આચમની/૪૯

૪૯

ગોપાળાનંદ સ્વામીના એક શિષ્ય હતા ખંભાતના સદાશિવભાઈ. તેમને વેપારમાં સારો નફો થયો હતો. સુંદર હવેલી બંધાવી હતી. આ હવેલીમાં રહેવા જતાં પહેલાં ગોપાળાનંદ સ્વામીનાં તેમાં પગલાં કરાવવાની તેમની ઈચ્છા હતી. એટલા માટે સ્વામીને તેડવા તે વડતાલ આવ્યા. પણ અહીં તે કથા-વાર્તા-કિર્તનની ઝૂક બોલે. પોતાની હવેલીમાં પધરામણી કરવાનું સ્વામીને કહેવાનું ઘણું મન થાય પણ સત્સંગના પ્રવાહમાં સદાશિવભાઈ ખેંચાઈ જાય. વળી યાદ આવે ત્યારે સ્વામીને કહેવાની ગાંઠ વાળે. છેવટ એક દિવસ સદાશિવભાઈએ કહ્યું : ‘સ્વામી, મેં ભારે હોંશથી હવેલી બંધાવી છે. આ૫ પધરામણી કરો પછી જ તેમાં રહેવા જવાનો નિર્ણય કર્યો છે. આપને તેડવા આવ્યો છું, પણ આવા અલૌકિક સત્સંગમાં ભંગ પાડી કહેવા માટે જીભ નથી ઊપડતી.’ ગોપાળાનંદ સ્વામી સદાશિવભાઈ સામે કરુણાભર્યા નેત્રે જોઈ રહ્યા. પોતે ચણાવેલી અફલાતૂન હવેલી પર સદાશિવભાઈનો મોહ વાક્યે વાક્યે વંચાતો હતો. માયાનું બંધન તોડવા માટે અહીં ઘણના ઘા જેવી વાતો થતી હતી ત્યારે સદાશિવભાઈનું મન પેલા ઈંટ-ચૂનાના પથ્થરમાં બંધાઈ ગયું હતું. સ્વામીએ સહેજ વિચાર કરી કહ્યું : ‘જુઓ સદાશિવભાઈ, ગામેગામથી આ કેટલા હરિભક્તો આવ્યા છે! તેમને નિરાશ કરીને તો મારાથી ન જ નીકળાય ને! પણ તમે થોડા દિવસ રોકાઈ જાઓ. હરિભક્તો વિદાય લેશે ત્યારે તમારી સાથે હું ખંભાત આવીશ. સદાશિવભાઈ રોકાઈ ગયા. અને પછી તો કથામાં સ્વામીએ ત્યાગ વૈરાગ્યની વાતો ઉપાડી. હીરે હીરો વિંધાય એમ હરિભક્તોનાં મન સોંસરવાં સ્વામીના વેણ ઊતરવા માંડ્યાં. કરોડોની દોલત પણ સાપ કાંચળી ઉતારે એમ ઉતારતાં કોઈ ન ખચકાય એવો સમજણનો રંગ જમાવી દીધો. ચક્રવર્તી મહારાજ ઋષભદેવ, જડભરત અને રાજા જનકનાં દ્રષ્ટાંતોથી વૈરાગ્યને સજીવ કરી દીધો. સદાશિવભાઈના મનમાંથી લાખોનો વેપાર, વૈભવ અને હવેલી ઓગળવા માંડ્યાં. નિષ્કુળાનંદ સ્વામીના પદો ગવાતાં તેના સૂર ને શબ્દો અંતરમાં આલેખાઈ ગયા.

ખાતાં પીતાં સૂતાં જાગતાં વસવું વેરીને વાસ જી,
જોતાં, સુણતાં, ખોળતાં, તેનો કરવો તપાસ જી.
અંતર ઊંડા અભાવથી, કરીએ તન મન વૈરાગ્ય જી,
પછી ભરીએ પગલાં તો, ન વણસે ત્યાગજી.
સાચે કારજ સરવે સરે, કાચે રાચે નહીં વૈરામ જી,
નિષ્કુળાનંદ કહે ન કીજિયે, વણસમજીએ કામ જી.

ગોપાળાનંદ સ્વામી પંદર દિવસ સુધી ચડતી કળાએ જ્ઞાનનાં અજવાળાં રેલાવતા ગયા. સદાશિવભાઈના હૈયામાં હવેલીને બદલે શ્રીહરિ વસી ગયા. એવામાં સ્વામી પર ખંભાતથી કાગળ આવ્યો. લખ્યું હતું કે સદાશિવભાઈની હવેલીને આગ લાગતાં તે બળીને ખાખ થઈ ગઈ છે. સ્વામીએ તે કાગળ વાંચી ગાદી નીચે દબાવી દીધો. સદાશિવભાઈ સામે જ બેઠા હતા. સ્વામીએ પૂછ્યું : ‘સદાશિવભાઈ, આપણે આટલા દિવસ અંતરમાં એક હવેલી ચણતા હતા અને એમાં ત્યાગ-વૈરાગ્યના પાયા ધરબતા હતા અને જ્ઞાનનાં પગથિયાં મૂકતા હતા અને ભક્તિના જાળી-જાળિયાં રાખતા હતા અને શ્રીહરિની અપાર કરુણાની કોતરણી કરતા હતા. આ હવેલી તમારા અંતરમાં ઊભી થઈ? શ્રીહરિનાં પગલાં થયાં?’ સદાશિવભાઈએ હાથ જોડી કહ્યું : ‘હા, આપની કૃપાથી અંતરની હવેલીમાં મહારાજ બિરાજે છે ને એવું સુખ થઈ ગયું છે કે ત્રિલોકમાં પણ એનો જોટો ન મળે.’ ‘તો સદાશિવભાઈ, ખંભાતની તમારી હવેલી બળી જાય તો તમને કાંઈ થાય?’ ‘સ્વામી, આપના પ્રતાપથી મારા અંતરમાં તો તે હવેલી બળી જ ગઈ છે. આ ખોળિયું પણ એક દિવસ બળી જવાનું છે, ત્યાં બીજા કાટમાળને ક્યાં વળગવું? મારા હૈયાની હવેલીમાં તો બસ એક મહારાજની મૂર્તિ મરક મરક હસી રહી છે, સ્વામી !’ સદાશિવભાઈને અનન્ય ભક્તિ અને સુદ્રઢ જ્ઞાનનિષ્ઠા જોઈ ગોપાળાનંદ સ્વામીને અપાર હર્ષ થયો. તેમણે ગાદી નીચેથી કાગળ કાઢી કહ્યું: ‘લ્યો ત્યારે. શ્રીહરિએ કૃપા કરી તમારો માયિક અંશ બાળી નાખ્યો અને તમને પોતાના કરી રાખ્યા.’ સદાશિવભાઈએ પત્ર વાંચ્યો, પણ હવેલી બળી ગયાના સમાચારથી તેમનું રૂંવાડું ય ખડું ન થયું. અંતરનો આનંદ એવો ને એવો અવિચળ રહ્યો. સ્વામીને વંદન કરતાં સદાશિવભાઈએ કહ્યું : ‘દયાળુ ! આપે મને સુખિયો કરી દીધો. સાચી સમજણ આપી. નહીં તો હવેલી બળી ગયાના સમાચારથી હું ઢગલો થઈ પડત. મારા હૈયાની હવેલીની પતાકા તો આભમાં ફરકે છે અને માંહી મહારાજની મૂર્તિ અખંડ બિરાજે છે.’

***