાઈ ગયેલી અને રેઢિયાળ લાગે છે. હવે આપણે સિતમો ગુજારનાર ને વ્યક્તિઓને બાનમાં પકડીને દમદાટી આપનારી રાજનીતિના યુગમાં જીવી રહ્યા છીએ. મોટી સંસ્થાઓ પાસે સેવાભાવી વ્યક્તિઓ નથી, પણ અમુક રકમના બાનમાં પકડેલી લાચારીભરી વ્યક્તિઓ જ છે. નગરમાં છડેચોક જાહેરમાં થતી હિંસા ઉપરાંત પડદા પાછળ થતી એથી વધારે ભયંકર અને જુગુપ્સાજનક હિંસા થતી રહે છે. એની છોળો નગરના દેહ પર ગંદાં ચિહ્નો મૂકી જાય છે. હવે ઇતિહાસમાં એક પ્રકારની સંકડામણ અને રૂંધામણ છે, જીવનમાં હવે એવાં સ્થાનો વધી ગયાં છે જ્યાં ભયની પ્રલમ્બ છાયાઓ આપણા પર ઝળુંબી રહેતી હોય. કોઈની યદૃચ્છા આપણને ગુલામ બનાવીને હાંકે છે. કોઈ વાર આપણને એ નેસ્તનાબૂદ કરવાને પણ ઉશ્કેરાય છે. કોઈ સદીમાં આટલી બધી અનિશ્ચિતતા, અસહાયતા કે લાચારી માનવીએ અનુભવ્યાં નહિ હોય.

આમ છતાં ભૌતિક દૃષ્ટિએ આપણી આગેકૂચ અસાધારણ રહી છે. ટેકનોલોજીએ સર્જેલા ચમત્કારો, ઔષધવિદ્યા અને શલ્ય વિદ્યામાં થયેલા વિકાસને કારણે આપણું વધેલું સ્વાસ્થ્યપૂર્વકનું આયુષ્ય એને કોઈ નકારી શકે નહિ. વૈજ્ઞાનિક બુદ્ધિથી આપણે ઘણી વસ્તુને સમજી શકીએ છીએ. એક પ્રખ્યાત લેખકે કહ્યું છે : ‘ક્લોરોફોર્મ વગરનું જગત કલ્પી તો જુઓ!’

પણ આ આધિભૌતિક સુખસગવડના વિકાસના એક અનિવાર્ય જોડિયા અંગ રૂપે ભય વધ્યો છે. આ વિકાસે પ્રકૃતિ અને માનવ વચ્ચેના સમ્બન્ધની સમતુલાને વ્યસ્ત કરી નાંખી છે. યન્ત્રવિદ્યામાં થયેલી પ્રગતિ વિસ્મયકર છે. પણ એણે માનવસમાજ અને એના પરિવેશમાં અનિષ્ટકર પરિવર્તનો આણી દીધાં છે. આદમનું જાણે ફરીથી એક વાર ઇડનના ઉદ્યાનમાંથી પતન થયું છે. ઐતિહાસિક વિકાસ હવે સીધી રેખાએ નહિ પણ ચક્રાકાર ગતિએ થઈ રહ્યો હોય એવું લાગે છે. હવે આપણે જે સ્વર્ગની કે રામરાજ્યની કલ્પના કરીશું તે માનવીય શક્યતાઓ વિનાના કશાક શૂન્યમાં રમાતા કેવળ યન્ત્રનિર્ભર અને રોગમુક્ત એવા આદર્શ રાજ્યની જ હશે?

મૂડીવાદી સમાજમાં આપણે રહેતા આવ્યા હોવાથી આપણે ભોળપણથી એવી શ્રદ્ધા રાખેલી કે જ્યાં જ્યાં પ્રગતિ થશે ત્યાંથી એનાં સારાં પરિણામો બધે જ વિસ્તરશે અને એનો લાભ બધાંને મળશે પણ આજે આપણે શું જોઈ રહ્યા છીએ? એક બાજુ કુત્સિત એવો બિનજરૂરી વસ્તુનો અપચય છે તો એની સાથે જ પૃથ્વીના મોટા ભાગ પર કોઈ મહામારીની જેમ ગરીબાઈની રંગીન છબિઓ પરદેશી સામયિકોમાં છપાય છે. એ છબિઓમાં આપણી ગરીબીએ ચૂસેલાં હાડપંજિરો સુરેખ રીતે આલેખાયાં હોય છે. યન્ત્રવિદ્યા અને ઔષધવિદ્યામાં થયેલા વિકાસથી આયુષ્ય, સ્વાસ્થ્ય વધ્યું. વિધિની વક્રતા જુઓ – એને જ પરિણામે સન્તતિ વધી, વસતીવધારો થયો જે ભૂખમરાને નોતરતો આવ્યો. આમ આ વળી એક બીજું વિષચક્ર શરૂ થયું. ઘણી વાર તો ગરીબી કે ભૂખમરો ટાળવા માટે જરૂરી પુરવઠો અને એ યોગ્ય સ્થળે પહોંચતો કરવાનાં સાધનોની આડે ધૂર્તતા આવે છે.

આમ પ્રગતિની વાત કરવી એ આપણી જ આપણે હાથે થતી એક ભયંકર વિડમ્બના છે. પણ માનવજાતિમાંની કેટલીક બડભાગી પ્રજા આ વિકાસનાં સારાં પરિણામોને યથેચ્છ ભોગવી રહી છે તે પણ આપણે જોઈએ છીએ. હવે આ કારણે આપણી આશા પણ ક્લુષિત બની ગઈ છે, કારણ કે આપણે કોઈકને ભોગે આપણાં સુખસમૃદ્ધિની આશા સેવતા હોઈએ છીએ. આપણે માનવજાતિના ઇતિહાસમાં એક એવા બિન્દુએ આવીને ઊભા છીએ જ્યાંથી માનવજાતિના અધ:પતનનું ભાવિ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વિશદ દૃષ્ટિને હવે કશી ભ્રાન્તિથી ઢાંકી શકાય તેમ નથી. મને નિરાશાનો નશો ચઢી રહ્યો છે તેથી આ લખી રહ્યો નથી. શિક્ષણની ઉત્તમ તકો મોટા ભાગની પ્રજાને પ્રાપ્ત થશે એટલે આપોઆપ સમાજ ઉન્નતિ સાધશે એવી ભ્રમણામાં આપણે આ સદીની એક પચ્ચીસી વેડફી નાંખી. શિક્ષણ એટલે જ આપોઆપ સામાજિક વિકાસ એવું સમીકરણ હવે માંડી શકાય એમ નથી. શિક્ષણના પ્રસારને આંકડાશાસ્ત્રની મદદથી પુરવાર કરો એટલે સમાજજીવનમાં સ્થિરતા અને રાજકારણમાં તર્કસંગતતા પુરવાર થઈ ચૂક્યાં એવું હવે આપણે સ્વીકારી લઈ શકીએ તેમ નથી. કપરી સાધનાને અન્તે પ્રાપ્ત થતી કળાઓનું આજે હીનીકરણ થઈ રહ્યું છે. અબ્દુલ કરીમખાંના ઝીંઝોટીના સ્વર રેડિયો પર રેલાતા હોય ને એની બાજુમાં બેસીને લોકો શરાબખોરી, વ્યભિચાર કે જુગારમાં રાચતા હોય.

વાસ્તવિકતાને અપરોક્ષ રીતે ઓળખાવવાનો આપણો અબાધિત અધિકાર હવે રહ્યો નથી. એ વાસ્તવિકતા જાહેરખબરો, રેડિયો ટી.વી. વગેરેમાંથી ચવાઈને જે રૂપ પામીને આવી છે તે રૂપે જ આપણે ઓળખીએ છીએ. જો આપણી સંસ્કૃતિ આવી અવદશાને પામી હોય તો એનો વારસો ભાવિ પેઢીને આપી જવાને માટેની આટલી બધી ચિન્તા શા માટે? હવે આપણે ફરીથી એક વાર પાષાણયુગના બર્બરોને માટેનો માર્ગ ખુલ્લો મૂકી દીધો છે તો પછી ઉદાત્ત માનવતાવાદનાં શુકપાઠી પારાયણો શા માટે?

23-6-74