આચમની/૧૬
એક વસ્તુ તલવારની ધાર જેવી તીક્ષ્ણ હોય અને એ જ વસ્તુ ફૂલની પાંખડી જેવી કોમળ બની જાય — આવું શક્ય છે ખરું? પણ સંતોની વાણીમાં આવી વિરોધાભાસી વસ્તુ વારંવાર આવે છે. આપણે ત્યાં ભજનમાં ગવાય છે : ભક્તિનો મારગ રે ખાંડા કેરી ધાર અને ત્યાં જ બીજો સૂર સંભળાય છે : ભક્તિનો મારગ રે ફૂલાં કેરી પાંખડી. ભજનવાણીના કુબેર ભંડારી કબીરે પણ આ જ વાત કરી છે. તે કહે છે: પિય કા મારગ કઠિન હૈ, ખાંડા હિ જૈસા. આવા કઠિન માર્ગ પર ચાલવા જતાં આપણો જીવ ગભરાય ત્યાં જ કબીરવાણી બોલી ઊઠે છે : પિય કા મારગ સુગમ હૈ, તેરા ચલન અવેડા. આ વચનમાંથી કોઈકને મારગની અને મારગ પર ચાલવાની સૂઝ પડે. મારગ તો સીધો અને સરળ છે પણ તારી ચાલ જ ‘અવેડા’ એટલે કે ઉટપટાંગ છે. તને સીધાં ચાલતાં આવડતું નથી એટલે જ ફૂલની કોમળ પાંખડી તલવારની ધાર બની જાય છે. ભક્તિના મારગને ભયજનક બનાવી દેનાર કોઈ બાહ્ય વસ્તુ નથી પણ માણસની અંદરની જ આડાઈ, વક્રતા, માની લીધેલી ચતુરાઈ છે. જ્યાં અંતરની આરત છે, તીવ્ર ઝંખના છે ત્યાં ચતુરાઈ તો ચૂલે પડે છે. એટલે જ ભક્તો કહે છે : આતુરી ચાતુરી નાંહી. આ માર્ગના ભોમિયા કબીરને ચરણે બેસી કેમ ચાલવું તેની જુક્તિ જાણી લઈએ. તે કહે છે :
પિય કા મારગ સુગમ હૈ, તેરા ચલન અવેડા,
નાચ ન જાને બાવરી, કહે આંગન ટેઢા
‘નાચનારીને આંગણું વાંકું’ એ કહેવત કાચી નાચનારીને લાગુ પડે છે. કબીર કહે છે કે મારગનો વાંક ન કાઢીશ, તારામાં રહેલી વૃત્તિ જ બરાબર તપાસી લે.
બાટ બિચારી ક્યા કરૈ, પંથી ન ચલે સુધાર,
રાહ અપની છાંડિ કૈ ચલે ઉજાર ઉજાર
સીધો, સરળ, ફૂલોની ફોરમ જેવો પંથ છે ભક્તિનો. પણ પંથી જ એ સીધે મારગે જવાને બદલે સિદ્ધાઈના ચક્કરમાં પડે તો તેને ભાગે માત્ર ઝાંઝવાં અને મૃગતૃષ્ણા જ આવે છે.
***