ઇતિ મે મતિ/સ્વપ્નની સૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વપ્નની સૃષ્ટિ

સુરેશ જોષી

હવામાં અદૃશ્ય એવી સીડી પર થઈને નાના શિશુ જેવું લીમડાનું પાંદડું કૂદતું કૂદતું નીચે ઊતરે છે. જૂઈની કળી પોતાને પોતાનામાં સંકેલીને જાણે સમાધિસ્થ થઈ ગઈ છે. દૂરથી ધૂળની ડમરી ચક્રાકારે ઘૂમતી આગળ વધે છે. પડછાયાઓની ભાત ધીમે ધીમે ઊપસી આવવા લાગી છે. સમયની શૃંખલામાં હજી જકડાયા નથી એવા મુક્ત શિશુઓ ક્રીડાના આનન્દના લયમાં ચંચળ બનીને ડોલે છે. ત્યાં ઘરસંસારના રેઢિયાળ ક્રમનું ચીંચવાતું ચક્ર એના કર્કશ અવાજથી આ લયને તોડી નાખે છે.

ઘણા જીવનને સ્વપ્નની જેમ જીવી નાખે છે. એ રીતે જીવવાનું સુખ એ છે કે જીવનમાં દેખાતી અસંગતિઓની પછી આપણે ફરિયાદ નથી કરતા. સ્વપ્નનો તો અન્વય જ જુદો હોય છે ને! પણ સ્વપ્નોથીય આપણે છળી મરતા નથી? એથી તો ઝેકોસ્લોવાકિયાના પેલા કવિએ કહ્યું હતું, ‘દરેક રાતે હું ફરીથી મારી સ્મૃતિના એ નિર્જન સ્થાનની મુલાકાત લઉં છું. ત્યાં કદી કોઈએ વાસ કર્યો નથી, કારણ કે ત્યાં દોરી જનારો કોઈ રસ્તો જ નથી. ફરી ફરીને મારું સ્વપ્ન કોઈ ઘવાયેલા પંખીની જેમ ઊભું થવા મથે છે. જેણે એને ઈજા કરી છે તે શિકારી વનને છેડેથી સરી જાય છે. એના ચાલવાથી વૃક્ષો પરથી બરફની સળીઓ ખંખેરાઈને નીચે પડે છે. ને પછી નીચેની ઝાડીમાં અદૃશ્ય થઈ જાય છે.’

તો સ્વપ્નમાંય આપણે પાંખ છતાં ઊડતા નથી કારણ કે આપણે ઘવાયેલા છીએ. સ્વપ્નમાંય કોઈ શિકારીને સરી જતો જોઈએ છીએ. માનવીનું લોહી ઈશ્વર ચાખી ગયો છે. એ કોઈ ને કોઈ રૂપે આપણી હત્યાનો પ્રબન્ધ કરે છે. આમ સ્વપ્નમાંય બધી વિગતો તો આપણે જીવનમાંથી જ સંઘરીને નથી લઈ જતા? આથી રિલ્કે જેવો કોઈક કવિ માથું ધુણાવીને કહે છે કે ના, જીવન સ્વપ્ન નથી. ના, જીવન માત્ર સ્વપ્ન નથી. સ્વપ્નમાં પણ અરાજકતાભર્યા જીવનના ખણ્ડો જ છે ને? આપણી દૃષ્ટિ અને આપણું હોવું જ એમાં સૂત્ર બનીને પરોવાયું છે – એ બન્ને ત્યાં અભિન્ન બનીને રહે છે…. સ્વપ્ન તો એક વૃક્ષ છે, એક ધ્વનિ છે, એક ઊડી જતો અણસાર છે, આપણામાં જ ઉદ્ભવતું અને શમી જતું એક સંવેદન છે, તમારી આંખોમાં તાકીને જોઈ રહેલું એ પશુ છે. એ તમારા તરફ ઝૂકેલો દેવદૂત છે, તમારા કેશમાં ક્યાંકથી કોઈક ફૂલ આવીને ખરે તેમ તમારી ચેતના પર ટપકી પડતો એક શબ્દ તે આ સ્વપ્ન છે. એ શબ્દ સાવ હળવો છે, એની શક્તિ ખરચાઈ ચૂકેલી છે, એ આભો બની ગયેલો લાગે છે. તમે તમારા હાથનો સમ્પુટ રચીને ઊભા રહો તોય એમાં સ્વપ્ન જ ઝીલાય છે – એ કોઈ દડાની જેમ હથેળી વચ્ચે બરાબર ગોઠવાઈ જાય છે. બધાં જ સ્વપ્નો તમને સુખદ રીતે સહ્યા નીવડશે એવું તમે માનતા હો છો.

હા, આપણે સ્વપ્નોને સહી લઈએ છીએ, કારણ કે જે આપણામાં છે તેનાથી ભાગીને આપણે ક્યાં જવાના હતા? પણ માથા પરના કેશપુંજ જેવો એનો ભાર હોય છે. એ આપણામાંથી જ ઊગે છે ને વિસ્તરે છે. એ આપણી શોભા પણ બની રહે છે. ઘરને ઘેરીને રહેલા ઉદ્યાનની જેમ આપણને એ આવરી લે છે. આથી કવિજનોએ તો સ્વપ્નની જ સ્તુતિ ગાવી સારી!

રાત પડે છે ત્યારે અયુત પ્રકાશવર્ષ દૂરનાં ગ્રહનક્ષત્રો મારી બારીના કાચ પર આવીને વસે છે. વિશાળ અવકાશમાં રહેનારા નાના શા કાચના ટુકડા પર સમાઈ જાય છે. પ્રતિબિમ્બ રચવાની ઈશ્વરની કળાની આપણે ઝાઝી કદર કરી હોય એવું લાગતું નથી. આ પ્રતિબિમ્બ દ્વારા જ ઈશ્વર વાસ્તવિકતા અને એનું સારવી લીધેલું રૂપ બંનેને સાથે રજૂ કરે છે. એમાંથી કળા જ નહીં, ફિલસૂફી પણ ઉદ્ભવી છે. છાયા છે ત્યાં સુધી આપણે તો દ્વૈતાવસ્થા જ સ્વીકારવી રહી. જો વસ્તુ સાચી છે તો એના સત્યને જ સારવી લેનારી છાયા પણ સાચી છે. એને મિથ્યા કહી નહીં દેવાય. છાયા કેવળ આકૃતિ છે. એ સંસાર વહેવારની કોઈ ઉપયોગી વસ્તુ નથી. સૂર્યની છાયા વડે સમયનું રૂપ માણસે ઓળખ્યું. સૂર્યશતક લખનારા કવિઓ છે પણ છાયાશતક લખનારો કવિ હજી કેમ પાક્યો નથી?

ઘણી વાર આપણી પોતાની વાસ્તવિકતા પણ નથી ભુંસાઈ જતી? આપણે કોઈના સ્વપ્નનો એક ભાગ નથી બની જતા? વાસ્તવિકતામાંથી આપણે નરી છાયામાં નથી સરી પડતા? પછી આપણો કોઈ ઉપયોગ કરી શકતું નથી. આપણા પર સૌ કોઈ પગ મૂકીને જાય તોય આપણે દલિત નથી ગણાતા! છાયા બનીને પથરાઈ જવા છતાં આપણે કોઈની તસુભર ભોંય પચાવી પાડતા નથી. છાયા એટલે વફાદારી એવું આપણે માનતા આવ્યા છીએ. પણ છાયાને એનું આગવાપણું હોય છે છતાં છાયાપરાયણ બનીને આપણે જીવી શકતા નથી. ભલે આપણી કાયાને ઈશ્વરની છાયારૂપ ગણીએ છતાં આપણે મોંમાં સાચો ધાનનો કોળિયો ભરીએ તો જ ઈશ્વરની આ છાયા પણ ટકી રહી શકે!

પસ્તી વેચવા માટે કાઢી ત્યારે વર્ષો પહેલાંનાં કોઈ ચોપાનિયામાંથી એક છબિ મારી સામે તાકી રહી. એ છબિ હતી દક્ષિણ વિયેતનામની એક સ્ત્રીની. એક અમેરિકન સૈનિક એની તપાસ લઈ રહ્યો છે. એણે બંદૂકની નળી એ સ્ત્રીના લમણા તરફ તાકેલી છે. એ સ્ત્રીની પાછળ બીજો સૈનિક એના વાળ ખેંચીને ઊભો છે. એ સ્ત્રીના મોઢા પર અકાળે કરચલી પડી ગઈ છે. એથી એ હસતી હોય એવો આભાસ ઉત્પન્ન થાય છે.

એની સામે જ આજના છાપામાં જોયેલી બીજી તસ્વીર ખડી થાય છે. એક યહૂદી પિતા ગળેથી લટકતા પટામાં રાયફલ ઝૂલાવતો એના બે દીકરાઓના હાથમાં હાથ રાખીને ચાલે છે. એ શિશુઓ અને પેલી ઝૂલતી રાઇફલ આ બંનેની સહોપસ્થિતિ કોઈ સર્રિયલ કવિના કાવ્યમાંનાં બે કલ્પનોની સહોપસ્થિતિ જેવી નથી લાગતી? કવિ તો કૃતક ગામ્ભીર્યનો ડોળ કરીને શબ્દનો વેપલો ખેડીને શબ્દને મોઢામાં મમળાવતાં ગાળો દઈને રમત રમતો હોય છે. પણ આ તો પરાવાસ્તવિક એવી વાસ્તવિકતા છે. ખરી સર્રિયલ કવિતા તો આપણા જમાનાના સરમુખત્યારોએ જ રચી છે! સત્ય-અસત્યને ભેગાં વસાવવાની એમના સિવાય કોની હિંમત ચાલે?

વિયેતનામનું યુદ્ધ નિરાશા પ્રેરતું નથી, આશાનું કિરણ પ્રકટાવે છે. બધી યાતના વિટમ્બણા છતાં માનવી માથું ઊંચું રાખીને જ જીવશે. ફરી ડાંગરનાં ખેતર લહેરાઈ ઊઠશે. પણ આજનાં યુદ્ધો વધારે ખતરનાક, વધારે છળકપટભર્યાં અને જીવલેણ છે. એમાં જેને વેરઝેર નથી તે પણ હોમાઈ જાય છે. આમ છતાં આ આશાવાદ ફિક્કો પડી જાય છે તે કબૂલ કરું છું. માનવી યુદ્ધ લડતાં થાક્યો નથી. હવે ઠંડા યુદ્ધની ને બિનલોહિયાળ ક્રાન્તિની નવી શોધો થઈ છે. શું ઈશ્વર માનવીની સહનશીલતાનું હજી માપ કાઢી રહ્યો હશે?

આ સન્દર્ભમાં મને ચે ગુવેરા યાદ આવે છે. એણે કહેલું કે એ કોઈ અમુકતમુક દેશનો વતની નથી. જ્યાં પ્રજા આતતાયીઓની એડી નીચે કચડાય છે, જ્યાં માનવી ગુલામ છે ત્યાં ગુવેરા જઈને ઊભો રહે છે. એ દેશનો ઝંડો તે એનો ઝંડો. દમનો રોગ છતાં કેડ સમાણાં પાણીમાં ચાલીને એ બોલિવિઆમાં છાપામારોની સાથે જોડાયો. આ બધું એણે શી શક્તિથી કર્યું હશે? એણે મરણની આવી ઠંડી ઉપેક્ષા શી રીતે કરી હશે? આ સન્દર્ભમાં એણે જે કહ્યું હતું તે મને યાદ આવે છે : ‘મેં મારી સંકલ્પશક્તિને કળાકારની એકાગ્રતાની સરાણે ચઢાવીને ધારદાર બનાવી છે. એ મારા પડતાંઆખડતાં ચરણને અને થાકી ગયેલાં ફેફસાંને આધાર આપશે.’

રશિયાનો શિલ્પી અરાજકતાવાદી વોઇનારોવ્સ્કી એડમિરલ દુબાસ્સોવ પર બોમ્બ ફેંકતા મરી ગયો. એણે પોતાનાં મરણની કલ્પના કરતાં કહેલું, ‘એ ક્ષણે મારા મોઢા પરનો એક પણ સ્નાયુ ફરકશે નહીં. હું એક પણ શબ્દ ઉચ્ચારીશ નહીં ને શાન્તિપૂર્વક ફાંસીને માંચડે ચઢી જઈશ. આ કોઈ મારી જાત પર મેં ગુજારેલું હિંસાનું કૃત્ય નહીં હોય. હું જે પ્રકારનું જીવન જીવ્યો છું તેનું જ એ સ્વાભાવિક પરિણામ હશે.’

આપણા મનમાં આ વાંચતાં પ્રશ્ન થાય છે કે આવી દૃઢતા, આવી સંકલ્પશક્તિની આખરે આવી દશા? આ શક્તિનો માનવ કલ્યાણાર્થે ઉપયોગ ના થઈ શકે? સમાજ શા માટે હજી બત્રીસ લક્ષણાનો ભોગ લેતો રહે છે? જો કોઈ ભૂવો મેલી વિદ્યાને માટે કોઈ જીવતા માનવીનો ભોગ લે તો આપણે એનો કેવો વિરોધ કરીએ છીએ?

ફ્રેન્ચ ક્રાન્તિ વખતે સેઇન્ટ જસ્ટે રાજાશાહીનો વિરોધ કરતાં કહેલું, ‘નિર્દોષતા જાળવી રાખીને રાજ કરવું અઘરું છે. એમાં રહેલું ગાંડપણ અતિ સ્પષ્ટ છે. દરેક રાજા બળવાખોર અને બીજાની ગાદી પચાવી પાડનારો જ હોય છે.’ એણે એનો શિરચ્છેદ થવાનો હતો તેની આગલી રાતે ભારે નિર્વેદથી કહેલું, ‘હું જે માટીનો બન્યો છું તેને ધિક્કારું છું. એ જ માટી તમને ઉદ્દેશીને બોલી રહી છે : કોઈ પણ આ માટીની બનેલી કાયાનો અન્ત લાવી શકે છે. પણ મેં જે મારી જાતને આપ્યું છે તે મારી પાસેથી કોઈ ઝૂંટવી લઈ શકે એમ નથી – સદીઓના આકાશ નીચેનું સમ્પૂર્ણ સ્વતન્ત્ર જીવન!’

26-4-76