ઇતિ મે મતિ/પરગજુ જીવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરગજુ જીવ

સુરેશ જોષી

સલાહ આપનારાં શુભેચ્છકોની મને કદી ખોટ પડી નથી. કેટલીક આવી સલાહોમાં મારી ગભિર્ત આલોચના હોય છે તે હું સમજું છું. પણ એ શુભેચ્છાપ્રેરિત જ હશે એમ માનવું વધુ સુખકર નીવડે છે. એવા એક શુભેચ્છકે કહ્યું, ‘હવે તમે જેને સો ટકા તમારું પોતાનું કહી શકો એવું લખવાનો ગાળો આવ્યો છે. હવે તમે એવું લખવા પાછળ જ ધ્યાન કેન્દ્રિત કરો.’ એમનો ગભિર્તાર્થ હું સમજી ગયો : તમે હવે કાફકાકૅમ્યૂની વાત છોડો અને આપણા દેશની આબોહવાને બંધ બેસે એવું લખો. હું જવાબમાં કહું છું, ‘હજી જેને કેવળ મારું કહેવાય તેને માટેની મારી શોધ ચાલુ છે.’

આ હું કહેતો હતો ત્યારે મને પાબ્લો નેરુદાએ એક પ્રસંગે આ વિશે જે કહેલું તે યાદ આવ્યું : ‘હું તો મૌલિકતામાં માનતો નથી. એ આપણા જમાનાએ ઉપજાવેલું એક ધતંગિ છે, જે હવે ઝડપથી પડી ભાંગવાની તૈયારીમાં છે.’ મને એની વાત અમુક અંશે સાચી લાગે છે. મારી કહેવાતી મૌલિકતાને જાળવી રાખવાના અહંકારમાં જગતની સર્વશ્રેષ્ઠ ચેતનાના સમ્પર્કથી જ બચતો રહું તો તેથી હું કેટલો ઊણો રહી જાઉં!

આ ગ્રહિષ્ણુતા પણ કેળવવા જેવી છે. પણ એનો અર્થ એ નથી કે હું જે આ રીતે પામું છું તેને સીધેસીધું જ આત્મસાત્ કરી લઉં છું. મારી વિવેકબુદ્ધિથી હું એની પસંદગી કરું છું, જે સંચિત થાય છે તેનું રૂપાન્તર કરું છું. મારો પોતાનો આગવો અવાજ હું ખોઈ બેસવા નથી ઇચ્છતો. દરેક જમાનામાં અમુક એક જૂથ વધારે ઘોંઘાટ કરીને એનાં સૂત્રો ગજાવતું હોય છે, ખરીતાઓ બહાર પાડતું હોય છે. હું એવા કોઈ સરઘસમાં જોડાયો નથી. ઘણા મિત્રો મારાથી નિરાશ થયા હશે, એનો મને ખેદ છે, પણ હું મારી પ્રકૃતિને પ્રતિકૂળ થઈને કશું કરી શકું નહિ. એક શુભેચ્છક મુરબ્બીએ મારા વિશે મારા મિત્રને કહ્યું હતું, ‘એણે પોતે જ પોતાને સહુથી મોટો અન્યાય કર્યો છે.’ આ સાંભળીને મને વિલક્ષણ પ્રકારનો આનન્દ થયો. મને થયું : મને અન્યાય કરવા જેટલો તો મારે મારી જાત સાથે સમ્બન્ધ છે! આ મમત્વ જ છૂટી જાય તો સર્જનને માટેની ભૂમિકા શી રહે? વિદ્યાપીઠમાં જ આ બધાં વર્ષો ગાળ્યાં છે. ‘કૅમ્પસ નોવેલ’નો પ્રકાર અમેરિકામાં ખેડાયો છે. હું ધારું તો એવી એકાદ દસ્તાવેજી નવલકથા લખી કાઢી શકું, પણ એ મારા સ્વભાવની વિરુદ્ધ છે.

અહીં મને મિગુએલ ફરનાન્ડેઝ નામનો સ્પૅનિશ કવિ યાદ આવે છે. એ લોર્કાનો અને નેરુદાનો મિત્ર હતો. એનામાં આરણ્યક આદિમતા અને કૌવત. એ ઊંઘતી ઘેટીના પેટ આગળ કાન માંડે ને આંચળ તરફ વહેતા દૂધનો અવાજ સાંભળે. એના વતનમાં નારંગીનાં ફૂલો અને બુલબુલ. બુલબુબના ટહુકાની આબેહૂબ નકલ કરે. એ નારંગીના એકાદ ઝાડ પર ચઢી જાય અને એની ઊંચામાં ઊંચી ડાળ પર બેસીને બુલબુલની જેમ ટહુક્યા કરે. પણ આજકાલના કવિઓ દાઢી વધારે ને જુદા જુદા વેશ કાઢે એવું આ નહિ. એ તો એની પ્રકૃતિ જ હતી.

એ સાવ અકિંચન. પોતાની કહેવાય એવી એક જ સમ્પત્તિ એની પાસે અને તે કવિતા. બાકી ઘરબાર કશું નહિ. આજીવિકાનું બીજું કશું સાધન નહિ. લોર્કા નેરુદા એની સારસંભાળ રાખે. એક વાર નેરુદાને થયું, ‘આવો સારો કવિ, એને જરા ઠેકાણે પાડીએ તો નચિન્ત જીવે કવિતા લખશે.’

નેરુદાને એક મોટા અધિકારી સાથે પરિચય થયા પછી એની આગળ એણે ફરનાન્ડેઝની વાત મૂકી. ચોઘડિયું સારું તે એ અધિકારીએ એનામાં રસ લીધો. એણે તો ફરનાન્ડેઝની કવિતાઓે સુધ્ધાં વાંચેલી. આપણા દેશમાં તો કોઈ સરકારી વ્યક્તિ કવિતા વાંચે એવું બને તો હજી ચમત્કાર ગણાય. એ અધિકારીને લાગ્યું કે ફરનાન્ડેઝને કશુંક સ્થાન આપવું જોઈએ. પસંદગી એણે ફરનાન્ડેઝના પર જ છોડી.

નેરુદા તો રાજી રાજી થઈ ગયા. એણે જઈને ફરનાન્ડેઝને કહ્યું, ‘અલ્યા, તારું નસીબ ઊઘડી ગયું. તું નામ પાડે એટલી વાર. તારે જે હોદ્દો જોઈતો હશે તે તને મળશે. તને કેવા પ્રકારનું કામ કરવાનું ગમશે તે તું કહે એટલે આપણે નક્કી કરી લઈશું.’ ફરનાન્ડેઝ તો વિચારમાં પડી ગયો. એ સુખી જીવના મોઢા પર ચિન્તાની રેખાઓ અંકાઈ ગઈ. કલાકો નીકળી ગયા. સાંજ ઢળી ત્યારે જાણે એને જવાબ જડી ગયો હોય તેમ એની આંખમાં આનન્દની ચમક આવી ગઈ. એણે નેરુદાને કહ્યું, ‘એ સાહેબ મને માડ્રિડ નજીક ક્યાંક ઘેટાં ચરાવવાની વ્યવસ્થા કરી આપશે?’

આ કાંઈ વધુ પ્રસિદ્ધિ મેળવવા માટેનું નાટક નહોતું. એણે તો એના મનમાં જે હતું તે જ કહી નાખ્યું હતું. કવિને માટે તો આવી અકંચિનતા જ સહુથી મોટી મૂડી. કાવ્ય સિવાયના કશા પ્રલોભનને વશ ન થવાની આ મગદૂરી હોવી એ આજે તો એક વિરલ વસ્તુ છે. સભાસમિતિથી દૂર રહીને આવા એકાદ કવિ જોડે નિરાંતે બેઠક જમાવવાનું મને ગમે છે. કાવ્યની બાબતમાં હું સ્વદેશીનો જ આગ્રહી નથી. કવિના સ્વભાવની અંગત મર્યાદાઓને કારણે પૂર્વગ્રહને વશ થઈને હું એની કવિતાને અન્યાય કરવા ઇચ્છતો નથી. હું એમ પણ નથી કહેતો કે કવિઓએ જાણી કરીને અકંચિન રહેવું જોઈએ. પણ સાધનસમ્પત્તિ એને માટે વળગણ બની રહેવી ન જોઈએ.

16-3-79