આમંત્રિત/૧૪. સચિન
૧૪. સચિન
ન્યૂયોર્ક શહેરમાં ડિસેમ્બરનો મહિનો બહુ સરસ હોય. ક્રિસ્મસનો સમય, એટલે રસ્તે રસ્તે લાઈટોની શોભા તો ખરી જ, પણ વધારે તો શહેરમાં ઠેર ઠેર, રંગરંગીન લાઈટોની ઝૂલથી શણગારાયેલાં ‘ક્રિસ્મસ ટ્રી’ જોવા મળે. આ શંકુદ્રુમ તરીકે ઓળખાતાં વૃક્ષ, પ્રથાગત રીતે, આ સમયે લાક્ષણિક ગણાય. જેમને પોસાય તેમ હોય તે લોકો તો તાજાં કપાયેલાં, નાની-મોટી સાઇઝનાં ‘ટ્રી’ ઘરમાં મૂકવા માટે ખરીદે. એમની કુદરતી સુગંધ ઘરમાં પ્રસરતી રહે. વળી, શહેરની અનેક ગગનચુંબી ઈમારતોના જાહેર પ્રવેશ-કક્ષોમાં મોટાં મોટાં કૃત્રિમ ‘ટ્રી’ સુંદર શણગારીને મૂક્યાં હોય. સાંજ પડ્યે લોકોની મેદની આ શોભા જોવા નીકળે. સચિન દર ડિસેમ્બરમાં આમ નીકળતો નહીં. એવું કાંઈ યાદ ના આવતું, અને ઑફીસમાં જ રોજ સાંજે કોઈ ને કોઈ પાર્ટી ગોઠવાઈ હોય. ઉપરાંત, હમણાંથી તો એ પાપાને એકલા મૂકવા માગતો પણ નહતો. આ વર્ષે એણે વિચાર્યું કે એ પાપાને શહેરનાં બેએક મુખ્ય શંકુદ્રુમ જોવા લઈ જશે. અંજલિ પણ સાથે આવવા ઉત્સુક હતી. ખલિલે જાણ્યું એટલે એ રેહાનાને લઈને સાથે આવવા તૈયાર થઈ ગયો. “તો પછી સાથે ક્યાંક જમવા પણ જઈએ”, એણે કહ્યું. અંજલિને સૂઝ્યું, કે “આપણે ‘ક્યુબન કાફે’માં જઈએ. સિન્યૉર હોઝેએ તો ફરીથી આવવાનું કહ્યું જ છે, અને પાપાને મળીને પણ એ ખુશી થશે.” સચિનને યાદ આવ્યું કે એને ને ખલિલને ત્યાં જ અચાનક અંજલિ મળી ગઈ હતી, ને ત્યારે આ મૅનૅજર હોઝેની સાથે વાત થઈ હતી. “હા, સારો આઇડિયા છે. એ રીતે તારી કામની જગ્યા પણ પાપા જોશે.” એકબીજાં સાથે ફોનમાં વાત કરતાં કરતાં, છેવટે બધાંની સગવડ પ્રમાણે સમય અને સ્થળ ગોઠવી શકાયાં. સચિન જ ઑફીસથી વહેલો નીકળીને ઘેર પહોંચી જઈ શકે તેમ હતો. તેથી એ પાપાને લઈને રૉકફૅલર સેન્ટર પર જશે. ત્યાંનું ‘ક્રિસ્મસ ટ્રી’ તો મહાકાયી હોય, ને એ તો જોવું જ પડે. દર વર્ષે મહિનાઓની શોધખોળ પછી ન્યૂયોર્ક રાજ્યના કોઈ ગામમાંથી એક જીવંત વૃક્ષ પસંદ થાય. મોટે ભાગે કોઈના વિશાળ ફાર્મમાંથી એ મળે, ને લગભગ દરેક ફૅમિલિ એને આ સ્થાન માટે દાનમાં આપી દે. એની પસંદગીના પણ પાછા નિયમ હોય છે - એ પાંસઠ ફીટ ઊંચું તો હોવું જ જોઈએ, સરસ આકાર અને પહોળાઈવાળું, તેમજ રોગમુક્ત હોવું જોઈએ. બને એવું જ, કે જે પસંદ થાય તે શંકુદ્રુમ લગભગ નેવુંથી એકસો ફીટ ઊંચું હોય. “પાપા, આ પ્રથા અહીં ૧૯૩૩થી શરૂ થઈ હતી. મનાય ખરું? ને હજી ચાલતી રહી છે. અને આ સ્પેશિયલ ‘ટ્રી’ને કેટલી લાઈટોથી શણગારાય છે, ખબર છે? એ તો તમે જોશો તોયે માની નહીં શકો. ત્રીસ હજાર ઈલેક્ટ્રિક બલ્બ એના પર ખીચોખીચ લટકાવવામાં આવે છે. એની બત્તી પહેલી વાર ચાલુ કરવાની હોય ત્યારે મોટું ફંક્ષન યોજાય. શહેરના આગેવાનો હાજર રહે, બે-ત્રણ હજાર લોકો કલાકો પહેલાંથી આવીને જોવા ઊભા રહી જાય. પણ લાખો લોકો ઘેર બેઠાં આરામથી ટૅલિવિઝન પર જોઈ શકે.” ‘સચિનને બધી વિગતો આપવાનો બહુ શોખ છે’, સુજીત વહાલથી મલક્યો. ‘એ જાણે પણ બધું. એનું મગજ ઘણી બાબતે મારી જેમ જ ચાલે છે.’ “છેક ટોચ પર પાછો મોટો ક્રિસ્મસ સ્ટાર મૂક્યો છે. કેટલો ઝગમગે છે, નહીં?”, સુજીતે રસ બતાવતાં કહ્યું. “હવે આપણે લિન્કન સેન્ટર જવાનું છે, પાપા. પેલાં ત્રણેય ત્યાં આવશે. ત્યાંનું ‘ટ્રી’ બહુ મોટું નથી હોતું, પણ એના પર જુદા જ રંગની લાઈટો મૂકવામાં આવે છે. ખાસ એક જાતના ચમકતા ભૂરા રંગની ગોળ ગોળ બત્તીઓ હોય છે. બીજે બધેથી જુદી.” સુજીતને પણ એ ‘ટ્રી’ બહુ આકર્ષક લાગ્યું. બધાં આવી ગયાં પછી, લિન્કન સેન્ટરની વિસ્તૃત જગ્યામાં, ગોળ ફુવારાની આસપાસ બધાં આનંદથી ફર્યાં. હવે અંજલિ પાપાનું ધ્યાન રાખતી એમની સાથે ચાલતી હતી, ખલિલ રેહાનાની સાથે હાથ પકડીને ફરતો હતો. હવે સચિન એકલો પડ્યો, ને ત્યારે જ એણે જૅકિના વિચારોમાં બધું ભૂલવાની પોતાને છૂટ આપી. છેવટે એની ઇ-મેલ આવી હતી. ટૂંકી જ હતી, ને ઉતાવળમાં જ લખેલી હોય તેમ લાગતું હતું. સચિન નિરાશ જ થયો હોત, પણ એમાં એક ખબર હતા, કે જેને કારણે એનું મન સાવ ઉદાસ થઈ જતું બચી ગયું હતું. જૅકિએ લખ્યું હતું, કે એ પૅરિસથી ઓગણત્રીસમીએ નીકળવાની છે. એટલે ત્રીસમીએ સવારે અહીં આવી જશે. એ સાંજે જ સચિન એને મળવા જશે. પણ ના, તો પછી સવારે જ કેમ ના જવું? એ જ દિવસે એને મળવું તો પડશે જ. સચિનને હવે જરા પણ સમય વેડફવો નહતો. પણ ખલિલ ખબર લાવ્યો હતો તેમ, એ કોઈ ફ્રેન્ચમૅનને પસંદ કરીને આવી હશે તો? આના જવાબ વિષે સચિન અનુમાન કરવા માગતો નહતો. હકીકત જાણ્યા વગર આશા સાવ છોડી શું કામ દેવાની? વિચારોમાં ને વિચારોમાં બધાંથી એ જરા દૂર થઈ ગયો હતો. અંજલિએ એને બોલાવ્યો,“ભાઈ, ચાલ, હવે જમવા જઈએ.” ‘ક્યુબન કાફે’ થોડે જ દૂર હતું. ચાલીને જવાય તેમ હતું. નહીં તો, ખલિલનું સૂચન હતું, કે અંજલિ અને રેહાના અંકલને લઈને ટૅક્સીમાં જાય, અને પોતે ને સચિન ઝડપથી ચાલીને આવી જશે. આમેય કાનૂન મુજબ, એક ટેક્સીમાં પાંચ જણથી બેસી પણ ના જ શકાય. રેહાનાને ખલિલની સાથે ચાલીને જવું વધારે ગમ્યું હોત, પણ વિનયને કારણે એ કશું બોલી નહીં. ‘બીજા આવા ઘણા પ્રસંગ આવશે’, એણે વિચાર્યું. બંને ભાઈબંધ રૅસ્ટૉરાઁમાં પહોંચ્યા ત્યારે જોયું કે સૌથી સારું ટેબલ એમને આપવામાં આવ્યું હતું. મૅનૅજર હોઝેએ પાપા સાથે ઓળખાણ કરી લીધી હતી, અને વાનગીઓ સૂચવી રહ્યો હતો. બધાં શાકાહારી છે, એ જાણીને એ ગભરાયો નહતો. કહે, “ક્યુબન વેજિટેરિયન ચીજો હું ખાસ બનાવડાવું છું. ત્યાં સુધીમાં ડ્રિન્ક્સની સાથે તમને તળેલા તોર્તિયા અને પ્લાન્ટેઇન મોકલાવું છું.” સુજીતે લાઇમ ઍન્ડ સોડા મંગાવ્યું. “પાપા, વાઇન નહીં લો?”, અંજલિએ પૂછ્યું. હજી એને ખબર નહતી કે સુજીત ડ્રિન્ક્સ લેતા નહતા. એટલેકે એમણે છોડી દીધું હતું ડ્રિન્ક્સ લેવાનું - જેમ ઘર છોડવાની સાથે આઈસ્ક્રીમ છોડ્યો હતો. “મને અત્યારે આ વધારે ફાવશે. પણ તમે બધાં લેજો હોં. ને વાઇનની બૉટલ આજે મારા તરફથી છે”, એણે કહ્યું. “અંકલ, એવું ના હોય”, ખલિલ બોલ્યો. “અરે, કેમ નહીં? મારી આ બે દીકરીઓની સાથે પહેલી વાર જમવાનો છું. ખાસ પ્રસંગ થયો કે નહીં આ?” પણ હોઝેએ જ એના પૈસા ના લીધા. કહે, “ઍન્જીનું ફૅમિલિ પહેલી વાર અહીં આવ્યું છે. મારા તરફથી ખાસ આવકાર છે. ફરી પણ જરૂર આવજો.” સુજીતને વિચાર આવ્યા વગર ના રહ્યા, કે જીવનમાં જેમ કઠોર વ્યક્તિઓ મળતી હોય છે, તેમ સ્વભાવે ઉદાર વ્યક્તિઓ પણ કેવી મળી જતી હોય છે. એ પોતે કેટલો સુખી બન્યો હતો, એનાં સંતાનોને લીધે. હવે એ પોતાને ક્યારેય કમનસીબ નહીં કહે. ડિસેમ્બરની પચીસમી તારિખ તો આવી ગઈ. ક્રિસ્મસનો દિવસ. દરેક ખ્રિસ્તી ઘરમાં આનંદનું વાતાવરણ હોય. વળી, બધાં બરફની આશા જોતાં હોય. ‘વ્હાઇટ ક્રિસ્મસ’નો બહુ મહિમા હોય છે અહીં, સચિને એના પાપાને કહેલું. એટલેકે ક્રિસ્મસ પર બરફ પડ્યો હોય, ને બધું ખૂબ સુંદર લાગતું હોય; જાણે સ્વચ્છ સફેદ ચાદર પથરાઈ ગઈ ના હોય. આ જોવા દર વર્ષે લોકો બહુ આશા રાખે. સચિનને પણ એવી આશા હોય. પહેલો બરફ એને બહુ જ ગમે. પણ આ વર્ષે એને ચિંતા હતી - રખેને ત્રીસમી પહેલાં બરફ પડે. એને આ વર્ષે પહેલો બરફ પડતો હોય ત્યારે જૅકિની સાથે હોવાની આકાંક્ષા હતી. કશુંક અતિસંુદર, શુદ્ધ અને શ્વેત, કશુંક પ્રથમ વાર. ને એ જૅકિની સાથે હોય ત્યારે. ખેર, લાખો લોકો નિરાશ થયા, પણ ‘વ્હાઇટ ક્રિસ્મસ’ ના જ થઈ. એક સચિનને જ નિરાંત થઈ, ને એણે એ નિરાંત છુપી જ રાખી. ઓગણત્રીસમીએ પણ બરફ ના થયો. હવે તો જૅકિ આવી જાય પછી જ થશે, ને હવે તો જ્યારે થાય ત્યારે ચાલશે. છેલ્લા એક મહિનાથી એણે જાત સાથે લડ્યા કર્યું હતું, પોતાના ગભરાટ માટે, પોતાના વિલંબ માટે. હવે એ ત્રીસમીનો વિચાર કરતાં નર્વસ થતો હતો. આમ ને આમ એ જૅકિને ગુમાવી બેસશે, ને તો વાંક ફક્ત એનો જ ગણાશે, જાતને એ લડ્યા પણ કરતો હતો. ત્રીસમીએ સવારે જૅકિને ફોન કરતાં પણ એ સંકોચ પામતો હતો, પણ વાત કરવી અત્યંત જરૂરી હતી. જૅકિનું પ્લેન વહેલી સવારે ન્યૂયોર્કના જે.ઍફ.કે. ઍરપોર્ટ પર ઊતર્યું હતું. એ ટેક્સી લઈને ઘેર આવી, ને પછી ગરમ પૉરિજનો બ્રેકફાસ્ટ કરી, ન્હાઈ-ધોઈને ઊંઘી ગઈ હતી. સચિનના ફોને એને જગાડી. સચિન તરત જરા ગભરાટમાં સૉરિ, સૉરિ કરવા લાગેલો, ત્યારે જૅકિએ પૂછેલું, “કેમ છે, સચિન? ક્યારે મળવાનો?” સચિનને તો કહેવું હતું, હમણાં અડધા કલાકમાં, પણ અવાજને સ્વસ્થ કરીને એણે કહ્યું, “સાડા ચારેક વાગ્યે ફાવશે? સાથે કૉફી પીએ.” “કે ઇન્ડિયન ચ્હા પીશું”, જૅકિએ કહેલું. એના અવાજમાં ટીખળ હતી, પણ સચિન સમજ્યો નહીં કે કેમ. બપોર પછી આકાશ ઘેરાવા માંડેલું. ન્યૂઝમાં વરસાદની આગાહી થઈ ગઈ હતી. તો તો ઠંડી પણ વધી જવાની. સચિન પાછો નિરાશ થઈ ગયો. એને આજે જૅકિ માટે ફૂલ મેળવતાં પણ વાર લાગી. જે દુકાનમાંથી એ હંમેશાં લેતો હોય ત્યાં આજે, એને જોઈતાં હતાં તેવાં ફૂલ નહતાં. એણે બાજુમાંની બીજી દુકાનમાં જોયાં, પણ નહતાં. ત્રીજી દુકાને જવા માટે એ જલદી જલદી થોડે દૂર સુધી ગયો. સારું હતું કે ઘેરથી વહેલો નીકળેલો, નહીં તો મોડો પડત. જૅકિ સાથેની પાંચ મિનિટ પણ એને ગુમાવવી નહતી. જૅકિના અપાર્ટમેન્ટ પર જઈને, બેલ મારતાં પહેલાં, એણે ફૂલોનો ગુચ્છ બારણાની બહાર રહેવા દીધો. જોઉં, આજે ખાલી હાથ જોઈને જૅકિ શું કહે છે, એણે વિચાર્યું. જૅકિએ તાજા ધોયેલા વાળ છૂટ્ટા રાખેલા. અને આજે એણે સફેદ જેવો ડ્રેસ પહેર્યો હતો. લાલ ટપકાંવાળું લાંબું સફેદ સ્કર્ટ અને સફેદ લેસ સાથેનું બ્લાઉઝ. એક મહિને જોઈ એટલે હશે?, પણ સચિનને એ આજે વધારે સુંદર દેખાતી હતી. રસ્તા પરથી એ મકાનની અંદર આવ્યો, ને લિફ્ટ લઈને ઉપર ગયો તેટલી વારમાં ઋતુ બદલાઈ ગયેલી. સચિને જૅકિના અપાર્ટમેન્ટની કાચની દીવાલમાંથી જોયું, કે આગાહી પ્રમાણે વરસાદ નહીં, બરફની કરચો જ શરૂ થઈ હતી. એણે જલદીથી જૅકિનો હાથ પકડ્યો, અને બાલ્કનિમાં લઈ ગયો. “અરે, ભીનાં થઈ જઈશું”, જૅકિએ કહ્યું. “જૅકિ, આ વર્ષનો આ પહેલો બરફ છે. કશુંક એકદમ નવું, તાજું, અને કોઈક દૈવી સંદેશા જેવું. હું માનું છું કે આ એક શુકન છે - આપણે માટે.” જૅકિ આ શબ્દો સમજે, ને જવાબ આપે તે પહેલાં સચિને જૅકિના બંને હાથ પોતાના હાથમાં લીધા, ને સ્નેહના થથરાટથી ભરેલા અવાજે પૂછ્યું, “જૅકિ, હું તને ખૂબ ચાહું છું. તું મારી સાથે લગ્ન કરીશ?” પૅરિસમાં પૉલ છંછેડાઈને કેવા શબ્દો બોલેલો. એ સાંભળ્યા પછી જૅકિએ મનમાં કહેલું, ‘અરે, ન્યૂયોર્કમાંનો પેલો આમ છંછેડાઈને આવું કશું બોલતો હોય તો.’ આ બધું એને અચાનક યાદ આવ્યું. એણે સચિનને ‘પેલો’ કહીને મનમાં સંબોધ્યો હતો એ માટે એને અત્યારે એકદમ હસવું આવી ગયું. એ જ ‘પેલો’ આ ઘડીએ એના હાથ પકડીને સામે ઊભો હતો. હજી જૅકિએ કશો જવાબ આપ્યો નહતો. સચિનની આંખો ભીની થઈ આવી.. એ બોલ્યો, “સૉરિ, જૅકિ, મેં ભૂલ કરી? તારી ના હોય તો —-” “અરે ના, સચિન, એટલેકે હા, અરે, સચિન, હા. હા.” મારે ક્યારનું તને પરણવું છે, ખબર છે?, એ મનમાં બોલી. ને પાછી હસી. એનો એ ભાવ જોયા વગર, તે જ ક્ષણે એને ભેટવાને બદલે, એના હાથ છોડીને સચિન બહાર તરફ ભાગ્યો. “આ શું? અરે સચિન?”, આશ્ચર્ય પામીને જૅકિ કહેતી હતી. સચિને બારણું ખોલ્યું, અને ત્યાં મૂકેલો ફૂલોનો ગુચ્છ ઉપાડ્યો. ધસીને એ અંદર આવ્યો. ફરી જૅકિને બાલ્કનિમાં લઈ ગયો. હવે હલકો બરફ એકધારો પડવા માંડ્યો હતો. જૅકિને ફૂલો આપતાં એણે કહ્યું, “આજે સફેદ ફૂલો લાવ્યો છું” કાર્નેશન, ક્રિસાન્થમમ, ‘વિક્ટોરિયન લેસ’ - સફેદ ફૂલોનો મોટો ગુચ્છ હતો. આશ્ચર્યથી મૂક થઈ ગયેલી જૅકિ હવે સમજી. આ લગ્નને યોગ્ય રંગનાં ફૂલ હતાં. બ્રાઇડ - નવવધુના સફેદ ડ્રેસ જેવાં. ને પોતે પણ યોગાનુયોગ કેવાં સફેદ અને લાલ ટપકાંવાળાં કપડાં પહેર્યાં હતાં. જૅકિના બે હાથ સચિન પોતાના હોઠ પાસે લઈ ગયો ત્યારે જૅકિ એની લીલી-ભૂખરી આંખોમાં ટીકીને જોઈ રહી હતી.