આમંત્રિત/૩૨. ખલિલ
૩૨. ખલિલ
વરસાદ અહીં આમ તો આખું વર્ષ પડે, પણ તોયે અમુક મહિના વધારે ‘ભીના’ કહેવાય. જેમકે આ ઑગસ્ટ મહિનો. એમાં મે મહિનાની જેમ વરસાદ બહુ ધમાલ ના કરે, ગાજવીજની સાથે ના આવે, પણ એકદમ રુચિર ઝરમર થઈને વરસે. એવું કે જાણે ટીપાંની વચમાંથી ચાલી નીકળાય. જૅકિ એવી ઝરમરની રાહ જોતી હતી. તો બાલ્કનિમાં સચિનની સાથે બેસીને એની મઝા લેવાય. પણ આજે વરસાદ પણ ના આવ્યો, અને સચિન પણ હજી આવ્યો નહીં. જૅકિ એમ વિચારતી હતી ને જ સચિનનો ફોન આવ્યો. ઉતાવળે એણે જૅકિને પેલા સ્પૅનિશ કાફેમાં આવવા કહ્યું. એના અવાજ પરથી જૅકિને લાગ્યું કે કાંઈ થયું છે. એ પાપાને મળવા ગયો હતો, એટલી તો ખબર હતી. એ જલદી નીકળીને કાફે તરફ જવા માંડી. એને ને સચિન બંનેને એ કાફે ‘લકિ’ લાગતું હતું. બંને અચાનક ત્યાં મળી ગયાં, ને એ પાડોશની જગ્યાઓની વાતો પરથી જ એમનું ફરીથી મળવાનું ગોઠવાયું. એ પછી તો ફરી ફરી મળતાં રહ્યાં. ને હવે સાથે જ હતાં. જૅકિ પહોંચી ત્યારે સચિન બેઠેલો હતો. એનું મોઢું પડી ગયું હતું. પણ જૅકિને જોઈને ઊઠીને એ સામે ગયો. બધી વાત સાંભળ્યા પછી જૅકિને ચિંતા ના રહી. એ કશું કહેતી હતી ત્યાં જ ખલિલ આવ્યો. સચિન પાપાને ત્યાંથી નીકળ્યો પછી ખલિલનો ફોન આવ્યો હતો. એને પણ સચિને કાફેમાં બોલાવી લીધેલો. ને હવે એને પણ વાત કરી કે પાપા આ રીતે ઈન્ડિયા જવા માગે છે. સાંભળીને મોટેથી હસીને ખલિલે કહ્યું, “તો તું એટલે રડે છે, કે કદાચ છેને પાપા લોકેશને વધારે વહાલ કરવા લાગી જાય. એમ ને?” હવે હસી પડીને સચિને કહ્યું, “જૅકિએ પણ એમ જ પૂછ્યું. ના, ના, સાવ એવું નથી, પણ એ સાચું છે કે મને કદાચ એમ થઈ ગયું છે કે પાપા મારા વગર ખુશ હોઈ જ ના શકે. ઍક્સ્ટ્રીમ પઝેઝીવનૅસ, રાઇટ? જોકે એમની તબિયતની ચિંતા પણ મને થયા કરતી હોય છે.” “સચિન, તેં એમને ઘણી ખુશી આપી છે, અને હવે તબિયત પણ સારી છે. મિત્રની સાથે આમ બહાર જશે તો મન અને તનથી વધારે સારા થઈને આવશે, તું જોજે”, ખલિલે કહ્યું. “અને હવે, ચાલ, મારા કામની વાત કર.” “રેહાના હોય ત્યારે સાથે ચર્ચા નથી કરવી?” “અરે, એને કોઈ માથાકૂટ જોઈતી જ નથી. એણે કહ્યું છે, કે તારો સચિન જે નક્કી કરે તે બરાબર જ હશે.” જૅકિને બહુ હસવું આવી ગયું. કેટલી સ્વીટ છે રેહાના. ખલિલને હડસન નદીમાંની બોટ-ટ્રીપનું ફાઇનલ પ્લાનિન્ગ કરી લેવું હતું. એને ગમતી પાનખર ઋતુ દરમ્યાન આ ટ્રીપ ગોઠવવી હતી. નદીના પૂર્વ કિનારા પર આવેલી ઊંચી ભેખડો પર ઑટમ્ન-પાનખર ઋતુના બધા રંગ છવાઈ ગયા હોય. નદીનાં પાણીમાં પણ એ રંગોનું પ્રતિબિંબ પડતું હોય. સૂરજનો તડકો ચારે તરફ સોનેરી થઈને ફેલાયેલો હોય. ચમકતા રંગોથી વીંટળાઈને આપણે સરકતાં હોઈએ. એવું ખલિલનું કલ્પન હતું. એ કહે, કે “બહુ મોટું ગ્રૂપ નહીં થાય. ઑફીસના ત્રણેક જણ બહાર હશે. મારા બૉસ પણ કુટુંબમાં કોઈ લગ્નમાં બિઝી છે. પચીસેક જણ હોય, તો ચાલે ને?” “કેમ નહીં? ત્રીસેક જણ સુધીની બોટ પણ મળે. આપણે એ લઈશું. એટલે મ્યુઝીશિયનો માટે અને ડાન્સ કરવા માટે વધારે જગ્યા પણ રહેશે. ખાવાનું અને ડ્રિન્ક્સ માટે તારો શું આઇડિયા છે?”, સચિને પૂછ્યું. “ભાઈ, એ તો તંુ જાણે. મદદ જોઈએ તો આ જૅકિને પૂછજે. એ સરસ સૂચન કરશે તને.” “તો જો, આનો અર્થ એ કે એ મારી પાર્ટી થશે, હોં.” “અરે, તેં સૌથી પહેલાં આ બોટ-ટ્રીપનો બ્રિલિયન્ટ આઇડિયા આપ્યો ત્યારથી આ તારી જ પાર્ટી છે. આપણે બધાં સાથે હોઈશું, ને સાથે સમય ગાળીશું. બસ. એથી વધારે શું?” “તો આમાં તમારાં પૅરન્ટ્સને આમંત્રિત કરવાનાં છો કે નહીં?”, સચિને પ્રશ્ન કર્યો. “નથી કરવાનાં. પણ રૂહીને તો આવવું જ છે, તેથી રેહાનાના કઝીન એને લેતા આવશે. જૅકિ, હું રૉલ્ફ અને કૅમિલને કહેવાનો છું. સચિન, તારે ખાસ કોઈને બોલાવવાં છે? અને અંકલ તો આવશે જ ને?” “ના, પાપા તો એ વખતે હજી ઈન્ડિયામાં હશે. અને બીજાં કોઈને નથી કહેવું મારે. બસ, આપણે જ હોઈએ; અરે, આપણે ચાર જ હોઈએ તો પણ ગમે મને તો.” પછી જૅકિએ રેહાના સાથે વાત કરી હતી ખરી. ખલિલ તો જે કહે તે, પણ રેહાનાને જેમ ગમતું હોય તે મુજબ જ કરવાનું હોય ને. છોકરીઓએ શું પહેરવું, તે વિષે રેહાનાની અમુક ઈચ્છા ખરેખર જ હતી. એણે વિચાર્યું હતું કે દરેક યુવતી ઋતુને અનુરૂપ રંગ પહેરે. તે પણ, આછા જેવા રંગ, બહુ જ ઘેરા રંગ એને પસંદ જ નહતા. ને કોઈ પણ જાતનો ડ્રેસ ભલે પહેરે, પણ સાથે એક લાંબો સ્કાર્ફ, કે દુપટ્ટો હોવો જોઈએ, જે હવામાં ફરકતો રહી શકે. રેહાનાનું કલ્પન જૅકિને બહુ જ કમનીય લાગ્યું. એ તો ત્યારથી જ વિચારવા માંડી, કે પોતે શું પહેરશે. એને એ પણ યાદ આવ્યું, કે કૅમિલને ટાઇમસર જણાવી દેવું પડશે કે કઈ રીતનું પહેરવાનું છે. સચિન અને ખલિલે શુક્રવારે બપોરથી મોડી સાંજ માટે આ ટ્રીપ ગોઠવી હતી. શનિ-રવિ કરતાં ભીડ ઓછી હશે, એમને લાગ્યું હતું, ને પછી બંને હસ્યા હતા, કે પાણીથી ઊભરાતી આટલી પહોળી હડસન નદી, ને એમાં ભીડ થવાની ચિંતા! પણ ઉનાળા દરમ્યાન તો અસંખ્ય હોડીઓ નદી પર સરતી હોય જ છે. એ વખતે મોટી મોટર-બોટ ચલાવતાં સાચવવું પડે. અત્યારે ઑટમ્ન ઋતુમાં સહેલની હોડીઓ જરૂર ઓછી થઈ ગઈ હોય. એમનાં મનમાં એમ પણ હતું, કે આવી સરસ રીતે લગ્નની ઉજવણી કર્યા પછી શનિ-રવિના બે દિવસ મળ્યા હોય તો બધું નિરાંતે, ને વારંવાર યાદ કરવાની બહુ મઝા આવે. ને તે પણ સચિન અને જૅકિની સાથે ભેગાં થઈને. જૅકિની બુદ્ધિ અને નિરીક્ષણ-શક્તિ, બંને બહુ તીક્ષ્ણ. એણે સચિનને કહ્યું હતું, “મને લાગે છે કે આ બોટ-પાર્ટી તે ખલિલ અને રેહાનાને તારા તરફથી ગિફ્ટ છે.” સચિન નવાઈની આંખે જોઈ રહેલો. “અને ખલિલને એ ખબર નથી.” “તો તને ક્યાંથી ખબર પડી?”, સચિને જૅકિને પૂછ્યું. “બહુ સહેલું હતું જાણવું. એક, તેં ખલિલને શું ગિફ્ટ આપવી તે વિષે કોઈ ચર્ચા કરી નથી. બીજું, કોઈ વસ્તુ આપવાનો કશો અર્થ નથી, તે બધાં જાણતાં હોય છે. ત્રીજું, આ ટ્રીપ એકદમ યાદગાર અને અસામાન્ય થવાની. ચોથું—-” “સારું, સારું, મદામ શૅરલૉક હોલ્મ્સ. સમજી ગયો, સમજી ગયો, કે તમને ખબર પડી ગઈ. પણ હવે એને સરપ્રાઈઝ જ રહેવા દેજો.” સચિને વિચાર્યું, આ છોકરી માટે પ્રેમ વધતો જ જાય છે, ને પછી જૅકિને નજીક કરીને કહ્યું. “પણ હવે સાચું કહે, આ ગિફ્ટ ઉત્તમ છે કે નહીં?” “બેશક, વળી.” એ દિવસે બોટની સહેલ ચાર કલાક માટેની હતી, પણ એના કલાકેક પહેલાં બોટ પર પહોંચી જઈ શકાય તેમ હતું. સચિને ખાતરી કરી લીધી હતી, કે ખલિલને આટલા કલાકોથી સંતોષ હતો. ટ્રીપ ખૂબ જ મોંઘી હતી. ખરો આંકડો તો જૅકિની જાણમાં પણ નહતો. સચિને જાઝ મ્યુઝીકની, ખાવાનાંની, વાઇન ને બિયરની પણ વ્યવસ્થા કરી હતી. આટલું હોય તો જ પાર્ટી થઈ કહેવાય ને! અંજલિ અને માર્શલ લેવા આવવા તૈયાર હતાં, પણ રૉલ્ફે ઑફીસમાંથી ગાડીની ગોઠવણ કરી હતી, તેથી સચિન અને જૅકિ એની અને કૅમિલની સાથે ડૉક પર ગયાં. બહુ જ સરસ દિવસ હતો. એકદમ ભૂરું આકાશ હતું, એટલે હડસન નદીનું પાણી પણ એવું જ ભૂરું દેખાતું હતું. બોટના ઉપલા ડૅક પર રંગીન ફુગ્ગા બાંધ્યા હતા. સાંજ પડતાં ત્યાં રંગીન લાઈટો પણ થઈ જવાની હતી. હળવા પવનમાં દરેક યુવતીના લાંબા સ્કાર્ફ ફરફરતા હતા. જાણે ઘણા બધા રંગીન શઢ. રેહાનાએ આછા પીળા અને પોપટી રંગના મેળવાળો લાંબો ડ્રેસ પહેર્યો હતો. અંજલિને જોઈને બધાં ખુશ થઈ ગયાં હતાં. એણે તો હિંમતભેર શિફોનની સાડી પહેરી હતી. જરા આધુનિક રીતે, અને છેડો એકદમ લાંબો રાખેલો. ઘેરથી નીકળ્યાં ત્યારે સચિને બહુ ધ્યાન નહતું આપ્યું, પણ હવે એણે જોયું તો સૌથી વિશિષ્ટ તો જૅકિ જ દેખાતી હતી. ઑટમ્ન ઋતુને અનુરૂપ એવા ત્રણ રંગ - પીળો, આછો કેસરી અને લાલાશ પડતો -ના સ્તરોથી બનેલો, લાંબા સ્કર્ટ અને શિફોનના લાંબા ટ્યુનિકનો ડ્રેસ પહેર્યો હતો. એ જ લાલાશ પડતા રંગનો દુપટ્ટો હવે હવા સાથે ઊડવા લાગ્યો હતો. બોટ સમયસર ઊપડી. બે-ત્રણ જણની વિનંતી હતી એટલે સચિને હડસન નદી વિષે એકદમ ટૂંકમાં થોડું કહ્યું. એ ઍડિરૉન્ડાક પર્વતોમાંથી ૪,૩૨૨ ફીટ ઊંચેથી નીકળીને, ૩૧૫ માઈલ કાપીને, ઍટલાન્ટિક સમુદ્રમાં ભળે છે. વચમાં અસંખ્ય નાની નદીઓ એના પ્રવાહમાં સમાતી જાય છે. એનું ઊંડાણ ૩૦થી ૧૬૦ ફીટ હોઈ શકે છે. પંદરમી-સોળમી સદીમાં અમુક ભૂમિ-શોધકોએ એને જોઈ હતી ખરી, પણ ઇસ્ટ ઈન્ડિયા ડચ કંપનીમાં કામ કરતા અંગ્રેજ હૅન્રિ હડસન નામના કૅપ્ટન ૧૬૦૭માં નૌકા દ્વારા એમાં છેક સુધી ગયેલા, ને તેથી નદીનું આ નામ પડ્યું. એક રસ પડે એવી બાબત છે, કે આ નદીને કાંઠે વસનારી જાતિઓમાં એનાં જુદાં જુદાં નામ હતાં - કાહોહાતાતેઆ, મુહ્હેકુન્નેતુક. પછી યુરોપી શોધકો એને નૉર્થ રિવર, ગ્રેટ રિવર વગેરે કહેતા. છેવટે ૧૭૪૦થી એ હડસન રિવર કહેવાવા માંડી એના કિનારે ન્યૂયોર્ક રાજ્યનું મુખ્ય શહેર ઑલ્બનિ, તેમજ રાજ્યનું મોટામાં મોટું શહેર ન્યૂયોર્ક વસેલાં છે. એના ઉપર ૩૦થી પણ વધારે પુલ બનેલા છે -વાહન તથા ટ્રેન માટે. ન્યૂયોર્ક શહેરથી ઉત્તરે જતાં એનો પ્રવાહ બબ્બે માઇલ પહોળો થાય છે. ભેખડો, ગાઢ વનસ્પતિ, પહાડો, ખીણો અને સૂર્યના તેજને કારણે એનાં દૃશ્યો ખૂબ સુંદર બને છે. એ કારણે આ નદી પરથી એક ચિત્રકળા-શૈલીનું નામ પણ પડ્યું. સચિન પાસે વિગતો તો બીજી ઘણી હતી, પણ એણે સભાનપણે અહીં અટકાવ્યું. અમુક મિત્રો ખાવા-પીવા અને ડાન્સ કરવા માંડી ગયા. થોડી વારે એણે જૅકિને શોધી. એટલાંમાં ઘણી યુવતીઓ નીચે જતી રહી લાગી. ખલિલ પણ રેહાનાને શોધતો હતો. એમણે માર્શલને નીચે જઈને બધી છોકરીઓને બોલાવી લાવવા કહ્યું. “મારું માનશે કોઈ?”, એણે પૂછ્યું. “તારી અંજલિ અને મારી જૅકિ તો માનશે જ”, સચિન બોલ્યો. “રેહાના મૅડમનું કહેવાય નહીં, ભઈ”, એણે ખલિલને ચિડાવ્યો. ખલિલે એને ખભે હાથ મૂકીને કહ્યું, “બહુ સરસ પ્લાનિન્ગ કર્યું છે, દોસ્ત. થૅન્ક્સ. એકદમ સ્પેશિયલ રીતે ઉજવણી થઈ રહી છે અમારાં લગ્નની.” બધાં ઉપર આવી ગયાં પછી ફોટા લેવા-લેવડાવવાનો કાર્યક્રમ ચાલ્યો. સાંજના રંગ પશ્ચિમ તરફ દેખાવા માંડ્યા હતા. એ સોનેરી-કેસરી પડદાની આગળ ઊભાં રહીને બધાંના કેટલાયે ફોટા લેવાયા. એક એક જણ, બબ્બે, ત્રણ ત્રણ, ચાર ચાર, આખું ગ્રૂપ - એમ અનેક રીતની ગોઠવણી થતી ગઈ. પોટ્રેટ-ફોટા થઈ ગયા પછી કેટલાંક જણ મઝા માટે જુદા જુદા પોઝ આપવા માંડ્યાં. બધાં એક સાથે મઝા લેવા માંડ્યાં. સચિન ક્યારની યે કશીક અધીરાઈ અનુભવતો હતો. ફોટાનું કામ પત્યું એટલે એણે જૅકિને હાથ પકડીને ખેંચી. “અરે, શું? ક્યાં લઈ જાય છે મને?”, જૅકિ કહેતી ગઈ. સચિન પાછળ જરા ખાલી હતું ત્યાં જૅકિને લઈ ગયો. એને કમ્મરેથી પકડીને એના વાળમાં મોઢું રાખીને એણે કહ્યું - એના અવાજમાં ધ્રુજારી હતી, “જૅકિ, અત્યારે જ મને કહે, ક્યારે પરણીશ મને?” “ક્યારે? એટલે શું? ક્યારે એટલે શું વળી?” આંખમાં અને મોઢા પર ગભરાટ સાથે સચિન જૅકિની સામે જોઈ રહ્યો. સચિનના ગાલને બે આંગળીથી પકડીને, એ હસીને બોલી, “અરે, ક્યારે શું વળી? તું કહીશ ત્યારે, તને ગમે ત્યારે, અત્યારે જ.” એને જરા પણ દૂર થવા દીધા વગર સચિન એના વાળમાં વહાલના શબ્દો બોલતો રહ્યો. છેલ્લે હજી સચિનની એક ડ્યુટિ બાકી હતી. લગ્નની કેક પણ એણે પ્રથા પ્રમાણે નહતી રાખી. એક બીલકુલ મૌલિક વિચાર કરીને સચિને નૂરે-આલમ નામની બાઁગ્લાદેશી મીઠાઈની દુકાનમાંથી, માવા અને બદામની બરફીને કેકના આકારમાં બનાવડાવી હતી. તે પણ ઑટમ્નના રંગમાં. એમાં ભારોભાર કેસર નંખાવ્યું હતું, પણ સફેદ અને કેસરી લિસોટા બને તે રીતે. વચમાં રેહાના અને ખલિલનાં નામ હતાં, ને ચોતરફ ઑટમ્ન ઋતુને અનુરૂપ, પીળાં અને કેસરી પાંદડાંના આકારનું આઇસિન્ગ હતું. સચિનનાં વખાણ તો બધાં કરતાં રહ્યાં હતાં, પણ આ માવા-કેક જ્યારે બહાર આવી ત્યારે તો બધાંના ઉદ્ગાર સાંભળવા જેવા હતા. જૅકિએ અતિશય વહાલથી એનો ગાલ ચુમ્યો. અંજલિ કહે, “વાહ, કમાલ કરી તેં તો, ભાઈ.” ખલિલ એકદમ સચિનની પાસે આવીને એને ભેટી પડ્યો. એના કાનમાં એ પણ કહ્યું, “મને લાગે છે કે તું હવે બહુ રાહ નથી જોઈ શકવાનો! ” ‘જબરો ખલિલિયો’, એમ સચિન મનમાં બબડતો હતો, ત્યારે એના મોઢા પર તો મલકાટ જ હતો.