ઇતિ મે મતિ/બુદ્ધિનિર્ભરતા
સુરેશ જોષી
બુદ્ધિનિર્ભર રહીને જીવવામાં કેટકેટલા અન્તરાયો ઊભા થયા છે તેનો ખ્યાલ હવે તો આપણને આવી ગયો હોવો જોઈએ. સમાજ, રાજ્યસંસ્થા, ધર્મ આ બધાની અપેક્ષાઓને વશ વર્તીને જીવવાનું જો સ્વીકારવું પડતું હોય તો સ્વતન્ત્રતાનો કશો અર્થ રહે છે ખરો? છતાં સમાજવ્યવસ્થાનો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. રાજ્યતન્ત્રના ઘણા વિકલ્પો અજમાવી જોયા પછી જગતનાં મોટા ભાગનાં રાષ્ટ્રો કોઈ ને કોઈ પ્રકારની આપખુદ સત્તા તરફ ઢળતાં જતાં હોય એવું લાગે છે. મનુષ્ય જે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે છે તેને વ્યવહારમાં મૂકવા જતાં એ વિકૃત થઈ જાય છે. માનવી જમાને જમાને જે યાતના સહેતો આવ્યો છે તેમાં ધર્મ, રાજ્યસત્તા અને રૂઢિચુસ્ત સમાજે મોટો ભાગ ભજવ્યો છે. આ ત્રણેયને જે સ્વીકૃત ન હોય તેને વ્યક્ત કરતાં માનવીને ઘણું સહેવાનું આવ્યું છે.
ઘણા બુદ્ધિશીલો પણ બુદ્ધિને વર્તમાન સમસ્યાઓ પરત્વે પૂરી માત્રામાં પ્રયોજ્યા વિના જ બુદ્ધિની મર્યાદાઓને જલદી જલદી સ્વીકારી લેતા જણાયા છે. શ્રદ્ધાને નામે વિચારહીન બનવાની છૂટ મળી જતી હોય એવું લાગે છે. એ છતાં જો માનવતાપૂર્ણ અને ન્યાયપૂર્ણ સમાજ રચવો હોય તો બુદ્ધિને નેવે મૂકીને એ રચી શકાશે નહિ તે દેખીતું છે. બુદ્ધિમત્તા એ કોઈ જડ નિશ્ચિત વસ્તુ નથી. આપણું જ્ઞાન જેમ જેમ વધતું જાય તેમ તેમ એનાં પરિમાણો વિસ્તરતાં જાય છે. કોઈ બુદ્ધિશીલ એમ નથી કહેતો કે બુદ્ધિ પૂર્ણતાને પામી ચૂકી છે. આથી જ તો કોઈ આદર્શને આત્યન્તિક ભાવે સ્થાપી શકાતો નથી. રામરાજ્યની કે કલ્યાણરાજ્યની ત્રિકાલાબાધિત એવી કોઈ કલ્પના આપણે કરી શકતા નથી.
આમ છતાં પરિસ્થિતિની સંકુલતાને આપણે લક્ષમાં લેવી ઘટે. અત્યન્ત બુદ્ધિનિષ્ઠ અને માનવતાભર્યા સમાજમાં કેટલાંક મૂલ્યોને સ્થાપવાને માટે હજી થોડે ઘણે અંશે કોઈ ને કોઈ પ્રકારના દમનનો આશ્રય લેવો પડતો હોય છે. તેમાં ઇચ્છા-અનિચ્છાએ પણ ઘણાંને અન્યાય થવાનો સમ્ભવ રહે છે. મર્યાદાનું ઉગ્ર ભાન અને એમાંથી મુક્ત થવાનો અભિનિવેશ જ કેટલીક વાર બીજી મર્યાદાઓ ઊભી કરી દે છે. કશુંક પણ સિદ્ધ કરવા માટે આપણે કંઈક ને કંઈક મૂલ્ય ચૂકવવાનું રહે છે. ઘણી વાર એને જ કારણે નવી પ્રાપ્તિ નહિવત્ લાગે છે.
વિલિયમ સેન્સમની એક વાર્તા આજના માનવસન્દર્ભની સ્થિતિને બહુ સૂચક રીતે વ્યંજિત કરે છે. કોઈ સરમુખત્યારશાહી દેશમાં વિદ્રોહી મનાતાં કેટલાંક માણસોને સજા કરવામાં આવે છે. દરેકને પાસે પાસે આવેલી નાની ઓરડીઓમાં પૂરી દેવામાં આવે છે. એ ઓરડીઓમાં કાણામાંથી ભીનું કપડું પસાર કરવામાં આવે છે. જો એ નીચોવીને એક્કી સાથે સૂકું કરી નાખે તો બધા છૂટે. પણ બધા એક સાથે તો એ કામ કરતા નથી. કોઈને થાય કે બીજો કરશે. કોઈ પ્રમાદી હોય. આમ દરેકે કરેલી અલગ અલગ મહેનત નિષ્ફળ જાય છે. માનવસમાજની સ્થિતિ પણ એવી જ છે. બધાં જ માનવીઓ પોતાની બધી જ શક્તિ અનિષ્ટ અને અન્યાયને ટાળવામાં ખરચે એવી અપેક્ષા રાખવી એ જ એક વાહિયાત વાત છે. એવું કરવા જઈએ તે પહેલાં અનિષ્ટ શું છે અને અન્યાય શું છે તે વિશે એકવાક્યતા પ્રવર્તતી હોવી જોઈએ. પણ બુદ્ધિના અમુક સ્તરે પહોંચ્યા પછી જ અનિષ્ટ અને અન્યાય વિશેની સૂક્ષ્મ સમજ કેળવી શકાય. દેખીતી રીતે જ આ બધાં કરી શકે નહિ. એને પરિણામે એક પ્રકારની બર્બરતા જ વ્યાપી જાય અને અત્યાર સુધીમાં માનવીએ જે વિજ્ઞાનના ક્ષેત્રમાં કે કળાના ક્ષેત્રમાં સિદ્ધ કર્યું હોય તેનો પણ ખાતમો બોલી જાય. જે તત્કાલીન પ્રયોજનને અનુકૂળ ન લાગે તે બધાંને નષ્ટ કરવાનું વલણ જોર પકડે. આથી કશુંક સારું અને ઇષ્ટ ગણાતું હોય તેને સિદ્ધ કરવા માટે માનવીએ કેટલી યાતના સ્વેચ્છાએ સહી લેવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર આપવાનું શક્ય નથી. આપણે માત્ર એટલું જ કહી શકીએ કે કશુંક પણ સિદ્ધ કરતી વેળાએ બીજા માનવીને જે સહન કરવાનું આવે તેની ઉપેક્ષા ન થાય તેટલી માનવતા આપણે જાળવી રાખવી જોઈએ. યાતના કોને કહેવાય એ વિશેની એકવાક્યતા કેળવવા પૂરતો તો માનવજાતિને એનો અનુભવ થઈ ચૂક્યો છે. એ યાતના દૂર થવી જ જોઈએ એવી સમજ કેળવવામાં હવે કશી મુશ્કેલી નહિ હોવી જોઈએ. હવે આપણે એવો વિકાસ સાધ્યો છે કે જો ધારીએ તો નવી યાતના ઊભી કર્યા વિના આપણે વધુ માત્રામાં આ યાતનાને ટાળવાનું આયોજન કરી શકીએ. એમ કરવા જતાં મૂલ્યોનો ભોગ આપવો ન પડે એની પણ કાળજી રાખી શકાય. ઇષ્ટ અને અનિષ્ટ વચ્ચેનો વિવેક, એ બે વચ્ચેનો સમ્બન્ધ, અનિષ્ટની ઇષ્ટ પરત્વેની ઉપકારકતા – આ બધાં વિશે ઊહાપોહ સતત ચાલ્યા જ કરશે એ તો દેખીતું છે. આ વિશે વિચારતાં સૌથી પહેલો જે પ્રશ્ન આપણને થાય છે તે આ : સત્યની સિદ્ધિ અને માનવયાતનાનું નિવારણ – એ બે વચ્ચે પરસ્પર વિરોધ હોઈ શકે? મોટા ભાગના વિદ્વાનો અને વિજ્ઞાનીઓની વિચારણા આ પ્રશ્ન પરત્વે ઉદાસીનતા સેવતી હોય એવું લાગે છે. કેટલાંક એમ પણ માનતા હોય છે કે લાંબે ગાળે આ વિરોધ આપોઆપ ટળી જશે. આ વિદ્વાનો અને વિજ્ઞાનીઓ પોતે પોતાનાં નાનાં ક્ષેત્રોમાં નિષ્ણાત બનવાને માટે શક્તિ ખરચી છૂટતા હોય છે. આથી માનવસન્દર્ભનો સાચો પરિપ્રેક્ષ્ય એમની દૃષ્ટિ સમક્ષ હોય છે જ એવું કહી શકાય નહિ. સત્યની સિદ્ધિના પ્રયત્નો જેમ વધુ ઉત્કટ બની રહેશે તેમ માનવયાતના ક્રમશ: ઓછી થતી જશે એવી એમને શ્રદ્ધા હોય છે. આ શ્રદ્ધા પરત્વે એમની કેળવાયેલી બુદ્ધિ એમને શંકાશીલ બનાવતી નથી એ અચરજની વાત છે! ધારો કે કોઈ વિજ્ઞાની એવી શોધ કરવાની અણી પર છે, જેને કારણે ભવિષ્યમાં મોટે ભાગે માનવીઓનું નિકન્દન નીકળી શકે, તો આ પરિણામ નિશ્ચિતપણે આપણે જાણતા હોઈએ ત્યારે એની શોધને, બળજબરીથી પણ અટકાવી દેવાની આપણી ફરજ નથી બની રહેતી? અહીં બે મૂલ્યો વચ્ચે ન ટાળી શકાય એવા સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થાય છે એવું આપણને નહિ લાગે? મેક્સ વેબરને આવું નહોતું લાગ્યું? મૂલ્યોને ચઢતી ઊતરતી શ્રેણીમાં ગોઠવવાની ટેવને કારણે ઘણી વાર આપણને આવા સંઘર્ષનો ખ્યાલ આવતો નથી.
સાધનસાધ્યનો વિવેક કરવામાં પણ આવી જ મુશ્કેલી ઊભી થતી હોય છે. ઘણી વાર એવું બને છે કે કશુંક સિદ્ધ કરવામાં આપણને જે સાધનો ઉપલબ્ધ હોય છે તે જ જે સિદ્ધ કરવાનું છે તે પરત્વે આપણને હતોત્સાહ કરી નાખે છે. પેલા વિજ્ઞાનીની બાબતમાં આપણે એમ કહીશું કે જો માનવીનું જ નિકન્દન નીકળી જતું હોય તો પછી સત્યની શોધનો પણ કશો અર્થ રહેતો નથી. માનવી જ નહિ હોય તો વૈજ્ઞાનિક કે બૌદ્ધિક પુરુષાર્થ કરશે કોણ? એક મૂલ્યને સિદ્ધ કરવું તે બીજા મૂલ્યની પ્રાપ્તિ માટે અનિવાર્ય ઠરતું હોય ત્યાં મૂલ્યો વચ્ચે સંઘર્ષ ઊભો થયો છે એમ કહી શકાશે નહિ. અનિવાર્ય છતાં પોતાના હેતુને જ વ્યર્થ કરી મૂકતી એવી આપણી કેટલીક પ્રવૃત્તિઓ હોય છે જ. ઘણી વાર દમનની સામે માથું ઊંચકવામાં આપણે જુદા જ પ્રકારના દમનનો આશ્રય લેતા હોઈએ છીએ. વિદ્રોહના પ્રચણ્ડ ફુત્કારમાં ત્યારે આપણને એનો ખ્યાલ આવતો નથી. બધી જ ક્રાન્તિઓ અનેક નિર્દોષના લોહીથી ખરડાયેલી હોય છે. આવા કેટલાક પાયાના વિરોધ હજીય આપણને મૂંઝવી રહ્યા છે. સમાજ જેને ઇષ્ટ ગણતો હોય એવી માન્યતાઓ અને સત્ય વચ્ચેનો વિરોધ તો સદા કાળથી ચાલતો આવ્યો છે. એક જમાનામાં પતિ પાછળ સતી થવાથી નારીનું ગૌરવ વધે એવું લેખાતું હતું. પછી એ આત્મહત્યા કે બળજબરીથી કરવામાં આવતી હત્યારૂપ લેખાવા લાગ્યું. વળી હમણાં જ દિલ્હીમાં સતી થવાના ગૌરવને ઇચ્છતી નારીઓનું સરઘસ નીકળ્યું. સામાજિક માન્યતા અને સત્ય વચ્ચેના વિરોધો કેટલીક વાર ટાળી શકાય એવા હોય છે, પણ કેટલીક વાર એ ટાળી શકાતા નથી તે પણ એટલું જ સાચું છે. સત્યપરાયણતા સામાજિક હેતુ કે રાજકીય હેતુને સિદ્ધ કરવામાં કાર્યકર નીવડશે એવું હંમેશાં કહી શકાશે નહિ. અત્યન્ત ભયપ્રદ કે અરુચિકર એવી હકીકતોને પણ બુદ્ધિપૂર્વક બરાબર સમજી લેવી એ હંમેશાં ડહાપણભર્યું છે એટલું તો જરૂર કહી શકાશે. એથી કદાચ એનાં અનિષ્ટ પરિણામોને ઘટાડવાનું તો સમ્ભવિત બની શકે. વળી અનિષ્ટનું જ્ઞાન સાવ એળે જતું નથી એટલું આશ્વાસન આપણે લઈ શકીએ.
આપણે સમગ્ર સત્યને તો કદી જાણી લઈ શકવાના નથી. આથી જો એવો કશો પ્રયત્ન કરવા જઈએ તો માત્ર મૂંઝવણ જ વધારી બેસીએ. આથી આપણા પ્રયોજનને માટે પ્રસ્તુત અને ઉપકારક નીવડે એટલા જ સત્યને જાણવા મથવું જોઈએ. જેનાથી માનવયાતના દૂર થઈ શકે તે જ સત્યને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ પણ એ સત્યની જાણકારી હંમેશાં માનવયાતના ઓછી કરશે એવું ખાતરીપૂર્વક તો કદી કહી શકાશે નહિ. સીમિત રાજકીય કે સામાજિક પ્રયોજનને વશ થઈને સત્યને કુણ્ઠિત કરવાથી તો રૂંધામણ ઊભી થશે. વળી આ ઉપરાંતનાં બીજાં પણ ક્ષેત્રો છે. આથી બુદ્ધિનિર્ભર હોવાનો દાવો કરતા કોઈ પણ સમાજે એક સાથે અનેક ધોરણોને ધ્યાનમાં રાખીને વર્તવાનું રહે છે. એટલું જ નહિ, આ બધાં ધોરણોની સદા કસોટી કરતા રહેવું પડે છે.
સત્યને જાણ્યા પહેલાં એનાં સામાજિક પરિણામો શાં હોઈ શકે તેની કલ્પના કરી શકાય નહિ. જ્યાં સત્ય વિશે થોડીક પૂરતી જાણકારી હોય ત્યાં પણ લાંબા સમયને માટે પરિણામો વિશે નિશ્ચિતપણે કશું કહી શકાશે નહિ. એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વધારે જાણકારી મેળવવાની રહેશે. આથી સત્યની શોધ માટે પૂરતા પ્રમાણમાં સ્વતન્ત્રતા રાખવી જરૂરી બની રહે છે. આથી બુદ્ધિશીલો જ્યારે સત્યશોધની પ્રવૃત્તિ પરત્વે સ્વતન્ત્રતાની હિમાયત કરે છે ત્યારે સમાજનો એક વર્ગ એને પોતાને વિશિષ્ટ માનતા અમુક વર્ગની પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટેની એ પ્રવૃત્તિ છે એમ કહીને અવગણી કાઢે છે તે યોગ્ય ઠરતું નથી. વાસ્તવમાં આવી કશી સ્વતન્ત્રતા હોય તો પણ એટલાથી જ યાતનાભરી અને સંકુલ માનવજીવનની સમસ્યાઓનું નિરાકરણ થઈ શકતું નથી.
22-12-80