ઇતિ મે મતિ/વિષાદને સમજવાની ભૂમિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિષાદને સમજવાની ભૂમિકા

સુરેશ જોષી

માનવસન્દર્ભ વિશેની સમજથી મનનું સમાધાન થાય ખરું? આપણી વિચારણાને જો આપણે, આપણને અનુકૂળ એવા બિન્દુએ, અટકાવી દઈએ તો જ કદાચ સમાધાન થાય. મને તો લાગે છે કે વિશદતા અને વિષાદ અવિનાભાવે સંકળાયેલા છે. કબીરે તો કહી દીધું, ‘સબસે ઊંચી પ્રેમસગાઈ’ પણ માનવનો માનવ સાથેનો સમ્બન્ધ કેટલી તો અટપટી સમસ્યાઓ ઊભી કરે છે? સાર્ત્રે એમની ફિલસૂફીના આકરગ્રંથ ‘બિઈંગ એન્ડ નથિંગનેસ’માં માનવસમ્બન્ધોની ચર્ચા કરતાં ત્રણ મુદ્દાઓ તારવ્યા છે. 1. આપણે ઇતર સાથેના સમ્બન્ધમાં કદી પણ એકબીજાની સ્વતન્ત્રતાનો સ્વીકાર કરી શકવાના નથી, 2. બીજી વ્યક્તિને આપણો કોઈ હેતુ સિદ્ધ કરવા માટે સાધનરૂપ ન ગણવા એ લગભગ અશક્ય છે, 3. ચૈતન્યશીલ માનવીઓ વચ્ચેના સમ્બન્ધનું સારભૂત તત્ત્વ સહઅસ્તિત્વ, સામૂહિકતા કે પરસ્પરાવલમ્બન નથી પણ સંઘર્ષ જ છે.

આમ છતાં અન્યત્ર સાર્ત્ર કહે છે કે આપણે બીજાઓની સ્વતન્ત્રતાનો આદર કરવો જોઈએ. એક સ્થળે એમણે કહ્યું છે, ‘હું બીજાઓની સ્વતન્ત્રતાને મારું લક્ષ્ય બનાવું નહીં ત્યાં સુધી મારી સ્વતન્ત્રતા પણ મારું લક્ષ્ય બની શકે નહીં.’ પરસ્પરાવલમ્બનની વાત અહીં સ્વીકારી લેવામાં નથી આવી? સ્વતન્ત્રતા જ સર્વ મૂલ્યોની આધારભૂમિ છે. શુભ નિષ્ઠાથી કાર્યમાં પ્રવૃત્ત થતા બધા જ લોકોના કાર્યનું આખરી મહત્ત્વ તો એમની સ્વતન્ત્રતાની શોધ જ બની રહે છે. આપણી સ્વતન્ત્રતા બીજાની સ્વતન્ત્રતા પર અને બીજાની સ્વતન્ત્રતા આપણી સ્વતન્ત્રતા પર આધાર રાખે છે.

આમાંથી જ સમસ્ત માનવજાતિને સમપિર્ત થઈને કાર્યમાં પ્રવૃત્ત થવાનો અભિગમ સ્ફુટ થાય છે. આથી જ તો હું મારી સાથે બીજાની સ્વતન્ત્રતાને જાળવવા પ્રતિબદ્ધ થાઉં છું. ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે. આપણા કર્મના પરિણામના છેડા ક્યાં કોને જઈને સ્પર્શશે તેની આપણને ખબર હોતી નથી. પાબ્લો નેરુદાની એક કવિતા વાંચીને એક જુવાને આપઘાત કર્યો એ સાંભળીને એઓ હેબતાઈ જ ગયેલા! સ્ટેફન ઝ્વાઈગે આ જ મર્મને પ્રકટ કરતી ‘વિરાટ’ નામની વાર્તા લખેલી છે તે જાણીતી છે. આથી આપણે જ્યારે કશુંક કરવાની પસંદગી કરીએ છીએ ત્યારે તે સમસ્ત માનવસમાજ વતી કરીએ છીએ એ ભૂલવું ન જોઈએ. તો જ એ કાર્ય મૂલ્યમાં પરિણમે છે. મને ઘડવાની પ્રક્રિયા જ માનવસમાજને ઘડતી રહે છે.

વિષાદને સમજવાની કશી ભૂમિકા આમાંથી આપણને મળી રહે છે ખરી? સમસ્ત માનવ સમાજ વતી કાર્યમાં પ્રવૃત્ત થવામાં મોટી જવાબદારી રહેલી છે. આથી જ આપણે ચિન્તાતુર રહીએ છીએ. કેટલાંક એવી ચિન્તાને ભયના માર્યા ઢાંકી દે છે એટલું જ. આપણે કશું કરવાનું નક્કી કરીએ ત્યારે ‘જો બીજાઓ પણ એ જ કરે તો શું થાય?’ એ પ્રશ્ન આપણને પૂછી લેવો જ જોઈએ. સાર્ત્ર આપણી સ્થિતિને લશ્કરના સેનાપતિની સ્થિતિ સાથે સરખાવી છે. એ જે વ્યૂહ રચે તેના પર કેટલાંયનાં જીવનમરણનો આધાર રહ્યો છે!

માનવસમ્બન્ધ વિશે આ જ સાચું છે એમ માનવાને આપણે લલચાઈ જતા નથી. એકબીજાને પૂરેપૂરા સમજી શકવાની અસમ્ભવિતતાને કારણે જ મૈત્રીમાં કે પ્રેમમાં નવા નવા આવિષ્કારથી થતા વિસ્મયનો આનન્દ પણ નથી રહ્યો હોતો? માતા શિશુની અસહાયતા જાણે છે, એથી જ તો એનું વાત્સલ્ય ઉદ્દીપ્ત નથી થતું? આપણે એકબીજાના પૂરક થવા માટે એકબીજાનો સહકાર નથી ઇચ્છતા? પોતાને બીજા ચાહ્યા કરે એટલું જ માત્ર ઇચ્છનારા સ્વાર્થી હોય છે; સ્નેહ વિના ત્યાગની વૃત્તિ, પોતાનો નિ:શેષ લોપ કરી દેવાની વૃત્તિ પણ સંભવતી નથી.

કેમ્યૂએ કહ્યું છે કે પ્લેગ જેવી મહામારી કે યુદ્ધ જેવો સાર્વત્રિક ભય આપણને જેટલા નિકટ લાવી દે છે તેટલો કદાચ પ્રેમ પણ લાવી દેતો નથી. માનવ માનવને શા માટે ઝંખે છે? આપણી બધાંની નિયતિ એક જ છે, આપણે બધાં એક જ પ્રકારની અર્થહીન અસંગતિની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છીએ. જેને સાર્ત્ર ‘એબ્સોલ્યુટ ઓફ સફરિન્ગ’ કહે છે તેવું કશુંક આત્યન્તિક દુ:ખ આપણને સાંકળતું હોય છે. સુખ તો આપણને જુદા પાડે છે. દુ:ખની તીવ્રતાના પ્રકાશમાં જ આપણે સત્ય જોઈ શકીએ એવી આપણી નિયતિ છે.

સમ્બન્ધમાં અનાસક્તિ રાખવી છતાં દિલચોરી કરવી નહીં એવી, અશક્ય જેવી અપેક્ષા આપણી પાસે રાખવામાં આવે છે, જે થઈ ચૂક્યું તેને મનશ્ચક્ષુ સમક્ષ ફરીથી લાવીને જોવું, જે નથી બન્યું તેને કલ્પનાચક્ષુથી જોવું. આ જ માનવીની વિશિષ્ટતા છે અને એમાં જ એની યાતનાનાં મૂળ રહ્યાં છે. વળી આપણને બધાંને જ સહદેવનો વારસો મળ્યો હોય છે. આપણે બધું સમજતા હોઈએ છીએ, પણ એ કહી શકતા નથી. આ સમજનો ભાર વય વધવા સાથે વધતો જાય છે. એને જ તો આપણે વ્યક્તિત્વની ગરિમા કહીને નથી ઓળખાવતા? જીવનમાં જુદે જુદે તબક્કે આપણી સામે અનેક વિકલ્પો આવીને ઊભા રહે છે. શ્રેય અને પ્રેયનો વિવેક આપણે પણ નચિકેતાની જેમ યમની પાસે જઈને જ શીખી શકીએ? પણ યમ પાસે જઈને અહીં પાછા આવવાનો રસ્તો આપણે માટે તો બંધ છે! સાર્ત્રે આ સમ્બન્ધમાં એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો તે સંભારવા જેવો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક જુવાને એમની સલાહ માગી હતી : એણે જર્મનોના પ્રતિકારમાં જોડાવું કે પછી વૃદ્ધ ને નિરાધાર માતાની સાથે રહેવું? જો માતા સાથે રહે તો જર્મનોએ આણેલી રાજકીય અશ્લીલતાને સ્વીકારી લેવા જેવું નહીં થાય? બેમાંથી એક જ સ્વીકારી શકાય અને ગમે તે સ્વીકારે તો એનાં અસહ્ય એવાં જ પરિણામો આવે. આ પસંદગી કરવામાં જીવનનું કયું બળ એને દોરવણી આપી શકે? ખ્રિસ્તી ધર્મ તો કહેશે કે જે સૌથી વિકટ છે તે પસંદ કરો, બીજા ખાતર જાતનું વિલોપન કરો. તો અહીં વધારે વિકટ શું એનો નિર્ણય કોણ કરી આપે? કોઈ ધર્મ કે નીતિશાસ્ત્ર એનો જવાબ આપતાં નથી. જો પોતે યુદ્ધમાં નહીં જાય તો બીજા માનવીઓ જેઓ યુદ્ધમાં જોડાયા છે તેને એ સાધન તરીકે વાપરી રહ્યા છે એમ નહીં ગણાય? જો પોતે યુદ્ધમાં જાય તો માને પોતાના હેતુની સિદ્ધિ અર્થે સાધનરૂપે વાપરી ન ગણાય? આથી સાર્ત્રનો જવાબ તો આટલો જ હતો : વિકલ્પની પસંદગી કરવાની પૂરેપૂરી સ્વતન્ત્રતા તારી છે, માટે તું જ પસંદગી કરી લે. સામાન્ય નીતિ આમાં તને કશો માર્ગ ચીંધી શકે નહીં!

આગળ કરેલી કોઈ પસંદગી દોરવણી આપનાર સંકેત બની રહે અને એના વડે આ બીજી પસંદગીને કાંઈ નહીં તો પોતાની આગળ, સાચી ઠરાવી શકાય એવું પણ શક્ય નથી. બે પ્રકારના જીવનની આ પરિસ્થિતિ ગણાય, અને કોઈ એક સાથી બે પ્રકારનાં જીવન જીવી શકે નહીં. જે નવી પસંદગી કરો અને નવી જીવનરીતિ અપનાવો તેય ભૂતકાળમાં તમે જે રીતે જીવી ગયા અને એ જીવવાની રીતમાંથી જે મૂલ્ય ઉત્ક્રાન્ત થયાં તેનાથી શી રીતે મુક્ત રહી શકે? તો કયા અર્થમાં વિકલ્પોમાંથી પસંદગી કરવાની મને સ્વતન્ત્રતા છે?

આ પસંદગી કરતાં પહેલાં જ મા મરી જાય કે યુદ્ધ પૂરું થાય તો એ સુખદ (!) અકસ્માત જ ગણાય. અકસ્માતથી ઉકેલની આશા રાખવી એ તો વાહિયાત જ ગણાય. પરમ્પરાગત નીતિ તો ઉચ્ચાવચતાનાં ધોરણો આપણને આપે છે અને પ્રેય કરતાં શ્રેયને ઊંચે સ્થાપે છે. પ્રેયને છોડતાં જે દુ:ખ થાય તે શ્રેયની પ્રાપ્તિથી ભુંસાઈ જશે એવી ગણતરી ભલે નીતિશાસ્ત્રની હોય, આપણું હૃદય એ સ્વીકારી લેતું નથી. આધ્યાત્મિક સિદ્ધિ માટે મૂલ્ય ચૂકવવું પડે એમ કહીએ ત્યારેય જે પામ્યા તે અને જે મૂલ્ય ચૂકવ્યું તે એ બેની તુલના કરવાનું ધોરણ ક્યાંથી લાવીશું? કદાચ ઈશ્વરના મનની પણ સૌથી મોટી સમસ્યા માનવી જ હશે!

18-8-77