આચમની/૨૭

૨૭

સનાતન ગોસ્વામી પૂર્વાશ્રમમાં બંગાળના નવાબ હુસેન શાહના મુખ્યમંત્રી હતા. નામ હતું સાકર મલ્લિક. ઠાઠમાઠથી રહેતા. પણ ગૌરાંગ મહાપ્રભુનો મેળાપ થયો અને વૈરાગ્યમયી કૃષ્ણભક્તિનો રંગ ચડ્યો. સર્વસ્વનો ત્યાગ કરી વૃન્દાવનમાં રહેવા લાગ્યા. રોજ ભગવદ્ નામના ત્રણ લાખ જપ કરે. સાંજે આસપાસનાં ગામમાંથી ભિક્ષા લાવે, ઠાકોરજીને ભોગ ધરાવે અને પ્રસાદ આરોગે. એ ગામોમાં ગરીબ વ્રજવાસીઓ પાસેથી મળે શું? લૂખી સૂકી રોટી મળે. પેલા નટખટને તોફાન કરવાનું મન થયું. સનાતનને કહેઃ ‘આ સૂકી રોટી મારે ગળે ઊતરતી નથી; સાથે થોડું નિમક આપતા રહો.’ પણ આ ભક્ત ભગવાનથી ચડે એવો હતો. કહે, ‘જો ભાઈ, મને ભિક્ષામાં મળે તે લાવું છું. મારાથી આ કે તે એવી વધારાની વસ્તુ માગી નહીં શકાય.’ એવામાં એક વેપારીનું નિમકની ગૂણીઓથી ભરેલું વહાણ યમુનામાં ડૂબવા લાગ્યું. વેપારીએ ભગવાનને પ્રાર્થના કરી કે જો વહાણ બચી જાય તો નિમકની બધી ગૂણીઓ તે નજીકમાં રહેતા કોઈ સંત-મહાત્માને અર્પણ કરી દેશે. વેપારીનું વહાણ બચી ગયું. આસપાસમાં કોઈ સંત રહેતા હોય તો એના નિવાસ વિષે તેણે ગામલોકોને પૂછ્યું. ગામલોકોએ સનાતન ગોસ્વામીની કુટિયા બતાવી. વેપારીએ નિમકની ગૂણીઓ કુટિયા આગળ જ ખડકી દીધી. સનાતન ખેલ પામી ગયા. વેપારીને કહે, ‘મારે નિમકની જરૂર નથી. જેને છે તેને આપી દે.’ અને મદનમોહનને હાથ જોડી વેપારીને ભલામણ કરી કે, ‘મારાથી આ મહેરબાનને સંભાળી શકાય એમ નથી. આજે નિમકની ગૂણીઓ ઠલવાવી, આવતીકાલે મોહનથાળ, મેસૂબ ને હલવા-પૂરીના થાળ ભરાવશે. વળી આ કુટિયાની જગ્યાએ મોટું મંદિર પણ ચણાવે તો ના નહીં. તું એને સંભાળી લે. હું તો આ ચાલ્યો.’ અને સનાતન એકાંત સ્થળે ચાલ્યા ગયા… પછી તો કુટિયા હતી ત્યાં મંદિરો થયાં, પણ તેમાં ઠાકોરજી નથી અને મંદિરોને શિખર પણ નથી. તેને ‘ધન ધન માઠ-ગાંવ કે ચોર’ નામે લોકો સંબોધે છે. સનાતન ગોસ્વામીએ એક શ્લોકમાં કહ્યું છે :

સર્વેષાં સાધનાનાં તત્ સાક્ષાત્કારો હિ સત્ફલ:
તદૈવ મૂલતો માયા નષ્યેત્ પ્રેમાડપિ વર્ધતે.

સર્વ સાધનાનું શ્રેષ્ઠ ફળ છે તેનો સાક્ષાત્કાર. આ સાક્ષાત્ દર્શનથી માયા સમૂળગી નાશ પામે છે અને ભગવત્ પ્રેમ વધી જાય છે. પેલા નિમકની માગણીમાં મદનમોહને આવા પ્રેમનું મીઠું જ માગ્યું હશે ને? ‘સબરસ’ એટલે કે સર્વ રસોના સાર એવા પ્રેમરસથી જ પ્રભુ તૃપ્ત થાય છે.

***