આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/L
L
Lacuna ત્રુટી
- મૂળમાં ગર્તા કે અન્તરાલ માટે વપરાતો આ શબ્દ રૂપકાત્મક રીતે પુસ્તક કે હસ્તપ્રતમાંની ત્રુટિ કે તેમાંની ઊણપ માટે પ્રયોજાય છે.
Lament રુદનિકા
- કોઈ વ્યક્તિના અવસાન નિમિત્તે કે કશીક દુઃખદ આપત્તિ પ્રસંગે રચાયેલું કાવ્ય.
- જુઓ : Elegy, Monody.
Lampoon વિડંબિકા
- વ્યક્તિગત કટાક્ષ, વ્યંગ, આક્ષેપો વગેરેનું નિરૂપણ કરતી કૃતિ. ક્યારેક અશ્લીલ રીતે પણ એને રજૂ કરવામાં આવે છે. વ્યંગાત્મક કૃતિથી વિડંબિકાનાં જુદાં પડતાં લક્ષણો આ પ્રમાણે છે : ૧. વ્યક્તિગત આક્ષેપો; ૨. અંગત દ્વેષ દ્વારા પ્રેરિત રચના; અને ૩. સૂચિત આક્ષેપો અંગે પુરાવાઓનો અભાવ.
- આ પ્રકારની કૃતિનો લેખક વિડંબક (Lampooner) તરીકે ઓળખાય છે. ૧૮મી સદીમાં ડ્રાયડને આ પ્રકારની કૃતિઓ આપી છે.
Language ભાષા
- ભાષા મનુષ્યોના ઉચ્ચારણતંત્ર દ્વારા ઉત્પન્ન થયેલા યાદૃચ્છિક ધ્વનિપ્રતીકોની વ્યવસ્થા છે, જેના દ્વારા એક ભાષા-સમુદાયના સભ્યો પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન કરે છે. એ રીતે ભાષા સાહિત્યિક અભિવ્યક્તિનું આવશ્યક અંગ છે.
Language of Poetry કાવ્યભાષા
- જુઓ : Poetic language.
Laureate રાજકવિ
- રાજ્ય દ્વારા નિયુક્ત કવિ. પહેલાં તો આ પ્રકારનો રાજકવિ રાજ્યપ્રસંગો અંગે રચનાઓ કરતો, પરંતુ હવે આ આ પદ સન્માનના પદ તરીકે ઓળખાય છે અને આવું પદ કોઈ અત્યંત પ્રસિદ્ધ પ્રતિનિધિ કવિને અપાય છે.
Laying bare અનાવૃત્ત પ્રતિનિધાન
- કલાની પ્રશિષ્ટ માન્યતા એવી છે કે કલાએ પોતાની પ્રક્રિયાઓને પ્રચ્છન્ન રાખવી જોઈએ. રશિયન સ્વરૂપવાદીઓએ આ માન્યતાને સીધો વિરોધ કર્યો છે. સ્ટર્નના ‘ટ્રોસ્ટ્રમ શેન્ડી’ પરના લઘુપ્રબંધમાં શ્ક્લોવ્સ્કી વિઘ્ન, વિલંબન કે વિચ્છેદ દ્વારા પરિચિત ક્રિયાઓ કઈ રીતે અપરિચિત કરી શકાય છે એની રીતિઓ તરફ ધ્યાન ખેંચતા ‘અનાવૃત્ત પ્રતિનિધાન’ની પ્રવિધિ સમજાવે છે. ઘણી વાર અપરિચિતીકરણની ક્રિયા પ્રત્યક્ષ પર નહિ પરંતુ પ્રત્યક્ષના પ્રતિનિધાન પર અસર પહોંચાડે છે. વર્ણનને વિલંબિત કરી નાખી લેખક ભાવ અંગે કે નવા પ્રત્યક્ષ અંગે નહિ પણ માત્ર ઉત્કટીકૃત ભાષાપ્રતિનિધાન પરત્વે નવી દૃષ્ટિ આપે છે. :શ્ક્લોવ્સ્કી પ્રતિનિધાનની આ પ્રક્રિયા પરના ભારને અનાવૃત્ત પ્રતિનિધાનની પ્રવિધિ તરીકે ઓળખાવે છે. ‘અપરિચિતીકરણ’ અને ‘અનાવૃત્ત પ્રતિનિધાન’ બેર્ટોલ્ટ બ્રેસ્તના પ્રસિદ્ધ ‘વિચ્છેદ સિદ્ધાન્ત’ની સમાન્તર છે.
- જુઓ : defamiliarization, Alienation,
Lecture વાચનપ્રક્રિયા
- જુઓ : Ecriture
Legend દંતકથા, ક્વિંદન્તી, અનુશ્રુતિ
- કોઈ પણ વ્યક્તિ, ઘટના કે સ્થળ અંગેની કાલ્પનિક કથા. દંતકથા એ ઘણું લોકપ્રિય કથા-સ્વરૂપ છે. દંતકથા આગલી પેઢી પાસેથી એક પરંપરાગત વારસારૂપે પછીની પેઢીને મળે છે અને એ પેઢી એને સત્ય તરીકે સ્વીકારી લે છે. આ કથાસ્વરૂપ પુરાકથા અને શુદ્ધ ઇતિહાસ વચ્ચેનું કથાસ્વરૂપ છે. લોકપ્રિય લોકનાયક, સંતો, સેનાપતિઓ, રાજાઓ કે ક્રાન્તિકારો વિશે આવી દંતકથાઓ સમાજમાં પ્રચલિત થતી હોય છે. નરસિંહ, પ્રેમાનંદ જેવા કવિઓ વિશેની દંતકથાઓ જાણીતી છે.
Leit Motif અગ્ર-કથાબીજ
- સિનેમા અને નાટ્યમાં પુનરાવર્તનશીલ રહેતું પ્રભાવક કથાબીજ. સૌપ્રથમ પર્સી શીલ્સે (Scholes) આ સંજ્ઞા પ્રયોજી હતી. વેગનર(Wagner)ના સર્જન વિશે શેલ્સનું માનવું છે કે વેગ્નર નાના સંવાદ સાધતાં એવાં કથા-બીજોનો સર્જનમાં વિનિયોગ કરેલો, જેના દ્વારા નાટ્યનાં પાત્રોનું વ્યક્તિત્વ આલેખિત થતું હતું. આને કારણે ભાવ કે વિચાર નાટ્યાત્મક પરિસ્થિતિમાં મુખર થઈને સમગ્ર દૃશ્યને પ્રવાહી બનાવતો.
Lexicographer કોશવિજ્ઞાની
- જુઓ : Lexicography.
Lexicography કોશવિજ્ઞાન
- શબ્દના કોશગત અર્થનું અને કોશરચનાનું સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક અભ્યાસ કરતું વિજ્ઞાન. આ વિજ્ઞાન માત્ર અર્થ યુક્ત શબ્દોના અધ્યયન પૂરતું જ મર્યાદિત નથી, પણ પદ કે પદાંશોની વ્યાકરણિક કોટિઓ જેવી કે જાતિ, વચન, વિભક્તિ અને ક્રિયાપદાદિના કાળ, અર્થ, પ્રયોગ વગેરેનું પણ અધ્યયન કરે છે. છેલ્લા દાયકાઓમાં સંગણકવિજ્ઞાન(Computer Science)ના વિકાસના કારણે આ વિજ્ઞાનના અભ્યાસમાં પદ્ધતિશાસ્ત્રીય (Methodological) ફેરફાર થયા છે. ભાષાના અધ્યયનનું આ પાયાનું કામ છે.
Lexicology કોશવિજ્ઞાન
- જુઓ : Lexicography.
Light verse હળવું પદ્ય
- મનોરંજન માટે લખાયેલું પદ્ય. આવાં પદ્યો જે તે સમયના રોજિંદા સામાજિક જીવન કે કવિના એક સામાન્ય વ્યક્તિ તરીકેના અનુભવો નિરૂપે છે.
Ligue donnee ઈશ્વરદત્ત પંક્તિ
- ફ્રેન્ચ કવિ પૉલ વૅલેરીએ આપેલી સંજ્ઞા. પ્રેરણાથી નીપજેલી કે ઈશ્વરદત્ત પંક્તિ અંગેનો અહીં નિર્દેશ છે. આ પંક્તિની આસપાસ કવિ પછીની પંક્તિઓ પૂરી કરતો હોય છે.
Limerick રમૂજ કાવ્ય
- અંગ્રેજ સાહિત્યમાં અર્થહીન હળવાં કાવ્યોનો એક ચોક્કસ પ્રકાર. ત્રણ લાંબી પંક્તિ અને બે ટૂંકી પંક્તિ એમ કુલ પાંચ પંક્તિઓ એમાં અનિવાર્યપણે હોય છે.
Linguistics ભાષાવિજ્ઞાન
- માનવભાષાનો સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક અભ્યાસ કરતું વિજ્ઞાન. ભાષાનાં જુદાં જુદાં પાસાંઓનું અધ્યયન કરવા માટે ભાષાવિજ્ઞાન જુદી જુદી શાખાઓમાં વહેંચાયેલું છે : વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન, ઐતિહાસિક ભાષાવિજ્ઞાન, તુલનાત્મક ભાષાવિજ્ઞાન વગેરે. સાહિત્યમાં પ્રવર્તમાન સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન, પાઠ-ભાષાવિજ્ઞાન જેવાં વલણો ભાષાવિજ્ઞાનથી જ પ્રેરિત છે. સાહિત્યના વૈજ્ઞાનિક અભ્યાસમાં ભાષાવિજ્ઞાનનું કાર્ય ઘણું મહત્ત્વનું છે.
Linguostylistics ભાષાશૈલીવિજ્ઞાન
- રોજિંદી ભાષાથી થયેલા વિચલનને કેન્દ્રમાં રાખી ઉક્તિના ભાષાકીય વર્ણન પર ખસેલા ભારને કારણે શૈલીવિજ્ઞાનની આ શાખા ભાષાશૈલીવિજ્ઞાન તરીકે ઓળખાય છે.
Literal meaning મુખ્યાર્થ, અભિધાર્થ
- અર્થનો એક પ્રકાર, સાહચર્યો, સંદર્ભેથી મુક્ત એવો શબ્દનો અર્થ. શબ્દ-કોશમાંનો અર્થ એ એનું ઉદાહરણ છે. સાહિત્યનું અધ્યયન સાહિત્યના શાબ્દિક અર્થ પર નહીં પણ મુખ્યત્વે તેના લાક્ષણિક અર્થ પર આધાર રાખે છે.
Literary Competence સાહિત્યિક સામર્થ્ય
- જુઓ : Competence, Literary.
Literary necrology સાહિત્યિક મૃત્યુસૂચિ
- ચોક્કસ સમયગાળામાં મૃત્યુ પામેલ સાહિત્યકારોની યાદી.
Literary Response સાહિત્યિક પ્રતિભાવ
- ભાવક પર પડતી કૃતિની અસર કે કૃતિનો અનુભવ. વર્તનવાદી મનોવિજ્ઞાન પોતાના પાયાના વિભાવોને આધારે સાહિત્યિક વર્તનનો જે રીતે વિચાર કરે છે તેને સ્વીકારનારા આઈ. એ. રિચડર્ઝ આદિ વિવેચકોના મતે સાહિત્યિક અનુભવ ‘સાહિત્યિક પ્રતિભાવ’ તરીકે ઓળખાવા લાગ્યો. ઉત્તેજક પદાર્થ તરીકે રહેલી સાહિત્યિક કૃતિથી ઉત્તેજાઈને તેના સંપર્કમાં આવનાર વ્યક્તિમાં મુખ્યત્વે જે બાહ્ય, દૃશ્ય પ્રભાવચિહ્નો વ્યક્ત થાય છે તે તેના પ્રતિભાવ તરીકે ઓળખાય છે.
Literati વિદ્વત્વર્ગ, સાહિત્ય-સમાજ
- જ્ઞાન અને સાહિત્ય સાથે સંકળાયેલો સમાજનો ચોક્કસ વર્ગ.
Literature સાહિત્ય
- ગુણવત્તાની દૃષ્ટિએ સ્વીકૃતિ પામેલું, ગદ્ય કે પદ્યમાં લખાયેલું જે–તે સ્થળ-કાળ-જાતિનું સર્જનાત્મક લખાણ. પત્રકારત્વની સરખામણીમાં આ પ્રકારનું લખાણ વિશેષ સર્જનાત્મક, કલ્પનાશીલ અને વિચારોના ઊંડાણવાળું હોય છે.
Litotes અલ્પોક્તિ
- અલ્પોક્તિમાં વિરોધી વસ્તુના નકારનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, ‘ખરાબ નથી’નો અર્થ ‘સારું’ છે. ‘તમે માણસ નથી’નો અર્થ સ્પષ્ટ છે કે ‘તમે જાનવર છે’.
Litterateur સાહિત્યકાર
- સાહિત્ય સાથે સક્રિય રીતે સંકળાયેલી વ્યક્તિ. સાહિત્યિક કૃતિઓનો સર્જક કે સાહિત્યનો અભ્યાસી,
Little Magazine લઘુ સામયિક
- જુઓ : Magazine.
Little Theatre લઘુ રંગભૂમિ
- મર્યાદિત પ્રેક્ષકો માટે પ્રયોગશીલ નાટકો રજૂ કરતી બિનધંધાદારી રંગભૂમિ. વિશ્વના મોટા ભાગના દેશોમાં સતત ચાલતી આ પ્રકારની રંગભૂમિની પ્રવૃત્તિ સમાજની સાંસ્કૃતિક સંસ્થાઓના આશ્રયથી ચાલે છે.
Liturgical Drama ઉપાસના-નાટ્ય
- હાલના સ્વરૂપમાં સ્થિર થતાં પહેલાં નાટકનું સ્વરૂપ અનેક પ્રાથમિક તબક્કાઓમાંથી પસાર થયું છે. ઉપાસનાનાટ્ય નવમી સદીમાં ખ્રિસ્તી સમાજમાં પ્રચલિત નાટકનું આવું એક સ્વરૂપ હતું. સમૂહ પ્રાર્થનાના સંવાદાત્મક સ્વરૂપ તરીકે અસ્તિત્વમાં આવેલો આ નાટ્યપ્રકાર નીતિકાઓ (Morality Plays) તરીકે પાછળથી વિકસ્યો. લોકનાટ્યોનો વિપુલ પ્રભાવ ધરાવતો આ નાટ્યપ્રકાર સદ્ અને અસદ્ના દ્વંદ્વને મુખ્ય વિષય તરીકે નિરૂપતો હતો. સરળતાથી ગ્રાહ્ય બની શકે તેવી ઘટનાઓના આધારે આ પ્રકારનાં નાટકોમાં ઉપદેશાત્મક કથાનું નિરૂપણ થતું હતું.
Local Colour સ્થાનિક રંગ
- સાહિત્યકૃતિમાં દૃશ્ય કોઈ ચોક્કસ સ્થળે યોજાયું હોય તો તે સ્થળ અને તેના વાતાવરણનું આલેખન અસાધારણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ૧૯મી સદીની નવલકથાઓમાં આવી પ્રયુક્તિનો વિશેષ આશ્રય લેવામાં આવતો, જ્યોર્જ ઇલિયટ, એમિલી બ્રોન્ટી, ટોમસ હાર્ડી વગેરે આ માટે જાણીતાં છે. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ પટેલની કેટલીક નવલકથાઓમાં સ્થળ મહત્ત્વનો ભાગ ભજવે છે.
Logic તર્કશાસ્ત્ર
- તર્કની પ્રક્રિયાનો અભ્યાસ કરતું શાસ્ત્ર, જે અભિવ્યક્તિ તર્કના નિયમોને અનુસરતી હોય તેને તાર્કિક કહેવાય. ભાષાના અર્થ અંગેના અભ્યાસમાં તર્કશાસ્ત્રનું ઘણું મહત્ત્વ છે, અને તેથી સાહિત્યના અર્થઘટન સંદર્ભે એનું ધોરણ અનિવાર્ય છે.
Logocentrism તત્ત્વવિચારકેન્દ્રિતા
- જુઓ : Deconstruction.
Logomachy શબ્દવિવાદ
- ભાષાના મુદ્દાને લઈને થતો શબ્દો અંગેનો વિવાદ, જોનથન સ્વિફ્ટના પુસ્તકોમાં આ અંગેનાં ઉદાહરણો જોવા મળે છે.
Logorrhoea શબ્દમેદ
- વાણી કે લેખનમાં શબ્દ ભંડોળનો અતિશય ઉપયોગ,
Low Comedy અનુદાત્ત સુખાન્તિકા
- સંવાદ, ઘટના વગેરેનો ઉપયોગ માટ્ર હાસ્ય નિષ્પન્ન કરવાના આશયથી થયો હોય એવું નાટક. આ પ્રકારનાં નાટકોમાં વિદૂષકનું પાત્ર નાયકની સરખામણીમાં પણ વિશેષ લોકચાહના મેળવતું હોય છે.
આ પ્રકારનું નાટક પ્રહસન (Farce) કરતાં ઓછી સમયમર્યાદાનું હોય છે. ક્યારેક દીર્ઘ નાટકની અંતર્ગત પણ તેનો સમાવેશ થાય છે અને તેનો મુખ્ય હેતુ ગંભીર દૃશ્યોની વચમાં હાસ્ય વિશ્રાન્તિ (Comic Relief) સિદ્ધ કરવાનો હોય છે. Lullaby હાલરડું
- બાળકને સૂવડાવવા માટેનું ગીત, પારણું ઝુલાવતાં ગાવાનું ગીત. જેમ કે ઝવેરચંદ મેઘાણીનું ‘શિવાજીનું હાલરડું’.
Lyric ઊર્મિકવિતા
- મૂળે તો વીણા (Lyre) સાથે ગવાતું ગીત. પણ પછી કવિની લાગણી અને એનાં સંવેદનોને સીધાં વ્યક્ત કરતી કોઈ પણ ટૂંકી રચના માટે આ સંજ્ઞાનો અર્થવિસ્તાર થયો છે.
- વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી અલગ પડતી આ ચોક્કસ પ્રકારની કવિતા કથા નથી કહેતી અને કોઈ એક અંગત કે આત્મલક્ષી ભાવસ્થિતિ કે ભાવમુદ્રાને સહજસ્ફૂર્ત ઉત્કટ રીતે વ્યક્ત કરે છે અને એમ કરવામાં નિરીક્ષણ વિચાર, સ્મૃતિ અને સંવેદનને વિવિધ રીતિએ સંયોજિત કરે છે. આથી ઊર્મિકવિતાના પ્રકારો વિવિધ છે.
- વીસમી સદીમાં ઊર્મિકવિતા વધુ ને વધુ સંકુલ બની છે અને અનેક પરિવર્તનો તેમજ પરસ્પરવિરોધી કાવ્યવિષયોને એણે પોતામાં સમાવ્યા છે. આમ છતાં ઊર્મિકવિતાનો ઝોક બૌદ્ધિકતા કરતાં હંમેશાં ભાવાત્મકતા તરફ વિશેષ રહ્યો છે.
Lyrism ઊર્મિસંવાદ
- વાસ્તવિક જીવનમાં અનુભવેલી તૂમુલ લાગણી નહિ, નર્યો લાગણીનો ઊભરો નહિ, પરન્તુ કવિતાના ભાષાકાર્ય દ્વારા કલાત્મક અન્તઃસ્ફૂર્ત, અભિવ્યક્ત વસ્તુલક્ષી લાગણી. આને ક્રોચે ઊર્મિસંવાદ તરીકે ઓળખાવે છે.