આત્માની માતૃભાષા/12

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સર્જકપ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર સાધતી રચના

ભાનુપ્રસાદ પંડ્યા

બળતાં પાણી

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.
ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.
વરાળો હૈયાની પણ મદદ કૈં ના દઈ શકે.
જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
સિંહગઢ, ૭-૫-૧૯૩૩

આપણા ગાંધીયુગીન કવિઓએ યુગવર્તી જાગતિક પરિબળોને કવિતામાં ઝીલ્યાં છે એ ખરું, પણ તેના નિરૂપણમાં એમણે કાવ્યકલાનું સૌંદર્ય પણ ઉત્તમકક્ષાએ પ્રગટ કરી આપ્યું છે. છંદોબદ્ધ રચનાઓ, સૉનેટ, ગીત કે પરંપરિત અભિવ્યક્તિરૂપોમાં એમનું સર્જનાત્મક કૌશલ વિદગ્ધ-વિચક્ષણ સહૃદયને પ્રસન્ન કરે તેવું હોય છે. તેમાં કેવળ ગાંધીદર્શન કે સામાજિક પ્રતિબદ્ધતાનો ઉદ્ઘોષ નથી. યુગલક્ષી સંવેદના રજૂ થાય છે, ત્યાંય પોતાની વિવક્ષાને સાચવીને પણ સારું એવું કાવ્યત્વ તેઓએ સિદ્ધ કર્યું છે. કલાત્મક દૃષ્ટિએ નાણતા-માણતા આપણા શેષ, સ્નેહરશ્મિ, સુન્દરમ્ કે ઉમાશંકર જોશી ઊણા ઊતરતા નથી. ‘બળતાં પાણી’ ઉમાશંકર જોશીની સર્જકપ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર સાધતી રચના બની રહે છે. એમની કેટલીક કાવ્યકૃતિઓ નિસર્ગદર્શનથી સ્પંદિત થતાં સ્ફુરી હોય છે, પછી એમાં અભિનવ વિચારસ્પંદને કાલવીને કાવ્યક્ષમ અનુભૂતિ બંધાતાં એ કાવ્યપુદ્ગલ ધારણ કરે છે. વિશ્વનિયંતાની રચનામાં પ્રતીત થતા કોઈ ઋતનું પ્રતીકાત્મક રીતે અથવા અન્યોક્તિ જેવી કોઈ પ્રયુક્તિનો આશ્રય લઈને તેઓ એને અનુરૂપ એવા અભિવ્યક્તિમાધ્યમમાં એનું નિર્માણ કરે છે. સંવેદન સ્વયં એને અનુરૂપ એવો લય પસંદ કરી લે છે, પરંતુ એમાંથી કોઈ વેધક જીવનરહસ્ય વીજઝબકારે ઝળહળતું દેખાય છે. ‘ઊકરડો', ‘ભોમિયા વિના', ‘ચુસાયેલા ગોટલાને', ‘પીંછું’ — જેવી કાવ્યનિર્મિતિઓ એનાં ઉદાહરણો બને છે. ગાંધીયુગીન સરળ પદવિન્યાસથી એ સૌંદર્ય સિદ્ધ કરે છે. ‘બળતાં પાણી’ તા. ૭-૫-૧૯૩૩ના દિને રચાયેલું છે. કવિના ૧૯૩૪માં પ્રકાશિત થતા કાવ્યસંગ્રહ ‘ગંગોત્રી'ની પ્રથમ આવૃત્તિમાં એ પ્રસિદ્ધ થયું હતું. એ દિવસો આપણા રાષ્ટ્રીય મુક્તિસંગ્રામના અને સામાજિક ઉત્થાન-આંદોલનના હતા. આથી એનો સંદર્ભ પણ એમાં સૂચિત હોવાનું કલ્પી શકાય. જોકે કવિએ ‘ગંગોત્રી'નાં છેલ્લાં પૃષ્ઠોના ટિપ્પણમાં એનો કશો નિર્દેશ કર્યો નથી. એમણે તો માત્ર ત્યાં એક પંક્તિનો પ્રશ્ન કર્યો છે. કાવ્યસર્જન પાછળ એક વિચારસ્પંદ રૂપે એને જોઈ શકાય. ત્યાં તેઓ લખે છે: ‘અંધવિધાતાની અંધયોજનાને શી રીતે ઉથાપવી?’ સમગ્ર રચનાના બીજ રૂપે (‘થીમ’ રૂપે) આ ઘૂંટાયેલા વિધાનને મૂકી શકાય. વિશ્વનિયંતાની સૃષ્ટિરચનામાંની આ એક પ્રાકૃતિક ઘટના છે. આ કાવ્યવસ્તુવિચારને એક નાનકડા કથાનક તરીકે આપણે સંક્ષેપમાં પ્રસ્તુત કરીએ. પછી એમાંથી વિસ્તરતા અર્થમર્મોનો આસ્વાદ કરીએ. ડુંગરાળ વનોમાં એકાએક દાવાનળ પ્રજળી ઊઠ્યો છે. વનો ભડભડ સળગી રહ્યાં છે. એના પડછાયા પાસે વહેતી નદીના પાણીમાં પ્રતિબિંબિત થાય છે. આથી જાણે કે આખી નદી પણ સળગી રહી હોય એવું દૃશ્ય સર્જાય છે. આ તે કેવું? પાસે જ આ ભડકે બળતાં ડુંગરવનો અને નદી પોતાના જળથી એને બુઝાવવા જઈ શકતી નથી! ખરેખર તો ચોમાસામાં પોતાના ઉપરથી વહેતાં ઝરણાં વહાવીને ડુંગરાએ આ જળનો હિસ્સો નદીને આપ્યો છે, પણ અત્યારે એ એના ખપમાં નથી આવતાં! એ પાણી તો બસ બે કિનારા વચ્ચે જ વધુ જાય છે. તો પછી આ જળ શું ડુંગરા અને વનોને ઉપયોગમાં નહિ જ આવે? એ પ્રશ્નના ઉત્તરમાં કહી શકાય કે હવે તો ફરી એ જળનાં ઉનાળામાં વાદળાં બંધાય અને પછી ચોમાસે એ વરસે ત્યારે ડુંગરવનો પર એનું જળ ધોધમાર રેલાય! પણ એ તો ક્યારે બને? ત્યાં સુધીમાં તો એ બધું ભસ્મીભૂત થઈ ગયું હશે! આ છે એક પ્રાકૃતિક દૃશ્યનિર્ભર કથાનક. કવિએ એના ‘થીમ'માં નિર્દેશ્યું છે, તેમ ‘અંધ વિધાતાની અંધ યોજનાને શી રીતે ઉથાપવી?'—ને સમર્પિત કરે છે. આ રોમાંચક સળગતા વનદાવાનળના દૃશ્યને આ કવિસર્જકે મનોહર કાવ્યમાં જે રીતે સર્જનલીલાના સ્પર્શથી પુનર્નિર્મિત કરી આપ્યું છે, તેમાં ચમત્કાર છે. કવિની મેધા એની કોરી શુષ્કતાને કેવી નવપલ્લવિત કરી દે છે, ત્યાં પ્રતિભાનો ‘ઇલમ’ પ્રગટી રહે છે. એ ત્રીજા લોચનના પ્રસાદથી એમણે રૂપાંતર સાધીને માનવીય સંવેદના, કલ્પનાની રમ્યતા, પદમૈત્રી, પદલાલિત્ય — શ્રુતિઓના ભાવદૃશ્યાનુસારી સંયોજનો, છંદોલય, જીવનરહસ્ય અને યુગસંદર્ભનો સ્પર્શ — આદિનું જે સંઘટન સાધ્યું છે, તેમાંથી ઉદ્ભવે છે એક ચિરંજીવ રસમય કાવ્યરચના. દ્રષ્ટા રૂપે તટસ્થભાવે જોઈએ તો આ એક કુદરતી બનાવ છે, પણ કવિએ ડુંગરા, વનો, પાસે જ વહેતી નદી, દૂરનો સમુદ્ર, કિનારાઓની મર્યાદા એ બધાં વચ્ચે માનવસહજ સંબંધો કલ્પીને જે તીવ્ર કર્તવ્યભાન, કૃતજ્ઞતાભાવ અને જટિલ પરિસ્થિતિને કારણે અનુભવાતી વિવશતાને લીધે ‘કહેવાય નહિ અને સહેવાય નહિ’ — એવો સંઘર્ષ ઊભો કર્યો છે, તેવી ભાવસંવેદનાનું પારસ્પરિક અનુસંધાન રચી આપ્યું છે, તેને કારણે એ કેવળ પ્રાકૃતિક દૃશ્ય નહિ રહેતાં આપણી માનવીય નિસબત બની જાય છે. આપણે રચનાની ભાવસૃષ્ટિમાં સહજ રીતે વિહરતાં થઈએ છીએ. ડુંગરવનો ભડકે બળે છે અને પડછાયા નદીના જળમાં પડે છે, ત્યાં કવિ સદ્મ સંવેદનાત્મક પ્રતિભાવ આલેખે છે: નદી પોતે જાણે હૈયે સળગી રહી છે! એનાં જળ ઊકળી ઊઠ્યાં છે, હૈયામાં વરાળ ઊછળે છે, પણ તે કશી મદદ કરી શકતી નથી. એ ધારે તો પોતાનાં જળ ઉછાળીને પાસેના દાવાનળને બુઝાવી ન શકે? ના, તે માત્ર સળગતે હૈયે મૂક દ્રષ્ટા છે! નિષ્ક્રિય છે. પહાડોને પાણી છાંટીને ઠારી શકતી નથી! જે પહાડોનો એના ઉપર ઉપકાર છે, વર્ષામાં ઝરણાં વહાવીને નદીના પૂરમાં ઉમેરો કર્યો છે. આજે એ એક ટીપુંય તેમને આપી શકતી નથી! આ પ્રકારના આલેખનમાં ‘સરિત હૈયે સળગતી’ ‘ઘણું દાઝો દેહે’ — ‘મદદ કૈં ના કરી શકે', ‘શીતળ કરવાનું નવ બને’ — એવા પંક્તિખંડોમાં ભાવક ઉત્કટ સમવેદના અનુભવી રહે છે. કવિએ માનવઉરના ઇલાકામાં પ્રકૃતિતત્ત્વોને દાખલ કરીને કેવી વિહ્વળતાનો અનુભવ કરાવ્યો છે! પ્રારંભની આઠ પંક્તિઓમાં માત્ર કુદરતનું તટસ્થ ચિત્રણ નથી, પણ એને માનવભાવથી સંસિકત કરી ભાવકચિત્તમાં અમળાટો સર્જ્યા છે. પ્રારંભના આઠ પંક્તિના ખંડ પછી કવિ હવે ઊર્મિવળોટ લાવે છે. ત્યાં પણ પ્રકૃતિના નિયત જડ એવા ઋતમાં ભાવસ્પંદને વહેતો કર્યો છે: જુઓ તો ખરા આ તે કેવી મજબૂરી? કિનારાની જડકઠિન દીવાલ એને રોકે છે. નદી કાંઠાઓને ઉથાપીને ડુંગરવનોને ઠારી શકતી નથી. ત્યાં પણ ‘સ્વજનદુ:ખને શાંત’ કરી શકાતું નથી, પેલાં પાસે જ સળગી મરતાંની ઉપેક્ષા કરીને એને તો મૂંગે મુખે રૂંધાયલા હૈયે પેલા દૂરના અદીઠ એવા સમુદ્રની ભીતરમાં સદાય સળગતા એવા દાવાનળ(વડવાનલ)ને બુઝવવા જવું પડે છે! જે અગ્નિની ચોમેર પાણી જ છે, તેની પાસે જવાનું છે! અહીં પણ ‘સ્વપ્નદુ:ખ’ શબ્દગુચ્છમાં હવે નદી કેવળ પ્રકૃતિનું અંગ નહિ રહેતાં ‘પડોશી’ કે ‘સહવાસી'ના પર્વતીય વનવિસ્તાર સાથે સંબંધાય છે! આ તીવ્ર લાચારીનો ભાવ આપણને પણ ગમગીન બનાવી દે છે! ‘સરિત હૈયે સળગતી', ‘વરાળો હૈયાની', ‘પાસે સળગી મરતાંને અવગણી', ‘સ્વજનદુ:ખને શાંત કરવું’ — એ સર્વ શબ્દગુચ્છોમાં માનવીય-આત્મીય નૈકટ્યનો વ્યથાસભર મમત્વભાવ કવિએ અહીં આલેખ્યો છે. સહાય નહિ કરી શકવાની વિવશતા તારસ્વરે પ્રગટી રહે છે. સહૃદયભાવક એનાથી વિક્ષુબ્ધ થઈ આંદોલિત થઈ જાય છે. એક પારિવારિક પરિવેશ આપણને સહાનુકંપિત કરી રહે છે. આ શિખરિણીના છંદોલયમાં સર્જકચિત્તનાં આંદોલનો પણ એની પદાવલિમાં, પદમૈત્રીમાં, શ્રુતિઓના સંયોજનમાં આપણે વારંવાર માણી લઈએ છીએ. ડુંગરામાં લાગેલા દાવાનળનું દૃશ્ય કવિએ કૌશલપૂર્વક ઇંદ્રિયગોચર નિર્મી આપ્યું છે. ‘નદી દોડે, સોડે, ભડભડ બળે ડુંગરવનો’ એ ઉપાડની પંક્તિમાં જ ‘એમણે’ ‘ડ’ શ્રુતિનો એવો પ્રયોગ કર્યો છે કે એનાં આવર્તનોમાં ‘તડતડ’ થતાં સળગતાં સૂકાભેળાં લીલાં ડાળીડાંખળાંનો અવાજ આપણે સાંભળીએ છીએ. ‘દોડે', ‘સોડે', ‘બળે’ — માં ‘એ… એ… એ…’નું આવર્તન વનરાજીને સળગતી બતાવે છે, અને પંક્તિને અંતે આવતાં ‘વનો'માંનો ‘ઓ’ — એક ચીસ નીકળતી હોય એવી ઝાંખી કરાવે છે. ‘વરાળો હૈયાની, પણ મદદ કૈં ના કરી શકે’ એ પંક્તિમાં ‘મદદ’ જેવો તદ્દન સાદોસીધો બોલચાલનો શબ્દ પણ સરસ પદમૈત્રી સાધે છે. સમગ્ર રચનામાં આ તત્ત્વ આસ્વાદ્ય છે. કાવ્યરચનામાં શું પ્રકૃતિ કે શું મનુષ્ય પોતાના સહજ સ્વભાવથી વિરુદ્ધ જઈને એ કાંઈ કરી શકે નહિ! એ પ્રકારની વિધાતાની — વિશ્વનિયંતાની ગતિવિધિથી પણ કેવી એને વ્યથા-વ્યાકુળતા અનુભવવી પડે છે! નદીપક્ષે આ પરિસ્થિતિ દુ:ખદ છે: ‘જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે — પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.’ — એ જ રીતે

‘કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?’

-માં પણ નિયંતાના ‘જડકઠણ’ નિયમને અધીન રહેવું પડે છે! આમ જે કાંઈ સ્વભાવગત કુદરતીપણે આપણી ઉપર લદાયું છે, તેને આપણે ઉથાપી શકતા નથી, તો જે કાંઈ હૃદયમનના પ્રેમ-મમત્વના આવિર્ભાવો છે, તેને પણ રોકી શકતા નથી! આ કેવો નિર્દય મામલો છે! પેલી અસ્તિત્વવાદી — એબ્સર્ડ વિચારણા પ્રમાણે — ‘આપણને જાણે આ બેરહમ સૃષ્ટિમાં ધકેલી દેવામાં આવ્યા છે’ — એ વિધાનનું સ્મરણ થઈ જાય છે. ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો!’ — એ કહેવત પ્રમાણે અહીં તો ડુંગરવનોને સળગતાં રાખીને દૂરના સમુદ્રના પેટાળની આગ ઠારવા જવાની છે! ‘બળતાં પાણી'માં પ્રકૃતિનિરૂપણ નિમિત્તે માનવનિયતિની વિષમતાનો સૂર પણ પદે પદે સ્ફુરી રહે છે. વનો ભસ્મીભૂત થઈ જાય પછી વાદળરૂપે ગોરંભાઈને વરસવાની વ્યર્થતા જેવા જિંદગી જીવવાના પ્રયાસો બની રહે, એમાં ભારેલી કરુણતા રહેલી છે. રચના આ રીતે તીવ્ર સંવેદનાત્મક નિરૂપણ સાથે ગહન જીવનરહસ્યોનો જે સંકેત આપ્યા કરે છે, તે પણ આ કાવ્યનો એક આસ્વાદ્ય અંશ છે. આ કાવ્યરચનામાં કોઈ યુગવર્તી સંદર્ભ હોઈ શકે? વિચારવા જેવું છે. ૧૯૩૩માં કવિ પૂનામાં દેવદાસ ગાંધી સાથે રાષ્ટ્રીય કામગીરીમાં પ્રવૃત્ત હતા. ત્યાંના ડુંગરાળ પ્રદેશમાં ભ્રમણ કરવાની પણ તક મળી હોય. કાવ્યની રચ્યાતારીખ ૭-૫-૧૯૩૩ છે, બાજુમાં ‘સિંહગઢ'નો પણ ઉલ્લેખ છે. સંભવ છે કે પરિવારજનોથી વિખૂટા પડેલા આપણા યુવા સત્યાગ્રહી લડવૈયાઓ સામે સ્વાતંત્ર્યપ્રાપ્તિનું દૂરનું લક્ષ્ય હતું. તેમની દડમજલ એ ‘અદીઠા’ લક્ષ્ય પ્રતિ હતી. આથી ક્યારેક એમને પરિવારજનો યાદ આવી જતાં એમના પ્રત્યેનું કર્તવ્યભાન જાગી જતું હોય. એ ચિંતાથી વ્યથાતપ્ત સ્વજનો તરફનું પોતાનું ઉત્તરદાયિત્વ એમને ભીતરથી વિહ્વળ કરતું હોય. ‘બળતાં પાણી’ આમ તત્કાલીન યુગસંદર્ભે ‘જલતાં જિગર'નો સંઘર્ષ પણ ન હોઈ શકે? આ પ્રકારનો વ્યંગ્યાર્થ ન લઈએ તો પણ કવિના ‘થીમ’ પ્રમાણે ‘અંધવિધાતાની અંધયોજનાને શી રીતે ઉથાપવી?’ — એ હાર્દરૂપ તથ્ય પણ એટલું જ હૃદયંગમ છે. ‘બળતાં પાણી’ પંદર પંક્તિની રચના હોવાથી રૂઢ તંત્ર પ્રમાણે એને સૉનેટમાં નથી ગણવામાં આવ્યું, પરંતુ એમાં વારંવાર આવતા ભાવવળાંકો (Voltas) તો સૉનેટનો વળોટ દાખવે છે! પ્રથમ કાવ્યખંડમાં સળગતાં ડુંગરવનોને જોઈ વ્યથિત સળગતી નદી, પછીથી નદી કશી મદદ નથી કરી શકતી એ વિવશતાનો ભાવ, પહાડોએ એના ઉપર ઝરણાં અર્પીને કરેલો ઉપકાર આટલું આઠ પંક્તિ સુધીમાં સંવેદનનાં વમળો રચે છે. પછીથી આવતી છ પંક્તિમાં પલટો આવે છે અને નદીને કિનારાને મર્યાદામાં રહીને દૂરના વડવાનલ ઠારવા ધકેલાવું પડે છે, એવો અનીચ્છાભાવ, પછીથી પુન: વાદળ રૂપે વરસીને વનો ઠારવાનો વેળા વીત્યા પછીનો વૃથા પ્રયાસ — જેવા ક્રિયાલક્ષી ભાવવળાંક જેવી પંક્તિઓમાં સૉનેટના ષટ્કનો જ વળોટ છે. ખરેખર તો ચૌદમી પંક્તિએ જ સંવેદન સચોટ રીતે વિરમે છે. આથી પંદરમી પંક્તિ ‘અરે, એ તે ક્યારે ભસ્મ બધું થઈ જાય પછીથી?’ એ પ્રશ્નમાં કવિનો છૂટો પડી જતો અવાજ સ્પષ્ટતા કરતો સંભળાય છે? રચનાનાં ભાવવર્તુળોથી એ બહારનું નિવેદન લાગે! આથી એને કૌંસમાં મૂકી દઈએ, એટલે ચૌદ પંક્તિના સૉનેટ રૂપે એ પ્રભાવક આસ્વાદ્યતા ધારણ કરે.[1]



  1. ‘નિરીક્ષા’ પ્રથમ આવૃત્તિ પૃ. ૧૨૯-૧૩૦ ઉપર ઉમાશંકરભાઈએ ‘બળતાં પાણી'ની સર્જન ક્ષણો અને યુગવેદના વિશે વિસ્તારથી લખેલું છે. વિસ્તારભયે અહીં તે બધું સામેલ કર્યું નથી.