ઇતરા/સાંભળું છું કાન દઈ
સુરેશ જોષી
સાંભળું છું કાન દઈ
આલાપસંલાપ કેરા આવર્ત બુદ્બુદે
અટ્ટહાસ્ય કલહાસ્યે
આછેતરો સરી જાય ઉષ્ણ કો ઉચ્છ્વાસ
શિથિલ ચરણ જાણે ગ્રીષ્મનો નિ:શ્વાસ
દૂરે દૂરે દિયે દેખા
વૈશાખની તટપ્રાન્તશાયી જલરેખા
અશ્રુબાષ્પલેખા
ધાન્યહીન ખેતરોમાં રઝળતો સૂનો અવકાશ
જાગી ઊઠે કોઈકના આગમન તણી આશ.
બારી પાસે ઊભી છે આ દાડમડી
લાલ લાલ ફૂલે મઢી
સ્વર્ગતણી અપ્સરાનાં ચોરી લાવી કર્ણપૂર
આતપ આસવ પાને બની ચકચૂર
પણે ઊર્ધ્વ શાખા થકી
શિરીષની ક્ષીણ ગન્ધ આવે વહી
તળાવના સ્થિર જળે
સ્મરણોની રેખા આંકે જરઠ સ્થવિર વટ.
આકાશે પ્રખર સૂર્ય
વિજયી સમ્રાટ તણું બજે તૂર્ય?
દૂર ક્યાંક બજી ઊઠે કોની અરે ખંજરી
ચંચલ ચકિત ચિત્તે મ્હોરી ઊઠે મંજરી.
આદિ વનસ્પતિ તણો મર્મર કિલ્લોલ
રક્તે જગાવે છે કશો ઉન્મત્ત હિલ્લોલ
જલનો શીતલ સ્પર્શ
જીવનના પ્રથમ કમ્પન તણો હર્ષ
ગ્રીષ્મની આ મધ્યાહ્ન વેળાએ
મારું મૃત્તિકાનું પાત્ર આ શા રસે છલકાએ?
નજીકથી કોઈના ચાલ્યા ગયા તણો ભાસ
હવા મહીં આ તે કોના ઉત્તરીય તણી વાસ –
મીટ માંડું બારી બહાર
રૌદ્ર, દીપ્ત શૂન્યનો પ્રસાર
પુરાતન કો અશ્વત્થ નીચે
કોઈ બજાવે છે
કાળતણી બંસરીને
એના મૃત્યુ છિદ્રે
ફુત્કારે છે પ્રાણનો પ્રબળ પ્રચ્છ્વાસ
આશ્વિનનો સુવર્ણ પ્રકાશ
શરણાઈ પર છેડે લલિત બિભાસ
શસ્યશીર્ષે પવનની અંગુલિ
છેડે કશી સૂરાવલિ.
વિશ્વછન્દ તણો ભંગ
શીર્ણ ને વિર્શીણ કરે અંગે અંગ
હિરોશિમા નાગાસાકી
કહો, કશું રહ્યું બાકી?
અસૂર્ય આ લોક
કોણ કરે કોનો શોક?
માનવોનો મેળો
નિશ્ચિહ્ન સૌ ચહેરાઓનો નર્યો સરવાળો.
દશકે દશકે આતતાયી
આવી એને કરે ધરાશાયી
પૃથિવી આ અન્ધ છે ગાન્ધારી
પાટા છોડી જુએ મહામારી.
નીરન્ધ્ર આ અન્ધકારે
નાગિણીના વિષાક્ત ફુત્કારે
ગીતોતણું કોણ હવે બજાવશે મહુવર?
ટહુકી ઊઠશે ફરી કોકિલ પંચમ સ્વર?
ક્યાં છે રવિ?
ક્યાં છે કવિ?
પણે નદી તીરે
કાશની ચામર ઝૂલે.
મે: 1961