ઇતિ મે મતિ/તંદુરસ્ત માનવીની મર્યાદાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તંદુરસ્ત માનવીની મર્યાદાઓ

સુરેશ જોષી

એક ચિન્તકે કહ્યું છે કે તંદુરસ્ત માણસમાં ગમે તેવા ગુણ હોય, પણ એને વિષે એક વાત નક્કી કે એ હંમેશાં નિરાશાજનક જ નીવડે છે. એ જે કહે તેના પર એકાએક વિશ્વાસ બેસતો નથી. આપણે જ્યાં સુધી કશાક ભયાવહનો અનુભવ કરતા નથી ત્યાં સુધી આપણા વ્યક્તિત્વને ગરિમા પ્રાપ્ત થતી નથી, આપણા શબ્દોને કશું વજન પ્રાપ્ત થતું નથી. આથી તંદુરસ્ત માણસ સાથે આપણે શો શબ્દવિનિમય કરી શકીએ? એને કશાનું સંક્રમણ કરવાનું હોતું નથી, એ એટલી હદે તટસ્થ બની જાય છે કે આ તટસ્થતા એને પોતાના વ્યક્તિત્વમાંથી જ ચ્યુત કરે છે તેનું પણ એને ભાન થતું નથી. એ નર્યા સ્વાસ્થ્યમાં સરી પડે છે. એ એક નગણ્ય એવી સમ્પૂર્ણતાની સ્થિતિ છે. એથી એ પોતાના તરફ કે જગત તરફ પણ બેધ્યાન બની જાય છે. પથ્થર નર્યો તન્દુરસ્ત હોય છે, વૃક્ષો તંદુરસ્ત હોય છે, એમાંનો એક બનીને એ જીવે છે. માંદગી એ દેહનો વિદ્રોહ છે. દેહનાં અંગો દરેક પોતપોતાને રસ્તે જવા ઇચ્છે છે. એકાએક એ બધાં રમતના નિયમો પાળવાનો ઇન્કાર કરી બેસે છે. દરેક પોતાના આગવા સાહસ માટે તત્પર બને છે, દરેક પોતાના તરંગ પ્રમાણે વર્તવા જાય છે. ચેતના અમુક માત્રામાં તીવ્ર બને એ માટે શરીરને થોડુંક અસ્વસ્થ થવું જ રહ્યું! ચેતના આપણને મૂળ તો દેહની, દેહનાં અંગોની જ હોય છે ને? તંદુરસ્ત હોઈએ છીએ ત્યારે આપણને ક્યાં અંગોની ચેતના હોય છે? માંદગી જ એમને વિશે આપણને સભાન બનાવે છે. માંદગીને જ કારણે એ અંગોની ભંગુરતા, એમનું મહત્ત્વ તથા આપણી એમના પરની નિર્ભરતા આપણને બરાબર સ્પષ્ટ થાય છે. આપણે એ ભૂલવા ઇચ્છીએ તોય માંદગી હઠાગ્રહપૂર્વક આપણને ભૂલવા દેતી નથી. આ ન ભૂલી શકવું એ જ તો આપણા શરીર સાથેના સંઘર્ષનું મૂળ છે. એ જ આપણા શરીર સાથેના સમ્બન્ધમાં એક પ્રકારની નાટ્યાત્મકતા ઊભી કરી દે છે. એનાથી આપણી ઉન્નિદ્ર રાત્રિઓનો અવકાશ ભરાઈ જાય છે. નિદ્રામાં આપણે સમસ્ત વિશ્વમાં વ્યાપી જતી નિશ્ચિહ્ન નામહીનતામાં ભાગીદાર બનીએ છીએ. એક રીતે કહીએ તો નિદ્રા જ આપણે માટે તો પરમ આધ્યાત્મિકતાની સ્થિતિ, એમાં જ આપણે વિશ્વમય બની જઈએ. આપણું દર્દ આપણને ઉન્નિદ્ર બનાવે પછી આપણી સાથે કેવળ આપણે જ રહી જઈએ છીએ. માંદગી જે હજારો ચિન્તાઓ આપણા મનમાં ઉપજાવે છે તેનાથી આપણે ઘેરાઈ જઈએ છીએ. વેદાન્તનાં મહાન સૂત્રો આવા દર્દને કારણે ઉન્નિદ્ર બની જતી રાતે આપણને હસ્તામલકવત્ સુબોધ બની રહે છે. દેહ આત્માનો બહિષ્કાર કરે છે, આત્મા દેહનો બહિષ્કાર કરે છે. બન્નેનો સહવાસ અશક્ય બની રહે છે. આ સહવાસના અસત્યને નિભાવ્યે જવાનાં કાવતરાંનો કરાર ભાંગી પડે છે.

માંદગીને કારણે વધતી ચેતનાની માત્રાને કારણે આપણને મોક્ષનો અનુભવ થવો જોઈએ. પછી એથી ઊંધું જ વાસ્તવમાં તો બનતું હોય છે. આપણી વ્યાધિગત ઉપાધિઓ વધતી જાય તેમ તેમ આપણે આપણા જ દેહનો ભોગ બનતા જઈએ છીએ. એ દેહના તરંગો આપણે માટે પછીથી અનુલ્લંઘનીય આદેશો બની રહે છે. શરીરનું અનુશાસનપર્વ શરૂ થાય છે. એ આપણને જાસૂસને ડોળે જોયા કરે છે, આપણા પર ચોકીપહેરો ગોઠવે છે. એ નચાવે તેમ આપણે નાચવું પડે છે. શરીરને વશ વર્ત્યા પછી, એ જે અવમાનના કરે તે વેઠી લીધા પછી જ આપણને સમજાય છે કે આપણે મરણશીલતાના ખ્યાલથી કેમ છળી મરતા હોઈએ છીએ.

શરીર વિશે આપણને સભાન થવું જ ન પડે એટલું બધું આપણું સ્વાસ્થ્ય હોય છે ત્યારે એ શરીરની નાશવન્તતા વિશે આપણને વિચારવાનું જ ક્યાંથી સૂઝવાનું હતું! તંદુરસ્ત હોઈએ છીએ ત્યારે આપણાં અંગો નમ્ર અને વિવેકી હોય છે, માંદગીમાં એઓ પોતાના તરફ ધ્યાન ખેંચવાની હોંશાતોંશી કરતાં હોય છે. એ માટે જાણે બધાં અંગો વચ્ચે સ્પર્ધા ચાલતી હોય છે. આ ધ્યાન ખેંચવાની હોંસાતૂંસી જ એમને થકવી નાંખે છે. જે અંગ વધુ થાકી જાય તેના પર બીજાં અંગો સરસાઈ ભોગવે છે. આ સ્પર્ધાનું આપણને અરુચિકર એવું તત્ત્વ એ છે કે એમાં આપણે જ એ સ્પર્ધાનો ભોગ તથા સાક્ષી બનતા હોઈએ છીએ!

માંદગી એ એક પ્રકારનું અસમતોલપણું છે તેથી એ આપણી સાથેના સમ્બન્ધમાં તંગદિલીને ઉત્તેજે છે. જિન્દગી જાણે સફાળી દર્દનો ચાબૂક વીંઝાતાં કૂદકો મારે છે. એમાંથી શાન્તિ પામવા માટે આપણે વળી અચેતન જડ તત્ત્વનો આશ્રય લેવાનો રહે. આટલી બધી વિક્ષુબ્ધતા અને પ્રાણવન્તતા પછી જડ સિવાય આપણને શાતા કોણ આપે? ફરી ભૌતિક જડતાને શરણે જવું એનું નામ જ મૃત્યુની ઝંખના! મરણનો ભય એટલે આ શરણાગતિનો અસ્વીકાર, જડતામાં જે સમતોલપણું છે, જે નિ:શબ્દતા છે તેનાથી આપણે જાણે ભયભીત થઈ ઊઠીએ છીએ. એ જ કદાચ સ્વાભાવિક સ્થિતિ છે. એની સામેની પ્રતિક્રિયા તે જીવન. જીવન નામે અસમતોલ જ હોવાનું. ગીતા પણ કેવાં કેવાં પ્રલોભનો આપીને આપણને એ પરમમ્ સામ્યમ્વાળી જડતા તરફ ખેંચી જવા મથે છે!

આપણે આજે જે કાંઈ છીએ તે ભૂતકાળના વ્યાધિના પરિણામરૂપ છીએ. આપણે ભવિષ્યના વ્યાધિ માટે એક પ્રકારની ચિન્તાતુરતા અનુભવીએ છીએ. માનવી હોવાનો આ કશા ચોક્કસ નિદાન વગરનો અર્ધોપર્ધો ઓળખાયેલો વ્યાધિ આપણને અન્ય માનવીઓ જોડે સહભોગી બનાવે છે. જિન્દગી નરી અસલામતીની અવસ્થા છે એનું ત્યારે આપણને સ્પષ્ટ ભાન થાય છે. જિન્દગી એક કામચલાઉ વસ્તુ છે, એ અસ્તિત્વની એક આકસ્મિકતાને જ પ્રકટ કરે છે. જો જીવન એક અકસ્માત છે તો વ્યક્તિ એ અકસ્માતના ગર્ભમાં રહેલો બીજો અકસ્માત છે.

આનો કોઈ ઇલાજ નથી, અથવા બીજી રીતે કહીએ તો આ કહેવાતા ઇલાજથી સારા થયેલા બધા જ વ્યાધિને આપણે આપણી અંદર જ સમાવીને જીવતા હોઈએ છીએ. એ વ્યાધિઓ વાસ્તવમાં તો આપણને કદી છોડતા જ નથી હોતા. વ્યાધિ અસાધ્ય હોય કે ન હોય એ વેદનાને પાતળી પડી જવા દેતા નતી. એ વેદનાને સઘન બનાવે છે, અક્કડ બનાવે છે, એને વ્યવસ્થિત બનાવે છે. વ્યાધિ એક વાર પ્રકટ થાય પછી એ પોતાનું ફરીફરી પુનરાવર્તન કર્યા કરવાની શક્તિ ધરાવે છે. પણ વ્યાધિનું પુનરાવર્તન કંટાળાના પુનરાવર્તન જેવું હોતું નથી. એ વંધ્યતા કે અપરિવર્તન-શીલતાનું દ્યોતક નથી બની રહેતું. એ માત્ર વેદના વિનાની સ્થિતિની અસમ્ભવિતતાને જ ચીંધે છે.

સ્વાસ્થ્યની સ્થિતિ એ અનસ્તિત્વની સ્થિતિ છે. ત્યારે આપણે છીએ એનું આપણને ભાન હોતું નથી. માંદો માણસ સ્વાસ્થ્યની અસ્તિત્વશૂન્યતાને ઝંખે છે, પોતાના અસ્તિત્વના અજ્ઞાનને ઝંખે છે. આખા વિશ્વની સમ્મુખ હોવા છતાં એમાં સ્થાન પામવાની કોઈ તદબીર ત્યારે આપણી પાસે હોતી નથી. માંદો માણસ ભૂતકાળને ભૂલી જઈને એક સવારે સાવ નિશ્ચિહ્ન બનીને ભવિષ્ય સામે નવેસરથી ઊભા રહી જવાનું ઝંખે છે. ‘મારામાંથી જ ફરીથી પ્રારમ્ભ કરીને હું હવે કશું સિદ્ધ કરી શકીશ નહીં. એના કરતાં તો ઓગળી જઈને નહિવત્ થઈ જવું સારું.’ એ બીજા બધા જ માનવીની કાં તો ઈર્ષ્યા કરે છે, કાં તો એમને ધિક્કારે છે. સૌથી વધારે એ તંદુરસ્ત માણસને ધિક્કારે છે, અવિરત વેદના આપણને પરિશુદ્ધ કરવાને બદલે આપણામાં શારીરિક દૃષ્ટિએ કે નૈતિક દૃષ્ટિએ જે કાંઈ ખરાબ છે તેને બહાર લાવે છે. આથી આચારસંહિતાનો એક નિયમ આ : માંદાનો કદી વિશ્વાસ કરો નહીં, જે પથારીવશ છે તેનાથી બીજે ચાલો.

માંદાની ગુપ્ત ઇચ્છા આ હોય છે : બધાં જ માંદાં પડે તો કેવું સારું! મરનાર બીજા સૌને પોતાની સાથે મરણપથારીએ જોવા ઇચ્છે છે. આપણે યન્ત્રણા વેઠતા હોઈએ ત્યારે બીજા સૌ પણ આપણી જેમ દુ:ખી થાય એવું આપણે ઇચ્છીએ છીએ. વધારે નહીં તો આપણાં જેટલાં દુ:ખી તો ખરાં જ. માનવીને માટે એક જ સમાનતા શક્ય છે. એ સમાનતા છે નરકમાં હોવાની. સ્વર્ગમાં તો સમાનતા જેવી લાગણીનો ક્યાં કશો અર્થ જ હોય છે! માણસ પાસેથી બધું લઈ લો તો ચાલશે, પણ એની ફરિયાદ કર્યા કરવાની શક્તિ જો લઈ લેશો તો એ બિચારો સાવ લાચાર બની જશે!

1-10-77