ઇતિ મે મતિ/અશ્રદ્ધા વિશેની શ્રદ્ધા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અશ્રદ્ધા વિશેની શ્રદ્ધા

સુરેશ જોષી

પ્રખ્યાત નવલકથાકાર ઇ.એમ. ફોર્સ્ટરે કહ્યું, ‘મને કશી માન્યતામાં શ્રદ્ધા નથી.’ ઘણાને પ્રશ્ન થશે કે આ આજે શક્ય છે ખરું? આપણા દેશના વાતાવરણમાં તો વળી એ અશક્ય જ લાગશે. ધર્મના કેટલા બધા સમ્પ્રદાયો આપણને ઘેરી વળીને રહ્યા છે. એ ઉપરાંત પણ રૂઢિગત ધર્મથી જુદા પડતા એવા કેટલા બધા વાદ છે. એટલે જ તો આપણને કોઈક ને કોઈક વાર આ પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે : ‘તો પછી તમે શેમાં માનો છો?’ એનો જો સાદો જવાબ સચ્ચાઈપૂર્વક આપીએ, ‘હું માનવીમાં માનું છું,’ તો પ્રશ્ન પૂછનાર તમને આશ્ચર્યવત્ જોઈ રહેશે.

માનવીમાં શ્રદ્ધા રાખવી તે પણ કેટલું અઘરું છે! આપણી આ સદીમાં માનવી જે રીતે આત્મવિનાશ તરફ ધસી રહેલો દેખાય છે તે જોતાં તો એના ભવિષ્યમાં શ્રદ્ધા રાખવી એ બુદ્ધિહીનતાનું લક્ષણ લેખાય. આથી કેટલાક લોકો થોડાંક ભાવવાચક નામનો આશ્રય લે છે. પરમત-સહિષ્ણુતા, સૌજન્ય અને અનુકમ્પા આ જમાનામાં પૂરતાં થઈ પડે તેમ નથી. ધર્મને નામે, સામ્પ્રદાયિક ઝનૂનને કારણે, રંગભેદને નામે થતા અત્યાચારોને કારણે માનવજાતિ અસહ્ય યાતના ભોગવી રહી છે. આજે બુદ્ધિનિર્ભર વૈજ્ઞાનિક અભિગમના કરતાં વધુ વર્ચસ્ ધર્મને નામે પ્રવર્તતી અંધશ્રદ્ધાનું છે. આજે જ પરમતસહિષ્ણુતા, સૌજન્ય અને વ્યાપક સહાનુભૂતિની વિશેષ આવશ્યકતા છે. જો એ ગુણો આપણે કેળવીશું નહિ તો માનવજાતિનું નિકન્દન નીકળી જશે.

આપણી ઉદાત્ત ભાવનાઓ આજે હિંસાની એડી નીચે કચડાઈ ગઈ છે. આ ભાવનાઓને દૃઢ કરવા માટે શ્રદ્ધાની જરૂર રહે છે. પણ શ્રદ્ધાને સ્વીકારવાનું જોખમ ઘણું છે. પછી આપણે કશો વિચાર કરવાનું છોડી દઈએ, નિશ્ચંતિ બની જઈએ તો અન્ધશ્રદ્ધાને વહોરી લઈએ. આથી જ ફોર્સ્ટરની પ્રાર્થના આ છે : પ્રભુ, હું કશામાં માનતો નથી. મારી આ અશ્રદ્ધાને ટકાવી રાખવામાં મને મદદ કરજે.’

આમ છતાં આપણે તો શ્રદ્ધાળુઓથી ઘેરાઈને જીવવાનું છે. આપણે તો ગળથૂથીમાં જ શ્રદ્ધાનું પોષણ મેળવીને ઊછર્યા છીએ. તો પછી આપણે અન્ધશ્રદ્ધામાંથી બચવું શી રીતે? પહેલી શરૂઆત તો આપણા વ્યક્તિગત સમ્બન્ધોથી જ કરવાની રહે છે. અહીં કશુંક એવું છે જે નક્કર છે. આપણી આ ક્રૂરતા અને હિંસાથી ભરેલી દુનિયામાં જ રહેવા છતાં આપણે વ્યક્તિગત સમ્બન્ધોમાં સ્નેહ, આર્દ્રતા, સહિષ્ણુતા કેળવી શકીએ. અલબત્ત, આ ‘વ્યક્તિ’ જેને કહીએ છીએ તે પણ, આજનું મનોવિજ્ઞાન કહે છે તેમ, શતધાવિચ્છિન્ન થઈ ગઈ છે. અનેક રીતે આપણા જમાનામાં આગવી વ્યક્તિમત્તાનો લોપ થતો રહ્યો છે. આપણામાં, આપણી ગણતરીની બહારનું એવું કશુંક રહ્યું છે જે ગમે ત્યારે ચેતનાની સપાટી પર આવીને આપણી સ્વાભાવિક સમતુલાને જાળવી રાખવાનું અશક્ય બનાવી દે છે. આપણે પોતે વાસ્તવમાં શું છીએ તે વિશે આપણે જ શંકામાં પડી જઈએ છીએ. આપણે આપણી સાથે સમ્બન્ધમાં આવનારને પણ બરાબર ઓળખી શકતા નથી, તો પછી વ્યક્તિગત સમ્બન્ધોના પર આપણે શો આધાર રાખી શકીએ? એને ચારે બાજુના સંક્ષોભ વચ્ચે દૃઢ આધાર માનીને આપણી સલામતીને શી રીતે નિશ્ચિત માની લઈ શકીએ? સમાજમાં મૂલ્યોનો હ્રાસ થતો જતો દેખાય છે, એટલું જ નહિ, મૂલ્યબોધ ઉત્ક્રાન્ત થતો આવે એને માટેની કશી ભૂમિકા રચાતી હોય એવું પણ લાગતું નથી. રાજકારણનાં આન્દોલનો અને પ્રતિઆન્દોલનો ચાલ્યાં જ કરતાં હોય છે. એને કારણે આપણે હંમેશાં દોલાયમાન સ્થિતિમાં રહીએ છીએ.

આમ છતાં વ્યક્તિગત સમ્બન્ધની ભૂમિકા પર જ કશુંક સંગીન સિદ્ધ કરી શકાશે તે વ્યવહારમાં સ્વીકારવાનું જ રહેશે. આપણે કે આપણા સમ્બન્ધમાં આવતી અન્ય વ્યક્તિ કૂટસ્થ કે અવિકારી નથી તે આપણે જાણીએ છીએ; આમ છતાં આપણી વચ્ચે પ્રેમ અને નિષ્ઠા હોઈ શકે છે. જીવવાની પ્રક્રિયામાં કશાક અવિચલ તત્ત્વના આધારની જરૂર તો રહેવાની જ. આથી વ્યક્તિત્વ કે સ્વત્વ જેવા કશાકના આધારને સ્વીકારવાનો રહેશે જ. બુદ્ધિ ભલે મને એમ કહેતી હોય કે અહીં કશું દૃઢ, અવિકારી નથી, તેમ છતાં, વ્યક્તિગત સમ્બન્ધોમાં મારે એવી દૃઢતાનું આરોપણ કરવું પડશે. એવું આરોપણ મારે કશીક શ્રદ્ધાના જોરે જ કરવું પડશે. આથી જ તો વ્યક્તિગત સમ્બન્ધોમાં મને શ્રદ્ધા છે એમ કહેવું પડશે.

આજે ચારે બાજુ પ્રવર્તતી અરાજકતા વચ્ચે જો મારે કશીક વ્યવસ્થા સ્થાપવી હશે તો મારી આજુબાજુના લોકો સાથે મારે મેળ રાખવો પડશે. એમના પર મારે વિશ્વાસ મૂકવો પડશે. આ વિશ્વાસનો ભંગ નહિ થાય એવું નથી. પણ એથી જ તો મારે કોઈના વિશ્વાસનો ભંગ થાય એવી રીતે નહિ વર્તવું એવો દૃઢ નિર્ધાર કરવાનો રહેશે. પણ આ વિશ્વાસપાત્રતા બે વ્યક્તિ વચ્ચેના કરારથી સિદ્ધ થઈ શકતી નથી. આપણા સામાજિક સમ્બન્ધના અનુભવ અને આપણા વ્યાપારી સમ્બન્ધોના અનુભવ વચ્ચે આ જ તો મહત્ત્વનો ભેદ રહેલો છે. જ્યાં હૃદયનો સમ્બન્ધ છે ત્યાં કશા દસ્તાવેજ ઘડવાના રહેતા નથી. સાહજિક ઉષ્માની લાગણી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે નહીં હોય ત્યાં સમ્બન્ધમાં શ્રદ્ધેયતા આવી શકતી નથી. સાહજિક રીતે જ આપણામાં આ ઉષ્મા હોય છે. પણ કેટલાક પ્રતિકૂળ અને દુ:ખદ અનુભવોને કારણે એ ઉષ્મા થીજી જતી હોય છે. આપણે જોઈએ છીએ કે રાજકારણના મુત્સદ્દીઓ કોઈ પર સહેલાઈથી વિશ્વાસ મૂકતા નથી. એમ સહેલાઈથી વિશ્વાસ મૂકી દેવો એ એમની દૃષ્ટિએ તો નરી બાઘાઈ જ લેખાય. તેમ છતાં એમને આવો વિશ્વાસ રાખવો તો પડે જ છે. એમ કર્યા વિના એમનું કાર્ય આગળ ધપી શકતું નથી. ચારે બાજુના અવિશ્વસનીયતાના અન્ધકારમાં આપણે આપણી વિશ્વસનીયતાનો લઘુક દીપ જરૂર પ્રગટાવી શકીએ. ત્યારે આપણને દેખાશે કે એ અન્ધકારમાં જે અજવાળું છે તે માત્ર આપણા જ દીપનું નથી. વ્યક્તિગત સમ્બન્ધોની આજે અવમાનના થાય છે. કેટલાક એને બુર્ઝવા ભોગવિલાસ કહીને પણ ભાંડે છે. અનુકૂળ આબોહવા દરમ્યાનનું એ ઐશ્વર્ય છે. પ્રતિકૂળ હવામાનમાં એને નભાવી ન શકાય. એમાં રાચવાને બદલે આપણે કશાક આન્દોલનમાં સક્રિય બનીએ કે કશાક વ્યાપક હેતુ માટે જીવનને સમપિર્ત કરીએ એવી આશા રાખવામાં આવે છે. કોઈ હેતુ માટે જીવનને સમપિર્ત કરી દેવાની વાત આમ તો ખૂબ ભવ્ય લાગે છે. પણ ઘણી વાર એ હેતુ પાછળથી બોદો પુરવાર થાય છે. દેશદ્રોહ સારો, મિત્રદ્રોહ નહીં એવું ફોર્સ્ટર અસંદિગ્ધપણે કહે છે. આજે કોઈ આ વાત નહિ સ્વીકારે. મને દેશદ્રોહી ગણીને, દેશભક્તિની લાગણીથી પ્રેરાઈને પોલીસ અધિકારીને એની જાણ પણ કરી દે. ઇટાલિયન કવિ દાન્તેએ ‘ધ ડિવાઇન કોમેડી’માં જે નરકની કલ્પના કરી છે તેમાં સૌથી કપરા નરકમાં મિત્રદ્રોહીને મૂક્યા છે. બ્રુટસ અને કેસિયસે જુલિયસ સીઝરનો દ્રોહ કરેલો માટે એ બન્ને આવા નરકમાં છે. આપણે ત્યાં તો સદ્ભાગ્યે એવી પરિસ્થિતિ અત્યારે તો પ્રવર્તતી નથી જેને કારણે આવા વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની આવે. આપણે કોઈ પણ સિદ્ધાંત સ્વીકારીએ તો એને નિષ્ઠાથી વળગી રહેવા માટે આકરો ભોગ આપવાનો રહે છે. એને કારણે નિકટવર્તી આત્મીયોમાં પણ આપણે માટે અસન્તોષ અને ઊંડી ગેરસમજની લાગણી પ્રવર્તે એવો પૂરો સંભવ રહે છે. આ ભય, આ કઠોરતા અને કદાચ એને પરિણામે આવી પડતી સ્નેહીઓ વચ્ચેની એકલતાને પણ આપણે સ્વીકારી લેવાની રહે. ત્યાં જ આપણી પૂરેપૂરી કસોટી થતી હોય છે. પ્રેમ અને નિષ્ઠાની, એક વ્યક્તિને માટેની આપણી લાગણી રાજ્ય માટેની વફાદારીની વિરુદ્ધમાં જતી હોય તો પણ આપણે વ્યક્તિગત સમ્બન્ધને જ મહત્ત્વ આપવું જોઈએ એમ કહેવું સહેલું છે. પણ જ્યારે આપણા જીવનમાં એવી વાસ્તવિક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે એ જ રીતે વર્તીશું એવું આપણે નિશ્ચિતપણે કહી શકતા નથી. જો એ રીતે વર્તીએ તો રાજ્ય આપણો ભોગ લે એ હકીકત રશિયામાં જે બન્યું છે તેના પરથી પુરવાર થઈ જ ચૂકી છે.

લોકશાહી તન્ત્ર માટે પણ આપણે આવું કહીશું? હા, એને વિશે અજ્ઞાનવશ આપણે જે ભ્રાન્તિઓ સેવીએ છીએ તેમાંથી પણ મુક્ત થવાનું રહેશે. લોકશાહી એ, બીજી રાજ્યવ્યવસ્થા કરતાં પ્રમાણમાં સારી પદ્ધતિ છે એટલું જ. એમાં લોકોની એકબીજા પ્રત્યેની તિરસ્કારની માત્રા ઓછી હોય છે, એથી જ આપણે એનું સમર્થન કરતા હોઈએ છીએ પણ જો રાજકીય પક્ષો એકબીજા સામે પ્રચાર કરીને ઝેર જ ઓકતા રહે તો લોકશાહીને ઊછરવાની આબોહવા ક્યાંથી રહે?

લોકશાહીમાં વ્યક્તિના મહત્ત્વનો સ્વીકાર છે. વિભિન્ન સ્વભાવની વ્યક્તિઓનો રાષ્ટ્રને ખપ પડતો હોય છે. આથી શેઠ અને ગુમાસ્તા, ખેડૂત અને હળપતિ, અમલદાર અને કારકુન – આવા ભેદો પાડવા ન જોઈએ. પણ કાર્યક્ષમતા સિદ્ધ કરવાને બહાને લોકશાહીના ઓઠા હેઠળ સરમુખત્યારશાહી વ્યવહાર શરૂ થઈ જાય છે. આજે સત્તા ધરાવનાર પ્રધાન કે અધિકારીને આવકારવા લોકો હારતોરા લઈને ઊભા રહે છે તેથી એવી ભ્રાન્તિ નહિ થવી જોઈએ કે આ બધું સાચા આદરથી થતું હોય છે. જે લોકો કશુંક નવું સર્જન કરે છે, કશુંક નવું શોધે છે, માનવજ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારે છે તેઓ જ સાચા માનના અધિકારી રહ્યા છે. પણ આજે સત્તાનો ઉપભોગ એ જ સમાજમાં પ્રતિષ્ઠાનો સંકેત હોય એવું લાગે છે. અમલદારશાહી માનવીય સમ્બન્ધોની, કાર્યદક્ષતાને નામે ઉપેક્ષા કરે છે. અદનો આદમી પણ કશુંક આગવું સર્જતો હોય છે. જેણે એક ફૂલ સરખું નથી ઉછેર્યું, શાતા વળે એવો એક શબ્દ સુધ્ધાં જે નથી બોલ્યો તે સાચા અર્થમાં નાગરિક જ કહેવાય નહિ.

12-1-81