ઇતિ મે મતિ/માનવી : દરમાં રહેનારું પ્રાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનવી : દરમાં રહેનારું પ્રાણી

સુરેશ જોષી

દોસ્તોએવ્સ્કીએ કહેલું કે માનવી દરમાં રહેનારું પ્રાણી છે. ત્યાર પછી ફ્રાન્ઝ કાફકાએ એની પ્રખ્યાત વાર્તા ‘મૅટામોર્ફોસિસ’માં માનવીનું વંદામાં થતું પરિવર્તન બતાવ્યું છે. જેને કશાકનો ભય હોય તે દર શોધે. આપણે કદાચ માનવનિયતિથી જ ભયભીત થઈ ગયા છીએ. આથી સંસ્થાઓને આશ્રયે જીવવાની સહીસલામતી શોધીએ છીએ. સંસ્થા એક મોટું જાળું બની રહે છે ને આપણે એમાં માખીની જેમ ફસાઈ જઈએ છીએ. આપણા જમાનામાં સંસ્થાઓ પ્રત્યે ધીમો ધીમો પણ એકસરખો વિદ્રોહનો ભાવ વધતો જાય છે. એના મૂળમાં સંસ્થાઓ પરત્વેની નિર્ભ્રાન્તિ રહેલી છે. સંસ્થાઓનાં પેચીદાં બંધારણોથી આપણે વાજ આવી ગયા છીએ. આપણી સંસ્થા પરત્વેની લાગણી લાચારીની છે, એથી વાતાવરણમાં ગમગીની વધતી જાય છે. આ બધા સામે ઝૂઝતો ઝૂઝતો માનવી એક આપત્તિમાંથી ઊગરવા જતાં બીજી આપત્તિમાં ફસાતો જાય છે. આથિર્ક સમાનતા પામવા જતાં એ વ્યક્તિસ્વાતન્ત્ર્ય ખોઈ બેસીને સરમુખત્યારશાહીનો ભોગ બની બેસે છે. આ સમાજ અને રાજ્યતન્ત્રમાં બધી જ ઝીણીઝીણી વિગતોની કાળજી રાખવામાં આવે છે; બીજું બધું જ વ્યવસ્થિત, પોતપોતાને સ્થાને હોય એમ લાગે છે. એક માનવીને જ પોતાનું સ્થાન જડતું નથી. એ પોતાને એક વિલક્ષણ, વિસંગત જગતમાં આવી પડેલો જુએ છે.

એક તરફ વિજ્ઞાને પુરવાર કરીને સ્થાપેલી હકીકતોનો પુંજ છે. એ બધી સાચી છે તે કબૂલ, એ વિશે કોની મગદૂરી છે કે શંકા લાવી શકે? પણ એક માનવી તરીકે એને એ નિરર્થક લાગવા માંડે છે. ફલાણો ગ્રહ પૃથ્વીથી આટલાં પ્રકાશવર્ષ છેટો છે કે પાણીનું બંધારણ અમુક સૂત્રમાં વર્ણવી શકાય છે. આ બધી વિગતોને માનવીના સુખદુ:ખ સાથે સમ્બન્ધ નથી. આપણે ધીમે ધીમે આવી હકીકતોના પુંજથી ઘેરાતા ગયા છીએ. આ વસ્તુલક્ષી જગત સિવાયનું જે આપણું આન્તરિક જગત છે, જેનાં આશાઆકાંક્ષા નિરાશાવિફલતા આપણે માટે ઊંડો અર્થ ધરાવે છે તે જાણે એનું મહત્ત્વ ખોતું જાય છે.

આપણે એક વ્યક્તિ તરીકે જે સાદાસીધા પ્રશ્નો પૂછીએ છીએ તેના જવાબ મળતા નથી. આને પરિણામે આપણે જે જગતમાં વસીએ છીએ તે આપણે માટે અર્થહીન થતું જાય છે. આ અર્થહીનતા આપણને ચિન્તાતુર બનાવે છે. આપણા વ્યવહારમાં એનાં લક્ષણો વર્તાઈ આવે છે. મનોરુગ્ણતાનું પ્રમાણ વધતું જાય છે. બાળગુનેગારોનું પ્રમાણ વધતું જાય છે. મહાનગરો અપરાધ, હિંસા, દુરાચાર માટેની ફળદ્રુપ ભૂમિ જેવાં બની રહ્યાં છે. માનસોપચારની બોલબાલા છે. ઘણા આ અસલામતી અને ચિન્તાતુરતામાંથી બચવાને માટે કેફી દ્રવ્યોનું સેવન કરે છે, ઘણા ધર્મને ઢોંગ અને ધતિંગ બનાવી દઈને એનો આશ્રય લે છે. વૈશ્વિક ઋત અને શાશ્વત સૌન્દર્યના ખ્યાલ સામે સાહિત્ય અને કલાની સૃષ્ટિમાં વિદ્રોહ પ્રકટ થયો છે. ટેકનોલોજીની સિદ્ધિ પોકળ નીકળી છે, શૂન્યનો હાહાકાર વાતાવરણમાં સંભળાઈ રહ્યો છે. માનવી મરણિયો બનીને વસ્તુલક્ષિતાની પકડમાંથી મુક્ત અને અણીશુદ્ધ એવા જગતના કોઈક અંશની શોધમાં છે.

જગતની ઇન્દ્રિયનિર્ભરતાના સ્વીકારનો ઝોક માનવવિદ્યાના ક્ષેત્રમાં નવા પ્રાણનો સંચાર કરશે એવી હજી કેટલાકને આશા છે. અમેરિકી ફિલસૂફ વિલિયમ જેઇમ્સે જે કહેલું તે અહીં સંભારવા જેવું છે. ‘વિજ્ઞાનની અમુક શાખામાં શ્રદ્ધા ધરાવનારા વિજ્ઞાનીને સ્થાને મને સ્થાપીને હું એનું વૈજ્ઞાનિક વલણ સ્વીકારીને જગતને, અલબત્ત, જોઈ શકું એમ છું. એ દૃષ્ટિએ જોઈને હું એમ કલ્પી શકું છું કે આ સંવેદનોનું, વૈજ્ઞાનિક નિયમનું અને પદાર્થનું જગત જ જે કાંઈ છે તે છે પણ જ્યારે જ્યારે હું એવું વલણ સ્વીકારવા જાઉં છું ત્યારે મારામાં કશુંક બરાડી ઊઠે છે : મૂરખ! વૈજ્ઞાનિક સંજ્ઞાથી ઓળખાવવાથી જે નિરર્થક છે તે સત્ય બની જતું નથી. માનવજીવનના સમગ્ર અનુભવની અભિવ્યક્તિ મને વૈજ્ઞાનિક પદ્ધતિએ મર્યાદિત કરેલા જગતને ઉલ્લંઘીને જોવાને પ્રેરે છે. સાચું જગત તો કદાચ જુદો જ મિજાજ ધરાવે છે, એ વધારે સંકુલ રીતે રચાયેલું છે. વિજ્ઞાન એ સંકુલતાને નિયમોમાં તારવી લઈને એનું સરલીકરણ કરી નાખે છે.’

આ ‘જીવનવિશ્વ’ અને જે ભાષા દ્વારા આપણે એને જીવીએ છીએ અને અભિવ્યક્ત કરીએ છીએ તે એમાં કેવળ વસ્તુલક્ષી હકીકતોનો જ નહિ પણ આત્મલક્ષી વિગતોનો સુધ્ધાં સમાવેશ કરે છે. એની ક્ષિતિજ દૂર સુધી વિસ્તરેલી છે અને ઘણું સમાવિષ્ટ કરી શકવાને કારણે સમૃદ્ધ છે. ઇતિહાસવિદ જે હકીકતનો અભ્યાસ કરે છે તે માત્ર માપી શકાય એવી વસ્તુલક્ષી વિગતો જ હોતી નથી, પણ જેમાં માનવજીવનનો મર્મ સમાયો હોય, જે જગતનું પોતાની રીતે અર્થઘટન કરે તેનો પણ સમાવેશ કરે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ કદાચ એ જગત ગૂંચવાડાભર્યું ને અસ્તવ્યસ્ત લાગે. એની પડછે વિજ્ઞાનના ખ્યાલો સાદા અને સુઘડ લાગે. એમ છતાં ઐતિહાસિક વિગતો પણ એના પુરાવા સાથે આપણને આપવામાં આવી હોય છે. એને વિશે શંકા લાવવી તે વૈજ્ઞાનિક હકીકત વિશે શંકા લાવવા જેટલું જ બેહૂદું લેખાવું જોઈએ. એમાં માત્ર અરાજકતા અને ગૂંચવાડો જ છે એવું નથી. એમાં વિગતો વચ્ચેના સમ્બન્ધો વધુ અટપટા હોય છે અને એ જુદી જુદી ભાત ઊભી કરે છે.

આ બધું કેવળ બુદ્ધિનિર્ભર સિદ્ધાન્તોની પરમ્પરાથી જ અવગત નહિ કરી શકાય. વિજ્ઞાન તો એની ઉપેક્ષા જ કરશે. છતાં દાર્શનિકને આમ કરવાનું પરવડશે નહિ એમાં જે તથ્ય રહેલું છે તેનો આપણા આ જગતમાંના આપણા અસ્તિત્વ માટે ખપ છે. જીવનના આ અર્થથી વંચિત એવી સૌથી આદિમ સંસ્કૃતિ પણ નથી. ગમે તેવી સુવિકસિત સંસ્કૃતિ પણ એની ઉપેક્ષા નહિ કરે શકે. વ્યક્તિસ્વાતન્ત્ર્યનું ગૌરવ કરનાર વ્યક્તિને પણ એવી ઉપેક્ષા કરવાનું નહિ પરવડે. આ જીવનવિશ્વનો, લાગણીનો રણકો જુદો જ છે. એને જુદી રીતે જ સમજવો પડે. વિલિયમ જેઇમ્સે નોંધ્યું છે તેમ એનું સત્ય જુદા ગોત્રનું છે. એનું શિસ્તબદ્ધ અન્વેષણ શક્ય છે. હવે ફિલસૂફી અને બીજી માનવવિદ્યાની શાખાઓએ એ કામ ઉપાડ્યું છે. નૃવંશવિદ્યા, સમાજવિદ્યા, મનોચિકિત્સા – આ દરેક શાખાનું એમાં આગવું અર્પણ છે. વાસ્તવમાં આ જ માનવીનું સાચું વિશ્વ છે.

પોતાનું અભ્યાસક્ષેત્ર અવ્યવસ્થિત, વિશૃંખલ અને આત્મલક્ષી ઘટનાઓ પૂરતું મર્યાદિત છે, એ બદલ માનવવિદ્યાઓને હવે નીચું જોવું પડે એવી પરિસ્થિતિ રહી નથી. વસ્તુલક્ષી વલણ ધરાવતું કોઈ વિજ્ઞાન આ ક્ષેત્રમાં દખલગીરી નહિ કરે તેની સાવધાની રાખવાની રહેશે. જો એવું થશે તો આ ઘટનાઓને બાતલ જ કરી દેવાશે.

હવે માનવવિદ્યાઓને એમનું આગવું જગત સમ્પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એનું અન્વેષણ વૈજ્ઞાનિક પદ્ધતિએ નહિ થાય, પણ એનો અર્થ એ નથી કે બીજી સમપિર્ત કરી શકે એવી ઉત્તરદાયિત્વપૂર્ણ પદ્ધતિ એના અન્વેષણ માટે નહિ પ્રયોજાય. ફિનોમિનોલોજીમાં એ ક્ષમતા છે.

માનવીય સ્વતન્ત્રતા એ વિજ્ઞાને તપાસવાની વસ્તુલક્ષી હકીકત નથી. કાન્ટે કબૂલ રાખ્યું હતું કે એનું ક્ષેત્ર જુદું જ છે. બૌદ્ધિક અને વૈજ્ઞાનિક પદ્ધતિ અને એણે ઉપજાવેલાં સાધનો અહીં ખપમાં ન આવે એ સ્વીકાર્યા પછી કાન્ટ એ નિર્ણય પર આવ્યો કે આ માનવીય વિશ્વ અનન્ય છે. એમ છતાં એને વિશે એણે થોડીક મહત્ત્વની વાતો તો કહી જ છે. હવે તો એ સ્પષ્ટ થયું છે કે માનવવિદ્યાએ ઊભી કરેલી શિસ્તથી આ ક્ષેત્રનો અભ્યાસ થઈ શકે. હવે એને અજ્ઞેય ગણવામાં આવતું નથી.

વિજ્ઞાનનો સમ્બન્ધ વસ્તુલક્ષી હકીકતો જોડે છે, જે પોતે પોતાનું અર્થઘટન કરતી હોતી નથી. જ્યારે માનવવિદ્યાઓને માનવીય અસ્તિત્વ જોડે સમ્બન્ધ છે જે હંમેશાં પોતાનું અર્થઘટન કરતું રહે છે. વ્યવહારુ કાર્ય જોડે સંકળાયેલી મનની કોઈ અમુક પ્રવૃત્તિને સ્વતન્ત્રતા જોડે સમ્બન્ધ છે એવું નથી. એને મૂળે તો જગતના અર્થઘટન અને એના મર્મ જોડે સમ્બન્ધ છે. એ સમગ્ર માનવીય સન્દર્ભનું આકલન કરીને જ જંપે છે. જગતના આ પુનર્ગઠનની સ્વતન્ત્રતા સમસ્ત માનવજીવનને આવરી લઈને રહી હોય છે. એનાં વિચાર અને સંકલ્પશક્તિને આવરી લે છે. જુદી જુદી માનવજાતિઓએ અને સંસ્કૃતિઓએ તેમ જ એક જ સંસ્કૃતિમાંના જુદા જુદા ચિન્તકોએ અને સર્જકોએ એકબીજાથી સાવ નોખાં એવાં એનાં અર્થઘટનો કર્યાં હોય છે.

આ રીતે મેળવેલી વ્યાપક સૂઝને આધારે વિજ્ઞાન એવી તારવણી કરતું હોય છે. આ જગતને એના જુદા જુદા અર્થો, બંધારણો અને તાકિર્ક ભૂમિકાઓ છે. એને જુદા અભિગમની અપેક્ષા રહે છે. પોતાના આગવા જગતમાં દૃઢમૂલ થઈને આ વિદ્યાશાખાઓ બીજી જ્ઞાનની પ્રવૃત્તિ સાથે વિનિમયનો વ્યવહાર સ્થાપી શકશે અને વધુ અસરકારક રીતે સહકાર આપી શકશે. અસ્તિત્વના પર એની આન્તરિક બાજુએથી પ્રકાશ પાડવાથી, એની પ્રમાણિત કરી શકાય એવી સમ્ભવિતતાઓને ચીંધી બતાવવાથી સ્વતન્ત્રતાનું સાચું સંવર્ધન શક્ય બનશે.

16-6-80