આત્માની માતૃભાષા/14

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિશીથનું પ્રબળગતિ લીલા-સ્તોત્ર

રમણ સોની


નિશીથ


નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય!
સ્વર્ગંગનો સોહત હાર કંઠે,
કરાલ ઝંઝા-ડમરુ બજે કરે,
પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ,
તેજોમેઘોની ઊડે દૂર પામરી.
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય!

ભૂગોલાર્ધે પાયની ઠેક લેતો;
વિશ્વાન્તર્ના વ્યાપતો ગર્ત ઊંડા.
પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી,
પીઠે તેની પાય માંડી છટાથી
તાલી લેતો દૂરના તારકોથી.

ફેલાવી બે બાહુ, બ્રહ્માંડગોલે
વીંઝાઈ ર્હેતો, ઘૂમતી પૃથ્વી સાથે.
ઘૂમે, સુઘૂમે ચિરકાલ નર્તને,
પડે પરંતુ પદ તો લયોચિત
વસુંધરાની મૃદુ રંગભોમે;
બજંત જ્યાં મંદ્ર મૃદંગ સિંધુનાં.


પાયે તારે પૃથ્વી ચંપાય મીઠું,
સ્પર્શે તારે તેજરોમાંચ દ્યૌને.
પ્રીતિપ્રોયાં દંપતીઅંતરે કો
વિકારવંટોળ મચે તું-હૂંફે.


નિહારિકાનાં સલિલે ખેલનારો,
લેનાર જે તાગ ઊંડા ખગોલના,
રંકાંગણે તું ઊતરે અમારે.
દીઠો તને સ્વૈર ઘૂમંત વ્યોમે;
અગસ્ત્યની ઝૂંપડીએ ઝૂકંતો,
કે મસ્ત પેલા મૃગલુબ્ધ શ્વાનને
પ્રેરંત વ્યોમાંત સુધી અકેલ.
સપ્તર્ષિનો વા કરીને પતંગ
ચગાવી ર્હેતા ધ્રુવશું રમંતો.
પુનર્વસુની લઈ હોડલી જરી
નૌકાવિહારે ઉરને રિઝાવતો.
કે દેવયાની મહીં જૈ ઝૂલંતો.

દીઠેલ હેમંત મહીં વળી, મઘા
તણું લઈ દાતરડું નિરંતર
શ્રમે નભક્ષેત્ર તણા સુપક્વ
તારાગણો — ધાન્યકણો — લણંતો.
ને વર્ષામાં લેટતો અભ્ર ઓઢી.
હે રૂપોમાં રાચતા નવ્ય યોગી!


નિશીથ હે! શાંતમના તપસ્વી!
તજી અવિશ્રાંત વિરાટ તાંડવો
કદીક તો આસન વાળી બેસતો
હિમાદ્રિ જેવી દૃઢ તું પલાંઠીએ.
ઉત્ક્રાંતિની ધૂણી ધખે ઝળાંઝળાં,
ઉડુસ્ફુલિંગો ઊડતા દિગંતમાં;
ત્યાં ચિંતવે સૃષ્ટિરહસ્ય ઊંડાં
અમાસઅંધારતલે નિગૂઢ તું.
અને અમે માનવ મંદ ચેતવી
દીવો તને જ્યાં કરીએ નિહાળવા,

જાૃમ્ભાવિકાસ્યું મુખ જોઈ ચંડ
તારું, દૃગોથી રહીએ જ વીંટી
નાની અમારી ઘરદીવડીને.
ને ભૂલવાને મથીએ ખીલેલું
સ્વરૂપ તારું શિવરુદ્ર વ્યોમે.


સંન્યાસી હે ઊર્ધ્વમૂર્ધા અઘોર!
અંધાર અર્ચેલ કપોલભાલે,
ડિલે ચોળી કૌમુદીશ્વેતભસ્મ.
કમંડલુ બંકિમ અષ્ટમીનું
કે પૂર્ણિમાના છલકંત ચંદ્રનું.
કરે રસપ્રોક્ષણ ચોદિશે, જે
સ્વયં ચરે નિ:સ્પૃહ આત્મલીન,
દ્વારે દ્વારે ઢૂકતો ભેખધારી.
પ્રસુપ્ત કોઈ પ્રણયી યુગોનાં
ઉન્નિદ્ર હૈયાકમલો વિશે મીઠો
ફોરાવતો ચેતનનો પરાગ.
સ્વયં સુનિશ્ચંચલ. અન્ય કેરાં
રાચે કરી અંતર મત્ત ચંચલ.
ખેલન્દા હે શાંત તાંડવોના!


મારા દેશે શાશ્વતી શર્વરી કશી!
નિદ્રાઘેરાં લોચનો લોક કેરાં,
મૂર્છાછાયાં ભોળુડાં લોકહૈયાં,
તે સર્વ ત્વન્નીરવનૃત્યતાલે
ન જાગશે, દ્યૌનટ, હે વિરાટ?

મારે ચિત્તે મૃત્યુઘેરી તમિદ્રા,
રક્તદ્રોતે દાસ્યદુર્ભેદ્ય તંદ્રા.
પદપ્રપાતે તવ, હે મહાનટ,
ન તૂટશે શું ઉરના વિષાદ એ?
તાલે તાલે નૃત્યના રક્તવ્હેણે
સંગીત આંહીં શું નહીં સ્ફુરે નવાં?

શ્રાન્તોને તું ચેતના દે, પ્રફુલ્લ
શોભાવતો તું પ્રકૃતિપ્રિયાને,
ને માનવોની મનોમૃત્તિકામાં
સ્વપ્નો કેરાં વાવતો બી અનેરાં.

તું સૃષ્ટિની નિત્યનવીન આશા.
ન આટલું તુંથી થશે? કહે, કહે,
નિશીથ, વૈતાલિક હે ઉષાના!
મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૮


જો દરેક વાર ન આકર્ષે, જો દરેક વાચને નવેસર ન મૂંઝવે, જો દરેક વખતે નવાં વિસ્મય-રોમાંચ ન પ્રેરે, જો જ્યારેજ્યારે વાંચીએ ત્યારેત્યારે ફરીફરીને આંખ સામે ને કાનમાં નવે રૂપે ન ઊઘડે, ને એમ જો હંમેશાં પ્રહર્ષક પીડા ન આપે — તો કિમ્ કવે: તસ્ય કાવ્યેન?

‘નિશીથ’. ઘણી વાર વાંચ્યું છે. કેટલીક વાર તો સડસડાટ વાંચ્યું છે — એવું એ દ્રુતલયગતિ છંદકાવ્ય છે. આજે વાંચું છું ત્યારે એ આમ ઊઘડે છે: નિશીથ હે! નર્તક રુદ્ર— રમ્ય! ટૂંકોસરખો ઉપજાતિ, એ આમ ચાર યતિ ખમે? પણ પ્રવેશક પંક્તિને હું જરા ઇરાદાપૂર્વક ધીમી ગતિની કરું છું — નિશીથ (મધ્યરાત્રિ)ને સાક્ષાત્ કરી લેવા માટે. નિશીથ નર્તકના ‘રૂપમાં’ સમક્ષ થાય છે, પછી રુદ્ર નર્તક રૂપે, પછી વળી રમ્ય નર્તક રૂપે. પછી વળી, કાન ચમકે છે: કવિ કેવળ રૂપ-વર્ણન કરતા નથી, ‘તે'ને જ સંબોધે છે. એટલે ઘોષ સંભળાય છે — ‘હે નર્તક, રુદ્ર-રમ્ય!’ બસ. પછી આ ઘોષ સતત, દ્રુત ગતિથી, આખા કાવ્યમાં પ્રસરતો-સંભળાતો રહે છે. જુદાંજુદાં રૂપ ઉપસાવતું આ હે — સંબોધન કાવ્યમાં નવ વાર આવે છે. અવાજ અને આકારનું યુગપત્ નૃત્ય પણ મારા ચિત્તમાં, સમાન્તરે, ભજવાય છે.

ખંડ: ૧ના પહેલા ખંડકમાં નર્તકનું રૂપ રચવામાં કવિએ વિરાટ તત્ત્વોને યોજ્યાં છે — સ્વર્ગંગા, ‘ઘૂમતા ધૂમકેતુ’ અને નિહારિકાઓ (‘તેજોમેઘો’). પણ અલંકરણ-શણગાર એવો થયો છે કે નટરાજનું ભવ્ય રૂપ રમણીય પણ લાગે છે. જાણે પહેલી પંક્તિના ‘રમ્ય’ સાથે આ ‘ભવ્ય'નો સુ-સંગત પ્રાસ રચાઈ રહે છે. કવિની ઉત્સવપ્રિયતા તો જુઓ: ‘તેજોમેઘોની ઊડે દૂર પામરી.’ અને પામરીને દૂર સુધી ફરફરતી દેખાડવા એમણે શાલિનીમાં એક શ્રુતિ ઉમેરી દીધી! ને બીજા-ત્રીજા ખંડકમાં નટરાજનું વેગીલું નૃત્ય. ભવ્યને ગતિ મળે તો કેવું રોમહર્ષણ નૃત્ય-દર્શન પ્રાપ્ત થાય એનો આ ઉત્તમ, કદાચ વિરલ, નમૂનો છે. ‘ભૂગોલાર્ધે પાયની ઠેક લેતો’ નટરાજ ‘તાલી લેતો દૂરના તારકોથી’ — ત્યારે એના નૃત્યવેગની સાથે ઉન્નત-તાનો, ધ સબ્લાઇમનો, અનુભવ પણ કરાવે છે. ‘પ્રતિક્ષણે’ ચકરાતી-ઘૂમતી પૃથ્વી સાથે નિશીથનું આ ‘ચિરકાલ’ નર્તન એક પરિચિત ભૌગોલિક ઘટનાને સજીવ કરી મૂકે છે — એને કેવું અદ્ભુત સંચારી રૂપ આપે છે! પ્રબળગતિ નૃત્યને લયોચિત રાખનાર પાર્શ્વસંગીત આ ખંડની છેલ્લી પંક્તિમાં કવિ સંભળાવે છે: ‘બજંત જ્યાં મંદ્ર મૃદંગ સિંધુનાં.’ મૃદંગોના મંદ્ર ઘોષને શ્રવણસુલભ કરતા એકધારા નાસિક્ય ધ્વનિઓ જાણે કે સાહજિક રીતે પ્રગટી આવ્યા છે. આ બૃહન્નૃત્યના સાક્ષાત્કારમાં છંદનો ફાળો પણ મોટો છે. આ કાવ્ય પહેલી વાર વાંચેલું ત્યારથી ઉમાશંકરનો આ શાલિની છંદ મને બહુ જ ગમતો રહ્યો છે. નૃત્યદૃશ્ય અને છંદની જુગલબંદીએ હંમેશાં મારું માથું ડોલાવ્યું છે. ને ક્રમશ: છંદની ઉપકારકતાને મારા મનમાં ઉતારી છે. નૃત્યનાં તાલઠેકા અને લયગતિ શાલિનીમાં બરાબર ઊતર્યાં છે — માત્ર શાલિનીમાં જ શા માટે; ઉમાશંકરે અહીં ઉપજાતિના ફલકને વિસ્તારીને જે વિવિધ છંદ-ભાતો, ને એમાં છંદ-પ્રયોગો, સરજ્યાં છે, એ બધાંમાં આ નિશીથ-ગતિ-લય બરાબર ઊતર્યો છે. છંદ-ભાતની બધી વાત કરવામાં તો ‘ગ્રંથ[લખાણ] અતિ ઘણૂં થાય’ એટલે માત્ર એક જ દૃષ્ટાંત: બીજા ખંડકની પાંચ પંક્તિઓમાં, શાલિનીની ચાર પંક્તિની વચ્ચે સહસા પ્રવેશી જતી ઉપેન્દ્રવજ્રાની પંક્તિ ‘પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી', નટરાજ પરથી ક્ષણેક ધ્યાન ખસેડીને, એ જ ગતિલયમાં, ‘ચકરાતી’ પૃથ્વીને દૃશ્યમાન કરે છે એમાં છંદની વિશિષ્ટ ભૂમિકા જોઈ શકાય છે — હું તો જોઉં જ છું.

બીજો ખંડ. નૃત્યરત નિશીથનો પ્રભાવ. કવિએ ચાર જ પંક્તિઓ લીધી છે. વેગ, હવે આ-વેગ; પ્રીતિપૂર્ણ કામાવેગ. પહેલી બે પંક્તિઓમાં વ્યાપકનો, સૃષ્ટિનો કામ-રોમાંચ છે. કવિ કહે છે, હે નિશીથ! તારા પાયર્થીપાય નીચે પૃથ્વી ‘મીઠું’ ચંપાય છે; ને હે નિશીથ! તારા સ્પર્શથી આકાશ(દ્યૌ)ને તારક-પલકારનો ‘તેજરોમાંચ’ થાય છે. વિરાટ પ્રકૃતિનું રતિ-ઉદ્દીપન. એ સાથે જ એ રતિ-ઉદ્દીપન માનવોમાં સંક્રાન્ત થાય છે. પ્રીતિમાં પરસ્પર ‘પરોવાયેલાં’ દંપતીના હૃદયમાં જાગતો ને મચી રહેતો વિકાર`વંટોળ’. કવિએ માર્મિક શબ્દપ્રયોગ, બલકે અર્થસંકેત, કર્યો છે — ‘તું-હૂંફે.’ નિશીથનો સ્પર્શ નથી — દંપતીના એકાંતમાં વિશ્વસ્ત બની રહેતી એની અદૃષ્ટ પ્રેરકતા છે. આકાશનો તેજરોમાંચ વ્યાપક છે, આ દંપતી-વિકારોદ્દીપન અંગત ને એમ સંગોપિત છે. છતાં વેગ અને ઉદ્રેકનો તંતુ તો બરાબર જોડાયેલો રહે છે — ‘લયોચિત્અ.’ વેગ એ નૃત્યનું તેમજ રતિ-ઉદ્દીપનનો સમાન (કૉમન) ઘટક છે એટલે મને વળી, આ કાવ્યની રચનાસંદર્ભે, ફરી શાલિની યાદ આવ્યો: ગાગાગાગા ગાલગા ગાલગાગા. ૧૪ શ્રુતિઓમાંથી ૯ ગુરુશ્રુતિઓવાળો ને અવાન્તરે ૨ લઘુશ્રુતિઓને ગૂંથીને વિશિષ્ટ લય-આલેખ ઉપસાવતો આ છંદ ઉદ્રેકશીલ દ્રુત હૃદયધબકારના વેગને ઝીલવામાં પણ કાર્યસાધક (ફંક્શનલ) બનતો લાગે છે.

દૃષ્ટિફલક (આઈ-સ્પાન)ની કંઈક બહાર રહેતું નિશીથનું ભવ્ય-વિરાટ રૂપ હવે, ત્રીજા ખંડમાં, નયન-રમ્ય બને છે. દૂર નિહારિકાનાં સલિલે ખેલનારો નિશીથ હવે એની રમ્ય બલકે રમતિયાળ લીલાઓ સાથે નિકટ આવે છે (‘રંકાંગણે તું ઊતરે અમારે.’) આ ખંડનાં ક્રિયા-રૂપો જુઓ: ઝૂકંતો, રમંતો, ઝૂલંતો, લણંતો… આકાશનાં જ્યોતિરૂપો નિશીથની કંઈક મસ્તીખોર (બાળ)લીલા રૂપે સાક્ષાત્ થાય છે. (નક્ષત્રોને અલંકરણ-સજીવ કરનાર કાકાસાહેબ યાદ આવે જ — ઉમાશંકર પણ ‘નિશીથ’ સંગ્રહના ટિપ્પણમાં એમને યાદ કરે છે ને વળી આપણને સૂચવે છે: ‘જિજ્ઞાસુએ વરસભર, ને વિશેષત: નવેમ્બરમાં આકાશદર્શન કરવું.’) પહેલા ખંડના વેગીલા રુદ્રનૃત્ય કરતાં અહીં ગતિ ઘટે છે — કંઈક લાસ્ય-નૃત્ય ભંગિમાઓ દેખાય છે. છેલ્લી પંક્તિને બાદ કરતાં, આ ખંડની પહેલી ૧૭ પંક્તિઓમાં ક્યાંય પણ કવિએ વેગભર્યો શાલિની યોજ્યો નથી. છંદની એક વધુ કાર્યસાધકતા. અગાઉના રમ્ય, ભવ્ય નિશીથની અહીં વળી એક જુદી ઓળખ ઊપસે છે: ‘હે રૂપોમાં રાચતા નવ્ય યોગી!’ અહીં ‘યોગીની’ લીલાઓ છે — ‘ધ્રુવશું રમંતો’ વગેરે વાંચતાં મનમાં સહસા ઝબકે છે: स रमते।

કાવ્યની સ્થાપત્ય-રચના કવિ-કૌશલ-આયોજિત પણ છે. ત્રીજા ખંડનો યોગી હવે, ચોથામાં, ‘શાન્તમના તપસ્વી’ રૂપે સાક્ષાત્ થાય છે. પેલું મૃદુ રમતિયાળ વિસ્મય હવે સમગ્ર સૃષ્ટિની ઉત્-ક્રાન્તિની રહસ્ય-જિજ્ઞાસામાં પલટાય છે. નિશીથનું એ અપ્રતિરોધ્ય વિસ્મય ‘જાૃંભાવિકાસ્યું મુખ…’ એવી મુદ્રા ધારણ કરે છે! મનુષ્ય દ્વારા થતા એના ‘દર્શન’નું ચિત્ર જોઈએ: અમાસનો નિગૂઢ અંધકાર. અમે માનવ(-મંદ-)દીવો ચેતવીને તને નિહાળવા જઈએ છીએ ત્યાં… એ જાૃંભાવિકાસ્યા ચંડ મુખનું દર્શન (એમાં બ્રહ્માંડદર્શન, એથી?) અમારે માટે અ-સહ્ય થઈ પડે છે: ‘સ્વરૂપ તારું શિવરુદ્ર વ્યોમે.’ રુદ્ર-રમ્ય-રુદ્ર એવા ક્રમિક રૂપ-વિવર્તોનો એક સર્જનાત્મક આલેખ — જાણે ચિત્રવિથિ આ કૃતિમાં ઊપસી રહે છે.

ચોથાનું સાતત્ય, ને વળી એમાં બીજા ખંડનુંય અનુસંધાન, પાંચમા ખંડમાં જોઈ શકાય છે. અમાસ-અષ્ટમી-પૂર્ણિમા એવા રાત્રિવિવર્તોમાં વ્યાપતા નિશીથનાં જાણે કે સર્વ રૂપો કવિને આલેખવાં છે. પેલો તપસ્વી, તે જ હવે (ફરી સક્રિયતા-પ્રેરક) સંન્યાસી — કપાળમાં અંધારની અર્ચના, શરીરે કૌમુદીશ્વેત-ભસ્મ, હાથમાં અષ્ટમીનું (ક્યારેક પૂર્ણિમાનું) કમંડલું. એના ‘રસપ્રોક્ષણ'થી હવે ફરી પ્રીતિ-ઉત્તેજનાનો સંચાર. સરખાવીએ બીજા ખંડના ‘વિકારવંટોળ મચે'ની સાથે આ ખંડના ‘હૈયાકમલો વિશે મીઠો… ચેતનનો પરાગ.’ અલબત્ત, એ પણ હૃદયને ‘મત્ત ચંચલ’ કરનાર તો છે જ. નિશીથ ખરા અર્થમાં ઉદ્દીપક જ છે — ‘સ્વયં સુનિશ્ચંચલ’. એથી આવાં (બીજા ખંડમાં છે તે અને અહીં પણ છે તે, એવાં) ‘શાંત તાંડવો'નો ખેલંદો છે નિશીથ. (બલવંતરાય જેવા કાવ્યમર્મજ્ઞે ‘તાંડવો શાંત કહેવાય ખરાં?’ એવો પ્રશ્ન કેમ ઉઠાવ્યો હશે એ સમજી શકાતું નથી.)

છેલ્લા ખંડમાં, ઉમાશંકર જ કહે છે એમS, નટરાજ રૂપને આવાહન છે — સ્પષ્ટ પ્રાર્થના છે. સ્તોત્રકાવ્યનું કંઈક રૂઢ રૂપ એથી ઊપસે છે. ‘મહિમ્ન’ સ્તોત્ર નિશીથના આવા રૂપ-આલેખનથી પણ પર્યાપ્ત, પૂર્ણ ન થઈ શક્યું હોત? થયું જ છે. વળી, પાંચમા ખંડના અંત પછી, કાવ્યની છેલ્લી પંક્તિ ‘નિશીથ, વૈતાલિક હે ઉષાના!'માં આખી રચના ફરીથી સમ પર આવે પણ છે. પરંતુ, એ વચ્ચેની, છઠ્ઠા ખંડની ૧૭ પંક્તિઓ ભરીને કવિએ કલ્યાણવાંછાની પ્રાર્થના કરી છે. ‘મારા દેશે', ‘લોક કેરાં', ‘ભોળુડાં લોકહૈયાં', ‘ન જાગશે'? અને ‘રક્તદ્રોતે દાસ્યદુર્ભેદ્ય તંદ્રા’ ‘ન તૂટશે'? એવા શબ્દોમાં આલેખાતી આરત કાવ્યને કઈ દિશામાં લઈ જાય છે? કવિ એ તો કંઈક બરાબર કહે છે કે, તું (નટરાજ) શ્રાન્તોને ચેતના દે છે, પ્રકૃતિપ્રિયાને શોભાવે છે, માનવોના મનમાં સ્વપ્નોનાં બી વાવે છે. આટલું તો એ કરે છે, એ પર્યાપ્ત નથી? પછી પાછું ‘ન આટલું તુંથી થશે? — નું ઉમેરણ?! કંઈક આવી પ્રાર્થના મુખર બની રહે છે: ‘તું અમારી નિત્યનવીન આશા છે, હે દેવ! તો તું અમારા પર આટલી કૃપા કર.’ છતાં ઉમાશંકર જોશી ટિપ્પણમાં લખે છે: ‘નિશીથને કાવ્યોચિત મૂર્તત્વ, વ્યક્તિત્વ (personification) પણ આપ્યું છે. પણ તે એને દેવ ગણવા કે ગણાવવાની આસ્થા વગર જ.’ (જુઓ, ‘નિશીથ', ૧૯૩૯, પૃ. ૧૯૧). ટિપ્પણમાં ‘સ્વપ્નો-આદશો-નાં બી’ એમ સ્વપ્નને આદર્શમાં સીમિત કર્યું છે એ પણ… નથી ગમતું. પણ આ બધો કવિના સમયનો ને એમણે કરેલી આવી ટિપ્પણનો ઇલાકો છે. એમાંથી બહાર નીકળીને, એવી થોડીક ખલેલને મનમાંથી ખંખેરી નાખું છું તો એક અદ્ભુત કાવ્ય ‘નિશીથ'માં અનુભવું છું — છંદલયનું, અલંકરણનું કવિકર્મ-નકશીકામ અને સર્જકની ઉત્તમ કલ્પનાશક્તિ સંતૃપ્ત કરે છે.

  • ‘નીશિથ’ સંગ્રહને અંતે ટિપ્પણમાં ઉમાશંકર જોશી લખે છેઃ ‘નટરાજરૂપને ફરી ચિત્તમાં પ્રત્યક્ષ કર્યું છે. માનવોના મનની માટીમાં સ્વપ્નો-આદર્શો-નાં બી વેરવાની એ મહાનટની શક્તિનું, પોતાના મંદ-પ્રમાદી રક્તવહેણમાં પ્રતાપી મનભર સંગીત સ્ફુરવવા માટે છેલ્લે આવાહન છે
આસ્વાદોત્તર બીજી એકબે વાત
૧. છંદપ્રયોગ:

૬૮મી પંક્તિ ‘ખેલંદા હે શાન્ત તાંડવોના'માં ૭મી ગુરુશ્રુતિનો લોપ કર્યો છે એમાં ‘છંદનું માપ તૂટે છે’ એવી ટીકા બલવંતરાયે કરેલી. (‘આપણી કવિતાસમૃદ્ધિ’ (૧૯૩૯), પૃ.૧૨૮-૧૩૧). ઉમાશંકર ‘નિશીથ’ સંગ્રહની નોંધમાં કહે છે, ‘એમાં છંદોભંગ લેખવાની જેને ઇચ્છા હોય તે તેમ ગણે.’ ને પછી શાસ્ત્રાધાર આપે છે કે ‘રણપિંગળ'માં ૧૦ શ્રુતિનો ‘પંક્તિ’ નામનો છંદ છે — મતરગા. એ જુઓ તો આ છંદોભંગ કે શ્રુતિલોપ પણ નહીં લાગે. એમણે પોતે તો ઉપજાતિમાં વચ્ચે ‘એકવિધતા તોડવા માટે’ આવો પ્રયોગ કર્યો છે. ‘નિહારિકાનાં સલિલે ખેલનારો'માં ઉપેન્દ્રવજ્રાની ૮મી શ્રુતિ પછી, ૯મી ગુરુશ્રુતિનું, ઉમેરણ છે એને માટે પણ ઉમાશંકર શાસ્ત્રાધાર આપે છે ‘રણપિંગળ'માંના ૧૨ શ્રુતિના ‘જગતી’ છંદનો. એમને કહેવું તો એ હતું કે છંદોની લય-ભાતોને માટે, જોઈતો હોય તો, શાસ્ત્રાધાર તો મહદંશે મળી રહે પણ (એક બીજા કાવ્ય ‘ગ્રીષ્મપૂર્ણિમા’ અંગેની ટિપ્પણમાં તેઓ લખે છે કે) ‘સર્જનવ્યાપારમાં એકવિધતા ટાળવાને કલાકારનો લયલુબ્ધ કાન ક્વચિત્ નવું જ લયરૂપ સર કરે છે ત્યારે શાસ્ત્રાજ્ઞા માટે ઓછો જ રાહ જુએ છે?’ પણ આ શાસ્ત્રાધાર-નોંધ તો, તેઓ જરીક તારસ્વરે કહે છે કે, “ના, આ તો છંદોભંગ’ એમ અબ્રહ્મણ્યમ્ પુકારનારાઓને […] તુષ્યતુ દુર્જન: એ ન્યાયે’ કરેલી છે! ઉમાશંકરની આ રોષમુદ્રા આસ્વાદ્ય છે. પરંતુ — કદાચ એટલે જ — એક ગુસ્તાખી કરવાનું મન થાય. એમના જેવા છંદસમર્થમાં પણ ખાડાપૂરક વર્ણશ્રુતિઓ જડે, જેમકે, આ ‘ગ્રીષ્મપૂર્ણિમા'માં જ ‘કે જેવી દેવી ઉતરે સુમુક્તિની'માં ખાડાપૂરક ‘સુ —’ નંખાયો છે. બલવંતરાયે ‘નિશીથ'માં ‘સુનિશ્ચંચલ’ એ શબ્દપ્રયોગને, જરા જુદી રીતે, ‘વર્જ્ય’ ગણ્યો છે — ‘અતિસંસ્કૃત પ્રયોગ’ કરીને. અલમ્.

૨. ગાંધીયુગીન અભીપ્સા?

યશવંત ત્રિવેદીએ, ઘણુંખરું ‘ગ્રંથ'માંની મુલાકાતમાં ઉમાશંકર જોશીને પૂછેલું: ‘આપે ‘નિશીથ’ જેવું વિરાટ ફલક પર બળવાન કાવ્ય લખ્યું છે. પરંતુ પાંચ ખંડ સુધી શુદ્ધ કવિતાનું રૂપ જાળવ્યા બાદ આપ છઠ્ઠા ભાગમાં રાત્રિના શુદ્ધ રૂપને કોરે મૂકીને ત્યાં ગાંધીયુગના એક reformist (સુધારક) તરીકે […] દેશની મૂર્છના ટળે એવી અભીપ્સા પ્રગટ કરી બેઠા.’ ઉમાશંકરનો ઉત્તર હતો: “નિશીથ’ કાવ્યના અંત અંગે, એ ‘કુમાર'માં પ્રગટ થયું તે દિવસથી મારું ધ્યાન ખેંચનારા મિત્રો મળ્યા છે. હું હજી સમજી શક્યો નથી કે શા માટે માણસ કવિતામાં પોતાના જમાનાનો નિર્દેશ ન કરી શકે.’ (યશવંત ત્રિવેદી, ‘ઇન્ટરવ્યૂ', ૧૯૮૬). આ મુલાકાત ઉમાશંકર જોશીના મરણોત્તર પુસ્તક ‘થોડુંક અંગત’ (૧૯૯૯)માં પુન: પ્રકાશિત થયેલી છે. જુઓ એનાં પૃષ્ઠ ૧૦૨ અને ૧૦૩.) ઉમાશંકરનો આ ઉત્તર, કંઈક અનિચ્છાએ અપાયો હોય એવો, અપર્યાપ્ત ને અસ્પષ્ટ લાગે છે. ‘નિશીથ’ (૧૯૩૯)માંની પેલી વિગતવાર ટિપ્પણમાં પણ, ખંડ-૬ની, ‘મારા દેશે…'થી શરૂ થતી પહેલી ૯ પંક્તિઓ વિશે એમણે કશું જ નોંધ્યું નથી! બલવંતરાયે, આ ખંડ વિશે, ‘ગાંધીયુગીન’ કે ‘પોતાનો જમાનો’ — એ પ્રકારની કોઈ ટિપ્પણ કરી નથી. એમનો પ્રશ્ન તો બીજો જ છે: ‘પ્રકૃતિના કોઈ તત્ત્વને દેવાધિદેવ કલ્પી તેને આવી કોઈ પ્રાર્થના આપણા અર્વાચીન માનસને હવે શક્ય ખરી?’ (એમને તો સ્તોત્રકાવ્યનો આ પ્રકાર જ ‘કાલગ્રસ્ત (ઑબ્સોલીટ)’ લાગ્યો છે. એ અજ્ઞેયવાદીને અહીં ‘અદ્ભુતતા કરતાં કૃત્રિમતા’ વધુ લાગે છે (!). તેઓ કહે છે: ‘વેદનું નામ પડતાં ગાંડા બનતા પુરાભક્તોમાંનો હું નથી.’) ઉમાશંકરે આ ‘પ્રાર્થના'વાળી વાત અંગે જાણે ઉત્તર વાળ્યો છે એમની ટિપ્પણમાં — ‘નિશીથને ચિરંતન પ્રેરણાના મૂળ એવા પ્રબળ તત્ત્વ તરીકે જ અહીં ઉદ્બોધન છે’ […] એને દેવ ગણવા કે ગણાવવાની ઇચ્છા કે આસ્થા વગર જ.’ ઉમાશંકરના આ ‘જ'કારો પ્રબળ બચાવ (strong defence) જેવા લાગે છે, બાકી પ્રબળ તત્ત્વ તરીકે નિશીથના મૂર્ત આલેખનની વાત તો અસ્વીકાર્ય છે જ ક્યાં? બલકે, નર્તકથી વૈતાલિક સુધીનાં રૂપપરિવર્તનો બતાવતા નિશીથની પ્રબળ તત્ત્વ તરીકેની લીલાઓ આ કાવ્યને હ્ય્દ્ય અને પ્રભાવક બનાવે છે.