આમંત્રિત/સર્જક-પરિચય
પ્રીતિ સેનગુપ્તા, આમ તો, પોતાનો પરિચય આ રીતે આપવાનું પસંદ કરે છે: “મૂળ ભારતીય, થડ ગુજરાતી, શાખા બંગાળી, પાંદડાં અમેરિકન, અને ફૂલ ખીલે તે સમય અને સ્થળ પ્રમાણે રંગરંગનાં. “વતન અમદાવાદ, વસવાટ ન્યૂયોર્ક, વહેવાર આખી દુનિયા સાથે. “આચાર પૂર્વીય, વિચાર આધુનિક, વર્તન વટેમાર્ગુ જેવું.”
આ મૌલિક પરિચયમાં કદાચ પ્રીતિ સેનગુપ્તાના ભ્રમણનો નિર્દેશ જોઈ શકાય, પણ એમનું જે અગત્યનું બીજું પાસું છે તેનો સંદર્ભ અહીં મળતો નથી. તે પાસું છે એમનું લેખન-કાર્ય. પાંચ અંગ્રેજી અને બાકીનાં ગુજરાતીમાં થઈને એમનાં પચાસથી વધારે પુસ્તકો થઈ ચૂક્યાં છે. એમાં લેખનનાં એકથી વધારે સ્વરૂપ પર કામ થયેલું જોઈ શકાય છે. અંગ્રેજીમાં કાવ્ય અને નિબંધનાં પુસ્તક છે, તેમજ સમગ્ર ભારતનાં સ્થાનોના તેમણે જ જઈ જઈને લીધેલા ફોટોગ્રાફનું પુસ્તક એક વિષિષ્ટ પ્રસ્તુતિ છે.
આ ઉપરાંત, પ્રીતિ સેનગુપ્તાનાએ ગુજરાતીમાં કાવ્યસંગ્રહ, લાલિત નિબંધસંગ્રહ, પ્રવાસ નિબંધસંગ્રહ, વાર્તાસંગ્રહ, તથા બંગાળીમાંથી અનુવાદ આપ્યા છે. વળી, એમની બે નવલકથા પ્રગટ થઈ છે, જે બંને ‘જન્મભૂમિ-પ્રવાસી’માં ધારાવાહિક બની હતી. વળી, “બે કાંઠાની અધવચ” નામની એમની પહેલી નવલકથાને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનું સન્માન્ય ‘નંદશંકર ચંદ્રક’ પ્રાપ્ત થયો છે. હવે આ બીજી નવલકથા “આમંત્રિત” ઈ-બૂકરૂપે ‘એકત્ર ફાઉન્ડેશન’ દ્વારા રજૂ થઈ રહી છે.
પ્રીતિ સેનગુપ્તાના વિશ્વ-પ્રવાસો તથા સાહિત્ય-સર્જનને કારણે અનેકવિધ પારિતોષિક એમને મળ્યાં છે. વિશ્વ-ગુર્જરી અને ગુજરાતનું ગૌરવથી માંડીને ગુજરાતી સાહિત્ય અકાદમી અને પરિષદનાં એકાધિક ઈનામો, કવિ ડાહ્યાભાઈ પારિતોષિક, સમર્પણ સન્માન, ગાર્ડી અવૉર્ડ વગેરેથી એ નવાજિત થયાં છે. કુમાર સુવર્ણચંદ્રક મેળવનારાં એ સૌ પ્રથમ સ્ત્રી-સર્જક બન્યાં છે.