આચમની/૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search

સંસ્કૃતમાં એક કહેવત છે : અગ્રે અગ્રે વિપ્ર:. સામાન્ય વાતચીતમાં પણ એ કહેવત વપરાય છે. સહુથી અગ્નિમ સ્થાન વિપ્રનું. આ કથનમાં સાધારણ રીતે એમ લાગે કે બ્રાહ્મણ જાતિને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. ખરી રીતે તો જે બ્રહ્મને જાણે છે તે બ્રાહ્મણ, અને એને ઉચ્ચ પદ આપવું એમાં તો સમાજની શોભા છે. પણ વિપ્ર એથી ઘણો વધુ વિશેષ અર્થ લઈ આવે છે. તેમાં નાત-જાતને લાવવાની જરૂર નથી. બ્રાહ્મણ, દ્વિજ અને વિપ્ર એ ત્રણે શબ્દ શ્રોત્રિય માટે વપરાય છે. શ્રોત્રિય એટલે બહુશ્રુત, વિશાળ ચિંતન અને અનુભવનો ભંડાર. એ વિષે શ્લોક છે : જન્મના બ્રહ્મણો જ્ઞેય સંસ્કારૈર્દ્વિજ ઉચ્યતે વિદ્યાયા યાતિ વિપ્રત્વં, ત્રિભિઃ શ્રોત્રિય-લક્ષણમ્ માણસ જન્મથી ભલે બ્રાહ્મણ હોય પણ એ સંસ્કારથી નવો જન્મ ન પામે ત્યાં સુધી દ્વિજકુળમાં તેનો જન્મ થતો નથી. દ્વિજત્વ એટલે દેહભાવે મરીને આત્મભાવે બીજો જન્મ લેવો. આ નવો જન્મ વિદ્યામાં પ્રવેશ કરાવે છે અને વિદ્યા વિપ્રત્વ ભણી લઈ જાય છે. સાયણ ભાષ્યમાં વિપ્ર વિષે કહ્યું છે : વિપ્રત્વં અતિશયેન મૈધાવિનમ્. જેને અત્યંત મેધા વરી હોય એને કહેવાય વિપ્ર. જે સંસ્કૃતિ સત્તાધીશને, પદવીધારીને કે ધનવાનને અગ્રસ્થાન ન આપે પણ વિદ્યાવાનને, મેધાવીને આપે તે સંસ્કૃતિ જ ઊંચાં મૂલ્યો ધરી જીવતી રહી શકે. ‘અગ્રે અગ્રે વિપ્ર:’ – એ કહેવત માત્ર ગૌરવ લેવા માટે જ નથી પરંતુ વિપ્રને ફરી ગૌરવવંતુ સ્થાન આપવાનું યાદ અપાવે તેવી છે. વિપ્રનો બીજો એક અત્યંત માર્મિક અર્થ પણ છે : ‘પ્રેરણા દ્વારા પોતાના હૃદયમાં કંપન અનુભવે અને પ્રેરિત વાણીને વહાવે તેવો કવિ.’ ‘વિપ્ર’ ધાતુ પરથી કંપવું અને તેની પરથી વિપ્ર શબ્દ બન્યો છે. જેને આ ક્ષુદ્ર અને મર્ત્ય જીવનમાં મહત્ તત્ત્વનું તથા અમૃત તત્ત્વનું દર્શન થયું છે એટલું જ નહીં, પણ જે એને ઉત્કૃષ્ટ વાણીમાં વ્યક્ત કરે છે, એ છે વિપ્ર. અગ્રે અગ્રે વિપ્રઃ–એ હજીયે જીવતી રહેલી કહેવત આપણને ભારતીય દર્શન અને જીવનનાં ઊંચાં શિખરો ભણી લઈ જાઓ. વિપ્રને અગ્રતા આપીશું તો પછી ઉગ્ર કે વ્યગ્ર થવાની જરૂર નહીં રહે.

***