ઇતિ મે મતિ/સમયનું સાતત્ય
સુરેશ જોષી
ખેતરમાં જૂનું કચરું કસ્તર બાળી નાખ્યું છે. હજી જમીન ખેડાઈ નથી, ચાસ પડ્યા નથી. વેરાન ખેતરોમાં ગ્રીષ્મના ઉત્તરાર્ધની શાન્તિ છવાઈ ગઈ છે. હજી વાતાવરણમાં વર્ષાની પ્રતીક્ષાનો અણસાર નથી. દૂરના વનમાં બદામી રંગનાં પાંદડાં ખર્યે જાય છે. પવનમાં ધૂળની ડમરીઓ ઊંચે ચઢે છે. એની સાથે મારું મન પણ ચક્રાકારે ઘૂમતું ઘૂમતું સમયના જુદા જ પરિમાણમાં પ્રવેશે છે. એ કાંઈ કેટલાય યુગોમાં ઘૂમી વળે છે. આ જન્મની સંજ્ઞાઓનું વળગણ સરી પડે છે, બધા સન્દર્ભો છૂટી જાય છે. એક ક્ષણના અનુભવમાં મારું મન ભયનો નવો સ્વાદ ચાખીને પાછું ફરે છે.
અત્યારે બધું અતિ સ્પષ્ટ અને તેજસ્વી લાગે છે, પણ અતિ સ્પષ્ટતા એક ભ્રાન્તિ રચે છે. મન એના પર સહેલાઈથી વિશ્વાસ મૂકી દેતું નથી. હું મારામાં રહેલી અસ્પષ્ટતાઓને આધારે જ ટકી નથી રહ્યો? જો બધું સ્પષ્ટ જ હોય તો મારે વિશે પછી કહેવા-વિચારવાનું રહ્યું ન હોત. આથી જ તો આપણને રહસ્યની આટલી બધી માયા છે. આપણું સત્ય ઝૂંટવી લે તો આપણે એક પ્રકારની નિરાંત અનુભવીએ છીએ, પણ જો કોઈ આપણું રહસ્ય ઝૂંટવી લે તો આપણે સાવ અકિંચન બની જઈએ છીએ.
હું રહસ્યવાદી નથી છતાં બધું જ જ્ઞાનની પકડમાં આવી જાય છે એવું માની શકતો નથી. અનુભવ જે ઉપલબ્ધ કરાવે તેનો અહેવાલ હંમેશાં જ્ઞાનની પરિભાષામાં આપી શકાતો નથી. બધું જ અજ્ઞેય છે એમ પણ હું માનતો નથી. આથી મને કુતૂહલ છે. હું વિસ્મય અનુભવી શકું છું. તેમ છતાં કોઈ વાર આ નહિ ઓળખાયેલું, નિકટ જવાનો પ્રયત્ન કરવા છતાં દૂર રહી ગયેલું આ જગત એક ભાર બનીને મન પર ચંપાઈ જાય છે. અનુભવમાં તદાકારતા છે, તદ્રૂપતા છે; જ્ઞાન અળગું રહી જાય છે. એ જીવનદ્રવ્યમાં પ્રવહમાન થતું નથી, ચોસલા રૂપે રહી જાય છે. આથી જ્ઞાનનું અનુભવ રૂપે રૂપાન્તર કરવું એ આત્મસંજ્ઞાનો અભિન્ન અંશ બની રહેવું જોઈએ. આવું હું ઇચ્છું છું પણ આ બધું મને કોઈક વાર અટપટું લાગે છે.
હિટલરની યાતનાછાવણીની ગૅસ ચૅમ્બરમાંથી ઊડતી માનવીની રાખ મારી જીભને ટેરવે ચોંટી જાય છે. મેં કણ્ઠસ્થ કરેલી વેદની ઋચાઓના સ્વર બદલાઈ જાય છે. ગઈ કાલે જ બળાત્કારનો ભોગ બનીને જેણે મરણને વહોરી લીધું છે તે નાજુક ભંગુર કન્યાની પાછળ મને સીતા, દમયન્તી અને શકુન્તલાની અશ્રુભરી મુખમુદ્રા દેખાય છે. ઘડીભર મને તો એવું જ લાગે છે કે ઇતિહાસ આખો વેદનાના સૂત્રે પરોવાયેલો છે. સમયનું સાતત્ય એટલે વેદનાનું સાતત્ય.
જેમનામાંથી પુણ્ય ગંધાઈ ઊઠ્યું હોય એવા લોકો પણ મેં જોયા છે. આર્જવ એમનામાંથી સુકાઈ ગયું છે. એમની સાત્ત્વિકતા ગન્ધક જેવી છે. એ સહેજ સહેજમાં ભડકો થઈ ઊઠે છે. એમની આંખોમાં કરુણાની આર્દ્રતા નથી. એમના હાથ હંમેશાં આશીર્વાદ આપવાની મુદ્રામાં જ રહ્યા હોય છે. ગમે તે પ્રકારના કર્મને સત્કર્મમાં ફેરવી નાખવાનો એમની પાસે કીમિયો હોય છે. એઓ એમનાં થોડાંક દેવલાંને સાચવતા જિન્દગીભર બેસી રહે છે. ઉચ્ચાગ્રહને નામે એવા લોકો પોતાના અહંકારને બેહદ વકરવા દે છે. સત્ય ઉચ્ચારી ઉચ્ચારીને એમની જીભ લપટી પડી ગઈ હોય છે. ગેરસમજ પણ સમ્બન્ધ ધરાવતા માણસો વચ્ચે જ સળવળે છે. પણ જેઓ સભાનપણે બીજાના પર દોષારોપણ કરવાનો ઉત્સાહ ધરાવે છે તેઓ માનવસમ્બન્ધના ક્ષેત્રને ક્યારનાય છોડી ચૂક્યા હોય છે. અમાનુષીપણામાં જ એમને લોકોત્તરતાનો અનુભવ થાય છે. પહેલાના વખતમાં હરિજન પાસેથી વાણિયો પૈસા લે તો પાણીમાં ધોઈને લે. હજી હું કોઈ મારું અપમાન કરે તો, એના શબ્દોને કારુણ્યના જળમાં ઝબકોળીને જ સ્વીકારું છું.
ઘણા લોકો લક્ષ્મીના લક્ષ્મી સાથે થતા સંગમના સ્થાનને જ શ્રેષ્ઠ તીર્થસ્થાન માનતા હોય છે. સરસ્વતીનો ફલ્ગુ સ્રોત એમને દેખાતો નથી. કીતિર્નાશાને કાંઠે અલગારી બનીને બેસનારા તો વિરલા જ. શબ્દોને લોલીપોપની જેમ ચૂસનારા ઘણા, ધારદાર શબ્દોનો મુકાબલો કરનારા થોડા. વૃક્ષની છાયા નીચે બેસીને જગતને શીતળતાનો સંદેશો આપનારા ઘણા, નિર્જન વેરાનમાં શાન્તિના બે શબ્દો જોડી શકનારા થોડા. જેને શત્રુ નથી તેની મને ઈર્ષ્યા થતી નથી. એને હૃદયની સીમા વિસ્તારવાનું નિમિત્ત જ મળ્યું નથી. જે સફળતાના ખાનામાં જીવનને પૂરી દીધું છે તે સફળતા સિવાય આ જીવનમાં પામવા જેવું ઘણું છે.
શબ્દો હું બોલતો રહ્યો છું. શબ્દો વચ્ચેના નવા નવા સમ્બન્ધો હું જોડતો રહ્યો છું. એ હંમેશાં સુખદ રહ્યું નથી. કોઈ વાર શબ્દ પારાની જેમ કશાક નવા વજન સાથે ઊંડે ઊંડે ઊતરી જાય છે, તો કોઈક વાર શબ્દ ઉચ્ચારતાંની સાથે જ એને ઉચ્ચારનારાના દાંતને તોડી નાખે છે. એક વાર લોકો રેશમ જેવી મુલાયમ ભાષાની વાતો કરતા હતા. હવે ભાષા તાજા હલાલ કરેલા પશુની ખાલ જેવી લાગે છે. એમાંથી વિના કારણે રેડાયેલા માનવીના રક્તની, આંસુની ખારાશની, પરસેવાની, નિ:શ્વાસની વાસ આવે છે. એ જ ભાષામાં પ્રેમીઓએ પણ એમનો પ્રેમાલાપ ચલાવવો પડશે. ઘણા શબ્દોને રેતીના કિલ્લાની જેમ ઘડે છે ને પછી શબ્દોને રેતી ભેગા થતા જોવાની રમત જીવનભર રમ્યા કરે છે. કેટલાક માનવી થયા છતાં હજી પશુની ભાષામાં, પંખીની ભાષામાં, કીટની ભાષામાં જ બોલતા હોય છે. કેટલાકના શબ્દો ધૂપસળી અને વાસી ફૂલોની ગન્ધથી ઘેરાયેલા હોય છે. ઘણા અગ્રણીઓના શબ્દો પોલા ઢોલની જેમ ખોખરા થઈ ગયા છે, પણ એમના વીરત્વનો વળ હજી ઊતર્યો નથી!
આમ છતાં નિ:શબ્દ થવાનું મને નહિ પરવડે. માનવીનું સ્વત્વ ઝૂંટવી લેવું હોય તો એની ભાષા ઝૂંટવી લો. ઘણા ભાષાને ઝૂંટવાઈ જતી જોઈને શબ્દોના પ્રપંચમાંથી છૂટ્યાની નિરાંત અનુભવે છે. જેઓ જગત સાથે પોતાને જોડે છે તેમને ભાષાના સેતુ વગર નહિ ચાલે. શબ્દ વિનાની શાન્તિને માણનારા પરમહંસ હોય છે અથવા મીંઢા હોય છે. ‘રખેને કશું બોલતાં છતા થઈ જવાશે તો?’ એવા ભયના માર્યા એઓ કશું બોલતા નથી. ક્યાંક કોઈકને શાતાના એક શબ્દનો ખપ પડ્યો હોય તોય એઓ મીંઢા બનીને બેસી રહે છે. એમની નિલિર્પ્તતા કોઈ કાયરની કે સ્વાર્થીની નિલિર્પ્તતા હોય છે. જે માત્ર બોલે નહિ પણ બીજાનેય વાણી સંપડાવી આપે તે ઋષિ. હંમેશાં ગંગાજળ છાંટેલા શબ્દો બોલવાનું તો આપણે પણ લીધું નથી. આપણે જીવનગંગામાં ડૂબકી મારીને તો જીવતા નથી! આપણે તો સંસારમાં રજોટાઈને જીવીએ છીએ. સ્વર્ગની કાન્તિ મુખ પર ધારણ કરનારા શબ્દો ઘણી વાર કૃતક અને ઠગારા નીવડે છે.
પ્રકૃતિની બધી ભાષા જાણનાર હજી કોઈ કવિ થયો નથી. આપણને કેવળ કાલિદાસ, વાલ્મીકિ કે રવીન્દ્રનાથથી ચાલવાનું નથી. ભવભૂતિ, નેરુદા કે ચેઝારે વાયેહોની પણ જરૂર પડશે. કર્ણ વડે કેવળ ભદ્ર સાંભળનારા જ સૌ પ્રથમ અભદ્રનો ભોગ બનતા હોય છે. પણ અભદ્રને ભદ્ર તરીકે ખપાવવાની કુનેહ એ લોકો મેળવી લે છે. શબ્દ પારદર્શી હોય તો શંકાની નજરે જોવો. શબ્દ આંસુથી ડહોળાયેલો હોય, નિ:શ્વાસથી ધૂંધળો હોય, આક્રોશની આંચવાળો હોય, કારણ કે એ જીવતા માણસનો શબ્દ છે, દેવવાણી નથી. દેવનાગરી લિપિ તે સ્વર્ગમાં જવાની સીડી નથી. શબ્દને શિખર પર કળશની જેમ સ્થાપવાનો નથી, એને તો ચૌટે ને ઘાટે લઈ જવાનો છે. શબ્દોના રાફડા ન હોય, કવિ પ્રજાને શબ્દો ઘડી આપે છે એમ કહ્યું તે અર્ધસત્ય છે. પ્રજા જે શબ્દોને જીવનથી ઉચ્છ્વસિત કરે છે તેને આધારે જ કવિ એના શબ્દોને ઘડતો હોય છે. એ કડી જોડાયેલી રહેવી જોઈએ. શબ્દો જ એના પ્રકાશથી અભ્યન્તરને અજવાળે છે. પણ ઘણા શબ્દોને ઉત્સવના શણગારરૂપ જ જુએ છે. ઉત્સવ તો એકાદ દિવસ હોય. બાકીના દિવસોનું શું? ઘણા શબ્દોના ચીપિયાથી વેદનાનાં આંતરડાં બહાર ખેંચી કાઢે છે. પણ એ ચિત્કારમાંથી હજુ કશુંક રચવાનું બાકી છે તે એઓ જાણતા નથી હોતા.
2-6-80