આંગણે ટહુકે કોયલ/રસિયા મોરા! ચાંદલિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨૦. રસિયા મોરા! ચાંદલિયો

રસિયા મોરા! ચાંદલિયો ઊગ્યો રે,
કે રાજ મને સૂરજ થૈ લાગ્યો રે!
રસિયા મોરા! શેરીએ પડાવું સાદ રે,
ઉતારા કરવાને કાજ રે.
રસિયા મોરા! શેરીએ પડાવું સાદ રે,
દાતણ કરવાને કાજ રે.
રસિયા મોરા! ઝારિયું લેજો સાથ રે,
દાતણ કરવાને કાજ રે.
રસિયા મોરા! શેરીએ પડાવું સાદ રે,
દૂધડાં પીવા કાજ રે.
રસિયા મોરા! ગાવડી લેજો સાથ રે,
દૂધડાં પીવા કાજ રે.
રસિયા મોરા! શેરીએ પડાવું સાદ રે,
ભોજન કરવાને કાજ રે.
રસિયા મોરા! સુખડાં લેજો સાથ રે,
ભોજન કરવાને કાજ રે.

લોકગીત એટલે વ્યક્તિ કે સમૂહ દ્વારા રચાયેલું ગેયકાવ્ય. કોઈ લોકગીત એક જ વ્યક્તિની દેન હોય એવું બને તો કોઈ લોકગીત અનેકાનેક લોકોનું સર્જન હોઈ શકે. કોઈએ આરંભેલા ગીતમાં તત્કાલીન કે તત્પશ્ચાદ કાળમાં સુધારા વધારા કરીને એની સ્ક્રીપ્ટ બદલી નાખી હોય એવું પણ બન્યું હોય. લોકગીતમાં રચયિતાનું નામ નથી હોતું એટલે એ વૈયક્તિક કે સહિયારું સર્જન સમાજને સમર્પિત થઇ ગયું હોય છે ને એ અનામી કૃતિ તરીકે જનસમૂહનું ગાન બની જાય છે. નદીના અસ્ખલિત વહેતા જળપ્રવાહની જેમ એ સદીઓથી વહેતું રહ્યું છે, એમાં સુધારા-વધારા થતા રહ્યા ને આજે આ એન્ટિક લોકગાણું મનોરંજક સહ ઉપદેશક બની રહ્યું છે. ‘રસિયા મોરા! ચાંદલિયો ઊગ્યો રે, કે રાજ મને સૂરજ થૈ લાગ્યો...’ ઘણું જાણીતું લોકગીત છે. સાંજે ચંદ્રોદય થયો એને એક નાયિકાએ સૂર્યોદય માની લીધો! આવું કેમ બને? કાં તો નાયિકા અતિ હરખઘેલી બની ગઈ હોય, લાંબી વિરહવેદનાથી વ્યાકુળ થયા પછી પોતાના રસિયા સાથે મિલન થવાનું હોય અથવા તો બહુ દુઃખી હોય! અંતરમાં ઉમંગ કે વ્યાધિનો અતિરેક થાય ત્યારે બાહ્ય સ્થિતિ પ્રત્યેની આપણી દ્રષ્ટિ બદલાઈ જાય છે. ચાંદાને સૂરજ માનવો એ સામાન્ય મનોસ્થિતિ નથી જ. નાયિકા શેરીએ જઈને પોતાના રસિયાને સતત સાદ કરતી રહે છે કે ઉતારા, દાતણ, ભોજન કરવા, દૂધ પીવા આવો પણ જે હેતુ માટે તમે આવો એને લગતી જરૂરી સામગ્રી સાથે લાવજો. રસિયાને આવું ત્યારે જ ચીંધી શકાય જયારે બન્ને વચ્ચે ખૂબ મનમેળ હોય. નાયિકાનો પિયુ ખૂબ જ હેતાળ હશે એવું લાગે છે. ગુજરાતી લોકસંગીતના મહેરામણમાં આવાં અનેક મોતીડાં પાક્યાં છે આપણે એ રંગબેરંગી સાચાં મોતીડાંથી આપણી જાતને અલંકૃત કરવી છે કે ફટકિયાં મોતીનો શણગાર કરવો છે? લોકસાગરના તળિયેથી જડતાં રત્નોથી સમૃદ્ધ થવું છે કે કિનારાની રેતમાં રેઢાં પડેલાં શંખલાંથી ચલાવી લેવું છે એ હવે આપણે નક્કી કરવાનું છે.