આંગણે ટહુકે કોયલ/ઝાડવે ઝાડવે માળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૫૮. ઝાડવે ઝાડવે માળા

ઝાડવે ઝાડવે માળા નાખિયા રે
પરભુજી! લખજો લાંબા લેખ
મોંઘો મનખો ફરી ફરી નૈં મળે રે
પરભુજી! મા વિના શી દીકરી રે,
પરભુજી! બાપ વિના શા લાડ!
મોંઘો મનખો...
પરભુજી! સાસુ વિના શું સાસરું રે,
પરભુજી! સસરા વિના શી લાજ!
મોંઘો મનખો...
પરભુજી! જેઠ વિના શા ઘૂંઘટા રે,
પરભુજી! જેઠાણી વિના શા વાદ!
મોંઘો મનખો...
પરભુજી! દેર વિના શાં હસવાં રે,
પરભુજી! દેરાણી વિના શી જોડ!
મોંઘો મનખો...
પરભુજી! વીરા વિના શી બેનડી રે,
મોંઘો મનખો...

લોકગીત એટલે લોકવાણી. લોકગીત તો કૃષ્ણપ્રિય કાલીન્દ્રી અને શિવજટાથી વહેતી ભાગીરથીનો અદભૂત સંગમ! લોકસરિતાના આ વહેણમાં ક્યારેક સામે પાર ન જઈ શકાય એવાં ઉંડા જળ તો ક્યારેક સરળતાથી ઉતરી શકાય એવું આછેરું પાણી. લોકહૈયેથી ઉઠેલી લહેર જીભે આવીને લોકગીત બની જાય. જે જેવું જીવે એવું ગીતમાં ગાય ને એમ બની જાય લોકગીત. ઘણીવાર જનસામાન્ય પણ વેદો-પુરાણોમાં હોય એવી ગહન વાત કરી નાખે તો કો’કવાર વિચારશીલ મનેખ સીધુંસાદું બોલી નાખે. લોકગીતો બહુધા સરળ હોય છે પણ એનો અર્થ એ નથી કે એમાં ક્ષુલ્લક વાતો જ હોય. જીવનના ચડાવઉતાર અને ગૂઢસત્યો પણ લોકગીતોમાં ડોકાતાં રહે છે. લોકગીતો આપણને જીવનરીતિ, જીવતર જીવવાના પાઠ શીખવે છે. હા, એ વાત સાચી છે કે લોકગીતોમાં કાવ્યતત્વ ઓછું હશે પણ મંગલતત્વ ઠાંસીઠાંસીને ભર્યું હોય છે. ‘ઝાડવે ઝાડવે માળા નાખિયા રે...’ માંગલ્યથી છલકાતું લોકગીત છે. આમ તો આને બોધગીત કહીએ તો ખોટું નથી. આજે વિશ્વ ભલેને ગામડું બની ગયું, માણસ સોશિયલ મીડિયાથી આખી દુનિયા સાથે કનેક્ટ થઇ ગયો પણ એ તો આભાસી દુનિયા છે. ફેસબૂકમાં હજારો ફ્રેન્ડસ હશે પણ આપણે ખભે હાથ મુકીને સધિયારો આપે એવા કેટલા? અરે, મોટાભાગના ફેસબૂકિયા ફ્રેન્ડસ સામે મળે તો એકબીજાને ઓળખે સુધ્ધાં નહિ...! એનો સીધો અર્થ એ કે માણસને જીવવા માટે પોતાની આસપાસમાં જ બીજા માણસની જરૂર પડે છે. જૂના જમાનામાં માણસ સગાં-સ્નેહીજનો, હૂંફ આપનારાઓથી સમૃદ્ધ હતો, આજે એ સમૃદ્ધિનો વિલય થઇ રહ્યો છે, આપણી આજુબાજુથી લોકો દૂર થઇ રહ્યા છે. આજના ‘ગ્લોબલ વિલેજ’માં કોઈ કોઈનું નથી. આપણી એકલતા વધતી જાય છે, આપણી સાવ નજીક કોણ છે? મોબાઈલ, કોમ્પ્યુટર, ટી. વી.... ! ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ વચ્ચે આપણે એવા ઘેરાઈ ગયાં છીએ કે પોતીકા લોકો આપણાથી દૂર સરકી રહ્યા છે ને આપણને એની જાણ પણ નથી. પરિવાર, મિત્રો, સગાં-સ્નેહીઓરૂપી ઝાડવું હંમેશા પ્રેમ, હૂંફ, હિંમત, પ્રોત્સાહન, માર્ગદર્શનનાં ફળ પકાવતું રહે, આપણને આપતું રહે છે. માતાવિહોણી દીકરીને જીવનના અણમોલ પાઠ કોણ શીખવે? પિતા જેવા અતુલ્ય લાડ કોણ લડાવે? ભાઈ ન હોય તો બેન કોને રક્ષા બાંધે? ભાભી જેવું માન-સન્માન કોણ આપે? પરિણીતા માટે સાસુ એટલે દીવાદાંડી, જીવનનું વહાણ અંધારે અથડાતું હોય તો સાસુના સહારે કાંઠે લાવી શકાય! સસરા અને જેઠ જેવી મર્યાદા બીજે ક્યાં હોય? દિયર-દેરાણી સાથે જે હસી-મજાક, લાડ-કોડ થાય એ બીજા કોની સાથે થઈ શકે? આજે વર્ચ્યુઅલ વર્લ્ડના ઓછાયા તળે આવીને આપણે ‘હું ને એ’ પછી ‘અમે બે અમારા બે’ની માનસિકતાથી જીવવા લાગ્યા એથી બાળકો એકલપંડા અને મોટેરાંઓ એકલવાયા થઇ ગયાં. વેકેશનમાં મામા કે કાકા-દાદાના ઘેર ધમાલ મચાવવાનું સૌભાગ્ય આજે કેટલાં બાળકોને સાંપડે છે? કંઈ કારણ વગર મહિને બે મહિને સગાંને ઘેર આંટો દેવા જવાની પરંપરા આજે ક્યાં? પોસ્ટકાર્ડ લખીને ખબર અંતર પૂછાતા હતા, આજે ચોવીસ કલાક સેલફોન સાથે જ હોવા છતાં સ્નેહીજનોને કોણ ફોન કરે છે? જે વ્યક્તિને ભાઈ-બહેન, કુટુંબ-કબિલા, મોસાળ ને સગાં-વહાલાંનો સ્નેહ નથી મળતો એનું જીવન ખાલીખાલી ભાસે છે. પૈસા કે પ્રતિષ્ઠાથી પરિવારપ્રેમ મળે જ એ જરૂરી નથી માટે શક્ય હોય એટલા વધુ લોકો સાથે સ્નેહ વધારીએ તો જ મોંઘો મનખો સફળ રહ્યો ગણાય એવું બયાન આ મર્માળુ લોકગીત કરે છે.