આંગણે ટહુકે કોયલ/ગામથી આઘે ઝીલણિયું
૭. ગામથી આઘે ઝીલણિયું
ગામથી આઘે ઝીલણિયું તળાવ રે,
સરખી સૈયરું ના’વા નીસરી.
સૈયર ઝીલે તળાવની પાળ રે,
હું રે ઝીલું છું મજધારમાં.
સૈયરે ધોઈ ચૂંદડી છેડે ચાર રે,
મેં રે ધોયો છે મારો કંચવો.
પાપી પીટ્યો હંસલો બેઠો પાળ રે,
કંચવો લઈને ઈ ઉડી ગયો.
ફટ રે ભૂંડા! હંસલા તેં તો આજ રે,
અડવી કીધી છે મારી કાયને.
કીધી રે કીધી સૈયરુંને વાત રે,
અડવા રે કીધાં છે મારાં જોબનાં.
પોણોસો-સો વર્ષ પહેલા ગુજરાતના કોઈ હજાર-બે હજારની વસતીવાળા ગામડામાં જાવ તો પાદરમાં એક ભર્યોભાદર્યો કૂવો હોય, ગામથી થોડે દૂર છલકાતું તળાવ હોય ને અનેક ગામોમાં એક ઐતિહાસિક વાવ (પગથિયાંવાળો કૂવો) હોય. ગામના નાનકડા જનસમુદાય માટે એકથી વધુ જળસ્ત્રોત હતાં એટલે ત્યારે એવી ઉક્તિ પ્રચલિત ન્હોતી કે હવે પછીનું વિશ્વયુદ્ધ પાણી માટે થશે...! આધુનિકતાના વાવાઝોડાએ ગામના કૂવા અને તળાવોને નષ્ટ કરી નાખ્યાં, વાવો ખંઢેર થઇ ગઈ, પુરાઈ ગઈ, ઈતિહાસ વિસરાઈ ગયો. અરે, કૂવા અને વાવ વચ્ચેનો ભેદ પણ ભૂલાયો અને પાણી માટે માણસ વલખાં મારતો થયો. આખા વિશ્વમાં જળવ્યાધિ વિકરાળ બનતાં સને ૧૯૯૩માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ ૨૨ માર્ચના દિવસને ‘વિશ્વ જળદિવસ’ ઘોષિત કર્યો એટલે કે આ એક દિવસ માટે આપણે સૌ પાણી બચાવવાની વાતો કરીએ છીએ! આધુનિકરણ, વિજ્ઞાન, ટેકનોલોજી, હાઈજીન-બધું પોતાની જગ્યાએ બરાબર છે પણ એ બધાંની લ્હાયમાં આપણા વારસામાં આ પરંપરાગત જળસ્ત્રોતોને આપણે ખતમ કરી નાખ્યાં. આપણા પૂર્વજોએ લોકગીતોમાં જળસ્થાનોનાં ગુણગાન ગાઈને આપણને એ સાચવી રાખવા આડકતરો ઈશારો કર્યો હતો જો આપણે એમની વાત કાને ધરી હોત તો ‘જળદિન’ ઉજવવો ન પડત! સારું છે કે ગુજરાતમાં સૌની જેવી યોજનાથી વગર વરસાદે ડેમો ભરાઈ જાય છે પણ દરેક ગામે પોતાના જળાશયને સાબૂત રાખીને સ્વાવલંબી બનવું અનિવાર્ય છે. ‘ગામથી આઘે ઝીલણિયું તળાવ રે...’ મધુરું પણ અપ્રચલિત લોકગીત છે. લોકગીતમાં ક્યારેક તાલ અને ઠેકો મેળવવા કે લયપૂરકો તરીકે વધારાના કે બિનજરૂરી લગતા શબ્દો મુકવામાં આવ્યા હોય છે પણ અમુક લોકગીતમાં તો એકએક શબ્દ ઝોખી ઝોખીને મુકાયો હોય છે, જેમકે અહિ ‘આઘે’ શબ્દ બહુ જ સૂચક છે. ગામના તળાવે બહેનો સ્નાન કરવા, કપડાં ધોવા જતી હોય એટલે તળાવ ગામથી આઘું જ હોવું જોઈએ, પાદરમાં હોય તો બહેનોની મર્યાદા લોપાય. આવા જ એક તળાવે કેટલીક સહિયારો ન્હાવા ગઈ. લોકગીતની નાયિકા એની સખીઓ સાથે કાંઠે બેસીને સ્નાન કરવાને બદલે વચ્ચે જઈને ન્હાય છે. એનુંય કારણ બતાવ્યું છે કે બહેનપણીઓને નાહીને પોતાની ચૂંદડી માત્ર ધોવી હતી પણ આ કન્યાને પોતાનો કંચવો (ચોલી) ધોવો હતો. કંચવો ધોઈને કાંઠે સૂકવ્યો ત્યાં તો એક હંસલો કંચવો લઈને ઉડી ગયો! હંસ તો સુપાત્ર પંખી છે એ આવું કરે? કાગડો, સમડી, બગલા આવી હરકત કરે એ તો સમજ્યા. અહિ હંસ એટલે નાયિકાનો પ્રિયતમ. કંચવો લઈને જતાં રહેવું એ પણ ઈંગિત છે. કંચવાવિહીન અડવી કાયા એ જોઈ ગયો ને એ વાત સહિયરોને પણ કહેવી પડી એટલે પોતાનું જોબન પણ જાણે કે આજે અડવું થઇ ગયું એવું નાયિકાને લાગ્યું. આહા..! કેવો રસપ્રચૂર શૃંગાર..! તળાવ, કૂવા, વાવ માત્ર પાણીનાં સંગ્રહસ્થાનો ન્હોતાં એ આપણી માતાઓ બહેનોનાં સુખ-દુઃખનાં સાક્ષીસ્થાનો હતાં. ઘરમાં સતત માર અને મેણાં ખાતી વહુવારુ પાણી ભરવા જાય ત્યાં એને ગામની સમદુઃખી બહેનો મળે, હૈયાની વાતો કરે, પરસ્પરને દિલાસો આપે. આવાં જળાશયો પર યુવતીઓ પોતાના મનના માનેલાને મળી શકે, થોડી વાતો એકાંતે કરી શકે અર્થાત્ જળાશયો કરુણ, હાસ્ય અને શ્રૃંગાર રસનાં સ્થાનકો હતાં! આજે આપણને અરુચિકર શબ્દોવાળાં અને મર્યાદાલોપ થાય એવાં ગીતો રોમેન્ટિક લાગે છે પણ આ લોકગીતમાં શ્રૃંગારની ચરમસીમા હોવા છતાં ક્યાંય લાજ લોપાતી હોય એવું લાગતું નથી-એ જ તો લોકગીતની બલિહારી છે...