આંગણે ટહુકે કોયલ/હરચંદ રાજાને વેળા
૩૮. હરચંદ રાજાને વેળા
હરચંદ રાજાને આંગણ આંબલો રે લોલ
આંબલાની શીતળ જોને છાંય રે
હરચંદ રાજાને વેળા બહુ પડી રે લોલ
હરચંદ વેંચે એની મેડિયું રે લોલ
મેડિયુંના અરીસા વેંચાય રે
હરચંદ રાજાને...
હરચંદ વેંચે એનાં ઘોડલાં રે લોલ
ઘોડલાંનાં વછેરાં વેંચાય રે
હરચંદ રાજાને...
હરચંદ વેંચે એના હાથીડા રે લોલ
હાથીડાની અંબાડી વેંચાય રે
હરચંદ રાજાને...
હરચંદ વેંચે એની રાણિયું રે લોલ
રાણિયુંના કુંવરિયા વેંચાય રે
હરચંદ રાજાને...
ઈથી વેળા તે કેવી જાણવી રે લોલ
પોતે વેંચાણા પર-ઘેર રે
હરચંદ રાજાને...
બલિકાઓથી લઈને વૃધ્ધાઓ માટે વ્રત એટલે આસ્થા સહ આનંદનો ઓચ્છવ. વ્રતના દિવસોમાં નવાં કપડાં પહેરવાં, પૂજન-અર્ચન કરવું, એકટાણાં કે ઉપવાસ કરવા અને રાત્રે જાગરણ કરવું આવી દિનચર્યા હોય છે. ગામડાંમાં અગાઉ વીજળી ન્હોતી, મનોરંજનનાં સાધનો ન્હોતાં, હરવાફરવાનાં સ્થળો પણ ન્હોતાં એટલે જાગરણ કરનારી અને કરાવનારી બહેનો રાત્રે ગામના પાદરમાં કે ચોરાના ચોકમાં ભેગી થઈને રાસડા લે અને રમતાં રમતાં ગીતો ગાતી. આ ગીતોમાં મોટેભાગે લોકગીતો ગવાતાં. લોકગીતોમાં કથાગીતો, ઐતિહાસિક અને પૌરાણિક પાત્રોને કેન્દ્રમાં રાખીને રચાયેલાં ગીતો, શાસ્ત્રોના સારરૂપ લોકગીતો, હળવાં અને મજાક-મશ્કરીનાં ગીતો વગેરે રાસડાનો કન્ટેન્ટ રહેતો. રામ-સીતા, કૃષ્ણ-રાધા, શિવ-પાર્વતી ઉપરાંત અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, કુંતા, દ્રૌપદી, અભિમન્યુ જેવાં ચરિત્રો પણ લોકગીતોનો વિષય બન્યાં છે. સમાજનો બધો વર્ગ શાસ્ત્રો કે ધર્મગ્રંથોનું અધ્યયન કે શ્રવણ ક્યાં કરી શકવાનો હતો? એટલે આવાં ‘ક્લાસ’ લોકગીતો થકી ‘માસ’ સુધી વાતો પહોંચાડવી સરળ થઇ જાય એ હેતુથી આવાં લોકગીતોનું સર્જન થયું હોય છે અને ખાસ કરીને તહેવારો અને મહિલાઓનાં વ્રતો વખતે ગવાતાં હોય છે. ‘હરચંદ રાજાને આંગણ...’ આવું જ સત્યવાદી રાજા હરીશ્ચંદ્ર પર આવી પડેલા સંકટને બયાન કરતું લોકગીત છે. ઐતરેય બ્રાહ્મણ, મહાભારત, માર્કન્ડેય પુરાણ, દેવી ભાગવત-વગેરે ગ્રંથોમાં હરીશ્ચંદ્ર રાજાની કથા આવે છે, જો કે કેટલીય પૌરાણિક કથાઓમાં થતો હોય એવો પાઠભેદ રાજા હરીશ્ચન્દ્રની કથામાં પણ છે. એકપ્રચલિત કથાનુસાર ત્રેતાયુગમાં અયોધ્યાના સૂર્યવંશી રાજા સત્યવ્રતના પુત્ર હરીશ્ચંદ્રનાં લગ્ન શૈવ્યા (તારામતી) સાથે થયાં હતાં. નિ:સંતાન હરીશ્ચંદ્ર રાજા ગુરૂ વશિષ્ઠ ઋષિના કહેવાથી વરુણદેવની ઉપાસના કરે છે અને રોહિત નામનો પુત્ર પ્રાપ્ત થાય છે. સંતાનપ્રાપ્તિ માટે શરત એવી હતી કે સંતાન અમુક વર્ષનું થાય પછી તેનો યજ્ઞમાં બલી ચડાવી દેવો પણ હરીશ્ચંદ્ર તેમાં ઢીલ કરે છે, પુત્રનો બલી ચડાવતા નથી એટલે તેમના પર સતત વિટંબણાઓ આવતી રહે છે. લોકગીતના મુખડામાં હરીશ્ચંદ્રને આંગણે આંબલો અને તેની શીળી છાંયનો ઉલ્લેખ થયો છે એ તેમના પારાવાર સુખનું પરિચાયક છે પણ પછી અચાનક જ પરિસ્થિતિ બદલાઈ જતાં તેમનું રાજપાટ ચાલ્યું ગયું, હરીશ્ચંદ્રએ પોતાનો મહેલ વેંચવા કાઢ્યો, મહેલનું રાચરચીલું, હાથી, ઘોડા-બધું વેંચાઈ ગયું. સમય જતાં એની રાણી અને પુત્રને પણ વેંચાવું પડ્યું અને ખુદ પણ પરઘેર વેંચાયા! એ કાળમાં લોકો અશિક્ષિત કે અર્ધશિક્ષિત હતા, આજના જેટલા અને જેવા કથાકારો હતા નહિ, એવાં પ્લેટફોર્મ પણ ક્યાં હતાં કે લાખો લોકોને કથાના માધ્યમથી આવરીને પૌરાણિક કથાઓથી અવગત કરાવી શકાય એટલે વેદો-પુરાણોની અઘરી, અટપટી, લાંબી વાર્તાઓને આપણા લોકકવિઓ-લોકગીતકારોએ સાવ સરળ શબ્દોમાં ઢાળીને લોકગીતો રચી નાખ્યાં ને એને મનભાવન ઢાળમાં ઢાળી દીધાં એટલે ગવાતાં થયાં અને સરળ શબ્દો, સીધાસાદા ઢાળને લીધે સૌને યાદ રહી જાય અને એમ કંઠોપકંઠ ‘વાઈરલ’ થયાં. આવાં ગીતો થકી પૌરાણિક પાત્રો અને કથાનકો પ્રવાહિત થતાં રહ્યાં છે જેના થકી આજે આપણે આપણી ધરોહરથી પરિચિત થઈએ છીએ.