આંગણે ટહુકે કોયલ/નાનો દેરીડો સિદ્ધપુર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૫૦. નાનો દેરીડો સિદ્ધપુર

નાનો દેરીડો સિદ્ધપુર ગ્યો’તો,
સિદ્ધપુરની ડોબલડી લાવ્યો દેરીડો.
ઈ રે ડોબલડીને ઘાસ ખાવા મેલી,
ખેતરના ખડ ખૂટી ગ્યાં છે દેરીડા.
નાનો દેરીડો સિદ્ધપુર...
ઈ રે ડોબલડીને પાણી પીવા મેલી,
નદિયુંનાં નીર ખૂટી ગ્યાં છે દેરીડા.
નાનો દેરીડો સિદ્ધપુર...
ઈ રે ડોબલડીને દો’વા હું બેઠી,
દો’ઈ દો’ઈને હું તો થાકી દેરીડા.
નાનો દેરીડો સિદ્ધપુર...
ઈ રે ડોબલડીની છાશ ફેરવા બેઠી,
નેતરે-વલોણે થાકી દેરીડા.
નાનો દેરીડો સિદ્ધપુર...

ગ્રામજીવન-લોકજીવનમાં નાની-નાની ખુશીની હારમાળા થકી મોટાં મોટાં દુઃખો દૂર થઈ જતાં. આજે લોકો કરોડોના બંગલા કે ફ્લેટ ખરીદે, લકઝરીયસ કાર વસાવે એના આનંદની તુલનામાં ગ્રામવાસી લોકોની ગાય-ભેંસ વિંયાય ને વાછરડું-પાડરડું અવતરે એનો આઠેય પહોર આનંદ રહેતો. આજે તવંગર વ્યક્તિને ફાર્મહાઉસ ખરીદવાનો જેટલો ઉલ્લાસ થાય છે એનાથી વધુ ગામડાંના ગરીબ ખેડૂતને પોતાના ખેતરમાં ઝૂલતો મોલ જોઈને થતો. અરે, બહેનોને તહેવાર પર પિયર જવાની પરવાનગી મળે કે પછી પોતાના પિયરમાંથી કોઈ આવે તો એ ફૂલી ન સમાતી. ગામના પાદરમાં રાતે રાસડા લેવામાં, ઘંટીએ દળતાં, રસોઈ કરતાં, લોકગીતો અને ધોળ ગાવાનો ઉમંગ પણ ન્યારો જ હતો! અનેક અભાવો વચ્ચે પણ તેઓ પારાવાર પ્રસન્ન હતા એનું કારણ એ જ કે સમસ્યાઓનો સ્વીકાર અને ખુશાલીની ખોજ કરતાં એમને આવડતું હતું ને આજનો માનવી એ બન્ને મોરચે લગભગ નિષ્ફળ રહ્યો છે! ‘નાનો દેરીડો સિદ્ધપુર ગ્યો’તો...’ આપણી નજરે સાવ સામાન્ય કથાવસ્તુવાળું લોકગીત છે. નાયિકા પોતાના ઘરની વાત ગીતમાં બયાન કરે છે. પોતાનો દિયર સિદ્ધપુર ગયો હતો ને ત્યાંથી એક ડોબું એટલે કે ભેંસ ખરીદી લાવ્યો. આ ભેંસ એવી છે કે એને ચરવા મુકી તો આખા ખેતરનું ઘાસ ખાઈ ગઈ, પાણી પીવા છોડી તો નદી ખૂટાડી દીધી. ભેંસ ખૂબ જ ખાય છે એટલે સ્વાભાવિકપણે દૂધ પણ વધુ આપે એટલે નાયિકા દોહી-દોહીને થાકી ગઈ ને સામટાં દૂધનું દહીં તથા છાશ પણ ઝાઝાં જ થાય એટલે નેતરું તાણી તાણીને લોથ થઇ ગઈ. આમ તો ગુજરાતમાં નાનાંમોટાં સિદ્ધપુર નામનાં ગામ ઘણાં બધાં છે પણ સૌથી પ્રખ્યાત પાટણ જિલ્લાનું તાલુકા કક્ષાનું સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. ઋગ્વેદમાં તેનો દાશુ ગામ તરીકે ઉલ્લેખ છે. શ્રીસ્થળ તરીકે પણ પ્રચલિત એવું સિદ્ધપુર એકસમયે સિંધુ અને સરસ્વતી નદીના સંગમ પર વસ્યું હોવાની માન્યતા છે. એક દંતકથા મુજબ દધિચિ ઋષિએ પોતાનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા અહિ અર્પણ કર્યા હતાં. મહાભારતકાળમાં પાંડવો અહિ અજ્ઞાતવાસી બન્યા હતા. દસમી સદીના સમયગાળામાં સોલંકી વંશના શાસન વખતે સિદ્ધપુરની ખૂબ ખ્યાતિ હતી. સિદ્ધરાજ જયસિંહે અહિ રાજધાની સ્થાપી એટલે એનું નામ સિદ્ધપુર પડ્યું. સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાનો જબરદસ્ત મેળો ભરાય છે જ્યાં ઉંટ, ઘોડા વગેરેનું વેચાણ થાય છે. સંભવત: અગાઉ ત્યાં ભેંસ જેવાં દૂધાળાં પશુઓનું પણ વેચાણ થતું હશે એટલે નાયિકાનો દિયર ત્યાંથી ભેંસ લઈ આવ્યો હશે. નાયિકાએ ભેંસનું વર્ણન કર્યું એ રમૂજી છે. ભેંસ વધુ દૂધ આપે, દહીં અને છાશ વધુ થાય એ તો રાજી થવા જેવું છે એને બદલે નાયિકા આ બધી બાબતે અણગમો વ્યક્ત કરે છે કેમકે પોતાની જવાબદારી હવે વધી ગઈ. ભેંસ માટે ‘ડોબું’ શબ્દ આખા ગુજરાતમાં પ્રચલિત છે કારણકે ભેંસની સમજણ, હાલચાલ બહુ તેજ નથી હોતી. આખો દિવસ પાણીમાં પડી રહે છતાં ઘેર આવીને ખૂબ પાણી પીએ એ ડોબું- એવી રમૂજી વાતો ભેંસ વિશે જાણીતી છે એટલે જ તો ભેંસ કરતાં દેશી ગાયનું દૂધ પીવાની ભલામણ થાય છે. અહિ ‘ડોબા’ પરથી ‘ડોબલડી’ શબ્દ પ્રયોજ્યો છે. સૌરાષ્ટ્રમાં ‘ડોબું’ શબ્દ વધુ પ્રચલિત છે એ રીતે જોતાં આ લોકગીત સૌરાષ્ટ્રનું તો નથી જ. સૌરાષ્ટ્રમાંથી છેક સિદ્ધપુરને મેળે એ જમાનામાં કેટલા લોકો જતા હોય ને વળી ત્યાંથી છેકથી ડોબું ખરીદી લાવે એવું પણ ન બને એટલે આ લોકગીત ઉત્તર ગુજરાતનું હોય એ શક્યતા જ વધુ છે. આ લોકગીતનો બીજો પાઠ ઝવેરચંદ મેઘાણીએ થોડા શબ્દોના ફરક સાથે ‘રઢિયાળી રાત’માં મુક્યો છે. - દોઢ રૂપિયાની ડોબડી રે વોરી આવી આંગણિયે બાંધી દેરીડા! ડોબડી શીદને વોરી?