આલ્બેર કૅમ્યૂ/2

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહેમાન

સ્કૂલમાસ્તર એ બે જણને ટેકરો ચડીને પોતાના તરફ આવતા જોતો હતો. એક ઘોડા પર હતો, બીજો પગપાળો. સ્કૂલ જે ટેકરા પર બાંધેલી હતી તેનું સીધું ચઢાણ હજી એમણે વટાવ્યું નહોતું. એ ઉજ્જડ ઉચ્ચપ્રદેશના ઊંચા ને બહોળા પથારા પર પથારાઓ વચ્ચે બરફ ખૂંદતાં ખૂંદતાં એ લોકો કીડીવેગે આગળ વધતા હતા. વખતોવખત ઘોડો ઠોકર ખાતો હતો. અવાજ તો હજી માસ્તરને સંભળાતો નહોતો, પણ ઘોડાનાં નસકોરાંમાંથી નીકળતા ઉચ્છ્વાસની વરાળો એ દેખી શકતો હતો. ઓછામાં ઓછો એક જણ તો આ ભાગનો ભોમિયો હતો. ગંદા ધોળા બરફના થર હેઠે દિવસો થયા. કેડી તો ઢંકાઈ ગઈ હતી, છતાં એ લોકો કેડીએ કેડીએ જ આવતા હતા. માસ્તરે ગણતરી કરી કે એમને ટેકરી પર પહોંચતાં હજી અડધોક કલાક નીકળી જશે. ટાઢ વાતી હતી; એ સ્વેટર લેવા અંદર ગયો. ખાલીખમ ટાઢા કલાસરૂમ સોંસરવો એ નીકળ્યો. પાટિયા પર ફ્રાંસની ચાર નદીઓ, ચાર જુદા જુદા રંગના ચાકથી ચીતરેલી, છેલ્લા ત્રણ દિવસથી ખાડીમાં ખલવાઈ રહી હતી. આઠ આઠ કોરાકટ મહિના પછી વચમાં છાંટાયે થયા વિના જ અચાનક ઓક્ટોબરની અધવચ બરફ તૂટી પડ્યો હતો. અને ઉચ્ચપ્રદેશ પર વેરાયેલાં ગામડાંમાંથી આવતા વીસેક વિદ્યાર્થીઓ – વત્તાઓછા એટલા જ હશે – સ્કૂલમાં આવતાં બંધ થયા હતા. હવામાન સુધરતાં જ એ પાછા આવશે, દરુ હવે ફકત પોતાના રહેણાકની એક ઓરડી જ ગરમ કરતો. એ ઓરડી ક્લાસરૂમની પડખે જ હતી. અને ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશા ત્યાંથી દેખાતી હતી. ક્લાસની બારીઓની જેમ એની બારી દક્ષિણ દિશા પર પણ પડતી હતી. ઉચ્ચપ્રદેશ દખણાદો ઢળવા માંડતો તે બિંદુ આ તરફથી માંડ થોડા માઇલ છેટું હતું. ચોખ્ખા હવામાનમાં ખીણ જ્યાં રણ પર ઊઘડતી હતી ત્યાં જાંબુડિયા ડુંગરાની હારમાળા નજરે ચડતી. કંઈક ગરમાવો આવતાં દરુ પાછો એણે પહેલી વાર જ્યાંથી બે જણને જોયેલા તે બારી પાસે આવ્યો. હવે એ દેખાતા નહોતા. એટલે કે એ ઢાળ ચઢી રહેવા આવ્યા હોવા જોઈએ. આકાશ બહુ ઘેરું નહોતું, કારણ રાત દરમ્યાન જ બરફ પડતો અટકી ગયો હતો. સવારનો ઉઘાડ મેલા અજવાળાથી થયો હતો ને વાદળનો ઘૂમટો ખસી ગયો પછીયે તેજમાં ખાસ કંઈ વધારો નહોતો થયો. બપોરે બે વાગે માંડ એવું લાગ્યું કે દહાડો હજી તો હમણાં જ પડે છે. પણ તોય પેલા ત્રણ દહાડા કરતાં તો બહુ સારું હતું. ત્રણ દહાડા તો બસ અંધારું જ અંધારું ને ઉપરથી ધીંગો બરફ વરસ્યા કરે ને પવનના સપાટાથી ક્લાસરૂમના બેવડાં બારણાં ખખડ્યાં કરે. તે વારે તો દરુએ કલાકોના કલાકો એની ઓરડીમાં જ ગાળેલા, ફક્ત મરઘાંને દાણા નાંખવા ને થોડાક કોલસા લાવવા એણે ઓરડી બહાર પગ મૂકેલો. સારે નસીબે બરફનું તોફાન મંડાયું તેના બે દહાડા પહેલાં જ તાદ્જિકથી (ઉત્તરે આવેલા નજીકમાં નજીકના ગામથી) ખટારો આવીને એનાં સીધુંસામાન નાંખી ગયો હતો. ફરી તો પાછો એ અડતાલીસ કલાકે આવશે. ઉપરાંત, આ ઘેરા સામે ટક્કર લેવા માટે એની પાસે પૂરતો પૂરવઠો હતો. કારણ કે સરકાર જે ઘઉંની ગુણો નાંખી ગયેલી તે એની નાનકડી ઓરડીમાં જ્યાં જુઓ ત્યાં પડેલી હતી. જે છોકરાઓનાં કુટુંબોને વરસાદ ખેંચાવાથી વેઠવું પડેલું તેમને એ જથ્થો વહેંચવાનો હતો. હકીકતે ભોગ તો એ બધાંય લોકોના લાગેલા હતા. કારણ એ બધાં જ ગરીબ હતાં. દરુ છોકરાઓને દરરોજ માપ મુજબ અનાજ વહેંચતો. એને ખ્યાલ હતો કે આ નઠારા દહાડામાં એમને અનાજની ખોટ વરતાઈ હશે. ઘણે ભાગે કોઈ છોકરાનો બાપ કે મોટો ભાઈ આજ સાંજ સુધીમાં આવવો જ જોઈએ ને તો એ લોકોને અનાજ પહોંચતું કરી શકાશે. વાત મુદ્દે એ લોકને કેમે કરતાં બીજી ફસલ સુધી ટકાવી રાખવાની હતી. હવે તો ફ્રાંસથી વહાણનાં વહાણ ઘઉં ભરીને આવવા મંડયાં હતાં અને અણીનો ઘા તો જાણે ચુકાવાઈ ગયો હતો. પણ એ ગરીબી. એ વખતે ચોમેર રઝળતી ચીંથરેહાલ કંગાલોની સેના, એ બધું ભૂલવું અઘરું હતું. મહિના પર મહિના વીતી ગયા. ને એ ઉચ્ચ પ્રદેશના પથરા બળીને લાળા થઈ ગયા, ભોંય ધીરે ધીરે સુકાઈને કોકડી વળી ગઈ, ખરેખર દાઝી જ ગઈ. એક એક પથરો પગ હેઠળ ભાંગીને ભરભર થઈ ગયો. ને તે વારે ઘેટાં તો હજારોની સંખ્યામાં મરી ગયાં ને થોડાં થોડાં માણસ પણ અહીં ત્યાં મરી ગયાં – કેટલીક વાર તો કોઈને ખબરેય પડ્યા વિના જ. આવી કંગાલિયતની સરખામણીમાં પોતે જો કે એકલદંડી સ્કૂલના મકાનમાં લગભગ મુનિની જેમ રહેતો ને તેય એની પાસે જે કાંઈ થોડુંઘણું હતું તેનાથી જ એ બરછટ જિંદગીમાં એ સંતોષ માનતો છતાં પણ આ ધોળી દૂધ જેવી દીવાલો, એનો એકવડો કોચ, રંગ્યા વિનાની અભરાઈઓ, એનો કૂવો ને અઠવાડિયે એક વારનો સીધાંપાણીનો બંદોબસ્ત, એ બધું એને સાહ્યબી જેવું લાગતું. અને અચાનક, ચેતવણી આપ્યા વિના જ વરસાદનું પાણી મોંમાં આવવા દીધા વિના જ આ બરફ તૂટી પડ્યો. આ પ્રદેશનું આવું જ છે, એમાં જીવવું કપરું છે, માણસો ન હોય તોય – ને એમના હોવાથી ફાયદોય શો હતો? પણ દરુ અહીં જન્મ્યો હતો. બીજે બધે જ એને દેશવટા જેવું લાગતું. એ પગથિયાં ચડીને સ્કૂલના ઝરૂખાબંધ ઓટલા પર આવીને ઊભો. પેલા બે જાણ હવે ટેકરાની અધવચ આવી લાગ્યા હતા. ઘોડેસવારમાં એણે બાલ્દુકીની મોંછા પકડી. એ બુઢ્ઢા જમાદારને એ લાંબા વખતથી ઓળખતો. બાલ્દુકીના હાથમાં દોરડું હતું. એને છેડે હાથ બાંધેલો એક આરબ નીચી મૂંડીએ પાછળ પાછળ ચાલ્યો આવતો હતો. જમાદારે હાથ હલાવ્યો જેનો દરુએ કાંઈ જવાબ ન વાળ્યો, કારણ એ પેલા આરબને જોવામાં તલ્લીન થઈ ગયો હતો. આરબે ઊડી ગયેલા રંગવાળો ભૂરો ઝભ્ભો પહેરેલો હતો, પગમાં જોકે જોડા હતા પણ જાડા ઊનનાં મોજાંયે ચડાવેલાં હતાં. માથે સાંકડી ટૂંકી ‘ચેચે’ ટોપી ચડાવેલી હતી. એ લોકો નજીક આવતા હતા. બાલ્દુકીએ ઘોડાની લગામ તાણી રાખી હતી જેથી આરબને ઘસડાવું ના પડે. એ ત્રણ ત્રેખડ ધીરેધીરે કદમ બઢાવતા હતા. સંભળાય એટલા પાસે આવ્યા કે બાલ્દુકીએ બૂમ પાડી : ‘એલ અમૂરથી અહીં, પોણાબે માઈલ કાપતાં કાપતાં બે કલાક!’ દરુએ જવાબ વાળ્યો નહીં. જાડા સ્વેટરમાં દરુ વધુ ગટ્ટો ને જાડો લાગતો હતો. એ એમને ચઢતા જોઈ રહ્યો. આરબે એકેવાર માથું ઊંચકીને આંખ માંડી નહોતી. ‘હલ્લો’ એ લોકો છેક ઉપર ચડી આવ્યા ત્યારે દરુ બોલ્યો. ‘અંદર આવો. એક વાર તાપો.’ બાલ્દુકી દોરડું હાથમાંથી છોડ્યા વિના જ કઠણાઈથી ઘોડેથી હેઠે ઊતર્યો. બ્રશ જેવા ખડા વાળવાળી મૂંછો હેઠળથી એ સ્કૂલમાસ્તર સામે સહેજ મલક્યો. એની ઝીણી કાળી આંખો એના તપેલા તાંબા જેવા કપાળ નીચે ઊંડી બખોલમાં ગોઠવાયલી હતી અને એના મોં ફરતી કરચલીઓને કારણે એ તેલની ધાર જોનારો ને ચકોર માણસ જણાતો હતો. દરુએ લગામ લઈ લીધી અને ઘોડાને તબેલામાં બાંધીને પાછો આ બે જણ સ્કૂલમાં એની રાહ જોતા હતા ત્યાં આવ્યો. એ એમને પોતાની ઓરડીમાં લઈ ગયો. ‘હું ક્લાસરૂમને ગરમ કરવાનો છું.’ એણે કહ્યું, ‘આપણને ત્યાં વધુ આરામ રહેશે.’ એ જ્યારે રૂમમાં પાછો આવ્યો, ત્યારે બાલ્દુકી કોચ પર બેઠો હતો. એને આરબ સાથે બાંધી રાખતું દોરડું એણે છોડી નાંખ્યું હતું. આરબ ભઠ્ઠી પાસે બેઠો હતો. એના હાથ હજી બાંધેલાં હતા. એની ‘ચેચે’ માથા પર જરા પાછળ ધકેલાઈ ગઈ હતી. એ બારી તરફ તાકી રહ્યો હતો. પહેલાં તો દરુનું ધ્યાન ફક્ત એના હોઠ તરફ જ ગયું. એના હોઠ જાડા, લીસા ને લગભગ નીગ્રો જેવા હતા: છતાં એનું નાક સીધું હતું, એની આંખો કાળી અને તાવથી ભરેલી હતી. એની ‘ચેચે’ એના જક્કી કપાળને ઉઘાડું પાડતી હતી. ટાઢ-તાપ વેઢીને કમાવાઈ ગયેલી એની ચામડી અત્યારે ઠંડીને કારણે જરા બેરંગ લાગતી હતી. એની હેઠળ એના આખા ચહેરા પર કંઈક બેચેન ને બળવાખોર ભાવો તરવરતા હતા. આરબે દરુની સામે મોં ફેરવીને સીધી એની આંખોમાં આંખો પરોવી ત્યારે આ વસ્તુ સહુ પહેલી તેના ધ્યાનમાં બેસી ગઈ. ‘તમે પેલા રૂમમાં જઈને બેસો.’ માસ્તરે કહ્યું, ‘હું તમારા માટે થોડી અજમાની ચા બનાવી લાવું.’ ‘આભાર,’ બાલ્દુકી બોલ્યો. ‘તોબા આ વૈતરાથી તો! હવે તો હું ઝટઝટ રિટાયર થઈ જવા માગું છું.’ એના કેદીને ઉદ્દેશીને અરબીમાં કહ્યું, ‘અલ્યા એઈ, ઊઠ.’ આરબ ઊભો થયો. ધીમે ધીમે બાંધેલા કાંડા આગળ ધરી એ ક્લાસમાં ગયો. ચાની સાથે દરુ એક ખુરશી પણ લઈ આવ્યો. પણ બાલ્દુકી તો ક્યારનોય નજીકમાં નજીકની છોકરીઓની પાટલી પર બિરાજમાન થઈ ગયો હતો. અને આરબ માસ્તરના પ્લેટફોર્મને અઢેલીને ભઠ્ઠીની સામે બેસી ગયો હતો. ભઠ્ઠી પાટલી અને બારીની વચ્ચે પડી હતી. કેદીને ચાનો પ્યાલો ધરતાં દરુ એના બાંધેલા હાથ જોઈને ખમચાયો, ‘આને હવે તો કદાચ છોડી શકાય.’ ‘જરૂર’ બાલ્દુકી બોલ્યો, ‘એ તો મુસાફરી પૂરતું હતું.’ એણે ઊભા થવા માંડ્યું. પણ દરુ પ્યાલો ભોંય પર મૂકીને આરબ પાસે ઘૂંટણભેર બેસી ગયો. અક્ષરે બોલ્યા વિના આરબ એની તાવભરેલી આંખોથી એને તાકી રહ્યો. એના હાથ છૂટ્યા કે તરત એણે સૂઝી ગયેલા કાંડા સામસામા ઘસ્યા, ચાનો પ્યાલો ઉપાડ્યો અને દાઝતાં દાઝતાં જ ઝટઝટ ગટગટાવી ગયો. ‘સરસ’ દરુ બોલ્યો. ‘અને તમે ક્યાં જવા નીકળ્યા છો?’ બાલ્દુકીએ ચામાંથી મૂંછો બહાર કાઢી. ‘અહીં જ, ભાઈ.’ ‘તમે ખરા નિશાળિયા! ઠીક, રાત રહેવાના છો?’ ‘ના. હું પાછો એલ અમૂર જાઉં છું. અને તારે આ ઇસમને તિંગ્વિત પહોંચાડવાનો છે. ત્યાં પોલિસથાણે એની રાહ જોવાય છે.’ બાલ્દુકી દરુ સામે દોસ્તીભર્યા મલકાટથી જોઈ રહ્યો. ‘આ વળી શો તુક્કો છે?’ માસ્તરે પૂછ્યું. ‘મને ચીડવો છો!’ ‘ના ભાઈ, હુકમ જ એવો છે.’ ‘હુકમ? હું કાંઈ...’ દરુ અટકી ગયો. આ ઘરડા કોર્સી.... કનને માઠું લગાડવાની એની ઇચ્છા નહોતી. ‘મતલબ કે એ મારું કામ નહીં.’ ‘શું! એનો શો અર્થ? લડાઈના વખતમાં ગમે તે કામ કરવું પડે.’ ‘તો હું લડાઈના જાહેરનામાની રાહ જોઈશ!’ બાલ્દુકીએ માથું ધુણાવ્યું. ‘અચ્છા. પણ હુકમ લેખિત છે. અને એમાં તારું પણ નામ છે. લાગે છે કે પાછું ઘુમાવા માંડ્યું છે. બળવો ફાટી નીકળવાની અફવાઓ ઊડે છે. એક રીતે જોતાં આપણને ‘હોશિયાર’નો હુકમ અપાઈ ચૂક્યો છે.’ દરુના ચહેરા પર જક્કીપણું જેમનું તેમ જ રહ્યું. ‘સાંભળ ભાઈ,’ બાલ્દુકી બોલ્યો, ‘મને તું ગમે છે, અને તારે માન્યે જ છૂટકો છે. એલ અમૂરમાં અમે ફકત બાર માણસો જ છીએ અને આખા તાલુકાની ચોકી કરવાની છે. એટલે મારે ચટકસે પાછા જવું જ પડે તેમ છે. આ માણસને તારે હવાલે કરી વિના વિલંબ પાછા ફરવાનો મને હુકમ છે. એને ત્યાં રખાય તેમ નહોતો. એના ગામમાં સળવળાટ થવા મંડ્યો હતો. એ લોકો એને છોડાવી જવા માગતા હતા. કાલે દહાડો આથમે તે પહેલાં તારે એને તિંગ્વિત પહોંચતો કરવો જ રહ્યો. તારા જેવા ખડતલ માણસ માટે બાર માઈલ કંઈ ભારે ન કહેવાય. એટલું કરી આવ એટલે બધું પતી જશે. પછી તું ભલો ને તારી નિશાળ ને આરામની જિંદગી ભલી.’ દીવાલ પાછળથી ઘોડો ભોંય ખણતો અને ફંૂફાડા મારતો સંભળાતો હતો. નક્કી હવામાન સાફ થતું જતું હતું અને બરફીલા ઉચ્ચ પ્રદેશ પર અજવાળું વધતું જતું હતું. બધો બરફ પીગળી જશે એટલે પાછો સૂરજનો દોર શરૂ થશે. અને ફરી પાછો એ પથરાનાં ખેતરોને બાળવા માંડશે. હજી તો બહુ બધા દહાડા આ અફર આસમાન એનો કોરોધાકડ તડકો આ એકાકી પથારા પર ફેંક્યા કરશે. આ પથારાની એકે ચીજને માણસ સાથે જરીકે લાગતું વળગતું નહોતું. ‘બધું તો ઠીક’ બાલ્દુકી તરફ ફરીને એ બોલ્યો,‘ પણ એણે કર્યું’તું શું? અને જમાદાર મોં ખોલે એ પહેલાં જ એણે પૂછયું, ‘એ ફ્રેંચ બોલે છે?’ ‘ના, અક્ષરેય નહીં. અમે એક મહિનાથી એને શોધતા હતા પણ પેલા એને સંતાડતા હતા. એણે એના પિતરાઈનું ખૂન કર્યું છે.’ ‘એ આપણી સામો પડેલો છે?’ ‘મને નથી લાગતું, પણ એનું તો શું કહેવાય?’ ‘એણે શા માટે ખૂન કર્યું?’ ‘હું માનું છું, કંઈક ખાનદાની બખડો હતો. એક જણ બીજા પાસે દાણા માગતો હતો, એમ જણાય છે. એ બધું કંઈ સાફ સમજાતું નથી. ટૂંકમાં એણે એના પિતરાઈને ધારિયાથી ઝટકાવી નાખ્યો. તને ખબર છે ને? ઘેટાને ઝબ્બે કરે તેમ, ખચ કરતોક ને!’ બાલ્દુકીએ એના ગળા પર તલવાર ફેરવવાનો ચાળો કર્યો. આરબનું ધ્યાન ખેંચાયું ને એ એક જાતની ચિંતાથી જમાદાર સામું તાકી રહ્યો. દરુને અચાનક એ માણસ પર ક્રોધ ચડ્યો, એવા બધા જ માણસ પર એમની ગંધાતી અદેખાઈઓ, એમના અખૂટ તિરસ્કાર, એમની લોહીની પ્યાસ – એ બધાં પર એને કાળ ચડ્યો. પણ ભઠ્ઠી પર કીટલી ગાવા મંડી હતી. એણે બાલ્દુકીને બીજી વાર ચા આપી. થોડોક ખમચાયો. ને પછી આરબને પણ બીજી વાર આપી. એ બીજી વાર પણ ચપચપ પી ગયો. એના હાથ ઊંચા થયા એટલે એનો ઝભ્ભો ખૂલી ગયો. અને માસ્તરે એની પાતળી પહેલદાર છાતી દીઠી. ‘આભાર ભાઈ,’ બાલ્દુકી બોલ્યો. ‘અને હવે હું ઊપડું.’ એ ઊભો થયો અને ખિસ્સામાંથી એક દોરડું કાઢીને આરબ તરફ ફર્યો. ‘શું કરો છો?’ દરુ રુક્ષ અવાજે બોલી ઊઠ્યો. ભોંઠા પડીને બાલ્દુકીએ એને દોરડું બતાવ્યું. ‘એવી કશી ખટપટ ન કરશો.’ બુઢ્ઢો જમાદાર આનાકાની કરવા લાગ્યો. ‘એ તો ભાઈ, તું જાણે. તારી પાસે હથિયાર તો હશે જ, ખરું ને!’ ‘મારી બંદૂક છે.’ ‘ક્યાં?’ ‘પેટીમાં.’ ‘પથારી પાસે રાખવી જોઈએ.’ ‘શું કામ? મને કશાની બીક નથી.’ ‘તું તો ગાંડો છે ગાંડો. બળવો ફાટી નીકળે તો કોઈ સલામત નથી. આપણે બધા એક જ હોડીમાં બેઠેલા છીએ.’ ‘હું પહોંચી વળીશ. એમને દૂરથી મારી આંખ પકડી પાડશે. પૂરતો વખત મળશે.’ બાલ્દુકી હસવા મંડ્યો. પછી તરત એની મૂછ એના સફેદ દાંત પર ભિડાઈ ગઈ. ‘તને પૂરતો વખત મળશે? અચ્છા. હું એ જ કહેતો હતો. તું કાયમનો સહેજ ચસ્કેલ જ રહ્યો છે, એટલે જ તું મને ગમે છે. મારો દીકરો એવો હતો.’ કહેતાં કહેતાં એણે એની રિવોલ્વર કાઢી ને પાટલી પર મૂકી. ‘આ રાખ; અહીંથી એલ અમૂર જતાં મારે બબ્બે હથિયારની કાંઈ જરૂર નથી.’ પાટલીના કાળા રંગ પર રિવોલ્વર ચળકી રહી. જમાદાર એના તરફ ફર્યો, માસ્તરના નસકોરાએ ચામડાની અને ઘોડાના માંસની વાસ પકડી પાડી. ‘સાંભળો બાલ્દુકી,’ દરુ ઓચિંતાનો બોલ્યો, ‘આ બાબતની રજેરજથી મને ચીતરી ચડે છે અને સૌથી પહેલી તો તમારા આ ઇસમથી. પણ હું એને સોંપી નહીં આવું. માથે આવી પડશે તો લડી લઈશ, પણ આ નહીં બને. બુઢ્ઢો જમાદાર એની સામે ઊભો રહી ગયો અને કરડી આંખે એની સામે જોઈ રહ્યો. ‘તું તો ગાંડાં કાઢવા બેઠો છે.’ એ ધીમેથી બોલ્યો. ‘મને પણ કાંઈ આવું ગમતું નથી. વરસો લગી જમાદારુ કર્યા પછી પણ, માણસને કંઈ બીજા માણસને દોરડે બાંધવાનું કોઠે પડી જતું નથી. અને શરમ પણ આવે છે; હા, શરમ આવે છે, પણ તેથી કંઈ એમને મન ફાવે તેમ કરવા દેવાય નહીં.’ ‘હું એને સોંપી નહીં દઉં.’ દરુ ફરી બોલ્યો. ‘આ તો હુકમ છે ભાઈ, અને હું તને ફરી વાર કહી દઉં છું.’ ‘ખરું. મેં તમને કહ્યું તે તમે જઈને એમને કહેજો, હું એને નહીં સોંપી દઉં.’ બાલ્દુકીએ વિચાર કરવાની કોશિશ કરી એ દેખી શકાય તેવું હતું – એણે એક વાર આરબ સામે જોયું ને પછી દરુ સામે જોયું છેવટે એણે ગાંઠ વાળી, ‘ના, હું એમને કાંઈ નથી કહેવાનો. તારે અમને પડતા મૂકવા હોય તો જા, તું તારે કરજે; હું તારી ચાડી નહીં ખાઉં. મને તો આ કેદીને તારે હવાલે કરવાનો હુકમ છે, અને હું તે બજાવી છૂટયો છું. ને હવે તું અહી સહી કરી આપ.’ ‘કંઈ જરૂર નથી. તમે એને મારી પાસે મૂકી ગયા તેની હું કંઈ ના નથી પાડવાનો.’ ‘મારી સાથે હલકાઈ ન કર. તું સાચું જ બોલીશ તે જાણું છું. પણ તારે સહી તો કરવી પડશે. નિયમ છે.’ દરુએ એનું ખાનું ઉઘાડ્યું. જાંબલી શાહીનો એક નાનકડો ચોખંડો ખડિયો અને લાકડાનું લાલ હોલ્ડર કાઢ્યું. હોલ્ડરમાં ‘સાર્જન્ટ મેજર’ માર્કાની સ્ટીલ હતી, જે એ મરોડદાર દોપિસ્તા ચીતરવા માટે વાપરતો. એણે સહી કરી. જમાદારે કાળજીથી વાળીને કાગળ પાકીટમાં મૂક્યો. પછી બારણા તરફ પગ ઉપાડ્યા. ‘હું તમને થોડે સુધી મૂકી જાઉં,’ દરુ બોલ્યો. ‘ના.’ બાલ્દુકી બોલ્યો. ‘વિવેકનો કંઈ અર્થ નથી. તેં મારું અપમાન કર્યું છે.’ એણે આરબ પર નજર ઠેરવી, એક જ ટપકા પર સ્થિર, ચીટથી નાક છીંકોટ્યું અને બારણા તરફ પગ ઉપાડ્યા. ‘આવજે ભાઈ,’ એ બોલ્યો. બારણું એની પાછળ બંધ થયું. બાલ્દુકી પાછો બારીમાં દેખાયો અને પછી દેખાતો બંધ થઈ ગયો. એનાં પગલાંનો અવાજ બરફમાં ધરબાઈ ગયો. દીવાલની પેલી બાજુ ઘોડાની હિલચાલ સંભળાઈ અને મરઘાં બીકથી ફડફડતાં સંભળાયાં. પળવાર પછી બાલ્દુકી ફરી બારીમાંથી દેખાયો. એના હાથમાં ઘોડાની લગામ હતી. પાછું વળ્યા વિના, એ ઢાળ ભણી ચાલતો થયો અને જરા બહાર નીકળી ગયો. એની પાછળ પાછળ ઘોડો પણ દેખાતો બંધ થયો. દરુ પાછો કેદી પાસે આવ્યો. કેદી હાલ્યાચાલ્યા વિના ટગર ટગર એની સામે તાકી રહ્યો હતો. ‘બેસ ત્યારે’ માસ્તરે એને અરબીમાં કહ્યું અને પોતાની સૂવાની ઓરડી તરફ વળ્યો. બારણામાંથી પસાર થતો હતો ત્યાં એને બીજો એક વિચાર આવ્યો. પાટલી પાસે ગયો, રિવોલ્વર લીધી ને ખિસ્સામાં ખોસી. પછી પાછું જોયા વિના એ પોતાની ઓરડીમાં જતો રહ્યો. થોડા વખત એ એના કોચ પર આડો પડ્યો પડ્યો આકાશ તરફ આંખ માંડી રહ્યો. આકાશ ધીમે ધીમે છવાતું જતું હતું. દરુ પડ્યો પડ્યો એ ચૂપકીદીને કાન માંડીને સાંભળી રહ્યો. લડાઈ પછી એ અહીં આવ્યો, ત્યારે શરૂઆતના દિવસોમાં આ ચૂપકીદી જ એક ખૂબ કઠતી જણાતી. એણે ઉપલા ઉચ્ચ પ્રદેશ અને રણની વચમાં આંતરો પાડતી ડુંગરીઓની તળેટીમાં આવેલા નાનકડા કસબામાં નોકરી માંગી હતી. ત્યાંની પથરાળી દીવાલો, ઉત્તરમાં લીલી ને કાળી, દક્ષિણમાં ગુલાબી અને સહેજ ફાલસા, કાયમી ઉનાળાની સરહદ આંકતી. એને તેથીયે વધુ ઉત્તરે, ઉચ્ચ પ્રદેશ ઉપર જ નીમવામાં આવ્યો. શરૂ શરૂમાં તો, આ નકરી પથરાની આબાદીવાળા વેરાન પ્રદેશનાં એકાંત અને ચૂપકીદી એને બહુ આકરાં લાગેલાં. ક્યાંક ક્યાંક ખોદાયેલી ભોંય ખેતીનો આભાસ ઊભો કરતી. પણ એ બાંધકામને લાયક એક જાતનો પથ્થર શોધવા માટે કરેલું ખોદકામ માત્ર હતું. અહીં ખેડ તો એક જ હતી, પાણા પકવવાની. બીજે વળી ખાડાખબડામાં જામતાં માટીનાં પાતળાં થર ઉઝરડીને લોક ગામના કસ વગરના બગીચાને ફળદ્રુપ બનાવવા વહી જતા. ત્યાં ચાલતી ઘટમાળ હતી; પોણા ભાગનો પ્રદેશ નકરા ખડકથી છવાયલો હતો. કસબા ફૂટી નીકળતા, જામતા, પાછા અલોપ થઈ જતા; માનવી આવી ચડતાં, એકમેકને વહાલ કરતાં કે કડવા વખ જંગ ખેલતાં, પછી મરી પરવારતાં. આ રણમાં એ કે એનો મહેમાન, કોઈની કશી વિસાત નહોતી અને છતાં દરુ જાણતો હતો કે રણની બહાર એ બેમાંથી એકેય ખરેખર જીવી શકત નહીં. જ્યારે એ ઊભો થયો ત્યારે ક્લાસરૂમમાંથી જરા જેટલો પણ અવાજ સંભળાતો નહોતો. ‘આરબ નાસી ગયો હશે, હવે મારે કશો નિર્ણય નહીં કરવો પડે ને ફરી નિરાંતે એકાંત ભોગવી શકાશે.’ એવો વિચાર આવવા માત્રથી પોતાને જે નિર્ભેળ આનંદ થયો એનાથી પોતે જ ખરે દંગ થઈ ગયો. પણ કેદી તો ત્યાં જ હતો. એણે ફકત ભઠ્ઠી અને પાટલીની વચ્ચે લંબાવ્યું હતું. ઉઘાડી ફટાક આંખે એ છત તરફ તાકી રહ્યો હતો. એ આ રીતે સૂતો હતો ત્યારે એના જાડા હોઠ ખાસ ધ્યાન ખેંચતા હતા. જાણે મોં બગાડીને હોઠ બતાવતો ન હોય. ‘ચાલ,’ દરુએ કહ્યું. આરબ ઊભો થયો અને એની પાછળ થઈ ગયો. સૂવાની ઓરડીમાં માસ્તરે એને બારી નીચે ટેબલની નજીકની ખુરશી દેખાડી. આરબ દરુ પરથી નજર ખેસવ્યા વિના બેઠો. ‘ભૂખ લાગી છે?’ ‘હા.’ કેદી બોલ્યો. દરુએ બે જણ માટે ટેબલ ગોઠવ્યું ને લોટ અને તેલ લીધાં. પેણીમાં કેક થાપીને મૂકી અને ગેસના પીપથી ચાલતો સ્ટવ પેટાવ્યો. કેક થતી હતી તે દરમ્યાન એ બહાર છાપરીમાં જઈને પનીર, ઈંડાં, ખજૂર અને ‘કન્ડેન્સ્ડ’ દૂધનો ડબ્બો લઈ આવ્યો. કેક થઈ રહી એટલે બારી પર ઠરવા મૂકી. ડબ્બાનાં દૂધમાં પાણી રેડી ગરમ કરવા મૂક્યું ને ઇંડાં તોડીને આમલેટો બનાવી લીધી. આ બધી લે-મૂકમાં એક વાર એનો હાથ જમણા ખિસ્સામાં પડેલી રિવોલ્વર સાથે અફળાયો. વાસણ હેઠું મૂકીને એ કલાસરૂમમાં ગયો ને રિવોલ્વર એના ખાનામાં મૂકી. એ એની ઓરડીમાં પાછો ફર્યો ત્યારે રાત પડતી હતી. એણે બત્તી કરી ને આરબનું ભાણું પીરસ્યું. ‘ખા,’ એ બોલ્યો. આરબે કેકનો એક કકડો લીધો, આતુરતાથી મોં સુધી લઈ ગયો, ત્યાં જ એ અધવચ થંભી ગયો. ‘અને તમે?’ એણે પૂછ્યું. ‘તારા પછી. હું પણ ખાઈશ.’ જાડા હોઠ જરાક ખૂલી ગયા. આરબનું મન સહેજ ડગમગ થયું. પછી મન સાથે જાણે કે ઠરાવીને કોળિયો ભર્યો. જમી રહીને આરબે માસ્તર સામે નજર કરી. ‘તમે જડજ છો?’ ‘ના. હું તો ફકત કાલ સવાર સુધી તને રાખવાનો છું.’ ‘તમે મારી સાથે જમો છો કેમ?’ ‘મને ભૂખ લાગી છે.’ આરબ ચૂપ થઈ ગયો. દરુ ઊભો થયો અને બહાર ગયો. છાપરીમાંથી એક ફોલ્ડિંગ ખાટલો ઉપાડી લાવ્યો. ટેબલ અને સ્ટવની વચમાં એ પાથર્યો, પોતાની પથારીને કાટખૂણે, એક મોટી સૂટકેસ ખૂણામાં કાગળિયાં માટેની અભરાઈની ગરજ સારતી પડી હતી. દરુએ એમાંથી બે કામળ કાઢી અને ખાટલા પર પાથરી. પછી એ થંભી ગયો, પોતે હવે કંઈ કામનો નથી એવી લાગણી એને થઈ, અને પોતાની પથારી પર જઈને એ બેઠો. હવે બીજું કંઈ કરવા-કારવવાનું બાકી નહોતું કે તૈયાર થવાપણુંયે નહતું. આ માણસ સામે જોયા વિના હવે તો આરો નહોતો, એટલે એણે એની સામે નજર કરી. એનો ચહેરો ગુસ્સાથી કેવો ફાટફાટ થતો હશે એનું ચિત્ર મનમાં ખેંચવા એ મથતો હતો, પણ એનાથી તે થઈ શક્યું નહોતુ. હવે એણે જોયું તો કાળી છતાં ચળકતી આંખો અને જાનવર જેવા મોં સિવાય એને બીજું કાંઈ નજરે ન ચડ્યું. ‘તેં એને શું કામ મારી નાખ્યો?’ એણે પૂછ્યું. પોતાના લડાકુ અવાજથી એને પોતાને જ અચંબો થયો. આરબ આડું જોઈ ગયો. ‘એ નાઠો. હું એની પાછળ દોડ્યો.’ એણે આંખો ઊંચી કરીને દરુ સામે માંડી. એ આંખો એક જાતના રડમસ સવાલથી ઊભરાતી હતી. ‘હવે એ લોકો મારું શું કરશે?’ ‘તું બીએ છે?’ એનું બદન તંગ થઈ ગયું. એણે આંખો ફેરવી લીધી. ‘તને પસ્તાવો થાય છે?’ આરબ એના ભણી ફાટી આંખે જોઈ રહ્યો. મોં વકાસીને. દેખીતી રીતે જ એને કંઈ સમજ પડતી નહોતી. દરુની ચીડ વધતી જતી હતી. સાથે જ એને અડવું અડવું લાગતું હતું. એના બે ખાટલા વચ્ચે ભેરવાયેલા તગડા શરીર વિશે એને સભાનતાની લાગણી થતી હતી. ‘ત્યાં સૂઈ જા,’ એણે અધીરાઈથી કહ્યું. ‘એ તારી પથારી છે.’ આરબ હાલ્યો નહીં. એણે દરુને વિનવ્યો : ‘કહો ને!’ માસ્તરે એની સામે જોયું. ‘જમાદાર કાલે પાછો આવશે?’ ‘ખબર નથી.’ ‘તમે અમારી સાથે આવશો?’ ‘ખબર નહીં. કેમ?’ કેદીએ ઊભા થઈ બંને કામળ ઉપર લંબાવ્યું, પગ બારી તરફ કર્યા. વીજળીના ગોળાનો ચકચકતો પ્રકાશ સીધો એની આંખોમાં પેસી ગયો ને એણે એકદમ પોપચાં બીડી દીધાં. ‘કેમ?’ દરુએ ફરી પૂછ્યું. એ પથારી પાસે ઊભો હતો. આરબે આંજી નાંખતા અજવાળા હેઠળ આંખો ઉઘાડી અને મટકું ન મારવાની મથામણ કરતાં કરતાં એની સામે જોયું. ‘અમારી સાથે તમે આવજો.’ એ બોલ્યો. અડધી રાતે, દરુને હજી ઊંઘ આવી નહોતી. એ બધાં કપડાં પૂરેપૂરાં કાઢી નાંખીને પથારીમાં પડ્યો હતો. એ સાધારણ રીતે ઉઘાડો જ સૂતો. પણ આજે એને ખ્યાલ આવ્યો કે એના ડીલ પર એકે કપડું નહોતું ત્યારે એ ઘડીભર તો ખમચાયો. ગમે ત્યારે કોઈ મારી બેસે એવી દહેશત એને લાગી ને પાછાં કપડાં પહેરી લેવાનો મોહ થઈ આવ્યો. પછી એણે ખભા ઉલાળ્યા; આખરે એ કંઈ બાળક થોડો હતો અને, જરૂર પડે સામાવાળાને ચીરી નાંખવાની એની તાકાત હતી. પોતાની પથારીમાંથી એ એના પર નજર રાખી શકતો હતો. એ ચત્તોપાટ સાવ નિશ્ચેષ્ટ સૂતો હતો, આકરા અજવાળા હેઠળ એનાં પોપચાં બંધ હતાં. દરુએ બત્તી ઠારી નાખી ત્યારે અંધારું જાણે એકદમ થીજી જતું હોય એવું લાગ્યું. ધીરે ધીરે કરીને રાત પાછી બારીમાં સજીવન થઈ. બારીમાં તારા વિનાનું આકાશ જરી જરી હાલતું હતું. માસ્તરની આંખે થોડી વારમાં જ પગ પાસે સૂતેલી માણસની આકૃતિ વરતી કાઢી. આરબ હજી હાલતો-ચાલતો નહોતો, પણ એની આંખો ખુલ્લી લાગી. બિલ્લીપગો વાયરો સ્કૂલની ચોપાસ શિકાર શોધતો ભમતો હતો. કદાચ એ વાદળાંને હાંકી મૂકશે ને સૂરજ પાછો નીકળશે. રાત દરમ્યાન વાયરો વધ્યો. મરઘીઓ થોડુંક ફફડીને પાછી જંપી ગઈ. આરબે પડખું ફેરવી દરુ તરફ પીઠ કરી. દરુને એના કણસવાનો અવાજ જાણે સંભળાયો. એણે એના મહેમાનના શ્વાસોચ્છ્વાસ સાંભળવા કાન માંડ્યા. શ્વાસ ધીમે ધીમે ભારે ને ભારે અને નિયમિત થતા ગયા. એની આટલી નજીક ચાલતા શ્વાસ એ ધ્યાનથી સાંભળી રહ્યો ને ઊંઘ ન આવી એટલે વિચારે ચડી ગયો. આ ઓરડીમાં એક આખું વરસ એ સાવ એકલો સૂતેલો. આની હાજરી આજે એને ખૂંચતી હતી. તે તો ઠીક, પણ એ હાજરી એના પર એક જાતની ભાઈબંધી લાદતી હતી એટલે ખાસ ખૂંચતી હતી. એ ભાઈબંધીને એ બરાબર પિછાણતો હતો, પણ આજની હાલતમાં એને કબૂલી લેવા એનું મન ના પાડતું હતું. એક જ ઓરડીમાં સૂનારા માણસો વચ્ચે, સિપાઈઓ કે કેદીઓ વચ્ચે, એક અજબ જેવી ગાંઠ બંધાઈ જાય છે. કેમ જાણે કપડાં ભેગાં એમનાં બખ્તર પણ ઉતારી નાંખીને એ લોક રોજ રાતે, એમના મતભેદોથી ઉપર ચડીને, થાક અને શમણાંની પુરાણી બિરાદરીમાં ભાઈચારે ન બંધાતા હોય. પણ દરુએ મનને ખંખેરી નાખ્યું; એને આવાં ચિંતવન ગમતાં નહોતાં અને ઊંઘવું જરૂરી હતું. પણ થોડી વાર પછી, આરબ હળવેથી સળવળ્યો. ત્યારે માસ્તર હજી ઊંઘી ગયો નહોતો. કેદીએ બીજી વાર હિલચાલ કરી ત્યારે એ ટટાર અને સાવધ થઈ ગયો. આરબ ચુપચાપ તેનાં બાવડાં પર બેઠો થતો હતો ને ઊંઘમાં ચાલનારની જેમ હાલતોચાલતો હતો. એ પથારીમાં અક્કડ બેઠો થયો, પછી દરુ ભણી ફર્યા વિના થોડી વાર રાહ જોતો રહ્યો, કેમ જાણે કાન સરવા કરીને સાંભળતો ન હોય. દરુ હાલ્યો નહીં. તે જ વખતે એને યાદ આવ્યું, કે પેલી રિવોલ્વર હજી એના ખાનામાં પડી હતી. વેળાસર ચાંપતું પગલું ભરવું સારું, છતાં એ કેદીની હિલચાલ જોતો જ રહ્યો. કેદીએ એવી જ ઘેનભેરી ગતિથી ભોંય પર પગ માંડ્યો, પાછી થોડી રાહ જોઈ અને પછી હળવેથી ઊભો થવા મંડ્યો. દરુ એને પડકારવા જ જતો હતો. ત્યાં તો આરબે તદ્દન સહજભાવે પણ અસાધારણ ચુપચાપ રીતે ચાલવા માંડ્યંુ. રૂમને સામે છેડે છાપરીમાં પડતા બારણા તરફ એ જતો હતો. એણે સાવચેતીથી આગળી ઉઘાડી અને બહાર નીકળી ગયો, પાછળ બારણું વાસ્યા વિના જ અડકાવતો ગયો. દરુ જરાયે હાલ્યો નહોતો. ‘ એ નાસી જાય છે,’ એને એટલો જ વિચાર આવ્યો, ‘ઠીક લપ ગઈ!’ છતાં એ કાન માંડીને ધ્યાનથી સાંભળી રહ્યો. મરઘીઓ ફફડતી નહોતી; મહેમાન જરૂર આંગણામાં હોવો જોઈએ. પાણીનો સહેજસાજ અવાજ એને કાને પડ્યો, પણ એ શેનો હતો તે તો એને ત્યારે જ સમજાયું જ્યારે એણે પાછી આરબની આકૃતિને બારણા વચ્ચે મઢાયેલી જોઈ. આરબે કાળજીથી બારણાં વાસ્યાં અને અવાજ કર્યા વિના પાછો પથારીમાં આવીને સૂઈ ગયો. પછી દરુ એના તરફ પીઠ ફેરવીને ઊંઘી ગયો. તેથી પણ મોડે, એને લાગ્યું કે એની ઊંઘના ઊંડાણમાંથી કેમ જાણે સ્કૂલની આસપાસ પગલાં સંભળાતાં. ‘એ તો સપનાં! સપનાં!’ એમ મનોમન બબડીને એ ઊંઘ તાણતો જ રહ્યો. એ જાગ્યો ત્યારે આકાશ ચોખ્ખું થઈ ગયું હતું. ઉઘાડી બારીમાંથી ઠંડી સ્વચ્છ હવા આવતી હતી. આરબ હવે બંને કામળની નીચે ટૂંટિયું વાળીને ઊંઘતો હતો, એનું મોં ખુલ્લું હતું. એ તદ્દન નિરાંતજીવે સૂતો હતો. પણ દરુએ એને ઢંઢોળ્યો ત્યારે એ છળી ગયો હોય તમે હેબતાઈ ગયો ને દરુને જાણે કદી જોયો જ ન હોય તેમ એના ભણી બાવરી આંખે તગતગ તાકી રહ્યો. એનો ચહેરો એવો તો બીધેલો દેખાતો હતો કે માસ્તરથી એક ડગલું પાછું હટાઈ ગયું. ‘બીશ નહીં. હું છું, તારે ખાઈ લેવું જોઈએ.’ આરબે માથું હલાવીને હા કહી. એના ચહેરા પર હોશકોશ પાછા આવી ગયા હતા. પણ એના હાવભાવ હજી ખાલીખાલી અને અજંપાભર્યા હતા. કોફી તૈયાર હતી. ફોલ્ડંગિં ખાટલા પર જોડાજોડ બેસીને કેક ચાવતાં ચાવતાં બંનેએ સાથે કોફી પીધી. પછી દરુ આરબને છાપરીમાં લઈ ગયો અને પોતે જે નળે નહાતો તે બતાવ્યો. એ પાછો ઓરડીમાં ગયો ને કામળો અને પથારી સંકેલી લીધાં. પોતાની પથારી ઝાપટીને સરખી કરી અને ઓરડીમાં બધું ઠીકઠાક કરી લીધું. પછી એ કલાસરૂમમાં થઈને બહાર ઝરૂખાબંધ ઓટલા પર આવ્યો. ભૂરાભૂરા આકાશમાં સૂરજે ક્યારનીય કોર કાઢવા માંડી હતી, કૂમળો ચળકચળક તડકો નિર્જન મેદાનને નવરાવતો હતો. ડુંગરાની ધાર પર ક્યાંક ક્યાંક બરફ પીગળતો હતો. પથરા પાછા દેખા દેવાની તૈયારીમાં હતાં. મેદાનની કિનારી પર ઘૂંટણભેર ઝૂકીને માસ્તર એ નિર્જન પથારાને નીરખી રહ્યો. એને બાલ્દુકી યાદ આવ્યો. એનાથી એ બુઢ્ઢાને માઠું લાગ્યું હતું, કારણ કેમ જાણે એને પોતે સાથ આપવા ન માગતો હોય એવી રીતે એણે એને રવાના કરી દીધો હતો. એના કાનમાં હજીય જમાદારના ‘આવજે’નો રણકો વાગતો હતો અને કેમ તે સમજાયા વિના જ એને એક વિચિત્ર જાતનું ખાલીખાલીપણું લાગતું હતું, જાણે ગમે ત્યાંથી એને હવે ઘા વાગી શકે તેમ હતો. તે જ પળે, સ્કૂલની પેલી બાજુથી કેદીનો ખોંખારો સંભળાયો. દરુ લગભગ કમને કાન માંડી રહ્યો. અને પછી લાલચોળ થઈને એક પથરો ફગાવ્યો. જે હવામાં સિસકારા બોલાવતો બોલાવતો બરફમાં ખૂંપી ગયો. પેલા માણસના અક્કલ વગરના ગુનાથી એને બકારી આવતી હતી, પણ એને સોંપી દેવો એ તો છાજે નહીં. એનો વિચાર કરતાં પણ એ ઝાંખપથી તમતમી ઊઠતો હતો. અને એના લોકોએ આ આરબને પોતાની પાસે મોકલી આપ્યો તે માટે તેમને અને આ આરબને પણ, જેની ખૂન કરવા જેટલી છાતી ચાલી પણ નાસી છૂટવા જેટલી અક્કલ ના ચાલી તે બંનેયને, એકસામટા મનમાં ને મનમાં ભાંડવા મંડ્યો. દરુ ઊભો થયો, ઓટલા પર એક ચક્કર માર્યું, પછી થોડી વાર ચૂપચાપ કશીક રાહ જોતો ઊભો ને પછી સ્કૂલના મકાનમાં પાછો ફર્યો. આરબ, છાપરી નીચે સિમેન્ટની ચોકડી પર નમીને બે આંગળી વડે દાંત ઘસતો હતો. દરુએ એની સામે જોઈને કહ્યું : ‘ચાલ.’ એ કેદીથી આગળ જ ઓરડીમાં પાછો ગયો. એણે શિકારીનું જાકીટ સ્વેટરની ઉપર ચડાવી લીધું અને બહાર જવાના જોગ પહેરી લીધા. આરબે ‘ચેચે’ માથે મૂકી અને સેંડલ પગમાં ચડાવ્યા ત્યાં સુધી એ રાહ જોતો ઊભો. એ લોકો કલાસરૂમમાં આવ્યા અને માસ્તરે બારણું બતાડીને કહ્યું : ‘આગળ થા’ એ ઇસમ ચસક્યો નહીં. ‘હું આવું છું,’ દરુએ કહ્યું. આરબ બહાર ગયો. દરુ પાછો એની ઓરડીમાં ગયો અને થોડા ટોસ્ટ, ખજૂર અને સાકરના ગાંગડાનું એક પડીકું વાળ્યું, પછી ઉમરો ઓળંગીને બારણે તાળું વાસ્યું. ‘પેલો રસ્તો છે,’ એણે કહ્યું. એને પૂર્વ તરફ ચાલવા માંડ્યું, કેદી એની પાછળ પાછળ ચાલતો હતો. પણ સ્કૂલથી થોડે છેટે ગયા, ત્યાં એમની પાછળથી સહેજ ખખડાટ સંભળાતો લાગ્યો. એણે પાછા આવીને મકાનની આસપાસ ચકોર આંખ ફેરવી; કોઈ નહોતું. આરબ બાઘાની જેમ કંઈ સમજ્યા વિના એની સામે જોઈ રહ્યો. ‘ચાલ પગ ઉપાડ.’ દરુએ કહ્યું. એ બે જણ કલાકેક ચાલ્યા અને પછી એક ચૂનાના અણિયાળા ખડકની ધાર પાસે વિસામો ખાધો. બરફ વધુ ને વધુ ઝડપથી પીગળી રહ્યો હતો અને સૂરજ તરત જ ખાબોચિયાં ગટકાવી જતો હતો અને પહાડી મેદાનને સપાટાબંધ સાફ કરી નાંખતો હતો. મેદાન ધીરે ધીરે સુકાતું સુકાતંુ હવાની જેમ જ ધ્રૂજારે ચડ્યું હતું. એ લોકોએ પાછા ચાલવા માંડ્યું ત્યારે ભોંય એમના પગલા હેઠળ ખખડતી હતી. વખતોવખત એમની આગળ એકાદું પંખી હરખથી ચહેકી ઊઠતું હતું. દરુ સવારની તાજી હવાના ઊંડા ઊંડા શ્વાસ ભરતો હતો. આ અફાટ ઓળખીતા પથારાની સામે એનું દિલ ઘેલું ઘેલું થઈને એક જાતના ઉછાળા મારતું હતું. ભૂરા આકાશના ઘુમ્મટ હેઠળ એ પથારો હવે લગભગ પૂરેપૂરો હળદરવરણો થઈ ગયો હતો. એ લોકોએ બીજા એક કલાક લગી ચાલચાલ કર્યું. હવે રસ્તો દક્ષિણ તરફ ઢળતો જતો હતો. એ લોકો ભંગાર ખડકોથી બનેલા એક સપાટ ઊંચાણ પર આવી લાગ્યા. ત્યાંથી આગળ ઉચ્ચ પ્રદેશ ઊગમણો ને દખણાદો ઢળી પડતો હતો. ઊગમણે પાસે નીચાણના મેદાનમાં રડ્યાંખડ્યાં વળદાર ઝાડવાં દેખાતાં હતાં. અને દખણાદે પાસે ખડકના વેરવિખેર રમખાણોથી અંધાધૂંધીભરેલું મેદાન હતું. બંને દિશાઓને તપાસતી દરુની આંખ ફરી વળી. ક્ષિતિજ પર આકાશ સિવાય બીજું કશું જ નહોતું. એકેય માણસ ક્યાંય દેખાતો નહોતો. એ આરબ તરફ ફર્યો. આરબ સૂનમૂન આંખો ફાડીને જોયા કરતો હતો. દરુએ એની સામે પડીકું ધર્યું. ‘આ લે,’ એણે કહ્યું. ‘ખજૂર, રોટી ને સાકર છે. તું બે દહાડા ખુશીથી કાઢી શકીશ, અને આ હજાર ફ્રાંક પણ લે.’ આરબે પડીકું અને પૈસા લીધાં પણ એનો ભરેલો ખોળો છાતી સામો ને સામો ધરી રાખ્યો, કેમ જાણે એને જે અપાઈ રહ્યું હતું તેનું શું કરવું તેની એને સમજ નહોતી પડતી. ‘હવે જો,’ માસ્તરે પૂર્વ તરફ આંગળી ચીંધતા કહ્યું, ‘આ તિંગ્વિત જવાનો રસ્તો છે. બે કલાક ચાલવું પડશે. તિંગ્વિતમાં તને વહીવટદાર અને પોલિસ મળશે. એ લોકો તારી રાહ જુએ છે.’ આરબ ઊગમણી દિશા ભણી તાકી રહ્યો. એનો ખોળો હજી એની છાતીની સામે ને સામે જ હતો. દરુએ કોણીએથી પકડીને જરા બરછટ રીતે એને દક્ષિણ તરફ ફેરવ્યો. એ લોકો ઊભા હતા તે ટેકરાની તળેટી પાસેથી એક આછી આછી કેડી નીકળતી જણાતી હતી. ‘આ કેડી મેદાન સોંસરવી જાય છે. આખો દહાડો ચાલ ચાલ કરીશ તો ઘાસના બીડ સુધી પહોંચી જઈશ. ત્યાં તને પહેલાં ભટકતાં લોકોનો ભેટો થશે. એમના ધરમ મુજબ એ લોકો તને આશરો આપશે.’ આરબે હવે દરુ તરફ મોં ફેરવ્યું હતું. એના મોં પર એક જાતના ગભરાટનો ભાવ વરતાતો હતો. ‘મારી વાત સાંભળો,’ એ બોલ્યો. દરુએ માથું ધુણાવ્યું.‘નહિ, ચૂપ કર. હવે હું છૂટો પડું છું.’ એણે એની તરફ પીઠ ફેરવી અને સ્કૂલની દિશામાં બે લાંબાં ડગલાં ભર્યા, ત્યાં જ જડાઈ ગયેલા આરબ સામે સહેજ મથામણભરી નજર કરી અને પાછા તરત પગ ઉપાડ્યા. લાંબી પળો સુધી એને ટાઢી જમીન પર પડતાં એનાં પગલાંના ધબકારા સિવાય બીજું કાંઈ સાંભળ્યું નહીં. તેમ જ પાછળ જોયું નહીં. પણ એકાદ પળ પછી, એણે પાછું વાળીને જોયું. આરબ હજી ત્યાં જ ટેકરીની ધાર પર ઊભો હતો. એના હાથ હવે પડખે લટકતા હતા અને એ માસ્તર ભણી જોઈ રહ્યો હતો. દરુને ગળામાં કંઈક આવીને ભરાતું લાગ્યું,પણ એણે આકળા થઈને એક ગાળ કાઢી. સહેજસાજ હાથ ઊંચો કરીને હલાવ્યો ન હલાવ્યો ને પાછા પગ ઉપાડ્યા. એ થોડે દૂર નીકળી ચૂક્યો હતો ત્યારે ફરી પાછો થોભી ગયો ને જોવા લાગ્યો. ટેકરી પર હવે કોઈ નહોતું. દરુ આમ જાઉં કે તેમ કરતો ઊભો રહ્યો. સૂરજ હવે આકાશમાં જરા ઊંચો ચડી ગયો હતો અને એના માથા પર તડકો ઝીંકી રહ્યો હતો. માસ્તરે પાછાં પગલાં ભર્યાં, શરૂમાં કંઈક અચોક્કસ, પણ પછી તો નિશ્ચયપૂર્વક. એ પાછો એની નાનકડી ટેકરી પાસે પહોંચ્યો ત્યારે પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. જેટલી ઝડપથી ચડી શકાય તેટલી ઝડપથી એ ચડી ગયો અને પછી હાંફ ખાવા ઊભો. દખણાદાં પથરાનાં ખેતરો ભૂરા આકાશમાં તીણી ધારી પાડતાં ખડાં હતાં. પણ ઊગમણાં મેદાનોમાંથી ક્યારનીય વરાળભરી બાફ ઊંચે ચડવા મંડી હતી. અને એ સહેજસાજ ઝાંખની વચ્ચે, દરુએ ભારે હૈયે, આરબને કેદખાનાનો રસ્તો ધીરે પગલે કાપતો જોયો. થોડી વાર પછી, કલાસરૂમની બારી પાસે ઊભો ઊભો માસ્તર આખાયે ઉચ્ચ પ્રદેશની સપાટીને ધોઈ રહેલા ચોખ્ખા અજવાળાની સામે ટીકી રહ્યો. પણ એ ભાગ્યે જ એને દેખતો હતો. એની પાછળ પાટિયા પર, ફ્રાંસની વળ ખાતી નદીઓ વચ્ચે, વાંકાચૂંકા અક્ષરે ચાકથી લખાયેલા શબ્દો હતા, જે એણે હમણાં જ વાંચ્યાં હતા : ‘તેં અમારા ભાઈને સોંપી દીધો છે. તારે આનો બદલો ચૂકવવો પડશે.’ દરુ તાકી રહ્યો, આકાશ સામે પહાડી મેદાન સામે અને તેનીયે પેલીમેરની નહીં દેખાતી ભોમકાઓ સામે, જે છેક દરિયા લગી લંબાતી હતી. આ અફાટ ભોમકા એને એટલી બધી વહાલી હતી. ને એમાં એ – એકલવાયો હતો. અનુ: પ્રબોધ ચોકસી