આંગણે ટહુકે કોયલ/મેઘની માડીએ એમ
૪૬. મેઘની માડીએ એમ
મેઘની માડીએ એમ કરી પૂછાં,
એવા મારા મેઘની ભાળ આપો રે રંગ વીજળી.
ઓત્તર રે ગાજ્યો ને દખ્ખણ વરસિયો,
વરસ્યો ચારે તે ખંડમાં રંગ વીજળી.
મેઘની માડીએ એમ...
દરિયામાં ગાજ્યો ને ગામમાં વરસિયો,
વરસ્યો ચારે તે ખંડ રે રંગ વીજળી.
મેઘની માડીએ એમ...
નાગલી ને કોદરીનો ઝીણો દાણો,
વાડીએ પાકશે કેમ ચોખા રે રંગ વીજળી.
મેઘની માડીએ એમ...
નાગલી ને કોદરીનો એવો રોટલો,
શિકલે સાવ રે સૂકાણો રે રંગ વીજળી.
મેઘની માડીએ એમ...
મેઘરાજા અનેક લોકગીતોની કથાવસ્તુ બન્યા છે. વરસાદ ન પડ્યો, દુષ્કાળના ઓળા ઉતાર્યા તો એ ગુજરાતી લોકગીતોમાં ડોકાયા. વરસાદ પ્રમાણસર વરસ્યો તો એનાં પણ લોકગીતો ગવાયાં. વરસાદી હેલીએ અતિવૃષ્ટિ સર્જી એનાં પણ ગીતડાં બન્યાં કારણ એ જ કે વર્ષાદેવી જ છે જગને જીવાડનારાં. આપણી કૃષિ વરસાદ આધારિત અને આપણું અર્થતંત્ર કૃષિના આધારે ગતિમાન રહે છે. વરસાદનાં વાસ્તવિક લોકગીતોની સાથે સાથે રોમાંચક કલ્પના સંગે રચાયેલાં લોકગીતો પણ આપણા લોકકવિએ રચ્યાં છે. એમાં વાસ્તવિકતાનું તત્વ ગોત્યુંય ન જડે તોય લોકગીત લિજ્જતદાર લાગે! ફિલ્મમાં જેમ બધું જ કપોળકલ્પિત હોય છતાંય આપણી સંવેદના ઝંકૃત થઇ જાય એવું ક્યારેક આપણા લોકસાહિત્યમાં પણ બને છે. ‘મેઘની માડીએ એમ કરી પૂછાં...’ ભાગ્યે જ સાંભળવા મળતું લોકગીત છે. પહેલી બે લીટી એટલે કે લોકગીતનું મુખડું જ ભારે ચમત્કૃતિપૂર્ણ છે. મેઘરાજાની માતા પોતાના પુત્ર મેઘની ગોત્યે નીકળ્યાં છે. અહિ તહીં તપાસ કરી પણ મેહ ક્યાંય મળતો નથી એટલે એ વીજળીને પૂછે છે કે મારા દીકરાને જોયો છે? તને ખબર છે એ ક્યાં છે? તને ન ખબર હોય તો તું એની ભાળ મેળવીને મને કહે...! આહા...! વરસાદની માતા પોતાના દીકરાનો અત્તોપત્તો મેળવવાની જવાબદારી વીજળીને સોંપે છે. માને આકંઠ ખાતરી છે કે જ્યાં વીજળી ચમકતી હશે ત્યાં મેહ હોવાનો જ! માતાને એટલો સંદેશો મળી ગયો છે કે મેઘ ઉત્તર દિશામાં ગાજતો હતો, દક્ષિણમાં વરસતો હતો. એમ તો ચારેય ખંડમાં વરસી ગયો. દરિયામાં ગાજીને ગામનાં ગામ તરબોળ કરી દીધાં પણ હજુ ઘરે આવ્યો નથી એટલે માતા એની ચિંતા કરે છે. મેહુલિયાની મા કહે છે કે આખા જગમાં ભલે વરસે પણ પોતાના ગામમાં, પોતાના ઘરમાં કૃપા નહિ કરે તો નાગલી, કોદરી જેવું ધાન્ય વાવ્યું છે એ બરાબર નહિ પાકે, એના દાણા ઝીણા રહી જશે ને ચોખા (ડાંગર)ને તો ખૂબ પાણી જોઈએ એ કેમ પાકશે? અમે વરસાદની એટલી બધી વાટ જોઈ કે હવે એ પ્રતીક્ષા ચિંતામાં ફેરવાઈ ગઈ છે ને અમે રોટલા ઘડીને શિકે મુક્યા પણ ખાધા નથી એટલે એ સાવ સૂકા થઇ ગયા છે. વરસાદનું ઘરથી ગુમ થવું ને એ પછી માતાએ આદરેલી શોધખોળથી આરંભાયેલું વીજળીના ચમકારા જેવું ઝબકાવી દેનારુ આ લોકગીત છેક ચિંતાની પરાકાષ્ઠાએ અનંત જેવો અંત પામે છે. કોણે આ ગીત રચ્યું હશે? ક્યા વિસ્તારમાં રચાયું હશે? વરસાદની માતા એટલે કોણ? કેટલાય નિરૂત્તર સવાલો ઉઠે છે. મુખડામાં ‘મેઘની માડીએ એમ કરી પૂછાં’ વાંચતાં કે સંભાળતાં એવું લાગે કે ‘પૂછિયું’ ને બદલે ‘પૂછાં’ શબ્દ પ્રયોજ્યો છે એ કચ્છી બોલીની છાંટનો અણસાર આપે છે પણ છેલ્લા બે અંતરામાં નાગલી અને કોદરી જેવાં શ્રીધાન્ય (મિલેટ)ની વાત આવે છે, નાગલી એટલે કે રાગી અને કોદરી કે કોદરો દક્ષિણ ગુજરાતમાં પાકે છે ને આદિવાસીઓનું એ મુખ્ય ધાન્ય છે. સંભવ છે કે ‘પૂછાં’ જેવો બોલીપ્રયોગ દક્ષિણ ગુજરાતના કોઈ લોકસમૂહમાં પણ થતો હોય. ભારત સરકારે ૨૦૧૮નું વર્ષ મિલેટ યર જાહેર કર્યા બાદ યુનોએ ૨૦૨૩ના વર્ષને ઇન્ટરનેશનલ મિલેટ યર જાહેર કર્યું છે ને આખા વિશ્વમાં એની ઉજવણી થઇ. આપણાં લોકગીતોમાંતો પહેલેથી જ કેટલાંય મિલેટગીતો મળે છે.