આમંત્રિત/૨૪. સચિન
૨૪. સચિન
ન્યૂયોર્ક શહેરને ઉતાવળે જોવા જનારાંને કદાચ ખ્યાલ પણ ના આવે કે ન્યૂયોર્કમાં કેટલાં બધાં ઝાડ છે. જે કેન્દ્રનો ભાગ છે ત્યાં ક્યાંક ક્યાંક નાનાં ઝાડ હોય ખરાં, પણ રસ્તાઓ પર લોકોની અવરજવર જ એટલી હોય, અને શહેરનાં સ્ટીલ-કાચનાં ચમકતાં મકાનો જોઈને જ એવાં આભાં બની જવાય, કે પેલાં નાનાં ઝાડ તરફ નજર જ ના જાય. પણ જેવાં રહેવાસી રસ્તાઓ અને ગલીઓમાં જાઓ કે ઝાડપાનનો છાંયો થયેલો દેખાય. થડની આસપાસ ક્યારા કરીને ફૂલો પણ વાવ્યાં હોય. વસંતનો સમય થાય એટલે પહોળા એવા પાર્ક ઍવન્યૂની વચમાં તો, સળંગ દસ માઇલ સુધી, જુદા જુદા રંગોનાં ટ્યુલિપ ફૂલો વાવવામાં આવે. સચિને જૅકિને કહ્યું, “આપણે હમણાંથી ક્યાંય ગયાં જ નથી. ચલ, આપણે પાર્ક ઍવન્યૂનાં ટ્યુલિપ્સ જોવા જઈએ.” “ઓહ, ના, ના —” “તો ‘સિમ્ફનિ સ્પેસ’ સુધી ચાલીએ. ત્યાં કોઈક કાર્યક્રમ તો હશે જ આજે સાંજે. એ જોવા, કે સાંભળવા બેસીએ.” “અરે, ના, સચિન, મને જરા વાર પહેલાં જ યાદ આવ્યું કે કૅમિલે આજે સાંજે એને ત્યાં જવા ખાસ કહ્યું છે. હજી એ તને મળી નથી, તેનો એને જરા ગુસ્સો છે મારા પર! રૉલ્ફે મને મજાકમાં કહ્યું છે, કે ‘કઝીન પૉલને જેને માટે મેં પસંદ ના કર્યો, એ માણસને જોઉં તો ખરો’, એટલે આજે આપણે એને ‘બતાવી’ પણ દઈએ.!” “સારું, તો ચલો ત્યાં જઈએ. મારે પણ એને ને રૉલ્ફને મળવાનું બાકી જ છેને.” જોકે એને યાદ હતું કે પહેલવહેલી વાર ખલિલની સાથે એ જૅકિને ત્યાં ગયો ત્યારે રૉલ્ફ અને કૅમિલ પણ હતાં જ. એ લોકોને, કે જૅકિને પણ એ ખ્યાલ નથી રહ્યો. જોકે ત્યારે ઓળખાણ નહતી થઈ, ને વાત પણ નહતી થઈ એમની સાથે. પછી તો રૉલ્ફ અને કૅમિલને ત્યાં સાંજ ક્યાંયે પસાર થઈ ગઈ. ઔપચારિકથી માંડીને અંગત સુધીની બધી વાતો થઈ. હા, સચિનને જોતાં જ કૅમિલ ખરેખર જરાક સૅલ્ફ-કૉન્શિયસ બની ગઈ હતી. એણે એને આટલો દેખાવડો નહીં ધાર્યો હોય. રૉલ્ફે તો જૅકિને કહી જ દીધું, “હા, સચિનની આગળ કઝીન પૉલનો કોઈ ચાન્સ નથી.” “બસ, બસ, મને શરમાવો નહીં”, સચિન બોલ્યો. એ સાંજે રૉલ્ફ પાસે ફ્રેન્ચ વાઇન હતો. કહે, “સચિનને જરાક ફૅન્સી વાઇન ચખાડીએ.” જૅકિ સચિનની સામે જોઈને નજરથી કહેતી હતી, ફ્રેન્ચ લોકોની મોટાઈ જોઈને? સચિનને ફ્રેન્ચ વાઇન બહુ પસંદ જ નહતો. એને સૌથી વધારે ગમતા હતા સાઉથ આફ્રીકન વાઇન. એમાંયે ‘ટુ ઓશન’ લેબલ. જોતાંની સાથે એ નામ જ ગમી ગયેલું. ત્યાં ઍટલાન્ટિક અને ઇન્ડિયન - એમ બે સમુદ્ર ખરાને. પણ આ ફ્રેન્ચ ઘરમાં આજે ને આજે એ આવું કાંઈ કહેવા ના માંડ્યો. હવે જૅકિના મલકાટ પરથી સચિન જોઈ શકતો હતો, કે એ શું વિચારતો હતો તે એ જાણી ગઈ હતી! જૅકિના ફ્રાન્સ જવાની વાત તો નીકળી જ. આમે ય રૉલ્ફ તો ઑફીસમાંથી જાણતો જ હતો, કે જૅકિને કામ માટે એપ્રિલમાં પૅરિસ જવું પડશે. “આ વખતે ત્યાં પાંચેક દિવસનું કામ હશે, નહીં?”, રૉલ્ફે કહ્યું. “હા, પણ હું એક અઠવાડિયું વધારે રહેવા વિચારું છું. મમા અને ડૅડની સાથે થોડા દિવસ રહું ને. એ બંને પણ મને પૂછ્યા કરે છે, કે ભવિષ્ય માટે કાંઈ વિચાર્યું છે? હવે એમની સાથે સચિનની ઓળખાણ કરાવવાનો સમય થઈ ગયો છે. બરાબર ને?” “એટલેકે —” “હા, રૉલ્ફ, સચિન આ વખતે આવવાનો છે મારી સાથે. મારે કામ હશે એટલા દિવસ અમે પૅરિસમાં રહીશું, ને પછી મમા અને ડૅડની પાસે જઈશું.” “જૅકિ, તારાં મમા ચોક્કસ તને પૂછશે, આ છોકરો ઇન્ડિયન છે કે ગ્રીક છે?”, કૅમિલ બોલી. રસ્તા પર આવ્યા પછી બંને બહુ હસ્યાં. જૅકિ કહે, “કૅમિલના શબ્દો તેં સાંભળ્યાને? મેં તને કહ્યું હતું તે જ બોલી ને એ? હવે તું જોજે, મારી મમા પણ આ જ શબ્દો બોલશે !” જૅકિને એના અપાર્ટમેન્ટ પર પહોંચાડીને, ઘેર આવીને સચિને ફરી એક વાર પાપાને પૂછીને ખાતરી કરી, કે અંજલિના સૂચન સાથે એ સંમત છે. “હા, બાબા, મને નહીં ફાવવાનો પ્રશ્ન જ નથી. મારે માટે તો કાંઈ બદલવાનું નથી, કશું ઓછું થવાનું નથી. તું એક મારી સાથે સમય ગાળતો હતો, હવે બે જણ ગાળશે. ને મને તો આ રોલ બહુ ગમશે. મારી નાનકડી દીકરી પર નજર રાખી શકીશ ને હવે!”, પાપા મજાક કરતાં બોલ્યા. “અહીં ચાર જણને રહેવાનું ફાવે એમ નથી, નહીં તો હું પણ અહીં જ રહેત. જૅકિને ત્યાં બીજા રૂમની સગવડ છે, એટલે સારું છે. અરે હા, પાપા, આ ગોઠવણને લીધે એક બીજી બાબત પણ શક્ય બનશે. એવું છે કે આવતા મહિનામાં જૅકિને ફરી ફ્રાન્સ જવાનું છે. બે-ત્રણ દિવસ પહેલાં જ એણે મને જણાવ્યું. એ કહેતી હતી કે હું સાથે જાઉં તો એનાં પૅરન્ટ્સને પણ મળી શકું. એની વાત તો સાચી છે, પણ મેં એને હા નહતી કહી. તમને મૂકીને હું જવા નહતો માગતો, પણ હવે જો અંજલિ ને માર્શલ અહીં તમારી સાથે હોય તો હું જઈ શકું”, સચિને જણાવ્યું. “આ તો ઘણું સમયસર બનશે, એમ લાગે છે. અંજલિએ જાતે જ કરેલો વિચાર, અને તારે માટે આ જરૂરી એવી ટ્રિપ. તું જરૂર જજે. આમ જ તમે બંને વધારે નજીક આવશો. પણ સચિન, તેં અને જૅકિએ પરણવાનું શું વિચાર્યું છે?” “પાપા, અમે પરણવા માગીએ જ છીએ, પણ હજી હમણાં નહીં. ન્યૂયોર્ક શહેરમાં સાથે હરવા-ફરવામાં બહુ રોમાંચ છે. એ પણ માણીએ ને.” સુજીત મનમાં વિચારતા હતા કે આ જમાનામાં, આવા આધુનિક સમાજમાં, ક્યારે શું બને, તે કઈ રીતે કહેવાય? ધારોકે કોઈ બીજું ગમવા માંડ્યું, અને બંને છૂટાં થઈ જાય તો? પણ સાથે જ, પાછળ એમ વિચાર પણ આવ્યો, કે પરણી ગયા પછી પણ બીજું કોઈ ગમવા માંડે એમ બની જ શકે છે, ને તો તો લગ્ન પણ તૂટી જઈ શકે. ‘ખેર, આજકાલનાં છોકરાંઓ બહુ બુદ્ધિશાળી છે, સમજુ છે, અને મૅચ્યૉર છે. પોતાની જિંદગી આ છોકરાં પોતે જ સંભાળી શકે એમ છે.’ ને અંતે સુજીત ચિંતા કરતા અટક્યા. આ બંને સમાચાર ખલિલને આપવાના હતા - જૅકિને ત્યાં રહેવા જવાના, અને એની સાથે ફ્રાન્સ જવાના. એની અને રેહાનાની સાથે મળવાનું ગોઠવ્યું ખરું, પણ એ સાંજે રેહાના ફ્રી થઈ ના શકી. એટલે ખલિલ, સચિન અને જૅકિ હડસનના કિનારા પરના રૉકફૅલર પાર્કમાં મળ્યાં. “માર્ચ મહિનામાં ઝાડ હજી ઠુંઠાં હશે, પણ આ પાર્કમાં ખૂબ ડૅફૉડિલ્સ વાવે છે, તે તો ચોક્કસ ઊગી નીકળ્યાં હશે”, ન્યૂયોર્ક શહેરમાં ઊગતાં ફૂલોના ઍક્સપર્ટ ખલિલે કહ્યું. પાર્કના ક્યારાઓમાં ડૅફૉડિલ્સ ખરેખર બહાર આવી ગયેલાં હતાં. “કેવો પર્ફેક્ટ આકાર છે, અને વસંતને અનુરૂપ પીળો રંગ”, જાણે ખલિલે પોતે જાદુ કર્યું ના હોય! નદી-કિનારે થોડું ચાલ્યા પછી એક રેંકડીમાંથી કૉફી લઈને ત્રણે બેન્ચ પર બેઠાં. જૅકિએ કહ્યું, “રેહાના ઘણી બિઝી રહે છે, નહીં?” ખલિલે કહ્યું, “હા, મેં એને કહ્યું છે કે બાળકો થાય એટલે હું ઘેર રહીને એમને સાચવીશ, અને દાક્તરસાહેબ હૉસ્પિટલ સંભાળશે !” “તારી મજાકોથી એ કંટાળી જવાની છે. પણ સાંભળ, ખલિલ, અમારે તને બે સમાચાર આપવાના છે.” “અરે વાહ, લગ્નની તારિખ નક્કી કરી લીધી?” જૅકિએ માથું હલાવતાં કહ્યું, “ખલિલ, વાત સાંભળ તો ખરો.” સચિને અંજલિ, માર્શલ, પાપા, જૅકિને ઘેર, ફ્રાન્સ વગેરે બધું જણાવ્યું, ને કહ્યું, “બોલ, બંને ખબર છે ને એકદમ સ્પેશિયલ.” “તારે તો લ્હેર થઈ જવાની, દોસ્ત. પણ ક્યારે જવાનો છું? વધારે તો, ક્યારે પાછો આવીશ? જોજે, અમારી કોર્ટની તારિખ ના ભૂલતો પાછો. તું એક જ સાક્ષી હોઈશ, અમારાં રજિસ્ટર્ડ લગ્નનો, એ યાદ રાખજે.” સચિને ખલિલના ખભા પર હાથ મૂકીને કહ્યું, “અરે, હું તે ભૂલતો હોઈશ? મે મહિનાની વીસમી તારિખ, સવારે નવ વાગ્યે, ન્યૂયોર્ક સિટી ક્લર્કનો કમરો, ચેમ્બર્સ સ્ટ્રીટ, બરાબર? પણ તમારાં બંનેનાં પૅરન્ટ્સને કહ્યું ખરું, કે આ પ્રસંગે તું એમને નથી બોલાવવાનો?” “નથી બોલાવવાનો - એટલે કશો વાંધો નથી. પણ મૂળ વાત એમ છે, કે એ લોકોને બહુ દૂરથી આવવાનું. દોઢ કલાક તો ડ્રાઈવિન્ગમાં થાય જ, ને પછી પાર્કિન્ગ શોધો. ન્યૂજર્સીથી સવારે સાત વાગ્યે નીકળે તોયે કદાચ ટાઇમસર સિટી ક્લર્કની ઑફીસમાં પહોંચી ના શકે. ને કોઈ વિધિ તો છે નહીં. ત્યાંનો ઑફીસર બોલાવે તેમ વચનની આપ-લે કરવાની, વીંટીઓ પહેરાવવાની, ચોપડામાં સહી કરવાની, અને ગયાં પરણી.” ખલિલ અને રેહાના પૅરન્ટ્સને દુઃખી કરવા નહતાં માગતાં, પણ મૅનહૅતનના છેક દક્ષિણ છેડે આવવામાં એમને વધારે દુઃખ પડવાનું, તે એ બંને જાણતાં હતાં. વધારે સારો ઉકેલ એ હતો, કે ખલિલ, રેહાના, સચિન, અને જો જૅકિને ને અંજલિને ફાવે તેમ હોય તો એ બે પણ, રજીસ્ટ્રેશન પતે પછી ન્યૂજર્સી જાય, પૅરન્ટ્સને મળે, બધાં સાથે જમે, અને નવાં થયેલાં લગ્નની આ રીતે ઉજવણી થાય. સચિનને પણ આ ઉકેલ ઘણો સારો લાગ્યો. ન્યૂયોર્ક શહેરને જેટલું માણી શકાય છે તેટલું એનાથી ત્રાસી પણ જઈ શકાય છે. તેથી ક્યારેક બહુ લાગણીશીલ બનવા કરતાં, સમજીને આમ વ્યવહારુ થવાનું સ્વીકારી લેવું જોઈએ. અંજલિ અને માર્શલ રહેવા આવે એને હજી બેએક અઠવાડિયાંની વાર હતી. એ દરમ્યાન સચિન બે કામ કરવા માગતો હતો - એના પાપાને માટે. એ દિવાન અંકલ અને શર્માજીને લંચ માટે બોલાવવા ઈચ્છતો હતો. એ બંને જણ એને ત્યાં પણ આવે, એવું સચિનને મન હતું. બંને અંકલ અને પાપા હજી સાથે બેઠા હોય ત્યારે, બે વાગ્યા સુધીમાં એ ઘેર આવી જઈ શકે, ને એમને મળી શકે. અને એક રવિવારે બપોરે રૉબર્ટ અંકલ અને વામા આન્ટીને ચ્હા પર બોલાવવાની પણ સચિનની બહુ ઈચ્છા હતી. એ બંને સાથે જૅકિની ઓળખાણ એને કરાવવી હતી. એને મનમાં લાગતું હતું, કે હજી એનો હક્ક હતો અહીં. પછીથી એ પોતે જ અહીં પાપાને મળવા આવવાનો! કદાચ આ ગોઠવણ થોડા મહિના જ ચાલે, કારણકે પછી અંજલિ અને માર્શલ ક્યાંક બીજે રહેવા જતાં રહી શકે. છતાં, એટલા મહિના તો એ આમંત્રિતની જેમ જ અહીં આવવાનો ને. સોમવારે દિવાન અંકલ અને શર્માજીને ફાવે તેમ હતું, તેથી સચિને એમની સાથે નક્કી કરી જ દીધું. માલતીબહેન તો ખુશ થઈ ગયાં, કે સરસ બનાવીને બધાંને ખવડાવવાની એમને તક મળી. સુજીતે જરા ચિંતા વ્યક્ત કરી હતી, કે માલતીબહેનને ફાવશે બધું? પણ સાચે જ, દિવાન અંકલ અને શર્માજીને બહુ સારું લાગ્યું કે કોઈ જુદી જગ્યાએ ભેગા થવાનું બન્યું હતું. સચિન ઑફીસેથી બે વાગ્યામાં આવી ગયો, પછી એણે માલતીબહેનને સાફસૂફીમાં મદદ કરી, અને પોતે જ ચ્હા બનાવશે, એવો આગ્રહ રાખ્યો. માલતીબહેનને પણ બેસી જવા કહ્યું. “ઝારો” નામની જાણીતી બેકરીમાંથી એ બે જાતની ‘બિસ્કોતિ’ કેક લઈ આવેલો. “અરે, બહુ થઈ ગયું”, કહેતાં કહેતાં ચ્હા સાથે બધાંએ મઝાથી ‘બિસ્કોતિ’ ખાધી. યાદ રાખીને જીતુભાઈ માટે પણ એણે બે ટુકડા માલતીબહેનને આપ્યા. જતાં જતાં શર્માજીએ કહ્યું, “માનિની હવે ઘેર આવી ગઈ છે, દાક્તરે કહ્યું કે જેટલું થાય તેટલું કર્યું છે, હવે નર્સ રાખીને એની સંભાળ ઘેર જ કરાવો. ઘણી અશક્ત છે, પણ ઠીક છે. બેટા, તું આવજે એને મળવા. એને સારું લાગશે કે કોઈ એને મળવા ખાસ આવ્યું.” સુજીતની સાથે એકલાં પડ્યા પછી સચિને પાપાને કહ્યું, કે “શર્માજીએ છેલ્લે એવું કેમ કહ્યું હશે? એનાં ફ્રેન્ડ્સમાંથી કોઈ નહીં જતું હોય એને કંપની આપવા?”