આંગણે ટહુકે કોયલ/મેં તો ડુંગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨૯. મેં તો ડુંગર

મેં તો ડુંગર કોરી ને ઘર રે કર્યાં
મેં તો કાચનાં કર્યાં રે કમાડ
મોરી સૈયરું! અબોલડાં હવે ભવનાં રિયાં.
મેં તો અગરચંદણના ચૂલા કોર્યા
મેં તો ટોપરડે ભર્યા રે ઓબાળ
મોરી સૈયરું! અબોલડાં હવે ભવનાં રિયાં.
મેં તો દૂધનાં રે આંધણ મેલિયાં
મેં તો ચોખલા ઓર્યા શેર
મોરી સૈયરું! અબોલડાં હવે ભવનાં રિયાં.
એક અધ્ધર સમળી સમસમે
બેની, મારો સંદેશો લઈ જા
મોરી સૈયરું! અબોલડાં હવે ભવનાં રિયાં.
મારા દાદાની ડેલીએ જઈને કે’જે,
તમારી દીકરીને પડિયાં છે દુઃખ
મોરી સૈયરું! અબોલડાં હવે ભવનાં રિયાં.
દીકરી! દુઃખ રે હોય તો વેઠિયે
દીકરી! સુખ તો વેઠે છે સૌ
મોરી સૈયરું! અબોલડાં હવે ભવનાં રિયાં.
દાદા! ખેતર હોય તો ખેડિયે
ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય?
મોરી સૈયરું! અબોલડાં હવે ભવનાં રિયાં.
દાદા! કૂવો હોય તો તાગીએ
ઓલ્યા સમદર તાગ્યા કેમ જાય?
મોરી સૈયરું! અબોલડાં હવે ભવનાં રિયાં.
દાદા! કાગળ હોય તો વાંચીએ
દાદા! કરમ વાંચ્યા કેમ જાય?
મોરી સૈયરું! અબોલડાં હવે ભવનાં રિયાં.
દાદા! ઢાંઢો હોય તો વેંચીએ
દાદા! પરણ્યો વેંચ્યો કેમ જાય?
મોરી સૈયરું! અબોલડાં હવે ભવનાં રિયાં.

પુરૂષ સ્ત્રીને વરે પણ સ્ત્રી તો વર અને ઘર બન્નેને વરે છે! એ પુરુષનું જેટલું ધ્યાન રાખે એટલું જ કે એનાથીય વિશેષ ઘરનું ધ્યાન રાખે છે. ઘરની સ્વચ્છતા, સુઘડતા, સંસ્કારિતા, આગંતુકોને આવકાર, આગતા-સ્વાગતા-આ બધું જ સ્ત્રી સાંભળીલે છે એટલે જ એના આગમન પહેલા જે માત્ર ‘ઘર’ હોય એ બાદમાં ‘મંદિર’ બની જાય છે! મકાન કે ઘરમાં ઉત્પાત હોઈ શકે પણ મંદિરે શાતા મળે છે, જે વ્યક્તિને પોતાના મંદિર સમા ઘરમાં શાંતિ ન મળે એને હિમાલયમાંય અગનજ્વાળા અનુભવાતી રહે છે! ‘મેં તો ડુંગર કોરીને...’ દુઃખિયારી નારીનું વેદનાગાન છે. પરણીને આવ્યા પછી સ્ત્રીએ મહામહેનતે ઘર વસાવ્યું, જાણે ડુંગરને કોરીને એમાં રહેઠાણ તૈયાર કર્યું હોય એટલો પરિશ્રમ લીધો. વળી કાચનાં કમાડ કર્યાંનો અર્થ એ થઈ શકે કે પોતાનું જીવન પારદર્શક રાખ્યું, જેમ કાચની આરપાર જોઈ શકાય એમ જ...ઘર માટે, વર માટે ઘણું બધું કર્યું પણ પરિણામ શું આવ્યું? પોતાનો પતિ રિસાયો છે, એ બોલતો જ નથી, વનિતાને વ્યથા છે કે જાણે હવે એ આખો ભવ પોતાની સાથે બોલવાનો જ નથી, એવી એની વર્તણૂક છે-આ વ્યથાકથા એ નમણી નાગરવેલ પોતાની સહિયારો સમક્ષ વ્યક્ત કરે છે. બહેનપણીઓ આશ્વાસન આપે બીજું તો શું કરી શકે? અંતે પોતાના પિયરિયાંને જાણ કરવા સમડી સાથે સંદેશો મોકલે છે. પિયરમાંથી ઉત્તર આવ્યો કે બેટા! સુખ તો બધા ભોગવી જાણે, દુઃખ ભોગવી શકે એ જ શક્તિશાળી! ટૂંકમાં દીકરીને મજબૂત, હિંમતવાન થવાની આડકતરી શીખામણ આપી જેથી તે આત્મહત્યા કરવાનો વિચાર ન કરે. દીકરી વળતો જવાબ મોકલે છે કે તમને મારાં દુઃખની ખબર નથી, ખેતર ખેડવું સહેલું છે પણ ડુંગર કેમ ખેડવો? કૂવાનું માપ કાઢવું સરળ છે પણ સમુદ્રનો તાગ કેમ મેળવવો? મારું દર્દ સમુદ્ર જેવું ગહન છે. કાગળ વાંચવો અઘરો નથી પણ કોઈનાં નસીબ કેમ વાંચવા? મારી વ્યાધિ પણ આવી જ છે. અંતે એક વાત એવી કહી દીધી જેના પરથી આપણે કલ્પના કરી શકીએ કે એ બાઈ દુઃખની મારી કેટલી વ્યાકુળ થઈ ગઈ હશે;એણે કહ્યું કે બળદને ગમે ત્યારે વેંચી શકાય પણ પતિને કેમ વેચવો? આ તો ‘પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં’ જેવો ઘાટ થયો! એટલે જ આપણા બાપ-દાદાઓ ખૂબ જોયા જાણ્યા પછી, ત્રણ-ત્રણ પેઢીઓનો ઈતિહાસ મેળવ્યા પછી જ દીકરા-દીકરીના લગ્નનું નક્કી કરતા. એ પરંપરા હતી છતાં દુઃખ ગમે ત્યાંથી ટપકી પડતું, આજે તો ‘ચટ મંગની ને પટ શાદી’નો યુગ છે...!