ઇતિ મે મતિ/આત્મપ્રચારની નિરર્થકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આત્મપ્રચારની નિરર્થકતા

સુરેશ જોષી

ક્યિર્કેગાર્દે પણ એના સમકાલીનો સામે ફરિયાદ કરતાં કહેલું, ‘એમની નૈતિક આચારસંહિતા પોલીસ ખાતાના નિયમોના સારસંક્ષેપ જેવી છે, એમને માટે સૌથી મહત્ત્વની વસ્તુ તે રાજ્યવ્યવસ્થા માટે ઉપયોગી થઈ પડવાની તક છે. દરરોજ સાંજે ક્લબમાં પોતાના અભિપ્રાયો વ્યક્ત કરવા તે એમનો પ્રિય વ્યવસાય છે, કશાક અજ્ઞાતને માટે, કશા સુદૂરને માટે, એઓ કદી તલસ્યા કે ઝૂર્યા નથી. કશું ન બની શક્યા હોવાના ભાનથી જે ઊંડાણનો અનુભવ થાય છે તે પણ એમને થયો હોતો નથી.’ આપણાં ઘણાં સમકાલીનોને પણ આ વર્ણન લાગુ પડી શકે એમ છે.

હૃદયજડ કે બુદ્ધિજડ લોકોને તો સહી લઈ શકાય, પણ જેઓ હૃદયને પામીનેય સહિષ્ણુતા અને સમુદારતા કેળવી ન શકે, જેઓ બુદ્ધિને પામીને એને પોતાની સર્વોપરિતા સ્થાપવાને માટેના નાના નાના પ્રપંચો અને વ્યૂહો રચવામાં જ ખરચી નાખે તેને સહી લઈ નહિ શકાય. પોતાનું અતિરેકી ચિત્ર આંકવાની વૃત્તિ માનવસહજ નિર્બળતાનું પરિણામ છે એ આપણે સ્વીકારી લઈએ, પણ એની સાથે બીજાની નિરર્થકતા અને નહિવત્તાનો પ્રચાર કરવાનો આસુરી ઉત્સાહ ભળે ત્યારે માનવ્યના મૂળ પર જ કુઠારાઘાત થતો હોવાથી એને સહી નહિ લેવાય.

કૃતિને પ્રકટ કરીને ધીમે ધીમે કર્તૃત્વનો વિલય સિદ્ધ કરવો એ એક કળા છે. કૃતિ દ્વારા જે પ્રકટ થાય છે તેને ટકવાને માટેના આધારસ્તમ્ભ આત્મપ્રચારથી ઊભા નથી કરી શકાતા. પછી કૃતિને ખીલી ઊઠવાને માટે જે રિક્ત અવકાશ જોઈએ તે મળતો નથી. પોતાની જ કૃતિ આગળ પોતે વામણો લાગે તો એ હકીકતનો સચ્ચાઈથી અને પ્રામાણિકતાથી સ્વીકાર કરવો જોઈએ, પરિમિત પ્રયોજન જ આપણા વ્યક્તિત્વને સંકીર્ણ કરે છે. નાની નાની પ્રાપ્તિનાં લેખાંજોખાંમાં જ રચ્યોપચ્યો રહેનાર હાટડી માંડીને બેસનારા મારવાડીથી સહેજેય જુદો નથી. આ બધો નિરર્થક ઉદ્યમ ચાલ્યા કરતો હોય છે તે દરમ્યાન જ સાચી પ્રાપ્તિ તો એના હાથમાંથી સરી પડી હોય છે! લાલસા જેવું માણસને દયામણા બનાવનાર બીજું કશું નથી.

ઈંગ્લેંડમાં પચાસની આસપાસ કવિતાના ક્ષેત્રમાં ‘ધ મુવમેન્ટ’ની સંજ્ઞાથી ઓળખાતું આન્દોલન થયેલું. એના એક અગ્રણી કવિ તે ફિલિપ લાર્કિન. ‘લંડન મેગેઝિન’માં એમની મુલાકાતનો અહેવાલ છપાયો છે. એમાંના કેટલાક મુદ્દાઓ આજના આપણા સાહિત્યિક સન્દર્ભમાં વિચારવા જેવા છે. આપણે ત્યાં આદેશ અને ઉપદેશ આપવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચૂકેલા એક વાતનું વારે વારે રટણ કર્યા કરતા હોય છે. સાહિત્ય દ્વારા સત્ય અને રમણીયનો આવિષ્કાર થવો જોઈએ. આ સત્ય તે કયું સત્ય? કશુંક ત્રિકાલાબાધિત સત્ય? કે કવિને જે અનુભૂતિ થઈ છે તેનું સત્ય? લાર્કિન કહે છે કે આ વાતને ખોટી રીતે મૂકવામાં આવે છે. દરેક કાવ્ય ક્યાં તો સત્ય ક્યાં તો સૌન્દર્ય તરફ ગતિ કરતું હોય છે. પણ સત્ય સુન્દર બની શકે, સૌન્દર્યનેય એનું આગવું સત્ય હોય. એની આ સચ્ચાઈ તે ધર્મપ્રમાણિત કે દર્શનપ્રમાણિત હોતી નથી. એ કાવ્યમાંથી જ ઉત્ક્રાન્ત થતી હોય છે. કવિના મનમાં થતો પહેલો સ્ફોટ કદાચ એને સૌન્દર્યથી અભિભૂત કરી નાખે. પણ એ જ તો સાવધ રહેવાની ક્ષણ છે. અનાયાસ સર્વસ્વીકૃત સત્ય એ કાવ્યનું સત્ય નથી, એ અભિપ્રાય કે વિચાર નથી. એને કાવ્ય જોડે મજ્જાગત સમ્બન્ધ હોય છે, ધર્મ કે દર્શન જોડે નહિ.

લાકિર્ને એક કાવ્યમાં કહ્યું છે, ‘જીવન પ્રથમ તો વિરતિ આણે છે, પછી ભય. આપણે એનો વિનિયોગ કરીએ કે ન કરીએ, એ તો વીતવાનું જ છે. આપણામાં પ્રચ્છન્ન રહીને કશાકને પસંદ કર્યું હોય છે તેને એ અવશેષરૂપે મૂકી જાય છે. પછી જીવન પૂરું થતું નથી પણ સમયનો અમુક ગાળો કે યુગ પૂરો થાય છે. આ પંક્તિઓમાં કવિના અનુભવનું સત્ય પ્રકટ થયું છે. એ સત્યને સર્વસમ્મતિની કે ત્રિકાલાબાધિતતાની અપેક્ષા નથી. એનું જીવાતુભૂત તત્ત્વ ધર્મ પર આધાર રાખતું નથી.

કવિ પ્રજાએ અને વિવેચકોએ પ્રશંસેલી પોતાની કોઈ કૃતિને જો નબળી ગણતો હોય તો, તે સમયે પ્રવર્તતી સાહિત્યિક ફેશનને અનુરૂપ હોવાને કારણે જ વખણાયેલી કૃતિની મર્યાદાને એણે ચીંધી બતાવવી જાઈએ. આત્મરતિને કારણે, કે સાહિત્યમાં તે ગાળામાં વર્ચસ્ ધરાવનારા વર્ગનું સમારાધન કરવાને માટે એ ખોટાં સાહિત્યિક મૂલ્યોનો પ્રચારક ન બની રહેવો જોઈએ.

સર્જક પોતાની કૃતિ વિશે કશો દાવો ન કરી શકે. એની ગુણવત્તા વિશે બોલવાનો અવિવેક એણે દાખવવો નહિ જોઈએ. પોતે કૃતિ દ્વારા શું કરવાનો પ્રયત્ન કર્યો છે તેનો પ્રામાણિક અહેવાલ માત્ર એ આપી શકે. વિવેચકોને પોતાના અમુક સૈદ્ધાન્તિક દુરાગ્રહો અને હઠાગ્રહોનાં ચોકઠાંમાં અમુક કૃતિને ગોઠવવાનું અનુકૂળ થઈ પડતું હોય છે. તો, કૃતિને અન્યાય થાય તેની પરવા કર્યા વિના, એઓ એવું કરવાને પ્રેરાય છે. વિવેચકોના આવા ખોટા પ્રભાવનો વિરોધ કરવાનું પણ કવિનું કર્તવ્ય બની રહે છે.

લાર્કિનને વિવેચકોનો સારો અનુભવ થયો નથી. એઓ કેટલીક વાર કૃતિ આડે અવરોધક બળ ઊભું કરે છે. કેટલીક વાર એઓ તમને તમારા જેવું નહિ પણ બીજા કોઈકના જેવું લખવાને લલચાવે છે. કવિતાનો રસ માણવાનું બાજુએ રાખીને એઓ તમને જીવનશત્રુ, નિરાશાવાદી, હતાશાવાદી જેવી ગાળો દેવાનો આનન્દ માણતા હોય છે. સર્જકને માટે કશું આસાન નહિ બની રહેવું જોઈએ. દરેક પ્રકારની આસાનીથી એણે તો સાવધ રહેવાનું છે. પ્રચલિત રુચિ અને રસવૃત્તિને અનુકૂળ થઈને રહેવાનો માર્ગ સહેલો છે, પણ વાસ્તવમાં ગજું ધરાવનારો સર્જક પોતાની કૃતિને માણવા માટેની રુચિ પણ ઘડી આપતો હોય છે. લાર્કિન ‘ધ મુવમેન્ટ’ના એક અગ્રણી કવિ તરીકે ઓળખાવાની પણ ના પાડે છે. એઓ કહે છે, ‘હું કોઈ મોટો કવિ નથી, નજરે ચઢું એવો છું ખરો. અત્યારે એમ કેન્દ્રમાં છીએ એટલે અમારા પર ધ્યાન જાય છે. ચાળીસ વરસ પહેલાં યેટ્સ, એલિયટ, રોબર્ટ ગ્રેવ્ઝ, સ્પેન્ડર, ઓડેન, મૅકલિશ, બેન્જમેન, ડાયલન ટોમસ એ સ્થાને હતા. અને હવે આજે અમેય કેન્દ્રમાં રહ્યા નથી. આજે હવે એ સ્થાને કોણ છે? બીજા જે છે તે કદાચ મારાથીય નબળા હશે, માટે હું સારો લાગતો હોઈશ.’

કવિને માટે એક બીજું મોટું પ્રલોભન તે પયગમ્બર કે ફિરસ્તા થવાનું છે. એ પ્રલોભન કવિતાને માટે તો અનિષ્ટકારક જ નીવડે છે. નીતિની બારાખડીથી કવિતાની બારાખડી જુદી હોય છે એ પાયાની વાતનું વિસ્મરણ ન થવું ઘટે. કવિને લગાડાતાં બીજાં લેબલ પણ ઘણી વાર કાવ્યઘાતક નીવડવાનો જ સમ્ભવ રહે છે. લાર્કિન તો માને છે કે કવિતાના મૂળમાં સ્વસ્થતા રહી હોવી જોઈએ. કશા ઉદ્રેક, અભિનિવેશોના પર આધાર રાખતી કવિતા અમુક ગાળા પૂરતી અગ્રસ્થાન પામે છે. પણ પછી તરત જ પ્રજા એને ભૂલી જાય છે, કારણ કે પ્રજા હંમેશાં ઉગ્ર ભાવાવેગની સ્થિતિમાં ટકી રહી શકતી નથી. ધૈર્ય કે તિતિક્ષા રાખનાર જડ જ થઈ જાય છે એવું નથી.

‘અમે જે રૂપે ઓળખાવીએ છીએ તેવું જ જીવન છે’ એવું ભોળી પ્રજા માની લેશે એવું માનનારો સર્જક તો પ્રજાથી પણ ભોળો હોય છે. વાસ્તવમાં પ્રજાનો શિક્ષિત વર્ગ પણ સાહિત્યને એટલું મહત્ત્વ આપતો નથી. આજે તો સાહિત્યનું મહત્ત્વ સ્થાપવા માટે સાહિત્યકારોને જ પોતાના પ્રચારક બનવાની ફરજ પડે એવું વાતાવરણ છે. જીવન વિશેની પ્રકટ થતી દરેક વિચારણાને પ્રમાણભૂત ઠરાવવા માટે પોતાના અનુભવની સમ્મતિ પણ આવશ્યક બની રહે છે. કવિ તમારા અનુભવની અવેજીમાં કામ નહિ આવી શકે.

નિરાશા કે હતાશાને નામે ગોકીરો મચાવી મૂકનારાં કેટલાંક હોય છે. વૃદ્ધાવસ્થા, મૃત્યુ, નિષ્ફળતા, નિર્ભ્રાન્તિ – આ બધી કંઈ કવિકલ્પનાની નીપજ નથી. એ બધું તો આ સૃષ્ટિમાં છે જ. તમે એને રૂપાળા શબ્દોની મોહજાળથી, ધર્મના ધૂપદીપથી કે ઉટપટાંગ તર્કથી ઢાંકી દઈ શકો નહિ. કવિને તો આવી પ્રવંચના આત્મવિઘાતક નીવડે. પછી માંગલ્યનું અને શ્રદ્ધાનું ગાણું ગાનારા છો ને ધર્મને ખંડણી ભર્યા કરે અને કવિતાની ઉપેક્ષા કર્યા કરે.

વિવેચક કાવ્યસર્જન અને કાવ્યાસ્વાદને માટેની અનુકૂળ આબોહવા રચી આપે નહિ તો ભલે, એને કાવ્ય સામે શત્રુવટ કેળવીને વીરત્વ નિષ્પન્ન કરવાની પ્રવૃત્તિમાં પડવું નહિ જોઈએ. અંગત રુચિને જ એક માત્ર સાચા ધોરણ તરીકે ઠસાવવાનો દુરાગ્રહ એણે નહિ સેવવો જોઈએ. ચેહોફે કહેલું વધુ સાચું લાગે છે. ‘કવિ કે સર્જક જોડે મતભેદ હોય તો તે હું પ્રકટ કરું, પણ એ કવિ કે સર્જક પોતાની આગવી રીતે પોતાને અભિવ્યક્ત કરે એની આડે જો સમાજ અન્તરાય ઊભા કરે તો હું એનો પક્ષ લઈને સમાજ સામે લડું.’

30-6-80