આંગણે ટહુકે કોયલ/હે મુને ઢોલે
૨૨. હે મુને ઢોલે
હે મુને ઢોલે રમવા મેલ્ય મારા સાયબા
ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે
હે મારા પગે આ કડલાં ટૂંકાં રે પડે,
હે મુને ફરી ને કડલાં ઘડાવ્ય મારા સાયબા
ઝાલાવાડી ઢોલ...
હે મારા હાથે આ ચૂડલો ટૂંકો રે પડે,
હે મુને ફરી ને ચૂડલો ઘડાવ્ય મારા સાયબા
ઝાલાવાડી ઢોલ...
હે મારી ડોકે આ હારલો ટૂંકો રે પડે,
હે મુને ફરી ને હારલો ઘડાવ્ય મારા સાયબા
ઝાલાવાડી ઢોલ...
હે મારા નાકે આ નથણી ટૂંકી રે પડે,
ઝાલાવાડી ઢોલ...
આધ્યાત્મિક, પૌરાણિક પાંચાળ ભૂમિમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે તરણેતરના આંગણે પરંપરાને અકબંધ રાખતો મનગમતો મેળો જામ્યો હોય ને એમાંય રાસડા તો મેળાનું અભિન્ન અંગ! બસો-ચારસો બહેનોનું કૂંડાળું રચાય, એક બહેન ગાય ને બાકીની બધી ઝીલે ને એમ રાસની રંગત જામે. ગાવા અને રમવાવાળી બહેનો બદલતી જાય પણ રાસ તો સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી લેવાતા રહે. આ રાસડામાં કેવાં લોકગીતો ગવાય? ‘હે મુને ઢોલે રમવા મેલ્ય...’ જેવાં! હાસ્તો, ગુજરાતી લોકસંગીતના અખૂટ, અતળ ખજાનામાં આવાં રાસ લેતી વખતે ગાવાનાં અનેક લોકગીતો છે. આવાં લોકગીતોના ઢાળ, શબ્દો અને મૂડ-બધું જ રાસ માટે અનુકૂળ છે. આખી હિંચનાં લોકગીતો રાસ માટે સૌથી વધુ ઉપયુક્ત છે કેમકે મેળા, જાગરણ કે તહેવારોમાં રાસ કલાક-બે કલાક માટે નહીં પણ કલાકો સુધી રમાય છે એટલે અડધી હિંચ, ફાસ્ટ રીધમ, દોઢી કે ચલતીનાં ગીતો આમાં ન ચાલે-એટલે જ આપણાં બહુધા લોકગીતો આખી હિંચમાં કમ્પોઝ થયાં છે. આ લોકગીતમાં નાયિકા પોતાના સાયબાને અનુરોધ કરે છે કે ઝાલાવાડી ઢોલ પર દાંડી પડી, જાણે કે ઢોલ ઝાંઝરની જેમ મધુરો રણકાર કરી ઉઠ્યો છે. આવો ઢોલ વાગે ને હું ઘરમાં બેઠી રહું? મને જવા દો. અહીં ઢોલ વાગડનારાની કરામત કાંઈક એવી છે કે માનુનીઓને એ મનમોહક લાગે છે. નાયિકા રાસે રમવા જતાં પહેલા સજી-ધજી રહી છે પણ કડલાં, ચૂડલો, હારલો, નથણી પહેરતાં જ ખબર પડી કે આ બધા અલંકારો તો એને ટૂંકા થવા લાગ્યા છે એટલે એ ફરીથી ઘડાવવાની, નવા બનાવડાવી દેવાની માગણી મુકે છે. એનો સીધો જ અર્થ એ થાય કે સાસરિયામાં દુઃખી સ્ત્રીઓની ફોજ વચ્ચે આ સૌભાગ્યવતી સુખી છે બાકી, પરણીતાને એવો હક્ક ક્યાં હતો કે એ કોઈ ચીજની માગણી કરી શકે ને એય વળી આટલાં ઘરેણાંની? એ નારી સુખી હોવાની બીજી નિશાની એ પણ છે કે સાસરે આવ્યા પછી ઘરેણાં ટૂંકાં થવા લાગ્યાં! તરણેતરના મેળાની સ્પેશ્યાલિટી હૂડો છે. આ લોકગીત કેટલાક લોકો ઉલાળિયામાં ગાઈને હૂડો લે છે અને મુખડાના થોડા શબ્દો બદલીને ગાય છે.