આંગણું અને પરસાળ/નમ્રતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નમ્રતા

આપણી સંસ્કૃતિમાં નમસ્કારની જે મુદ્રા છે એ દુનિયા આખીમાં જાણીતી થયેલી છેઃ બે હથેળીઓ જોડેલી છાતી સરસી, ચહેરા પર સ્નેહ અને આદરનો ભાવ, મસ્તક સ્હેજ નમેલું, એમાં સામેનાને આવકાર પણ છે ને એનો સ્વીકાર પણ છે. આ નમસ્કાર અને પ્રણામ – બંનેના મૂળમાં નમ્ શબ્દરૂપ છે. નમવું, નમન. અને એ નમન માત્ર પ્રણાલિકા કે રિવાજ કે શિષ્ટાચાર રહેવાને બદલે જયારે આપણા આખાય વ્યક્તિત્વનો એક અંશ બની રહે ત્યારે એ નમ્રતા ગણાય. આપણી આવડતને, કૌશલને, જાણકારીને, અરે આપણી સિદ્ધિને પણ જ્યારે આપણે સમગ્ર જગતની સિદ્ધિની પાસે મૂકી જોઈએ ત્યારે જ ખરી નમ્રતા પ્રગટે છે. આપણને થાય કે, કેવીકેવી વ્યક્તિઓેએ મારી પહેલાં – અરે, મારા સમયમાં પણ કેટલી ઉત્તમ ને ચડિયાતી સિદ્ધિઓ મેળવી છે! હું તો માત્ર એ માર્ગનો પ્રવાસી છું – એવી સમજ નમ્રતાની જનની છે. અલબત્ત, નમ્રતા એ કંઈ આત્મવિશ્વાસના અભાવનું નામ નથી. એવો અભાવ હોય તે તો ચાલે પણ નહીં. હું જે ડગલું માંડું છું એ ભલે નાનું છે પણ નક્કર છે, મેં સમજીને માંડ્યું છે – એવો જાતવિશ્વાસ ન હોય તો પછી એવી નમ્રતા પણ ઠાલી ગણાય. નમ્ર માણસ એટલે નરમ માણસ નહીં – આપણે કહીએ છીએ ને કે નરમ ઘેંશ જેવો છે. એવો જે નરમ હોય એના નમસ્કાર પણ વ્યક્તિત્વ વગરના કહેવાય. જેમ કે કોઈ સાધુનો કે કોઈ નેતાનો બેસમજ શિષ્ય, શિષ્ય પણ નહીં, ચેલો. એ માત્ર નમ્યા જ કરે છે, ચરણસ્પર્શ કર્યા જ કરે છે, ને એમ કરવામાં ને કરવામાં એ કદી ટટ્ટાર ઊભો રહી શકતો નથી. એ નમ્ર નહીં પણ નમી પડેલો છે, શરણાગત છે. એ કહેશે – હું તો નાચીજ છું, તુચ્છ છું, મારા ગુરુના ચરણની ધૂળ છું કે મારા સ્વામીની નમ્ર દાસી છું. ના, આવી માનસિકતા હરગિજ ન ચાલે. એ નમ્રની નહીં પણ બીમારીની માનસિકતા છે. નમેલી ડાળીમાં ને તૂટીને લટકી રહેલી ડાળીમાં ફેર છે. નમેલી ડાળી ટટ્ટાર થશે, ઝૂકેલી ડાળી સુકાઈ જશે. સાચી નમ્રતામાં એક સ્વીકાર છે પણ એ ઉભયપક્ષી સ્વીકાર છે – આત્મસ્વીકાર પણ છે ને અન્યનો સ્વીકાર પણ છે. અહંકારથી માત્ર ઊંચે જોનારને, તમારી નજર સાથે નજર પણ ન મેળવનારને, ઉપેક્ષા કરનારને નમસ્કાર કરવા ફોગટ છે. એમાંથી એ વાત પણ સમજાય છે કે નમ્રતામાં અંગત રીતે તેમજ વ્યાપક રીતે મનુષ્યના ગૌરવની સમજ છે. તમે કળાકાર હો કે વિદ્વાન હો, તમે નેતા હો કે ગુરુ હો – એ તમારો વિશિષ્ટ દરજ્જો ભલે હોય પરંતુ એ બીજાને નડવો શા માટે જોઈએ? એની ધાર બીજાને વાગવી શા માટે જોઈએ? આવી કાળજી રાખવી એ પણ નમ્રતા છે. એ મોટા છે પણ એમનામાં જરાય મોટાઈ નથી – એવો પ્રતિભાવ સામેનામાં જાગે ત્યારે નમ્રતાનું શુદ્ધ શુભ્ર રૂપ પ્રગટે છે. શક્તિઓ તો માણસેમાણસે ઓછીવત્તી હોવાની, પણ મનુષ્ય લેખે તો સૌ સમાન ભૂમિકાએ છે – એ ગુરુ હોય કે શિષ્ય, નેતા હોય કે કાર્યકર, ઉસ્તાદ હોય કે શીખનાર હોય, નમ્રતાના પ્રદેશમાં સૌ એકસરખા છે. કેટલાક સાધુસંતો કહે છે કે, નમ્રતા એટલે અહંકારનો સંપૂર્ણ વિલય. પણ એવું બની શકે ખરું? નમ્રતા નામની આ શાંત, ઠાવકી, સ્થિર દેખાતી ચીજ – એ ક્યારે, કઈ ક્ષણે, સરકી જશે, છટકી જશે એ કહેવાય નહીં! ઉમાશંકર જોશીનું એક કાવ્ય અહીં યાદ આવે છે. એની થોડીક જ પંક્તિઓ જોઈએ :

"નમ્ર હું?
વિશેષ નમ્ર હું થકી બીજા હશે ન કોઈ શું?"

કવિ કહે છે કે, મારી વિનમ્રતા એમ કહે છે કે મારાથીય નમ્ર બીજા હશે જ. પછીની પંક્તિ છે -

"વિનમ્ર હું?
અરે, ઘટે જ નમ્રતા ધર્યા તણીય નમ્રતા!"

હા, એટલે કે નમ્ર હોવાનુંય વળી અભિમાન હોતું હશે કે? આમ, નમ્રતા ‘આ આવી, આ આવી’-એમ લાગે ત્યાં જ એ –

‘હાથતાળી દેઈ તુર્ત ધૂર્ત ચાલી એ જતી!’

હું નમ્ર, એમ કહીએ કે તરત ‘હું’કાર આગળ આવી જાય ને નમ્રતા ભાગી જાય. નમ્રતા એ બહુ દુર્લભ ચીજ છે....

૧૯.૯.૨૦૧૩