ઇતિ મે મતિ/મોટેરાંઓનાં રમકડાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોટેરાંઓનાં રમકડાં

સુરેશ જોષી

રશિયાના કવિ યેવતુશેન્કોએ કહેલું કે અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ અને ઐતિહાસિક સંજોગો ધરાવનારી ભાગ્યશાળી પ્રજાઓ જ આજે સ્થૂળ મનોવૃત્તિ અને શિથિલ નીતિમત્તાનું પ્રદર્શન કરી રહી છે. આવાં રાષ્ટ્રો સમ્પતિની દૃષ્ટિએ બહારથી ગમે તેટલાં સમૃદ્ધ લાગતાં હોય તોય એ રાષ્ટ્રો ખરેખર સુખી છે એમ તો કહી શકાશે જ નહિ. સમૃદ્ધોને પણ ભાવનાશૂન્યતા પીડી રહી છે, પણ જે લોકો અનિવાર્ય વસ્તુઓની ઊણપથી ખરેખર પીડાઈ રહ્યા છે તેમને માટે તો કશીક ભાવના હોવી એ જ પ્રથમ અનિવાર્યતા છે. જ્યાં ધનધાન્ય પુષ્કળ છે ને ભાવનાઓ નથી ત્યાં ભાવનાઓની અવેજીમાં ધનધાન્ય કામ આપી શકતાં નથી, પણ જ્યાં પેટપૂરતું ખાવાનું જ નથી મળતું ત્યાં મોંમાં ધાન્યનો કોળિયો જ પરમ આદર્શ બની રહે છે.

આજે આપણે ‘કન્ઝયુમર્સ સોસાયટી’માં જીવીએ છીએ એવું કહેવાય છે. આથી ખરીદાય એવી વસ્તુઓનું ઉત્પાદન અને એના વિક્રય તરફ વધારે ઝોક છે. વિક્ટર પાપાનેક કહે છે કે આજે મોટા ભાગનું ઉત્પાદન તો ‘મોટેરાંઓ માટેનાં રમકડાં’નું થઈ રહ્યું છે. ચળક ચળક થતી ચિત્તાકર્ષક રૂપરંગવાળી પણ ઝાઝી ઉપયોગમાં નહિ આવનારી કેટલીય વસ્તુઓ બજારમાં આવે છે. આ માટે જવાબદારી કોની તેનો નિર્ણય સહેલાઈથી કરી શકાય તેમ નથી. જુવાનિયાઓ, અજાતશત્રુ તરુણો અમુક વસ્તુઓ તરફ આકર્ષાય તે માટે ભારે જાહેરાત થઈ રહી છે. એ લોકો અમુક વસ્તુઓ ખરીદે, સંઘરે અને પછી એને નિરુપયોગી ગણીને ફગાવી દે એવી ખરચાળ તુચ્છ વસ્તુઓના ગંજ ખડકાય છે. યુવાન વર્ગ આ પ્રલોભનોમાંથી અને જાહેરાતો અને પ્રચારના વશીકરણમાંથી મુક્ત રહી શકતો નથી.

પાપાનેકે સ્વીડનમાં આ તરુણોને આકર્ષવાને માટે ભરાયેલા એક મેળાનો ઉલ્લેખ કર્યો છે. એ મેળો દસ દિવસ ચાલેલો. પણ નોંધપાત્ર વાત તો એ છે કે તરુણોને આ મેળો પોતાને ભોળવવા માટે છે એ સમજાઈ ગયેલું ને તેથી એમણે એ મેળાનો બહિષ્કાર કરેલો. આ મેળાના વિરોધમાં એમણે મેળો ભરેલો. ઠેકઠેકાણે સૂત્રો લખીને પૂઠાં મૂકેલાં, ‘અમે કશું ખરીદવાનાં નથી.’ મેળાને દિવસે ખાસ બસ તરુણોને પ્રયોગાત્મક નાટ્યકૃતિઓ, ચિત્રપટો રજૂ કરતાં થિયેટરોએ લઈ ગઈ. કેટલાંક તરુણોએ જગતમાં વ્યાપેલો ભૂખમરો, પ્રદૂષણ, ભાંગગાંજોચરસનાં અનિષ્ટો – આવા વિષયો પર ચર્ચાસભાઓ ગોઠવી.

આપણે ત્યાં ‘ફનફેર’ – આનન્દમેળાઓનું તૂત ચાલ્યું છે. સસ્તી ખાવાની વસ્તુઓ મોંઘે ભાવે ખરીદીને એમાં થોડી ધૂળ ભેળવીને ખાવી, રમતોને નામે અનેક પ્રકારનો જુગાર રમવો, સંગીતને નામે નર્યો ઘોંઘાટ મચાવવો, ચગડોળમાં મનગમતા સાથી સાથે બેસીને ફરવું અને ખાસ તો એ મેળામાં વ્યાપેલા વાતાવરણનો જ નશો કરવો – આ બધું થતું આપણે જોઈએ છીએ. આમાં અપવાદરૂપ મેળાઓ પણ હોય છે એની ના નહિ, પણ સ્વીડનના તરુણોએ યોજેલો ‘એન્ટીફેર’ તો હજી ક્યાંક દેખાયો નથી. પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરનારા એની નૈતિકતા પરત્વે ઉદાસીન હોય છે. ઘણે ભાગે એમને લોકોને સોહામણી રીતે છડેચોક છેતરવાનો જાણે પરવાનો જ મળી જતો હોય છે, એટલું જ નહિ, ધનિકોના વર્ગ દ્વારા એમને સામાજિક માન્યતા મળે છે અને શેખીખોર લોકોને ઉત્તેજન મળે છે તે જુદું. પોલ ગૂડને નોંધ્યું છે કે અમેરિકા જેવા દેશમાં આવી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓ પોતાનો આગવો સંશોધનવિભાગ રાખે છે. આની પાછળ કરોડોનો ધુમાડો થાય છે. વૈજ્ઞાનિક સંશોધનને નામે સરકારનાં અને પ્રતિષ્ઠાનોનાં અનુદાનો પણ એને મળતાં રહે છે. આથી એ વસ્તુઓની કિંમતમાં વધારો થાય છે. પણ મોટા ભાગનું કહેવાતું સંશોધન તો પ્રતિસ્પર્ધી ઉત્પાદકોની વસ્તુઓને કેવી રીતે આંબીને વટાવી જવી તેની પ્રયુક્તિઓ જ શોધતું હોય છે. ઘણા પ્રામાણિક વિજ્ઞાનીઓ આ બદલ ખેદ પણ અનુભવે છે. આ ઉત્પાદકો સામાજિક અને નૈતિક જવાબદારીઓમાંથી સમૂળગા મુક્ત થઈ જાય તો તે કેવી રીતે વર્તે તે વિચારવા જેવું છે. વસ્તુઓ ‘ડિઝાઇન’ કરવી, બનાવવી, એની જાહેરાત કરવી, માર્કેટ રિસર્ચનાં ખાતાં ચલાવવાં અને નફાનાં કોષ્ટકો તૈયાર કરવાં – આ બધાં માટે તો પછી એમને છુટ્ટો દોર જ મળી જાય! એમના પાળેલા વિજ્ઞાનીઓ, ઇજનેરો, મનોવિજ્ઞાનીઓ, સમાજવિજ્ઞાનીઓ એમની ઇચ્છા પ્રમાણે ‘સંશોધનો’નાં પરિણામો તૈયાર કરી આપે. આના પ્રતાપે આ ઉત્પાદકો પોતે ધારે તેવી રીતે જગતનો ચહેરો બદલે અથવા વિકૃત કરી શકે.

પાપાનેકે આ પરિસ્થિતિ પર વ્યંગ કરવાના હેતુથી ‘ધ લોલિટા પ્રોજેક્ટ’ નામનો એક લેખ ‘ધી ફયુચરિસ્ટ’ નામના સામયિકમાં લખેલો. જે સમાજ સ્ત્રીઓને કેવળ ઉપભોગની સામગ્રી લેખે છે તે સમાજમાં આવી કૃત્રિમ બનાવટી સ્ત્રીઓનું ઉત્પાદન કરવાનો ધંધો સારો વિકસી શકે. આ પ્લાસ્ટિકની સ્ત્રીઓમાં વીજળીની મદદથી હૃદયનો ધબકારો અને નાડીનો સંચાર ઉત્પન્ન કરીને એનામાં સજીવતાની ભ્રાન્તિ ઊભી કરી શકાય. એનામાં સ્પર્શથી થતા રોમાંચ, શરીરની ઉષ્મા, વગેરેની વ્યવસ્થા થઈ શકે. વાળનો રંગ ગમતો હોય તેવો કરી શકાય. આ રીતે તૈયાર કરેલી આદમકદ ઢીંગલીઓ આશરે ચારસો ડોલરની કિંમતે વેચી શકાય એવો અંદાજ પણ કોઈ ઉત્પાદકે કાઢેલો અને ‘આર્ગોસી’ નામના સામયિકના ફેબ્રુઆરી ઓગણીસસો અગણોસિત્તેરના અંકમાં એ ઢીંગલીની જાહેરાત છબીઓ સાથે આવેલી પણ ખરી. એ ઢીંગલી જેકી કેનેડી (ઓનાસિસ)ના જેવી દેખાતી હતી. એની કિંમત માત્ર દસ ડોલર હતી. એને ‘અપરિણીતોની સંગિની’ તરીકે વર્ણવી હતી. હાર્વર્ડમાં સામાજિક મનોવિજ્ઞાનનો વિષય શીખવનાર પીએચ.ડી. થયેલા અધ્યાપકે એનું ઉત્પાદન કરવાનો પરવાનો પણ માગ્યો હતો.

રાજકારણવાળાઓ પણ પોતાની એકહથ્થુ સત્તાનો ઉપયોગ કરીને લોકોના હિતને નામે અમુક વસ્તુનું ઉત્પાદન કરવાના તરંગો સેવતા હોય છે. હિટલરને વોકસવેગન મોટરકાર મોંઘી લાગેલી. આથી એણે પોર્શે નામના ઓટોમોબિલ એન્જિનિયરને રોકીને પાંસઠ હજાર ડોલરનું અનુદાન આપી સસ્તી મોટરકાર તૈયાર કરાવી હતી. પણ અમેરિકા જેવા મૂડીવાદ દેશમાં તો લોકહિતનું નાટક સુધ્ધાં કરવામાં આવતું નથી. છકેચોક વધુ નફો મેળવવાના આશયથી જ આવાં ઉત્પાદનો થતાં હોય છે. એમાં મોટે ભાગે મધ્યમ વર્ગર્ના ઉપલા થરની માગણીઓને લક્ષમાં રાખવામાં આવી હોય છે.

મંદીના ગાળામાં ઉત્પાદનનું ખરચ ઓછું હોય, વેચાણ કિંમત ઘટે અને છતાં વસ્તુ રૂપેરંગે સારી લાગે છે એ માટે મોટી મોટી ઉદ્યોગ પેઢીઓએ ‘ડિઝાઇનિંગ’ શરૂ કરેલું. પણ આજે તો આ કહેવાતા ‘ડિઝાઇનિંગ’ને પરિણામે બધું અમાનવીય અને નર્યું વન્ધ્ય લાગવા માંડ્યું છે. વસ્તુ જરૂરી છે અને લોકોને ખરેખર ખપમાં આવશે એવી દૃષ્ટિ એની પાછળ રહી નથી. બજાર જીતવાની વૃત્તિ જ એની પાછળ કામ કરી રહી છે. આવી આ આખી પ્રવૃત્તિમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર ઊભી થઈ છે. લોકોની જરૂરિયાત સાથે એનો ફરીથી સમ્બન્ધ જોડવાનો રહેશે. વળી સમાજમાં મધ્યમ સવર્ગના ઉપલા થર સિવાયના બીજા લોકો પણ જીવતા હોય છે તેની નોંધ લેવાની રહેશે.

‘લો ઇન્કમગુ્રપ’ નામની એક નવી ન્યાત ઘર બાંધનાર સરકારી પ્રતિષ્ઠાનો અને ઉદ્યોગપતિઓએ ઊભી કરી છે. આ ભદ્ર સમાજના નવા અછૂતો છે. મેં વડોદરામાં જોયું છે કે આવા વર્ગને માટે બાંધી આપેલા વસવાટોમાં જુદા જ લોકો રહેતા હોય છે. આ વર્ગના હોવું એ જાણે સામાજિક કલંક હોય એવું મનાવા લાગ્યું છે. આમ ગરીબાઈ તો ઠીક, ઓછાં સાધનસમ્પત્તિ હોવાં તે પણ જાણે નીચું જોવા જેવું ગણાવા લાગ્યું છે. ખાનદાનીને આપણે પૈસા સાથે જ જોડી છે. શ્રમ દેખાડો કરવા માટે થાય છે, શ્રમનું ગૌરવ આપણે કરી શક્યા નથી. હવે મધ્યમ વર્ગના લોકો ઊંચા સ્તરના લોકોની રહેણીકરણીનું અનુકરણ કરે છે. આથી એમણે પણ રેફ્રીજરેટર, ફોન વગેરેની જરૂર લાગવા માંડી છે. એને માટે પણ ‘સસ્તાં’ રેફ્રીજરેટર બનાવવામાં આવે છે. એ બરાબર નથી ચાલતાં ત્યારે એનો વાંક આ નીચલા થરના લોકોને એ વાપરવાની આવડત નથી એમ કહીને એમને માથે ઢોળવામાં આવે છે. આ પરિસ્થિતિનો ચિતાર આપતું પુસ્તક વિલિયમ ર્યાને લખ્યું છે. એનું નામ જ છે ‘બ્લેઇમિંગ ધ વિક્ટિમ!’

આજે જ્યારે જાતિભેદની વિષમતા, આથિર્ક વિષમતા, ‘હાઇ કલ્ચર’ અને ‘લો કલ્ચર’ના અનેક પ્રકારના ભેદો ઊભા થાય છે ત્યારે આ ભેદો ઊભા કરતી આખી પ્રક્રિયાને આપણે તપાસવી પડશે. કોઈ આજે ધર્મને કારણે અછૂત નથી. ગિજુભાઈએ ઘણાં વર્ષો પહેલાં લખેલું કે હરિયો આંગણે પાણી પીવા આવે તો એને ધૂત્કારી કાઢીએ, પણ એ જ જો હેરી થઈને આવે તો એને સલામ ભરીએ. જેઓ પૈસેટકે પછાત છે તેઓ કદાચ વધુ પ્રામાણિક હોય, ખાનદાન હોય તોય તેમને ઊતરતી કોટિના ગણવાનું વલણ સમાજમાં છે. સાધનસમ્પન્ન સાહિત્યકારો સાથેના સમ્બન્ધમાં પણ મને એવો અનુભવ થયો છે.

આજે ઊભી થયેલી સમસ્યાનું ખોટું નિદાન કરીશું તો વેરઝેર વધશે. ઉન્નતભ્રૂ લોકો બીજાઓને અપાંક્તેય ગણીને જ પોતાની ઉચ્ચતા સાબિત કરવાનું અસંસ્કારીપણું દાખવતા રહેશે ત્યાં સુધી ઉપલકિયા ઉપાયોથી, કાયદાકાનૂનથી કે રાજકારણના દાવપેચથી કશું વળવાનું નથી. ઓછી શક્તિવાળો કવિ માણસ તરીકે ન્યૂન નથી, પણ વધારે શક્તિવાળો અહંકારી તુંડમિજાજી કવિ માણસ તરીકે મારી દૃષ્ટિએ તો ઓછો જ ઊતરે. છતાં એની પ્રત્યે મારો સમભાવ ઊણો પડવો નહિ જોઈએ. ફાટેલાં કપડાં પહેરનાર અને એક ટંક જોગું માંડ મેળવનારાની ખાનદાની જોઈને મારું ગૌરવથી મસ્તક ઝૂક્યું છે. સાહિત્યકારોનાં ખોટી તોછડાઈ, અવિવેકી વર્ગભેદ અને અમાનુષીપણું જોઈને શરમથી મારું માથું નમી ગયું છે. અભદ્ર ચડસાચડસી જેવું કુત્સિત કશું નથી. આથી જ તો સાચા માનવનાં દર્શનને જ હું પરમ સાક્ષાત્કાર ગણું છું.

30-4-81