આત્મપરિચય/આત્મપરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આત્મપરિચય

સુરેશ જોષી

મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે. એ ગામના સીમાડા અદ્ભુત અને ભયાનક રસથી બંધાયેલા હતા એટલો જ હું એનો ભૌગોલિક પરિચય આપીશ. નામ તો જરઠ સ્થવિરોની શોધ છે. મને લાગે છે કે વ્યાકરણની શરૂઆત પણ ક્રિયાપદથી થઈ હશે, એ ક્રિયાના કરનારને ક્રિયા કર્યા બદલનું અભિમાન ઊપજ્યું હશે, ત્યાર પછી જ કર્તા, કર્તાનું નામ, વિશેષણ વગેરેનો પ્રપંચ વિસ્તર્યો હશે. નામની દાબડીમાં પદાર્થને મૂકીને બંધ કરી દેવાનું બાળકને રુચતું કે પરવડતું નથી. નામની જડ નિશ્ચિતતા એના સ્વૈરવિહારને સીમિત કરી દે છે, ને શિશુ તો સ્વભાવથી જ કવિ હોય છે. પ્રસ્તુત-અપ્રસ્તુત વચ્ચેના રમણીય ગોટાળામાંથી એ સદા અલંકારો રચ્યા જ કરે છે. બાળપણની રમતનું સૌથી મોટું રમકડું તે ઉત્પ્રેક્ષા છે : ‘હું જાણે રાજા હોઉં, ને તું જાણે રાણી હોય,’ આમ ‘જાણે કે’ની ચાવીથી નવાં નવાં જગત ખૂલતાં જ જાય. પછી આપણે મોટા થઈએ. ડાહ્યાડમરા થઈએ ત્યારે અર્થાન્તરન્યાસનાં પોટલાં બાંધતાં થઈ જઈએ. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતાં. એક નદી હતી. એનું નામ ઝાંખરી. સંસ્કૃત નામોનો ઝંકાર એમાં નથી. ઝાંખરામાં થઈને રસ્તો કરી વહેતી વહેતી આવતી માટે ઝાંખરી. અહીં ક્રિયા અને સંજ્ઞા વચ્ચેનો સમ્બન્ધ નિકટનો છે, માટે એ નામ ગમ્યું અને માટે એ તમને કહ્યું. તાપી તો દૂર, સાતકાશીના ગાઢ વનમાં થઈને વહે. પણ આ ઝાંખરીનાં છીછરાં પાણીમાં પગ ઝબકોળીએ કે તરત ધરતી સાથે જકડાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય, એના અસ્ખલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતલ સ્પર્શમાં સાતકાશીના નિબિડ અરણ્યમાં ઘંટાયેલા મસૃણ અન્ધકારના સ્પર્શની સ્મૃતિ હતી. દુંદાળા ગણપતિ આનન્દચૌદશને દિવસે એમાં ડૂબકી મારીને અલોપ થઈ જતા ને દશેરાના દિવસે માતાના જવારાની સોનાની સળીઓ એનાં પાણીમાં તરી રહેતી. એ ઝાંખરીએ ધરાએલો વાઘ પાણી પીવા આવતો, શરૂશરૂમાં બીડી પીવાનું સાહસ કરવા શીખેલા કેટલાક સોબતીઓએ, રખે ને એમના આ અપલક્ષણની ચાડી ખાઈ દઉં એ બીકે, મારા મોઢામાંય બીડી ખોસી દીધેલી તે પણ આ ઝાંખરીની સાક્ષીએ. મોટી મોટી યોજનાઓના આ દિવસોમાં પણ એ ઝાંખરી એની નગણ્યતાને જાળવી રહી છે. ગામને પૂર્વ છેડે ‘સતીનું વન’ એ નામથી ઓળખાતું આંબાવાડિયું હતું. એ આંબાવાડિયામાં એક ચોતરો હતો. પાસે એક દેરી હતી ને એમાં સતીનાં પગલાં હતાં. એ સતીના મહિમાની ત્યારે અમને કશી ખબર નહોતી, પણ એ પગલાંની છાપ મન પર આજ સુધી અંકાયેલી રહી છે. દંતકથાઓની ફળદ્રુપ ભૂમિમાં એ પગલાં અમને દોરી જતાં હતાં. એ આંબાવાડિયા પર શાખિયાં તૈયાર થયાં છે એ સમાચાર વીજળીવેગે પ્રસરી જતા ને અમારી ટોળી નીકળી પડતી. રખેવાળને કેમ ભોળવવો, કેમ ખોટી દિશામાં દોડાવવો, આગલી હરોળમાં કોણ રહે — આ બધાંની પાકી વ્યવસ્થા થતી, વ્યૂહ રચાતો ને અન્તે મિષ્ટ કેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને અમે થોડે દૂર, રેલવેના પાટા પાસેના ઝરણની ઠંડકમાં, ઊમરાના ઝાડની ઘટામાં, આરોગવા બેસતા. એ પાતાળઝરણું અદ્ભુત રસનું પણ ઝરણું હતું. એ ઝરણાએ ચિત્તમાંનાં કેટલાંય પાતાળઝરણાંને, ત્યાર પછી તો, વહેતાં કરી દીધાં છે.

*

એક બપોરે ગપ્પાં હાંકતાં અમે બેઠા હતા. ભાઈ પુષ્કર ચંદરવાકરે ત્યાં સોનગઢ વ્યારાના ગામીત ચોધરાની વાત કાઢી. એકાએક છેલ્લાં વીસેક વરસથી છોડેલી એ ધરતીની માયા જાગી, જીવ હિજરાવા લાગ્યો. ગુજરાતના પૂર્વ સીમાડાનું ગામ. નામ છે કિલ્લે સોનગઢ. વ્યારા છોડો કે તરત એ કિલ્લો દેખાવા માંડે. સ્ટેશનની ગોદમાં ગાડી બાળકની જેમ ઊભી રહે. સ્ટેશન ઊંચાણવાળા ભાગ પર આવેલું છે. ત્યાંથી દોઢ બે માઇલને અન્તરે ગામ. એના વળી બે ભાગ — નવું ગામ અને જૂનું ગામ. જૂનું ગામ તો કિલ્લાની તળેટીમાં જ. એ રસ્તા પર બે પુલ. આખે રસ્તે આંબાનાં ઝાડ. રસ્તે કોઈ વાર હરાયા ઢોરનું ધણ મળે. એમનું સામૂહિક જીવન જોવા જેવું છે. એ ટોળાના રક્ષક આખલા એવા તો જબરા હોય છે કે વાઘની મજાલ નહીં કે એમાંથી કોઈને ઉપાડી જાય! પણ માણસેય ચેતીને ચાલવું પડે, નહીં તો એમાંનો એક જો આપણી પાછળ પડે તો રામ જ રમી જાય. એ આખી સૃષ્ટિ યાદ આવી. ત્યાં બાળપણ હજુ જાણે પ્રતીક્ષા કર્યા કરે છે. એ કિલ્લાની છાયા હજુ અન્તરમાં વ્યાપેલી છે. એ ધાણકા વસતિગૃહ, એમાંના રાનીપરજના વિદ્યાર્થીઓ — મોટાં પેટ, બરોળ વધેલી, એના પર ડામ દીધો હોય. પગે વાગ્યું હોય ને પાકીને ઘારું પડ્યું હોય તો પગે મોરપીંછ બાંધે. એ એની દવા! આંખમાં તેજ નહીં. જંગલના સીમાડા સુધી વાણિયા ને દારૂના પીઠાવાળા પહોંચી ગયેલા. ફાગણ મહિનો શહેરમાં દેખાતો નથી. વનને ખોળે બેઠેલા ગામડામાં તો મહાફાગણ કેમે કર્યા છાના રહે નહીં. ખાખરે ખાખરે કેસૂડાં, આંબે આંબે મોર, લીમડે લીમડે મંજરી. એ તમને છોડે નહીં. ને પછી કોઈ બળતી બપોરે ઘૂંટણને માંડ ઢાંકતી જાડી પોતડી, માથે ફાળિયું, મોટા પેટને ઢાંકવાનો મિથ્યા પ્રયત્ન કરતું એકાદ વસ્ત્ર, પણ આંખમાં ફાગણનો નશો, લોહીમાં મહુડાનાં ફૂલે ઘૂંટેલો ઉન્માદ, ને કાનમાં ખોસેલું કેસૂડાનું ફૂલ, એક જણાના હાથમાં તૂર, બીજાના હાથમાં કાંસાની થાળી — આવી એક ટોળી તમને ચાલી આવતી દેખાય, ને તમે સાંભળો :

બારા મહીંની હોળીબાઈ યેકે દીહી યેનીવા,
હોળીબાઈયે નાંવા સે, આંમુ નીંગી આલા હો!
દેઅના ઓ રીતે દેજે, હા, ગાળી રખે દેતેંરા,
હોળીબાઈભા ભિખારી, આમાં નાહા ભિખાર્યા.

શી ખુમારી છે એમની! અમે ભિખારી નથી. હોળી ભિખારી છે, આપવું હોય તો આપજો, ગાળ દેશો નહીં. આ જાણે આજે ફરી કાને પડે છે. એ ફાગણની બળતી બપોરના પાત્રમાં આ સંગીત છલકાઈ જાય છે, આપણનેય એનો છાક ચઢે છે. અનેક ભારથી કચડાયેલા — મોટો ભાર દેવાનો — શાહુકારની આંકડારમતમાં એ બિચારા કશું સમજે નહીં — બે ટાણાં ભાગ્યે જ પૂરું અન્ન પામનારા આ વનવાસીઓ એ બધો બોજો હેલયા ઉતારીને સંગીતના સૂર રેલાવે છે, નાચે છે. એ તૂરનો અવાજ જાણે કે ફાગણની બપોરના અન્તસ્થ ભાવને બરાબર પકડી લે છે. વનનાં વૃક્ષોની ડાળીઓ જેમ વંટોળમાં ઝૂલે તેમ એમનો સૂર્યસ્પૃષ્ટ દેહ મસ્તીમાં ઝૂમે છે. મેં કહ્યું મસ્તી. હા, આપણે ઉજળિયાત સો ગળણે ગાળીને ઘૂંટડો ઉતારનારા. મસ્તી આપણે આંગણે ફરકેય શી રીતે! ને આ વનવાસીઓનાં જીવનમાં આપણા જેવા ઝાઝા વિધિનિષેધ(ઇન્હિબિશન્સ) નહીં. સ્ત્રીપુરુષ ભેગાં હાથમાં હાથ ગૂંથીને નાચે. ધોળા પર કાળો ડાઘ પાડનારા આપણે એમને જંગલી ગણીને સુધારવા જઈએ. પણ એમનામાં જે લુત્ફે હયાત છે તેના કેટલા ટકા આપણી પાસે છે? રવિવારનું હાટ ભરાયું છે. છત્રપલંગ કે ચેસ્ટરફિલ્ડના સોફાનું અહીં લીલામ થતું નથી. રોજના ખપની સાદીસીધી ચીેજો મળે છે — તેમાંય પૈસાનો વિનિમય ઝાઝો નહીં. કાપડ વેચનાર વાણિયો પૈસા લે. એ હાટમાં જઈને હાથમાં લેતાં ગરમ લાગે એવા દાળિયાના ઢગ ધરાઈ ધરાઈને જોયા છે. દાંત નીચે ચૂરો થઈ જતા એ દાળિયાની હરમી વાસ માણી છે. સાતકાશીનું જંગલ. દૂર સાઠેક માઇલના અન્તરે આવેલા બાગલાણ અને સાલ્લેર મુલ્હેરના ડુંગરો — એ બાળપણની એક માયાવી સૃષ્ટિ હતી. ત્યાં હેડમ્બા હજુ ફરે છે, અશ્વત્થામા હાથમાં વાડકી લઈને એની સડેલી ખોપરીમાં પૂરવા માટે હજુ ઘી માગતો ફરે છે. સાત સાત વર્ષે મેલડી માતા આવે છે. આપણા જીવનમાંથી કેટલાક રસ સુકાતા જાય છે. અદ્ભુત ને ભયાનક રસના આસ્વાદની સ્મૃતિ રહેશે કે કેમ તેની પણ શંકા રહે છે. પણ હજુ મને યાદ આવે છે : રાતને વખતે બળદગાડીમાં ગામડે જતા હોઈએ. એકાએક બળદ થંભી જાય. તમે ગમે તેટલું પૂંછડું આમળો ને, એ નહીં જ ખસે. ત્યાં અંધારામાં બે તગતગતી આંખો દેખાય; હાંકનાર સમજી જાય ને કહે : ‘એ તો પેલો જતો લાગે છે.’ વાઘનું નામ નહીં પાડે. જાનવર કહે. શિયાળાની રાતે કોઈક વાર જાગી જઈએ ને રાત્રિની નિસ્તબ્ધતાને કંપાવી નાંખતી વાઘની ત્રાડ સંભળાય ત્યારે હાંજાં ગગડી જાય. ને ત્યારે અદ્ભુતની પણ ક્યાં ખોટ હતી! કિલ્લાની તળેટીમાં રાજાનો મહેલ — આજે તો ભાંગીતૂટી દીવાલ ઊભી છે! અન્ત:પુરની પાછળ અષ્ટકોણી વાવ. રાજકુંવરી અહીં સ્નાન માટે રૂમઝૂમ કરતી પગથિયાં ઊતરતી હશે! એ વાવના પર ઝળૂંબી રહેલી ઘટાદાર સ્વચ્છન્દી વૃક્ષોની ઘેરી છાયા ભારે બિહામણી લાગે છે. આથી કોઈની કલ્પનાએ વાત ઉપજાવી કાઢી : એ વાવમાં તો જીન છે. એ તમને લલચાવવાને પહેલે પગથિયે સોનાનો હાર મૂકે, તમે લલચાઈને લેવા જાવ એટલે હાર બીજે પગથિયે સરી જાય. એમ કરતાં કરતાં એ તમને પાણીમાં ખેંચી લઈ જાય. આપણા ઘરની ચાર દીવાલ વચ્ચે વીજળીના દીવાના અજવાળામાં આ વાત નરી ગપ જ લાગે. પણ કોઈ વાર આછા અંધારામાં એ વાવ આગળ જઈને ઊભા તો રહેજો… એક વાત કહેવી રહી ગઈ : સવારે માથામાંનો ધોળો વાળ જોઈને ચિરંજીવીએ સાવ સહજ રીતે પૂછ્યું : ‘આ તમારો વાળ ધોળો કેમ થઈ ગયો?’ જીવનમરણનો પ્રશ્ન હતો. મેં જવાબ વાળ્યો : ‘તું મારી પાસે સૂએ છે ને તને રોજ રૂપાંપરી રાતે આકાશમાં રમવા ઉપાડી જાય છે. એની રૂપેરી પાંખની રજ જરાક ખરી ગઈ તે મારા વાળને લાગી.’ શિશુએ ખુશ થઈને કહ્યું : ‘તો તો હું પરીને કહીશ કે મારા મોટા ભાઈનું આખું માથું રૂપેરી કરી નાંખો.’

*

શૈશવ અને કૈશોર્યનું સંગી પેલું, ગુજરાતની પૂર્વ સરહદના તાપી કાંઠાનું અરણ્ય યાદ આવે છે ને મન ઝૂરે છે, તરુણ વાંસની હરિતપીત કાન્તિ યાદ આવે છે, તાપીના જળનો કલનાદ યાદ આવે છે. વૈશાખ અને જેઠમાં ફૂંકાતા વાયરાના તાલ સાથે તાલ મેળવી ઝૂકતી લહેકતી અરણ્યની વનરાજિ દૃષ્ટિગોચર થાય છે. ત્યાં જાણે જીવનના એક અંશનું કાળરૂપી રાવણ હરણ કરી ગયો છે. એને ફરીથી પ્રાપ્ત કરવાને માટેનો સેતુબન્ધ બાંધવાનો પુરુષાર્થ હજીય કરવો બાકી છે. અરણીની શાખાઓ ઘસાવાથી ડુંગરે ડુંગરે દીપમાળા પ્રકટશે, વાઘની બુલંદ ત્રાડ સંભળાશે ને ધૂળની ડમરી વચ્ચે ચકરડી ઘૂમતી ડાકણ દેખાશે — અદ્ભુત અને ભયાનકનો એ સીમાપ્રાન્ત, એનાં દુર્ગમ ઘાટ અને ડુંગરબારીઓ (યાદ આવે છે : એકનું નામ વાઘબારી, એટલી સાંકડી નેળ કે એમાંથી વાઘ જ કૂદીને જઈ શકે), એકે એક વાંસ ‘નહીં જવા દઉં’ કહીને આડો હાથ ધરીને ઊભો હોય! એ પ્રદેશમાંથી થયેલી હદપારીનો વ્રણ આ ગ્રીષ્મ ઉખેળી મૂકે છે! મન ઝૂરે છે, ઘણું ઘણું યાદ આવે છે : પેલી વિમલા, આંખો પટપટાવતી આંબાની ડાળે ઝૂલતી હોય; વાતવાતમાં ‘ધાર કે જાણે હું દમયન્તી હોઉં ને જંગલમાં ભૂલી પડી હોઉં’, ‘ધાર કે જાણે હું…’ આ હોઉં, તે હોઉં એમ કહીને બોલવાની ટેવ. બસ ઊડું ઊડું કરતી ચરકલડી! ઘણે વર્ષે એને જોઈ ત્યારે પેલી ‘ધાર કે જાણે’ની તરલ કાન્તિ એની આંખોમાં શોધવાની હામ નહોતી રહી. અમારી વચ્ચે અનેક દિવસોનું જંગલ ઊભું હતું.

*

મારી ત્રણ વર્ષની કન્યાને જોઉં છું ત્યારે ‘અદૃષ્ટ’ નામે ઓળખાતી પેલી ગેબી વસ્તુની મને ઝાંખી થાય છે. એ મારાથી નહીં દેખાય એવું એના જીવનમાં છુપાવીને આવી છે. મારા સૂર્યાસ્તના સમે એના સૌરભ મહેકતા મધ્યાહ્નને હું જોઈ શકીશ કે કેમ, ન જાને! એનામાં જ મારું અદૃષ્ટ છે. પેલા એક અમેરિકન કવિની કવિતા મને યાદ આવી. પિતા પોતાનાં બાળકોને લઈને ફરવા નીકળ્યો હતો. પિતાના પડછાયા પર પગ મૂકીને નાચતાં બાળકો હરખાય ને પિતાને કહે : જુઓ, અમે તમારા માથા પર નાચીએ છીએ, કેવાં નાચીએ છીએ! પિતાને સમજાયું : હા, એ જ મારું અદૃષ્ટ છે!

*

આ ઘરમાં વિરહને વિસ્તરવાનો પૂરતો અવકાશ નહિ રહે. પડખું બદલતાં જ મિલન! કોઈ મોટા ઘરના માણસ આવી ચઢે ત્યારે આ ઘરના પરિમાણને અનુકૂળ થવાનો એમને પ્રયત્ન કરવો પડે તે જોઈને ક્લેશ થાય ને હસવું પણ આવે. નાનું ઘર દરિદ્રતાનું સૂચક ચિહ્ન ગણાય છે. એ દરિદ્રતા રખેને અંગે જાળાની જેમ બાઝી પડે એ બીકે કેટલાક ભદ્ર લોકો ઉંબર પર ઊભા રહીને જ કામ પતાવી લે. એમની એ અસ્વસ્થતા અવકાશને વધુ સંકોચે. પણ એમને ખબર નથી — એઓ બિચારા શી રીતે જાણે! — કે આ ઘરમાં બાલ્યકાળમાં જે વનને ખોળે ઊછર્યો છું તે આખુંય ગાઢ વન સમાઈ ગયું છે, અહીં પટેદાર પંદર પંદર ફૂટ લાંબા વાઘ નમતા પહોરના તડકા સાથે ફલાંગ ભરે છે, અહીંના અન્ધકારમાં સાતકાશીના વનના વાંસની જાળમાં અડ્ડો જમાવીને બેઠેલા અન્ધકારનો સ્વાદ છે, બાળપણમાં જોયેલા મૃત્યુનો અશ્રુભેજ આ ઘરની દીવાલના પોપડા ઉખાડી જાય છે. બહારથી આવીને બારણું ખોલું છું ત્યારે અમે બધાં એકસાથે ઘરમાં પ્રવેશીએ છીએ. રોષ અહીં વધુ ધૂંધવાઈ ઊઠે છે, કીર્તિ અહીં લાંબા પગ કરીને આરામથી પોઢી શકતી નથી, અપમાન દીવાલ સાથે માથું પછાડીને વટવાગળાની જેમ ચક્કર ખાય છે. અહીં ભાષા એક જ સ્તર પર વિહરે છે. મોટા ઘરના લોકો એમને ઘરે આપણને બોલાવીને મનમાં ને મનમાં આપણું માપ કાઢતા હોય છે. આ ઘરમાં એમને હ્રસ્વ બનવું પડે છે. અહીં સમાસ અને સન્ધિપૂર્વક જીવવું પડે છે. કેટલાક વિવેકી સજ્જનો કહે છે : ‘હું તો નીકળ્યો’તો તમારે ત્યાં જ, પણ…’ પછીના વણઉચ્ચારાયેલા ભાગમાં મારા ઘરનો મહિમા પ્રસરી રહ્યો હોય છે. ઉભયાન્વયી અવ્યયનો ખરચાળ અતિરેક અહીં પરવડતો નથી. પૂર્ણવિરામ સિવાય બીજા વિરામની સગવડ પણ નથી. ઘરમાં પ્રવેશતાં અમે સૌ થોડું થોડું આકાશ અંદર લેતાં આવીએ છીએ, એથી અમારું નભ્યે જાય છે. કોઈ મોટા ઘરના માણસને ત્યાં જાઉં છું ત્યારે ઘરમાં બેસવા કરતાં ઝરૂખામાં કે બારી આગળ ઊભા રહેવાનું જ મને ગમે છે. અવકાશ સહેજસરખો વધારે હોય તો મારી નજર આગળ વ્યક્તિઓની રેખાઓ વેરણછેરણ થઈ જાય છે. વળી વૈભવની જીવતી જાહેરાત જેવા માનવીઓને જોઈને મને ક્લેશ થાય છે. એવા ઘરનો અસબાબ માણસને અસબાબ તરીકે વાપરતો હોય છે. આથી જ તો કહું છું કે નાનું ઘર મને ગમે છે. દરિદ્રતાને બડાશ મારવાની ટેવ હોતી નથી, તો દુરાચારને અંગ પ્રસારવા ઝાઝો અવકાશ જોઈએ છે.

*

આવે વખતે મારા દાદાની છબિ નજર આગળ ખડી થઈ જાય છે. દિવસોના દિવસો સુધી બે અક્ષર ન ઉચ્ચારનાર, પોતાના કરતાં ચાર ગણા વિસ્તારવાળા મૌનના પરિવેશ વચ્ચે જ સદા ઘેરાઈને રહેનાર, પોતાની આજુબાજુ એકાકીપણાનું અસ્તર મઢી દઈને જ જીવનાર એ પ્રૌઢ પુરુષ તાવ આવતાંવેંત પોતાના જ ઊંડાણમાંથી બહાર નીકળી આવતા ને મલેરિયાની ટાઢને ઉરાડવા તાપણું કરી બેસતા. અમને બાળકોને પાસે બોલાવીને બેસાડતા. તાવને કારણે એમની તરી આવેલી આંખોની ઝાંયમાં નાચતા તાપણાનું પ્રતિબિમ્બ અમે જોઈ રહેતાં. અગ્નિની ઝાળના દીવાલ પર કૂદતા પડછાયા પરીકથામાં આવતા રાક્ષસની લપકારા મારતી જીભની યાદ આપતા ને અમે કશાક અજાણ્યા ભયથી વધુ સંકોચાઈને અડોઅડ બેસતાં. દાદાનો તાવથી બળતો હાથ કોેઈક વાર ગાલને અડી જતો ત્યારે બીજા એક શરીરની આબોહવાના અણધાર્યા આક્રમણથી મારું શરીર મુંઝાઈ જતું. પછી દાદા વાતો શરૂ કરતા. પણ એ પેલી બાળવાર્તાઓમાં આવે છે તેવી દાદાજીની વાતો નહોતા કરતા. અમે તો નિમિત્ત માત્ર હતાં. એ વાતો કરતા હતા મરણ જોડે — જે મરણ ધાડપાડુની જેમ ઓચિંતાનું અમારા ઘર પર ત્રાટકી પડીને અરધું ઘર ઉજ્જડ કરી ગયું હતું. છેલ્લે વાત આવીને અટકતી મારા કાકાના મરણ આગળ. ઘરમાંથી જે ચાલ્યાં ગયાં તેમાંનાં મોટા ભાગનાં યુવાન વયનાં, પણ દાદા બોલતાં : ‘મણિશંકર ગયો ત્યારથી ભગવાન જોડે લડું છું, એવું શા માટે કર્યું?’ એ પ્રશ્નની વેધકતા સમજવા જેટલાં અમે ત્યારે મોટાં નહોતાં. તેમ છતાં તાપણાની ઝાળની તરલ દીપ્તિથી પળે પળે રેખાઓ બદલતો લાગતો એમનો ચહેરો, એમને હોઠેથી ઉચ્ચારાયેલો નહીં પણ આંખમાં અંગારાની જેમ વરસેલો એ પ્રશ્ન જેને ઉદ્દેશવામાં આવ્યો છે તે ઓરડામાં જ, કોઈ અંધારો ખૂણો શોધીને લપાઈને, ખંધાઈથી સાંભળતું બેઠું હશે એવું અમને લાગતું ને અમારી નજર એને શોધવા મથતી.

* * *

મને સૌથી મોટું ભયસ્થાન એ લાગે છે કે કશી પણ પ્રવૃત્તિની પીઠિકા રૂપે જે સંગીન વિચારણા હોવી ઘટે તે કદાચ હવે રહેવાની નથી. માણસ બુદ્ધિ નહીં વાપરે, બુદ્ધિ વાપરવાનો ઢોંગ કરશે. એ કુશળતાને બદલે ધૂર્તતાનો ઉપયોગ કરશે. પ્રતિષ્ઠાનો પાયો રહેશે નહીં, એને બદલે જે વધારે વગ વિસ્તારી શકે, ખુશામતિયાઓ એકઠા કરી શકે તે જ ઘણાને હડસેલી કચડીને આગળ આવશે. મને તો હવે ‘આગળ’ ને ‘પાછળ’ની કશી ભ્રાન્તિ રહી નથી. જે આગળ છે તેની મને ઈર્ષ્યા નથી, જેઓ પાછળ છે તેની હું દયા પણ ખાતો નથી. કેટલાક વહેવારુ(એટલે કે જમાનાના ખાધેલા, રીઢા થઈ ગયેલા) લોકો મારી દયા ખાઈને જાણે લાગણીપૂર્વક ચેતવણી આપે છે. ‘તમે ફલાણા સજ્જનથી ચેતતા રહેજો. એની સામે પડવામાં સાર નથી.’ આ ભાષા જ મને સમજાતી નથી. આપણે કોઈ વ્યક્તિ સામે પડતા નથી, જે અનિષ્ટ હોય તેની સામે પડીએ છીએ, વળી કોઈ હાનિ કરે તો શાની હાનિ કરે? કદાચ રોટલો ઝૂંટવી લે, તો પણ હું શા માટે લાચારી અનુભવું? મને ગરીબીનો પરિચય છે. વૈભવનું પ્રલોભન નથી. ધનિક મિત્રોના સુખ-વૈભવને તટસ્થભાવે જોવા જેટલી નિલિર્પ્તતા મેં કેળવી છે. મારી શક્તિનો ક્યાસ કાઢીને એનું વળતર પામવા હું ઇચ્છતો નથી. છતાં હું જાણું છું કે જેને માથે કુટુમ્બની જવાબદારી હોય તેને તારાજ કરી શકાય. રૂંધાતા શ્વાસે વહેલી સવારે પરાણે પગ ઢસડીને કામે જતો હોઉં છું ત્યારે મન સહેજ કડવું થઈ જાય છે, કોઈ વિના કારણે નીચા પાડવા જેવું કરે તો મને રોષ નથી થતો એમ નહીં, પણ આવા કડવા ઘૂંટડા ગળી જાઉં છું. એની ફરિયાદ પણ નથી, કારણ કે એની બીજી જ ક્ષણે મારું મન એટલી સ્ફૂતિર્થી નવા વિચારના અંકોડા ગોઠવે છે, એ સાદૃિવક ઉત્સાહ મનને ભરી દે છે, પછી કશી કડવાશ રહેતી નથી. ઉદ્ધતાઈ અને દર્પનો પણ અનુભવ નથી થતો એમ નહીં, બને ત્યાં સુધી સામાનો સદ્ભાવ પારખવાનું વલણ રાખું છું. છતાં બાઘાઈ કેળવીને અપમાનને પણ ન ઓળખું એવું તો નથી ઇચ્છતો.

* * *

જેને માનવતા શું છે તેની ખબર પડી નથી, જે સેતાનિયતમાં રાચવામાંથી ઊંચે નથી આવતો તેવાને મોઢે ધર્મની, આધ્યાત્મિકતાની, સાધનાની વાતો જો હું સાંભળવા જાઉં તો મને પાપ લાગે. આથી સંસ્કારી માણસે જાહેરસભાઓનો બહિષ્કાર જ કરવો જોઈએ. આપણને એમ કહેવામાં આવે છે કે આપણા આ પ્રલાપની એમના પર કશી અસર થતી નથી. સમાજ એવાઓનો જ બનેલો છે. ને એ સમાજ એમને હજી ઊંચે ને ઊંચે સ્થાને જ સ્થાપતો રહેશે એવી એમને ખાતરી હોય છે. પણ આ આત્મતુષ્ટિ કેટલી તો બોદી હોય છે તેની એમને પોતાને તો ખબર હોય છે. આથી જ તો મને સાહિત્યકારો, કવિઓ વગેરેને મળવાનો ઝાઝો રસ રહ્યો નથી. જ્યાં જાઓ ત્યાં એ જ હોંસાતુંસી, એ જ આપવડાઈની નાદાનીભરી વાતો, કીર્તિ પાછળ આંધળાઓની દોડ, એ જ કૃત્રિમ ગમ્ભીરતા, એ જ બોદું હાસ્ય, એ જ ધૂર્ત વાણી, એ જ કેળવેલી ઉચ્છૃંખલતા — આ બધાંથી અસહ્ય જુગુપ્સા થાય છે. જો સાહિત્ય આવા લોકોનો જ ઇજારો હોય તો મને સાહિત્ય વગર ચાલશે. જો ભણીને સંસ્કારી થઈને ફરનારા બેજવાબદાર રીતે બીજાનાં ગળાં કાપતાં ફરશે, વિષવમન કર્યા કરશે તો એ શિક્ષણ પ્રત્યે મને તો નફરત થશે.

* * *

સાંજવેળા તો એક વેળા ધની ગાયને દોહવાનું મુહૂર્ત હતું. તામડીમાં પડતી દૂધની સેરનો અવાજ બાળપણમાં સાંભળેલોે તે હજી કાનમાં રણકે છે. ફીણવાળું ધારોષ્ણ દૂધ ગટગટાવવાનો આનન્દ હજી સ્મરણમાં છે. સાંજ પડે એટલે ત્યારે તો અનધ્યાયનો ગાળો શરૂ થઈ જતો. રાતે દાદાના રેંટિયાનું ગુંજન સાંભળતાં સાંભળતાં નિદ્રામાં સરી પડવાનું સુખ અદ્ભુત હતું. ત્યારે અદ્ભુતનું જ જીવનમાં પ્રાચુર્ય હતું. પછી તોે માત્ર ‘અદ્ભુત’ શબ્દ જ હાથમાં રહી ગયો, અદ્ભુત પોતે તો હાથમાંથી સરી ગયું. સાંજની આ ક્ષણ વીતી ગયા પછી હું મારી જાતને બાહ્ય જગતમાંથી પાછી ખેંચી લઉં છું. બારીના કાચમાંથી દેખાતું આકાશ, તારા અને ચન્દ્ર — આટલા પૂરતો જ મારો બહાર સાથેનો સમ્બન્ધ રહે છે. પછીનોે સમય સંગીતને અથવા તો ડિટેક્ટીવ નોવેલને શરણે જવાનો છે. આ દરમિયાન દુ:સ્વપ્નોનું ટોળું મારા પર આક્રમણ કરવાની પેરવીમાં હોય છે. પણ અવિક્ષુબ્ધતાનું રક્ષાકવચ ભેદીને એ હવે મારી નજીક આવી શકતું નથી.

* * *

આવી ભાદ્રપદની સાંજે કોણી અને કોલર આગળથી સહેજ ફાટેલોે બદામી રંગનો કોટ પહેરીને પિતાજી સાંજના પડછાયા ભેગા ઘરમાં પ્રવેશે છે. દાદા હાથમાં સીસમની લાકડી લઈને બહારના સૂર્યના ઓેસરતા પ્રકાશમાં ફરતા દેખાય છે. એમની સાથે સંકળાયેલો થોડો સમય અહીં વર્તમાનમાં સરી પડે છે. એટલા નાના શા સમયદ્વીપમાં એ સમયનું એક નાનું જગત વસી જાય છે. કિલ્લાની ઘડીમાંથી ‘ડુલ્લા ડુલ્લા’નો એકધારો અવાજ સંભળાય છે. દક્ષિણી ફળિયાની મઢીમાં ગોકુલાષ્ટમીના દિવસે પેટ્રોમેક્સના અજવાળામાં ગોફ ગુંથાય છે. પાટલી પર ગોઠવાયેલા ગણપતિને માથા પર મૂકીને, વર્ષાને કારણે થોડું ઊંડાણ પામેલી નદીમાં કોઈ ડૂબકી મારે છે ને ગણેશનું વિસર્જન થઈ જાય છે. દશેરાના દિવસે એ જ નદીમાં સોનાવરણા જવારાને તરતા જોઉં છું. પછી આ બધું જેમ આવ્યું હતું તેમ અરવ પગલે વિદાય થઈ જાય છે!

*

દિવસના ભાગમાં જે દેશમાં રહું છું ત્યાંથી જાણે કોઈ વિમાનમાં બેસીને રાતે બીજા જ કોઈ દેશમાં આવી પડું છું. દિવસનો ઉનાળો વેઠીને એકાએક ઠંડા હવામાનમાં જઈ ચઢું છું. આ ફેરફારથી મુંઝાયેલું શરીર એનો રોષ મારા પર કાઢે છે. હવે બોેખા પવનને દાંત ઊગવા લાગ્યા છે. તડકો હજી સુખસેવ્ય બન્યો નથી. એના પ્રલોેભનમાં ફસાઈએ તો પથારીવશ થઈ જઈએ. વહેલી સવારની નિદ્રા ઓર સુખદ બનતી જાય છે. એકાદ પરાણે ખેંચી આણેલા સ્વપ્નને રમાડતાં પડ્યા રહેવાની મજા આવે છે. એ બ્રાહ્મ મુહૂર્ત તો ગાયત્રી મન્ત્રના જાપ માટેનું છે. એવે વખતે મારો સંસારી જીવ આવી માયામાં અટવાતો ફરે છે. ત્યારે કંઈક અનુશોચથી હું મારા માહ્યલાને પૂછું છું : ‘કોેઈ કાળેય તારો મોક્ષ થશે ખરો?’ બારી પાસે બેઠોબેઠો જગતને કેવળ જોઈ રહ્યો હોઉં છું ત્યારે પરદેશવાસી ફ્રેન્ચ લા ફોર્ગ મને યાદ આવે છે. હું તો ધૂમ્રપાન કરતો નથી. હું તો કેવળ લીમડાની હથેળીમાં ઝીલાયેલી હવાનું જ સેવન કરું છું. પણ મારી સામે એ ફ્રેન્ચ કવિની ધૂમ્રપાન કરતી છબિ અંકાઈ જાય છે. બારીમાંથી જોતાં લાગે છે કે પૃથ્વીને ગોળ કહેનારા ગપ મારે છે. પૃથ્વી તો નરી સપાટ છે, નિર્ધન માનવીની હથેળી જેવી. બેઠાં બેઠાં જિન્દગીમાં વેઠેલી બધી વિટંબણાઓનો વિક્ષોભ શમી જાય છે. સમાશ્વસ્ત ચિત્તે હું દૈવને સ્વીકારી લઉં છું. હવે ભલે એને જે કરવું હોય તે કરે! હવે મરણ આવે ત્યાં સુધીનો સમય કેમ ગાળવોે એટલોે જ પ્રશ્ન છે. હું દેવોની નજર સામે બેઠોબેઠો નાજુક પાતળી આંગળી જેવી સિગરેટ પીતો પીતો બેસી રહું છું. આ દેહને કહું છું, ‘ટૂંક સમયમાં જ હવે તું અસ્થિસાર બની રહેશે. છતાંય તારા ઉધામા અટકતા નથી તો ભલે, અથડાયાકુટાયા કર!’ મને તો આ આકાશગામી પવન એક ભૂરા પ્રવાહમાં ઝબકોળી દે છે. એથી હું અપરિમેય હર્ષાવેશમાં આવી જાઉં છું. હજારો સુગન્ધી દ્રવ્યથી ભરેલાં પાત્રો જાણે મારી ચારે બાજુ મહેકી ઊઠે છે. હું સ્વર્ગમાં પ્રવેશું છું. અત્યન્ત વિશદ સ્વપ્નો સાથે હું ખીલું છું. ઉઘાડી આંખે હું મારી સામે હવામાં એકી સાથે મચ્છરને અને હાથીને વિલક્ષણ પ્રકારનું નૃત્ય કરતા જોઉં છું. આ સ્થિતિમાંથી જાગીને હું મારી હજી નહીં રચાયેલી કવિતાના વિચારે ચઢી જાઉં છું. આનન્દિત હૃદયે હું સરગવાની શીંગ જેવા બફાઈ ગયેલા મારા અંગૂઠાને જોઈ રહું છું. સરસ ગરમ ગરમ ચા પીવી, જીભ આનન્દથી રવરવી ઊઠે એવું કશુંક ચાખવું, અરે, કાંઈ નહીં તોે હવે પોતપોેતાના અસન્તોષ ઉગ્રપણે પ્રગટ કરવાનું શીખી ચૂકેલાં મારાં અંગોને સમજાવી-પટાવીને સુમેળથી સરખાં ગોઠવીને સુખદ સ્થિતિમાં કેવળ બેસી રહેવું — આ નાનાં નાનાં સુખ આપણી કેવી તો મહામૂલી સમ્પત્તિ છે! વૈરાગ્ય કેળવવાનું મને સદા અઘરું લાગ્યું છે. ભગવાને ઇન્દ્રિયોનો સ્વભાવ જ બહિર્ગામી કર્યો હોય તો એને પરાણે પાછી અદ્વદર વાળનારા આપણે કોણ?

*

કશી વાતો નથી કરવાની હોતી ત્યારે આપણે આબોહવાની વાતો કરીએ છીએ. કોઈ પૂછે છે; ‘કેમ ઉનાળામાં ક્યાંક બહાર જવાના નથી?’ હું અસ્પષ્ટ કશુંક એકાક્ષરી ગણગણું છું. કોઈ કહે છે કસૌલી, કોઈ કહે છે ડેલહાઉઝી, કોઈ કહે છે મસૂરી. એઓ તે સ્થળોનાં નામ લેતાં જ જાણે ત્યાં પહોંચી ગયા હોય એવી રીતે મલકાવા માંડે છે, કેટલાક એવે સ્થળે જવાનું એ જાણે એમને માટે ટેવરૂપ થઈ પડ્યું છે એવું બતાવે છે. હું કશોક સ્પષ્ટ જવાબ નથી આપતો એટલે કોઈક વળી અકળાઈને પૂછે છે : ‘કેમ, આ ધખધખતા ઉનાળામાં અહીં જ શેકાવાના છો?’ હું કહું છું : ‘હું તો આ ઉનાળો ફૂલો સાથે ગાળી રહ્યો છું.’ મારી આ વાત એ સજ્જનને વેવલી કવિતાઈ જેવી લાગે છે. ભ્રાન્તિમાં રાચનાર પ્રત્યે દયાની નજરે એઓ જોઈ રહે છે, એમને શી રીતે સમજાવવું કે મારી વાત સાવ સાચી છે. હિલસ્ટેશનોનું હું ગૌરવ કરું છું. હિમાલય ચાલીને જવાની વય હતી ત્યારે સંસારની આસક્તિ છૂટી નહોતી. કિશોરવય વટાવીને યૌવનમાં પ્રવેશતી વેળાએ સન્ધિકાળે આધ્યાત્મિકતાનું એક જબરું મોજું ધસી આવ્યું હતું ત્યારે વિવેકાનંદ અને સ્વામી રામતીર્થને મન સામે આદર્શ તરીકે રાખ્યા હતા. કોઈ સાંજે એમ થતું કે હવે ઘરે પાછા ફરવું જ નહિ ત્યારે પ્રેમની કશી અલાબલા નહોતી પણ કોણ જાણે શાથી પગ ઘર તરફ જ વળતા. વિવેકાનંદ ગયા અને રવીન્દ્રનાથ આવ્યા. એમણે તો કહી દીધું કે ‘આમિ હબો ના તાપસ હબો ના તાપસ જદિ ના મેલે તપસ્વિની.’ જો તપસ્વિની મળે નહિ તો મારે તપસ્વી થવું નથી. ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરીને જગતને પ્રવેશતું અટકાવવાની વાત એમણે મંજૂર રાખી નહિ. એમણે તો રૂપરસગન્ધસ્પર્શથી સભર જગતને સંવેદવું એ જ તપ એવું શીખવ્યું. શિરીષના ફૂલની ઊંચેથી આવતી ક્ષીણ સુગન્ધ, નદીના જળમાં તરતી મેઘની છાયા, નદી કાંઠે ઝૂલતી કાશની ચામર, શરદનું હળદવર્ણું ઘાસ — આ બધાંની માયા લાગી. પ્રકૃતિમાંથી જ એક દિવસે એકાએક પ્રગટ થઈ નારી, સમુદ્રમાંથી પ્રગટ થતી લક્ષ્મી કે વિનસની જેમ જ નારી પ્રવેશે છે. આપણા જીવનમાં પ્રેમપર્વ શરૂ થયું. એની સાથે દેશાટન ને ભ્રમણપર્વ પણ શરૂ થયું. સ્પૅનિશ કવિ લોર્કાની જેમ હું પણ પાંચ ઇન્દ્રિયોના તીક્ષ્ણ ખંજરથી ઘવાયો. કેવળ જોઈ રહેવાની માયા લાગી. અકળ રીતે એક પ્રકારની અનાસક્તિ ફરીથી છલકાવા લાગી. નવે સ્વરૂપે વળી આધ્યાત્મિકતાનું મોજું આવ્યું. હવે ઘર જ હિમાલય બની ગયું. તેથી તો કહું છું કે, હું આ ઉનાળો ફૂલો સાથે ગાળું છું. મોગરો, જૂઈ, સોનચંપો, શિરીષ, ગુલમહોર, ગરમાળો, શીમળો. ઠંડક, સુગન્ધ અને રંગનો વૈભવ એમાંથી કશું ઉપજાવી કાઢવાની દાનત નહીં, કશી આસક્તિ વગરનું સુખ માણું છું. મોગરાની બે પાંખડી વચ્ચેનો સુગંધી અવકાશ, ફૂલની નાજુકાઈ, નાના હતા ત્યારે મોગરાનાં ફૂલ નાકમાં ખોસીને ફરતા, સુગન્ધથી શ્વાસ રૂંધાય તો ભલે. મારે બારણે ઘંટડી છે ખરી પણ તે બરાબર વાગતી નથી. ઘણી અપરિચિત વ્યક્તિઓ મારે ઘરે આવી ચઢે છે. મનેય શિષ્ટ સમાજના નિયમોની ઝાઝી ખબર નથી. આથી અનૌપચારિકતા મને સદી ગઈ છે. કોઈ શ્રમિક વર્ગનો અદનો આદમી આવે છે. કવિતાનો શોખ છે. એનાં કપડાં લઘરવઘર છે. પગે રસ્તાની ધૂળ લાગેલી છે. એની સહેજ ફિક્કી આંખોમાં કાવ્યનો આનન્દ માણ્યાની ચમક છે. એ ચમક મને સાચવી રાખવા જેવી લાગે છે. હું એની ચિન્તામાં છું. મને મન થાય છે કે હું એને કોઈ કવિની ઉત્તમ કવિતાનો સંગ્રહ ભેટ આપું. પણ મારી પાસે જે છે તેમાંથી મોટા ભાગનું માગી આણેલું છે. હું પોતે ઘણાં વર્ષોથી ઝાઝાં પુસ્તકો ખરીદી શક્યો નથી. ધનિકોના ઘરમાં પુસ્તકાલયનો જુદો ઓરડો હોય છે. લેધરબાઉન્ડ સોનેરી અક્ષરથી ચળકતાં નામવાળાં પુસ્તકો ત્યાં અસ્પૃશ્ય અવસ્થામાં પડ્યાં હોય છે. આ શ્રમિક કાવ્યરસિક એમાંનાં કોઈક પુસ્તક પામે તો? ઊંચી પાયરીના ને અધિકારી લોકો જોડેનો વ્યવહાર મને આવડતો નથી. હું અશિષ્ટ નથી પણ ભદ્ર સમાજના શિષ્ટાચારની કૃત્રિમતા મને રૂંધી નાંખે છેે. જ્યાં મન ફાવે ત્યાં બેઠા, ગપસપ લડાવી, આનન્દ થયો તો ખડખડ હસ્યા, ન બોલવું ગમે તો મૂંગા રહ્યા — આ બધું નિર્બન્ધપણે થઈ શકતું હોય ત્યાં જવું ગમે. પણ જ્યાં હસવા વિશેના પણ નિયમો હોય, શું બોલવું ને શું ન બોલવું તે વિશેના પણ નિયમો હોય ત્યાં તો શ્વાસ રૂંધાઈ જાય. હૃદય કરતાં આચારને વધારે મહત્ત્વ હોય ત્યાં મને ફાવતું નથી.

* * *

મારા બાળપણનો એ નિર્જન પરિવેશ, ચારે બાજુની શાન્તિ, પશ્ચિમ ક્ષિતિજે તોળાઈ રહેલો કિલ્લો, ઘટાદાર તોતંગિ વૃક્ષો, મધુમાલતી અને મોગરો, ચંપો અને ફણસોટો, સદા વહ્યા કરતું ઝરણું, વાંસના વનમાંથી વાતો પવન, ઉનાળાની મધરાતે રતિક્રીડામાં મત્ત વાઘ-વાઘણની ગર્જના, રાત્રિની શાન્તિમાં દાદાના રેંટિયાનું ગુંજન, એમની ખખડતી પાવડીઓ, નાવણી આગળનાં આંબા અને કેળ, ધની ગાય, રાખ ભરેલા માટલામાં પાકતાં સીતાફળ — આવું બધું મૂળ નાખીને પડ્યું છે. હવે જે અનુભવ થાય છે તે જો આ બધાંમાંથી પોષણ પામે તો જ સજીવ બને છે. નવું જોવાનું આશ્ચર્ય આજે પણ છે. ભ્રમણતૃષા આજે પણ છે. નવા અનુભવો લેવાનો લોભ પણ છે. તેમ છતાં એક વડ તો ચેતનામાં વિસ્તર્યો છે એની વડવાઈઓની જેમ જે વિસ્તરી શકે છે તે જ ચિત્તમાં સ્થાન પામે છે. માનવ સમ્બન્ધોનાં મૂળ પણ બાળપણમાં જ રહ્યાં છે. કોઈકની આંખો, કોઈનું બોલવું, કોઈ સૂર આ જ કારણે એકાએક મનમાં ઝંકૃતિ કરે છે. આજે નવી આસક્તિથી કશું પકડી રાખી શકાતું નથી. આ ચિત્તમાં રહેલી નિયતિ એ જ મારું અદૃષ્ટ છે. મનોવિજ્ઞાનમાં કદાચ એને ‘ઇન્ફન્ટાઇલ રિગ્રેશન’ કહેતા હશે. આપણામાં રહેલા સનાતન શિશુના વિસ્મયથી જગતને જોવું ગમે છે.

* * *

પૂર્ણતા તો હું પામી શકું જ નહિ, છતાં મેં જ કદાચ મારા વિશે પૂર્ણતાની અપેક્ષા ઊભી કરી હશે. પણ મારી આ અપૂર્ણતા જઈને આઘાત કરે છે હું જેને ચાહું છું તેને જ! આ બધું મારા જ શબ્દોનું મારી સાથેનું ષડયન્ત્ર છે. જો નિ:શબ્દ થઈ જાઉં છું, તોય હું, ગેરસમજનો ભોગ બનું છું, વાચાળ માણસની નિ:શબ્દતાને કોઈ શંકાભરી નજરે જોયા વગર શી રીતે રહી શકે? ઘણી વાર તો નિકટના મિત્રો વચ્ચેની વાતનો તન્તુ એકાએક તૂટી જાય છે. મૌન રૂંધે છે. બધાં એકબીજાની સામે મૂંગામૂંગા જોયા કરે છે. પછી બધાં એક બીજાને સીધી નજર માંડીને જોવાની હિંમત પણ કરતાં નથી. આમ છતાં એકબીજાને ચોરીછૂપીથી જોઈને નજર ઢાળી દે છે. આવી પરિસ્થિતિમાં હું, મરણિયો બનીને, કલ્પનાને ક્યાં ક્યાં દોડાવીને, વાત કર્યે જાઉં છું, પછી મને આ એકલાએકલા, કોઈના કશા પ્રતિભાવ વિના, બોલ્યે જવાનો નશો ચઢે છે. આ દરમિયાન જ હું વળી કશીક ભૂલ કરી બેસું છું. તો હું શું કરું? મારી કૃતિ પોતે જ મારી સ્વતન્ત્રતાને નકારી કાઢે છે. એની સ્વાયત્તતા જ મારે ભોગે સિદ્ધ થઈ હોય છે. દરેક કૃતિ મને મારાથી વધુ દૂર ને દૂર હડસેલે છે. આમ છતાં બીજા તો મને કૃતિ સાથે સંલગ્ન રૂપે જ જોવાને ટેવાયેલા છે. પણ હવે તો હું કદાચ નફફટ પણ લાગવા માંડ્યો હોઈશ, કારણ કે સ્વમાન જાળવનાર ‘હું’ની દરેક આઘાતે કાંકરી ખરતી જ જાય છે. આ ‘હું’ના લોપનું સ્મારક રચવા પૂરતુંય નથી હોતું! તો હું શું કરું? આ દરમિયાન અનેક દિશાએથી અનેક પ્રકારના તહોમતનામાં ઘડાતાં જાય છે. કોઈ સમાજ-વિમુખતાનો આરોપ મૂકે છે તો કોઈ એમ કહે છે કે મારામાં માનવતા જ નથી તો પછી દેશાભિમાન તો હોઈ જ શી રીતે શકે? કોઈ કહે છે કે શબ્દોના પ્રપંચમાં રચ્યાપચ્યા રહેવાની બધું સિદ્ધ થઈ જાય છે એવી ભ્રાન્તિમાં હું રાચ્યા કરું છું. સ્નેહીઓનો આરોપ એ છે કે માનવમન, એની લાગણી, એની અપેક્ષાઓની પરવા કર્યા વિના મારી સૃષ્ટિ રચું છું, આથી કેટલાને અન્યાય થાય છે તેનું મને ભાન રહેતું નથી. આથી હું ઊંઘમાંથી ઝબકીને પણ મારો બચાવ કરવા મંડી પડું છું, આ હકીકત મારા અપરાધમાં ઉમેરો કરે છે તે સમજવા પૂરતી પણ મારી મતિ નથી. તો હું શું કરું? મારું પોતાપણું મેં મારા કશા સ્વાર્થથી નહીં પણ સર્જનની એક અનિવાર્ય આવશ્યકતા રૂપે જ ટકાવી રાખ્યું હોય છે. એ એક લાચારી છે. કારણ કે આમ તો હું અંગત રીતે એ પોતાપણા પર સહેજ સરખોય દાવો કરી શકતો નથી. એ પોતાપણાના સહભાગી જેટલે અંશે મારા વાચકો થાય છે તેટલે અંશે હું થઈ શકતો નથી. આથી જ તો આ પોતાપણાને ઉતરડીને ફેંકી દેવાનો પ્રયત્ન કરું છું. પણ જોઉં છું તો મારો આ ઉદ્યમ પોતે જ કેટલાકને માટે આસ્વાદ્ય બની રહે છે! તો હું શું કરું?

* * *

મારા વર્તનમાં કોઈ અસંગતિ ચીંધી બતાવે છે ત્યારે એથી બીજાને અકળાતા જોઈને હું સહેજ મૂંઝાઈ જાઉં છું ખરો, પણ એથી મને કશું અસ્વાભાવિક લાગતું નથી. ત્રણ કાળને જુદા જુદા કલ્પીને જીવવાનું હંમેશાં શક્ય બનતું નથી. એવી કૃત્રિમતા મન પર ઠોકી બેસાડવાનો જુલમ હું કરતો નથી. કેટલીક વાર કોઈક મારા વર્તનથી અકળાઈને ગુસ્સે થાય છે ત્યારે કોણ જાણે શાથી હું હસી પડું છું. ત્યારે હું સંરક્ષણની એક તરકીબ લેખે નિર્દોષ બાળકનો પાઠ ભજવતો હોઈશ? એ મેં અણજાણપણે કેળવેલી નફફટાઈનું પરિણામ હશે? આ બધા પ્રશ્નો ત્યારે થતા નથી. ત્યારે તો મારું વર્તન મને સ્વાભાવિક લાગે છે. પણ પછીથી આત્મશોધનને નામે મારામાં વસતો દોઢડાહ્યો આ પ્રશ્નોની ઝડી વરસાવે છે! કોઈક વાર મારાપણું સર્વથા ભૂલી જઈ શકાય એવી કોઈ પ્રવૃત્તિ લઈ બેસું છું. કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા સર્જકના સાન્નિધ્યમાં જઈ પહોંચું છું. એની એકાદ કાવ્યપંક્તિ કે એકાદ વાક્ય મારે મન એક નવું વિશ્વ જ બની જાય છે. એ મને મારી ક્ષુલ્લક આળપંપાળમાંથી મુક્ત કરી દે છે. પ્રેમનું મહત્ત્વ આટલા જ માટે હશે — એ માથું ભટકાયા કરે એટલા સાંકડા પોતાપણામાંથી આપણને વિશાળ વિસ્તારમાં અને ખુશનુમા આબોહવામાં મુક્ત કરી દે છે. આ કંઈ પોતાનામાંથી નાસી છૂટવાની પલાયનવૃત્તિ નથી. ખરું જોતાં ‘સ્વત્વ’ બની ચૂકેલી નિશ્ચિત વસ્તુ નથી. જો એ એવું કશુંક હોત તો એને મારાથી અળગું કરીને જોવાની સગવડ મને પ્રાપ્ત થઈ હોત. મારા ‘સ્વત્વ’નું આગવાપણું સુરક્ષિત રાખવાની મારી જવાબદારી થઈ પડે છે ત્યારે એ વિશેેની સભાનતા જ એક ક્લેશનું કારણ બની રહે છે. આથી ઘણા આગવાપણાનો સર્વસ્વીકૃત સિક્કો સમાજ કે સરકાર પાસેથી મેળવી લેવાની ખટપટમાં પડે છે. હું મારી જાતને મારી બહારનાં અન્ય કશાકથી પ્રમાણિત કરતો રહું એ પ્રપંચ મને ગમતો નથી. જે મારામાં તદાકાર થઈ જઈ શકે તેની સાથે જ આત્મીયતા સમ્ભવે. મારું નામ ધરાવતો મારો એક પિતરાઈ ભાઈ હડકાયું કૂતરું કરડવાથી મરી ગયો. કેમ જાણે એ નામની જ યમને માયા હોય તેમ દાદાએ મારું નામ બદલી નાખ્યું. નામપરિવર્તનનો એ પ્રથમ અનુભવ. પણ ત્યારે આવા પરિવર્તનથી રોમાંચ અનુભવવાની મારી વય નહોતી. નવા નામમાં વસવું એટલે શું તેની ખબર નહોતી. પણ ધીમે ધીમે પેલા હુલામણા નામને, સદા બદલાયા કરતા હોવાને કારણે જે કેવળ મારું છે એવો ભાવ મને જેને માટે જાગ્યો જ નહોતો તે નામને, દૂર ખસેડીને આ નામ મને એની પકડમાં જકડવા લાગ્યું હતું. હું સાવધ નહોતો, પણ મારાથી અજાણપણે મેં એ નામ ઘૂંટવા માંડ્યું હતું. હવે હું મારે હાથે ભણવાની ચોપડીઓ અને નોટ પર એ નામ લખવા માંડ્યો હતો. માલિકીની ભાવનાના એ પ્રથમ ઉદયને પણ મેં ક્યાં ઓળખ્યો હતો? પણ ત્યારે જ મને અકળ રીતે એક સત્ય સમજાઈ ગયું હતું — અલબત્ત, એને આજે જે શબ્દોથી રજૂ કરું છું તે શબ્દોમાં હું રજૂ કરી શક્યો ન હોત! એ સત્ય તે આ : પ્રિય વસ્તુના પર માલિકીના ભાવથી આપણું નામ અંકિત થઈ શકતું નથી. ભમરડા પર કે લખોટી પર કોઈ દિવસ મારું નામ કોતર્યાલખ્યાનું મને યાદ નથી!

*

જિંદગીમાં જુદે જુદે તબક્કે, અમુક શબ્દો મહત્ત્વના બની રહ્યા છે. ઠપકો, આશ્વાસન અને પ્રોત્સાહન — આ ત્રણ એ પૈકીના શબ્દો છે. બાળપણમાં કોઈ ને કોઈ કારણે મોટેરાંઓનો ઠપકો દરરોજ સાંભળવો પડતો. દાદાની નજર ચૂકવીને ‘બાલમિત્ર’માં આઠ વર્ષની વયે તોટક છન્દમાં એક ‘કવિતા’ છપાવી નાખી હતી. ત્યારે દાદા કંઈક વધારે પડતા ગુસ્સે થઈ ગયેલા અને મને તમાચો મારેલો. જીવનમાં કવિતાની એ પ્રથમ ભેટ. પછી સાહિત્યને નિમિદૃો આવા તમાચા ઘણા ખાધા. ઠપકો સાંભળતો રહ્યો. મને બાળપણમાં એમ હતું કે મોટા થતાં તો બીજાને ઠપકો આપવાની વય હશે. પણ હજી મારી તો એ વય આવી જ નહિ. હજી હું તો ઠપકો ખાતો જ રહ્યો. કદાચ મારું બાળપણ ગયું જ નહિ! આ મળ્યું ને આ ન મળ્યું એવી ચિન્તા યુવાનીના પ્રારમ્ભમાં થોડીઘણી કરી હશે. કાંઠે આવેલું વહાણ ડૂબ્યા જેવું ઘણી વાર લાગ્યું. પણ મેં જોયું કે આશ્વાસન આપનારનોય તોટો નહોતો. દાદાની તો શિખામણ એ જ હતી કે સામાન્ય જ બની રહેવું. આજે એ યાદ કરું છું ત્યારે એમની મમતા હૃદયને સ્પર્શી જાય છે. કોઈનુંય ધ્યાન ન ખેંચવું, જાહેર જીવનના ક્ષેત્રમાં પ્રવેશ ન કરવો. એમ નથી કરી શકતા તો દુઃખને નોતરવા જેવું થાય. પણ આપણી સામાન્યતા રખેને અસામાન્યતા બની જાય એની ચિન્તા રાખનારા શુભેચ્છકો ઘણા મળી રહ્યા. પણ મુરબ્બીઓ તો પ્રોત્સાહન આપનારા વર્ગમાં દેખાયા. એમનું પ્રોત્સાહન જ કેટલીક વાર અસહ્ય થઈ પડે. ‘આમ તો તમારા લખાણમાં કચાશ છે થોડીઘણી, પણ તમેતમારે લખવાનું ચાલુ જ રાખજો. તો ક્યારેક કોઈક દિવસ સારું લખાશે.’ કોઈ વળી કહેશે, ‘આ તમે નવું કરવાની લપ પડતી મૂકો ને! જો તમે રમણલાલ, ધૂમકેતુ જેવું કે પન્નાલાલ પેટલીકર જેવું લખતા હોત તો આજે તમે બધું જ પામી શક્યા હોત. હજુ કશું મોડું થયું નથી. રસ્તો ભૂલી ગયા હોઈએ તો સાચે રસ્તે ચઢતા આબરૂ જતી નથી.’ હું કહેવા જાઉં. ‘ગીતામાં કહ્યું છે તેમ સ્વધર્મે નિધન પામવું તે જ શ્રેયસ્કર —’ પણ મારું કોઈ સાંભળે તો ને? હજી પણ મારી પ્રત્યે સદ્ભાવ રાખી પ્રોત્સાહન આપનારા ઘણા છે.

* * *

ચાર થીંગડાંવાળું ખાખી હાફપેન્ટ, અને બે કાણાં ખિસ્સાં — મારો બાળપણનો એ બાદશાહી ઠાઠ યાદ આવે છે. વાળ હોળવા, ટાપટીપ કરવી તે દાદાને પસંદ નહિ માટે ઘણુંખરું ટલ્લો જ કરાવેલો હોય. શિયાળાની રાતે કસોટી થાય. કઠોળ કર્યું હોય એટલે અબોટિયું પહેરવું પડે. પણ નાના છોકરાને તો અબોટિયું કેવું! રેશમી લંગોટી ‘પહેરીને’ ટાઢમાં થથરતા ઊંઘરાટાયેલી આંખે બે કોળિયા ભરીએ ન ભરીએ ને પથારીભેગા થઈ જઈએ, ત્રણ જણ વચ્ચેની ઓઢવાની રજાઈ ખેંચાખેંચમાં ક્યાંની ક્યાં દૂર રહી જાય. જોડા-ચંપલ ક્યાંય સુધી પહેર્યાં નહોતાં. વૈશાખની બપોરે ઘૂંટીભર ધૂળમાં ઉઘાડે પગે દોડતાં કશું નહોતું થતું. પગમાં કાંટા વાગે, ઘૂંટણ ને કોણી છોલાય, કોઈ વાર એવું વાગે કે ઘરે કહેવાય નહિ, એ પાકે, એના લબકારા સાંભળતાં આખી રાત પડ્યો રહું. આમ છતાં એ રાજવૈભવના દિવસો હતા. ચારે બાજુથી કાંઈ કેટલુંય મનમાં સંચિત થતું જતું હતું. એ બધું ઓળખીને જુદું પાડવાનો પણ ક્યાં સમય હતો? આજની ફૂલેલી-ફાલેલી વેદનાનાં બીજ ત્યારે જ કદાચ અણજાણપણે રોપાયાં હશે. પણ ત્યારથી હૃદયમાં એક એવો ખૂણો મળી ગયો છે જ્યાં ચાલ્યા જઈએ પછી આ જગતનું કશું અડે જ નહિ. એ જ ગુપ્તવાસ. હજી સ્વેચ્છાએ સંસારવહેવારમાં હરતોફરતો છતાં એ ગુપ્ત વનવાસમાં ચાલ્યો જાઉં છું. ત્યારે બાળપણના એ દિવસોની મોઢામોઢ ફરી ઊભો રહું છું. ત્યારે નામ વળગ્યું જ નહોતું. દાદા ચોપડીને પહેલે પાને એ નામ લખી આપતા ત્યારે હું એને અચરજથી જોઈ રહેતો.

*

હવે તો મને પોતાને ગિરવે મૂકવાના દિવસો આવ્યા છે. હું જાણું છું કે આજના બજારભાવ પ્રમાણે તો મારી ઝાઝી કિંમત ઊપજી શકે તેમ નથી. મારા નામની હરાજી થાય તોય ઝાઝું ઊપજે તેમ નથી. આ પરિસ્થિતિનો લાભ લઈને હું બહુ ઉદાર બનવા ઇચ્છું છું. જો મારું કશું નીપજી શકે એમ નહિ હોય તો પછી સખાવત જ કેમ નહિ કરવી? પણ ગણતરીબાજ સમજુ માણસોે તો એનો સ્વીકાર પણ એમ ને એમ નહિ કરે. સાહિત્યિક સામયિક ચલાવું છું તેની ‘માલિકી’ કોઈને એમ ને એમ આપી દઉં તોય કોઈ રાજી થશે નહિ, કારણ કે સહુ કોઈ જાણે છે કે આવાં સામયિકો તો ખોટમાં જ ચાલતાં હોય છે! થોડા ચિત્રકાર મિત્રો છે, પણ એમણે કોઈએ મારું ‘પોટ્રેઇટ’ આંક્યું નથી કે જેથી ‘આર્ટ કલેક્ટર’ને એ પકડાવી દઈને થોડા પૈસા પામી શકું. માત્ર પડોશની એક નાની કન્યાએ કોલસાથી મારું ઠઠ્ઠાચિત્ર મારા જ ઘરની ભીંત પર આંક્યું હતું! પણ ભીંતચિત્ર તો ઓછામાં ઓછું બે અઢી હજાર વર્ષ જૂનું હોય તો જ એમાંથી કશું ઉપજાવી શકાય. કેટલુંક મારું છે જેમાં ખાસ વિશિષ્ટ કહેવાય એવું કંઈક નથી. છતાંય એનું દાન મરણ પછી જ થઈ શકે. આંખોનું દાન એ રીતે થઈ શકે. પણ જીવતેજીવ તો શું કરવું તે મને સૂઝતું નથી. પુસ્તકોનો સંગ્રહ છે તે કોઈ પુસ્તકાલયને આપવા જાઉં તો કહેશે, ‘તમે તો એવું બધું વાંચતા હતા ને કે આજકાલ એમાં કોઈને ઝાઝો રસ નથી. વળી અમારી પાસે જગ્યાય ક્યાં છે? નવલકથા-વાર્તાનાં દસ કબાટ, પાંચ કબાટ ધર્મનાં, એકાદ કબાટ ખેતીવાડી વગેરે હુન્નરનું — બસ!’ કુદરતે મારામાં કશી જન્મજાત વિચિત્રતાય નથી મૂકી કે તેને જોરે કશું ઊપજાવી શકું. આંગળાં વીસ છે. એક્કેય વધારે નથી. હાડકાં બધાં સમાંસૂતરાં છે. માથું અને પગ વચ્ચે જે કાયા છે તેમાં હવે કશો નવો ફેરફાર થાય એવી કોઈ શક્યતા નથી. મારો ધારેલો આકાર શરીરે કદી ધારણ કર્યો નથી. શરીર પર એવો કોઈ ઘા રહ્યો નથી જેને ધરાસણામાં ખાધેલી લાઠીના ઘા તરીકે કે ‘હિન્દ છોડો’ આંદોલન વખતે ઝીલેલી ગોળીના ઘા તરીકે ઓળખાવી શકું. દાક્તરોને રસ પડે એવી શરીરમાં હજી સુધી તો કશી વિક્રિયા પણ થઈ નથી. વિટગેન્સ્ટાઇને કહ્યું હતું કે માનવશરીર માનવના આત્માની શ્રેષ્ઠ છબિ છે. મારું શરીર જોતાં મારા આત્મામાંય કોઈને રસ જાગે એવી શક્યતા નથી. ખરું કહું છું કે મારે વિશે હું આટલો નિરાશ ક્યારેય થયો નહોતો. શરીર હવે શ્રમ કરે એવું રહ્યું નથી, એને માટે બીજાને શ્રમ કરવો પડે એવી સ્થિતિ હોય ત્યારે એને ગિરવે પણ કોણ રાખે? મને પોતાને તો ચકમક થતાં હંમેશાં નવાંનક્કોર લાગતાં વાસણો સુધ્ધાં ગમતાં નથી. મને તાંબાપિત્તળનાં, સહેજ ઝાંખા પડેલાં, ગોબાયેલાં વાસણો વધારે ગમે છે. તાંબડીની ઉપરની કિનાર તૂટી ગઈ હોય, ચપ્પુનો લાકડાનો હાથો થોડો ભાંગી ગયો હોય, એના પર કેટલાય વાપરનારના હાથની છાપ અંકાઈ ગઈ હોય તો એ મને ગમે, ઘસાયેલાં પગથિયાં ગમે. ટૂંકમાં માનવીનો ગાઢ સમ્પર્ક જેને જેને હોય તે મને ગમે. કપરા દિવસો આવે તોય મારી બારી કોઈને નહિ આપું. મેં કદી બારીને પડદાથી ઢાંકી નથી. જિંદગીનાં પંદરસોળ વરસ તો મેં પગમાં કશું પહેર્યું નથી. બાળપણમાં તૂટેલા હેન્ડલવાળા કપમાં દૂધ પીતો ત્યારથી મને એવા જ કપ ફાવે છે. મારી આંગળીઓ એ કપને વીંટળાઈ વળે છે તે ખૂબ સારું લાગે છે. ચમચા-કાંટાથી મેં કદી ખાધું નથી. આંગળીઓ વચ્ચે આટલી પોલી જગ્યા છતાં કશું ઢળે નહિ, પડે નહિ એ કયા વિજ્ઞાનના નિયમના આધારે તે હું જાણતો નથી. પણ એ મને ગમતું ને હજી ગમે છે. મારો કોઈ મોટો દાવો નથી. હું માત્ર એટલું જ કહું છું કે હું માણસ છું. ભવિષ્યમાં કોઈને માણસ બનાવવો હશે તો હું ખપ લાગીશ. કોઈ કહે છે કે હવે એવો રોગ ફેલાવાનો છે જેથી માનવીઓે પથ્થર બનતા જશે, ત્યારે માનવી શોધ્યો જ નહિ જડે. અત્યારેય ઘણા પથ્થર થઈ ગયેલા નથી દેખાતા? ઘણા જીવતે જીવ યન્ત્ર નથી બની ગયા? ઘણાને મોઢે, વારેવારે વાગ્યા કરતી એકની એક ફોનોગ્રાફની રેકોર્ડની જેમ, એક જ ગાણું નથી સંભળાયા કરતું? આ જમાનાનો એ તો જાદુ છે : એક શબ્દ એવો હાથે ચઢી જાય છે જેનાથી એ ભવ પાર કરી જાય છે. જેને સુખ હાથ લાગ્યું તેને સ્વર્ગ હાથ લાગ્યું. ઘણા વનસ્પતિને ઔષધિને રૂપે જ જુએ છે. હું જેમાં કામ કરું છું ત્યાંથી થોડે જ છેટે સર્પગન્ધા છે. એનાં નાનાં રાતાં ફળ હું રોજ જોઉં છું, પણ મેં એનો દવા તરીકે હજી વિચાર નથી કર્યો. તુલસી મેલેરિયા ભગાડવા માટે હું ખાતો નથી. પ્રસાદ પર મૂકેલું તુલસીપત્ર કેટલાં સંસ્કારો અને સંસ્મરણો જગાડી જાય છે! હું મને ગિરવે મૂકું તો સાથે મારા આ બધા સંસ્કારોની પણ કંઈ કિંમત આંકવી પડે. કદાચ આવા સંસ્કારોને કારણે મારી કિંમત ઘટી જાય એમ પણ બને! આજેય કોઈ ઘરમાં આવે છે ને પુસ્તકોનો ઢગલો જુએ છે તો સહાનુભૂતિથી પૂછે છે : કેમ, તમારાં પુસ્તકો નથી વંચાતાં? પછી મારી નિષ્ફળતાથી હમદર્દી અનુભવીને લોકપ્રિય થવાના બેચાર નુસખા પણ બતાવી દે છે. હું નવી વાત શીખ્યા બદલની કૃતજ્ઞતાનો ભાવ મોઢા પર લાવીને એમની સામે જોયા કરું છું. આ સંસાર આપણી પાસે કેવા કેવાં નાટકો કરાવે છે! મારી પાસે બે નવલકથાઓ હશે, થોડું બારી પાસે બેસીને જોયું કે રાત્રિના એકાન્તમાં વિચારાય તે સંગ્રહાયેલું હશે. લખાઈને એ બધું પડી રહ્યું છે, પણ એ બધું આજના બજારમાં ચાલે એવું નથી. એમ તરત ચોટ વાગે એવું કશું નથી, નર્મદ કે ઉમાશંકરની જેમ મેં હજી ગુજરાત વિશે ગીત લખ્યું નથી. ગુજરાતના સોલંકીવંશના ગૌરવને ગૂંથી લેતી કોઈ નવલકથા લખી નથી, ગામડામાં જીવ્યો છું, પણ એને કેમ ખપમાં લેવું તે મને આવડ્યું નથી, અર્ધી સદી વટાવી ગયા પછી પણ પ્રયોગખોરીમાં રાચવાની કટેવ છે. ગામની નદીમાં પગ ઝબોળીને બેઠો હોઉં ને સ્વર્ગનું તેડું આવે તો નકારું એવું મન છે. આથી જ તો હું કહું છું કે હું મને ગિરવે મૂકવા તૈયાર થયો છું, ત્યારે મારી અયોગ્યતા હું પૂરેપૂરી જાણું છું. સૂરતમાં જૂના જમાનાનો વિક્ટોરિયન યુગનો કોચ હતો. આમ તો ભાંગ્યો-તૂટ્યો હતો. પણ મેં લાવીને સમરાવીને રાખ્યો છે. તેના જેવી કંઈક મારી દશા છે. જીવતેજીવ મારો કોઈ કાળનિર્ણય કરી શકતા નથી. છતાં, કદાચ આ બધાંને કારણે જ હું પ્રદર્શનને પાત્ર ઠરું. મને લાગે છે કે વળી ફેશન બદલાતાં કોઈકને મન મારી કિંમત વસશે. ભાવિ પેઢીને માટે હું કશા દસ્તાવેજો મૂકી જતો નથી. બહુ જરૂરી એવા કાગળો ખોવાની મેં ખાસ શક્તિ કેળવી છે. બોદ્લેરની જેમ છેલ્લી ઘડીએ કદાચ મારું નામ પણ મને યાદ નહિ રહ્યું હોય! મારા શરીરની પીડાના આ દિવસોમાં રખેને કોઈ મારી દયા ખાય એ બીકે મારી પીડાનો પડછાયો મેં મોઢા પર ફરકવા દીધો નથી. ફિલસૂફીની જટિલ સમસ્યાઓની વાતો કર્યે રાખી છે, વિવેચનના પ્રકારો અને એ બધાંની મર્યાદાઓ વિશે વ્યાખ્યાનો ચાલુ રાખ્યાં છે. રિલ્કેની શોકપ્રશસ્તિઓની આનન્દથી મીમાંસા કરી છે. એની મુક્ત અવકાશ વિશેની જીવનદૃષ્ટિને પુલકિત થઈને સમજાવી છે. પણ આ બધા વખત દરમિયાન ક્યારેક ક્યારેક મન પાછું પડતું, બધો આનન્દ ઊડી જતો. આ આખો પરિશ્રમ નિરર્થક લાગવા માંડતો. મોઢામાં વિરતિનો સ્વાદ આવતો. જીવન નર્યું નિરર્થક લાગતું. માનવીની સહાનુભૂતિની સીમાઓ ભારે સાંકડી લાગતી. જીવ રૂંધાતો. આ ખોળિયું ફગાવી દેવાનું મન થતું. હું ચૈત્રવૈશાખના દિવસોની રાહ જોતો. ગ્રીષ્મની એ સાંજે લીમડાની મંજરીની મધુર સુવાસ શીતળતાભર્યું સુખ આણી દે, મારા શ્વાસ મુક્ત બનીને વિહરી શકે, પણ એ વૈશાખપૂર્ણ શીતળ રાત્રિના પ્રહરો હજી તો દૂર છે તે જાણું છું. અત્યારે તો આંખના ઊંડાણમાં વેદનાની કણી ખૂંચે છે. હોઠ પર વેદનાનો સ્વાદ છે, મનમાં એક શબ્દ ઘડાય છે. એને ઉકેલું છું! એનોેે વેદના સિવાય બીજો કશો અર્થ નથી થતો તેે જાણીને એ શબ્દને ભાંગી નાંખું છું. અત્યારે તો આંખની પાંપણો પલકીપલકીને કેવળ વેદનાના ધબકારાને ગણે છે. અર્ધું રચાયેલું આંસુ જેને પ્રતિબિમ્બિત કરે છે તેનું નામ હું અહીં પાડતો નથી. પણ મેં આ દિવસોને નકામા નથી લેખ્યા. મારી વેદનાની સંકીર્ણતામાં રહીને મેં સુખીઓના સુખને એક જુદી જ દૃષ્ટિએ જોયું છે. આ વેદનાના રાહ વચ્ચે નિદ્રાની થોડી ક્ષણો, સુખની થોડીક શીતળતા, કોઈકના બે સારા શબ્દો — આ બધું ખૂબ ખૂબ ગમ્યું છે. મનમાં એક અહંકાર પણ રહ્યો છે. હું હાર્યો નથી, ટકી રહ્યો છું. જીવનનો અન્ત આવી રહ્યો છે તે જોઈ ચૂકેલાની જીવનલિપ્સાને મેંે જોઈ છે. કેન્સરથી મરણોન્મુખ એક વડીલ કેવી તૃપ્તિથી બીડી પીતા તે મેં જોયું છે. મને લાગે છે કે મરણ પોતે જ આપણને એના ભયમાંથી મુક્ત કરવાની શક્તિ ધરાવે છે. ઘણા એનાથી થથરીને બારીબારણાં બંધ કરીને ભરાઈ રહે એમાંનો હું નથી. મારે તો દૃષ્ટિ સામે અવિરત આકાશ જોઈએ, ફૂટતી કૂંપળ જોઈએ, ખીલતી કળી જોઈએ, દરજીડાના દરેક ટહુકે નાચતી પૂંછડી જોવાની ઇચ્છા થાય. હું જોવાને જ આધારે જીવનારો માણસ. જીવવાનો ઝબકારો જ મારી આંખમાં. અનિદ્રાની પળોમાં મને અન્ધકારની પણ માયા થઈ ગઈ છે. આથી જ તો ધોળે દિવસે કોઈની આંખમાં અન્ધકાર જોઈને હું હવે હેબતાઈ જતો નથી.

*

બાળપણના એ દિવસો યાદ આવે છે. દાદાનો નહાવાનો ને પૂજાપાઠનો લાંબો ગાળો મારે માટે ભારે સુખનો સમય હતો. એક દોઢ કલાકનો સમય મળતો. દાદાની પાવડી રડારનું કામ કરતી. એનો અવાજ નજીક આવે એટલે ચેતવણી મળી જતી. આ ગાળા દરમિયાન એમણે મારે માટે નિષિદ્ધ ગણેલાં પુસ્તકો ચોરીછૂપીથી હું વાંચી લેતો. સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતાની ‘નીલમ અને માણેક’ જેવી નવલકથા અનેક ખણ્ડોમાં વિસ્તરતી. કથાનો પટ ઉખેળાતો જતો ને રસમાં એવા તો ગરકાવ થઈ જવાતું કે આજુબાજુનું કશું ભાન રહેતું નહિ. એ જ અરસામાં ડાહ્યાભાઈ જાગીરદારની નવલકથાઓ પણ વાંચેલી. ‘કાળરાત્રિને હજી યાદ રહી ગયાં છે. હજી કોઈ જૂની લાયબ્રેરીમાં જવાનું થાય છે ત્યારે એ નવલકથાઓ શોધું છું. આજે આટલે વર્ષે એ નવલકથાઓ ખોલીને એનાં પૃષ્ઠોમાં આત્મવૃત્તાન્તની ખોવાઈ ગયેલી મારી એ મુગ્ધ આંખોનો અણસાર ફરીથી હું શોધું છું. જાણું છું કે હવે એ સ્થાને પાછા ફરી શકવાનું નથી. પણ ત્યાર પછી મને અનેક રીતે મુગ્ધ કરી દેનારા કવિઓ અને લેખકો મળતા રહ્યા છે. ઘણી વાર એ શિશુસહજ મુગ્ધતાને આંચકો આપીને મને નિર્ભ્રાન્ત કરનારા સર્જકો પણ મળ્યા છે. ઘણી વાર એવો પણ સમય આવ્યો જ્યારે પુસ્તકો તરફથી આંખ ફેરવી લીધી છે. પુસ્તકો મને નર્યો અરક્ષણીય બનાવી મૂકે છે. અનેક પ્રકારના વિષાદ, સંઘર્ષ, સમસ્યા મારા પર આક્રમણ કરે છે. કોઈ ઈશ્વરને લુપ્ત કરી દે છે તો કોઈ ઈશ્વરને એના પૂરા દમામ સાથે પ્રગટ કરે છે. હમણાં ખાસ્સો લાંબો ગાળો કશું ગમ્ભીર વાંચ્યા વિનાનો ગયો છે. કશું માંડીને બેસવાને હજી મન થતું નથી. કશીક ચંચળતાએ મનની આબોહવાને બદલી નાખી છે. ઉદ્ભિજની સૃષ્ટિમાં વધુ ને વધુ ઓતપ્રોત થતો જોઉં છું. જે ભૂમિખણ્ડ પર રહું છું તે ક્યારેક સમુદ્રના પેટાળમાં રહ્યો હશે, ક્યારેક એના પર લાવા રેલાઈ ગયો હશે. મન એકાએક પૃથ્વીના બાળપણના સમયમાં સરી જાય છે. સેવંતીની ખીલું ખીલંુ થતી કળી ચારપાંચ દિવસથી જોયા કરું છું. એ મીંઢી બનીને પોતાનું મન મને જાણવા દેતી નથી. ગુલાબ ઉમળકાથી ખીલતાં નથી. એમને જાણે અહીં પરાણે પકડી આણ્યાં હોય એવી એમની મુખમુદ્રા જોઈને હું મને દોષિત ગણતો થઈ જાઉં છું. થોડા દિવસ એવા પણ આવ્યા હતા જ્યારે બ્રહ્મસૂત્ર અને આચાર્યોનાં ભાષ્યો લઈને બેસી ગયો હતો. ઈશ્વર અને બ્રહ્મ તો નિમિત્ત છે, એ મિષે મન એનો વ્યાયામ કરે છે ને એનાથી સુખ પામે છે. રાતે ઊંઘ નથી આવતી ત્યારે બારીમાંથી રેલાઈ રહેતી કૃષ્ણપક્ષની પાંખી ચાંદનીને મારા પર પ્રસરી રહેલી જોઉં છું. હજી ક્યાંક એ ભૂતકાળનો સુખનો રોમાંચ સજીવન થવા મથી રહ્યો હશે એવું અનુભવું છું. જાગૃતિ, તન્દ્રા, સ્વપ્ન આ બધાં ઓતપ્રોત થઈને એક નવું જ પોત વણે છે. સાહિત્યકોશમાં સત્યેન્દ્રપ્રસાદના નામે ‘નીલમ અને માણેક’ કૃતિ નોંધાઈ નથી. તો છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર હાસ્યલેખક હતા.

*

પુસ્તકોની થપ્પી પર થપ્પી નીકળે છે ને બંડલો બંધાતાં જાય છે. ધૂળ ઊડે તેથી હું પાસે જતો નથી. દૂરથી જોયા કરું છું. એકાદ પુસ્તકને હાથમાં લઈને પાનાં ફેરવવાનું મન થાય છે. એમાં રવીન્દ્ર રચનાવલિના ખણ્ડો છે. માણિક બન્દોપાધ્યાય અને સુનીલ ગંગોપાધ્યાયની નવલકથા છે. બંગાળના નવા વાર્તાકારો બિમલ કર અને ગૌરમોહન ઘોષે સ્વાક્ષર ભેટ આપેલી એમની કૃતિઓ છે. આ બધાં પુસ્તકો સાથે જુદાં જુદાં સ્થળોની, અનેક પ્રસંગોની, અનેક વ્યક્તિઓની સ્મૃતિ સંકળાયેલી છે. એક રીતે કહું તો એક પુસ્તક એટલે એક નોખું બ્રહ્માંડ. દાદા આદિવાસીઓના ‘ધાણકા વસતિગૃહ’ના આચાર્ય, છાત્રપતિ અને ગ્રંથપાલ પણ ખરા. નવાં પુસ્તકો એપ્રિલમાં આવીને પડ્યાં હોય, પરીક્ષા તો થઈ ચૂકી હોય. પણ દાદા જે વાંચવાની સંમતિ આપે તે જ વાંચવાનું. નવલકથાને અડવાનું સુધ્ધાં નહિ! આથી, દાદાનો લાંબો સ્નાન અને પૂજાવિધિ ચાલતો હોય એ દરમિયાન, ડાહ્યાભાઈ જાગીરદાર, જદુરાય ખંધાડિયા, સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા વગેરેની નવલકથાઓ વંચાતી જાય. નવાં નક્કોર પુસ્તકોને ફૂલની જેમ સૂંઘીને કાળાં પૂઠાં પરનાં સોનેરી અક્ષરોને સૂરજના પ્રકાશમાં ધરીને જોઈએ. પુસ્તકપ્રીતિનું એ પ્રથમ પર્વ ખરેખર અદ્ભુત હતું. ઘર બદલવાનો પ્રસંગ આવ્યો ને ફરી મારામાં રહેલો એ ઘણાં વર્ષ પહેલાંનો કિશોર મારામાંથી ઊછળી પડે છે. દાદાની બદલી નવસારી થઈ. બત્રીસ વર્ષ સોનગઢમાં ગાળેલાં. વતન કહો કે જે કહો તે એમને માટે તો સોનગઢ. સોનગઢના મુખ્ય તો બે ભાગ : નવાગામ ને જૂનાગામ. કહે છે કે નવાગામ હવે તો છેક દશેરાબારીની ટેકરીઓ સુધી વિકસ્યું છે, પેપર મિલ્સ છે આથી જ સોનગઢ જવાની હિંમત કરી શકતો નથી. અમે તો બે ગામની વચ્ચે સહેજ ઊંચા ભાગ પર બોર્ડિંગને નામે ઓળખાતા વસતિગૃહમાં રહેતા. વ્યારા વાલોડના અમારી ઉમ્મરના કિશોરો અમને ‘બોર્ડિંગિયા’ કહીને અમારી મશ્કરી ઉડાવતા. અમે જંગલના પ્રદેશમાં આદિવાસીઓ વચ્ચે રહીએ એટલે અમને એ લોકો જંગલી જ ગણતા. સોનગઢના એ ફાગણ-ચૈત્ર ભુલાતા નથી. લીમડાની મંજરીની મહેક અને મોગરાની સુવાસથી હવા તરબતર હોય. આદિવાસી વિદ્યાર્થીઓ તો રજા પડવાથી પોતપોતાને ગામ ગયા હોય. નાની વયમાં સો વિદ્યાર્થીઓ માટેનું એ છાત્રાલય ખૂબ મોટું લાગતું. ત્યાં વીજળીના દીવા નહિ. ચૈત્રના અંધારિયામાં વાઘની સંવનનની ઋતુ ચાલે ત્યારે આખી રાત વાઘની ત્રાડ સંભળાયા કરે, ઊંઘમાંથી ઝબકીને જાગી જવાય. દિવસ આખો ખૂબ આનન્દમાં જાય. કૂવાના થાળામાં કોશથી ઠલવાતા પાણીમાં નિરાંતે નાહવું, મરવા ખાવા, કિલ્લાની તળેટીમાં રખડવું અથવા મધુમાલતીના મણ્ડપ નીચે કોણ જાણે શાની કલ્પનામાં રાચતા દિવાસ્વપ્નો જોતાં બેસી રહેવું — સમય એમ સરી જતો પણ સાંજ ઢળે ને મન ભયભીત થઈ જાય. દાદાનો તો એક દિવસ નવાગામ ને એક દિવસ જૂનાગામ જવાનો ક્રમ. સાંજે નીકળે. નવા ગામમાં ચુની જીવણને ત્યાં જાય ને જૂનાગામમાં નાનુભાઈ અંબાઈદાસ કે રણછોડ બહેચરને ત્યાં જાય. રાતે દસ કે અગિયારે રામજી કે રણછોડ ફાનસ લઈને તેડવા ગયા હોય તેની સાથે લાકડી ઠોકતા ઠોકતા ફરે. બોર્ડિંગ આગળના વડ નીચે ઘણી વાર પાણી પીવા આવેલો વાઘ બેઠો હોય. દાદાને કશો ભય નહિ. બારેક વાગ્યા સુધી તો એમનો રેંટિયો ગુંજે એટલે ધરપત રહે. પણ પછી અમેય ગાઢ નિદ્રામાં સરી પડીએ. કોઈ વાર સોગઠાંબાજી જામે. ચોમાસામાં વલ્લભ ભટ્ટનું મહાભારત વંચાય. પણ વાર્તાના દોરમાં અમારી નિદ્રાના તન્તુ પરોવાઈ જાય. મારી બારી પાસે ચમ્પો છે. નવા ઘરમાં તો હજી કશો વનસ્પતિ પરિવાર છે નહિ. અહીંના ઘેઘૂર લીમડાઓ પણ ત્યાં નથી. સોનગઢ છોડ્યું ત્યારે કિશોર મન ખૂબ દુઃખી થઈ ગયેલું. ગંગાધરા ભણતા ને બારડોલીથી ગાડીમાં આવજાવ કરતાં ત્યારેય શનિ-રવિ તોે સોનગઢ પહોંચી જતા. ખુલ્લામાં ખીલેલા મોગરાની પાસે વિશાળ બહેડાના ઝાડ નીચે હીંચકા પર ઝૂલવાનો આનન્દ તો ત્યાર પછી ક્યાંય માણ્યો નથી. જેનાં નામ નહોતો જાણતો તે વૃક્ષોની પણ ગજબની માયા હતી. હજી અહીં રાતે જૂના એન્જિનનો પાવો વાગે છે ત્યારે હું સોનગઢના ઓરડામાં જ સૂતો હોઉં એવી ભ્રાન્તિ થાય છે. સોનગઢમાં હતો ત્યારથી જ જોડકણાં રચવા માંડેલાં. દાદાને મારો એ છન્દ રુચતો નહોતો. આથી કાવ્યલેખન એ મારી ત્યારની ભૂગર્ભ પ્રવૃત્તિ હતી. દાદાનો સ્વભાવ આકરો. આખા દિવસમાં ભાગ્યે જ એમને સાંભળીએ. ટાઢિયો તાવ વારે વારે આવે ત્યારે તેઓ પાસે આવીને બેસે, નહિ તો અમારાથી દૂર જ રહે, એમનો ઓરડો પણ જુદા મકાનમાં. સોનગઢ છોડ્યું ને બાળપણની એ આખી અદ્ભુત ભયાનક રસભરી સૃષ્ટિને પણ વિદાય આપી. હવે કદાચ મારું આ છેલ્લું સ્થળાન્તર. પુસ્તકો જોઉં છું ને આંખનાં અણિયાળાં ભીનાં થાય છે. કેટલાંક પુસ્તકોમાં મારી કિશોરની મુગ્ધ આંખો હજી સચવાયેલી છે, કેટલાંકમાં શિશુના ચંચળ અસ્થિર હાથે લખાયેલા વાંકાચૂંકા અક્ષરો છે. કોઈ ઢગલામાંથી ખોવાઈ ગયેલા કવિનો એકાએક ભેટો થાય છે. યુવાવસ્થાની રમ્યમધુર સ્મૃતિઓ જાગે છે. આ પુસ્તકોના ગંજને જોઉં છું ને મારું મન વિષાદથી ભરાઈ જાય છે. એમાંનાં કેટલાંક તો ખરીદવાનું ગજું નહોતું છતાં ખરીદ્યાં હતાં. કેટલાંક કરાંચીમાંના મારા પ્રથમ એકાન્તવાસનાં સાથી હતાં. કેટલાંક કોલેજમાં મળેલા ઇનામરૂપ હતાં. હવે એ બધાં સ્વજનો જોડે ફરી મારી દૃષ્ટોદૃષ્ટ થશે ખરી? તો ડેરાતંબૂ ઉઠાવ્યા છે. આ ઘરમાં દક્ષિણ તરફની ને પૂર્વ બારી પાસે બેસીને જે સૃષ્ટિ નિનિર્મેષ દૃષ્ટિએ જોયા કરી છે તેનાં ઘણાં ચિત્રો આંકવાનાં રહી ગયાં છે. પાસે ફૂલથી ભરેલી લતાઓ હોવાને કારણે મધમાખીઓ હિમ્મત કરીને ઘરમાં મધપૂડો પણ બાંધે. ચકલાચકલીનો સંસાર અને એમની કેટલીય પેઢીઓ હું જોયા કરું, ખિસકોલી ઉપનિષદ્ કાતરી ખાય. આડોશીપાડોશીનાં બાળકો ચોપડીના કબાટ પાસે બેસીને ચોપડી કાઢી ત્યાં ને ત્યાં જ વાંચવા બેસી જાય. બારી પાસેનો ખાટલો જ મારું સંહાિસન, અહીં જ દમથી કષ્ટાતાં હું લખતો રહ્યો. નવું ઘર અંદર ફરીને જોયું છે, પણ એ મને અંદર જ પૂરી દેશે એવો ભય રહે છે. વૃક્ષો તો જઈને ઉછેરવાં પડશે. બોરસલી છે, પણ હજી બાલ્યાવસ્થામાં. એમ તો ચન્દન પણ રોપ્યું છે. પારિજાત તો ખરું જ. પપૈયાં છે, પણ એ તો વાંદરાઓ સાથે અધભાગે. કેસર કેરીનો આંબો રોપેલો પણ ઊછર્યો નહિ. દીકરાએ મારે માટે ‘સ્ટડી’ની વ્યવસ્થા કરી છે ને એ બહાને ફરજિયાત શિસ્તપાલન કરવું પડે એવી એની દાનત છે, પણ અત્યારથી જ ઘરમાં બધાં કહે છે કે સ્ટડીરૂમમાં હું રહેવાનો જ નથી. બૅડરૂમમાં હું સૂવાનો નથી. મારો આરણ્યક જીવ આવી નાગર વ્યવસ્થાને ગાંઠે એવો નથી. મન અવઢવમાં છે. જો નવા ઘરમાં નહિ જ ગોઠે તો? મને આડોશીપાડોશીને ત્યાં ગપસપ લડાવવાની ઝાઝી ટેવ નથી. પણ આ નવું ઘર તો મને બંગાળની કુલવધૂઓેની જેમ સાવ અસૂર્યમ્પશ્ય જ બનાવી દેશે એવો ભય રહે છે. કોઈ વૃક્ષરાજને જોઈને આંખ ઠરે એવું નથી. છતાં બાગકામ કરવાનો શોખ પોષી શકાશે ખરો. ઘરને બહાર જોડે ઝાઝો સમ્બન્ધ નથી. એ તો પોતે પોતાનામાં જ સંગોપાઈને બેઠું છે. ઘરના ખૂણાઓ, બેસવા, ઊઠવાનાં સ્થાનો, અગાશીઓ — આ બધાં જોડે મેળ જામશે કે નહિ તે જાણતો નથી. ‘મારું ઘર’ એવું મમત્વ થતું નથી. જાણું છું કે એમાં સંતાનો જ વસશે, મારે તો એમાં ઝાઝો સમય ગાળવાનો નથી. તેમ છતાં જે વર્ષો હવે રહ્યાં છે તે તો એમાં જ વીતશે. ઘરમાં બેઠા બેઠા આકાશ નહિ દેખાય તો અગાશીમાં જવું જ પડશે. ઘરના વાડામાં ખુરશી નાખીને ઊછરતા વૃક્ષની છાયામાં બેઠો બેઠો દિવાનિદ્રા માણીશ કે વાંચીશ — આવું બધું કલ્પું છું. પણ ત્યાં શિરીષની ઘટા નહિ હોય, મેદાનનો ખુલ્લો અવકાશ નહિ હોય. અહીં તો બાદશાહ, પચનક, પતરંગો, હુદહુદ, પીળક, દૈયડ, શોબીંગો, મુનિયા, કાળિયો કોશી, ભારદ્વાજ ને કોઈક વાર ચાસને પણ જોતો. એ મહેફિલ ત્યાં જામવાની નથી. વાંચવા લખવાનું કેમ ચાલશે તેની પણ ચિન્તા છે. છતાં અત્યારે તો ઘરવખરી ઉઠાવવા માંડી છે. ચૈત્ર બરાબર ચચરી ઊઠ્યો છે. અહીંના પવનને ત્યાં આવવાને વિનવવો પડશે. સ્થળાન્તર ખરેખર તો જન્માન્તર જેવું જ લાગે છે. વળી એક નવા પર્વમાં પ્રવેશું છું. નવાં સુખદુઃખ જોડે મેળ પાડવા તત્પર થાઉં છું.

*

દિવાળી સાથે મારા મનમાં હમેશાં દિવેલનું કોડિયું જોડાઈ ગયેલું છે. દિવાળીમાં બીજું બધું ઘણું બને છે, પણ બાળપણની સ્મૃતિમાં આ દિવેલનું કોડિયું જ એકાએક ઉદ્ભાસિત થઈ ઊઠે છે. રજાઓમાં બોર્ડિંગ આખી ખાલી થઈ જાય ત્યારે તો એ આખું કમ્પાઉણ્ડ ખૂબ મોટું લાગતું. એના બે ભાગ હતા : નવો ભાગ અને જૂનો ભાગ. અમારું ઘર જૂના ભાગમાં. પાસે જ લીમડા અને બહેડાનાં ઝાડ, મોગરાની વેલ અને ચન્દનનું ઝાડ. શરદપૂનમ ગઈ છે. ચાંદની ઓસરતી જાય છે. સાંજ પડે છે, અંધારું ઢળે છે ને હૃદયમાં ભયની ફડક પેસી જાય છે. હજી રામજી ઓરડાઓમાંના દિવેલનાં કોડિયાંઓમાં દિવેલ પૂરવા આવ્યો નથી. હીંચકો બહાર છે. ઘેરાતા અન્ધકારમાં બાળકલ્પના ચારે બાજુ કેટલાય આકારોને કલ્પે છે. આથી ઘરની અંદર આવીને આશ્રય લીધો છે. મોટેરાં કોઈ છે નહિ, કોઈ દેવદર્શને ગયું છે, કોઈ ગામમાં ગયું છે. ઘરમાં જાઉં છું ખરો, પણ ત્યાં અન્ધકાર જ મને આવકારે છે. પશ્ચિમમાં કિલ્લો ઊભો છે. એ જ તો ભયાનકનું આદિસ્થાન છે! હમણાં વાઘની ત્રાડ સંભળાશે. ત્યારે એકાન્તનું શું કરવું તે સમજાતું નહોતું. એવામાં રામજી આવે છે ને દિવેલ પૂરીને ઓરડામાંનું કોડિયું સળગાવે છે. આશ્વસ્ત અને રોમાંચિત થઈને એના પ્રકાશને ઓરડામાં પ્રસરતો જોઉં છું. પ્રકાશ જ મારું રક્ષાકવચ છે. એ દિવેલના કોડિયાની સ્નિગ્ધ દૃષ્ટિમાં જ માતાની દૃષ્ટિનું વાત્સલ્ય છે. માતા તો ખૂબ દૂર દૂર છે. એ પ્રકાશને ખોળે હું બેસું છું. પછી ધીમે ધીમે બહાર ગયેલાં મોટેરાં આવે છે. રસોડામાં ચૂલો સળગે છે. ઘર જીવતું થાય છે. બાળપણમાં વિષાદ શું તેની વ્યાખ્યા બાંધવાનું આવડતું નહોતું. પણ મન પર કશાકનો ભાર વર્તાતો. બધાંને જ ભયનો પાસ બેઠો હોય તેવું લાગતું. દિવાળીમાં આ કોડિયાંની સંખ્યા વધી જતી. મારે મન તો જાણે એટલાં આપ્તજન વધ્યાં હોય એવું લાગતું. આથી જ તો દિવાળીના દિવસોનો અન્ધકાર ઝાઝો પીડતો નહિ. વાંસની ફાંટમાં ફટાકડાની લૂમ ભેરવીને ફોડવી, હાથમાં પોટાશ ભરેલી ખાંડણી ઝાલીને એના પર લોખંડનો દાંડો મૂકી જમીન પર જોરથી પછાડવી — આ બધું ભયને ભગાડી મૂકનાર શસ્ત્રો જેવું લાગતું. દિવસમાં જેની છાયામાં બેસીને દિવાસ્વપ્નો જોતાં તે વૃક્ષો રાતે કેવાં બિહામણાં લાગતાં! દિવાળી આવે છે ત્યારે મને એ દિવેલનું કોડિયું યાદ આવે છે. અહીં તો એવો ખુલ્લો વિસ્તાર નથી, મોટું આંગણું નથી. થોડી ઘણી જગ્યા હોય ત્યાં દીવા મૂકીએ છીએ. પણ એ દીવાઓ ઉપેક્ષિત જ થતા હોય છે. બાળપણમાં એ દીવાને અજવાળે દાદાનું મોઢું ને વાતો કહેતી એમની મુદ્રાને જોઈ રહેતો. એમના મુખની કરચલીનો આખો નકશો પ્રગટ થતો. દીવાને અજવાળે એ બધાં મોઢાં જુદાં જ લાગતાં. દિવસના અજવાળામાં તો એ બધાં મોઢાં એટલાં તો પરિચિત લાગતાં કે એને ધારી ધારીને જોવાની કશી જરૂર જ લાગતી નહિ. પણ દીવાનો પ્રકાશ જે રીતે મુખની રેખાઓેને આંકી આપતો તેમાં કશુંક અદ્ભુત જાણે ઉમેરાઈ જતું હોય એવો અનુભવ થતો. એ દીવાની થરકતી જ્યોતને અજવાળે પાટીમાં દાખલા ગણવા બેસતો ત્યારે સંખ્યાના આંકડાઓે નાચવા લાગતા. ચોપડીમાંની બારાખડી જાણે ભાગંભાગ કરી મૂકીને પકડદાવ રમવા લાગતી. ઓરડાની ભીંતો જાણે પવનમાં હાલતાં પાંદડાંની જેમ હાલતી દેખાતી. એના અજવાળામાં પદાર્થો વચ્ચેના સમ્બન્ધો કશી જુદી જ ભૂમિકા પર જોડાતા. આથી દીવાનું પ્રગટવું એ મારે મન સૂની સાંજની એક અદ્ભુત ઘટના હતી. એને અજવાળે એક નવોે જ કલ્પનાલોક ઊભો થતો હતો, આજે હું એને કલ્પનાલોક કહું છું પણ ત્યારે તો મારે મન એ વાસ્તવિકતા જ હતી. ધીમે ધીમે અદ્ભુતની બધી સામગ્રી રેઢિયાળના ખાનામાં પડતી ગઈ. દિવાળીના દિવસોમાં જોયેલો એ અન્ધકાર આ શહેરમાં તો જોવા જ ન મળે. ડુમ્મસમાં વીજળીના દીવા નહોતા ત્યારે ત્યાં ખરો અન્ધકાર જોયેલો. તારાનું પણ અજવાળું પડે છે તે ત્યારે જોયેલું. વળી અન્ધકારમાં સમુદ્રનાં મોજાંનાં ફીણને ચળકતાં જોવાં એ પણ એક અનોખો અનુભવ છે. એ અન્ધકારમાં પણ વળી વધારે ગાઢા, અન્ધકારના ડાઘા જેવા, વૃક્ષો દેખાતાં. હવે ડુમ્મસમાં વીજળી થઈ છે ને સમુદ્ર દૂર સરી ગયો છે આથી ત્યાં જવાનું ગમતું નથી. પણ ત્યાંનો સૂસવાતો પવન લોહીમાં ઉન્માદ જગાડે છે એ અનુભવવા ક્યારેક ત્યાં જવાનું મન થાય છે ખરું.

*

સલાહ આપનારાં શુભેચ્છકોની મને કદી ખોટ પડી નથી. કેટલીક આવી સલાહોમાં મારી ગભિર્ત આલોચના હોય છે તે હું સમજું છું. પણ એ શુભેચ્છાપ્રેરિત જ હશે એમ માનવું વધુ સુખકર નીવડે છે. એવા એક શુભેચ્છકે કહ્યું, ‘હવે તમે જેને સો ટકા તમારું પોતાનું કહી શકો એવું લખવાનો ગાળો આવ્યો છે. હવે તમે એેવું લખવા પાછળ જ ધ્યાન કેન્દ્રિત કરો.’ એમનો ગભિર્તાર્થ હું સમજી ગયો : તમે હવે કાફકાકૅમ્યૂની વાત છોડો અને આપણા દેશની આબોહવાને બંધ બેસે એવું લખો. હું જવાબમાં કહું છું, ‘હજી જેને કેવળ મારું કહેવાય તેને માટેની મારી શોધ ચાલુ છે.’

*

હું તો ફક્ત ગામડાની જ વાત કર્યા કરું છું. એક રીતે હું ભાગ્યશાળી છું કે મુંબઈ જેવા મહાનગરમાં માત્ર છ વર્ષ જ રહ્યો છું, બાકી તો વડોદરા. વડોદરામાં શહેરની બહાર શાન્તિપૂર્ણ એવા ભાગમાં રહ્યો છું. વનસ્પતિના પરિવારની વચ્ચે. મારું એ સુખ કદી ઝૂંટવાયું નથી. એટલે શું છે કે મહાનગરનો રંગ મને લાગ્યો નથી — ખરાબ કે સારો. કલકત્તા જોયું છે. મદ્રાસ જોયું છે. હવે મુંબઈ જોઉં છું. પણ હું એને ત્રણ દિવસથી વધુ સહી નથી શકતો. ત્યાં મિત્રો છે. સાથે બેઠા હોય તો ગમે. સારાં પુસ્તકોની વાતો કરીએ. સારી ફિલ્મ જોઈએ. એ બધું ગમે પણ પછી…પણ આ બધું તે it works on my nerves. મારી શક્તિ ઓછી થઈ ગઈ હોય કદાચ. એક વાર મને પણ મુંબઈમાં આનન્દ આવતો હતો. જ્યારે કોલેજમાં ભણતો ત્યારે કેટલીક વાર એમ થતું કે આ બધું જ આપણે imbibe કરીએ. આ માણસો, આ ટોળાંઓ, આ એનો ઉચ્છ્વાસ, એનો લય બધું, જે હવામાં ઘુમરાઈ રહ્યું છે. એલ્ફિન્સ્ટન કોલેજ, ચર્ચગેટથી ઘર માટુંગા આખે રસ્તે હું ચાલતો જતો. જોતો જોતો ફરતો ફરતો જતો. આઠ-દસ માઇલ ચાલી નાંખતો. એ બધું ગમતું. મહાનગરમાં રહ્યો ત્યારે એનાથી નિલિર્પ્ત ભાવે નથી રહ્યો, ત્યારે એ અમારી એલ્ફિન્સ્ટન કોલેજનું વાતાવરણ, એના જૂના ઓરડાઓ, એના દિવસના સમયનો અન્ધકાર, એની space — આ બધું aesthetically અમે માણતાં, આ બધું ગમે છે. ચર્ચગેટ સ્ટેશન કે ત્યાંથી હાઇકોર્ટનો રસ્તો કે oval મેદાન ગામડાંમાં નહીં જોયેલાં એવાં પરિમાણો — મોટાં પરિમાણો — વચ્ચે થઈને ફરવું એ એક જાતનો આનન્દ હતો. એક રીતે સાચું કહું તો બાળવાર્તા મને કોઈએ કહી નથી, કારણ કે જે સ્થિતિમાં મેં બાલ્યકાળ ગુજાર્યાે એમાં મારા દાદા એક સાથે યુવાન દીકરીનાં, જમાઈનાં મરણો-ત્રણ-એને કારણે બિલકુલ ડઘાઈ ગયેલા ને જેને આપણે કહીએ અંગ્રેજીમાં-struck dumb-બિલકુલ મૂંગા થઈ ગયેલા. એ બોલતા જ નહોતા. ને મારા દાદાનાં બહેન હતાં એ મૂંગાં-બહેરાં જન્મથી જ હતાં. એટલે મેં દાદાને બોલતા નથી — ઝાઝા — સાંભળ્યા. એમનો રેંટિયો ફરતો સાંભળ્યો છે રાતે — એનું ગુંજન મેં જે સાંભળેલું, એ એક જાતની તન્દ્રાની અવસ્થામાં, અથવા મારી તન્દ્રાના પટ પર, જે એક આલેખન કરતું, એની લિપિ ઉકેલવાનો પ્રયત્ન મારું બાળમન ત્યારે કરતું હશે એમ આજે કલ્પના કરું છું. બીજી રીતે કહું તો મોટા થયા પછીથી બાળપણમાં જે અનુભવો કરેલા અને જેની ઊંડી છાપ મન પર પડેલી અને છતાં જેનાં પ્રતિરૂપો ત્યારે નહિ જડેલાં અને એ કારણે જે પ્રતિરૂપો પામવાની આશાએ ચિત્તમાં ક્યાંક નેપથ્યમાં પડી રહેલાં તેનાં પ્રતિરૂપો — શોધવાનો મેં પાછળથી પ્રયત્ન કર્યો. અને એમાં પરી આવી, રાક્ષસ આવ્યા, અને એમાંથી આખી પ્રકૃતિની સૃષ્ટિ — દા.ત. ‘જનાન્તિકે’માં છે, ‘મધુમાલતીની ગભરુ કળીને એક સ્વપ્નું આવ્યું કે આવતી કાલે સૂરજ ઊગશે નહિ’, તો ખરેખર જોતાં તો આ બાળવાર્તા નથી. એમાં તો જે વાત છે તે આપણને આજે જે હતાશ કરી મૂકે છે એવી પરિસ્થિતિને તપાસવાનો એક પ્રયત્ન છે. પણ આવા જ સ્તર પર રહીને કે જ્યાં આગળ વિદગ્ધતા નથી, પણ અનુભવના મૂળ સુધી ઊંડાં જઈને, બાળકની વાર્તાની પરિભાષામાં આ વસ્તુને એક જાતની ઋજુતાથી સરળતાથી મૂકવી અને એના પર દર્શનનો — ફિલસૂફીનો ભાર ન વર્તાય એવી નાજુકાઈથી જાળવીને કરવી એવો એક પ્રયત્ન છે. એટલે પરી, અને પરી છે તો રાક્ષસ પણ છે. ‘અપિ ચ’ની વાર્તામાં આવે છે, તો એ બંને બાળપણના જે બે અન્તિમ ધ્રુવો છે એ તો સામસામાં છે. અને કારણ કે નહિ તો બાળકોની વાર્તામાં રાક્ષસ ન આવે. પણ આવે છે એનો અર્થ એ જ કે બાળકોને તમે સાવ સુરક્ષિત રાખવા માગતા નથી. જાણવું તો જોઈશે જ કે આ રીતે રાક્ષસો છે અને પરીઓ પણ છે.

* * *

મેં ‘જનાન્તિકે’માં પહેલા નિબન્ધમાં થોડીક વાત કરી છે અને મેં ત્યાં એમ કહ્યું છે કે નામ એ તો જરઠ સ્થવિરોની શોધ છે. બાળપણમાં તો બધી જ વસ્તુનાં નામ બદલાતાં હતાં. આજે એને મધુમાલતી કહી તો કાલે વળી સદાસુહાસિની કહી, તો ત્રીજે દિવસે ત્રીજા નામથી ઓળખાવી. આપણને કોઈએ નામ પૂછ્યું તો એક દિવસે એક નામ કહ્યું, બીજે દિવસે બીજું નામ કહ્યું, નામની શંૃખલા આપણને જકડી લેતી નહોતી કે નામને ખૂંટે આપણે બંધાઈ રહેતાં નહોતાં. એટલે મેં કહ્યું કે હા, એક નદીનું નામ યાદ રહી ગયું છે કારણ કે એ નદીના સ્વરૂપ સાથે સંકળાયેલું છે — ઝાંખરી નદી. તો ઝાંખરામાં થઈને વહે, કંઈ બહુ મોટી નદી નહોતી. સાતકાશી — ખરું જોતાં તો શબ્દ હશે સાતકોશી — ના જંગલમાંથી આવતી હતી અને બહુ મોટી નદી નહિ. અત્યારે મેં બે વરસ પહેલાં જઈને જોઈ તો ક્ષીણતોયા, પોતાના ભૂતકાળને વાગોળતી ઘરડી ગાયના જેવી એ પડી છે. એના પર કશું થયું નથી. જે બીજા મોટા બંધો બંધાયા એમાં તો એ કોઈક ઉપેક્ષિતાના જેવી મૌન સેવતી મેં જોઈ એને. એટલે મારું ગામ જે બાળપણની મેં વાત કરી છે એ સોનગઢ. કિલ્લે સોનગઢ એને કહે છે. આપણા ગુજરાતની પૂર્વ તરફની સીમાનું લગભગ છેલ્લું ગામ. પછી નવાપુર આવે છે ત્યાંથી મહારાષ્ટ્ર શરૂ થાય છે. હું બહુ નાની ઉંમરે માતાપિતાથી છૂટો પડીને દાદાની જોડે રહ્યો. એનું કારણ તો એ હતું કે મારા બંને ફોઈના દીકરા — એકે બાપ ગુમાવ્યો, એકે મા ગુમાવી. એટલે આ લોકોની સાથે મને રાખવાનું દાદાને કંઈ કારણ હતું કે પેલા લોકોને એમ ન લાગે કે અમે નબાપા કે નમાયા છીએ અને આ પણ સરખો જ છે એવી કંઈ વાત હતી. એટલે ક્યાં સુધી તો મારી મા એ મારી મા છે એવું મને કંઈ લાગતું જ નહોતંુ, કારણ કે એ જે ગાળો હતો કે માને શોધે કે માની છાંયડી, એ કશું મને મળ્યું નહોતું. ને મુંબઈ શહેરમાં એ લોકો રહેતા એટલે દાદાની એવી ઇચ્છા ખરી કે મુંબઈના નરકમાં આવા કુમળા શિશુને આપણે મોકલવું નહીં અને કોણ જાણે એના પર કેવા સંસ્કાર પડે, કેવા નહિ, એ ઇચ્છાથી પણ એમણે મને ત્યાં રાખેલો. એટલે ત્યાં હું ચૌદેક વરસની ઉંમર સુધી રહ્યો અને સાચું કહું તો એ કપોલકલ્પિતનો જન્મ તો ત્યારથી જ થયો. કારણ કે ત્યારે અંધારું બોલતું હતું. હવે અંધારું બોલતું નથી કારણ કે એને અનેક છિદ્રો છે પ્રકાશનાં, એ જે અંધારું બોલતું હતું તે મેં સાંભળ્યું. ઘણી વાર રાતે ઊંઘ ઊડી જાય, વાઘની ત્રાડ સંભળાય, વાઘ પાસે જ, વીસપચીસ ડગલાં દૂર પાણી પીવા દરરોજ આવે, બહાર મોટી કૂંડી હતી. અમે તો જીવતો વાઘ, બહાર સાંજે દાદા સાથે ફરવા જઈએ ત્યારે દસ-વીસ ડગલાં દૂરથી ચાલ્યો જતો હોય એવો પણ જોયેલો. એટલે એ એક ભયાનક અને સાથે સાથે અદ્ભુત. મેં કહ્યું કે જે મારા બાળપણના સીમાડા છે તે આ બેના હતા. અને આદિવાસી પ્રજાઓનાં બાળકો જોડે અમે ઊછરેલા એટલે એમની ભાષા, એમની જીવવાની રીત, એમની આદિમતા, એમની જે કલ્પનાશીલતા, એમની જે વસ્તુને મૂર્ત કરીને બોલવાની ટેવ, આ બધું ખૂબ સાંભળેલું. એ લોકોનાં લોકગીતો સાંભળેલાં. હોળી ઊજવતાં જોયેલાં. આમ બાળપણ આ રીતે વીત્યું. ૧૪ વરસની ઉંમર પછી મુંબઈ ગયો. નવસારીમાં ભણીને, અને મુંબઈ ભણીને વળી પાછો ગૃહત્યાગનો — એક રીતે કહું તો — પ્રસંગ આવ્યો અને કરાંચી ગયો પાકિસ્તાન થતાં કરાંચીમાંથી પાછાં અહીંયાં આવ્યાં. વિદ્યાનગર ગયાં. ચાર વરસ ત્યાં રહ્યો. ત્યાંથી પાછો મને છૂટો કર્યો નોકરીમાંથી અને છેવટે વડોદરામાં આવ્યો એટલે વડોદરા આવતાં પહેલાં ખાસી મોટી પ્રદક્ષિણા કરી. ને અહીં આવ્યા પછી ખરું જોતાં સ્થિર થયો. ને એટલા જ માટે મારું લખાણ જો શરૂ થયું તો સાચા અર્થમાં તો ૫૩-૫૪ની આસપાસ.

* * *

‘ફાળો’ પાછો મને જરા ખૂંચેે એવો શબ્દ છે, કારણ કે મેં ફાળો ઉઘરાવ્યો નથી ને ફાળો આપ્યો નથી. આ જેને એક alchemy છે, ને એક કીમિયો છે, ને એક આપણા મનનો કીમિયો છે. magic wand — જાદુઈ લાકડી જેવું કશુંક છે. હું એમ જ માનું છું કે realism એક જાતનું કદાચ છે અને તે magic realism છે. Unless you turn something, hard facts of life into a sort of magic which has an enchanting quality, you are not a creator. એટલે મને એમ લાગ્યું કે હું જે ભણ્યો, મારું મોસાળ વાલોડ ગામ છે, અત્યારે તો લિજ્જત પાપડને કારણે તે જાણીતું છે, ત્યાં મને પહેલવહેલાં નિશાળે મૂક્યો, પ્રાથમિક શાળામાં, ત્યાં મને જે યાદ રહ્યું છે તે એટલું જ — એક શેતૂરનું ઝાડ, અને એના પરથી શેતૂર કોઈ મોટા છોકરાઓ પાડી આપે. ત્યારે હું એમ કહું કે બાળપોથીના શબ્દો જે હતા એ શેતૂરનાં ખટમીઠાં ફળ જેવા જ મેં ચાખેલા. એના પર શેતૂરની છાયા રહેલી. એટલે બારાખડી એવી રીતે મારી પાસે આવી. પછી મારા દાદા શિક્ષક હતા, એટલે અમે સોનગઢ ગયા, ને ત્યાં ભણ્યા, સદ્ભાગ્યે એ વાતાવરણ સારું હતું ને આદિવાસી છોકરાઓ જોડે હળીમળીને ભણવાનું હતું. પ્રકૃતિ તદ્દન નજીક હતી, એટલે પેલી સાવકી માના ખોળા જેવી પાટલી પર બેસાડ્યા ને માના ખોળામાંથી તો હું ઊતરી જ ગયેલો ત્યારે પ્રકૃતિનો ખોળો મળી ગયો. અને પ્રકૃતિમાં આપણે પ્રતિભાવની આશા તો રાખતા નથી. ગુલાબનું ફૂલ છે તેને સંબોધીને આપણે હજાર પંક્તિ બોલીએ પણ ગુલાબ એક પંક્તિ બોલશે નહીં. એ તો બોલશે એની સુવાસથી કે એની પાંખડીઓની ગોઠવણીથી ત્યારે એ કારણે પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય, એમાં ખોવાઈ જવું, એમાં રમમાણ થવું અને તે પાછી ભાષા જે ડહાપણ ડહોળે તે ત્યારે હતું નહિ. એટલે એની વ્યવધાનરહિત આખી પ્રત્યક્ષ અનુભૂતિની એક સૃષ્ટિ ઊભી થતી ગઈ. એટલે ભણવાનું તો મને એટલું જ યાદ છે. કપરો કાળ નવસારીમાં ગયો કે જ્યારે એલ્જીબ્રાના દાખલા બોર્ડ પર બોલાવીને ગણાવે અને શિક્ષક પડછંદ હોય. નેતરની સોટી બાંયમાં સંતાડીને આવે અને દાખલાઓ કાળા પાટિયા પર માંડીને ગણાવે. ત્યારે ધૂ્રજતો હાથ જ માઇનસનું પ્લસ કરી દે અને પછી અંગૂઠો — આ બધા માટે જાણે કે કારણભૂત હોય એમ અંગૂઠા પર સોટી મારે. એટલે ઘેર જઈએ ત્યારે અંગૂઠો લગભગ બમણા કદનો થઈ ગયો હોય. એ ચાડી ખાય એટલે વળી પાછી શિક્ષા થોડી ઘરે થાય. એ જરા થોડો કપરો કાળ હતો એટલે ત્યારથી જ મને શિક્ષણમાં રહેલી નિર્જીવતા, જડતા, અને શિક્ષકો મરી ગયેલા જેવા, પ્રાણવંત નહિ, એવો અનુભવ થયો. અને છેક છઠ્ઠા ધોરણમાં હતો ને મેં બળવો કર્યો. શિક્ષક કંઈક શબ્દના અર્થ લખાવતા હતા. તેમાં લખાવ્યું કે જળ એટલે પાણી. મને થયું કે આયે આને લખાવવું પડે છે તે શું સમજે છે મારે વિશે. તો મેં લખવાનું બંધ કર્યું ને ચોપડી બંધ કરી દીધી. એટલે મને પૂછ્યું કે, કેમ ભાઈ, તમારી ઉંમર કેટલી? મેં કહ્યું કે ૧૫ વર્ષ. તો કહે, ના, ના, ૫૧ લાગે છે. મેં કહ્યું કે એ તો તમને જે લાગે તે ખરું. પછી એમણે કહ્યું કે તમે કેમ લખતા નથી? મેં કહ્યું કે તમે કોઈ શબ્દનો અર્થ પૂછો, મને આવડે છે કે નહિ. જે આવડે તે હું નથી લખતો. આ કારણે મારે સ્કૂલ છોડવી પડી. અને (એક)સ્કૂલ છોડીને પછી હું બીજી સ્કૂલમાં ગયો. ત્યાં બધા શિક્ષકો સજીવ હતા. સારા સારા. ઠાકોરભાઈ દેસાઈ જે પછીથી મિનિસ્ટર થયેલા તે અમને સંસ્કૃત શીખવતા. મોરારજીના પર્સનલ સેક્રેટરી રઘુનાથજી નાયક અમને ગણિત શીખવતા. ગણિત મારું બહુ કાચું એટલે એ લોકોએ મને કહ્યું કે અંગ્રેજી તારું સારું છે, બીજા વિષયો સારા છે એટલે તેના પીરિયડ નહિ ભરે તો ચાલશે પણ એ પીરિયડમાં તું ગણિત શીખજે. પણ ગણિતનો કંઈ મેળ ન ખાધો તે ન જ ખાધો. નાનપણથી ૬ ને ૨ વચ્ચેના ભેદની ખબર નહોતી. એનું જે અદ્વૈત મેં સ્વીકાર્યું તે કોઈ વડીલોએ સ્વીકાર્યું નહિ. એટલે મારી સાન ઠેકાણે લાવવાને માટે મગજ પર ઘણા પ્રહારો થયા, પણ એ તો રહ્યું તે રહ્યું જ, આજ સુધી ગણિત કાચું છે.

  • * *

મારા દાદાના હાથમાં પુસ્તકાલયની વ્યવસ્થા હતી. એટલે નવી નવી ચોપડીઓનાં પાર્સલો લગભગ માર્ચ મહિનામાં આવે. પરીક્ષા થવાની બાકી હોય, એપ્રિલમાં થાય પરીક્ષા. પણ દાદા પાઠ-પૂજામાં ખાસ્સો એવો વખત ગાળતા. એટલે લગભગ અમને એકાદ કલાક અમારી ભૂગર્ભ છૂપી પ્રવૃત્તિ માટે મળી રહેતો. એટલે પાર્સલો બધાં છોડ્યાં હોય અને ત્યારે તો કાયા નાની, સંતાડી દઈ શકાય એવી હતી, એટલે ક્યાંકથી કોઈ જગ્યાએ કંઈ ઘૂસી જઈએ. અને એમનો ઓરડો જુદો હતો, દૂર બેસતા હતા. ઘર સાથે એમને કંઈ ખાસ સમ્બન્ધ નહિ. નહાય અને પૂજા કરે એટલો વખત ઘરમાં રહે. ત્યાં જઈને પછી એ તાજાં ખોલેલાં પાર્સલ ને ચોપડી હું સૂંઘતો. મને યાદ છે, નવી ચોપડીઓની સુગંધ મને બહુ ગમતી, પછી એમાં ‘કાળરાત્રિનું ખૂની ખંજર’ હોય, ‘નીલમ અને માણેક’ના સાત ભાગ હોય. સાત ભાગ જોઈને તો રાજી રાજી કે હવે આ ચાલવાનું, સરસ મઝા આવશે એટલે ખૂબ વાંચતા. કદાચ ‘બાલજીવન’ જેવાં માસિકો પણ વાંચતા. પણ દાદાએ અમને કહેલું કે જીવનચરિત્ર-ર, ગ, અને ક્ષ એ જમાનાની લાઇબ્રેરીના વર્ગીકરણમાં આવે તો ધર્મ, નીતિ, જીવનચરિત્ર અને ઇતિહાસ આટલું જ વાંચવાની અમને છૂટ હતી. બીજું ‘કલ્યાણ’ જેવું હિંદી માસિક વંચાવતા. પણ એમાં એમણે લાલ લીટી કરી હોય તેટલું જ વાંચવાનું. પણ એ તો અમે દેખાવ પૂરતું એમનું બધું જ માનતા. પણ એ દરમ્યાન જ આ બધું વાંચી લીધેલું. ‘નીલમ-માણેક’, ‘જુલ્મી જલ્લાદ’ ને ‘કાળરાત્રિનું ખૂની ખંજર’, નારાયણ વસનજી ઠક્કુરની નવલકથા એ બધું જ વાંચેલું. એટલે એક પેલી કથાની માંડણી કેવી થાય છે, કથાના તન્તુ કેવી રીતે કાંતે છે, ધીમે ધીમે એમાં એક સૃષ્ટિ ઊઘડતી આવે છે, આ બધાનું બહુ જ કુતૂહલ હતું. પછી નવસારી ગયા. પછી તો અંગ્રેજી પણ થોડું વાંચવા માંડ્યું ને રવીન્દ્રનાથ ટાગોરની એક પંક્તિ અંગ્રેજીમાં વાંચી — ‘On many a fleeting moments of my life thou has left the signs of eternity, — ‘મારી ઘણી ક્ષણભંગુર એવી ઘડીઓના પર તેં તારી શાશ્વતીની મુદ્રા અંકિત કરી દીધી છે.’ તો it was a thrilling experience for me કે આ વાત કેટલી સાચી છે. અને પછી જે કવિતા તરફ વળ્યા તે પછી કવિતા તરફથી પાછા વળવાની કેડી હજી મળી નથી ને પાછા વળવાની કંઈ જરૂર લાગતી નથી. ત્યારે જાણે કે એક ગુપ્ત દ્વાર ખુલી ગયું. અમારા સોનગઢના કિલ્લામાં આવાં બધાં બહુ ભોંયરાં હતાં અને એમાં તમે પેસી જાઓ તો કોઈ કહે છે કે સૂરત નીકળાય ને કોઈ કહે છે કે નાસિક નીકળાય. એ બધી વાતો મેં સાંભળેલી. તો આવું એક મને જાણે કે કોઈની નજર ન પડે એવી રીતે એક ભોંયરું જડી ગયું ને એમાં એક આખી નવી સૃષ્ટિ મારી નજર આગળ અંકાઈ ગઈ. એટલે નવસારીમાં પછી રવીન્દ્રનાથ ઠાકુર, વિવેકાનંદ, સ્વામી રામતીર્થ વાંચ્યા. — ઘરના વાતાવરણને કારણે — કેટલાક પ્રશ્નો અકાળે ઊભા થયેલા કે મરણ એટલે શું? આપણે જીવીએ છીએ શા માટે? કરીશું શું? આ ભણવાનો શો અર્થ? એટલે અકાળે થોડું ડહાપણ કે દોઢડહાપણ આવી ગયું હતું એટલે થોડા આવા પ્રશ્નો પણ હતા. એટલે એ પણ હું વાંચતો હતો. ત્યારે તો આ જાતનું વાંચન ચાલ્યું. પછી તો બધા નવા નવા ‘કૌમુદી’, ‘નવચેતન’ — એના દિવાળી અંકો સરસ નીકળતા હતા. એ બધું ખૂબ ધરાઈને ધરાઈને વાંચતાં.

* * *

પાશ્ચાત્ય સાહિત્ય તો હું એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયો ત્યાર પછી, તેની લાઇબ્રેરીમાં બધી શોધ કરવા માંડી. પણ એક આકસ્મિક રીતે જ એ તરફ હું વળ્યો, કારણ કે એ જમાનાના જે પ્રોફેસરો હતા એ ખરેખર તો તમે એમની પાસે બહુ સહેલાઈથી પહોંચી જઈ શકો એવું ત્યારે વાતાવરણ નહોતું. અને એ લોકો જો મિલ્ટન શીખવતા હોય — પ્રા. બેનરજી શીખવતા — તો મિલ્ટન સિવાય બીજી કોઈ વાત જ ન કરે. સી.આર.શાહ શૅઇક્સપિયર શીખવે, તો શૅઇક્સપિયરનું જે નાટક હોય તેની જ વાત — તે સિવાય બીજી કોઈ વાત જ નહિ. એટલે સાચું કહું તો આજે મને બહુ નવાઈ લાગે છે કે એ જમાનામાં આખી સૃષ્ટિ કેટલી બધી સાંકડી હતી? શૅઇક્સપિયર પોતે જ કેટલા બધા મોટા જગતમાં લઈ જાય? પણ એવું બનતું નહોતું કે મિલ્ટનથી પણ કેટલા બધા પ્રશ્નો ઊભા થાય ને આપણે મહાભારતમાં પણ જઈ શકીએ, રામાયણમાં પણ જઈ શકીએ, આવી બીજી અન્ય મહાસૃષ્ટિમાં જઈ શકીએ; પણ એવું બનતું નહોતું, બીજા બધા દરવાજા બંધ કરીને એક જ દરવાજે દાખલ કરેલા. બીજે કશે ફરવાનું નહિ. પણ પછી ઇન્ટરમાં આવ્યા પછીથી આ બધાને કારણે કંઈક મનમાં — પહેલેથી વાંચવાનો શોખ તો ખરો — મારા મિત્ર રસિક શાહ જોડે ફરતાં ફરતાં એડવર્ડ સિનેમા ધોબી તળાવ આગળ પેલો ફેરિયો બેઠેલો તેની કનેથી ચોપડી લઈએ ને ત્યાં ‘‘The Great Wall of China and Other Stories’ મને નજરે પડ્યું, મને ‘The Great Wall of China’ નામ જરા બહુ જ આકર્ષક લાગ્યું. કંઈ exotic એવું લાગ્યુું એટલે મેં એ ચોપડી લીધી. એ મેં વાંચી ને તે દિવસથી બધું આખું બદલાઈ ગયું. સૃષ્ટિને જોવાની એક દૃષ્ટિ — કે આ તો મેં જગત જોયું જ નહોતું એમ મને થયું, એટલે — અને પહેલાં તો કવિતાઓ બહુ લખતો હું અને એલ્ફિન્સ્ટન કોલેજનું મેગેઝિન ‘એલ્ફિન્સ્ટનિયન’નો ગુજરાતી વિભાગ આખો મેં જ પચાવી પાડેલો એમ કહીએ તો ચાલે. પણ પછી એ બધું આ વાંચ્યા પછી મેં એકદમ બંધ કરી દીધું, કે ના ના જગતને હજી જોયું જ નથી અને મારી પોતાની, અને પોતાની નહીં છતાં માની લીધેલી સુખદુઃખની લાગણીઓ, પ્રેમની લાગણીઓ, હતાશાની લાગણીઓ; આ બધું કંઈ થોડું લાડ લડાવીને અને છીછરાં પાણીમાં છબછબિયાં કરવા જેવું કંઈ ચાલે નહીં. આ તો બહુ જોખમ ખેડવા જેવી વાત છે ને એમાં માથા સાટે બધું મેળવવાનું છે. એ અનુભૂતિ એ સ્તર પર જઈને હું નહીં લઉં તો આ બધું તો ફેંકાઈ જશે. અને એ દરમિયાન હું ભણી રહેવા આવ્યો ત્યારે એલ્ફિન્સ્ટન કોલેજની લાઇબ્રેરીમાંથી બધી ફિલોસોફીની ચોપડીઓ વાંચી. કાન્ટ પણ ત્યારે વાંચેલો. પછી બીજી એક સરસ ચોપડી મારા હાથમાં આવી ગયેલી — ‘Three Masters’ — સ્ટીફન ત્સ્વાઇગની. અને એણે ડીકન્સ, બાલ્ઝાક અને દોસ્તોએપસ્કી પર લખેલું. ડીકન્સ, બાલ્ઝાક પછી વાંચ્યા પણ બહુ ન ગમ્યા. અથવા એમ કહો કે એ લોકોની વેવલેન્થ પર હું નહોતો, પણ દોસ્તોએપસ્કીનું એટલું બધું આકર્ષણ કે આખરે એ સાચવી રાખીને ફરી ફરી વાંચીને વંચાવવા માટે લાઇબ્રેરીમાંથી એ ચોપડી તફડાવી લીધેલી અને પછી કંઈ કેટલી બધી વાર વાંચી. અને કદાચ હજી મારા ઘરેથી એ ચોપડી નીકળે. એટલે આમ દોસ્તોએવસ્કી તરફ ગયો, કાફકા તરફ ગયો, કવિતાનું વાચન તો ચાલુ જ હતું, પણ કવિતા ત્યારે અંગ્રેજીમાં ઝાઝી વાંચેલી નહિ, પણ બીજી બધી ભાષાઓમાં, બંગાળીમાં વાચન ચાલુ જ હતું. એ દરમ્યાન રવીન્દ્રનાથની પેલી પંક્તિ મનમાં પ્રવેશેલી, તેમણે એક સ્થળે સરસ લખ્યું છે કે ‘My poems in English are birds with their wings clipped.’ એટલે મને થયું કે રવીન્દ્રનાથને સમજવા હોય તો બંગાળી સમજવું જોઈએ. એટલે હું, મારા એક મિત્ર હતા મોહન ઠક્કર તેની સાથે બેસીને અમે બંગાળી શીખતા હતા — માટુંગાના કિંગ સર્કલ ગાર્ડનમાં અને ત્યાં નરસિંહપ્રસાદ આચાર્ય બોમ્બે ટોકિઝના ડાયરેક્ટર એને ઘરે રવીન્દ્ર રચનાવલિના, સરસ સોનેરી અક્ષરમાં લખેલા ને મોરોક્કો લેધરમાં બાઇન્ડ કરેલા લગભગ ૨૧ ગ્રંથો હતા. તે બેસી બેસીને ઉકેલ્યા ને પહેલું કાવ્ય પત્નીના મરણ બાદ ‘સ્મરણ’ નામે લખેલું — સોનેટ. પયાર છંદ પર કાબૂ મેળવી લીધો ને ત્યાં બાગમાં બેઠાં બેઠાં જ એનો અનુવાદ કરી નાખ્યો. અનુવાદ કરવાથી બંગાળી સારું આવડ્યું. એટલે બંગાળી તરફ વળ્યો અનેજ્યારે કોલેજમાં ઇનામ મળ્યું બી.એ.માં ત્યારે મેં રવીન્દ્રનાથનાં જ બધાં પુસ્તકો ખરીદી લીધાં. એટલે આમ કવિતા તરફ વળ્યો તે રવીન્દ્રનાથની આંગળી ઝાલીને. સંસ્કૃતમાં તો કવિતા હતી જ તે વાંચેલી, અને સંસ્કૃતમાંથી રવીન્દ્રનાથે બહુ સારું આત્મસાત્ કરેલું એટલે તે તન્તુ મારો સંસ્કૃત સાહિત્ય સાથે સંકળાયો. રવીન્દ્રનાથ સાથે એનું અનુસન્ધાન અને બીજું કરાંચી ગયા પછીથી મારું બીજું જગત ખૂલ્યું.

* * *

આપણા ચિત્તની એક આબોહવા હોય છે. અને એ આબોહવાને અનુરૂપ જ્યાં વાતાવરણ મળી રહે છે, ત્યાં ઠીક પડે છે. આપણી લાગણીને પણ ખીલવા માટે, વિકસવા માટે જે આબોહવા હોય, દરેકને જુદી જુદી આબોહવા ફાવે છે તો મને જેને કહે છે ને cosmic despair પણ જે વ્યક્તિગત જીવનમાંથી નહિ, તે રુચી ગઈ. એલ્ફિન્સ્ટનમાં હતો ત્યારે કવિતા લખતો હતો. ત્યારે આવી પાળેલી પોષેલી નિરાશાને મમળાવવાનું ગમતું હતું. પણ એનો કોઈ ઊંડો પાયો નહોતો. બધી રીતે સુખી હતા. દુઃખ હતું તે કલ્પેલું હતું. જગત તરફ નજર જ નહોતી કરી. એટલે પછી કરાંચી હું ગયો ૧૯૪૫ના નવેમ્બરમાં, ત્યારે યુદ્ધ પૂરું થયું હતું. પણ રહેવાનું ઘર મને મળ્યું નહિ — હું ૧૯૪૭ના એપ્રિલ સુધી રહ્યો પણ મને ઘર રહેવાનું મળ્યું નહિ. એટલે હું એક સ્કૂલમાં, ‘શારદામંદિર’ નામની સ્કૂલ, જે હવે માંગરોળમાં ગઈ છે, એ સ્કૂલમાં પાટલી પર હું સૂઈ રહેતો. સવારે પાંચ વાગે ઊઠીને ઠંડા પાણીએ નાહી લેવાનું, કારણ કે એ તો રાષ્ટ્રીય શાળા હતી. એટલે વિદ્યાર્થીઓ પાંચ વાગ્યાના આવીને ભજન વગેરે શરૂ કરી દે. તે પહેલાં તો મારે ઊઠી જવું જોઈએ ને નાહી લેવું જોઈએ. એમાંથી મને દમ પણ થયો. પણ બે વસ્તુ મળી કરાંચીમાં, દમ અને વિશ્વસાહિત્યના પ્રખ્યાત સર્જકો સાથેનું મિલન, કારણ કે મારે ઘર નહોતું. કોલેજ તો સવારની કોલેજ. એટલે પછી આખો દિવસ કરવું શું? તો કોલેજની લાઇબ્રેરી બહુ સરસ હતી. તો ત્યાં જ બેસીને મારી જાતે જ બધા લેખકો વાંચ્યા. એક પ્રોફેસર ભવાનીશંકર વ્યાસ વિદ્યાભવનમાં મુંબઈમાં હતા, તો એમણે સારું વાંચેલું. એ મને દોરી ગયા. અને પછી તો મારું આખું — તમે કહો તો બાર વર્ષનું જે તપ છે એ તપ શરૂ થયું. મેં ત્યારે ખૂબ વાંચ્યું. ખૂબ પુસ્તકો ટૂંકા પગારમાં પણ ખરીદી લીધાં અને એમાં જેકોબ વાઝરમાન, જર્મન લેખક હરમાન સુગ્દમાન, પછી સાન્તાયના. પછી ફ્રેન્ચ લેખકોમાં અનાતોલ ફ્રાન્સ, બીજા જર્મન લેખકો સ્ટીફન વાઇલ્ડ — આ બધાં — પણ રિલ્કેનો મેળાપ ત્યાં નહોતો થયો. માલાર્મેનો પણ નહોતો થયો. પણ મેં મોર્ડન લાયબ્રેરી સીરીઝની Giant Editionsમાં દરેક દેશની વાર્તાઓનું સંકલન મળતું હતું, જર્મન ટૂંકી વાર્તાઓ, રશિયન ટૂંકી વાર્તાઓ, એ બધી સીરીઝ ખરીદેલી અને ખરી રીતે એમ કહું કે ટૂંકી વાર્તા તરફ મને જે આકર્ષણ થયું તે એ રીતે થયું. અને મેં હેમિંગ્વેને પણ ત્યારે વાંચ્યો, ને હેમિંગ્વેએ કહેલું કે short-stories, though short, must have an epic grandeur એટલે ટૂંકી વાર્તા ભલે ટૂંકી રહી પણ મહાકાવ્યનો એમાં વ્યાપ હોવો જોઈએ. ત્યારે મને થયું કે આ બહુ પડકારનારી વાત છે. એટલે કશું લખવાની ઇચ્છા હોય, કશું કરવું હોય, તો આ કરવું જોઈએ. નહીં તો કશાનો અર્થ નથી. બાકી તો પત્રરૂપે મિત્રોને ઘણું બધું લખેલું. કાચી-પાકી વાર્તાઓ લખવાનો પ્રયત્ન પણ કરેલો. સામયિક પણ ‘ફાલ્ગુની’ શરૂ કરેલું એ તો ઇન્ટરમાં હતા મુંબઈમાં, ત્યારથી શરૂ કરેલું. તો આ રીતે કરાંચીમાં મેં ખૂબ વાંચ્યું અને ત્યાં બધાં continental poetsનો પરિચય થયો. અને Mid 20th Century નામનું પોલીશ હાઉલીનું સમ્પાદન કરેલું એક કાવ્યનું પુસ્તક હતું એ મેં વડોદરા આવ્યા પછી વાંચ્યું ને વંચાવ્યું. અને ‘ક્ષિતિજ’ પર એ જાતની કવિતાનો પ્રભાવ વધારે પડ્યો. પછી કવિતામાં તો લગભગ રિલ્કેથી માંડીને અનેક જર્મન કવિઓ, બીજા બધા, એલેકઝાંડર બ્લોક વગેરે. પછી જે આમ બહુ અજાણ્યા, આપણે માટે અજાણ્યા પણ બધે જાણીતા એવા બધા કવિઓ મેં વાંચ્યા. ટોમસ માનની વાર્તાઓ વાંચી. નવલકથાઓ વાંચી. કાફકા પછી લગભગ પૂરો વાંચ્યો. દોસ્તોએવસ્કીને વાંચવાની શરૂઆત કરી. એ ઉપરાંત ત્યારે જ કેટલીક નવલકથા જેનાં અત્યારે નામ પણ હું ભૂલી ગયો છું એની મન પર પ્રભળ છાપ પડી. કેટલીક લેટિન અમેરિકાની હતી, કેટલીક ફ્રાન્સની હતી, કેટલીક ઇટાલીની હતી. અને આ બધાંએ મળીને મારા મન પર સાહિત્ય આ હોઈ શકે એવી કોઈ સિદ્ધાન્તનાં પુસ્તકોમાંથી લીધેલી વ્યાખ્યા કે લક્ષણો નહિ, પણ આ કૃતિઓના સમ્પર્કમાં આવ્યાથી સાહિત્યની વાત આ હોઈ શકે એવી છાપ ધીમે ધીમે દૃઢ કરી આપી.

* * *

(પશ્ચિમના સાહિત્યનો)જે પ્રભાવ છે એનો રૂપિયા-આના-પાઈમાં હિસાબ આપી દઈ શકાય એમ તો નથી. ઉમાશંકર એમ કહે છે કે રવીન્દ્રનાથનો પ્રભાવ એ મારી મોટી મર્યાદા છે. હવે એમ તો મને ન્યાય કરવા માટે એવું ન કહેવું જોઈએ. કેટલાકે એમ પણ કહ્યું કે જે માણસ રવીન્દ્રનાથ વાંચીને ઘેલો થઈ જાય એ એક બાજુથી કૅમ્યૂ, કાફકા, સાર્ત્ર, દોસ્તોએવસ્કી, રાયનર મારિયા રિલ્કે એવા બધા લેખકોને કેવી રીતે વાંચે કે અમેરિકાના black humoristને કેવી રીતે વાંચે? પણ કોઈનો પ્રભાવ આપણે ઝીલીએ એનો અર્થ શું છે કે એણે જિંદગીને જે રીતે જોઈ અને એનું રૂપ આપ્યું એની પ્રક્રિયા આપણે બિલકુલ નજીક જઈને જોઈએ. એટલે પ્રક્રિયા જેટલી સમજીએ એટલો જ એનો પ્રભાવ. પણ મેં જે લેખકો વાંચ્યા, મારે એટલું કહેવું જોઈએ કે they were inimitable. તમે જો એમનું અનુકરણ કરવા જાઓ તો એ હાસ્યાસ્પદ જ નીવડે. તમને અનુકરણ કરવા જ ન દે. અને મારી મોટા લેખકની કસોટી એ જ છે કે એનું અનુકરણ કરો તો મર્યા જ જાણજો. એવું બની જ નહીં શકે. તમારી હાંસી જ ઉડાવે લોકો. એટલે કાફકા જેવી વાર્તા લખવા જાઉં તો લોકો કહેશે કે આ શું? આવું તે કંઈ થાય? એટલે લેખકોનો પ્રભાવ હજુ પણ પડે છે મારા ઉપર. દાખલા તરીકે, બધાં કહે છે કે માર્ક્વેઝની One Hundred Years of Solitude બહુ ઉત્તમ કૃતિ છે પણ મને એની Autumn of Patriarch બહુ ગમે છે, કારણ કે એમાં એણે ખરેખર સર્જનકર્મ કર્યું છે. એણે તો બિચારાએ પોતે કહ્યું છે કે One Hundred Years of Solitudeમાં તો મારી આઠ વરસ પહેલાંની જે જિંદગી છે એ જ એમાં આવી છે. પછીનો વિકાસ નથી એમાં. પણ આપણને તો એ જ એટલી ગમી ગઈ કે એથી આગળ જવાનું હવે સૂઝશે. આ બધા સર્જકો વાંચું છું તો એક જ એમાં મને લાભ થાય છે કે મને નવી નવી શક્યતાઓ તરફ જવાનો એ લોકો અંગુલિનિર્દેશ કરે છે કે આમ તો કર્યું, પણ તમે આ કરી જોશો? આ બધા જ લેખકો છે, સર્જકો છે, મને એમ લાગતું કે જગત જે છે એની પ્રતિચ્છબિ કે આપણા પર પડેલી છાપ એટલાથી જ જો આપણે જીવનનું ગાડું ગબડાવતાં હોઈએ તો ધીમે ધીમે દરિદ્ર થતા જઈએ. એની સાથે સાથે રિલ્કેએ પ્રયોગ કર્યો હતો — inscape અને heartscape — અથવા હાર્ટસ્પેસ (heartspace) કહે છે એ. એ બે તમે ભેગા ન કરો તો ખરી યથાર્થતાનું ચિત્ર તમારી આગળ અંકાતું નથી. અને રિલ્કેએ પણ એ જ કર્યું. તો to create more heartspace — હૃદયનો થોડો અવકાશ વિશાળ કરવો. અને મને તો, મારી પીએચ.ડીની થિસીસ મેં સન્ત કવિઓ ને જ્ઞાનમાર્ગી ધારા વિશે કરી, એમાં દાદુ દયાળે બહુ સરસ કહ્યું છે તે પણ યાદ આવે કે એક ફૂલને ખીલવું હોય છે તો બાંહેધરી માગે છે ભગવાન પાસે કે ઉપર ખૂબ મોટું આકાશ વિસ્તરેલું હોવું જોઈએ તો જ હું ખીલીશ, નહિ તો મને બધું નાનું પડે. એટલે આપણા સન્ત કવિએ કહ્યું છે અને ઉપનિષદમાં પણ કહ્યું છે કે મોટામાં મોટું પાપ જે છે એ બ્રહ્મસંકોચનું પાપ છે. તમે તમારી ચેતનાને સંકોચી દો એ પાપ છે. એટલે મેં જે પ્રભાવ ઝીલ્યો તે આ રીતે કે મારી ચેતનાને જે વિસ્તારે, એના પરિમાણને વિસ્તારે પછી ડરવાનું નહીં. એ પરિમાણ ભયાનકનું હોય, જુગુપ્સાનું હોય, કરુણનું હોય, કારણ કે એ બધાંની સાથે, content સાથે મારે સમ્બન્ધ નથી. પણ એના ફોર્મ સાથે સમ્બન્ધ છે. સુઝાન લેંગરે કહેલું ને કે we are not concerned with the feeling but with the forms of feeling. એટલે એ મને ગમે. એટલે મેં સંસ્કૃત પછીથી પણ ઘણું વાંચ્યું. દાખલા તરીકે, કાલિદાસ ફરીથી વાંચ્યા, વાલ્મીકિ વાંચ્યા, પછી અત્યારે મહાભારત વાંચું છું અને સન્ત કવિઓની પણ બધી કવિતાઓ વાંચી ત્યારે મને લાગ્યું કે પોષણ મેળવવાને માટે તો આખું વિશ્વ છે તે આપણી આગળ રાજભોગ ધરીને ઊભું છે. છતાં લોકો પશ્ચિમ-પરસ્તીનો મારા પર આરોપ મૂકે છે કે તમે તો પશ્ચિમમાંથી જ બધું લાવો છો પણ ‘જનાન્તિકે’ જો તમે વાંચો તો એમ ન કહો. એમાં બોદલેર છે પણ તો રવીન્દ્રનાથ નથી? કાલિદાસ, વાલ્મીકિ નથી? બીજા ઘણા બધા કવિ એમાં છે. જ્યાં ઝાવેદ પણ મને ગમે છે. મારી વાત એક છે કે જો તમે આ રીતે તમારી ચેતનાને પોષણ નહીં આપો, એનાં dimensions, પરિમાણો નહિ વિસ્તારો, તો gradually, without your knowledge you will slip into non-existence. એમાંથી જો તમારે બચવું હોય, ઊગરવું હોય એક સર્જક તરીકે, તો આ રીતે કરો. નહિ તો તમને પંપાળવા જેવું એક વ્યક્તિત્વ તો સમાજે આપી દીધું હોય છે. તેને ખોળે બેસાડીને લાડ લડાવ્યા કરો, ને જિંદગી પૂરી કરો, જે કેટલાક અભાગિયા સર્જકો કરતા હોય છે. (પશ્ચિમના સર્જકોની)એ અસર મેં બહુ જ સાવધ રહીને ટાળી છે. રિલ્કે મેં બહુ વાંચ્યો છે, સૅન્ટ જોન પર્સની કવિતા પણ મને બધી લગભગ મોઢે છે. પણ છતાં મેં હંમેશાં એ કાળજી રાખી છે કે મારું વિશ્વ છે એ મારી પોતાની આંખથી જોયેલું હોવું જોઈએ ને મેં એને કોઈ રીતે ઘડેલું હોવું જોઈએ. એટલે મને કોઈકે કહ્યું છે — કોણ તે અત્યારે યાદ નથી આવતું — કદાચ માલાર્મે હોય, કે તમે એક પ્રકારની શૈલીમાં લખવાનું શરૂ કર્યું, તમને એ ફાવી ગઈ, તો ચેતી જાઓ. તરત જ એને છોડીને સામે છેડે પહોંચી જાઓ. એટલે એમ ન લાગવું જોઈએ — આપણે હમણાં જ પેસોવા નામના પોર્ચ્યુગીઝ કવિની વાત કરતા હતા ત્યારે મેં કહેલું ને કે આપણામાં તો એક જ નહિ, પણ ૧૦-૧૫ માણસો સાથે રહે છે અને એ બધાં વચ્ચેનો સંવાદ-સંઘર્ષ એ પણ ચાલવો જોઈએ. એટલે દોસ્તોએવસ્કી મને ગમે છે પણ એની વાર્તા કે એની રચનાપ્રક્રિયા — એનું અનુકરણ ન કરી શકું. દાખલા તરીકે, આજે પણ મારે લખવું હોય તો એવું પ્રલોભન મને થાય કે દોસ્તોએવસ્કીની ર્શાીજ Notes from Undergroundના જેવો નાયક નહિ પણ પ્રતિનાયક જેવું કોઈ પાત્ર ઘડું, તો એ લોભમાંથી તરત હું પાછો સાવધ બની બચી જાઉં છું કે ના, એ મારે કરવાનું નથી. મને જે માણસ દેખાશે એ મારો પોતાનો હશે, જેને મારી ગતિ સાથે, મારી ચેતનામાં જેનાં મૂળ હશે એ સાથે સમ્બન્ધ હશે. એ મારે માટે સારો. પણ એક વાત છે કે હું આ વાલેરી કે માલાર્મે : એ લોકો પાસેથી એક વસ્તુ શીખ્યો કે તમે કેટલા અમૂર્તને મૂર્તના ક્ષેત્રમાં લાવી શકો છો અને in memorable way, એ વધારે મહત્ત્વનું છે. એટલે હું એક અમુક આગ્રહ રાખું કે never make any statements — વિધાનો ન કરો. You have not to tell but show — તમે બતાવો, પ્રત્યક્ષ કરી આપો. તમારે challenge લેવી હોય તો શું કરવું? તમે ધુમ્મસને વાચા આપો, અન્ધકારને બોલતો કરો, પવનના શરીરને સ્પર્શો. ત્યારે એ જે મારા પર પ્રભાવ પડ્યો હોય તો આટલો કે never take the easy way, try to do something hard અને એટલે જ હું કહું છું ને કે it is the privilege of the artist to fail. તમે પણ કદાચ પૂછશો, એટલે પહેલેથી જ જવાબ આપી દઉં કે તમારી કઈ કૃતિ તમને ઉત્તમ લાગે છે અને કઈ નથી લાગતી, એ મારે માટે ગૌણ બાબત છે અથવા આશ્વાસન રૂપ છે. કેમ કે મારે હજુ વિકાસ કરવાની શક્યતા બાકી છે. મને લાગે છે એટલે આ કર્યંુ, આમાં મને બહુ સન્તોષ થયો એવું પ્રામાણિકપણે હું કહી ન શકું. એટલે તમે જો મારી વાર્તાઓના સંગ્રહો જોશો તો એક ટેકનિક હું ત્રણચાર વાર અજમાવી જોઉં છું. એટલે મારી સામે જે પ્રશ્ન છે એ આખો રસકીય પ્રશ્ન છે, aesthetic problem છે. એ પ્રોબ્લેમને કેવી રીતે સમજવો, ઉકેલવા કરતાં કેવી રીતે સમજવો અને એ સમજને આપણે સર્જનાત્મક રીતે કેવી રીતે મૂકવી એ સારો પ્રશ્ન છે. એટલે આખી કૃતિ organic whole બને, એમાં એક વાક્ય કાઢી નાખવા જેવું ન રહે અને એની ગૂંથણી એવી હોય કે જે એકદમ સપાટી પરથી ન દેખાય, પણ જેને શોધવી હોય તેને જરાક ઊંડે જવાની જરૂર પડે એટલી સૂક્ષ્મતા એમાં હોય એ મારો આગ્રહ છે. એટલે બહુ જ લાંબી, વિશાલ કદની ડબલ ડેકર નોવેલ્સ કે પેઢી-દર-પેઢીની વાત આવતી હોય તે કે documentation અમુક જાતનાં હોય એ બધાં તરફથી હું પાછો વળી ગયો છું. એનું કારણ તે આ સૂક્ષ્મતાનો આગ્રહ છે. એમ નહિ કે એ બધું મેં સિદ્ધ કર્યું જ છે. દરેક ટેકનિક જુદી જુદી બદલી જુઓ, પેરેબલની ટેકનિક લીધી — દૃષ્ટાન્તકથાની, fairy-taleની લીધી, fantasyની લીધી, પછી બિલકુલ નર્યા વાસ્તવવાદની લીધી, પછી psychological depthમાં જઈને આપણે જોઈએ તો ત્યાં બધું જોડવાનું કેવી રીતે એ પ્રયત્ન કર્યો. પછી એમાં multifocal timeની તપાસ કરી, એમ તમે જો મારા થોડા સંગ્રહો જોશો તો એમ લાગશે કે જો હું અમુક જ એક લેખકના પ્રભાવમાં આવી ગયો હોઉં એવું બન્યું હોય તો પછી બસ મને આ મળી ગયું અને પછી હું ધીમે ધીમે એની નકલો કાઢતો જાઉં ને પછી મને એમ લાગે કે તમારા પ્રશ્નના જવાબમાં એમ પણ કહી દઉં કે હા, મને હવે ચોક્કસ દિશા મળી ગઈ છે ને લાગે છે કે મારો આ પ્રયત્ન સફળ છે. પણ એ નથી.

* * *

સાહિત્યની પ્રવૃત્તિ શાને માટે છે? કે મારી ચેતના, મારાં જૈવિક પ્રયોજનો, મારા સામાજિક આશયો ને મારી થોડીક પંપાળેલી લાગણીઓ આને જ સંતોષવા પૂરતી નથી. અને એટલે એ ચેતના જેટલા જગતને આત્મસાત્ કરી શકે — બાહ્ય અને આન્તરિક, એ બેની વ્યાવર્તક રેખાને જેટલી ભૂંસી શકે તેટલે અંશે મારા વ્યક્તિત્વનું પરિમાણ વધે. જે લખવું હોય તે આટલા માટે. એટલે છે તે ચર્વણા — એટલે શાની ચર્વણા? aesthetic contemplation શાનું? તો તમે આ જગત જે જુઓ છો, એના સમ્પર્કમાં આવો છો, એની સાથે તમારો મુકાબલો થાય છે, એની સાથે તમારું મિલન થાય છે, એની સાથે તમારા ઝઘડા પણ થાય છે. તો આ બધાને કેવળ વૈયક્તિક સ્તર પર ન રખાય. જો તમારી ચેતનાને તમે વિસ્તારેલી હોય, તો જ એનાં બીજાં અપ્રગટ પરિમાણો સુધી તમે પહોંચી શકો. એટલે આ જાતનો ચેતોવિસ્તાર એ મારા વ્યક્તિત્વની સીમાઓનો વિસ્તાર છે અને ઉપનિષદમાં કહ્યું છે તેમ નાલ્પેવ: સુખમ્ ભૂમેવ: સુખમ્ / અલ્પમાં સુખ નથી. ભૂમા સુધી તમે તમારું વિસ્તરણ કરી શકો, બૃહદ્નો સંસ્પર્શ લાવી શકો તો જ તમને સાર્થકતાનો અનુભવ થાય, નહિ તો ન થાય. હવે આને માટે દસ ખણ્ડવાળી નવલ લખવાની જરૂર નથી. જ્યાકોમેત્તી એના એક જ તારમાંથી કરેલા શિલ્પમાં પણ આ achieve કરી શકે કે ઉન્ગારેત્તિ જેવો કવિ એક જ પંક્તિમાં, એક લીટીમાં પણ એ પરિમાણ સાધી શકે. પણ એ તમારી એક લીટી એવી હોવી જોઈએ કે જેના મનમાં ગઈ એના મનમાં, પછી એની અસંખ્ય શાખાઓ પલ્લવિત થયા કરે. અને પછી એક વિશાળ વટવૃક્ષ જેવું કંઈક આપણામાં પાંગરે છે. જો એ ન હોય તો સર્જનને માટેની આબોહવા રચાતી નથી. એટલે જ મેં એમ માન્યું કે સર્જકને માટે કોઈ ભૌગોલિક સીમાડા નથી. ને આને કારણે મારા પર આરોપ પણ મુકાયો કે એમનામાં Indianness નથી, social awareness નથી. પણ social awareness એટલે મેં ઝૂંપડપટ્ટી વિશે વાર્તા લખી કે માહિમની ખાડી વિશે લખી એ નથી. પણ આપણો સમાજ મારા આન્તરિક ઊમિર્જીવનમાં કયાં રૂપો પામીને ઊતર્યો છે, એના કયા સન્દર્ભોને મેં કઈ રીતે મૂક્યા છે એ જોવાનું છે. સંઘર્ષો છે જ : ‘એક મુલાકાત’ની વાર્તામાં પેલો જે જાય છે એ આવો suppressed ego, એનો inferiority complex એ બધું છે. એ એક psychological problem નથી. psychological problem તરીકે કોઈએ તપાસી પણ છે હમણાં એ વાર્તાને ‘કંકાવટી’માં. પણ મારે માટે એ problem છે કે આ જાતના વ્યક્તિત્વને રજૂ કરવા માટે કેવો પરિવેશ, કેવું વાતાવરણ, કેવી આબોહવા રચો, બધી વસ્તુઓને નવાં રૂપો કેવી રીતે આપો તો આ માણસ બહાર આવે. તો મારે આવો aesthetically પ્રયત્ન કરવાનો હતો. તેવી રીતે આપણને એમ લાગે કે ‘એક પુરાણી વાર્તા’ તો શું સૌથી પુરાણું છે? તો હું રોજ રાતે ઓગળી જાઉં છું. disintegrate થઈ જાઉં છું, મારા કણકણ વિખેરાઈ જાય છે, પછી પાછાં બધાંને ભેગાં કરીને હું ફરી પાછું જ્યારે રચું ત્યારે એ પાછો આવે છે. એમાંથી થોડું જતું રહે છે — તો આ disintegration અને rebirth ચાલ્યા જ કરતું હોય છે. ત્યારે એવી એક ક્ષણ લઈને આપણે જોઈએ કે શું છે આ? તો મારી સામે આ જાતના પ્રશ્નો છે. એટલે આ વાર્તાઓ વિશે કે કવિતા વિશે — કવિતામાં પણ મેં ઝાઝું નથી લખ્યું કારણ કે મને ગદ્યનો લય, ગદ્યનો આખો બંધ, એનું ગુંફન, એની ગૂંથણી — એ બધું મારી પોતાની દૃષ્ટિએ મને વધારે challenging લાગે છે કે તમે એ કરો. બાકી કવિતાની બાની અત્યારે એટલી લપટી પડી ગઈ છે કે જેમ પેલા રે મઠવાળાએ કહેલું તેમ ડાબા હાથનો ખેલ બની ગઈ છે. તમે એક દિવસમાં ૭૦૦ હાયકુ લખી નાખો કે ૨૦ સોનેટ લખી નાખો. કેટલાક લોકો લખે છે. એટલે મને એમ લાગે છે કે આવા વિશ્વસાહિત્યના સન્દર્ભમાં આપણી કૃતિને મૂકીને જોવી જોઈએ. પરિપ્રેક્ષ્ય જરા વિશાળ બનાવવો જોઈએ. આપણી સામે નવા પડકારોને ઝીલવાને માટેની આખી એક નવી સૃષ્ટિ ઊભી કરવી જોઈએ. અને એ કર્યા પછી તમે લખો તો એમ માનું છું કે લેખક સભાન છે અને સભાનપણે જ આ કરી શકે. જે આવ્યું, મનમાંથી પસાર થયું એને અલપઝલપ ઝીલી લીધું અને ચાર પંક્તિમાં આમતેમ વેરવિખેર મૂકી દીધું એ એક જાતનો શિથિલ આચાર ગણાય.

* * *

રિલ્કે, તો એ એક જ કવિતા લખતો’તો. અનેક રીતે એણે લખી. પણ આપણા જે સર્જકો છે મોટા ભાગના તે પુષ્કળ લખનારા, sporadic લખનારા. તમે દસ વરસ પહેલાં કે ત્રીસ વરસ પહેલાં કે પચાસ વરસ પહેલાં પ્રગતિવાદી સાહિત્ય રચેલું. પછી ગાંધીજી આવ્યા ત્યારે ગાંધીવાદી લખ્યું અને હવે જ્યારે બધી હતાશાની વાતો ચાલે છે ત્યારે રખેને પાછળ રહી જવાય એ માટે આપણે પણ એવી કવિતા લખી. તો એ લોકો એક જ કાવ્ય લખે છે એવું તો ન જ કહેવાય ને! એટલે એ લોકોમાં પેલા major poetનું લક્ષણ નથી આવતું, એટલે મારે શું છે કે તમે તમારું એક જગત ઊભું કરો છો. એ જગત તમારું છે. એની આબોહવા તમારી છે. એનું આગવાપણું છે એમ જે સ્થાપિત કરી શકે તે સર્જક ખરેખર સાચો સર્જક અને તે મોટા ગજાનો સર્જક કહેવાય. બાકી તો પછી બધી પુષ્કળ રચનાઓ જ થવાની. એક કવિતા તમે વિહાર તળાવ જોઈને લખી. બીજી કવિતા વળી તમે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ગયા ત્યાં જઈને લખી. ત્રીજી કવિતા પણ, આ બધી તમે લખો છો તો વિષય જુદા થયા તો એની પાછળ ચેતનાનો જે તન્તુ ઓતપ્રોત થયો હોય છે એ તમને ખબર આપે કે આ એક જ અખણ્ડ કૃતિના બધા ભાગો છે. એવી અખણ્ડતાનું ઇંગિત જેમાં ન રહેલું હોય, જે નર્યું પોકળ હોય એ બધું ફૂટકળ છે અને એમાંથી માણસ પોતે પોતાને પણ ઓળખતો નથી. તો જગત રચાવાની વાત તો બાજુએ રહી.

* * *

હું કવિતા વિશે તો ઝાઝું નહીં કહુું, કારણ કે મેં બહુ ઓછી લખી છે. પણ પાછળથી મારું કવિતામાં પણ વલણ એવું થયું કે અમુક એક ભાવ જે આપણા મનમાં મુખ્ય રમતો હોય એ ભાવ છે તે ‘પ્રોબ્લેમ ઓફ એવિલ’નો છે, કે ભાઈ, હું કોઈ નિર્દોષ બાળકને આગમાં બળી મરતું જોઉં છું અથવા ગરીબ માણસ રોજી રળવા જતો હોય ને છૂંદાઈ મરે છે અથવા દુનિયામાં જેનું કારણ નથી શોધી શકાતું એવા જે વિષાદનો ભાર છે, એક જાતની વેદના છે, તમે ગમે તેટલાં આશ્વાસન લાવો, ગમે તેટલું બુદ્ધિને એનું પગેરું કાઢવાનું કહો તો તે જડતું નથી તો, મારી… તમે જો પૂછો મને તો, મારી જે વાર્તાઓમાં કે કવિતામાં, તો આ એક પ્રશ્ન રહ્યો. એને માટે ઈશ્વર સાથે લડવું. આમ પ્રશ્નો ફેંકવા સામે, આખી વાતને આ રીતે કહેવી એટલે…અને પછી આ બધાંને કારણે જે માનવી તરીકેના ગૌરવની જે પોકળ વાતો ચાલે છે એ પણ કેવી પોકળ છે તે બતાવું. દા.ત., મારું ‘પાંચ અંકી નાટક’ — તેમાં મેં કહ્યું કે ‘ભાઈ, આવો માણસ છું હું તો — મારામાં કોઈ વિલન થવાની શક્તિ પડેલી છે પણ તે પણ મેં નથી વાપરી. અને માણસ થવું, ઉદ્ભિજ જ હોત તો ચિંતા નહોતી, ખનિજ હોત તો ચિન્તા નહોતી. પણ આ તો માણસ થયા. એટલે પછીની ક્ષણનો પણ વિચાર આવે છે. તો સમય, બિચારો સમય… we live in fractured time. તો સમયની બધી કચ્ચરો વાગે છે — તો આની એક વેદના છે. એટલે મારો એવો દાવો નથી કે મેં કંઈ આવી એક જ વાતને મનમાં રાખીને લખ્યું છે કે એ બધું એને જ અંગે લખાયું છે. પણ સતત એક સૂર, મારે જો એને પ્રગટ કરવાનો હોય તો આ વિષાદનો કે વેદનાનો સૂર છે, વાર્તામાં પણ એ જ. દા.ત. સમ્બન્ધની કડી સાંધવી એ આપણે કહીએ છીએ કે બહુ મોટી વાત છે. પણ સમ્બન્ધની કડી સાંધતાં સાંધતાં લગભગ તમે આખા ને આખા બિલકુલ ખંડેર જેવા ભંગુર જેવા થઈ જાવ ત્યારે તમને કડી સાંધવાની ક્ષણ આવી એમ લાગે, અને ત્યારે તો બધું પતી ગયું હોય. એટલે જેને આપણે પ્રેમ કહીએ છીએ, જેને આપણે સમ્બન્ધો કહીએ છીએ એની એક અનિવાર્યતા છે લોહીમાં, આપણું મન પણ, આપણી ચેતનાનો પણ સ્વભાવ છે એ જાતનો, એટલે કર્યા વગર તો રહી શકતા નથી ને છતાં ક્યારેક ખબર પડે છે કે જે એક વાત સાર્ત્રે કહી છે કે the other one is your hell, જે ઇતર જન છે આપણાથી, એ આપણું નરક છે, કારણ કે બહુ જ સાચી લાગણી લઈને જાવ, બહુ જ ઉત્કટતા લઈને જાવ તોયે ત્યાં સુધી પહોંચી શકાતું નથી. હવે આ એક બીજી વેદના છે. એટલે સંસારમાં આપણે સ્નેહને સાધન માનીને એનાથી બીજું કંઈક પામવા નીકળ્યા નથી હોતા તો પણ આવું બને છે. એટલે ‘છિન્નપત્ર’ નવલકથામાં કહ્યું કે, ‘ભાઈ, આ પ્રેમીઓ છે આપણા જમાનાના, તે તો ડાળ પરથી તૂટી પડેલાં બે પાંદડાં જેવાં છે. એ ત્યાં સાથે હતાં પણ આ સમયના આવર્તમાં ફસાયા પછી દરેકને જુદી જુદી દિશામાં પવન ખેંચી લઈ જશે. માટે જ હેમ્લેટે ઓફેલિયાને કહેલું કે, ‘તું પ્રેમની વાત આ સૃષ્ટિમાં કરે છે?’ કદાચ હું અંગત રીતે આ વાત નથી કરતો, અંગત રીતે બહુ સુખી માણસ છું પણ વાત એવી છે કે એ વિષાદ કોઈમાંથી નથી આવતો કે કોઈ મનોમુગ્ધતામાંથી નથી આવતો, એટલે કે વધારે પડતી ચેતનાની અતિમાત્રા એ એક આમરણ માંદગી જ છે. તો એમાંથી છટકી શકાતું નથી, કારણ કે આપણે સંવેદનશીલ છીએ માટે. હવે સંવેદનશીલ છીએ એટલે કે સંવેદનશીલતા પ્રમાણભાન ચૂકી જાય એવું ન બને એ સર્જકની ફરજ છે.

* * *

કવિતાની શરૂઆત તો પ્રકૃતિ-પ્રત્યંગના-પ્રકૃતિનો જે સમ્પર્ક હતો બાળપણનો, ‘ગ્રીષ્મની બપોર’ જેવા કાવ્યમાં કે ફૂલ જે બધાં બાળપણનાં સાથી હતાં મોગરો, ગુલાબ, જૂઈ, જાઈ એ બધાં, અને સાથે સાથે એમાં જે હતાશાનો અંકુર ફૂટવા માંડ્યો તેનો થોડો અણસાર એમાં છે. કવિ ‘પ્રત્યંચા’માં એટલું કરીને અટકી જાય છે કારણ કે ત્યારે ધીમે ધીમે મારું મન ટૂંકી વાર્તા તરફ વળી ગયેલું અને મેં જે વાંચનનો આસ્વાદ લીધેલો એ ગદ્યની તપાસ, ગદ્યની ગુંજાયશ પ્રગટ કરવા તરફ મને વધારે પ્રેરતું હતું. પછી ‘ઇતરા’નાં કાવ્યો લખાયાં. એમાં મેં જે વિષાદની વાત કરી, સમ્બન્ધની, પ્રેમની, એનો થોડો રોમેન્ટિક અભિનિવેશ, એની આખી એક દસ કાવ્યોની શ્રેણી એમાં આવી, પછી અનુભવને જુદાં જુદાં રૂપ આપીને જોયું. દા.ત. ‘ગ્રીષ્મની બપોર’ની શાન્તિ ક્યાં, કેમ જોખમાય છે, ઘરમાં આવીએ છીએ ને દર્પણ કેવી રીતે વર્તે છે આપણી સાથે? ‘ત્યાં કોઈ ઘૂંટે છે ગરલ ચન્દ્રના ખરલમાં’ એ જે અનુભવ ને થોડું exotic તત્ત્વ એ એમાં આવ્યું. ને પછીથી એ ભૂમિકામાંથી બહાર નીકળીને ત્યાં ‘મૃણાલ’માં આ એક જ અવાજ આપણે બોલીએ છીએ એને બદલે બે-ત્રણ અવાજ હોય, એને બોલીએ તો, પાઠ કરીએ તો, એ દૃષ્ટિને એમાં પ્રાધાન્ય છે. અને એ રીતે જુદા જુદા અવાજો — આખો પરિવેશ બદલાય છે, એક બાળકથા કે પરીકથા જેવું આવે છે, એક છાપાના સમાચાર જેવું આવે છે, એક છે તે બિલકુલ વાસ્તવિકતાના, કદર્યતાના અંશો છે તેની વાત આવે છે. એમાં જુદા જુદા ભાવના સ્તર પર, જુદા જુદા અવાજો કેવી રીતે કામ કરે છે, અને એનો લય કેમ બદલાય છે એવી રીતે કરેલો એક પ્રયત્ન છે. અને સાથે સાથે એમાં પ્રેમની વિફળતાની જે વાત છે એ પણ થતી આવે છે. એક પાત્ર છે એને માટે. પછી ‘તથાપિ’માં — ‘તથાપિ’ શબ્દ જ સૂચવે છે એમ કે આ બધું છે છતાં જે મૂળ ઝઘડો છે, પાયાનો, એ તો આપણે માંડવો જ જોઈએ અને એમાંથી જે સંઘર્ષ થાય અને એમાંથી જે સંવાદો આવે, જે dramatic element આવે તે લાવવું જોઈએ. પણ એ પ્રશ્નો માત્ર metaphysical હોય તે ન ચાલે. એનું મૂળ આપણા હૃદયમાં ક્યાંક હોવું જોઈએ, જે મેં અનુભવ્યાં હોય. એટલે ‘પાંચ અંકી નાટક’માં મેં કહ્યું કે સામાન્ય માણસ છે એ કેટલો કરુણ અનુભવી શકે? અને એ વિલન પણ હોય છે તો વિલન પણ પૂરો થઈ શકતો નથી. જાણે કે કશા જ કોઈ રસના બધાં મોટાં પરિમાણો જ એની પાસેથી ઝૂંટવાઈ ગયાં છે. આ human condition, તો એટલે છેલ્લેથી શરૂ થાય છે એ રીતે ચાલે છે. તો એ વાત પ્રમાણે મેં આખું diction બદલ્યું. એ પ્રમાણે મેં જ્યાં જ્યાં વાતચીતની છટા આવે, જ્યાં જ્યાં પેલો person જે create કર્યો છે એ જે, પોતાના સામાન્યપણાને પ્રગટ કરે એની ભાષા આવે એ રીતે, અને એ વાત પછી આગળ ચાલે. એમાં પણ પ્રકૃતિની વાત, દા.ત. ડુમ્મસમાં સમુદ્રદર્શન, તો એ સમુદ્રદર્શન ત્યાં કેવળ પ્રકૃતિનું કાવ્ય નથી બનતું. પણ એ, આખું ઘર, એનું વાતાવરણ, એક ભૂતિયા મહેલ જેવું…એમાં રહેતાં માણસો જે આજે નથી, એ પ્રાચીન ગૌરવ, એને માટેનો એક લાગણીનો તન્તુ જે સંધાયેલો અને છેદાઈ ગયો એને માટેનો ઝૂરાપો, આ બધી વાત એ દસ કાવ્યોમાં મળી. સમુદ્રનાં પણ એ બહાને સાથે સાથે જુદાં જુદાં રૂપ વણાતાં આવ્યાં. અને પછી જે ‘થાક’ નામનું કાવ્ય લખ્યું તેમાં આજે આપણે બધાં પ્રાચીન ભારત દેશના ગૌરવવંતા નિવાસીઓ કેટલી બધી સંસ્કૃતિનો, ધર્મનો, ઇતિહાસનો, ઉત્ક્રાન્તિનો બોજો ઉપાડીને ચાલીએ છીએ. એટલે એક ઉદ્ગારમાંથી આ કવિતા શરૂ થઈ કે હવે મને માણસ હોવાનો થાક લાગે છે. અને એ થાક પછી કેમ તો ફરી ઇચ્છા થાય એવી કે પાછા ઉદ્ભિજમાં કે ખનિજમાં ચાલ્યા જઈએ. અને એવું થાય છતાં ત્યાં જઈ શકાતું નથી. જ્યાંથી આવ્યા ત્યાં પાછા જઈ શકાતું નથી. તો એ નિમિદૃો પછી આખી એની વાત. પણ એ પાત્ર દ્વારા, કે જે પાત્ર કહે છે કે ‘કોઈક વાર’ — તો કોઈક વારમાં એમ કે માર્ક્સે કે કોઈકે કહ્યું છે તે મને યાદ હતું અને તેના પરથી આખો વિચાર સૂઝ્યો, કે જ્યારે જ્યારે ઇતિહાસ વળાંક લે છે ત્યારે ત્યારે કેટલાક માણસો એનો જે આવો પ્રદક્ષિણાનો ક્રમ છે એની બહાર ફેંકાઈ જાય છે. ત્યારે એનો હડદોલો લાગે ને માણસ બહાર ફેંકાઈ જાય. આ ફેંકાઈ જવાની સ્થિતિ આપણે અનુભવીએ છીએ, એ શી છે? તો કોઈક વાર એનો અનુભવ તીવ્રપણે થાય છે તો એવી એક ક્ષણ લઈને એને વિશે વાત કરી છે….

* * *

રાતે હું કશું વાંચતો નથી કે લખતો નથી. દિવસના ભાગમાં જ જ્યારે જે કંઈ જ્યારે જે — એવું છે ને કે બીજી બધી કેટલીક ભૌતિક સગવડો આપણી પાસે હોય, ત્યારે આ બધું પરવડે કે હું આ વખતે જ કોઈને મળું ને આ વખતે ન મળું ને મારા ઓરડામાં કોઈને આવવા ન દેવા. એવો મારે પોતાનો કોઈ ઓરડો પણ નથી. એટલે બહાર બેસીને લખું, વચમાં કોઈ આવે તો વાતચીત ચાલે, બીજી પણ વાતો ચાલે, એટલે એવું કશું છે નહિ. (ઘરની જવાબદારી સોંપવાના)એવા પ્રયોગો ઉષાબહેને થોડું જોખમ ખેડીને કર્યા, પછી કંઈ વધુ જોખમ ખેડવા જેવું લાગ્યું નહિ… એમણે એમાંથી મુક્ત કર્યો. કદાચ એ મારી સ્ટ્રેટેજી પણ હોય… ખરી વાત તો એ છે, કે જિંદગીમાંે હું કશી ભૌતિક સગવડથી કામ કરી શક્યો નથી. મળવા આવનારા લોકો હોય, બીજી બધી વાતો ચાલતી હોય, અવરજવર ચાલતી હોય, તો ઘરના એક ખૂણે બેઠો હોઉં — તો એટલું ખરું કે એમાં પછી હું એક વાર તલ્લીન થઈ ગયો, પછી આ બધું કશું મને વિક્ષુબ્ધ કરતું નથી કે એમાં અન્તરાયરૂપ નીવડતું નથી. ઘરના માણસો પણ જાણે, કે લખે છે, તો પછી બહુ છંછેડવા નહિ…એટલું જ…

* * *

અહીં પણ (નવા ઘરમાં કયૂ ૪માં)અત્યારે પણ હું સાંજે બહાર તો જાઉં જ છું અને સાંજે મને ઘરમાં ખાસ રહેવાનું ગમતું જ નથી. એટલે બહાર સાથેનો હું લગભગ પોણા ભાગનો બહારનો માણસ છું અને પા ભાગનો જ ઘરનો માણસ છું. બહાર સાથે મારો એટલો બધો યોગ છે — બહાર પ્રકૃતિ છે, બહાર આખું જે વિશ્વ આપણા મનમાં છે તેનું અડધિયું જે બહાર છે તેની સાથેનું અનુસન્ધાન રચવું-માણવું. એ બધું મનમાં જે ચાલ્યા કરે છે, એ બધું ઘરમાં બેસીને જો દૃષ્ટિને બહાર ન જવા દઈએ — મારી બાએ મને નાનપણમાં કહેલું કે દેખીતી વસ્તુ ન દેખાય ત્યારે — ઠપકો આપીને કહેલું ‘તારે આંખ છે કે કોડિયાં!’ ત્યારથી હું સમજી ગયો કે આંખ જોવા માટે આપી છે. એટલે જોવાનું એટલું બધું ગમે છે, કે…ને જોયા કરવું હોય તો દૃષ્ટિને બ્હાર મોકલવી જોઈએ. ને હું પતંજલિ પ્રમાણે ઇન્દ્રિયનિગ્રહ કરીને ઇન્દ્રિયોને પાછી અન્તરમાં વાળવી, એવી બધી કશી ઝંઝટમાં પડ્યો નથી.

* * *

વૃક્ષો સાથેનો સમ્બન્ધ પણ હવે બદલાઈ ગયેલો લાગે છે. ત્યારે વૃક્ષની છાયામાં વિશ્રમ્ભપૂર્વક બેસવાની મજા આવતી. હવે તો વૃક્ષ પાસે પાનનો ગલ્લો છે, પાસેથી ડીઝલનો ધુમાડો કાઢતી બસ દોડી જાય છે. કોઈએ વૃક્ષના થડ પર જ જાહેરખબરનું પાટિયુ જડી દીધું છે. ત્યારે વૃક્ષની અને મારી વચ્ચે સેલારા મારવા માટેના મુક્ત અવકાશનો અનુભવ થતો હતો. આજે એ અવકાશ સંકોચાઈ ગયો છે. છાપાંની હેડલાઇનોનો ઘોંઘાટ, ફેરિયાઓની બૂમ, વાહનોનો કર્ણકર્કશ અવાજ અને આજુબાજુના સંસારની ગીચોગીચ એવી દખલગીરી — આ બધું જ મારી અને વૃક્ષની વચ્ચે વ્યાપી જાય છે. ઘરનું ઘરપણું હવે બદલાઈ ગયું છે. હવે ભાડાના ઘરમાં રહેતો નથી. ઘર મારું છે, છતાં મમત્વ થતું નથી. એની ભૂમિતિ મારા હૃદયની ભૂમિતિ સામે બરાબર ગોઠવાઈ જતી નથી. અગાશીમાં જાઉં છું તોય શહેરનો એ ઘોંઘાટ મારો પીછો છોડતો નથી. નાનકડો આકાશનો ટુકડો ભાગે આવે છે. એક પીપળો હઠ કરીને ઊગી નીકળ્યો છે. ઊંચા પપૈયા પર પપૈયાં પાકે છે પણ એ એટલાં બધાં ઊંચાં છે કે પાડી શકાતાં નથી. આથી કોયલ કાગડો ભેગાં થઈને ઉજાણી કરે છે. એમનો આનન્દ અને કલહ હું કુતૂહલથી જોયા કરું છું. ત્યારે બાળવાર્તા અને પરીકથાના જગતમાં રહેતા, ભીમની ગદા અને અર્જુનનું ગાંંડીવ યુદ્ધનાં શસ્ત્ર કરતાં ક્રીડાનાં ઉપકરણો જ વધારે લાગતાં, પછી તો યુદ્ધની વાસ્તવિકતાનો પરિચય થયો. આ યુદ્ધોનું શાન્તિપર્વ તો કદિ આવશે જ નહિ એવું લાગે છે. ચારે બાજુ વિસંવાદ અને સંઘર્ષની આબોહવા છે. એ બધાં વચ્ચે શાન્તિનો દ્વીપ રચીને રહેવાનું શક્ય નથી. સંસાર હજાર બાહુ ફેલાવીને આપણને ખેંચ્યા કરે છે. અનેક પ્રકારનાં નવાં નવાં દુઃખ જોડે પરિચય થતા રહે છે. માનવસમ્બન્ધોની ઉષ્માનું લોભી હૃદય ઘણી જગ્યાએથી ઠગાઈને પાછું આવે છે. સોનગઢના કિલ્લાના પડછાયા કરતાં વધારે મોટો પડછાયો સદા મારા પર ઝળુમ્બી રહ્યો હોય એવું લાગ્યા કરે છે. પાસે આવેલા સુખનો ચહેરો પણ એવો દયામણો લાગે છે કે એને પકડી રાખવાનું મન થતું નથી. વીજળીના દીવાઓ વચ્ચે રાંકડાં લાગતાં દિવેલનાં કોડિયાંને જોઉં છું ને મને વિષાદ ઘેરી વળે છે. આજનો અન્ધકાર પણ દૂષિત છે. એમાં ફેક્ટરીનો ધુમાડો છે, રાસાયણિક દ્રવ્યોના વિષનો એને પાસ બેઠેલો છે, આ અન્ધકાર આંખમાં સ્નિગ્ધ અંજનની જેમ અંજાઈ જતો નથી, ચચરે છે. એ મારા શ્વાસને પણ રૂંધે છે. પણ જાણું છું કે મારી જેમ કેટલાય જીવ આ અન્ધકારમાં ધરબાયેલા છે. આ કલુષિત અન્ધકારની આસુરી જીભ આપણી આંખોને ચાટે છે. અહીં વૃક્ષોની શાખા પવનમાં વિલાપ કરે છે. શહેરની શેરીઓમાં રૂંધાયેલી હવા હીબકાં ભરે છે. દિવસ શહેરના જુદાજુદા ભાગોમાં વધેરાઈને વિખરાઈ ગયો છે. શહેરના કેટલાક ભાગના નસીબે તો દિવસ આવ્યો જ નથી. કેટલાંય સૂનાં ઘરનાં બંધ બારણાં ધુમાડો હડસેલ્યા કરે છે. હવામાં વીલાઈ ગયેલાં સ્મિત અને તરડાઈ ગયેલી ચીસ તર્યા કરે છે. બાગનાં વૃક્ષોનાં પાંદડાંની આડશે ક્લોરિન અને એમોનિયાનો ગૅસ લપાઈને બેઠાં છે. શહેરના ફુવારાઓ યાન્ત્રિક માપ જાળવીને ઊડે છે. એમાં આકાશની ભૂરાશ પ્રતિબિમ્બિત થતી નથી પણ રંગીન કાચનો કૃત્રિમ પ્રકાશ એને આવરી લે છે. પશુઓને માટે કશું આશ્રયસ્થાન રહ્યું નથી. એમને પાણી પીવાના હવાડા પુરાઈ ગયા છે. જળાશયો શોભાસ્થાન તરીકે માનવીએ સુરક્ષિત રાખ્યાં છે. શહેરની શોભા ડબલડેકર બસથી કે આવા ફુવારાઓથી નથી વધતી. વીજળીના તારને કારણે ઠેકાણે ઠેકાણે વૃક્ષોને છેદવામાં આવે છે. માનવી ધીમે ધીમે વૃક્ષોના પર્ણમર્મર અને એની છાયાના અભાવથી ટેવાઈ જશે. આપણે સહુ એક પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિની અન્તિમ ક્ષણોએ એની સ્મશાનયાત્રાના ડાઘુઓ બનીને આવ્યા છીએ. તો હવે સૂરજને કાળા વાઘા પહેરાવો, પડછાયાઓના સરઘસ કાઢો, મન્દિરોમાં ઇલેક્ટ્રોનિક્સના જાદુ કરો, છાપાંની મદદથી નવી વાસ્તવિકતાનો ઉકરડો ઊભો કરો. મતગણતરીથી નવા ઈશ્વરને સ્થાપો, દરરોજ નરમેધ રચવાનાં નવાં નવાં નિમિત્તો શોધતાં રહો, જીવનપ્રવાહથી છૂટા પડીને બંધ બારી-બારણાંવાળાં કબર જેવાં ઘરમાં દટાતા રહો, લક્ષ્મીના તાપથી અનુકમ્પાના સ્રોતને સૂકવી નાખો — આટલું થશે પછી ભગવાનને પણ નવું નરક રચવાનો શ્રમ ઉઠાવવો નહિ પડે.

*

અકારણ શત્રુતાથી, ગેરસમજોથી આજે કોઈ વાર અકળાઈ જાઉં છું ત્યારે પાછળથી હસવું આવે છે. આ બધી અળોજણ-પળોજણ શા માટે? મારું નામ મારે માટે તો ખાલી પાત્ર જેવું જ રહ્યું છે, એમાં જુદે જુદે સમયે જુદા જુદા લોકો મનમાં જે ફાવે તે ભરતા ગયા. આથી કોઈક વાર મિત્ર ગણાયો તો કોઈક વાર શત્રુ. કોઈક વાર બહુશ્રુત વ્યુત્પન્ન વિદ્વાન તો કોઈક વાર હજી જેને ઘણા પાઠો શીખવા બાકી છે એવો અભણ, બીજા બધાં મારી આ છબિ બદલતાં રહ્યાં. મારે મન તો હું હજી કશીક ઓળખ મેળવવા ભેગું કરવા મથી રહ્યો હતોે. સમજણો નહોતો ત્યારથી વેદનાની થપાટો વાગતી રહી. એને સમજવાની કોઈ ફિલસૂફીમાં મારી પહોંચ નહોતી. સંભવ છે કે આ લાચારીમાંથી ક્રોધ પ્રગટતો રહ્યો. એની આંચથી દાઝતો રહ્યો. મારું અપમાન થાય ત્યારે મને એક જ વાતની ચિન્તા રહે છે; એ માણસને વધારે બહેકાવી મૂકે છે તે મેં જોયું છે. માન આપનાર કરતાં અપમાન કરનારા આ રીતે મને વધારે હાનિકર્તા લાગે છે. વિસ્તરતાં પરિમાણોથી માણસ ગભરાય છે આથી એ પોતાને વામણાં બનાવીને જ સલામતી અનુભવે છે. એક સાથે સંવેદનશીલતા અને નિલિર્પ્તતા કેળવવાનો કીમિયો જરા અઘરો છે. આત્મસંરક્ષણની સદાની ચિન્તા જે સદા ભયભીત થઈને જીવતો હોય તેને જ હોય છે. મારી સામે ઘટા વિસ્તારતો આ લીમડો કોઈના ચોકી-પહેરા નીચે એ કરતો નથી. પણ મારા હિતચિન્તકો તો ઘણા છે. એમની અપેક્ષાઓ પણ જુદી જુદી છે. આથી કોઈનો ગમો તો કોઈનો અણગમો મળવાનો જ. આથી કટુનો પણ સ્વાદ કેળવવો જ રહે. આમ છતાં નિર્વેદ, નિવૃત્તિ તરફ મન વળતું નથી. હજી ઘણો હર્ષ થાય છે, ઘણો વિષાદ થાય છે. હવે હવામાં વર્ષાના આગમનના ભણકારા સંભળાય છે. થોડા જ વખતમાં ધરતી મહેકી ઊઠશે. સમ્ભવ છે કે પ્રથમ વર્ષાના જ દિવસે મારું બ્લડપ્રેશર ચિન્તાજનક રીતે વધ્યું હોય. એથી ઊંઘી નહિ શકાયું હોય. નબળી ક્ષણોમાં જીવનનો છેડો દેખાવા લાગે, ને તેમ છતાં ધરતીની સોડમથી નફફટ મન તો નાચી ઊઠે. વિષાદ ને હર્ષના તાણાવાણા કંઈ અકળ રીતે ગુંથાતા જ રહ્યા છે. રાજસિક ઉત્સાહ ને અભિનિવેશ, આક્રોશ ને આવેગ ઘણા છે. વયને કારણેય ઠાવકાઈ કેળવી શકાઈ નથી. હજી ભ્રમણની રમણા મનને પીડ્યા કરે છે. બારી પાસે બેસીને સન્તોષ માનનારો હું નથી. કોઈ બસમાં, એ ક્યાં જવાની છે તેનું પાટિયું વાંચ્યા વિના, બેસી જવાને મન લલચાય છે. મધરાતે અજાણ્યા સ્ટેશને ગાડી ઊભી હોય ત્યારે ઊતરી પડવાનું મન થાય છે. એવા અજાણ્યા સ્થળમાં કશા વળગણ વિના, જૂની ઓળખના બન્ધનમાંથી છૂટીને, જીવવાનું સાહસ કરી શકાય. પણ એ વિચાર વિષાદમાં ફેરવાઈ જાય છે ને થોડી પ્રિય કવિતાની પંક્તિને મનમાં રમાડતો બેસી રહું છું. ઇતિહાસ, ક્રાન્તિ — આ બધું મારા ગજા બહારનું છે. છતાં એ પરત્વે યત્કિંચિત પ્રયત્નશીલ રહેવાનું જરૂરી ગણું છું. ઉપાડેલી પ્રવૃત્તિની નિરર્થકતા બધા હિતેચ્છુઓ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. તેમ છતાં એમાંથી મનને પાછું વાળી શકતો નથી. ઘણા કહે છે, ‘બહુ થયું. હવે શાન્ત અને નિષ્ક્રિય બનતાં પણ શીખવું જોઈએ.’ પણ શાન્તિની ક્ષણોમાં જ નવા ઉધામા મન આરમ્ભી દે છે. કર્મ વડે કર્મનો છેદ ઉરાડવાની પ્રવૃત્તિ પણ આખરે તો કેવી અટપટી થઈ જાય છે! ઝાડના થડની બખોલમાંથી તાંબાવર્ણી કીડીઓની હાર આવી જાય છે, તાર પર બેઠેલો સક્કરખોર તડકામાં અદ્ભુત તગતગી ઊઠ્યો છે. મેદાનમાં થઈને વાદળનો પડછાયો દોડી જાય છે. શહેરના સરિયામ રસ્તા પર એક સ્કુટર પર જનાર જુવાન કોઈ રસ્તો ઓળંગતી વૃદ્ધાને બચાવવા જતાં પડી જાય છે ને પીગળતા ડામર પર બેભાન અવસ્થામાં દોઢ કલાક પડ્યો રહે છે. કોઈ એને ઉઠાવતું નથી. એને શરીરે ફંફોલા પડે છે. પાસેથી સિનેમાનું ઈશ્કી ગાણું સંભળાય છે. થોડા ડાઘુઓ શબને લઈને ગુપચુપ ચાલ્યા જાય છે. મજૂરી ન મળતાં નિરાશ થયેલાં આદિવાસી સ્ત્રીપુરુષો પાછાં ફરે છે. સવારે જે ટીકડી લેવાની હતી તે ભૂલી ગયાની ચિન્તામાં હું બેઠો છું ત્યારે મારા મનના પટ પર આ બધું પ્રસ્ફુટિત થતું આવે છે. આ બધાંમાંથી મને નોખો તારવીને હું જોઈ શકતો નથી. અત્યારે જે સુખ અનુભવી રહ્યો છું તે ચાલ્યું જશે તો? આ ચિન્તા જ વિષાદને લઈ આવે છે. ડાહલબર્ગ કહે છે કે સમય તો નિર્વેદને તળિયે બેઠેલ કચરા જેવો છે. આવો સમય ધીમા ઝેરની જેમ આપણામાં વિષાદને પ્રસારે છે. સમયને વહેતો રાખવો જોઈએ. મને વિષાદ પ્રથમ ભારે થતી જતી ક્ષણોથી વર્તાય છે. હૃદયના બે ધબકારાની પાંખે સમયને ઊડતો રાખવો જોઈએ. પણ સમય કોઈ વાર એવો તો ખૂંતી જાય છે કે એની આજુબાજુ સારા સરખા વિષાદનો કાંપ જામી જાય છે. ઇતિહાસને માથા પરથી ઉતારી મૂકીને ચાલીએ તો જ ભવિષ્ય તરફ તેજ ગતિએ આગળ વધી શકાય. ઘણી વાર ભૂતકાળને જ આપણે ભવિષ્યના છદ્મવેશે પાછો આવતો જોઈએ છીએ. પાછું વાળીને જોવું નહિ, પાછા ફરીને જે હતું તેને ઓળખવા માટેની નિશાનીઓેેને નાબૂદ કરી દેવી — આ પ્રવૃત્તિ જ આપણને ભવિષ્યથી દૂર નથી રાખતી? આપણાથી અણજાણપણે લોકો આપણો ઉપયોગ કરવાના જ, આપણું લખેલું લોકો એમની પોતાની રીતે વાંચવાના, તમને એઓ એમની પોતાની રીતે જ ઓળખવાના. આ બધાંના પર જ આધાર રાખીને જીવીએ તો આપણે જ ધીમે ધીમે આપણને અજાણ્યા લાગવા માંડીએ. આથી સ્વત્વ તો જાળવવું ઘણું અઘરું છે એવું ડહાપણડાહ્યું વાક્ય મોઢામાં મમળાવીને સન્તોષ માનવો! આથી સુસંગતિ નહીં પણ અસંગતિ જ જીવન્તપણાની નિશાની છે એમ માનવાને હું લલચાઈ જાઉં છું. જીવનની બધી ઘટનાઓમાંથી ઠાવકાઈપૂર્વક અર્થ સંચિત કરે તેમનો ઉદ્યમ મને જચતો નથી. આથી ઉડાઉપણું જ મને તો પરવડે છે જેને જે જોઈએ તે લઈ જાય. કોઈની આપેલી કીર્તિઅપકીર્તિ પર આપણો કેટલો દાવો? આજે જે આપે તે કાલે ભલે ને લઈ લે. એથી જ તો ધીમે ધીમે આપણે હળવા થતા જઈએ. પણ એટલા હળવા થઈ જઈએ કે ધરતી પર પગ ન ટકે તો તેય ખોટું માટે થોડો વિષાદ સારો, એના વજનથી ટકી રહેવાય. ઉનાળામાં આસ્ફાલ્ટના રસ્તા પરના ડામરને જ ઓગળતો જોવો ને શિરીષની છાયાને ન જોવી, લૂ વાતી હોય તેની જ વાત કરવી પણ કોયલના ટહુકાની વાત ન કરવી; બફારાની, દુર્ગન્ધની જ વાત કરવી પણ મોગરાના મહેકવાનો ઉલ્લેખ જ ન કરવો — આ મને માન્ય નથી. અખિલાઈને સમાવવાનું આપણું કાઠું નહિ તે કબૂલ, પણ આપણે જેટલું સમાવતા જઈએ તેટલા આપણામાંથી મુક્ત થતા જઈએ. મોક્ષ અથવા મુક્તિ એ ક્રમશ: રિક્ત થતા જવાની પ્રક્રિયા છે. પણ રિક્ત થવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી. ચોર્યાસી લાખ ફેરા ફરવા પડે! આપણી પ્રજાને તો એ ફેરા ફરવાની ધીરજ છે, માટે આપણે બધું નિરાંતથી કરીએ છીએ. બધું ક્યાં આ જન્મે જ પતાવી દેવાનું છે? ઋણાનુબન્ધ છે, ભવોભવનાં લેખાં છે — એમાં આ એક જન્મ તે શા હિસાબમાં! આથી ક્ષણોને વેડફીને યુગને ખમવાનાં ખોટાં લેખાં માંડીએ છીએ. ખરું કહું તો માનવીને જે શાપ જન્મતાવેંત મળ્યો છે તે બધું જોડ્યે જવાનો છે. કવિ જોડે છે, કડિયો જોડે છે, વણકર જોડે છે, વાણિયો જોડે છે. આ બધા જોડતા જાય છે ને પોતે જોડેલામાં જ પુરાતા જાય છે. પછી એમાંથી છૂટવાની, મોક્ષ પામવાની, પ્રાર્થના કરતા ભગવાન સામે જઈને ઊભા રહે ત્યારે ભગવાનના મુખ પર પરમ તૃપ્તિનું સ્મિત હોય છે. શરીરમાં લોહી મૂગું મૂગું ફર્યા કરે છે. હૃદયના ધબકવાનો સંકેત હું જ સમજતો નથી. આંખ બે પલકારા વચ્ચે શું કરે છે તેની મને ખબર નથી. મારાં બે ચરણ વચ્ચે શી સમજૂતી થઈ છે તેની મને ખબર નથી. મારા હાથની બધી જ પ્રવૃત્તિને હું જાણતો નથી. છતાં આ બધાં એક ‘હું’ને આશ્રયે હોવાનો દાવો કરે છે ને તેને નકારી કાઢી શકાતો નથી. પણ આપણે જ આપણે માટે કેટલા રહસ્યમય બની જઈએ છીએ! એથી જ તો આપણામાંનો આપણો રસ ઓસરી જતો નથી.

*

ઘરમાં સાફસૂફી ચાલે છે. ગામડામાં ધૂળ અને કાદવ વચ્ચે ઊછરેલો હું હવે ધૂળને જરાય સહી શકતો નથી. આથી એનાથી બચવા હું દૂર જ ભાગી જાઉં છું. ઘરમાં જે ખૂણે બેસું તે ખૂણે મારી સાથે સાથે પુસ્તકોનું ટોળું ફરતું રહે છે. એથી ઘણી ‘અવ્યવસ્થા’ થઈ જાય છે. મારો એક દીકરો તો આ ઘરને ‘સેકંડહેંડ ચોપડીઓની દુકાન’ કહે છે. વળી કશી પણ વ્યવસ્થા, એના નિયમો ધારાધોરણો, મને અકળાવી મૂકે છે. ‘વસ્તુ જ્યાંથી લીધી ત્યાં જ પાછી મૂકવી’નો મહાનિયમ મારાથી દિવસમાં દસ વાર તૂટે છે. મારી પાછળ ગૃહિણીના ઔદાર્યની સારી એવી મૂડી રોજ ખરચાઈ જાય છે! દરરોજ મારું કશુંક ને કશુંક ખોવાઈ જ જતું હોય છે. આથી સહસ્રબાહુવાળા કાર્તવીર્યાજુનને વારે વારે સંભારવો પડે છે. કોઈ વાર ખોવાયાની ખિન્નતા એકાએક ક્રોધમાં સંક્રાન્ત થાય છે; કદીક એમાંથી નિર્વેદ પણ જન્મે છે. પશ્ચિમની નવલકથાઓમાં ‘લાયબ્રેરી’ના અલાયદા ખંડની વાતો વાંચતો આવ્યો છું. ‘સ્ટડી’નો પણ ઉલ્લેખ આવે છે. રસોડાની બે બારીઓને બાદ કરતાં બાકી જે સાત બારી રહી તેમાંથી ગમે તે એક પાસે હું લખવાવાંચવા બેસી જાઉં છું. એ જ ‘સ્ટડી’ ને એ જ ‘લાયબ્રેરી.’ પુસ્તકોને એક જ જગ્યાએ ભેગાં મળીને રહેવાની વ્યવસ્થા થઈ શકી નથી. આથી ઘર ગોઠવાય છે ત્યારે પુસ્તકો પણ પડખું બદલે છે. રિલ્કે ને કાફકા સાથે વસતા આવ્યા છે. પણ નવી વ્યવસ્થામાં કાફકાની સાથે રેયમંડ શેન્ડલરને જોઉં છું. રિલ્કેની પાસે બ્રોનોવ્સ્કી બિરાજે છે. કરાંચીમાં અધ્યાપન શરૂ કર્યું ત્યારે મારે મન તો એ વિદ્યાર્થીજીવનનો જ એક અંશ હતો.