ઇતિ મે મતિ/મોક્ષની પણ વાસના?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોક્ષની પણ વાસના?

સુરેશ જોષી

ફલોબેરે એક વાર કહ્યું હતું, ‘હું રહસ્યવાદી છું અને હું કશામાં માનતો નથી.’ આપણા જમાનામાં કશુંક આવું જ બની રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં એક પાયાનો વિરોધાભાસ આપણને દેખાઈ રહ્યો છે. આપણે ખૂબ જ કર્મરત છીએ, પણ પામતા કશું જ નથી. બધી જ બાબતમાં ખૂબ તંગ બનીને ઉત્કટતાથી આપણે વર્તીએ છીએ. પણ એ બધાં પાછળ એક પ્રકારની ઉદાસીનતા રહી હોય છે. આપણામાં એક પ્રબળ આસક્તિ છે. પણ બધા માને છે તેમ, આસક્તિ દેહ-વાસનાની નથી, એ આસક્તિ સંઘર્ષો વચ્ચે જ જીવવાની આસક્તિ છે. આપણે જે કાંઈ સાદુંસીધું અને સરળ છે તેનાથી જ મુંઝાઈ જઈએ છીએ. એને ગૂંચવી મારીને કોયડો ઊભો નથી કરતા ત્યાં સુધી આપણને કરાર નથી વળતો. આ ગૂંચ ઊભી કરવી અને ઉકેલવી, ત્યાર પછી જાણવું કે એની પાછળ તો કેવળ શૂન્ય જ હતું! આને પરિણામે થોડો વિષાદનો, વિરતિનો શોખ કરી લેવો, એથી ઊંડી સમજ અને નિર્ભ્રાન્તિની ચમકથી આંખ જાણે દીપ્ત થઈ ગઈ હોય એવો આભાસ ઊભો કરવો – આ અહેતુક લીલા આપણને ગમે છે.

આપણું મન જાણે અનેક વિકલ્પો ઊભા કરીને એમની વચ્ચે અમળાતું રહેંસાતું રહે, જે અસમ્ભવ છે તે જ સત્ય છે એમ પુરવાર કરવાને આપણે મરણિયો ઉત્સાહ બતાવીએ એ જ જાણે આપણી સજીવતાનું દ્યોતક ચિહ્ન છે એમ દર્શાવવા આપણે મથીએ, ઊહાપોહ તારસ્વરે કરીએ, એને વિતંડા સુધી ખેંચી લઈ જઈએ ત્યારે જ જંપીએ. તેમ છતાં વિચારતી વેળાએ, લખતાં કે બોલતાં જાણે સંયમમાં હોઈએ, જાણે તર્કની કોઈ અનુલ્લંઘનીય મુશ્કેલી ઊભી થઈ હોય એવો ડોળ કરીને ખચકાઈ જવું, થમ્ભી જવું, નાટકી ઢબે વાક્યો અર્ધેથી છોડી દેવાં – આવો આપણો અભિનય રોજ-બ-રોજનો જાણે સ્વાભાવિક વ્યવહાર જ બની રહ્યો છે!

મારી આજુબાજુ તો ઘણાં લોકો જીવે છે, પણ હું કંઈ એ બધાંને જ મારાં સમકાલીન તરીકે સ્વીકારતો નથી. એવાં પણ લોકો છે જેમને પાંચ વર્ષ વીત્યાં કે પાંચ હજાર તેથી કશો જ ફેર પડતો નથી. એમને સમય સાથે કશો સમ્બન્ધ જ નથી. એમણે વિચારો વધાર્યા નથી હોતા, કેવળ દેવદેવતાઓ જ વધાર્યાં હોય છે. એઓ પરમહંસ નથી હોતાં, છતાં જે પરમહંસ ચેતનાને બ્રહ્મકલ્પ કરવાથી પામે તેમને એઓ જડ બનીને પામી લેતાં હોય એવી છાપ પડે છે.

બીજાં કેટલાંક એવાં છે જે સમયનો આઘાત પામીને સમયની બહાર ફેંકાઈ જવા જ સમય પાસે જતાં હોય છે. એમને થયેલા આ સમયના આઘાતને એઓ પોતાની અસાધારણતાનું દ્યોતક ચિહ્ન લેખે છે. એમનું જીવન એટલે આ આઘાતની જ આળપંપાળ. એમની પાસે એક જ ઇતિહાસ છે, અને તે છે આ આઘાતના વિકાસનો. એમના આ આઘાત વિશે મનીષીઓ ચિન્તન કરે ત્યારે ફિલસૂફી જન્મે, એ આઘાતનું સ્વરૂપ જાણવા કોઈ ધ્યાન ધરે ત્યારે ધર્મ જન્મે, એ આઘાતમાં કોઈ સમભાવી થાય તો સમાજ જન્મે.

મેં એવાં લોકો પણ જોયાં છે જેમનાં મુખ કાળની હથેળી જેવાં લાગે છે. કાળનાં સુકૃત્ય અને દુષ્કૃત્યની બધી જ છાપ એમનાં મુખ પર સંઘરાયેલી હોય છે. એમની આંખોમાં એક નિ:શબ્દ ફરિયાદ હોય છે : આ જમાનાએ અમને કોઈ કાર્યક્ષેત્ર જ ચીંધ્યું નથી! કાફકાની સૃષ્ટિમાંના પેલા મોજણીદારની જેમ એઓ મોજણીદાર, મહેસૂલી અમલદાર કે રેલવેનું સમયપત્રક ઘડનાર અધિકારી થવાનો હુકમ એમના ખિસ્સામાં રાખીને આવ્યા હોય છે, પણ કોઈ એ હુકમને પ્રમાણિત કરતું નથી. આથી એઓ કોઈના પિતા, પુત્ર કે પતિ થઈને જિન્દગી કાઢી નાખે છે. ગજવામાં રહેલા હુકમને આંગળીથી રમાડ્યા કરે છે, ‘અમે જે છીએ તે નથી. અમે તો કંઈક ઓર જ છીએ’ એવો સન્તોષનો ભાવ, આછા સ્મિત સાથે એમના મુખ પર રમ્યા કરતો હોય છે.

કેટલાક રખે ને આ સમયના, આ વર્તમાનના જ કેવળ ગણાઈ જઈએ એની ચિન્તામાં કે થોડો ઘણો વર્તમાન એમને વળગીને રહ્યો હોય છે તેને પણ અધીરા બનીને ખંખેરી નાંખે છે. પોતાની સામે જે આંખ માંડીને બેઠું છે તેને તેઓ જોતા નથી. એને ઉલ્લંઘીને એમની દૃષ્ટિ તો ઝાંખા આભાસ રૂપે દેખાતા ભવિષ્ય તરફ દોડી જતી હોય છે.

આથી જ તો મને લાગે છે કે મારાં સમકાલીન હું કોને કહું? હું આ પ્રશ્નનો વિચાર કરું છું ત્યારે એક વિલક્ષણ પ્રકારની નિર્જનતા મને ઘેરી વળે છે. આથી જ તો મારી આંખમાં, હું જેને જોઉં તેને મારા સમયમાં ખેંચી લાવવાની અધીરાઈ છે. આ નિર્જનતા સાથે મારા ટકવાથી જ કદાચ ઈશ્વરનો જન્મ થયો છે. પણ મને લાગે છે કે, ઈશ્વર હજી આશ્વાસન મટીને મારો સમકાલીન બની શક્યો નથી. એ બનવું એને માટે શક્ય જ નથી. તેથી જ તો આપણે એને કાલાતીત કહીને સમયની બહાર મૂકી દીધો છે!

મારો ભપકો અસ્તિનો અને સ્વીકારનો નથી. એ નાસ્તિ અને ઇન્કારનો દમામ છે. સ્વીકૃતિ બધું શોષી લે છે, અસ્વીકૃતિ જ તમને તમારાપણાનો આગવો આકાર આપે છે. પ્રાણીવિજ્ઞાનને નકારી કાઢીને આપણે માનવ બન્યા છીએ, સમાજને નકારી કાઢીને આપણે ક્રાન્તિકારી બન્યા છીએ, દેશને નકારી કાઢીને આપણે વિશ્વમાનવ બન્યા છીએ. નકારનું એકએક પગથિયું ચઢતાં ચઢતાં આપણે શૂન્યરૂપી મહા નકાર તરફ ગતિ કરી રહ્યા છીએ. પહેલાં મૂલ્યો સ્થાપનારને વિભૂતિ કહીને વન્દતા, હવે મૂલ્યોનો પ્રતિવાદ કરીને આપણને સ્થાપવા મથીએ છીએ. આપણે નમ્રતા કેળવીએ છીએ તે પણ બીજાની અપેક્ષાએ આપણી નમ્રતાની માત્રા કેટલી વિશેષ છે તેનું ગણિત માંડવા!

આ પરિસ્થિતિમાં મને નકારનો અને વિરોધનો જ નશો ચઢે ને! એ નકાર મારાથી મોટો બને એટલે મારું આત્મવિલોપન સિદ્ધ થઈ ચૂક્યું ગણાય. પણ માનવીનો અહંકાર કાંઈ આટલેથી થોડો જ અટકે? એણે તો આ નકારને ઉલ્લંઘી જતા માનવીની પણ કલ્પના કરી છે. પણ એ ઉલ્લંઘન પછી માનવીની સ્થિતિ શી? રહસ્યમાં રહસ્ય બનીને એ ભળી જશે? તો વળી એના અહંકારનું શું થશે?

મને જ્યારે લાગે છે કે મને આ જમાના સામે જ વિરોધ છે ત્યારે બધા જ્યારે આગળ વધતા હોય છે ત્યારે પીછેહઠ કરીને જ હું મારો વિદ્રોહ પ્રકટ કરું છું શબ્દકોશનું પરિમાણ બહુ સાંકડું હોય છે. એ વિદ્રોહ અને પીછેહઠને એક ખાનામાં સમાવી શકે એમ નથી. પણ મારે જો મારા વ્યક્તિત્વનું પરિમાણ વિસ્તારવું હોય તો મારામાં ઘણા વિરોધોને મોકળાશ કરી આપવી જોઈએ. તેથી જ તો હું હવે આ માત્રાવાચક સંખ્યાવાચક શબ્દોથી અન્તર રાખીને ચાલુ છું. જો ‘અધિક’ને જ સ્વીકારીએ નહીં તો કેટલી હોંશાતોંશીમાંથી બચી જવાય? આથી જ કહું છું કે મોક્ષની વાસના જેવું બીજું હળાહળ વિષ કશું નથી.

4-8-77