આત્માની માતૃભાષા/પ્રકાશકીય નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રકાશકીય નિવેદન

ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’નો જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૧નો સંયુક્ત અંક ‘ઉમાશંકર જોશીઃ કાવ્યાસ્વાદ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ કર્યો હતો. એ દ્વારા ઉમાશંકર જોશીની કવિતાનો એક આલેખ પ્રાપ્ત થયો હતો. આ આસ્વાદઅંક વિદ્યાર્થીઓ-અભ્યાસીઓને સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગી થાય એવો વિશિષ્ટ ને માતબર બન્યો હોઈ તેનું પુસ્તક કરવાનું પરિષદે ઠરાવ્યું અને આજે એ ‘આત્માની માતૃભાષા’ એ નામે પ્રસિદ્ધ કરતાં આનંદની લાગણી થાય છે. જે વિદ્વાનો-વિવેચકોએ ઉમાશંકર જોશીની કવિતાનો આસ્વાદ કરી આપ્યો તેમના ઋણનો પરિષદ વતી સ્વીકાર કરું છું. ‘પરબ’ના તંત્રી શ્રી યોગેશ જોષીએ સંપાદન કરી આપ્યું તે બદલ આભાર માનું છું. એમની દૃષ્ટિનો લાભ આ સંપાદનને મળ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પ્રકાશન નિમિત્તે આર્થિક સહયોગ આપ્યો તે બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ અકાદમીના સાહિત્યાનુરાગી ઉત્સાહી મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીનો પરિષદ વતી આભાર માનું છું. આશા રાખું છું, આ ગ્રંથ સહુ સાહિત્યરસિકોને પરિતોષ આપશે. ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી ગ્રંથશ્રેણીનું આ આડત્રીસમું પ્રકાશન છે. પ્રફુલ્લ રાવલ
પ્રકાશનમંત્રી